બે બાળવાર્તાઓ – જગદીશ ધનેશ્વર ભટ્ટ
[1] ગણતર વિનાનું ભણતર
આપણામાં કહેવત છે ને કે ‘ગાંડાઓના તો કદી ગામ હોતાં હશે ?’ કહેવાનું તાત્પર્ય એ કે ગાંડાઓ પોતાની મેળે જ પોતાના વર્તનથી ઓળખાઈ જાય છે. આવા ચાર મૂરખાઓની આપણે વાત કરીએ. ચાર મિત્રો હતા. તેઓ સાથે સાથે ફરતા. શહેરમાં ભણવા ગયા. દસ વર્ષ ભણ્યા. વિદ્યા પ્રાપ્ત કરી. જ્ઞાની થયા. પાછા ફર્યા. તકલીફ એ વાતની હતી કે તેઓ ભણતા હતા પણ ગણતા ન હતા. જ્ઞાનનો ઉપયોગ કઈ રીતે વિવેકપૂર્ણ કરવો તે જાણતા ન હતા. માત્ર વેદિયા હતા.
તેઓ ઘર તરફ પાછા ફરતા હતાં. ચાલતાં ચાલતાં ચાર રસ્તા ભેગા થતા હતા તેવી જગ્યાએ આવી પહોંચ્યા. હવે ક્યાં જવું તેવા વિચારોમાં ખોવાયા. એટલામાં તેમની નજરે સ્મશાનયાત્રા પડી. તેની પાછળ કેટલાક તાજામાજા માણસો પણ આવતા હતા. સ્મશાનયાત્રા તેમની પાસેથી પસાર થતી હતી ત્યારે આ ચારમાંથી એક જણ બોલ્યો : ‘મિત્રો, પુસ્તકમાં લખ્યું છે કે મહાજનો જ્યાંથી પસાર થાય તે રસ્તે જવું જોઈએ. આમ કરીને તેમની પાછળ પાછળ ચારે જણ ચાલવા લાગ્યા. તેઓ ચાલતાં ચાલતાં સ્મશાને પહોંચ્યા. ત્યાં વિધિ પૂરી થયા બાદ ડાઘુઓ વેરાઈ ગયા. ચારે જણ એકલા રહ્યા. ચારેની નજરે એક ગધેડો દેખાયો. તેને જોઈને બીજો બોલ્યો : ‘ભાઈઓ, પુસ્તકમાં લખ્યું છે ને, રાજાના દરવાજે અથવા તો સ્મશાનમાં જે ઊભું હોય તે ભાઈ કહેવાય. માટે આ ગધેડો આપણો ભાઈ ગણાય.’ આમ કહીને ચારે જણ ગધેડાને વળગી પડ્યા. કોઈ તેના પર બેઠું. બીજો પૂંછડું રમાડવા માંડ્યો. ત્રીજો ઘાસ ખવડાવવા લાગ્યો. ચોથો ગધેડાના પગ ધોવા માંડ્યો.
એટલામાં ચારે જણની નજરે ઊંટ દેખાયું. તેને જોઈને તેઓ વિચારમાં પડ્યા કે આ વળી કોણ આવીને ટપક્યું ? આ ચારે જણને પુસ્તકિયા જ્ઞાન સિવાય કોઈ ખ્યાલ ન હતો. તેમણે વિચાર્યું, ‘પુસ્તકમાં લખ્યું છે કે ધર્મની ગતિ વેગવાળી હોય છે. માટે આ ધર્મ છે.’ તેમણે કહ્યું : ‘પ્રિય વસ્તુને ધર્મ સાથે જોડવી જોઈએ. માટે આપણો પ્રિય ગધેડો ધર્મ સાથે જોડીએ.’ આમ કરીને ચારે જણાએ ગધેડાને ખેંચી લાવીને ઊંટના ગળે બાંધી દીધું. દૂરથી ગધેડાનો માલિક આ ચારે જણાનું નાટક જોતો હતો. તે દંડો લઈને દોડ્યો. તેને જોઈને ચારે જણ જીવ બચાવવા ભાગી છૂટ્યા.’ દોડતાં દોડતાં થાકી ગયા અને નદીના કિનારે બેસી ગયા. નદીના પાણીમાં કેળનું પાંદડું તણાતું આવતું ચારે જણે જોયું. એકને એક વાત યાદ આવી કે ‘જે તરે છે તે આપણને પણ તારશે.’ આમ કહી એક જણાએ ઝંપલાવ્યું અને પાંદડાનો સહારો લેવા પ્રયત્ન કર્યો, પણ તણાવા લાગ્યો. બીજાને જ્ઞાન થયું. પૂરાનો નાશ થતો હોય તો અડધાને બચાવવું જોઈએ. આમ વિચારી તેણે તણાતા મિત્રની ચોટલી પકડીને તેનું માથું કાપી લીધું. તેનું શરીર પાણીમાં વહી ગયું.
ચારની જગાએ ત્રણ બચ્યા. ગામ પહોંચ્યા. ત્રણે જણ એક ઘરમાં રહ્યા. એક જણને સેવો ખાવા આપી. ફરી મગજમાં વિચાર ઝબક્યો કે ‘લાંબી લાંબી વસ્તુનો નાશ થાય છે.’ આમ કહીને તેણે જમવાનું માંડી વાળ્યું. બીજાને રોટલી ખાવા આપી. તેણે વિચાર્યું, ફેલાયેલી વસ્તુથી આયુષ્ય ઓછું થાય છે. આમ તેણે પણ રોટલી ખાવાની છોડી દીધી. ત્રીજાને જલેબી આપવામાં આવી. છિદ્રવાળી વસ્તુ અનર્થકારી છે આમ વિચારી જલેબી ખાવાનું ત્રીજાએ માંડી વાળ્યું. ત્રણે જણ ભૂખે મર્યા. આમ, ગણતર વિનાનું ભણતર નકામું છે.
[2] બિરબલની ચતુરાઈ
બાદશાહ અને બિરબલની ઘણી વાતો જાણીતી છે. બાદશાહ અકબરના દરબારમાં નવ ચતુર પુરુષો હતા, તેથી બાદશાહનો દરબાર એ નવરત્ન દરબાર કહેવાતો. બધામાં બિરબલ જાણીતો હતો અને તે અતિશય બુદ્ધિમાન અને ચતુર હતો. એકવાર બાદશાહને તુક્કો સૂઝ્યો. તેણે દરબારીઓ તરફ જોઈને પૂછ્યું : ‘બોલો ! આકાશમાં કેટલા તારા છે ?’ પહેલાં તો બધાને સહેલું લાગ્યું, પણ વિચારતા ગયા ત્યારે માલૂમ પડ્યું કે, આ તો અઘરો સવાલ હતો. ઘણા દરબારીઓને બિરબલની અદેખાઈ આવતી. તેમણે કહ્યું : ‘જહાંપનાહ ! અમારામાંનો કોઈ જવાબ આપી શકે તેવું લાગતું નથી. પણ આ બિરબલ બહુ ચતુર છે. તે જરૂર જવાબ આપશે.’
બાદશાહે આસપાસ જોયું. એટલામાં બિરબલ દરબારમાં પ્રવેશ્યો. દરબારમાં સૂમસામ શાંતિ જોઈ એટલે તે સમજી ગયો કે કોઈ કારણ જરૂર છે. બિરબલે કુરનિશ બજાવી. તરત જ બાદશાહે સવાલ કર્યો, ‘બિરબલ ! બોલો, આકાશમાં કેટલા તારા છે ? તમે ચતુર છો, તેથી જવાબ આપશો એમ દરબારીઓ માને છે.’ બિરબલ દરબારીઓની અદેખાઈથી અજાણ ન હતો. તેણે કહ્યું :
‘નામદાર ! સાવ સહેલી વાત છે. આકાશમાં નવસો કરોડ નવસો નવ્વાણું તારા છે !’
બાદશાહે કહ્યું : ‘તું ખાતરીપૂર્વક કહે છે ?’
બિરબલે કહ્યું : ‘હાં જહાંપનાહ, હું ખોટું બોલતો હોઉં તો દરબારીઓને કહો કે આ ગણીને આપને કહે. મેં તો તારા ગણ્યા છે.’ બાદશાહ બિરબલની ચતુરાઈથી ખુશ થયા, પણ દરબારીઓ શરમથી નીચે જોઈ ગયા.
ખુબ સુંદર વાર્તાઓ….પહેલી વાર્તા વાંછી પંચતંત્રની ચાર વિજ્ઞાન મિત્રોની વાર્તા યાદ આવી ગઇ જેમાં તેઓ મરેલા સિંહને જીવતો કરે છે.
પહેલી વાર્તા હિરલ ના કહેવા પ્રમાણે વાઘ કે સિંહને સજીવન કરે છે તેની યાદ આપી ગઈ. હવે તો ભણતર ભારરુપ અને ગણતરને બદલે ગણતરી વધી ગઈ છે.
અકબર-બિરબલ હંમેશા તાજગી આપી જાય છે.
હનતર વિનનુ ગનતર અને બિર્બલ્નિ ચતુરૈ, બન્ને વર્તઓ બહુજ સરસ ચ્હે.
હરુભૈ કરિઅ
Jagdish Dhaneswar Bhatt’s Bal Vartas are ever liked by me. I have read him in Rannade Prakashan’s Gujarati Magazines also.
Thanks to RD and Mrugeshbhai for once again publishing his Bal Vartas.