અવતરણ – સંકલિત

[1] જાતજાતની સુખસગવડો આજે આપણને ચકરાવે ચડાવી રહી છે. દરેકે દરેક તેનો લાભ લેવા વલખાં મારે છે. જ્યારે ભૌતિક સુખસગવડો પાછળ આંધળી દોટ મુકાય છે, ત્યારે જીવનને સમજવું, આપણા અસ્તિત્વ વિશે સભાન બનવું, એવી અત્યંત મહત્વની બાબતોની નરી ઉપેક્ષા કરાય છે. જીવનના ઊંડાણમાં ડૂબકી દઈ ખરો આનંદ શોધવાની કોઈને પડી નથી. સભ્યતાને નામે માત્ર છબછબિયાં કરવામાં જ સહુને રસ છે. – તૉલ્સ્તૉય

[2] મેં એક કરોડ રૂપિયામાંથી 50 લાખ ગુમાવ્યા. 50 લાખ બચશે પણ હું દુઃખી બનીશ, અને રડીશ. તમારી પાસે કંઈ નથી અને 50 લાખ મળે તો તમે સુખી થશો અને નાચશો. બન્નેની સ્થિતિ એક હશે. પણ તમે કેટલીવાર નાચશો ? કારણ કે જેણે મેળવ્યા છે, તેના પચાસ ગુમાવવાની શક્યતા થઈ જાય છે. હું ક્યાં સુધી રડીશ ? કારણ કે જે પચાસ ગુમાવે છે તે પચાસ મેળવવામાં લાગી જાય છે. ન તો મારું સુખ તમારું સુખ બને છે, ન તો મારું દુઃખ તમારું દુઃખ બને છે. સુખ અને દુઃખ આકાશની વાદળીઓ જેવાં છે – આવે છે, જાય છે, છતાં બન્ને સત્ય છે. – અજ્ઞાત (‘અખંડ આનંદ’ માંથી સાભાર.)

[3] સૂર્ય તેજસ્વી છે, પરંતુ દુનિયામાં બે સૂરજ ભેગા થઈ જાય તો આપણે સૌ બળીને ખાક થઈ જઈએ. પરંતુ બે નહીં, પચાસ ચંદ્ર ભેગા થઈ જાય તો પણ આપણને કશું નુકશાન ન થાય. રાત્રે લાખો નક્ષત્ર પ્રગટે છે પણ આપણને કોઈ તકલીફ નથી થતી, ઊલટું ભારે આનંદ આવે છે. આપણને તેજસ્વિતા ગમે છે. આજે સમાજમાં હજારો ઝઘડા છે. એમાં તેજ દેખાય છે, પરંતુ શાંતિ નથી દેખાતી. તેજ તો જોઈએ, પણ તે શીતળ હોવું જોઈએ. એટલા માટે શાસ્ત્રોમાં કહ્યું છે : ‘નમઃ શાંતાય તેજસે’ – શાંત તેજવાળા દેવને નમસ્કાર હો. હું ઈચ્છું છું કે દેશમાં શાંત તેજ પ્રગટ થાય. – વિનોબા

[4] ‘સાદું જીવન અને ઉચ્ચવિચાર’ કરતાં મોટા ભાગના માણસો ‘લકઝુરિસ લિવિંગ અને લો થિંકિંગ’ અપનાવતાં દેખાય છે, તેનું સ્વાભાવિક કારણ એ છે કે જે કષ્ટ ઊંચે ચડવામાં પડે છે તે નીચે લપસવામાં પડતું નથી. તેથી ઊલટું આનંદ આવે છે. જેમ કે લપસણ ઉપરથી લસરતાં બાળકો કેટલાં આનંદપૂર્વક ઊભાં થઈને પોતાનાં કપડાં ખંખેરી નાખે છે ! લસરવાથી કપડાં ઘસાઈને વહેલાં ફાટશે એવો વિચાર માબાપ કે મોટાભાઈને આવે, તેમનાં બાળકોને નહીં. કેમ કે તેઓ બાળકો છે. એમ આપણે, આપણી પ્રજા, આપણા દેશના નાગરિકો હજી ઘણા અર્થમાં કેવળ ‘બાળકો’ જ છીએ. સાદાઈ, સરળતા, નિખાલસતા એ તો આત્માના ઉમદા ગુણો છે કે જેને પ્રાપ્ત કરવા માટે દીર્ઘ સાધનાની આવશ્યકતા રહે છે. સાદાઈની ઈચ્છા માણસમાં ક્યારે જન્મે ? જ્યારે તે ઉપભોગથી ધરાય ત્યારે ! ટીવી જોવા જાઉં ત્યારે અર્ધું માથું જાહેર ખબરો ખાઈ જાય છે. આ સાબુ વાપરો અને તે વાપરો. પીણાંની જાહેરખબરો, ફ્રીજ, ગાડીઓ અનેક ભૌતિક ચીજોને માનવમનમાં એવી સિફતપૂર્વક ઘુસાડવામાં આવી રહી છે કે ન પૂછો વાત ! માણસના મનને જ ‘મટિરીયાલિસ્ટીક’ બનાવવામાં આવી રહ્યું છે ત્યાં સ્વૈચ્છિક સાદાઈની વાત ક્યાં કરવી ? – હરજીવન થાનકી

[5] આંસુ આ પૃથ્વી પર સાંભળી શકે એવી મનુષ્યની પરમાત્માને સૌથી સુંદરતમ પ્રાર્થના છે, હૃદયની કવિતા છે. જે રીતે વિચાર મનની ભાષા છે, એ રીતે આંસુ તો ઊંડા હૃદયમાંથી આવતી લાગણીની ભાષા છે. આંસુ શા માટે આવ્યાં એનું વિશ્લેષણ અર્થહીન છે. એનું મૂલ્ય બીજી કોઈ વ્યક્તિ સમજી ન શકે. હૃદયમાં જ્યારે લાગણીઓનું ઘોડાપૂર ઊમટે ત્યારે આંખોમાંથી આંસુઓ છલકાવા લાગે છે. વ્યક્તિનાં હૃદય જેટલાં સાફ, એટલાં આંસુ વધારે વહેવા લાગે. એટલે જ તો સ્ત્રીઓને, જલદીથી આંસુ આવી જાય છે. જ્યારે પાષાણ હૃદયનાં લોકોની આંખો પથ્થરની જેમ શુષ્ક હોય છે. આંસુ અને આનંદ બન્ને ભીતરથી આપણી ચેતનામાં એકબીજા સાથે ગૂંથાયેલા છે, જેને અભિવ્યક્ત થવામાં સરખી ઊર્જા વપરાય છે. આંસુ આવે ત્યારે કોઈ દોષની લાગણી અનુભવવાની જરૂર નથી. જ્યારે આપણી પ્રાર્થનામાં આંસુનાં ગંગાજળની પવિત્રતાની ખુશ્બૂ આવશે ત્યારે ઈશ્વર તરફનો ખરો માર્ગ પકડાશે. આંસુ તો પરમાત્માનાં ચરણોમાં સમર્પિત કરેલાં ફૂલો છે. – સં. પરેશ અંતાણી (ઓશો-રજનીશની દષ્ટિએ)

[6] એક વાર એક ભાઈએ ગાંધીબાપુને પૂછ્યું :
‘બાપુજી, આપની શક્તિનું રહસ્ય શું ?’
બાપુએ જવાબ આપ્યો : ‘શુદ્ધ હૃદય, શુદ્ધ અંતઃકરણ, ઠંડો દિમાગ, ઈશ્વરનું નિયમિત ધ્યાન, કામોત્તેજક ભોજનનો ને ઈન્દ્રિય સુખનો ત્યાગ, સર્વથા શાકાહારી ભોજન, દારૂ-બીડી-મસાલાનો ત્યાગ, સર્વ માનવબંધુઓ પર પ્રેમ.’

[7] માબાપો અમુક વિરલ અપવાદ સિવાય, એ વાતનો કદી ખ્યાલ જ નથી કરતાં કે તેમની ખામીઓ, તેમની જલદ વૃત્તિઓ, નિર્બળતાઓ, આત્મસંયમનો અભાવ બાળકો ઉપર કેવી તો ભયંકર છાપ પાડે છે ! તમારાં બાળકો તમને માન આપે એમ તમે ઈચ્છતા હો તો, પ્રથમ તો તમે પોતે જ તમારી જાતનું માન કરતાં શીખો. અને હરપળે તમે પોતે એક માન યોગ્ય વ્યક્તિ બની રહો. તમે ધ્યાન રાખો કે તમારા વર્તનમાં કદી પણ તરંગીપણું ન આવે. તમારું બાળક તમને કોઈ પ્રશ્ન પૂછે ત્યારે તે સમજી શકવાનું નથી એમ માનીને તમે તેને કોઈ અક્કલ વગરનો કે મૂર્ખાઈ ભરેલો જવાબ ન આપશો. લોક કહેવત ભલે એમ કહે કે સત્ય કહેવામાં હંમેશા લાભ નથી, પણ હું કહું છું કે સત્ય કહેવું એમાં જ હંમેશાં લાભ છે. માત્ર તમારે તેને એવી રીતે કહેવાની કળા મેળવી લેવી જોઈએ કે જેથી તમારી વસ્તુ તમને સાંભળનારના મગજ સુધી પહોંચી શકે. – શ્રી માતાજી

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અથાણાં અને ચટણી – પલ્લવી દેસાઈ
હશે કોઈ અંદરનો જ – ધનેશ એચ. પંડ્યા Next »   

5 પ્રતિભાવો : અવતરણ – સંકલિત

 1. અવતરણ સાગર મા ગાગર સુધાકર હાથિ

 2. સુંદર વિચારો સાથે ઉત્ત્મ લેખ.
  (૧) સાચું સુખ ભૈતિક સાધનોમાં નથી હોતું. સુખની સાચી વ્યાખ્યા એટલે જ અંતર સુખ્.
  (૨) ખરેખર સુખ અને દુખ વાદ્ળી જેવા જ છે બંને ક્ષણિક છે. લાંબા સમય સુધી ટકી રહે તે સાચુ સુખ . જે અંતર શાંતિ સિવાય ન મળે.
  બંને વખતે માણસ સભાન રહે તે જ મહત્વનું છે.
  (૩)વિનોબાજીની વાત એકદમ સત્ય છે. દેશને શાંન્ત તેજ ની આવશ્યકતા છે. (૪) સાદુ જિવન ઉચ્ચ વિચારો તરફ લઈ જાય છે. તમને ભૌતિક ચીજોની લાલચ નથી કારણ તમને એ વસ્તુઓમાં સુખ નથી લાગતું . તમે આપોઆપ આત્મ ગુણ તરફ પગલું માંડૉ છો.
  (૫)આસું દ્વારા ઋદય ખાલી કરી શકાય પણ એમાત્ર પ્રભું માટે નિકળેલા હોવા જોઈએ . સંસાર અર્થે નીકળેલા આસું વ્યર્થ છે.
  (૬) બાપુની વાતો અનુભવની એરણ પર સત્ય સાબિત થયેલ છે. બાપુની કોઈપણ વાત સ્વ અનુભવ વિના કહેવાય નથી.
  (૭ અંતિમ વિચાર – પોતાની યોગ્યતા મહત્વની છે.
  સુન્દર લેખ
  આભાર મૃગેશભાઈ

  કીર્તિદા

 3. PINAKIN PATEL says:

  સુન્દર વિચાર નિ મિજબાનિ આપવા બદલ આભાર.

 4. Veena Dave. USA says:

  સરસ્.

 5. સુંદર સંકલન…

  ૭ ખુબ જ સુંદર. સત્ય કેવી રીતે બોલાય છે તે પણ જરુરી છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.