હશે કોઈ અંદરનો જ – ધનેશ એચ. પંડ્યા

[‘અખંડ આનંદ’ માર્ચ-2010માંથી સાભાર.]

લાંબા સમયથી એક જ પેઢીમાં ઊંધું ઘાલીને નામું લખવાનું કામ કરતા ઘનશ્યામભાઈનો સ્વભાવ ગંભીર થઈ ગયો હતો. પોતે પૂરા કર્મઠ અને અણિશુદ્ધ પ્રામાણિક તેથી કોઈની સાથે હળી-મળી શકતા નહીં. ઘણાં તેની ટીકા કરતાં – ‘દીકરો ડૉક્ટર થઈ ગયો છે એટલે ભારમાં રહે છે. પૈસાનો વૈભવ કોઈ જોઈ ન જાય એટલે કાચબાની જેમ પડ્યા રહે છે.’ ઘનશ્યામભાઈને તેનો વાંધો નથી. જેને જેમ માનવું હોય તેમ માને – એ પોતાની રીતે જ રહેતા હતા.

હવે તો પહેલાં નિવૃત્ત થયા ને પછી વિધુર થયા એટલે તેની ગંભીરતા વધુ ઘટ્ટ થઈ ગઈ હતી. તેમણે હવે તો કારણ વગર બહાર જવાનું પણ લગભગ બંધ કરી દીધું હતું. ભલો તેમનો હિંડોળો અને ભલો બગીચો. આમેય તેમને પહેલેથી જ વાંચવાની કે મંદિરે જવાની આદત પણ ન હતી. પુત્ર પોતાની પ્રૅક્ટિસમાંથી ઊંચો આવતો ન હતો, ક્યારેક સવારે જતાં જતાં બાપુજી સાથે વાતો કરી લેતો. ફોફાં જેવા બે-ચાર પ્રશ્નો પૂછતો હતો. પિતાની એકલતા અને વૈધવ્યનું દુઃખ જાણવાનો તેની પાસે સમય નહોતો ! પુત્રવધૂ તેના છોકરામાં અને ટાબક-ટીબકમાં રચીપચી રહેતી. ઘનશ્યામભાઈને અહેસાસ થતો કે પોતે પોતાનાં જ ઘરમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે ! રજાના દિવસે મનોચિકિત્સક ડૉ. સુરેશ પિતાને સમજાવતો : ‘એકલા, એકલા ન રહેવું. સવાર-સાંજ ફરવા જવું. નહિ તો ડિપ્રેશનનો શિકાર થઈ જશો.’ સલાહ આપી પોતે પત્ની અને પુત્રની સાથે ગાડી લઈ ફરવા નીકળી જતો.

પુત્રના સૂચનનો અમલ કરવા, બીજા દિવસથી ઘનશ્યામભાઈએ નજીકના બગીચામાં ફરવા જવાનું શરૂ કરી દીધું. ધીરે ધીરે બગીચામાં પણ વૃદ્ધો અને નિવૃત્તોની એક જ ઘરેડની વાતોથી અને વાતોમાં પણ વૈવિધ્યનો અભાવ જણાતાં પોતે કંટાળી ગયા હતા. ઘૂંટણનો વા પણ ચાલવા દેતો નહોતો. આમ એકાંતપ્રિય ઘનશ્યામભાઈએ એક દિવસ ‘બાવાના બગીચા’ને છેલ્લી સલામ કરી દીધી. ઘરે હિંડોળે હિંચક્યા કરે, વિચારે ચડી જાય. હિંડોળો બંધ થઈ ગયો હોય પણ મનમાં વિચારો હડસેલા માર્યા કરે ! સમય કેમ પસાર કરવો એની ચિંતામાં હજુ અટવાયેલા રહેતા. ડૉ. સુરેશ પિતાની માનસિક સ્થિતિ વિશે સજાગ હતો. એક સાંજે પિતાને સૂચન કર્યું; ‘પપ્પા, તમને એકલતા કોરી ખાય છે, ક્યાંક માંદા પડી જશો, કોઈ રચનાત્મક પ્રવૃત્તિમાં જોડાઈ જાવ તો ?’
‘બેટા, હવે આ ઉંમરે શું પ્રવૃત્તિ કરું ? રથનું એક પૈડું તો ભાંગી ગયું છે ! કાંઈ કરવાનો ઉત્સાહ જ રહ્યો નથી.’
‘જુઓ પપ્પા, પૈસા માટે નહિ પણ તમારા આત્માને સંતોષ થાય, કાંઈક સેવા કરવાનું પુણ્ય મળે તેવો ઉપાય બતાવું ?’
‘કહે બેટા, પ્રયત્ન કરી જોઉં.’
‘અમારી લાયન્સ કલબ એક સાર્વજનિક દવાખાનું ચલાવે છે. હું પણ તેમાં પાર્ટ-ટાઈમ સેવા આપવા જાઉં છું. તમે તેમાં જોડાઈ જાવ. હું આજે જ મુખ્ય ડૉ. શર્મા સાહેબને બધી વાત કરી દઉં છું.’

ઘનશ્યામભાઈને સૂચન ગમી ગયું. નિયમિત સવાર-સાંજ દવાખાને જવા માંડ્યા. દર્દીઓને હૂંફ આપે, માર્ગદર્શન આપે, ક્યારેક વળી કોઈ ગરીબ દર્દી હોય તો પોતાના નામની ચિઠ્ઠી મેડિકલ સ્ટોર્સ ઉપર લખી આપે. ધીરે ધીરે તેમના મનને સારું લાગવા માંડ્યું. માંહ્યલો આનંદમાં રહેવા લાગ્યો. ટ્રસ્ટીઓ પણ તેમને માનથી જોતા, ક્યારેક સૂચનો પણ માગતા હતા. દવાખાનાના સ્થાપના દિને મુંબઈથી ટ્રસ્ટના મુખ્ય દાતા કપૂરચંદ શેઠ આવ્યા. ઉત્સાહથી કામ કરતાં સૌને જોઈને અમી ઓડકાર ખાધો. દરેકના સમાચાર અને અનુભવ વગેરે પૂછ્યા. શેઠે મિટિંગ બોલાવી. શેઠને ઘનશ્યામભાઈનો ખંતીલો સ્વભાવ, નામું લખવાનો અનુભવ અનુકૂળ આવી ગયો. બીજા દિવસે જતાં જતાં ઠરાવ કરી ટ્રસ્ટ્રીઓને આપતાં કહ્યું, ‘હવે પછી દવાખાનાના તમામ હિસાબોની જવાબદારી મુ. ઘનશ્યામભાઈને સોંપવી.’

ઘનશ્યામભાઈને તો ગમતું કામ મળી ગયું, રાજી થયા. બીજા જ દિવસથી દવાખાનાના ખર્ચનાં, દવાની ખરીદીનાં, ઈતર ખર્ચ-મિટિંગોનાં, ગામડામાં કરેલ નિદાન કૅમ્પનાં વગેરે નાનાં મોટાં વાઉચરો ઉધારતા ઘનશ્યામભાઈનો જીવ કકળી ઊઠ્યો ! સ્ટૉક-પત્રક સાથે પણ હાજર સ્ટૉક મળતો નહોતો. દાતાઓ પૈસા ગરીબોની સેવા માટે આપે છે, આ દવાખાનાનો હેતુ પણ સેવાનો, કરકસરનો છે, પણ આવેલી રકમ તો આ લોકો વેડફી જ નાખે છે. ઉંદરની જેમ બધા મળી ફૂંકી ફૂંકીને ખાય છે ! સ્ટૉકની ગણતરી ફરીથી ઝીણવટથી શરૂ કરી. બાજુની ચેમ્બરમાંથી કોઈ દર્દીનો કરગરતો, આજીજી કરતો અવાજ કાને પડ્યો, સતર્ક થઈ ઘનશ્યામભાઈ સાંભળવા લાગ્યા…..

દર્દી તેની પત્નીની માનસિક બીમારીની સારવાર આ ટ્રસ્ટના દવાખાનામાં કરાવવા માંગતો હતો. ડૉક્ટર તેને સમજાવતા હતા (લલચાવતા હતા) :
‘આ તો ધર્માદાનું દવાખાનું છે. પૂરતાં સાધનો કે દવાઓ પણ નથી…..’
દર્દી વિનંતી કરતો હતો : ‘પણ સાહેબ, આપના દવાખાને આવી, મગજના ફોટા પડાવવાનો, બહારની મોંઘી દવા લેવાની મારી ત્રેવડ નથી !’
ડૉક્ટર ચાલાકીપૂર્વક કહેતા હતા, ‘ચિંતા કરો મા, હું તમને અહીંના દવાખાનાની સારી, કીમતી દવાઓ સસ્તા ભાવે આપીશ, ફોટો પણ અહીંની ફિલ્મ લઈને પાડી આપીશ. બધું થઈને એકથી પંદર હજારનો ખર્ચ થશે; પણ સારું અચૂક થઈ જશે, મારી તપાસવાની ફીમાં પણ રાહત બસ !’ ઘનશ્યામભાઈ ડૉક્ટરનો અવાજ ઓળખી ગયા. પોતાના પુત્ર ડૉ. સુરેશનો જ હતો ! થોડી જ વારમાં બધાં ચક્કર ગોઠવાઈ ગયાં. સ્ટૉક નહીં મળવાનો તાળો પણ મળી ગયો !

રાત્રે ઘનશ્યામભાઈને ઊંઘ ન આવી, વિચારે ચડી ગયા, ‘શું મારા સુરેશની જેમ સૌ કોઈ આવું જ કરતા હશે ? સેવા કરવાના બહાને પેશન્ટ શોધવા જ માનદ-સેવાનું નાટક કરતા હશે ? આ તો ખોટું જ કહેવાય ને ?’ પ્રામાણિક આત્મા પિંજરામાં પુરાઈ ગયો હોય તેવો અહેસાસ થયો. પરોઢિયે જ બે કાગળ ને બે કવર લઈને લખવા બેસી ગયા. બીજે દિવસે દવાખાને જવાને બદલે આંગડિયાની ઑફિસે જઈ બન્ને કવરો આપી દીધાં. મનમાંથી હાશકારો નીકળી ગયો. હળવાફૂલ થઈ ગયા, પાછા ઘરે આવી પહેલાંની માફક હિંડોળે ઝૂલવા લાગ્યા. કબીરજીનું ભજન ગણગણતા હતા ! ત્રણ દિવસ પછી ડૉ. સુરેશને ખબર પડી કે બાપુજીએ ટ્રસ્ટના દવાખાનામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી છે. થાકી ગયા હશે, તેમ માની કોઈ ચર્ચા ન કરી.

એક મહિના બાદ ડૉ. સુરેશ રાત્રે ઘરે આવ્યો. મોઢા ઉપર ચિંતા હતી. દરરોજ જેવો મૂડમાં ન લાગ્યો. પિતાએ પ્રેમથી પૂછ્યું :
‘કેમ બેટા, ચિંતામાં છો ? તબિયત તો સારી છે ને ? ડિપ્રેશનનો શિકાર તો નથી થઈ ગયો ને ?’
સુરેશે ટૂંકો જવાબ આપતાં કહ્યું, ‘મુંબઈથી ટ્રસ્ટના દવાખાને શેઠે બે-ચાર માણસો મોકલ્યા હતા. સાંજ સુધી ચોપડા ચૂંથ્યા, દવાખાનામાં દરેક રૂમમાં ફર્યા. સાંજે મુંબઈ જતા રહ્યા, પંદર દિવસ પછી કોઈ કારણ જણાવ્યાં વિના મને તથા અન્ય ત્રણ જણાને ‘તમારી સેવાની જરૂર નથી’ એવો ટૂંકો પત્ર મોકલી આપ્યો.’ પછી સુરેશ પોતાના બેડરૂમમાં જઈ બબડ્યો :
‘આમાં નક્કી કોઈ હશે અંદરનો જ !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અવતરણ – સંકલિત
લગ્ન વિષે – જગદીશ શાહ Next »   

15 પ્રતિભાવો : હશે કોઈ અંદરનો જ – ધનેશ એચ. પંડ્યા

 1. હ્રદયસ્પર્શી વાર્તા.

 2. Hiral Shankar says:

  Khub saras…

 3. ખૂબજ સૂંદર નીરૂપણ

 4. prabuddh says:

  સરસ વાત .. હવે આવા લોકો અલભ્ય થતા જાય છે !

 5. hiral says:

  આપણે આવી ઘણી વાતો જોઇએ-સાંભળીએ છીએ. અને જે ખરેખર પ્રામાણિક હોય એનો મરો પણ થાય છે. જેમકે અહીં ઘનશ્યામભાઈએ તો રાજીનામું આપી દીધું, પણ જેમને કમાવવાની ફરજ હોય એમણે આવી પરિસ્થિતિમાં શું કરવું? આ તો ટ્રસ્ટીઓ સારા હતા, કે ડૉ. ને છુટા કર્યાં, પણ એ લોકો પણ અંદર અંદર ભળેલાં હોય તો નોકરી તો પ્રામાણિક માણસને જ ગુમાવવાનો વારો આવે.

  નાનપણમાં શીખેલાં કે ભગવાન બધે હાજર હોય છે, છતાં કદાચ ચોપડીઓ ગોખવામાં અને ડૉ, એન્જીનીયર થવાની લાહ્યમાં આપણને આવાં ઘણાં ગુનાઓ, ખરેખર ખોટું કરી રહ્યા હોઇએ છીએ, એવું ખબર જ નથી પડતી.

 6. Urvi pathak says:

  સુંદર વાત.

 7. Dipti Trivedi says:

  હ, અંદરના જ ઈમારતને મજબૂત બનાવે. સેવા આપનાર ડાક્ટરોએ એમના અંદરનાને, માંહ્યલાને સજાગ રાખ્યો હોત તો બીજા કોઈ અંદરનાને તકલીફ ના ઊઠાવવી પડત.—————ડૉ. સુરેશ પિતાની માનસિક સ્થિતિ વિશે સજાગ હતો———-પણ મનોવૃત્તિને સમજ્યો નહી.,વિચારી શક્યો પણ નહી કે આ મારા પિતાનું કામ હોઈ શકે.——–સરળ શબ્દોમાં સચોટ નિરુપણ.

 8. Hemantkumar Jani UK says:

  …જાણે મારી પોતાની જ વાત. કેવો યોગનુયોગ. આજે સવારે જ રાજીનામુ
  મોકલ્યું અને અત્યારે બપોરે આ વાત વાંચી..અહીં લંડન સ્થિત english
  કંપનીમાં ફક્ત હું જ મોટી ઉમ્મરનો..૬૧..બાકી બધા જુવાન..ખુલી આંખે
  લુંટ ન જોવાતા, ઉપરી સાહેબનું ધ્યાન દોર્યું, પણ કાગડા બધે જ કાળા
  હોય..અંતે મારો જ ભોગ લેવાયો…પણ અણિશુધ્ધ નીકળવાનો સંતોશ
  છે….

  • જગત દવે says:

   હેમંતભાઈઃ

   આપની હિંમતને સલામ. તમે તો જુવાનો ને ‘મોટી ઊંમરનાં’ સાબિત કર્યા.

   ભારતમાં તો ખુલ્લી લૂંટની કોઈ નવાઈ નથી રહી. હવે તો ઘરમાંથી કરોડો નીકળે છે. સોનાની પાટો નીકળે છે. અને સ્વીસ-બેંકમાં તો જે ‘લૂંટ નો માલ’ એકદમ સુરક્ષિત છે તે જુદો.

   ભારત દેશમાં ભ્રષ્ટાચાર ક્યારેય ‘મોટી ઊંમરનો’ નથી થતો તેની લાળ ટપકતી લાલસા ની જવાળામાં રોજનાં હજારોનો ભોગ લેવાય છે.

   યુવાન કોણ છે? જેનું નૈતિક પતન કરવું અશક્ય છે તે.

 9. Jigna Bhavsar says:

  સરસ વાર્તા.

  એક સાચા માનવનું, સાચા નાગરિકનું તથા ખરેખર એક પ્રમાણિક પિતાનું સુંદર આલેખાન. જેણે પોતાના દિકરાના ખોટાં કામ પણ ઢાંક્યા નહી. આવાં વ્યકિતી જો સાચે હોય તો ધ્ન્ય છે તેમને. નહિ તો આવાં પ્રેરણાત્મક વાંચનથી એવા વ્યકિતી નો જન્મ થઈ શકશે. બાકી મોટે ભાગનાં લોકો પોતાના પુત્ર કે પુત્રિ ના મોહ માં તેમના ખોટાં કામો ઢાંકવા માં પોતાનું ડહાપણ સમજે છે.

 10. જય પટેલ says:

  પ્રસ્તુત વાર્તામાં છેવટે નિયતીએ પોતાનો રૉલ ભજવ્યો.

  આદર્શવાદી પિતાશ્રીથી કૌભાડી ડો.પુત્રરત્નની માનદ-સેવા(!) સહન ના થતાં ભિષ્મ-પિતામહ બની
  સંસ્થામાંથી છૂટા થઈ હિંડોળે ઝૂલવા લાગ્યા…!! નિયતીનું કાળચક્ર ફર્યું તે પહેલાં ડો.યમરાજે કેટલા
  ગરીબ-ગૂર્ગાને લૂંટ્યાં હશે ?

  આદર્શ પિતા તો ત્યારે કહેવાય….જ્યારે સંસ્થાના મોવડીઓને પુત્ર-પરાક્રમોની જાણ કરે.
  પિતાશ્રીનું મૌન પુત્ર માટે ભ્રષ્ટાચારનું લાયસંસ બની રહ્યું.

  અખંડ આનંદવાળાએ આવી ઘટિયા વાર્તા પ્રકાશિત કરી તે અખંડ આનંદનું ઉચ્ચ સાહિત્યિક સ્તર
  ખંડિત થઈ રહ્યું હોવાની નિશાની છે. વાર્તાનું મુખ્ય પાત્ર ઘનશ્યામભાઈ કોઈ રીતે પ્રેરણાત્મક
  સંદેશો નથી આપતા
  .

  • Dipti Trinedi says:

   વાર્તાનો આ ભાગ —-પ્રામાણિક આત્મા પિંજરામાં પુરાઈ ગયો હોય તેવો અહેસાસ થયો. પરોઢિયે જ બે કાગળ ને બે કવર લઈને લખવા બેસી ગયા. બીજે દિવસે દવાખાને જવાને બદલે આંગડિયાની ઑફિસે જઈ બન્ને કવરો આપી દીધાં. ——અને તેથી જ —–‘મુંબઈથી ટ્રસ્ટના દવાખાને શેઠે બે-ચાર માણસો મોકલ્યા હતા. સાંજ સુધી ચોપડા ચૂંથ્યા, દવાખાનામાં દરેક રૂમમાં ફર્યા. સાંજે મુંબઈ જતા રહ્યા, પંદર દિવસ પછી કોઈ કારણ જણાવ્યાં વિના મને તથા અન્ય ત્રણ જણાને ‘તમારી સેવાની જરૂર નથી’—–પિતાશ્રી મૌન રહ્યા પણ એમની કલમ મોવડીઓને જાણ કરી ગઈ.

 11. Viren shah says:

  વાર્તા સરસ છે. ઘનશ્યામભાઈએ શાણપણ વાપરીને પુત્ર જોડે કોઈજ કજીયો કર્યો નહિ બલકે સુદર રીતે વાત પતાવી દીધી. જો એમ ના કર્યું હોત તો એવું બનત કે એમના દીકરા સાથે ઝઘડો થઇ જાત અને જોયા જેવી થાત. આના કરતા સાપ પણ મારે અને લાકડી પણ ના તૂટે એવો આઈડિયા વાપરવો શું ખોટો

 12. nayan panchal says:

  સરસ મજાની વાર્તા. ઘનશ્યામભાઈએ સાચી પસંદગી કરી.

  આભાર,
  નયન

 13. Sunita Thakar (UK) says:

  well done .. nice story

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.