લગ્ન વિષે – જગદીશ શાહ

[ ‘લગ્ન’ આજે પ્રદર્શન કરવાનું માધ્યમ બની ગયું છે. એ સાથે અનાજનો બગાડ, ચારે તરફ ઘોંઘાટ, રસ્તા પર વરઘોડા દ્વારા સર્જાતી ટ્રાફિક સમસ્યા, એક રાત માટે મોંઘી ડી.જે. પાર્ટીઓ, ન શોભે તેવા વસ્ત્રોમાં પાશ્ચાત્ય નૃત્ય સહિત અનેક દૂષણો આ પવિત્ર વિધિને કલંકિત કરી રહ્યા છે. મૂળ વૈદિક પરંપરા આજે મનોરંજનનું સાધન બની ગઈ છે. આત્મીયતાને સ્થાને ‘પ્રસંગે મોઢું દેખાડવા’ જેટલી ઔપચારિકતાએ ભરડો લીધો છે. એવા આ સમયમાં લગ્ન વિધિ વિશે ચિંતન જરૂરી બન્યું છે. 1987માં ‘ભૂમિપુત્ર’ સામાયિકના સંપાદક શ્રી જગદીશભાઈએ ‘અનોખી લગ્નવિધિ’ સમાજ સામે ઉદાહરણસહિત મૂકી હતી. તેમણે વર્ણવેલી ઘણી વાતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે. – તંત્રી.]

લગ્ન એ માનવજીવનમાં મોટામાં મોટો પ્રસંગ છે. અવતરવું ને વિદાય થવું તો પરમાત્માના હાથમાં છે. તે બેની વચ્ચેના અનેક સંસ્કારો પૈકી લગ્ન સંસ્કાર એ માનવજીવનને વળાંક આપતો અતિ મહત્વનો પ્રસંગ છે. લગ્ન એટલે બે વ્યક્તિનું જ નહીં, બે પરિવારોનું જોડાણ. બે સમાજોનો સમન્વય. વ્યાપકતા તરફ વધવાનો તેમાં સંકેત છે. ‘હું’ માંથી ‘અમે’ અને ‘અમે’ માંથી ‘આપણે’ થવાનો, વિશ્વકુટુંબ કરવાની દિશામાં પગલું માંડવાનો આ સંસ્કાર છે. પરંતુ આજે પહેરવું, ઓઢવું, ખાવું-પીવું ને મહાલવું તથા નાણાંને ચીજ-વસ્તુઓની લેવડ દેવડ ને પ્રદર્શનમાં આ સંસ્કારની પવિત્રતા ને ગંભીરતા આપણો સમાજ ખોઈ બેઠો હોય તેમ લાગે છે.

લગ્ન વ્યક્તિના જીવનમાં વળાંક લાવે છે પણ તે ફક્ત વ્યક્તિનો કે તેના કુટુંબનો જ ઉત્સવ નથી. લગ્ન એક સામાજિક ઉત્સવ છે. અગાઉ લગ્નો ઘર-આંગણે થતાં. તે નિમિત્તે ઘરની સાફ-સફાઈ તથા દુરસ્તી થતી, લીંપણ-ગુંપણ ને ચિતરામણ થતાં, રંગ-રોગાન થતાં. તે માટે સગાં-સ્નેહીઓ દિવસો અગાઉ આવતાં ને ઘરકામમાં મદદરૂપ થતાં. તે વખતે શ્રમ આધારિત જીવન હતું. ખેતી ને ગૃહ-ગ્રામોદ્યોગો દ્વારા માંડ જીવનની પ્રાથમિક જરૂરિયાતો પૂરી થતી. તેથી લગ્ન નિમિત્તે થનાર વધારાના ખર્ચને પહોંચી વળવા આગંતુકો લગ્ન ફાળો (ચાંલ્લો) આપતા. નજીકનાં સગાં મોં મીઠું કરવા માટે પકવાન્ન લઈ આવતાં. નવદંપતીને ઘર માંડવા જરૂરી વાસણ-કુસણ ને રાચરચીલું સૌ ભેગાં મળી વસાવી આપતાં. લગ્નના બે-ત્રણ દિવસ સૌ નાચતાં-ગાતાં ને મજા કરતાં. આમ ઘરનું લગ્ન સમાજનો ઉત્સવ બની રહેતું. સ્નેહમિલનનો સમારંભ બની રહેતું. આજેય આદિવાસીઓ ને પછાત ગણાતા લોકોમાં લગ્નને સામાજિક ઉત્સવ તરીકે જ ગણવામાં આવે છે.

શ્રીમંત વર્ગને તેની પાછળ મધ્યમ વર્ગ અને હવે તો શ્રમજીવી વર્ગ પણ ધીમે ધીમે લગ્નમાં ખોટા ખર્ચમાં તણાવા માંડ્યો છે. આજે સમાજમાં મોટા ભાગનાં લગ્નોમાં વેવાઈઓ વચ્ચે નાણાં-દાગીના-કપડાં-ચીજવસ્તુઓની આપલેના સોદા થાય છે. વાડીઓ અને મેરેજ હોલ માટે પડાપડી થાય છે. મુહૂર્ત જોવામાં, વિધિ કરાવવામાં બ્રાહ્મણો અનિવાર્ય ગણાય છે. સંસ્કૃતમાં બોલાતા શ્લોકનો ભાવાર્થ કે શબ્દાર્થ કે તેનો ધ્વનિ સુદ્ધાં પરણનાર કે હાજર રહેનારા સમજતા નથી. બ્રાહ્મણો પૈકીનાયે કરાવાતી ક્રિયાઓ પાછળનું મહાત્મય સમજતા હશે કે કેમ તે પ્રશ્ન થાય છે. નારી વૃંદ લગ્ન ગીતો ને એકબીજાને ઉતારી પાડતાં ફટાણાંમાં મસ્ત હોય છે. તેમને માટે ઉત્તમોત્તમ વસ્ત્રો-આભૂષણો પહેરવાનું, દેહને શણગારવાનું આ ટાણું બની જાય છે. લાઉડ-સ્પીકર ઉપર બરાડા પાડતાં ફિલ્મી ગીતો, વીજળીની રોશની ને દારૂખાનું, તેમાં ફોટા ને વીડિયો તરફ જાગ્રત નવદંપતી ! આ બધામાં બ્રાહ્મણોની વિધિને કોણ સાંભળે ? ક્યારેક તો ‘ગોર ઉતાવળ કરો’ એવી સૂચના પણ અપાતી સંભળાય છે. વિધિ શરૂ થઈ નથી કે તરત ‘જમવા ચાલો’ની હાકલ થાય છે ને નાના મોટા સૌ પોતાની ખુરશી કે થાળી સંભાળવા પડાપડી કરવા માંડે છે. ભોજનમાંયે સ્વાદને જ મહત્વ અપાય છે. ખાંડ, મરચું, મસાલા, વેજીટેબલ ઘી ને ભરપૂર તેલમાં તળેલી વાનગીઓથી થાળી ભરાઈ જાય છે. જીભને ચટાકો કરાવી પેટમાં જઈ આવાં ભોજનો રમખાણ મચાવે છે ને સ્વાસ્થ્યને બગાડે છે.

આજે સૌ પોતપોતામાં વ્યસ્ત અને મસ્ત છે. લગ્ન નિમિત્તે ય દિવસો કાઢવાની કોઈનેય ફુરસદ નથી. ‘આવ્યા-મળ્યા-કવર આપ્યું-ફોટો પડાવ્યો-જમ્યા ને ચાલ્યા’ – એવું થઈ ગયું છે. બધું ખર્ચાળ, બધું ઝાકઝમાળવાળું, બધું બનાવટી ! આ બધા અંગે સમાજ-સુધારકો ને બૌદ્ધિકો ચિંતન કરે છે જ. પ્રસંગે પ્રસંગે લોકો ટીકા-ટિપ્પણી કરેય છે. કેટલાક સુધારાવાદીઓ છૂટક છૂટક પ્રયોગો પણ કરે છે. કેટલાક વળી 5-10 સગાંસ્નેહીઓને લગ્ન નોંધણી દફતરમાં લઈ જઈ લગ્નનું સરકારીકરણ કરી સાદાઈ સચવાયાનો સંતોષ માની લે છે. પણ બહુજન સમાજ તેથી અલિપ્ત રહી જાય છે. લગ્નના આજના વિકૃત થઈ ગયેલા સ્વરૂપને બદલી તેની સંસ્કારિકતા ને પવિત્રતા જળવાય તથા તેમાં સમાજ ભળે તેવા પ્રયોગો, તેવાં નિદર્શનો કરવા માટે સૌએ આગળ આવવું જોઈએ. આ માટે ગાંધીજીની પ્રેરણાથી કાકાસાહેબ કાલેલકરે ‘વિવાહ વિધિ’ ઘડી છે. તેમાં વિનોબા ને કિશોરલાલ મશરૂવાળાની તેમણે સલાહ લીધી હતી. હિંદુ લગ્નવિધિ અને આશ્રમી લગ્નવિધિ એવા તેના બે પ્રકાર પણ પાડવામાં આવ્યા છે. ગુજરાતીમાં કેટલાક વર્ષો અગાઉ સાંઢાસાલ આશ્રમના શ્રી રમણભાઈ પંડ્યાએ વિધિ રચી હતી. હરી ૐ આશ્રમવાળા પૂ. મોટાએ પણ વિધિની રચના કરી છે.

26 જાન્યુઆરી 1987ને દિવસે મારા દીકરાનું લગ્ન નક્કી કર્યું ત્યારે આ બધી વિધિઓ જોઈ પણ તેમાં ‘કન્યાદાન’વાળી વાત ખટકી. સ્ત્રી-પુરુષ વચ્ચે સમાનતાના આ જમાનામાં ને તેમાંયે વળી ‘સાત પગલાં આકાશમાં’ લખી કુન્દનિકાબેને સૌને ઢંઢોળ્યા પછી પુરુષ-પ્રધાન સમાજમાં કન્યાદાન ને ગોર-પુરોહિત તરીકે પુરુષની જ અનિવાર્યતા કેમ સ્વીકારાય ? વળી આજે લગ્નમાં ઉપસ્થિત રહેનારો સમાજ ફક્ત એક જ જ્ઞાતિ કે એક જ ધર્મનો નથી હોતો. મિત્રો-સ્નેહીઓનો બહોળો સંપર્ક જેમનો હોય તેમને ત્યાં અન્ય ધર્મના લોકો પણ આવે જ છે. તેથી વિધિમાં સર્વ-ધર્મ-પ્રાર્થના પણ હોવી જોઈએ. મિત્રો સાથે દિવસો સુધી ચર્ચા વિચારણા કરી અમે બધાનો ખ્યાલ રાખી સર્વસમાવેશક, ગુજરાતી ભાષાની લગ્નવિધિ નક્કી કરી. તેની એક પુસ્તિકા જ કંકોતરી તરીકે છપાવીને સગાં-સ્નેહીઓમાં તે વહેંચી. બન્ને વેવાઈઓ તરફથી આ સંયુક્ત ઈજન, નિમંત્રણ હતું. નિમંત્રણ ઉપરાંત લગ્ન વિષે, પ્રાસંગિક ચિંતન, સર્વધર્મ પ્રાર્થના, લગ્નવિધિ તથા અંતે ગાંધીજી, વિનોબાજી, બબલભાઈ, કેદારનાથજી ને રવિશંકર મહારાજના લગ્ન વિષયક વિચારો રજૂ કર્યા. સોળ પાનાંની આ પુસ્તિકા સીધી જ ‘છાપેલી પુસ્તિકા’ તરીકે ટપાલમાં નાંખી શકાય તે માટે પૂંઠાના ચોથા પાને નામ-સરનામાં લખવાની જોગવાઈ રાખી. લગ્ન સમયે આ પુસ્તિકા સાથે લાવી સમૂહગાનમાં ભળવાની સૂચના સૌને ગમી ને સૌ તે દિવસે તેમાં ભળ્યાયે ખરા. બધાંને ખૂબ ગમ્યું ને ઘણા-ઘણા મહાનુભાવોએ આ વિધિની સમાજમાં સ્થાપના કરવા ઈચ્છા દર્શાવી. તા.2-2-1987ના ‘સંદેશ’ દૈનિકમાં ‘પ્રજા જીવનના પ્રવાહો’ની કટારમાં શ્રી રિખવદાસ શાહે અનોખા લગ્ન સમારંભ વિષે વિસ્તૃત લેખ લખ્યો. પછી તો ગુજરાતભરમાંથી આ પુસ્તિકાની માંગણી આવવા લાગી. આથી યજ્ઞ પ્રકાશન તરફથી આ પ્રકાશન કરવાનું અમે મિત્રોએ ઠરાવ્યું. અનુભવે જરૂરી ઉમેરો કરી પુસ્તિકા તૈયાર કરી. આ વિધિમાં બ્રાહ્મણ-પુરોહિતની અનિવાર્યતા નથી. કોઈ પણ સગાં-સ્નેહી પૈકી સ્ત્રી-પુરુષ તે કામ કરી શકે છે.

આ પ્રસંગે લગ્નવિષયક અન્ય બાબતો અંગે પણ ચિંતન કરી લઈએ. પાત્રની પસંદગી, સ્થળ-સમય, કંકોતરી, સુશોભન, સંગીત, ભોજન વગેરે ઘણી બાબતો વિચારણા માંગી લે છે. પોતાની જ જ્ઞાતિ ને પોતાનું જ ગોળ કે એકડો એક જમાનામાં જોવાતાં. મા-બાપની સાત પેઢી સુધી ગોત્ર પણ જોવાતાં હશે. જન્માક્ષરોય મેળવાતા. આ બધું આજેય જોવાય છે. પણ બીજી બાજુ પ્રેમલગ્નોય થવા માંડ્યાં છે. ત્યાં જ્ઞાતિ તો શું ધર્મ પણ જોવાતો નથી. એટલું ખરું કે સમાન સમાજમાં ઊછરેલા છોકરા-છોકરીમાં વિરોધ ઓછો થાય. સામાજિક-આર્થિક સમાનતા હોય તો ઉછેર ઘણે અંશે સરખો હોય. તેથી ગુણ-કર્મ-સ્વભાવની સમાનતાને જ આ સમયમાં પ્રાધાન્ય આપવું જોઈએ. જ્ઞાતિ-ધર્મનો બાધ ન ગણવો જોઈએ. આનો અર્થ એ નથી કે ભાષા, પ્રાંત, રહેણીકરણીની ભિન્નતાવાળાઓ વચ્ચે સંબંધ ન થઈ શકે. રાષ્ટ્રીય એકતા માટે ભાષા, પ્રાંત, ધર્મ, ઊંચ-નીચના ભેદભાવો છતાં ગુણ-કર્મ-સ્વભાવની સમાનતાવાળા સંબંધોને પ્રાથમિકતા આપવી જોઈએ.

જ્યાં જ્યાં સગવડ હોય ત્યાં થોડી તકલીફ વેઠીનેય લગ્નો ઘેર કરવાં જોઈએ. બારોબાર વાડી કે મેરેજ હૉલમાં માંડવા-મુહૂર્ત ને ગ્રહશાંતિ થાય તેનો કોઈ અર્થ નથી. ઘર, આડોશી-પાડોશી વગેરે પણ લગ્નમાં ભળવાં જરૂરી ગણાય. હિંદુ લગ્નો સામાન્ય રીતે દેવઊઠી અગિયારસથી દેવપોઢી અગિયારસ વચ્ચે નિશ્ચિત કરેલાં મુહૂર્તોમાં થાય છે છતાં વિદેશી વ્યક્તિ શ્રાદ્ધ પક્ષમાંયે લગ્ન કરીને જઈ શકે છે. બ્રાહ્મણ દ્વારા અમુક જાતની પૂજા કરાવી દેવાથી સમયનો બાધ, મંગળ-અમંગળનો બાધ નડતો નથી. આની પાછળ ન સમજાય તેવી, શ્રદ્ધાપૂર્વક માની લેવાની રૂઢિચુસ્તોની દલીલ ગળે ઉતારવા જેવી નથી. તેથી બન્ને પક્ષની અનુકૂળતા જોઈ તારીખ-વાર-સમય નક્કી કરવામાં બાધ ન હોવો જોઈએ. જન્મ-મરણ જે ઈશ્વરના હાથમાં છે તેને માટે કોઈ મુહૂર્ત નથી. અમાસને દિવસે ને કાળ ચોઘડિયે, ધનારક, પ્રદોષ, વ્યતિપાતમાંયે પરમાત્મા પોતાની કામગીરી અવિરત ચાલુ રાખે છે તો આપણે માનવો પરમાત્માની ઉપરવટ શા માટે જઈએ ? તેથી મુહૂર્ત ને ચોઘડિયાં ને જન્માક્ષર મેળવવાની ખટપટમાંથી બુદ્ધિજીવી વર્ગ મુક્ત થઈ જાય તે જરૂરી છે. બધું જોવડાવીને થતાં લગ્નોમાં ખટરાગ ને વિચ્છેદ થતો ક્યાં નથી દેખાતો ?

કંકોતરીમાં કાગળનો નાહકનો બગાડ કે ખર્ચ કરવા કરતાં લગ્ન નિમિત્તે લગ્નવિષયક ચિંતન, વિધિ ને મહાનુભાવોના આશીર્વાદ-શુભેચ્છાઓ વ્યક્ત કરતી પુસ્તિકાઓ પ્રચારવાનું વધારે સારું છે. એકાદ દિવસમાં જ ઉપાડી લેવાં પડે તેવાં સુશોભનોને બદલે કાયમી ચિત્રો, રંગ-રોગાન વગેરે થાય તો બેવડો અર્થ સરે. સુશોભન સાથે વર્ષો સુધી સ્મૃતિ પણ રહે. લાઉડસ્પીકરો ઉપર ફિલ્મી સંગીતને સ્થાને મર્યાદિત વિસ્તારમાં જ પહોંચે તેવા અવાજવાળાં ભજનો, ગીતો કે સંગીતની ધૂન વગાડાય તો સારું. તેમાંયે તૈયાર કેસેટોને બદલે જીવંત કાર્યક્રમો યોજાય તો વધારે સારું. ભોજન પણ સાદું, સુરુચિપૂર્ણ, પૌષ્ટિક કેમ ન આપી શકાય ? શુદ્ધ ઘી, ખાંડને બદલે ગોળ, બજારુ માલને બદલે ઘરનો માલ વાપરીને સુપાચ્ય, સ્વાદિષ્ટ અને પોષક વાનગીઓ આપી શકાય.

એકંદરે લગ્ન વખતે વાતાવરણ શાંત-ગંભીર-પવિત્ર હોય તે સાથે ઉલ્લાસમય પણ હોય. મજાક, ટોણાં, માઠું લાગવા-લગાડવાની વાતોને બદલે સંસ્કારી હાસ્ય-વિનોદ ન પીરસી શકાય ? ભાડૂતી ગરબા ગવડાવનારાઓને બદલે સગાં-સ્નેહીઓ પૈકીના જ ગાવા-બજાવવામાં ભળે તો વાતાવરણમાં વધુ આત્મીયતા આવે ને કૃત્રિમતા ઘટે. વિધિ દરમિયાન ઘી હોમવું કેટલું વાજબી છે ? એક દીવો કરી અગ્નિની સાક્ષી ન સમજી શકાય ? ચોરીના ચારે ખૂણે માટલાં કે ધાતુનાં વાસણોની ઊતરડને કારણે દર્શકોને નડતર થાય છે. તો ચોમેરથી ખુલ્લી ચોરી સારી નહીં ? દોઢેક ફૂટ ઊંચા મંચ પર ચોરી બનાવી હોય તો ચારે બાજુ બેસનારાઓને સારી રીતે દર્શન થાય. લગ્નવિધિ ટૂંકી છતાં સૌ સમજી શકે અને ભળી શકે તેવી હોય. પછી જ ભોજન હોય તો સૌ શાંત ચિત્તે લગ્નની ભાવનાને વાગોળી શકે. આ અને આવું ઘણું બધું વિચારવાનું છે. આ દિશામાં આપણો સમાજ અનેક પ્રયોગો કરી વધુ ને વધુ વાસ્તવિકતા તરફ વળશે તો બાહ્યાડંબર અને ખર્ચના ધુમાડામાંથી બચશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હશે કોઈ અંદરનો જ – ધનેશ એચ. પંડ્યા
પત્રવિશ્વ – સં. સુરેશ દલાલ, મહેશ દવે Next »   

18 પ્રતિભાવો : લગ્ન વિષે – જગદીશ શાહ

 1. ખુબજ પ્રાસાન્ગિક લેખ

 2. ખુબ સાચી વાત. મેં આર્યસમાજની લગ્નવિધિ જોઇ છે ખુબ જ શાંતિપૂર્વક વિધિ ચાલે….ન ખોટો કોલાહલ ન ખોટો દંભ….આજકાલ લોકોને આપણે કેટલી જાહોજલાલીથી લગ્ન ઉજ્વ્યા તે દેખાડો કરવામાં જ રસ છે.

 3. જગત દવે says:

  આ લેખ કદાચ ફરી પ્રગટ કરાયો છે. જો કે સમયસરનો છે.

  લગ્ન આનંદનો પ્રસંગ છે અને જે તે વ્યક્તિ તેની માન્યતા અને શક્તિ મુજબ ખર્ચ કરે તે સામે મારો અંગત વિરોધ નથી. સમૃધ્ધિનો દેખાડો કરવો એ પણ પ્રાણી-જન્ય વિષેશતા છે તેને પરાણે રોકવી પણ અશક્ય છે. સમજણ કેળવી શકાય પરંતુ તેવા કેળવણીકારો ક્યાં છે???. જુના સમયમાં સ્વામી દયાનંદ સરસ્વતી કે જેમણે આર્ય-સમાજની સ્થાપના કરેલી ને આજે જે આર્યસમાજી લગ્નવિધી પ્રચલિત છે તેની શરુઆત તેમણે કરી હતી. એ ગુજરાતનાં જ સપૂત હતાં તે ગુજરાતને યાદ છે????.

  લગ્ન-પ્રસંગ દરમ્યાન જાહેર ગેરવ્યવસ્થા અને જન-સામાન્ય કે જેને લગ્ન પ્રસંગ સાથે કોઈ લેવા-દેવા નથી તેવા લોકો ને જે રીતે પરેશાનીઓ નો સામનો કરવો પડે છે તે મોટાભાગે ‘રાક્ષસી’ હદ ઓળંદી જાય છે. આ વિવેક-હીનતાનું વરવું પ્રદર્શન જો થોડા ઘણાં અંશે રોકાય તો પણ ધણું.

 4. hiral says:

  સરસ લેખ.

  એક પ્રસંગ મેં સાંભળેલો, જેમાં ભેટ તરીકે માત્ર સારાં પુસ્તકો સ્વીકારવામાં આવશે એમ લખેલું. એ દંપતિએ ભેટમાં મળેલાં બધાં પુસ્તકો એમની ગામની શાળામાં ભેટ તરીકે આપ્યાં. અને લગ્ન પણ સાદાઇથી કરવામાં આવેલાં.

 5. અશોક જાની 'આનંદ' says:

  સાચે જ આજકાલ લગ્ન એ સમ્રુદ્ધિના વરવા પ્રદર્શનનું ટાણું થઇ ગયું છે, મને કમને સામાજીક કારણોસર આપણે પણ તેમાં સહભાગી બની જઇએ છીએ, એનો ઉઘાડો વિરોધ કોઇ કરતું નથી. પણ આપણે ત્યાં લગ્ન પ્રસંગ્ આવે ત્યારે આ લેખમાંથી પ્રેરણા લઇ ઉદાહરણ પુરું પાડીએ તો ધીમે ધીમે સમાજને યોગ્ય દિશામાં વાળી શકાય્…

 6. Pinky says:

  I agree with the author here. It is a compitation for everyone to do better than each other. When they organise such events the invitees are not considered. Today a family who is invited to a wedding functions cannot afford to attend the ceremony due to amount of events and in some cast due to the “vyavhar” cash gift, which is expected in each and every occassion. It is understandable that bride and groom want to do the best on their special day and can spend money but family members are in problem as they have to buy outfits for so many events for whole family, cash gifts even if it is small amount it mounts up to a lot. Youir good wishes are measured with the value of your gift. This big weddings are a social cancer.

 7. tarang hathi says:

  હાલની પરિસ્થિતિને અનૂરૂપ લેખ.

  ઝાકઝમાળ, બીનઉપયોગી ચિજ વસ્તુઓનો ભેટનો ખોટ્ટો સંગ્રહ, એક કરતાં વધારે વૉલ ક્લોક, નાઇટ લેમ્પ, ફોટો ફ્રેમ, ક્રોકરી, મેલેમાઇનના ડીનર કે પુડીંગ સેટનો ઢગલો.

  આ બધુ લગ્ન સમયે ભેટના સ્વરૂપે આપવામાં આવે છે. મારી પાસે પણ છે. ૧૦ વર્ષ લગ્ન ને થયા હજી કશું યુઝ થયું હોય તેવું મારે ધ્યાને નથી.

  હિરલબેન નો પ્રતિભાવ ગમ્યો. પુસ્તકો અને પછી તેનું દાન વાહ કેવું સુંદર.

  આપણે પહેલ કરવી જોઇએ. આપણે એમ માનીએ છીએ પણ આપને તેમ કરી શકત નથી, આપણા પરીજનો તેમ કરવાની ના પાદે છે આપણે તેમને સમજાવી શકતા નથી.

  પ્રયત્ન કરવો જરૂરી છે.

 8. Dipti Trivedi says:

  26 જાન્યુઆરી 1987ને દિવસે મારા દીકરાનું લગ્ન નક્કી કર્યું ત્યારે—તેની એક પુસ્તિકા જ કંકોતરી તરીકે છપાવી.—-પણ હજુ તેનો જોઈએ એવો વ્યાપ થયો નથી.. અલબત્ત છેલ્લા વરસોમાં દેખાદેખી વધી છે. ઓછામાં ઓછુ લગ્નમાં કઈ વિધિ કેમ કરીએ છીએ ત સમજવું તો જરુરી છે જ . —ગયા વરસે અહી યુ.એસ. માં એક ગુજરાતી યુવકે અમેરિકન કન્યા સાથે લગ્ન કર્યા તો એ લોકોએ લગ્ન વિધિ દરમિયાન કુટુંબ દીઠ સંપૂર્ણ વિધિ અને તે કરવાનો વૈદિક મહિમા ઈંગ્લીશમાં મોટી સાઈઝની કંકોતરી જેવા આઉટલેટમાં છપાવીને વહેંચણી કરી હતી જે ખરેખર સારો પ્રયાસ હતો.

 9. ઈન્દ્રેશ વદન says:

  Author is a whining person.
  Why does every other writer have to keep complaining about the current situation and society?

  Write something better and pleasant.

  Jagdishbhai didn’t mention how the hell his wedding ceremony was!! Nor he mentioned how he’s planning to get his kids married. Or, if they’re already married how their ceremony was.

  It’s lot easier to preach and whine, then write some positive and admiring articles.

 10. જગત દવે says:

  ઈન્દ્રેશભાઈઃ

  આપનો બળાપો અપ્રાસંગિક નથી. લેખકે કદાચ વધારે પડતો આદર્શવાદ પ્રગટ કર્યો છે. પણ ફક્ત ખમ્મા ખમ્મા વાળા લેખથી પરીવર્તન ન લાવી શકાય. લેખક તેમનાં કે તેમનાં સંતાનોનાં લગ્નમાં ક્રાંતિ ન કરી શક્યા હોય એવું બની શકે છે. પણ તેમનો વિષાદ પણ અસ્થાને નથી. આવો નાનો નાનો અવાજ કયારેક પડઘામાં પરિવર્તીત થઈને ક્રાંતિનું સ્વરુપ લેતો હોય છે.

  માત્ર ગલી ગલી કરે તેવું વાંચન એ વાંચનનો ઊચ્ચ પ્રકાર નથી. તેનાં માટે ટેલીવિઝન અને ફિલ્મો છે જ. એ બંને સશક્ત માધ્યમોને આપણે આમેય પ્રદુષિત કરી જ દીધા છે ત્યારે વાંચન ને ચિંતન પ્રેરે તેવું રહેવા દઈએ તો વધારે સારું એવું મને લાગે છે.

  ખાસ કરીને રીડ-ગુજરાતી ને તેનાંથી દૂર રહેવા દઈએ તો પણ ઘણું.

 11. જય પટેલ says:

  લેખકશ્રીના લગ્નપ્રસંગે સાદગીબા વિચારો અપ્રસ્તુત નથી પણ અવાસ્તવિક છે.

  ૧૯૯૧ બાદ સમાજવાદથી મૂડીવાદનું પ્રયાણ જીનમાંથી નિકળેલા રાક્ષસ જેવું છે.
  સાદગીથી લગ્નની ઉજવણી ૧ અબજ અને ૩૦ કરોડના દેશમાં કેટલી રોજીરોટી ઝૂંટવી લેશે ?
  સમાજમાં એક લગ્ન કેટલી રોજગારી ઉભી કરે છે ?
  ઈકોનોમી અને જીડીપીમાં કેટલું યોગદાન અર્જિત કરે છે તે નજરઅંદાજ કરી શકાય ?
  લેખકના અમુક વિચારો આવકારદાયક છે…દિકરીની વિદાય ઘરના ઉંબરેથી થાય જ્યાં તેની કાઠી ઘડાઈ છે.

  સામાજિક નવરચનાના ભાગરૂપે સામાજિક પ્રયોગો હંમેશાં આવકાર્ય છે.

  • જગત દવે says:

   જયભાઈઃ

   અનૈતિક કામો દ્વારા ઊભી થતી રોજગારી ને પણ મૂડી-વાદ સ્વીકારે છે. માટે આ ‘જીનમાંથી નિકળેલા રાક્ષસ’ ની ચોટી પકડવી જરુરી છે. ભારતે ચોટી પકડી રાખી હતી એટલે ભારતની બેંકો નાં હાલ અમેરીકા ની બેંકો જેવા ન થયા અને કરોડો લોકોની મૂડી અને ભારતની આબરૂ સચવાઈ ગઈ.

   અમુક સમયે જાહેર-હિતને ધ્યાનમાં લઈ ને ઈકોનોમી અને જીડીપીમાં નાં આંકડા ને નજરઅંદાજ કરવાની હિંમત દેખાડવી જોઈએ તેવું મને લાગે છે.

   ધામધુમ થી થતાં લગ્નની ઊજવણીનાં પરિપેક્ષ્યમાં પણ એ લાગુ પાડી શકાય………કેવી રીતે?????

   ૧. વરઘોડાઓ પર અંકુશ અથવા પ્રતિબંધ
   ૨. ડી.જે. અથવા બેન્ડનાં જાહેર ધોંઘાટ પર પ્રતિબંધ
   ૩. ચોખ્ખાઈનાં નિયમોનું સખ્ત પાલન અને તેનાં ભંગ બદલ દંડ.
   ૪. અવાજ કરતાં ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ
   ૫. રાત્રિ લગ્નોને મંજુરી નહી.
   વિ. વિ.

   ભારતમાં લોકો બીજાની તકલીફને આદર આપવાનું ભુલતાં જાય છે ત્યારે આવા નિયમનો જરુર પ્રજાને રાહત આપી શકે છે.

   • જય પટેલ says:

    શ્રી જગતભાઈ

    આપના પંચરત્ન સુઝાવ પર અક્ષરઃશ સંમત છું અને તેથી જ મેં શરૂઆતમાં કહ્યું કે…

    લેખકશ્રીના લગ્નપ્રસંગે સાદગીના વિચારો અપ્રસ્તુત નથી પણ અવાસ્તવિક છે.
    આપના પાંચેય સુઝાવ પર અમલ તો પ્રજાએ જ કરવાનો છે જે શક્ય છે ?

    ૧. વરઘોડો.
    દિન-પ્રતિદિન વરઘોડાઓ વધુને વધુ આધુનિક થતા જાય છે. જેમ કે
    વરરાજાની સવારી હાથી પર….હેલિકૉપ્ટરમાં વરરાજાનું આગમન વારંવાર અખબારોમાં આવે છે.
    ૨. ડી.જે અથવા બેંડવાજાં
    વધુને વધુ આધુનિક અને કોમ્પુટર સંચાલિત…..ખર્ચાળ.
    ૩. ચોખ્ખાઈના નિયમોનું પાલન.
    પ્રજા મુતરડી પર લગાવેલી ભગવાનની ટાઈલ્સ પર પણ
    પેશાબ કરે છે…..તાંજેતરમાં અમદાવાદમાં બીઆરટીએસ બનવાથી રસ્તા વચ્ચે લોખંડની રેલિંગ
    લગાવી હતી જે પ્રજાએ તુરંત જ ઉખાડી ફેંકી દીધી…કારણ એક બ્લૉક વધારે ચાલવું પડતું હતું..!!
    રેંલિંગ ટાફિકને રેગ્યુલેટ કરવા માટે લગાવી હતી જે પ્રજાને વધારે કસરત કરાવતી હતી..!!
    ૪.ફટાકડા.
    સૌથી વધારે અવાજ કરતા ફટાકડા ગુજરાતીઓ જ ફોડે છે જેને સાદગીના શસ્ત્રથી અટકાવવાના
    ખ્વાબ બૂરે નહિ..!!
    ૫.રાત્રિ લગ્નને મંજૂરી નહિ…મને સમજાયું નહિ..!!

    ભારતની બેંકો બચી ગઈ તો તેના સંદર્ભમાં કહું કે આપને હજુ સુધી અમેરિકાન ક્રાઈસિસના મૂળિયાં
    ક્યાં છે તેની ખબર નથી. ટૂંકમાં કહું તો મોર્ગેજ બેક સિક્યોરિટીઝ બેંકોનાં હેજ ફંડસ મેનેજરોએ
    અનિયંત્રીત ખરીદી હતી અને હાઉસિંગ સેકટર તૂટવાથી તેની કિંમત કાગળની પસ્તી જેવી થઈ ગઈ.
    ભારતની બેંકોએ મોર્ગેજ બેક સિક્યોરીટિઝ ખરીદી ન્હોતી. રેગ્યુલેટેડ માર્કેટને અનરેગ્યુલેટેડ માર્કેટ
    કોણે કર્યું…..ભૂ.પ્રમુખ શ્રી રેગને. આજે રિપબ્લિકન પક્ષ પણ શ્રી રેગનના ભૂતથી ભાગે છે..!!
    હવે કોંગ્રેસ ધીરે ધીરે માર્કેટને ફરીથી રેગ્યુલેટ કરી રહી છે જેથી જીન ફરીથી બહાર ના નીકળે..!!

   • Editor says:

    શ્રી જયભાઈ અને શ્રી જગતભાઈ,

    આપને મારી વારંવાર નમ્ર વિનંતી છે કે કૃપયા આપ એક-મેકનું ઈ-મેઈલ મેળવીને પ્રત્યેક લેખ પર વિસ્તારથી ચર્ચા કરશો તો વધારે યોગ્ય રહેશે. અહીં વારંવાર આપને વિનંતી કરતાં હવે સંકોચ થાય છે. કૃપયા એકથી પ્રતિભાવો ન લખતાં લેખના વિષયને ધ્યાનમાં રાખીને એક જ વાર આપની વાત રજૂ કરો.

    મને આશા છે કે મારી આ છેલ્લી વિનંતી આપ ગંભીરતાથી લેશો.

    લિ.
    તંત્રી, રીડગુજરાતી.

 12. Vinod Patel says:

  According to wedding planners, the minimum budget for an Indian wedding ceremony is $34000.00 in India while the average American wedding costs $26327.00. I am appalled by these statistics. It is truly a burden on all of us. When people see how much they have to spend on marrying off a daughter, they prefer to not have daughters. No wonder why more female babies are being killed than any other nation. If not killed, girls are often neglected in the family. I hope we wake up and change our extravagant habit.

 13. લગ્ન ને મધુરજનિ નિ ધામધુમ મા કોન પુશતકો વાચે ?

 14. Ashish Dave, Sunnyvale, Califronia says:

  લગ્નો જો પોતાના પૈસે કરવાના આવે તો પછી ખબર પડશે કે કેટલા વીસે સો થાય છે… આપણા છોકરાઓને છોડીને કોઈ બાપન પૈસે પરણતુ નથી અને માટેજ અમેરીકામા લગ્ન પ્રસંગો ઘણા નાના પાયે યોજાય છે.

  Ashish Dave

 15. angel says:

  Now a days theme concept of marriage is very popular, & for that more then 1.5 lac people sepend on its decoration & all. I think its only ‘dekha dekhi’, tell me which bride & groom observe its wedding place decoration? Its only for others..We find that in lunch & dinnder there are more then 20-25 items to serve, if every one taste each items once they not able to eat more & it effect health definately, but we don’t think on it & mostly all people taste each item, & its difficult to keep all items in one dish(its enthuastic to see people who are taking lunch put all items on his/her dishes & then confuse from where to start to eat, koi divas khavnu jou na hoi e rite koi item chode j nahi). Some people invites also their tailor & everyone even they don’t have any kind of relation with them, & now its trend & most people follow it.

  We are not financial consultant so we decide how much money they spend or not, how to spend but we can say that there are many ways to make marriage ceremoney memorable & enjoyable, as hiral ben says by books gift & etc…..

  I think Truptiben not read this article, otherwise she definately share her thoughts.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.