બીજી વાર….. – બકુલેશ દેસાઈ

[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.]

પ્રશ્ન નજીવો હતો, છતાં પેચીદો હતો. છોકરીવાળાએ તો સામા પક્ષને અનુકૂળ જ થવાનું. એટલે દલીલને ય અવકાશ ન હોય. છતાં દીપિકાનું મન માનતું ન હતું. ટીનુ માટે વાત પાકી થવા પર હતી. છોકરો બધી વાતે સારો હતો. બી.કોમ., એલ.એલ.બી. સુધીનો અભ્યાસ. અહીંની જ એક સહકારી બૅન્કમાં નોકરી. કુટુંબ પણ ક્યાં મોટું હતું ? માબાપ ને એક કુંવારી બહેન. ઘરનું ઘર ને ઘરનો જ ધંધો….. એ લોકોએ તો ટીનુને જોતાવેંત જ હા પાડી દીધેલી. એટલે બીજો તો કોઈ સવાલ જ ન હતો, આમ તો… પણ છોકરાની માએ ઊઠતાં ઊઠતાં ચિનગારી ચાંપી હતી. ‘બીજું બધું તો ઠીક, પણ છોકરીનું નામ બદલવું પડશે. મારી બેબીનું નામ પણ તન્વી જ છે. એક ઘરમાં બે તન્વી ? કેવું લાગે ?’

દીપિકાને સામું કહેવું હતું, ‘અરે, પણ તમારી દીકરી હવે તમારે ત્યાં કેટલા દહાડા ? તમે જ તો કહો છો કે બેત્રણ ઠેકાણે વાત ચાલે છે. એ ગ્રેજ્યુએટ થાય તેટલી જ વાર. પછી નાહક નામ શું બદલવાનું ?’ હોઠ સુધી આવેલા શબ્દોને તેણે હૈયામાં ધરબી દીધા. પરંતુ હવે… છેક હવે વિરોધ કરવાનું શીખી ગયેલા તેના મને-હોઠે કહી તો દીધું જ, પણ શબ્દફેરે, ‘પણ બહેન, અમે તો અમારી દીકરીને ટીનુ જ કહીએ છીએ. તેના ખરા નામની તો અહીં ભાગ્યે જ કોઈને ખબર છે. તમે બધાં પણ ટીનુ જ કહેવા માંડો તો ?’
‘ના હોં, અમારે ત્યાં કોઈનાં બે નામ નથી. ને અમે તો એકબીજાને નામથી જ બોલાવીએ છીએ. એટલે નામ તો બદલવું જ પડશે, કેમ ખરું ને, હર્ષદ ?’ પોતાના ખિસ્સામાંથી લાઈટર ફંફોસતાં પતિદેવ ઓચિંતા પ્રશ્નથી હડબડી ઊઠ્યા, ‘હે….હા…ના….ના….હા…..હા…’ ને પછી ખિસિયાણું હાસ્ય. જાણે કે રાષ્ટ્રપતિએ સહી-સિક્કા કરી જ દીધા. ખરડો કાયદો બન્યો જ સમજો !

જો કે સમજવાનું અને સહન કરવાનું તો છોકરીવાળાને જ હોય ને ? દીપિકાને પોતાનો અતીત યાદ આવી ગયો ! અચ્છું-ખાસ્સું નામ હતું દીપાલી. પણ લગ્ન પછી સુમને કહી દીધેલું, ‘નામ બદલી નાખીએ તારું. આ તે કૈં નામ છે ? કવ્વાલી ગાનાર ભોપાલી યાદ આવી જાય. આજથી તું દીપિકા. બસ.’ ઠેકાણે પાડવા ને માબાપને ચિંતામુક્ત કરવા પોતે કેટકેટલું જતું કર્યું હતું ! તો પછી નામ આ રહે કે બીજું ? શો ફરક પડવાનો હતો ? અને દીપાલી મટી ગઈ, દીપિકાએ જન્મ લીધો. તો પણ ક્યારેક તેને થતું : લગ્ન પહેલાં તે કેવી હતી ! ત્યારે કેવાં કેવાં સ્વપ્ન સેવ્યાં હતાં ! તેને ક્યારેક આશા જાગતી કે લગ્ન પછી આ નોકરીની ધૂંસરી નહીં રહે. અઢાર વર્ષની ઉંમરથી ભણતર ને નોકરી એક સાથે વળગ્યાં હતાં. તેને ખરા અર્થમાં ગૃહિણી બનવાનું કેટલું મન હતું ! પતિ કદાચ ખુશ થઈને કહેશે – માંગ, માંગ, માંગે તે આપું, ને પોતે હળવી થઈ જવાની માગણી કરશે. પણ અહીં તો સંજોગો જ વિપરીત હતા. નણંદ-દિયરને પરણાવવાનાં બાકી હતાં. સાસુ-સસરાને પણ જોવાનાં હતાં. એટલે આમ તો સારા સ્વભાવનો સુમન, પેલું વરદાન આપવા તૈયાર થઈ પણ જાય. પરંતુ તરત જ એક વાક્ય ઉમેરે, ‘માંગ, માંગ, માંગે તે આપું, પણ નોકરી છોડવાનું કહેતી નહીં !’

વરદાન તો ન મળ્યું, નોકરી જ રહી. નામ ગયું ને નામના ઉચ્ચારની સાથેની પરિચિતતાની આભા વિલીન થઈ ગઈ. શરૂ શરૂમાં ઑફિસમાં બધાં નવે નામે બોલાવતાં ત્યારે તેને થતું, આ લોકો કોને બોલાવે છે ? ધીમે ધીમે દીપિકા નામ પરિચિત-પ્રચલિત થતું ગયું ને દીપાલીનો લોપ થતો ગયો. એક અઠવાડિક પત્રનું નવું નામ આપવાનું હતું ત્યારે મૂળ નામ ધીમે ધીમે ઝાંખુ ને નાનું થતું ગયેલું ને નવું નામ આક્રમકતાથી છવાઈ ગયેલું તે દીપિકાને યાદ આવી જતું. જો કે ખૂબી એ થયેલી કે તેના પિયરમાં તો બધાં જૂને નામે જ બોલાવતાં અને સુમન પણ તેમને જ અનુસરતો. ફક્ત સર્વિસ-બૂક કે બૅન્કની પાસબૂક વગેરેમાં જ નવું નામ રહ્યું. તો પછી આ તે કેવો ઘાટ થયો ?! ‘તેરા તેલ ગયા ઔર મેરા ખેલ ગયા !’ ગમે તેમ પણ પછી દીપાલી કોઈ પારકા ગામની અજાણી છોકરી હોય તેવું જ તેને લાગતું.

એ દીપાલી પાછી આળસ મરડીને બેઠી થઈ કે શું ? ટીનુને જોવા આવનારે જ્યારે નામ બદલવાનું કહ્યું ત્યારે તેને એવું લાગ્યું. જો કે તત્કાળ તો એણે ગોળ ગોળ જ જવાબ આપ્યો. સામેવાળાએ પણ દેશમાં કાકાને પૂછાવી બેત્રણ દિવસમાં ફાઈનલ કરશે એમ કહેલું. અનિશ્ચિતતાની દશામાં દીપિકાએ એ લોકોને વિદાય આપી પણ વિચારોને કેમ કરી વિદાય આપવી ? મારા પર જે વીત્યું તે ટીનુ પર શું કામ વીતે ? એ દલીલ ચકરાવા-વમળાવા લાગી. દીપિકાને એકાએક સૂઝ્યું, લાવ, ટીનુને તો પૂછું, એ શું કહે છે ? કારણ કે ખરેખર તો આ તેનો પ્રશ્ન છે. એકલી પોતે શું કામ તેનો ભાર ઉપાડીને ફરે ? પછી થયું : ટીનુ પર તે શું પોતાની છબી ‘સુપર ઈમ્પોઝ’ તો નથી કરતી ને ? ટીનુ જો કે કોઈનો પડછાયો ય લે તેવી નથી. એક ઘા ને બે કટકા ! સુખી થશે ને ! પોતાની જેમ દોલાયમાન ચિત્ત રાખે તે દુઃખી થાય. આ બાબતમાં તે તેના પપ્પા પર પડી છે. વિવાહની વિધિ ક્યારે કરવી ? જમણવારને બદલે લગ્નમાં નાસ્તો જ રાખવો કે કેમ ? આ પ્રશ્નો ચર્ચાયા ત્યારે સુમન કેવો આત્મવિશ્વાસ ને નિશ્ચયાત્મકતાથી ભર્યો ભર્યો હતો ! પપ્પાએ પૂછ્યું હતું, ‘તમારે તમારા વડીલોને પૂછવું-કરવું હોય તો પૂછી રાખો. બધું ફાઈનલ થોડા દિવસ પછી કરીશું.’ તેના પક્ષે બધી વાતચીતમાં તેના સિવાય બીજું કોઈ ન હતું, ભલે તેનાં મોટા ભાઈ ને બહેન પણ હતાં, માબાપ પણ ખરાં. છતાં સુમને ઘડીના છઠ્ઠા ભાગમાં નિર્ણય લઈ ‘assert’ કરેલું, ‘મારે કોઈને પૂછવાનું નથી. માત્ર જાણ જ કરવાની છે.’

સુમનનો આવો ગુણ ટીનુમાં ઉતર્યો હતો. સગાં હોય, બહેનપણી હોય, પાડોશી હોય કે રાહદારી યા અન્ય વાહનચાલક હોય – ટીનુ જ બધાંની ફરિયાદી ને ન્યાયાધીશ…. કહો કે કોર્ટ-માર્શલ કરનાર સત્તાધીશ જ બની બેસતી. સામે દલીલ પણ ન થાય ને અપીલ પણ ન થાય. ટીનુ પોતાના નામ બાબતે પણ પૂરી જાગ્રત. કોની મગદૂર છે કે તેના નામ સાથે અડપલું કરે ? ખીજ પાડવાનું તો દૂર જ રહ્યું, ‘મને ટીનુડી નહીં કહેવાનું. ટીનુ કહેવાનું.’ ‘તું મોટી થાય ત્યારે પણ બધાંએ તને ટીનુ જ કહેવાનું ?’ એવું કોઈ પૂછે ત્યારે નાનકડી સ્કૂલગર્લ નાકનું ટીચકું ચઢાવી કહેતી, ‘હોય કંઈ ? ત્યારે બધાએ ટીનુબેન કહેવાનું !’ કોઈવાર તે સુમનને લડતી, ‘મારું નામ તન્વી કેમ પાડ્યું ? તબસ્સુમ કેમ નહિ ? કેવું સરસ નામ છે.’ પછી ક્યાંથી તેનો અર્થ પણ તે જાણી લાવી હતી, સ્મિત. એકવાર તેણે હઠ કરી, ‘મારું નામ તબસ્સુમ રાખો નહિ તો તબ્બુ.’ સુમને તેની જોડે જીભાજોડી કરી માંડ મામલો થાળે પાડ્યો, ‘જો બેટા, તબસ્સુમ નામ કેટલું લાંબું છે. ને કોઈ તને તબ્બુને બદલે તંબુ કહેશે તો ?’

આવી આને શું કહેવું ? તારું નામ બદલીએ તો એ લોકોની હા, નહિતર ના; એમ જાણી તરત જ તે રિ-એક્ટ કરશે, ‘નામ એનું એ જ. છોકરો બીજો મળી રહેશે.’ પણ નામ અંગેના તેમના આગ્રહ સિવાય આ સંબંધે બીજું શું કહેવાપણું છે ? એ લોકોની આવી કચકચ અંગે બળાપો કરું તો કદાચ તે વિચારે તો વિચારે. સુમન જો કે એમ પણ કહેતો, ‘ટીનુ પાસે જે કરાવવું હોય તેનાથી ઊલટું કહેવું !’ આમ ટીનુ પાસે અવળો કાન પકડાવવા દીપિકાએ નક્કી કર્યું; જો કે હજી સુમનનું શું મંતવ્ય છે તે ય જાણવું બાકી હતું. તેને શોધવા દીપિકાએ આમતેમ જોયું. બાપ-દીકરી બેઉ જણ ફોન આગળ, ‘મારે પહેલાં ફોન કરવો છે.’ એમ બોલી ખેંચતાણ કરતાં હતાં. દીપિકાએ માથું કૂટ્યું. પચાસ વરસના આ માણસનેય શું કહેવું ? ને ઓગણીસ-વીસની આ તડાફડીને પણ શું કહેવું ? તેણે જોયું કે સુમન પાસેથી ફોનનું રિસિવર ઝૂંટવવા તેણે ધસારો કર્યો છે. ફરી ખેંચાતાણી ને રકઝક. ટીનુની પીઠ દીપિકા તરફ ને સુમનનું મોં પોતાની તરફ જેવું આવ્યું કે તરત દીપિકાએ ઈશારો કરી સુમનને પોતાની પાસે ફ્રીજ તરફ બોલાવી લીધો.

‘ઓ.કે.’ સુમન તેને રિસિવર પકડાવી દીપિકા પાસે પહોંચ્યો. ઈશારાથી ‘શું છે ?’ એમ પૂછ્યું. ‘છોકરાવાળા આમ તો સીધા ઊતર્યા છે. પણ નામ બદલવાનું કહે છે. શું કરશું ? આ જોગમાયાને કેમ સમજાવવી ?’ દીપિકામાં રહેલા માના જીવે ઉચાટ કરવા માંડ્યો.
સુમન બોલ્યો : ‘એને એકવાર કહી જોવાનું. તેની એકવાર ના થઈ તો પછી વાત પડતી મૂકવાની. બીજું કોઈ સારું ઠેકાણું મળી રહેશે.’ દીપિકા અવાક થઈને જોતી જ રહી ગઈ. કેવી તટસ્થતા ! કેવો ત્વરિત નિર્ણય ! છતાં તેને પતિની આ ખાસિયત માટે અત્યારે માન ન થયું. અમારાં લગ્ન પછી નામ બદલવાનું – સૂચન કહો કે હુકમ કહો – કરતી વખતે તે કેવા હતા ! અને આજે પુત્રીના આવા જ પ્રશ્ન વખતે કેવા છે ! શું આને ઉંમરની ઠરેલતા કહેવી કે પુત્રી માટેનો વિ-શેષ પ્રેમ ?… અને પોતે પણ ત્યારે કેવી નામાંતરણ માટે તાબે થઈ ગયેલી ! પોતે પણ જરાય વિરોધ ન કર્યો તે પણ એક હકીકત હતી ને ?

છતાં પત્ની માટે એક મત ને પુત્રી માટે બીજો મત જોઈ તેના દિલમાં જરાક ચણભણ જેવું તો થયું જ. ત્યાં તો ફોન પર વાત પૂરી કરી ટીનુ પપ્પા-મમ્મી તરફ ગઈ. કંઈક મજાક કરવા જતી હતી. પણ બેઉને ગંભીર ને ચિંતાતુર જોઈ ચૂપ થઈ ગઈ. સુમને નામાંતરણનો મુદ્દો ચર્ચ્યો. દુનિયાભરનું ડહાપણ પ્રગટાવી ટીનુ બોલી, ‘તમે શું કામ ચિંતા કરો છો ? મારી વાત પૂછો તો મેં નક્કી કરી રાખ્યું છે.’ બેઉ જણ ટીનુ તરફ જોઈ રહ્યા. ‘જુઓ, એ લોકોનો ફોન તો હજી બે-એક દિવસ પછી આવવાનો છે ને ? તો અત્યારથી શું ટેન્શન ? નામ બદલવા પર જ વાત અટકે ને તમે મારા પર જ બધું છોડવાના હો તો કહું ?’ બેઉના મોં પર ઉત્સુકતા પ્રગટી. પ્રશ્ન પૂછવાનું ય ભૂલી પુત્રી સામે જોઈ રહ્યાં. ‘ત્યારે અંતરમાં જે ઊગશે તે કહીશ…. અત્યારે કંઈ નહીં. જાવ…. પપ્પા તમારે ફોન કરવો છે ને ?’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કામ ન કરવાની કળા – પરાગ મ. ત્રિવેદી
….અને મૈત્રી વધતી ગઈ – મહેશ દવે Next »   

21 પ્રતિભાવો : બીજી વાર….. – બકુલેશ દેસાઈ

 1. સુંદર વાર્તા. સાચી વાત છે બાપને પુત્રી માટે વિશેષ પ્રેમ હોય છે….અને મા તેની સૌથી શ્રેષ્ઠ મિત્ર.

 2. dhwani says:

  varta adhuri lagi !!!!!!!

 3. વાર્તા ઉમદા છે. અને સરળતાથી ઘણું કહી આપે છે. અંતમાં કંઈક ખૂટતું જણાયુ. વાચક પોતે જ વિચારતો થાય કે શું હશે ?સમાજને અનુરૂપ વાર્તા લખાઈ છે. આ પ્રકારે વારંવાર બનતૂ હોય છે.
  કીર્તિદા

 4. Bhargav says:

  સુંદર વાર્તા અને સરસ અંત …

  “ત્યારે અંતરમાં જે ઊગશે તે કહીશ…. અત્યારે કંઈ નહીં. જાવ…. પપ્પા તમારે ફોન કરવો છે ને ?”
  જેમ પેહલા જ લેખકે જણાવેલુ કે ટીનુ મા પણ સુમન ના જ ગુણ આવ્યા છે, તેમ સુમન ની જેમ ટીનુ પણ ત્વરિત નિર્ણય જ લેશે.

  વળી, મા-બાપ સંતાનો નુ ધ્યાન રાખે એક વાત છે, પણ થોડા અંગત નિર્ણય તો વ્યક્તિ ના પોતાના જ હોવા જોઇયે.
  “દીપિકાને એકાએક સૂઝ્યું, લાવ, ટીનુને તો પૂછું, એ શું કહે છે ? કારણ કે ખરેખર તો આ તેનો પ્રશ્ન છે. ”

  લેખકે દરેક પાત્ર નુ આલેખન એકદમ્ સચોટ અને યથાર્થ કર્યુ છે.

 5. POOJA says:

  સુન્દર વાર્તા છે. દિપિકનિ એક વાત સાવ સાચિ છે. કે પત્નિ અને પુત્રિ માટે એક જ પરિસ્થિમા જુદા નિર્ણય એ જરા ખુચે. પણ જ્યારે પત્નિ માટે નિર્ણય લેવનો હોયે ત્યારે એ માત્ર પુરુષ બનિ ને અથવા પોતાના માતા- પિતાના પુત્ર બનિને વિચારેછે. પણ જ્યારે પુત્રિ માટે વિચારવાનો સમય આવે ત્યા રે એ માત્ર પિતા જ બનિને વિચારે છે.
  અને એટલે મને તો એવુ લાગે કે દરેક પુરુષ ને એક સ્ત્રિ બળક હોવુ જ જોઇએ. જેથિ એ સ્ત્રિને વધરે સારિ રિતે સમજિ સકે.

 6. PINAKIN PATEL says:

  સુદર,વિચારપ્રેરક અન્ત મા કૈક અધુરપ લાગે ૬.

 7. Bhavin says:

  two things:- end- what happend at last ?. and every man must have daughter…..

 8. Pinky says:

  Good story but left unfinished.

 9. nayan panchal says:

  વાર્તાની છેલ્લી લાઈન માસ્ટરસ્ટ્રોક.

  સ્વભાવિક છે કે પુરુષ પોતાની પત્ની અને દીકરી સાથે એક સરખી રીતે વર્તી નથી શકતો, કદાચ તેની સ્વભાવગત નબળાઈ કહી શકાય. સ્ત્રી પોતાના પતિ અને પુત્ર વચ્ચે પણ લાગણીનો થોડો ભેદભાવ રાખતી જ હશે. સામાજિક માળખાને લીધે સ્ત્રીએ ઘણી બધી સમજૂતીઓ કરવી પડતી હોય છે, આ પણ તેમાનો જ એક ભાગ છે એમ વિચારીને સૌ સહજતાથી સ્વીકારી લે છે.

  પાત્રોની ગૂંથણી સરસ.
  નયન

  • Tarun Patel says:

   તદન સાચિ વાત નયનભાઈ…..તમાર્રો ફોટો ગણોજ સારો હશે….તો મહેરબાનિ કરિને update કરો તો સારુ.

 10. Dipti Trinedi says:

  કહે છે કે મનની ગતિ ધ્વનિ અને પ્રકાશ કરતાંય વધુ હોય છે. વાર્તામાં પ્રસંગ ઓછા અને વિચાર -મનન વધુ છે અને એટલે જ ઝડપથી આગળ વધે છે અને અચાનક અંત આવી જાય છે. એક જ વ્યક્તિ જુદા જુદા સ્વરુપે અલગ પ્રકરે વિચારે અને નિર્ણય લે છે તેનુ લેખકે બહુ સ્વભાવિક વર્ણન કર્યું છે.——વળી સામાન્ય રીતે નવી પેઢી ઉતાવળી અને ધીરજ ગુમાવી દે એવી છાપ હોય છે , પણ અહીં લખ્યા મુજબ જ્યારે દીકરીના લગ્નની વાત હોય ત્યારે મા-બાપ તણાવમાં અને દીકરી વધુ સહજ છે. જનરેશન ગેપનું એક અલગ જ સ્વરુપ.

 11. Niks says:

  The story is unfinished. and the meaning of story is not reachable ..if reachable then it is very minor…

 12. જય પટેલ says:

  નાયિકાના મુખ પર શરમના કોરડા વાર્તાને પરાકાષ્ટાએ પહોંચાડે છે.

  મારી વાત પૂછો તો મેં નક્કી કરી રાખ્યું છે.
  …ત્યારે અંતરમાં જે ઉગશે તે કહીશ…અત્યારે કંઈ નહીં. જાવ…પપ્પા તમારે ફોન કરવો છે ને ?
  નાયિકાએ પોતાનું નામ સહર્ષ બદલવાની સ્વીકૃતિ સ્વીકારી લીધી છે તે બાબતનો ઈશારો આપ્યો છે.

  ગૃહલક્ષ્મીનું નવું નામકરણ એક પ્રકારની સુક્ષ્મ હિંસા જ છે. વ્યક્તિનું અસ્તિત્વ શેષ થઈ જાય તેવી
  કુ-પ્રવૃતિનો સ્વીકાર નિર્દયતાથી થાય છે. મારી મમ્મીનું પણ નવું નામકરણ થયેલું. મારા પિતાશ્રીનો પરિવાર
  ચુસ્ત વૈષ્ણવ હોવાથી વૈષ્ણવ સમાજને અનુરૂપ નામ મારા ફોઈએ પાડ્યું અને મારી મમ્મીનો
  એક જ જન્મમાં પુર્નજન્મ થયો. મારી મમ્મીની સ્વીકૃતિની જરૂર પણ કોઈને જણાઈ ન્હોતી…!!

  વ્યક્તિના અંતરના અપ્રગટ ભાવોને વાચા આપતી સુંદર વાર્તા.
  આભાર.

  • trupti says:

   જય,

   નામ બદલવાની પ્રથા મરાઠિ સમાજ મા પ્રચલિત છે ને એ વિવાહની એક વિધીનો ભાગ છે. આપણા ગુજરાતી સમાજ મા નામ બદલવાની પ્રથા નથી માટે આપણને તે અજુગતુ લાગે છે. હા પણ એક વાત તો નક્કી છે કે નામ બદલવુ એટલે તમારી આખી identity ને બદલી નાખવી. મારા મતે વ્યક્તી જે નામ અને ધર્મ સાથે મોટો થયો હોય તેજ નામ અને ધર્મ સાથે જ દુનિયા માથી વિદાય થવો જોઈએ. હું ધર્માતર ની સખ્ત વિરોધ છુ. નામ અને ધર્મ બદલવાથી માણસનો આત્મા નથી બદલાઈ જતો.

 13. Urvi pathak says:

  લગ્ન પછી અટક બદલાય એ જ પચાવતા સમય લાગે છે તો નામ બદલાતા કેવુ થાય્?

  લાલુ પ્રસાદ યાદવે એ સાચે જ કીધું છે…. Whats there in a name?

 14. જીતેન્દ્ર તન્ના says:

  દરેકને સૌથી વધારે પ્યારૂ પોતાનું નામ હોય છે એટલે ક્યારેય કોઇનું નામ બદલવું ન જોઇએ.

 15. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Beautiful dipiction… loved it

  Ashish Dave

 16. Kalakar says:

  As per Dale Carnegie, Do you know which word all people like the most in this world? It’s his/her own name.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.