….અને મૈત્રી વધતી ગઈ – મહેશ દવે

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક ઑગસ્ટ-2008માંથી સાભાર.]

સવારે ઘરનું બારણું ઉઘાડું કે તરત જ અચૂક એનાં દર્શન થાય. એને જોતાં જ મન પ્રસન્ન થઈ ઊઠે. પચાસ-પંચાવન વર્ષથી એની સાથે આવો પાકો નાતો છે, ગાઢ અને રોજિંદી દોસ્તી છે. પચાસેક વર્ષ પહેલાં પણ મળવાનું તો થતું, પણ એ ક્યારેક-ક્યારેક, અલપ-ઝલપ. એ સમયે પણ એનો સહચાર રસદાયક લાગતો, પણ એને મળવાની એવી કોઈ ખાસ તલપ કે ઈંતજાર નહીં. એ મળે તો આનંદ, ન મળે તો અફસોસ નહીં. એ વખતે એ આડોશ-પાડોશમાં મળી જાય, મુસાફરીમાં એસ.ટી. બસ કે ટ્રેનના ડબ્બામાં ભટકાઈ જાય, કોઈક પ્રતીક્ષાખંડમાં મુલાકાત થઈ જાય, પણ એ તો અકસ્માત. એની સાથે કાયમી અને રોજની દોસ્તી બાંધવી જોઈએ એવી સમજ કે ભાન જ નહોતાં. એ સમજણ ક્યારે આવી એનો ચોક્કસ સમય યાદ નથી. એ મારી વીસી-પચીસીનો સમયગાળો હશે એવો તર્ક કરું છું.

એ મિત્રનું શરીરબંધારણ પહેલાં તો સાવ પાતળું પાપડ જેવું હતું. ધીમે ધીમે એનો મેદ વધતો ગયો છે. આજ તો એ હરાયા ઢોર જેવો માતેલો થઈ ગયો છે. એના આખા શરીરને તમે બથમાં ન લઈ શકો એવો પુષ્ટ ! તેને આખેઆખો પામી ન શકો એવો તગડો ! હવે એ એવો ખૂરાંટ થઈ ગયો છે કે ગમે તેને શિંગડે ચડાવે. પહેલાં એનામાં સાદગી અને નમ્રતા હતી. ધોળાં, કાળાં, ભૂખરાં સાદાં વસ્ત્રો પહેરે, ઉછાંછળાપણાનું નામ નહીં. હવે એ રંગબેરંગી છે. ક્યારેક તો એટલા લાલ-પીળા રંગો ધારણ કરે કે ભડક લાગે, આંખને વાગે અને તોય તેને આંખે વળગાડું છું. એ હવે છકી ગયો છે. તેનામાં સત્તાનો મદ અને અહંકાર આવી ગયો છે. ધારે તેની ઉડાડે, ફિલમ ઉતારે અને તોય લોકપ્રિય છે અને મુજ પ્રિય છે.

વર્ષે-દહાડે વાર-તહેવારના ચાર-પાંચ દિવસ માફ. બાકી વર્ષના બારે મહિના અને ત્રીસે દિવસ એ બારણે ટકોરો આપે જ આપે. અજબ જેવી વાત છે : વર્ષમાં ક્યારેક પણ ન મળતા હોય, ક્યારેક ફોન સુદ્ધાં ન કરતા હોય એવા સગાં, સ્નેહી, સંબંધીઓ જે દિવસોએ અચૂક મળવા આવે કે ફોન કરે, તે દિવસોએ આ મારો મિત્ર-શ્રેષ્ઠ ખાસ ગેરહાજરી નોંધાવે ! એ છે જ એવો અનોખો, અનૂઠો, અવળચંડો ! એ એક પણ દિવસ ગેરહાજર રહે એ મને જરાય નથી ગમતું. એના વિના મને ચેન ન પડે.

આ મિત્ર મારું વ્યસન છે, મારી તલપ છે. મારો આવો ગાઢ સ્નેહી મિત્ર એટલે મારું છાપું, મારું અખબાર, મારું વૃત્તપત્ર. એની સાથે મૈત્રી કેવી રીતે બંધાઈ તેની કહાણી લાંબી છે. નાનો સાત-આઠ વર્ષનો હતો ત્યારે માખીના ટાંગા જેવા છાપાના ઝીણા અક્ષરો મારે પલ્લે ન પડતા. મારા શરીર જેટલા ઊંચા અને મારા બંને હાથ ન પહોંચે એવાં પહોળાં પાનાં પકડવાની ફાવટ નહોતી. છાપા અંગે કૂતુહલ પણ નહોતું. એ વખતે શાળાની મોટા અક્ષરોવાળી ચોપડીઓ વાંચતો. તે પછીના તબક્કામાં ‘બકોર પટેલ’ અને એવાં પુસ્તકો વાચવાનું ફાવવા ને ગમવા માંડ્યું. દસેક વર્ષનો થયો ત્યારે થોડા ઝીણા અક્ષરોનાં પાઠ્યપુસ્તકો વાંચતો થયો. એ પુસ્તકો ઉપરાંત ‘ઈસપની કથાઓ’ જેવી વાર્તાઓનાં પુસ્તકો વાચન-સુગમ બન્યાં. ત્યારે સમજાયું કે છાપાંઓ વાચવા માટે હોય છે. ત્યાં સુધી એમ માનતો હતો કે ચણા-મમરાનાં પંપૂડાં બનાવવાં, ભજિયાં-બટાટાવડાં કે કરિયાણાંનાં પડીકાં બાંધવાં કે ક્યારેક પાથરીને બેસવા માટે છાપાંનો ઉપયોગ છે. જોકે મારી બા તો છાજલી પર વાસણ મૂકતા પહેલાં વાસણો માટે બિછાનું પાથરવા પણ છાપાંનો ઉપયોગ કરતી. લૉન્ડ્રીવાળો વળી એમાં કપડાં ‘પૅક’ કરી કપડાંનું ‘પૅકેટ’ આપી જતો. પછી ખબર પડી કે એ બધો તો વાસી છાપાંઓની પસ્તીનો ઉપયોગ. રોજેરોજનાં તાજાં છાપાં તો મોટી ઉંમરના લોકો તન્મય થઈને વાંચે છે. એ વાંચતા હોય ત્યારે એ જ છાપું વાંચવા માટે રાહ જોતા બીજા કેટલાય તાકીને બેઠા હોય છે. ઉપલા ધોરણમાં આવ્યો ત્યારે સ્કૂલના દરવાજે રાખેલા પાટિયા પર ‘આજના સમાચાર’ લખવાની જવાબદારી અમારા વર્ગ પર આવી. વર્ગમાં વારા રાખવામાં આવ્યા હતા. દરેક વિદ્યાર્થીને માથે એક એક અઠવાડિયું ‘આજના સમાચાર’ લખવાનું આવતું. મારે લખવાનું આવ્યું ત્યારે મારી બાજુમાં રહેતા ભોગીકાકાને ત્યાંથી સવારે ‘મુંબઈ સમાચાર’ વાંચી સ્કૂલે વહેલો પહોંચી હું સમાચાર લખતો. બસ…. ત્યારથી અખબાર-મિત્રમાં રસ પડ્યો. પછી તો જ્યારે તક મળે ત્યારે ભોગીકાકાને ત્યાંથી જ નહીં, જ્યાં મળે ત્યાંથી છાપું વાંચતો થયો. જોકે મારે કબૂલ કરવું જોઈએ કે કોલેજમાં આવ્યો ત્યાં સુધી હું નિયમિત છાપું વાંચતો થયો નહોતો. વાંચવામાં મજા જરૂર પડતી, પણ સમય અનુકૂળ હોય તો વાંચી લઉં એટલું જ.

કૉલેજમાં આવ્યો ત્યારે તળ મુંબઈ છોડી મારે મુંબઈનાં ઉપનગર વિલે-પાર્લે રહેવા જવાનું બન્યું. હવે ઘરે જનશક્તિ અને ‘ફ્રી-પ્રેસ જર્નલ’ આવતાં થયાં હતાં. બંને કિંમતમાં સસ્તાં હતાં. પાર્લાથી લોકલ ટ્રેનમાં મુંબઈ આવ-જા કરવી પડતી. તે વખતે ટ્રેનમાં ‘ફ્રી-પ્રેસ’નું પાને-પાનું વાંચતો થયો. પછી તો રીતસર છાપાં વાચવાનો બંધાણી થઈ ગયો. ફ્રી-પ્રેસ વંચાઈ જાય અને કોઈ ‘કોમ્પ્યુટર’ (મુંબઈમાં સબર્બન પૅસેન્જર માટે મુસાફર, યાત્રી કે પ્રવાસી જેવા શબ્દો બંધબેસતા નથી લાગતા, કૃત્રિમ લાગે છે) હા, તો કોઈ ‘કોમ્પ્યુટર’ના હાથમાં ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ જોઉં તો તે માગીને વાંચું. એ એક પાનું વાચતો હોય તો બીજા પાનાં માગુ – આવો છાપાનો વ્યસની ! સાંજના પાછા વળતાં ‘ફ્રી-પ્રેસ બુલેટિન’ ખરીદું. ‘કેવું હળવું ઈવનિંગર !’ તેમાં આવતી ‘માવિક’ની ‘ગેસલાઈટ ગૉસિપ’ કૉલમ બહુ ગમતી. કોઈના હાથમાં કરાંજીયાનું ‘બ્લિટ્ઝ’ જોઉં તો તે માગીને વાંચું. અચેતન માનસ પર અજબ રીતે છાપાની આડકતરી અસર પડતી રહે છે. સદાનંદનું ‘ફ્રી-પ્રેસ’ વાચી-વાચીને હું પાક્કો પ્રજા સમાજવાદી (PSP) બની ગયો હતો. આમેય ’42 પછી જયપ્રકાશ, અશોક મહેતા, અરુણા અસફઅલી, આચાર્ય નરેન્દ્ર દેવ, અચ્યુત પટવર્ધન, મોહયુદ્દીન હેરિસ વગેરેનું યુવાનોને ભારે આકર્ષણ હતું. ‘52ની ચૂંટણીમાં PSPનો સંપૂર્ણ રકાસ થયો ત્યારે ભારે આઘાત લાગેલો. પછી સામ્યવાદ ગમતો થયો. ‘ટાઈમ્સ’ વાંચતો થયો ત્યારે ‘વિવેક’ (એ.ડી. ગોરવાલા), નાની પાલખીવાલા, ફ્રેન્ક મોરાઈસ વગેરેના ‘રાઈટિસ્ટ’ ને ‘સેન્ટરિસ્ટ’ વિચારોથી પ્રભાવિત થયેલો.

મિત્ર તો એજ ને કે જેનો સહવાસ ગમે, જેની અસર ઝીલીએ અને તેની સાથે સાથે ચાલીએ. ક્યારેક મતભેદ પડે, પણ મનભેદ નહીં. એને છોડીએ નહીં, છોડી શકીએ નહીં. છાપા સાથે મારું એવું જ છે. પરિપક્વ થતો ગયો તેમ એક નહીં, અનેક છાપાં વિવેકથી વાંચતો થયો. આજે રોજ ‘ટાઈમ્સ’, ‘ઈન્ડિયન એક્સપ્રેસ’, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘સંદેશ’ – ક્યારેક મળે તો ‘ગુજરાત સમાચાર’ એટલાં છાપાં નિયમિત વાંચતો થયો છું. ‘ટાઈમ્સ’, ‘એક્સપ્રેસ’ ઝીણવટથી વાંચું. બાકીનાં ઉપર ઉપરથી. સવારનો દોઢથી બે કલાકનો મારો સમય છાપાંઓ પાછળ કાઢું છું. વાંચવાનું કંઈક રહી ગયું હોય તો રાતે પૂરું કરું. અમારા એક મિત્ર છાપાં ઘણાં મંગાવે, પણ બધાંનાં મથાળાં પર ઉપર ઉપરથી નજર ફેરવી લે અને પછી મને ટોકે ‘હવે છાપાંઓમાં શું વાચવાનું ?’ છાપાં વાચવાની મજાની એમને શું ખબર પડે ! ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે ? અલબત્ત, છાપાનું પ્રથમ મહત્વ છે તેની ન્યૂઝ-વેલ્યૂ. ‘કોઈની વ્યથા આપણને મન રસની કથા’. મિત્રો મળે ત્યારે ગપગોષ્ઠિ ચાલે. તેની સાથે ‘ગોસિપ’, ‘સ્કૅન્ડલ’ વગેરે કાનાફુસી પણ વરસે. એની પણ એક મજા છે. છાપાંનું પણ એવું જ. ક્યાં બન્યું, શું થયું, કોણ હાર્યું, કોણ જીત્યું; ક્યાં તોફાન, ક્યાં ઉત્સવ વગેરે. આવા સમાચારો ઘણી વાર તો હું મથાળા વાંચી સંતોષ માની લઉં. રાજકીય અને સામાજિક વિષયો, ઊથલપાથલો વિશે પૂરેપૂરું વાંચું.

હમણાં હમણાં ખૂના-મરકી, હત્યા, સેક્સ, બળાત્કારના સમાચારો ખૂબ છાપાતા રહે છે. છાપાંઓ એને ચમકાવે છે. ફોટાઓ અને મિર્ચ-મસાલા નાખી ચટાકેદાર બનાવે છે. પૃથકજનને માટે તે આકર્ષક નીવડે છે. છાપાઓને સમજ તો હશે જ કે tastes develop on what you are fed. જે ખવડાવ્યે રાખો તેનાથી રુચિ ઘડાય. પરિણામે વધુ ને વધુ ઉઘાડા, ઉત્તેજક અને જુગુપ્સાપ્રેરક સમાચારો ને ફોટા છપતાં રહે છે, હલકી રુચિઓ બહેલે છે ને બહેકે છે. સ્વર્ગસ્થ વડીલમિત્ર ચી.ના. પટેલ આવાં છાપાં જોઈ બહુ ખિન્ન થતાં અને ઉદ્વેગ અનુભવતા. તેમની દીકરી દિનાએ આથી તેમને માટે છાપાં વાંચવાનું બંધ કરાવ્યું હતું. છાપાં વાચવાનું બંધ કરવાના આવા ઘણા દાખલા છે. લાભશંકર ઠાકરે ‘મનસુખલાલ મજીઠિયા’ નામનું એક નાટક લખ્યું હતું. તેમાં એક કરપીણ સમાચાર વાંચી નાયક હતચિત્તપ્રભ થઈ જાય છે. જેમ જેમ એ રોજરોજ આવા સમાચાર વાંચતો જાય તેમ એનું એક પછી એક અંગ નાશ પામી અદશ્ય થતું જાય છે અને છેલ્લે નાયક આખો ઓગળી જાય છે. અંગઉપાંગી અભિનયમાં કાબેલ અભિનેતા કમલહસન જેમ એ પાત્રમાં ચિત્રકાર બાળકૃષ્ણ પટેલે અદ્દભુત અભિનય આપ્યો હતો.

હા, તો આજકાલ છાપાંનાં ઘણાં અળખામણાં સમાચારો ઉદ્વેગ, ઉશ્કેરાટ, વિષાદને ખિન્નતા જન્માવે તેવા હોય છે. પણ મને ‘ન્યુઝ’માં ઓછો, ‘વ્યૂઝ’માં વિશેષ રસ છે. છાપાના Ed અને Op-Ed, એટલે કે સંપાદકીય અને સામેનું પાનું મારે માટે સૌથી રસપ્રદ છે. અંગ્રેજી છાપાના તંત્રીલેખ, એમાંય છેલ્લો વિનોદી તંત્રીલેખ, વચ્ચેની મેઈન કૉલમ અને નીચેની કૉલમના લેખ, સામેના પાનાનો કોઈ ખાસ લેખ, કોઈ સંશોધન, કોઈ નવી-નવાઈ – આ બધું મને જકડી રાખે છે. એમાંથી મને જાણવાનું જ નહીં, વિચારવાનું ભાથું મળે છે. કેટલા બધા પત્રકાર-મિત્રોનો પરિચય મળ્યો છે – રવિશંકર મહેતા, સોપાન, શામળદાસ ગાંધી, અમૃતલાલ શેઠ, પ્રબોધ ચોકસી, વાસુદેવ મહેતા, હરીન્દ્ર દવે, સદાનંદ, કામથ, મોરાઈસ, ‘વિવેક’, ‘આદિબ’, સ્વામી અંકલેશ્વરિયા, ઐયર, ચક્રવર્તી, આશિષ નાંદી, નૈયર, મલ્હોત્રા, પાડગાંવકર, કરાંજીયા, કરાકા, બીઝી બી અને કેટલાય કટારલેખકો.

રવિવાર એટલે તો છાપાંઓની ઉજાણી. પૂર્તિઓમાં એવા જાતજાતના, ભાતભાતના લેખો. આખી બપોર નીકળી જાય. છાપાંઓ માત્ર છીછરું વાચન નથી. તેમાંથી રોજરોજનું નવું નવું શોધાયેલું, નવું નવું વિચારાયેલું જાણવાથી હું સમૃદ્ધ બન્યો છું. એક સમયે મનાતું કે ટી.વી. ઉપર સચિત્ર સમાચારો આવતા થયા પછી છાપાંનું મહત્વ ઘટશે. એવું બન્યું નથી. બલ્કે છાપાં વધ્યાં છે, વાંચનારાઓની સંખ્યા વધી છે, છાપાં પૂર્તિઓથી પુષ્ટ બન્યાં છે. અણગમતા સમાચાર વાંચી હું છાપું ફેંકી દઉં તો તેને ખોટું લાગતું નથી. સારા સમાચાર વાંચી ખુશ થાઉં તો છાપું પોરસાતું નથી. આવો નિર્લેપ મિત્ર ક્યાંથી મળે !

મને કોઈ પૂછે કે મારી અંતિમ ઈચ્છા શી છે, તો કહું કે મારા અગ્નિદાહ વખતે બેઠેલાઓને સમય પસાર કરવા વિધવિધ છાપાં વાચવા માટે આપજો. મને લાકડાને બદલે પસ્તીથી બાળજો અને મારા અસ્થિફૂલ સાથે છાપાંની કરચો પધરાવજો. આમ કરશો તો મેં મિત્રઋણ અદા કર્યું કહેવાશે ને મારા આત્માને શાંતિ મળશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બીજી વાર….. – બકુલેશ દેસાઈ
ઉંબર વચ્ચે – બિન્દુ ભટ્ટ Next »   

19 પ્રતિભાવો : ….અને મૈત્રી વધતી ગઈ – મહેશ દવે

 1. સુંદર લેખ…..

  અમેય નાના હતા ત્યારે છાપું હાથમાં સમાવી ન શકતા એટલે જમીન પર પાથરી તેની પર આડા પડી તે વાંચતા, ક્યારેક પવન આવે કે પંખાના પવનથી પાના અસ્તવ્યસ્ત થઇ જતા અને એ પાના ભેગો કરવામાં વાંચવા કરતા પણ વધુ સમય જતો.

  • દીપક સોલંકી says:

   હિરલ બહેન આપ રીડ ગુજરાતીના સાચ્ચા વાચક છો.. એક પણ લેખ એવો નથી કે જે આ પે ન વાંચ્ચો હોય કારણ કે દરેક લેખમાં આપની કોમેન્ટ અચૂક જોવા મળે.. અભિનંદન…. લેખકો કેમોન્ટ વાંચીને પ્રોત્સાહીત થતા હોય છે… હુ ઇચ્છવા છતા નિયમીત રીતે વાંચી નથી શકતો અનો વાંચુ છુ તો કોમેન્ટ નથી લખી શકતો.. મારી અનિયમીતતા મને ખૂચે છે…

 2. harikrishna patel says:

  wow,i also like lot of newspaper .specislly on sundays .

 3. સમય ગમે તેટ્લો બદલાય્ દુનિયા ઉપકરણો થી લદાય જાય્ તો પણ છાપાનું સ્થાન દરેકના દિલમાં ક્યારેય ન ભુલાય . ઈન્ટરનેટ કે ટી.વી ચેનલો પર કલાકો બેસી રહો પરંતુ છાપાથી જે આનંદ મળે છે તે માત્ર આનંદ લેનાર સમજી શકે.
  મહેશભાઈના દરેક લેખ રસપ્રદ હોય છે. આભાર્
  કીર્તિદા

 4. Kamakshi says:

  time is changing the field of media has expanded a lot . for news and entertainment there are different TV channels and internet and lot more. but still new paper is the king of all these.

  very good article

 5. જગત દવે says:

  એ તો કબુલવું પડશે કે ગુજરાતી ભાષાનાં સમાચાર પત્રોમાં કટાર લેખોની અને લેખકોની ગુણવત્તા સુધરી છે. ચંદ્રકાંત બક્ષી જેને કટાક્ષમાં ‘કટારીયો’ કહેતાં. 🙂

  હા સાથે એ પણ કબુલવું પડે કે……સમાચાર પત્રોમાં સમાચારો, ફોટો પત્રકારત્વ અને રાજકીય કાર્ટુન અને ભાષાની ગુણવત્તા સુધરવાને બદલે દિન-પ્રતિદિન નબળી થતી જાય છે.

 6. nayan panchal says:

  મને પણ મારા છાપા સાથેના સંગાથના આટલા વર્ષોની યાત્રા યાદ કરાવી દીધી. મને છાપા વાંચવામા રસ તો ફિલ્મોના પેજથી પડ્યો. સમાચાર વાંચતો ચોથા ધોરણથી થયો જ્યારે શિક્ષકશ્રીએ વર્ગમાં મુખ્ય સમાચાર વંચાવવાનુ ચાલુ કર્યુ.

  છાપાનુ સ્વરૂપ બદલાયુ છે, ગુણવત્તા અમુકવાર શંકાસ્પદ બની જાય છે, તો પણ વાંચવુ તો પડે જ. રવિવારે દિવ્યભાસ્કરની પૂર્તિ અને બુધવારે ગુજરાત સમાચારની પૂર્તિ વગર તો અઠવાડિયુ અધુરુ લાગે.

  રસપ્રદ લેખ આપવા બદલ આભાર.
  નયન

 7. Chintan says:

  આજનો આ વર્તમાન પત્ર પરનો લેખ વાંચીને મને મારા દાદા યાદ આવી ગયા. હુ નાનો હતો ત્યારે છાપામાં માત્ર સ્પોર્ટ્સનો વિભાગ વાંચતો પછી દાદાએ બોલી બોલીને બધા સમાચાર વાંચતો કર્યો. સ્કૂલેથી આવીને તરત અમે ભાઈઓ છાપુ લેવા દોડતા…સરસ લેખ…ઘણી યાદો તાજી થઈ ગઈ. 🙂
  મૃગેશભાઈ તેમજ લેખકનો આભાર.

 8. Dipti Trinedi says:

  લેખની શરુઆતમાં લેખકે એ ક્યા મિત્રની વાત કરે છે એની જિજ્ઞાસા બરાબર જમાવી છે. છાપાની પૂર્તિ ધોરણ્-૫ થી વાંચવાની શરુ કરી અને ધીરે ધીરે સમચાર તરફ ઝોક વધ્યો. શબ્દ સંધાન માટે શરુમાં તો રીતસર હોડ થતી. મારા પપ્પને બીજું કોઈ નહી પણ છાપાનું જબરું વ્યસન. કિં રુપિયા બે, પાના ૧૬ થી શરુ થાય તે છેલ્લે સુધી અને એ ટેવ બધાંને વારસામાં મળી. . —–મારા અગ્નિદાહ વખતે બેઠેલાઓને સમય પસાર કરવા વિધવિધ છાપાં વાચવા માટે આપજો. —-આ લેખકની છાપાં પ્રત્યેના લગાવની પરાકાષ્ઠા બતાવે છે.

 9. trupti says:

  નાની હતી ત્યારથી પેપર( અમારા ઘરમા અમે છાપાને પેપર કહીયે છીએ) વાંચવાનો જબરો ચસકો, જેને લઈ ને ઘરમા ઘણિવાર બોલાચાલી પણ થઈ જતી કારણ જેવુ પેપર આવે એટલે વાંચવા બેસી જાવ અને જે પણ કામ કરતી હોઉ તે અધુરુ મુકી દઉ એટલે મમ્મી નો ઠપકો સાભળવો પડતો. આજ આદત હવે મારી દિકરી ને છે ને હું જેમ મારી મમ્મી મને ઠપકો આપતિ તેમ આપુ પણ મનો મન ખુશ પણ થાઉ કે દિકરીએ મા નો વારસો જાળવ્યો. હવે સમય ના અભાવે સવાર મા પેપર વાંચવા નો ટાઈમ નથી મળતો પણ મારી દિકરી હું કામ કરતી હોવ ત્યારે મહ્તવ ના સમાચાર જણાવી જાય. મારા પપ્પા-મમ્મી અને મારા સાસુ-સસરા પણ પેપર ના પાક્કા બંધાણિ. મારા સસરા તો મગ્નીફાઈગ ગ્લાસ લઈ ને કલાકો સુધી પેપરમા માથુ ઘાલી ને બેસતા.
  દિપ્તી બહેને કહ્યુ તે પ્રમાણે લેખની શરુઆતમાં લેખકે એ ક્યા મિત્રની વાત કરે છે એની જિજ્ઞાસા બરાબર જમાવી છે..

  સુદર લેખ આપવા બદલ લેખક શ્રી અને મ્રુગેસભાઈ નો ખુબ આભાર.

 10. અશોક જાની 'આનંદ' says:

  છાપુ લગભગ્ દરેક વાચક માટે બંધાણ્ જેવું થઇ જાય છે, અમુક છાપાંને બાદ કરતાં હવે પહેલા જેવી શાલીનતા નથી સમાચારોમાં રહી કે નથી કોઇ કટારમાં છતાં સવારમાં છાપાના દર્શન ન થાય તો જાણે આપણી સવાર સુસ્ત થઇ જાય છે. હમણાં ગયા અઠવાડિયે છાપાના વિતરકો અને ફેરિયાઓએ કમિશન માટે હડતાલ પાડેલી ત્યારે આ વાતનો જીવંત અનુભવ થઇ ગયેલો, લોકો છાપુ શોધવા સવારમાં જે રીતે ઘાંઘા થઇને દોડતા તે જોવા લાયક હતુ. હું પણ એમાનો એક ખરો…!!!!!!!

 11. jignesh says:

  મારે તો આજે પણ રોજ પત્નીનું સાંભળવું પડે છે કે ચ્હા ઠરી ગઇ ક્યાં સુધી છાપું વાંચશો? સરસ લેખ.

 12. hardik says:

  Mostly,people with humble upbringing have news paper as only affordable source of information and knowledge. And we love that. Personally, i think people who can afford information on web should move for same. I still love and lounge for newspaper but don’t go for it any more. “Save Trees”..

 13. RAHUL VANVI says:

  મને વચવનિ ખુબ મજા આવે છે જિવનને સારિ રિતે જિવવા માટે છાપું વાંચજો.

 14. Rachana says:

  આજના સમાચારપત્રકો માં પહેલા જેવો સાહિત્યનો રંગ નથી રહ્યો.આર્ટિફિશીયલ ટચ આવી ગયો છે..ચંદ્રકાન્ત બક્ષી જેવા કટાર લેખક આજ સુધી જોયા નથી.સવારના સમયમાં રોજ આવા નેગેટિવિટી આપતા સમાચારો આપવા અને વાંચવા આજના માનવી માટે કેટલા હિતાવહ છે??????? દિવ્ય ભાસ્કરની પુર્તિઓ કંઇક અંશે સારી હોય છે….આહ જીંદગી ખરેખર અદભુત.

 15. Ashish Dave, Sunnyvale, Califronia says:

  રવીવારની પુર્તીઓ (ગુજરાત સમાચાર, સંદેશ, દીવ્યભાસ્કર) અમારે શનીવારેજ મળી જતી હોવાથી આખી શનીવારની બપોરતો પુર્તીઓમા આળોટવામાજ જાય છે. માફ કરશો રચનાબહેન પણ નવી પેઢિના કટાર લેખકો પણ બક્ષીબાબુની ઘણી નજીક પહોચવા લાગ્યા છે. જય વસાવડા is just too good…

  Ashish Dave

 16. tilumati says:

  ખુબ જ સારો લેખ છે. વાંચવાની મજા પડી ગઇ.

 17. anu says:

  ખુબ જ સુન્દેર લેખ

 18. harshad patel says:

  hu jyare 12th ma hato tyare hu chhapu nato vanchato kem k gana samachar eva avta hata k maru mind set khorvai jatu

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.