વાંચતાં-વિચારતાં – યશવન્ત મહેતા

[‘ઉદ્દેશ’ સામાયિકની ‘વાંચતાં-વિચારતાં’ એ ખૂબ જાણીતી કૉલમ છે. આજે તેમાંથી માણીએ કેટલીક રસપ્રદ વાતો…સાભાર.]

[1] સંસ્કૃતને લોકપ્રિય બનાવવા માટે…..

સંસ્કૃત ભાષા કેટલાકને અઘરી લાગવાનું એક કારણ કદાચ એ હશે કે એમાં જે કાંઈ લખાયું છે તે સમકાલીન લોકપ્રિય ઘટનાઓ, કૃતિઓ અને અભિવ્યક્તિઓથી ભિન્ન છે. હવે વાંચવા મળ્યું છે કે અમદાવાદમાં એકલવ્ય સંસ્કૃત અકાદમી નામની સંસ્થા સંસ્કૃતને સમકાલીન સાથે જોડવા કોશિશ કરી રહી છે. એટલે જ એણે અમિતાભ બચ્ચન તથા શશીકપૂરનો ફિલ્મ ‘દીવાર’નો સંવાદ સંસ્કૃતમાં ઢાળ્યો છે :

‘मम समीपे यानमस्ति, धनमस्ति, भवनमस्ति, सर्वमस्ति…. भवतः समीपे किमस्ति ?’
‘मम समीपे माताडस्ति.’
હવે આખી ‘દીવાર’ ફિલ્મ સંસ્કૃતમાં ડબ થાય તો બાકીના સંવાદ કેવા હોય એ તમે કલ્પી લો.

[2] પ્રસ્તાવના લખવાનો શોખ છે ને ? લો, લેતા જાવ

પ્રાકૃતિક કથાઓ અને વર્ણનો તથા કિશોરસાહિત્ય માટે ખૂબ વિખ્યાત રસ્કિન બૉન્ડે એક સંસ્મરણ લખ્યું છે. એક વેળા ગઢવાલ પ્રદેશમાં એક દીપડો માનવભક્ષી બની ગયો. એણે 40 થી 50 માનવી માર્યાં. આખરે એ દીપડાનોય શિકાર કરી નાખવામાં આવ્યો. આ દીપડાની કથા એક સ્થાનિક શિક્ષકે લખી. કથા હિન્દી અને અંગ્રેજીમાં પ્રગટ થવાની હતી. રસ્કિનભાઈને લેખકે વિનંતી કરી કે આ પુસ્તક અંગે કશુંક લખી આપો. રસ્કિન લખે છે : ‘પ્રસ્તાવનાઓ અને ભૂમિકાઓ લખવાની મને ભારે ચળ, એટલે મેં વાત સ્વીકારી.’

પછી લખે છે કે સારું છે કે એ પુસ્તક હવે મળતું નથી, કારણ કે મુદ્રકે રસ્કિનનો અને મૃત દીપડાનો, બન્નેના ફોટા છાપ્યા હતા; પરંતુ ફોટા નીચેની લાઈનો અદલબદલ કરી નાખી હતી. રસ્કિન બૉન્ડની તસ્વીર નીચે લાઈન હતી : ‘દોગઢાનો ભયંકર માનવભક્ષી – બંદૂકનો શિકાર બન્યા પછી.’ અને મૃત દીપડાની તસ્વીર નીચે : ‘જાણીતા લેખક રસ્કિન બૉન્ડ મસૂરીમાં કાર્યરત.’ પુસ્તક પ્રગટ થયા પછી એક મિત્રે લખ્યું કે હવે આવાં આવાં પુસ્તકોની પ્રસ્તાવનાઓ લખ્યા કરશો તો ગોળીએ દેવાને લાયક ઠરશો !

[3] બકરાં ચરવતાં લાધ્યું બ્રહ્મજ્ઞાન !

આપણાં ઉપનિષદોમાં એક વાર્તા છે. એમાં એક વિદ્યાર્થી એક ઋષિને આશ્રમે જઈને કહે છે કે મને બ્રહ્મજ્ઞાન આપો. ત્યારે ઋષિ એને પાંચ ગાયો અને એક આખલો આપીને સૂચવે છે કે આમાંથી જ્યારે હજાર ગાય થાય ત્યારે પાછો આવજે. વિદ્યાર્થી વનમાં વસે છે. ગાયોનો વંશ વધતો જુએ. ઋતુઓ જુએ છે. બ્રહ્માંડ જુએ છે. જીવજંતુ અને વનસ્પતિ જુએ છે. ગાયોના રોગ જુએ છે અને કુદરતમાં એનો ઉપચાર શોધી કાઢે છે….. ટૂંકમાં, જીવનના પ્રારંભથી માંડીને અંત તથા જીવસૃષ્ટિ, બધાંનું જ્ઞાન મેળવે છે. સૌથી વિશેષ તો એ ટકવાનું, સર્વાઈવલનું જ્ઞાન મેળવે છે. આખરે, હજાર ગાય થાય છે ત્યારે ઋષિને આશ્રમે પાછો ફરે છે અને બ્રહ્મજ્ઞાનની યાચના કરે છે. ઋષિ હસીને કહે છે કે વત્સ, તેં જે મેળવ્યું એ જ બ્રહ્મજ્ઞાન !

અમેરિકન લેખક બ્રેડ કેસલરને આ ઉપનિષદ-કથાની જાણ હોય કે ન હોય, એમણે પણ પેલા વિદ્યાર્થી જેવો પ્રયોગ કર્યો. મેનહટન ટાપુની ભીડભાડ અને લેખક જીવનની જંજાળથી છૂટીને ભાઈએ પોતાની ફોટોગ્રાફર પત્ની સાથે વરમોન્ટમાં 75 એકરનું એક ફાર્મ ખરીદ્યું અને ત્યાં બકરાં ઉછેરવાનું આદર્યું. આ પ્રયોગોએ દંપતીને રીતસર પેલા વિદ્યાર્થી જેવું ‘જ્ઞાન’ આપ્યું. બકરાં કેમ ઉછેરવાં, માંદાં પડે તો કેમ સારવાર કરવી, કેમ દોહવાં, કેમ જુદી જુદી જાતની ચીઝ બનાવવી, કેમ એમના વાળ ઉતારીને ઊન કાંતવું, વગેરે વગેરે શીખી લીધું.

પણ બ્રેડભાઈનો લેખકનો જીવ ખરો ને ! એમણે બધા અનુભવો કાગળ પર ઉતાર્યા. એટલું જ નહિ બકરાં તથા જાનવરોને લગતા ભાષાપ્રયોગો, લોકમાન્યતાઓ વગેરેનોય અભ્યાસ કર્યો. દાખલા તરીકે, રોમન લિપિનો પ્રથમાક્ષર ‘એ’ મૂળે હિબ્રૂ ભાષાના અલેફ પરથી બન્યો છે. પણ મૂળે એ બળદના માથાનું અવળું રૂપ છે. ‘એ’ ને અવળો કરો તો બે શિંગડાવાળું બળદનું માથું દેખાશે ! એ જ રીતે, અંગ્રેજીમાં એક ક્રિયાપદ ‘કેપર’ (caper) છે, જેનો અર્થ બહુ અવાજ કર્યા વગર આકરી જગા પર ચાલવું એવો થાય છે, પણ એનું મૂળ બકરી માટેના લેટિન શબ્દ ‘કૅપ્રા’માં છે ! બ્રેડભાઈ એ પણ જણાવે છે કે ‘અપહરણ’ માટેનો અંગ્રેજી શબ્દ ‘કિડનેપ’ છે અને એનું મૂળ બકરીના બચ્ચા (કિડ)ને એની માનું દૂધ ધાવી જતું અટકાવવા માટે બોચીએથી ઝાલીને ખેંચી જવાની ક્રિયામાં છે ! હવે જ્યારે અંગ્રેજી અખબારોમાં કોઈના કિડનેપિંગના, અપહરણના સમાચાર વાંચો ત્યારે તમારી નજર સમક્ષ ચિત્ર ઉપસશે બાપડા લવારા (કિડ)ને બોચી (નેપ)થી ઝાલીને ખેંચી જતા દૂધ-લોભી બકરાં પાલકનું ! બ્રેડ કેસલરની આ કિતાબનું નામ છે : ‘ગોટ સોંગ : એ સીઝનલ લાઈફ; એ શોર્ટ હિસ્ટરી ઑફ હર્ડિંગ એન્ડ ધી આર્ટ ઓફ મેકિંગ ચીઝ.’

[4] કથાની વ્યથા સાર્થક બને ત્યારે –

લેખક બસમાં પ્રવાસ કરી રહ્યા હતા. એક બસ સ્ટેશનેથી બસ ઊપડી હતી અને આગામી સ્ટેશન આશરે અર્ધો કલાક દૂર હતું. બસ પકડવા માટે વહેલા જાગેલા લેખકે જરાક ઝપકી ખાઈ લેવા આંખો મીંચી. થોડી મિનિટોમાં તંદ્રા ઘેરાઈ, પણ અચાનક ઝબકી જવાયું. બસ અણધારી રીતે આંચકા સાથે ઊભી રહી હતી. શું થયું છે એ જોવા નજર કરી. કદાચ ટિકિટ ચેકરો હશે. કદાચ નેતાજીઓ હશે. પણ ના ! એક ગરીબહાલ નારી નાનકડું બાળક તેડીને બસમાં ચડી. એ સ્વસ્થ રીતે બેસી ન ગઈ ત્યાં સુધી ડ્રાઈવરે બસ ઉપાડી નહિ. આગળને બસ સ્ટેશને ચા-પાણી માટે ઊતરીને લેખકે ડ્રાઈવરને નમસ્કાર કર્યા. કોઈ નહિ ને એક મુફલીસ નારી માટે બસ થોભાવવા વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું.

ડ્રાઈવરે રહસ્ય ખોલ્યું, ‘એક લેખકની વાર્તા વાંચેલી. બસમાં જગા ન હોવાથી ડ્રાઈવર-કંડકટરે એક જગાએથી એક વૃદ્ધજનને લીધા નહિ. વૃદ્ધ નજીકને શહેરે હૃદયના ડૉક્ટરની મુલાકાતે જતા હતા. સમયસર પહોંચ્યા હોત તો બચી જાત. બસવાળાએ લીધા નહિ એથી બસ સ્ટેશનમાં જ ગુજરી ગયા. બસ, એ વાર્તા વાંચી ત્યારથી દુઃખી, દર્દી, ગરીબ ગુરબાંને માટે બસ ઊભી જ રાખું છું.’ જે લેખકનો આ પ્રસંગ છે એની જ પેલી વાર્તા હતી. એ લેખક દિલીપ રાણપુરા.

[5] હા, શબ્દો પણ મરણ પામે છે.

જેઓ ખરેખર અંગ્રેજી જાણે છે અને વાંચે છે (એટલે કે દેખાડો કરવા અને છોકરાં સજાવવા પૂરતો જેમનો અંગ્રેજીનો આગ્રહ સીમિત નથી) એવા સૌને રાજા કૅન્યુટની કથા યાદ છે. આ દુરભિમાની રાજા માનતો હતો કે મારી પ્રજાની જેમ પવન, પાણી અને દરિયાએ પણ મારા હુકમ માનવા પડે. એટલે એક વાર એણે દરિયાકાંઠે સિંહાસન નખાવ્યું અને દરિયાનાં મોજાં આવવા લાગ્યાં ત્યારે હુકમ કર્યો : ‘ઠહેરો !’
બસ વાર્તા પૂરી.
હવે લંડનના અખબાર ‘ધી ટાઈમ્સે’ પોતાના તંત્રીલેખમાં લખ્યું છે કે બોલીઓ અને સ્થાનિક બોલીના શબ્દોના વિસર્જનનાં જે ઘોડાપૂર આવ્યાં છે એમને ખાળવાનું કોઈ રાજા કૅન્યુટોથી બનવાનું નથી. એણે દલીલ કરી છે કે કેટલાક શબ્દો વણવપરાશને કારણે મરણ પામે છે ને એમને કોઈ ચમત્કારી સંતો પણ બચાવી શકતા નથી. ગ્રેટ બ્રિટનના પ્રદેશોમાં લુપ્ત થઈ રહેલા શબ્દો તથા બોલીઓ તથા લઢણોનાં ઉદાહરણ આપીને ‘ધી ટાઈમ્સ’ લખે છે કે કેટલાક ઉદ્યોગો, કેટલીક કામગીરીઓ અને કેટલીક પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન આવી રહ્યાં છે. જેમ કે ખેતીમાં તથા પશુપાલનમાં તથા દૂધનાં ઉત્પાદનોમાં મોટે પાયે યંત્રીકરણ આવવાથી સાદાં ઓજારોનાં નામ લુપ્ત થઈ રહ્યાં છે. આપણે પણ જાણીએ છીએ કે આપણા સુથારો-લુહારો વગેરે હવે એવાં એવાં આધુનિક ઓજાર અને યંત્રો વાપરે છે કે જૂનાં ઓજાર વપરાશમાં જ નથી. અમે છેલ્લાં ત્રીસ-ચાળીસ વર્ષોથી કોઈ સુથારને વાંહલો (વાંસલો), નેતરાં તાણીને ચલાવાતું વીંધણું વાપરતા જોયા નથી. અરે, હવે તો કરવત-કરવતીનું સ્થાન પણ વીજળીથી ચાલતાં કટરોએ લેવા માંડ્યું છે. આવું જ લુહારોના કામમાં બન્યું છે. હવે કદાચ લુહારોના છોકરા પણ ‘ધમણ’નો અર્થ નહિ સમજે !

આની સામે, કૉમ્પ્યુટર્સ, ઈલેક્ટ્રોનિક્સ, કોમ્યુનિકેશન્સ જેવાં ક્ષેત્રોમાં અસંખ્ય નવા શબ્દો બની રહ્યા છે. એમના વડે ભાષામાં ઉમેરા થાય છે. એટલે ‘ધી ટાઈમ્સ’નો નિષ્કર્ષ છે કે ભાષા-બોલીનું ક્ષેત્ર એવું છે જ્યાં મહત્તમ લોકશાહી છે. સાચી લોકશાહી છે. ત્યાં કોઈ હિટલરની આપખુદી કે કૅન્યુટશાહી ચાલતી નથી.

[6] ભાષાંતરની ભવાઈ

ભાષાંતર અથવા અનુવાદ માટે મૂળ અને ભાષાંતરની, એમ બન્ને ભાષાઓ પર સારો કાબૂ હોવો જોઈએ અને પુષ્કળ સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. ‘Python devours Panther’ જેવા અખબારી શીર્ષકનું ગુજરાતી ‘દીપડાને ચિત્તો ગળી ગયો’ એવું થયું હતું. અનુવાદકને ખબર નહોતી કે ચિત્તો દીપડાને ગળી ન શકે. એને એ પણ ખબર નહોતી કે ‘પાયથન’નો અર્થ અજગર થાય. જાણીતા સૉફટ ડ્રિંક પેપ્સીકોલાનું એક સૂત્ર છે : ‘કમ એલાઈવ વિથ પેપ્સી જનરેશન’. ચીનની દક્ષિણના તાઈવાન (જૂના ફોર્મોસા)માં ચીની ભાષા પૂરતી ન જાણનારે જે અનુવાદ કર્યો તેનો ગુજરાતી અનુવાદ થાય : ‘પેપ્સી તમારા મૃત પૂર્વજોને પાછા લાવશે.’

આવું જ અન્ય સૉફટ ડ્રિંક છે કોકા-કોલા. અધકચરી ચીની જાણનારાએ તેનો ઉચ્ચાર ‘કે-કૂ-કોલા’ કર્યો, અને હજારો પાટિયાં પર એ સંજ્ઞા ચીતરી મારી. ત્યારે જ કોઈકે ધ્યાન દોર્યું કે આ સંજ્ઞાનો અર્થ થાય ‘મીણનાં દેડકાં જમો.’ અથવા ‘મીણ ભરેલી ઘોડી જમો !’ બાપડા કોકા-કોલાએ જલદી નવી સંજ્ઞા નક્કી કરાવીને પેલાં બધાં પાટિયાં ફરીથી ચીતરાવી દીધાં. નવી સંજ્ઞા હતી ‘કો-કૂ-કો-લે’, જેનો અર્થ થતો હતો : ‘મુખમાં સુખ.’ જનરલ મોટર્સની ગાડીઓમાં એક મોડેલનું નામ ‘શેની નોવા’ છે. પણ આ ગાડી લેનાર દક્ષિણ અમેરિકામાં કોઈ ન નીકળ્યું. લેટિન અમેરિકામાં ‘નોવા’ એટલે ‘નહિ ચાલે !’ જે ગાડી ચાલવાની જ ન હોય એને ખરીદનારા ક્યાંથી મળે ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઉંબર વચ્ચે – બિન્દુ ભટ્ટ
સ્પંદન-2010 – સંકલિત Next »   

10 પ્રતિભાવો : વાંચતાં-વિચારતાં – યશવન્ત મહેતા

 1. Chintan says:

  સરસ જાણવા જેવી વાતો માણીને આનંદ થયો. શબ્દો વિષેની વાત ખરી છે. સમય સમય પર નવા શબ્દો આવતા જાય છે અને અનેક શબ્દો સમયના પ્રવાહની સાથે વહીને ભૂલાતા જાય છે.
  આભાર મૃગેશભાઈ.

 2. nayan panchal says:

  શબ્દોની વાત નીકળી છે તો ક્યાંક વાંચ્યુ હતુ કે અંગ્રેજી mother સંસ્કૃત માતૃ પરથી, father પિતૃ પરથી અને brother ભ્રાતા પરથી ઉતરી આવ્યા છે. આ વિશેની કોઇ આધારભૂત માહિતી ખરી.

  સરસ સંકલન છે. દૂરદર્શન પર રવિવારે બપોરે સંસ્કૃતમા સમાચાર આવતા હતા, હજી આવે છે કે કેમ તે ખબર નથી. કશુ સમજ ન પડવા છતા જોવામાં મજા આવતી.
  આભાર,

  નયન

 3. Viren shah says:

  ખૂબ જ સરસ લેખ. તમામ પ્રસંગો માણવા જેવા. અદભૂત આલેખન.

 4. Dipti Trivedi says:

  લેખ નાના નાના , લાગે બહુ મજાના.
  વાંચો વાંચો, અજબ એમાં વાત છે.

  વાંચન સાર્થક થયું ક્યારે કહેવાય એના લેખ અને ચર્ચા ઘણી વાર થાય છે ત્યારે બસ ડ્રાઈવર એનુ પ્રત્યક્ષ પ્રમાણ આપે છે.

  નવા શબ્દો તો શોધાય જ છે અને વળી ઈન્ટરનેટ પર ચેટીંગ માટે વપરાતા શબ્દોને લાઘવ રુપઆપાય છે.

 5. Jagruti Vaghela USA says:

  કેટલાક મૂળ સંસ્કૃત શબ્દો હવે ઈંગ્લિશ માં પણ આવી ગયા છે જેમ કે Guru, Pandit, Karma, Nirvana ….વિગેરે…..

  જ્યારે હિન્દી મુવીમાં નીચે લખાઈને આવતા ઈંગ્લિશ સબ-ટાઈટલ્સ વાંચીએ ત્યારે ક્યારેક ભાષાંતરની ભવાઈ જેવું જ લાગે છે.

 6. બહુ મઝાનું.

 7. Neekita Shah says:

  Chances are you’ve heard about how Chevrolet had problems marketing the Chevy Nova automobile in Latin America. Since no va means “it doesn’t go” in Spanish, the oft-repeated story goes, Latin American car buyers shunned the car, forcing Chevrolet to embarrassedly pull the car out of the market.
  Chevrolet’s woes are often cited as an example of how good intentions can go wrong when it comes to translation. There are literally thousands of references to the incident on the Internet, and the Nova example has been mentioned in textbooks and often comes up during presentations on cultural differences and advertising.

  But there’s one major problem with the story: it never happened. As a matter of fact, Chevrolet did reasonably well with the Nova in Latin America, even exceeding its sales projections in Venezuela. The story of the Chevy Nova is a classic example of an urban legend, a story that is told and retold so often that it is believed to be true even though it isn’t. Like most other urban legends, there is some element of truth in the story (no va indeed means “it doesn’t go”), enough truth to keep the story alive. And, like many urban legends, the story has the appeal of showing how the high and mighty can by humiliated by stupid mistakes.

  Even if you couldn’t confirm or reject the story by looking into history, you might notice some problems with it if you understand Spanish better than those who spread the story. For starters, nova and no va don’t sound alike and are unlikely to be confused, just as “carpet” and “car pet” are unlikely to be confused in English. Additionally, no va would be an awkward way in Spanish to describe a nonfunctioning car (no funciona, among others, would do better), just as in English we’d be more likely to say “it doesn’t run” than “it doesn’t go.”

  Additionally, as in English, nova when used in a brand name can convey the sense of newness. There’s even a Mexican gasoline that goes by that brand name, so it seems unlikely such a name alone could doom a car.

  A logical analysis of the story would also indicate its unlikelihood: It strains credibility to believe that a company as large as General Motors, with marketing executives and other employees and contacts throughout the world, wouldn’t be aware of a negative meaning of a product name. In fact, according to one marketing analyst (Cecelia Bouleau, quoted in Business Mexico magazine), GM marketers discussed the possibility of confusion with the name, but “they kept the name and it sold very well. … I think that the word is sufficiently incorporated into the language as meaning ‘new’ — as in ‘bossa nova’ — that the criticism isn’t valid.”

 8. Neekita Shah has brought a good research extension. but I still like the ‘nova’lty in the compilation! also to mention, she also examplifies the core of the collection i.e. think after you read as you digest after you eat! you are free not to believe in whatever is told!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.