સ્પંદન-2010 – સંકલિત

[જામનગરની એમ.પી. શાહ મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક સાહિત્યિક પ્રવૃત્તિ ચાલે છે, જેને ‘સ્પંદન’ એવું નામ અપાયું છે. આ પ્રવૃત્તિ હેઠળ ગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ ક્ષેત્રે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પોતાની વાર્તાઓ, કાવ્ય તથા પેઈન્ટિંગને કૉલેજના નોટિસબોર્ડ પર મૂકે છે. 20-25 વર્ષથી ચાલતી આ સર્જનયાત્રામાં પ્રાપ્ત થયેલી કૃતિઓનું ગત વર્ષે પુસ્તક સ્વરૂપે પ્રકાશન કરવામાં આવ્યું, જેનું વિમોચન જાણીતા કટારલેખક શ્રી જયભાઈ વસાવડાએ કર્યું હતું. આ વિદ્યાર્થીઓએ રચેલી અમુક કૃતિઓ આપણે ગત વર્ષે માણી હતી. ચાલુ વર્ષે ‘સ્પંદન ટીમ’ના સર્જકોએ રચેલી કેટલીક નવી રચનાઓ આજે આપણે માણીશું. કાવ્યસર્જનનો પ્રથમ પ્રયાસ હોવાથી સ્વાભાવિક છે કે તેમાં કાવ્ય-તત્વ અથવા કાવ્યના મૂળભૂત બંધારણનો અભાવ હોય પરંતુ આ રીતે યુવાવર્ગને સર્જન ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાનો એક પ્રયાસ છે.-તંત્રી.]
.
[ 1 ] જિંદગીનો માર – ડૉ. દિલીપ પટેલ

મરતા નથી હોતા બધા લોકો મોતથી,
કોઈને જિંદગીનો માર લાગે છે.

અમથા નથી વળતા વૃદ્ધો કમરથી,
સંઘરેલા આંસુનો એને ભાર લાગે છે.

લડી જુએ છે શુરા ભગવાનનીય સામે,
નસીબમાં આપણાં હાર જ હાર લાગે છે.

ચાલ્યું નથી કોઈનું આજ સુધી એની સામે,
તકદીરની તલવાર ધારદાર લાગે છે.

મુશ્કેલ બને છે જીવવું જ્યારે,
મોત સહેલું, જીવન પડકાર લાગે છે.

માગે છે ઘણા મોત એ પણ નથી મળતું,
એને તો આવતા ય કેટલી વાર લાગે છે.

[ 2 ] છુટકારો – પાર્થ ગોલ

દુનિયામાં વસતા લોકોમાં
નથી મળતા બધા શાહુકારો.

સહન નથી થતો હવે મારાથી
આ સંબંધોનો મોટો દેકારો.

મારા સર્વ નિકટતમોએ
આપી દીધો છે મને જાકરો.

મારા જીવવા માટે હવે
નથી રહ્યો તારો સથવારો.

નહીં ઝીરવી શકું હું હવે
આ કુદરતના પડકારો.

રાહ જોઉં છું હું કે ક્યારે મળશે
તારું નામ લેતાં લેતાં મને છુટકારો !!
.

[ 3 ] હું નદી…. – અંકિતા જાસાણી

હું
નદી,
પર્વતમાંથી નીકળી,
હસતી રમતી કૂદતી વહી,
ઊંચાઈનો મોહ ત્યજી ધરતી પર દોડી,
પ્રેમની પુકાર સાંભળી અજાણતા જ એ દિશામાં ખેંચાઈ,
પગલે પગલે નિશાની શોધતી ચાલી,
વ્યગ્રતા છોડી શાંત બની,
આખરે મંઝીલ મળી,
સાગર,
તું.

[ રીડગુજરાતીને આ તમામ કૃતિઓ મોકલવા માટે શ્રી વિકાસભાઈ મકવાણા તેમજ શ્રી પાર્થભાઈ ગોલનો (જામનગર) ખૂબ ખૂબ આભાર. ‘સ્પંદન’ પ્રવૃત્તિના તમામ સર્જકો ‘સર્જન’ બનવાની સાથે સાથે નવસર્જન કરતાં રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાંચતાં-વિચારતાં – યશવન્ત મહેતા
દડમજલ – અશોક જાની ‘આનંદ’ Next »   

4 પ્રતિભાવો : સ્પંદન-2010 – સંકલિત

  1. કાવ્ય સર્જન નો પ્રથમ પ્રયાસ સુન્દર રહ્યો

  2. સુંદર પ્રાયાસ.

    ‘સ્પંદન’ ટીમના સ્પંદન આપણા સુધી પહોંતા રહે તેવી આશા.

  3. Sandhya Bhatt says:

    વિદ્યાર્થીઓની રચનાઓ આપવા માટે મ્રુગેશભાઈને અભિનંદન.

  4. dipak joshi says:

    વાચ હદય નૅ આનંદ થયો

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.