- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

અનોખું દવાખાનું, અનોખા ડૉક્ટર – રજનીકુમાર પંડ્યા

[સત્યઘટના : ‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

ક્યાંય પણ ઊભા હોઈએ અને કોઈના મોંમાંથી ‘મોંઘવારી’ શબ્દ નીકળે કે તરત જ ગમે એવા અજાણ્યા માણસો વચ્ચે સંવાદ શરૂ થઈ જાય….. ‘આ તુવેરની દાળની વાત લો ને. પચીસ-ત્રીસ રૂપિયે કિલો મળતી હતી અને ત્રણ-ચાર મહિનામાં તો સીધી નેવું-પંચાણું પર પહોંચી ગઈ. લોકો ખાય શું ?’…… ‘અરે, આ નોટબુક જુઓને. પંદર રૂપિયાની એક નોટ અને એક એક વિષયની ત્રણ ત્રણ, ચાર ચાર નોટો ક્યાં જઈને અટકે ? છોકરાંને ભણાવવા શી રીતે ?’

આવી ચર્ચા કોઈ પણ સ્થળે, સમયે નીકળી પડે અને એ સાચીય હોય, કારણ કે ખરીદનાર તરીકે ખંખેરાતો માણસ જ્યારે કાંઈક વેચનારો બને છે ત્યારે ખંખેરાયાનું વટક ગ્રાહકને ખંખેરીને વાળી લે ને તો જ પોતાના ખિસ્સાની ખોટ સરભર કરી શકે. સરકસના ડાગલાની સ્લેપસ્ટીક કૉમેડીનું આ ટ્રેજિક સ્વરૂપ છે. જેમાં દરેકના હાથમાં જે સોટી છે તે મારનારાને મારવા માટે નથી, પણ બાજુનાને મારવા માટે છે. મોંઘવારી કમાનારા સૌને આ રીતે સ્પર્શે છે.

પણ ના. મુંબઈમાં એક સ્થળ એવું છે કે જેને મોંઘવારી સ્પર્શી નથી. એ સ્થળ છે ઘાટકોપરમાં આવેલું ડૉ. રસિકભાઈ ગાંધીનું દવાખાનું. ‘દવાખાના’ને મોંઘવારી ન સ્પર્શે એ માન્યામાં ન આવે એવી વાત છે. બીજે ક્યાંય જતાં અગાઉ લોકો પોતાનું ગજવું તપાસી લે છે. ગજવાની ત્રેવડ હોય એ મુજબ જ રૂપિયા ખર્ચે છે પણ દવાખાનામાં જતાં અગાઉ કે ગયા પછી ગજવા પર હાથ મૂકીને તપાસી લેવાથી કશો અર્થ સરતો નથી. વિવિધ તપાસ માટે તેમ જ ડૉક્ટરની ફી તરીકે કેટલા રૂપિયાનો આંકડો પડશે એની કશી અટકળ થઈ શકતી નથી. ડૉ. ગાંધીના દવાખાનામાં આવ્યા પછીય આવું જ થાય. તેમની ફી સાંભળીને આંચકો લાગે પણ એ આંચકો સુખદ હોય. કારણકે હજી આજની તારીખેય તેમની તપાસ ફી છે ફક્ત ત્રણ રૂપિયા. આ ફીમાં છેલ્લો વધારો ચોવીસ વરસ અગાઉ 1976માં કરવામાં આવ્યો હતો અને એક રૂપિયામાંથી વધારીને તે ત્રણ રૂપિયા કરવામાં આવી હતી.

ડૉ. રસિકલાલ ગાંધીએ 1963માં ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ. પાસ કર્યું અને ત્યાર પછી સર્વોદય દવાખાના નામના એક ટ્રસ્ટના દવાખાનાથી પોતાની કારર્કિદીનો આરંભ કર્યો. આ દવાખાનાનો લાભ કેટલાય મધ્યમવર્ગીય લોકો તેમ જ ગરીબો લેતા હતા પણ બે જ વરસમાં નાનાંમોટાં કારણોવશાત આ દવાખાનું બંધ પડી ગયું. પણ તેમને સારવાર મળતી રહે તે માટે નવરોજી લેનમાં તેમણે પોતે જ દવાખાનું જ શરૂ કરી દીધું અને માત્ર એક રૂપિયાની મામૂલી તપાસ ફી રાખીને દરદીઓને તપાસવાનું શરૂ કર્યું. સેવાના સંસ્કાર તો તેમને તેમનો ઉછેર કરનાર દૂરનાં ફઈબા તરફથી મળેલા હતા, જે પત્ની સરલાબેનના સહયોગથી વિસ્તરતા જ રહ્યા.

ધીરે ધીરે એક કુશળ અને સેવાભાવી ડૉક્ટર તરીકે તેમની ખ્યાતિ પ્રસરવા માંડી. જશરેખાવાળા દાક્તર તરીકે સૌ તેમને ઓળખતા થઈ ગયા. આસપાસના કેટલાય જરૂરતમંદ લોકોનો પ્રવાહ ડૉ. ગાંધી તરફ વળ્યો. સૌને તેમનામાં એટલી શ્રદ્ધા જન્મી ચૂકી હતી કે અહીં સારવાર માટે જવામાં રૂપિયા-પૈસાનો પ્રશ્ન નહીં નડે, આર્થિક લાચારી નહીં અનુભવવી પડે અને એ શ્રદ્ધા અહીં આવ્યા પછી પાક્કી બાંયધરીમાં પલટાવા માંડી, કેમ કે દવાખાનામાં પેસતાં જ ડૉક્ટરની સિદ્ધિઓ દર્શાવતા ફોટા કે લખાણને બદલે એવું લખાણ નજરે પડે જેમાં લખ્યું હોય ‘અહીં દવાનો ચાર્જ આપવો ફરજિયાત નથી.’ જરા વિચારી તો જુઓ કે આવું વાંચીને જ દરદીને અને તેના સ્વજનને કેટલી રાહત થઈ જાય ! દરદીઓ જે સંખ્યામાં ઊમટી પડતા અને સંતોષનું સ્મિત લઈને જતાં એ જ ડૉ. ગાંધીને મન સૌથી ફી હતી. આથી તેમનું લક્ષ એક જ રહેવા માંડ્યું કે બને એટલી વધુ સંખ્યામાં દરદીઓને તપાસવા. તેમણે જોયું કે પોતે બેઠા બેઠા દરદીને તપાસે છે, એમાં ઊઠબેસમાં ઘણો સમય વેડફાઈ જાય છે. એને બદલે પોતે જો સતત ઊભા રહીને તપાસે તો બેસવા જેટલી મિનિટો બચી જાય અને એનો ઉપયોગ વધુ દરદીઓને તપાસવામાં થઈ શકે. બસ, આ વિચાર મનમાં આવ્યો એટલે પછી પોતાને કેટલું થાકી જવું પડશે એનો વિચાર ન આવ્યો. તપાસાતા દરદીઓની સંખ્યામાં બમણો વધારો થઈ ગયો. રોજના સાડા ત્રણસોથી ચારસો દરદીઓ તપાસાવા લાગ્યા.

વર્ષોથી ડૉ. ગાંધી પોતે આખો દિવસ ઊભા રહીને જ દરદીઓને તપાસે છે, છતાં કોઈ દરદીને એમ નથી લાગતું કે સાહેબે મને ઉતાવળે તપાસ્યો. આને કારણે જ ડૉ. ગાંધીને ત્યાં દૂર દૂરથી આવેલા દરદીઓની ભીડ થવા લાગી. કોઈ કોઈ છેક મુલુંડ-વિક્રોલી અને વાશી જેવાં દૂર દૂરનાં પરાંમાંથી દર્દીઓ આવવા લાગ્યા. ડૉ. ગાંધીની સેવાપ્રવૃત્તિથી સૌ પરિચિત હતા જ, તેથી ઘણા દાતાઓ પણ દાન દેવા માટે તેમનો સંપર્ક કરવા લાગ્યા. ડૉ. ગાંધીએ પોતે દાન સ્વીકારવાને બદલે એવી ગોઠવણ કરી કે દાન દેનારે ડૉકટરને કશું આપવાને બદલે આસપાસના અમુક કેમિસ્ટને ત્યાં એ રકમ જમા કરાવવી, જેથી દરદીઓ સીધા જે તે કેમિસ્ટને ત્યાંથી જ દવા ખરીદે અને એ ખરીદીનું બિલ દાનની રકમમાંથી જ બાદ થઈ જાય. જેથી દાતા અને દાન પ્રાપ્ત કરનારા બેયની ગરિમા જળવાય. આ ઉપરાંત બીજી એક વ્યવસ્થા પણ તેમણે કરી. તે પોતે તો ફેમિલિ ફિઝિશિયન છે, તેથી ઘણા કિસ્સામાં દરદીઓને સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર પાસે મોકલવાની જરૂર પડે. સામાન્ય શિરસ્તો એવો છે કે જે તે સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર પોતાને ત્યાં મોકલેલા દરદી દીઠ અમુક રકમનો હિસ્સો મોકલનાર ડૉક્ટરને આપે. ડૉ. ગાંધીએ આ પણ રકમનો સદુપયોગ કરવાનું વિચાર્યું. આ રીતે મળતી રકમ તેઓ બારોબાર જ કેમિસ્ટને ત્યાં જમા કરાવી દે છે. જેમાંથી જરૂરતમંદ દરદીઓને સીધી જ દવા મળી જાય છે.

પોતાના વિસ્તારના આવા અનોખા સેવાભાવી અને પરોપકારી ડૉક્ટરનું સન્માન કરવાનો નિર્ણય ઘાટકોપરનાં સામાજિક મંડળોએ કર્યો અને 1996માં તેમના સન્માનનું આયોજન કરવામાં આવ્યું. સૌની લાગણી ડૉ. ગાંધીને માનધન અર્પણ કરવાની હતી પણ તેમણે એ માટે ચોખ્ખી ના ભણી દીધી. છેવટે એ રકમનું ટ્રસ્ટ બનાવી એમાંથી મેડિકલ લાઈનમાં ભણી રહેલા સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસખર્ચમાં મદદરૂપ થવું એવો નિર્ણય લેવાયો. આ પ્રસ્તાવ મુકાયો કે પંદર-વીસ મિનિટમાં જ સવા ત્રણ લાખ ભેગા થઈ ગયા. અનેક દાતાઓએ આ ઉમદા કાર્યને ટેકો આપ્યો અને દાનનો પ્રવાહ વહેવડાવ્યો. આ ટ્રસ્ટની સહાય દ્વારા અત્યાર સુધી બાર વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ. અને છ વિદ્યાર્થીઓ ડેન્ટીસ્ટ બની ચૂક્યા છે. રાહતદરે તપાસ ઉપરાંત ડૉ. ગાંધીએ વિવિધ પ્રકારના કૅમ્પનું પણ આયોજન હાથ ધર્યું. બોડી ચેકઅપના કેમ્પ, ડાયાબિટીસની તપાસના કેમ્પ, હીપેટાઈટિસ બીની રસીના કૅમ્પ – એમ વિવિધ રોગોને લગતા કૅમ્પમાં અનેક લોકોએ લાભ મેળવ્યો છે.

ડૉ. ગાંધી કહે છે, ‘મને મારી જરૂરત પૂરતું મળી રહ્યું છે, પછી વધારાનું રાખીને શું કરવાનું ?’ તેમની ત્રણેય પુત્રીઓ ચેતના, વૈશાલી અને મીતા પરણીને પોતાના સંસારમાં સુખી છે. એટલું જ નહીં, પિતાજીના આ સેવાકાર્યમાં યથાયોગ્ય સહયોગ પણ આપે છે. ડૉ. ગાંધીના આ સેવાયજ્ઞમાં તેમનાં પત્ની સરલાબેનનો સતત સાથ સહકાર છે.

[આપ ડૉ. રસિકભાઈ પી. ગાંધીનો આ નંબર પર +91 22 25117769 અથવા +91 9320124981 પર સંપર્ક કરી શકો છો. તેમનું સરનામું આ પ્રમાણે છે : ડૉ. રસિકભાઈ ગાંધી, જીનેશ્વર દર્શન, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ) મુંબઈ– 400 086.]