લોકશિક્ષણના આચાર્ય એવા બબલભાઈ – સંકલિત

[ 2009-2010 એ લોકશિક્ષણના આચાર્ય એવા શ્રી બબલભાઈ મહેતાનું જન્મ-શતાબ્દી વર્ષ છે. આ નિમિત્તે ગત ઑક્ટોબર માસમાં ‘ભૂમિપુત્ર’ સામાયિક દ્વારા શ્રી બબલભાઈ વિશે ‘જન્મ-શતાબ્દી વિશેષાંક’ તૈયાર કરવામાં આવ્યો હતો. આજે તેમાંથી કેટલાક પ્રેરક પ્રસંગો માણીએ. રીડગુજરાતીને આ વિશેષાંક ભેટ મોકલવા માટે પારુલબેનનો (સંપાદક, ભૂમિપુત્ર) ખૂબ ખૂબ આભાર.]

[1] જીવનમાં જોઈએ : બસ, આનંદ ને પ્રસન્નતા

આપણે આનંદ-સ્વરૂપ છીએ. સદાય આનંદમાં રહેવું, પ્રસન્ન રહેવું, એ જીવનનો અચળ મંત્ર છે. એ જ જીવનનું ધ્યેય છે. એમાં જ જીવનનું સાર્થક્ય છે. બબલભાઈનો પણ આ જ જીવનમંત્ર. વિસાપુર જેલમાં બેઠાં 23 વરસના આ જુવાનિયાએ લખ્યું છે : ‘મારો ધર્મ તો નીતિનિયમોનું પાલન અને આત્માની પ્રસન્નતા. અહિંસક ઉપાયો વડે પ્રસન્નતા પ્રાપ્ત કરવી, એ જ મારું લક્ષ્ય છે…. હું પ્રસન્નતાની પૂંઠે પડ્યો છું. જીવનને વ્યવસ્થિત અને પ્રસન્ન કરવા મથી રહ્યો છું.’

અને આ વાત ડાયરીમાં વારે વારે જુદી જુદી રીતે એકધારી ઘુંટાતી રહી છે. જીવન આખું એમનું સમાજ-સેવામાં વીત્યું. પણ એ સેવા પણ આનંદ ને પ્રસન્નતા માટે જ. પહેલેથી લખ્યું છે : ‘પોતાની જાત કરતાં બીજાની સેવા કરવામાં જ સાચો આનંદ લૂંટી શકાય છે. આમ, આનંદ-પ્રાપ્તિ માટેનું સેવા પણ એક અંગ છે… મારું જીવન આનંદમય રહે એવું ઈચ્છું છું, અને સત્યને છોડીને હું આનંદ નથી જ મેળવી શકવાનો. એટલે સત્ય એ આનંદી જીવન જીવવા માટેનું એક તત્વ છે.’

આમ, નજર સામે છે – સત્ય અને સેવા. આનંદ-પ્રાપ્તિ માટેનું સેવા એક અંગ અને સત્ય એક તત્વ. તત્વ આત્મસાત કરી સેવારૂપે તેને વ્યવહારમાં પ્રગટ કરવું છે, અને તેના ફળસ્વરૂપે આનંદ પ્રાપ્ત કરવો છે. એટલે કહે છે : ‘સત્યને પૂરેપૂરું સમજી જીવનમાં ઉતારી શકું, તો જ મને પૂરેપૂરો આનંદ થાય. એ મારી મુખ્ય વસ્તુ. પછી તો એ આદર્શને અનુકૂળ થાય એવાં આવી પડે એ સેવાકાર્યો કરતાં કરતાં જીવન ગાળવું. એને અંગે જરૂર જણાય એટલું જ્ઞાન અને હૃદયનો આનંદ મેળવવાં.’ આ રીતે નજર સામે જીવનનું લક્ષ્ય સ્પષ્ટ હતું. ઊંડા ચિંતન-મનનમાંથી અને સાધનામાંથી પરિણમેલું : ‘મારા મન સાથેની લડત દરમ્યાન જ હું નીતિ-નિયમને સમજતો થયો; એટલું જ નહિ પણ કંઈક અંશે પાળતો પણ થયો. સાથે સાથે મારું ‘દેશ સેવાનું ધ્યેય’ સત્યનો સાક્ષાત્કાર કરવાના ધ્યેયમાં પરિણમ્યું. પછી આવ્યો, વિશ્વ પ્રેમ. પણ મારું આજનું ધ્યેય તો છે, આત્મ-સંતોષ-મનની પ્રસન્નતા. આ મારાં પહેલાંનાં ધ્યેયોને બરાબર અનુરૂપ જ છે, એક જ છે. માત્ર નામ હું જીરવી શકું એવું મળ્યું છે. આજે તો એ જ ધ્યેય છે.’

આ ધ્યેયને ઘૂંટતા જ રહ્યા, ઘૂંટતા જ રહ્યા. ‘મર્દનં ગુણ વર્ધનમ’. ફરી લખ્યું : ‘મારી મુખ્ય ઈચ્છા અંતર ઓળખવાની અને તે મનની પ્રસન્નતા દ્વારા. એ પ્રસન્નતાનો આધાર મારા પ્રેમભાવ ઉપર છે. જેટલો બહોળો મારો પ્રેમ અને જેટલી વિચાર અને કૃત્યની એકાકારતા, એટલી વધુ પ્રસન્નતા. મારું દરેક કામ, મારો લોકો પ્રત્યેનો પ્રેમ ઓછો ન થાય એવું તો હોવું જ જોઈએ….. બધાય પ્રત્યે પ્રેમ કેળવી હૃદયની પ્રસન્નતા પ્રાપ્ત કરવી, એવી મહેચ્છા છે…. અત્યારનો મારો પ્રિય વિષય તો હું અંતરની પ્રસન્નતા મેળવી શકું, એ જ છે.’ મનમાં ઘોળાયા કરે છે કે શાને માટે હું મારું જીવન અર્પું, ન્યોછાવર કરું ? ફરી એક વાર ઘૂંટીને કહે છે : ‘જે સર્વથી પ્રિય હોય, જીવન કરતાં પણ પ્રિય હોય, એને માટે જીવન અર્પવાની તાકાત હું મેળવી શકું. તો એવું પ્રિય શું ? આજે હું કહી શકું કે તે છે, સત્ય અને પ્રસન્નતા. અને એને માટે મરવાનો નિશ્ચય કરું, તો જ એને પ્રાપ્ત કરી શકું. હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને !’

ચિંતન તો ઘણું કરે છે. સમાજના જાતજાતના પ્રશ્નો વિશે વિચારે છે, લખે છે, ચર્ચા કરે છે, ચિંતા કરે છે. પરંતુ છેવટે મનમાં ગાંઠ તો આ જ વાળે છે : ‘ખોટી ચિંતા છોડી આનંદ મેળવતાં મારે શીખવાનું જ છે.’ એટલે રોજ રાતે સૂતા પહેલાં પોતાની જાતને પ્રશ્ન પૂછે છે : ‘વિચાર, વાણી કે આચારથી આજે કશું અસત્ય આચર્યું નથી ને ! જીવનનો વિકાસ થયો હોય એવું એક પણ કામ આજે મારા હાથે થયું ? આજે આનંદ અનુભવ્યો કે શોક ?’ અને આનંદ અનુભવવા માટે તો – ‘પોતાના આત્માને સંતોષીને જીવન જીવવું. આટલું થાય તો મનની પ્રસન્નતા આપોઆપ આવશે.’ માટે ‘નાની નાની બાબતમાં પણ વિચારપૂર્વક વર્તન થાય, તો જીવન આનંદમય થઈ જાય.’ અને થયું પણ ખરું : ‘ખડ્ડા ફાઈલમાં ગયો. ખડ્ડા ખોદતાં થાક બહુ લાગ્યો. હાથમાં ફોલ્લા પણ પડ્યા. પણ અંતરનો આનંદ ખૂબ હતો ! ત્રણેક કલાક સખત મજૂરીનું કામ કરવાની શક્તિ તો મારામાં આવી જવી જોઈએ.’

આવું આનંદચર્ય જ દિવસના અંતે ડાયરીમાં લખી શકે છે : ‘આજે દિવસ આનંદ ને સંતોષમાં ગયો.’

[2] જીવનનો નવો વળાંક

બબલભાઈને સાહિત્યનો બહુ શોખ. પુસ્તકો બહુ વાંચતા રહેતા. એ બધા વાચનના સંસ્કારો મનમાં ઊંડા રોપાતા ગયા. એ સંસ્કારોએ એમના જીવનના ઘડતરમાં બહુ જ મહત્વનો ભાગ ભજવ્યો. ‘મારી જીવનયાત્રા’માં લખે છે : ‘સ્વામી રામતીર્થે મને આત્માની શક્તિનું ભાન કરાવ્યું. સ્વામી વિવેકાનંદે માનવ-જીવનનું ધ્યેય પ્રભુપ્રાપ્તિ અને દરિદ્રનારાયણની સેવા હોવું જોઈએ, એ બતાવ્યું. મહાત્મા તૉલ્સતૉયે ‘રોટલો ખાનારે શ્રમ કરવો જ જોઈએ.’ – એ સંસ્કાર આપ્યો. એડિસને પ્રયોગ કરતી વખતે કેટલા તન્મય બનવું જોઈએ એ બતાવ્યું. નેપોલિયનની યુદ્ધમોરચે સૈનિકોની સાથે ગોળીઓ વચ્ચે ઊભા રહેવાની હિંમત તથા ‘મારા શબ્દકોશમાં અશક્ય જેવો કોઈ શબ્દ નથી’ – એ બે વાતો હૃદય સોંસરી ઊતરી ગઈ. રાજા રામમોહન રાયે સમાજસુધારો કરવો હોય તો એની શરૂઆત પોતાની જાતથી કરવી જોઈએ, એ સમજાવ્યું. એમના ચરિત્રે સમાજની કેટલીયે કુરૂઢિઓ પ્રત્યે મારા મનમાં અણગમો પેદા કર્યો એટલું જ નહિ, બાર વર્ષની ઉંમરે બાળલગ્ન, વૃદ્ધલગ્ન, મરણ પાછળના જમણવાર જેવા કુરિવાજોમાં બિલકુલ ભાગ ન લેવાનો મેં મન સાથે નિર્ણય કરી લીધો. આમ, મને ખબર ન પડે એ રીતે આ પુસ્તકોએ મારા મનનો કબજો લીધો. મારા વિચારો ઘડાતા ગયા.’

અને એક પુસ્તકે એમના જીવનમાં ધરમૂળથી પરિવર્તન આણી દીધું, જીવનને એક સાવ નવો વળાંક આપી દીધો. એમના હાથમાં એક બહુ સરસ પુસ્તક આવ્યું – ‘કાલેલકરના લેખો.’ એ મોટું દળદાર પુસ્તક હતું. લખે છે : ‘આ પુસ્તક હું જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ મારા જીવનમાં એક નવી જ રોશની પ્રગટતી ગઈ.’ આ પુસ્તકે સમાજજીવનનું એક આબેહૂબ ચિત્ર આ ઊગતા જુવાનિયાની આંખ સામે ખડું કરી દીધું. ચાલુ સમાજ-વ્યવસ્થામાં તેમ જ રૂઢિરિવાજોમાં ફેરફાર કરવા હશે તો કેટલો પરસેવો પાડવો પડશે અને કુરબાનીઓ આપવી પડશે, તેનોયે કાંઈક ચિતાર આપી દીધો. આમાં ‘પરોપદેશે પાંડિત્યમ’ પણ નહિ ચાલે, દરેકે પોતાની જાતથી જ જે સાચું લાગ્યું તેનું પાલન શરૂ કરી દેવું પડશે. આ બધી સમજ અને પ્રેરણા આ ઊગતા સમાજ-સેવકને આ પુસ્તકે આપી. ભારત દેશ એટલે ગણ્યાંગાંઠ્યાં શહેરો નહિ પણ દરિદ્રતા, વહેમો ને અજ્ઞાનથી સબડતાં લાખો ગામડાં. એ ગામડાંની સ્થિતિ સુધરે તો જ દેશની સ્થિતિ સુધરે – આ બધી વાત કાકાસાહેબના આ પુસ્તકથી બબલભાઈ સામે સ્પષ્ટ થઈ.
અને એમના જીવનમાં એક પછી એક મોટા ફેરફારો થવા લાગ્યા. એમણે લખ્યું છે : ‘મારે મારું ચાલુ જીવન બદલવું જોઈએ તથા ઈશ્વરે મને જે કાંઈ બુદ્ધિ-શક્તિ આપી છે એ લઈને મારે ગામડાંના અજ્ઞાન, દુઃખી, પીડિત અને શોષિત લોકોની સેવામાં લાગી જવું જોઈએ, એ વાત મારા મનમાં પાકી થઈ ગઈ.’ એની સાથે સાથે કયા ગામડામાં જવું ? ક્યાં જવું ? ત્યાં જઈને શું કરવું ? કેમ જીવવું ? એ બધા પ્રશ્નો પણ સામે આવવા લાગ્યા. એમણે આ અંગે કાકાસાહેબ સાથે પત્ર-વ્યવહાર કર્યો અને એમનું માર્ગદર્શન માગ્યું. કાકાસાહેબે જવાબો આપ્યા. બબલભાઈએ ફરી પૂછ્યું, ફરી જવાબો મળ્યા. છેવટે છેલ્લા પત્રમાં કાકાસાહેબે એમને લખ્યું : ‘જો તારે ગામડાંની સેવા કરવી હોય, તો પહેલું મનમાં ત્રેવડી લેજે. કુટુંબના સ્વજનો, જ્ઞાતિજનો વગેરેનો વિચાર છોડીને સમાજસેવા કરવાનો દઢ નિશ્ચય કરીને મારી પાસે આવજે. તારું જીવન સાદું, સંયમી અને સ્વાશ્રયી હોવું જોઈએ. જો મનમાં મોજશોખના કે ભોગવિલાસના વિચારો તને સતાવતા હોય, તો સમાજસેવા કે ગ્રામસેવા કરવાના ઉચ્ચ આદર્શોની વાતોને બાજુએ મૂકી દેજે. એક સાથે બે ઘોડે ન ચડાય. આવા સમાજસેવા કરવાનો ભેખ લેનારા ઘણા જુવાનો મારે જોઈએ છે. અહીં આવી જા.’

બબલભાઈએ હવે પાકો નિશ્ચય કરી લીધો કે મારે ગ્રામસેવા માટે કૉલેજ છોડીને, ઘર છોડીને ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ પાસે પહોંચી જવું. તે વખતની પોતાની મનઃસ્થિતિનું વર્ણન કરતાં એમણે લખ્યું છે : ‘ગામડાંનાં નાગાં-ભૂખ્યાં હાડપિંજરોનાં ચિત્રો અવારનવાર મારી સામે તરવરવા લાગ્યાં. અમે બધા ભણેલાગણેલા લોકો અમારાં વાણી-વર્તનથી જાણે એમનો ક્ષણેક્ષણે ઉપહાસ કરતા હોઈએ એવો અનુભવ થવા લાગ્યો. મારે મારું જીવન બદલવું જોઈએ અને દુઃખી, પીડિત, શોષિત લોકોની સેવામાં લાગી જવું જોઈએ, એવો એક જોરદાર અવાજ મારા દિલમાં ઊઠ્યો.’ આ અંતરના અવાજની વાત બબલભાઈએ આધ્યાત્મિકતાના કે એવા કશાયે અંચળા વિના સાવ સહજતાથી કરી છે. આ સહજતા એમના વ્યક્તિત્વનું એક મુખ્ય પાસું રહ્યું.

[3] સેવકો માટે ઉદાહરણ રૂપ કેટલુંક

લોકસેવકે શારીરિક સજ્જતાની સાથે સાથે માનસિક સજ્જતા પણ કેળવતા જવાની છે. લગ્નની બાબતનું બબલભાઈનું વલણ પણ લોકસેવક માટે ઉદાહરણ રૂપ છે. શરૂઆતમાં પોતે ભણતા ત્યારે તો કુટુંબીજનોના આગ્રહને હરગિજ વશ ન થયા. ઘસીને કહી દીધું કે, ‘લગ્ન લેવાં હોય તો લો, પણ લગ્નમાં બેસવા માટે તમારે બીજા કોઈને શોધવા જવું પડશે !’ જેમણે આગળ જતાં સમાજનું કાંઈક કામ કરવું છે, તેને માટે આવી દઢતા એકદમ જરૂરી છે. છતાં આ બાબતમાં કોઈ ધોકાપંથી વલણ એમનું ન હતું. પોતાની જાતને તેઓ સતત તપાસતા રહ્યા અને પોતાની જરૂરિયાત વિશે સમજતા રહ્યા : ‘હું ચોખ્ખી ના નહોતો પાડતો, કેમ કે હું કેટલા પાણીમાં છું, એનું મારે માપ કાઢવું હતું.’ અને ત્યાર પછીનું એમનું કથન દરેકે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે : ‘લગ્ન ન કરવાં અને મિથ્યાચાર સેવવો એ લગ્ન કરવા કરતાં વધુ બૂરું છે.’

એમણે સરસ યોજના કરી. 20 વરસ સુધી લગ્ન નહીં કરું, 25 સુધી નહીં કરું, 30 સુધી નહીં કરું, એમ પાંચ-પાંચ વરસ માટે નિર્ણય કરતા ગયા. અને છેવટે 35ની ઉંમરની આસપાસ નિર્ણય કરી લીધો કે, ‘હવે લગ્ન નહીં કરું, લગ્ન વિના હું ટકી શકવાનો.’ ખરેખર આ એક નાજુક બાબત છે. નર્યા કોઈક આદર્શ પાછળ ઘસડાઈ જવામાં સાર નથી. જો આ બાબતનો નિર્ણય વિવેકપૂર્વક ન થતો હોય, તો જીવનમાં સમત્વ રહેતું નથી તથા જાતજાતની વિકૃતિ પણ જન્મે છે. બબલભાઈએ લખ્યું છે : ‘ઈશ્વરનો મારે ઉપકાર માનવો જોઈએ કે એણે મને હંમેશ જાગૃત રાખ્યો. કૉલેજમાં ભણતો હતો ત્યારે ત્યાંના વાતાવરણમાં માર ઉપર વિકારના અનેક હુમલા આવતા. અમુક અમુક સ્ત્રીઓને જોઉં અને મનમાં વિકાર જાગે. આ વિકાર ખાળવા હું ઘણોય પ્રયત્ન કરું, પણ ખાળી જ ન શકું. એ બધા સામે હું સ્વામી વિવેકાનંદની પ્રેરણાથી ઝઝૂમતો. પછી અનુકૂળ તક મળતાં હું ત્યાંના પ્રતિકૂળ વાતાવરણમાંથી મુક્ત થયો. કાકાસાહેબ, બાપુ અને કિશોરલાલ મશરૂવાળાના પવિત્ર વિચારોએ મને સુરક્ષિત બનાવ્યો. કાકાસાહેબે મને ગ્રામસેવાની ધૂન લગાડી. ગાંધીજીએ મને જીવનની એક નવી દષ્ટિ આપી. એ દષ્ટિ સાથે એમણે વિવેકની આંખ પણ આપી. વિવેકની એ આંખે તોલમાપ કાઢતાં કાઢતાં ક્રમેક્રમે હું વિકાસનાં પગથિયાં ચઢતો ગયો અને છેવટનો નિર્ણય કરી શક્યો.’

ગાંધીજી સાથે એમનો અંતરનો તાર જોડાયેલો. બાપુ શું કહે છે, શું કરે છે, તેની ઉપર સતત ધ્યાન રાખતા, તેમાંથી સાર ગ્રહણ કરી લેતા તથા પોતાના જીવનમાં એનો અમલ કરવા મથતા. બાપુની બાબતમાં એટલા બધા સંવેદનશીલ હતા કે બાપુને કાંઈક પણ થાય તો ખળભળી ઊઠતા. 1932માં ગાંધીજીએ હરિજન-પ્રશ્ને હિંદુઓના અંતરાત્માને ઢંઢોળવા 21 દિવસના ઉપવાસ કર્યા. બાપુના આ નિર્ણયના સમાચાર જાણતાં જ બબલભાઈ બેચેન થઈ ઊઠ્યા. એમણે બાપુને પત્ર લખ્યો : ‘છાપાંઓ દ્વારા તમારો નિર્ણય જાણ્યો અને હૃદય રડી ઊઠ્યું. આંખમાં આંસુ આવું આવું થઈ રહ્યાં. હૃદય રડ્યું એ દુઃખથી કે હર્ષથી, એ કાંઈ કહી શકતો નથી. એવી મિશ્ર લાગણીઓ હતી. છતાં શરીરના દરેક ખૂણેથી અવાજ આવતો હતો કે….. નહિ, એ જ બરાબર છે, એવી તીવ્રતા જ જોઈએ. પણ બાપુ ! રડવા જેવું તો એ છે કે અમારામાં એવી તીવ્ર લાગણીઓ કેમ નથી આવતી ? અમારું અંતર એટલા જુસ્સાથી કેમ બળી નથી ઊઠતું ?’

બબલભાઈ તત્ક્ષણ સોજીત્રાના હરિજનવાસમાં પહોંચી ગયા અને હરિજનસેવામાં લાગી ગયા. વાસમાં દાખલ થતાં જ એક ઉકરડો હતો અને ચારે બાજુ ગંદકી હતી. તેની સફાઈમાં લાગી ગયા. શરૂમાં લોકો કુતૂહલથી જોતા રહ્યા, પણ થોડા વખત પછી એમની સાથે સફાઈમાં જોડાયા. ગાંધીજીના ઉપવાસ તો થોડા દિવસમાં છૂટ્યા, પણ બબલભાઈનું સોજીત્રાનું હરિજનસેવાનું કામ તો ચાલુ જ રહ્યું. કોઈ પણ સેવકે આવી સૂક્ષ્મ સંવેદનશીલતા, કામ પ્રત્યેની નિષ્ઠા, અને આવી તત્પરતા દાખવવી રહી. એક આદર્શ લોકસેવક કેવો હોય, તેનો આના પરથી ખ્યાલ આવે છે. સમાજની સેવા કરવાની ઈચ્છા રાખનારા નવોદિતોએ બબલભાઈના પ્રત્યક્ષ દાખલા ઉપરથી આવું ઘણું શીખવાનું છે. વરસોથી સમાજસેવાના કામમાં પડેલાઓએ પણ પોતાની જાતને તેમ જ પોતાના કામને બબલભાઈનો દાખલો નજર સામે રાખીને તપાસી જોવાં જોઈએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અનોખું દવાખાનું, અનોખા ડૉક્ટર – રજનીકુમાર પંડ્યા
માણસનું મધ્યબિંદુ – મૃગેશ શાહ Next »   

3 પ્રતિભાવો : લોકશિક્ષણના આચાર્ય એવા બબલભાઈ – સંકલિત

 1. ખુબ પ્રેરણાદાયી લેખ..

  “મારે મારું ચાલુ જીવન બદલવું જોઈએ તથા ઈશ્વરે મને જે કાંઈ બુદ્ધિ-શક્તિ આપી છે એ લઈને મારે ગામડાંના અજ્ઞાન, દુઃખી, પીડિત અને શોષિત લોકોની સેવામાં લાગી જવું જોઈએ, એ વાત મારા મનમાં પાકી થઈ ગઈ.”

  ઘણા લોકોને આવી સ્ફુર્ણા થઈ હશે, પરંતુ તેમાથી ‘પરોપદેશે પાંડિત્યમ’ નહિ પણ પોતાની જાતથી જ જે સાચું લાગ્યું તેનું પાલન કરી સમાજની સેવા કરવાનો ઉત્તમ દાખલો શ્રી બબલભાઈએ આપ્યો છે.

 2. Prabuddh says:

  ગાંધીયુગને આકાર આપવામાં બબલભાઈ જેવા સંનિષ્ઠ સમાજસેવકોનું ઘણું મોટુ યોગદાન .. આજે જ્યારે સમાજસેવા શબ્દ પોતાનો અર્થ ખોઈ બેઠો છે ત્યારે એ યુગને સમજવામાં લેખ ખુબ ઉપયોગી.

 3. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Thanks for sharing…

  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.