બાકીનો માણસ – નાનાભાઈ હ. જેબલિયા

[તાજેતરમાં પ્રકાશિત થયેલા શ્રી નાનાભાઈ હ. જેબલિયાના ટૂંકીવાર્તાઓના પુસ્તક ‘ધક્કો’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ગૂર્જર પ્રકાશનનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

ખાલી પડેલી માત્ર એક જ જગ્યા માટે પચાસ અરજીઓ આવી…. પચાસમાંથી ‘તાવણી’ કરીને માત્ર આઠ અરજીઓ ખાતાના વડા શરદ મહેતાએ અલગ તારવી… આ આઠ અરજીઓમાં ખુશામત તો જરૂર હતી. પણ કદમબોસીનું પ્રમાણ કંઈક અંશે પ્રમાણસર હતું….! શરદ મહેતા આઠેય અરજીઓ ધ્યાનપૂર્વક વાંચી રહ્યા હતા. આમાં પણ ઘઉં કરતાં કાંકરા વધારે હતા.

અરજીકારો લખતા હતા :
‘ભારત જેવા ગરીબ દેશમાં આજે સાચા ગરીબોની, સાચી સેવાની ખાસ જરૂર છે. મને જો આ જગ્યા ઉપર નીમવામાં આવશે તો હું આજીવન, કેવળ ગરીબોની અને વંચિતોની સેવા કરીશ…..’
બીજી અરજી :
‘વિવિધતામાં એકતા ધરાવતા આ દેશમાં આજે કોમી એખલાસ માટે પ્રતિબદ્ધતા ધરાવતા કર્મચારીઓની ખૂબ જરૂર છે. આપણા દેશની હાલની તાસીરને હું મારા સંસ્કારો અને સમજથી બરાબર પચાવી શક્યો છું. માટે મારા પર જો કૃપા કરવામાં આવશે તો આમ સમાજની સેવા થશે.’
ત્રીજી અરજી :
‘મારું સમગ્ર જીવન હું ખાતાની બહેતર સેવામાં કશાય હિચકિચાટ વગર સમર્પિત કરી દઈશ, એની ખાતરી આપું છું.’
ચોથી અરજી :
‘મને જો નોકરી આપવામાં આવશે તો હું સોગંદ ઉપર જાહેર કરું છું કે ક્યારેય દિલચોરી નહીં કરું અને સાહેબ ! લાંચ તો મારા માટે ભ્રષ્ટ ચીજ છે. મારી આ ભાવનાને આપ સમજશો એવી આશા રાખી છે…..’ આવી સાત અરજીઓ શરદ મહેતાએ વાંચી લીધી. સાતેય ઉમેદવારોએ શબ્દકોશમાંથી વીણી-વીણીને ચાકળામાં ટંકાતાં આભલાંની જેમ શબ્દો ટાંક્યા હતા….!

પ્રામાણિકતા, વફાદારી, બહેતર સેવા, નિષ્ઠા, ખંત, ચીવટ, સલૂકાઈ, પ્રતિબદ્ધતા, દક્ષતા આવા તો કેટલાય શબ્દો, ચોમાસાના તળાવમાં દેડકાં ઊભરે એમ ઊભરતા હતા અને છેવટના ભાગે, મજકૂર ઉમેદવારોએ મેળવેલી સિદ્ધિઓ, વિશેષ લાયકાતો, ઈનામો-પ્રમાણપત્રો સાથે ક્યા ક્ષેત્રમાં ક્યારે ભવ્ય પુરુષાર્થ કરેલો એની નોંધો નીચે લાલ રંગથી ‘અંડરલાઈનો’ કરી હતી… આવો ઉમેદવાર મેળવવો એ શરદ મહેતા માટે જાણે અહોભાગ્યની વાત હતી ! પરંતુ આઠમી અરજી એના ઉમેદવારને યોગ્ય ઠરાવે એવી સરળ હતી. આ ઉમેદવારે માત્ર પોતાની લાયકાત જ લખી હતી. બાકીનાં વાક્યો સાદાં, સરળ, નિર્દંભ અને વિનયયુક્ત હતાં. મનોમન નિર્ણય કરીને બાહોશ અધિકારી શરદ મહેતાએ એકાદ અઠવાડિયું સાવ મૌનપણે વીતવા દીધું…. નવમા દિવસે પેલા સિદ્ધિઓના ઝળહળતા સિતારાઓ શરદ મહેતાની ઑફિસ આજુબાજુ ટપરવા માંડ્યા. રૂબરૂ તો એ લોકો આવી ન શક્યા પણ એના કોઈ કાકાશ્રી, મામાશ્રી, પિતાશ્રી, સસરાશ્રી અને અન્ય શ્રીઓની લાઈન લાગી…. ઑફિસ પૂરી થયા પછી શરદ મહેતાના બંગલે એઓની પધરામણી શરૂ થઈ.

‘નમસ્તે સાહેબ !’ બોલીને એક આધેડ ખોળિયું મહેતાસાહેબના બેઠકખંડમાં પ્રવેશ્યું. આસ્તેથી પગ મૂક્યો. માથા પરની ટોપી ઠીકઠાક કરી અને ઊંડા કૂવામાં ઊતરનારો તરવૈયો જે જાતની ધીરજ અને સાવચેતી રાખે એવી સાવચેતી રાખીને મહેતાસાહેબની સામેની ખુરશીમાં ગોઠવાયું :
‘આપનું નામ મહેતાસાહેબ. ખરું ને, સાહેબ ?’
‘હા, મારું નામ શરદ મહેતા.’ મહેતાએ આવતલના ચહેરાને જોવા માંડ્યો.
‘મારું નામ દયારામ….’ દયારામે બંડીના ખૂણા અકારણ ખેંચ્યા. બંડીનાં ગાજને ખોતર્યાં, ‘આમ તો હું બહુ ગરીબ સ્થિતિનો માણસ, છતાં મહેતા સાહેબ…..’ અને દયારામ અટકી ગયા. અને ‘છતાં’ શબ્દની શિલા પાછળ સંતાઈ ગયા…! મિ. મહેતાએ દયારામ શરૂ થાય એની રાહમાં પોતાની કોણીઓ ટેબલ પર ટેકવી. મહેતાને ખબર હતી કે આ દયારામની વાત આવી ગયેલા દયારામો જેટલી જ, કમ સે કમ વીસ મિનિટ તો ‘નોનસ્ટોપ’ ચાલશે. વીસ મિનિટના આ ગાળામાં પોતાનો બેઠકખંડ આખી દુનિયાની નાણાભીડ, ગરીબી, આર્થિક સંકડામણ, વલોપાત અને કકળાટ જેવાં વાક્યોથી છલ્લોછલ ભરાઈ જશે અને શરૂ થશે મજકૂર ઉમેદવારની ઉત્તમોત્તમ લાયકાત, ચપળતા, કાર્યત્વરા, વફાદારી જેવાં વાક્યોનાં રામધણ ! અને અંતે….અંતે….?

શરદ મહેતાને મનોમન હસવું આવી ગયું – સંકડામણવાળા, દુઃખદ સ્થિતિવાળા, નોકરીની જરૂરિયાતને પૂજનારા ઉમેદવારોના વાલીઓ, સગાંઓ ગજવે હાથ નાંખશે. સાથે સાથે કોઈ ધારાસભ્યની, કોઈ મોટા અધિકારીની, ઉદ્યોગપતિની ભલામણચિઠ્ઠી પણ કાઢશે છેવટે આટલો જથ્થો અપૂરતો જણાતાં ફટોફટ આંકડા બોલવાના : એક લાખ, બે લાખ, અઢી લાખ…..!
‘છતાં મારા સાહેબ !’ દયારામ પુનઃશરૂ થયા : ‘શું કે આ તો એક વહેવાર થયો. અમારી સ્થિતિ ગમે તે હોય પરંતુ આપનો શો દોષ ?’ શરદમહેતાએ સ્મિતવાળો ચહેરો દયારામની સામે માંડ્યો. દયારામ વધારે મૂડમાં આવ્યા :
‘અમારું કામ થાય તો; સમજ્યાને સાહેબ ?’
‘હા સમજ્યો.’ શરદ મહેતા વળી હસ્યા : ‘આપ આગળ બોલો.’
‘આગળ અને પાછળ, મહેતાસાહેબ !’ દયારામે અવાજને બ્રેક કર્યો. આસપાસમાં જોઈ લીધું અને ધીમેથી કહ્યું : ‘મારા પુત્રને ઓર્ડર મળે તો, અમારું કામ થાય અને આપનું પણ કામ થાય, શું સમજ્યા ?’
‘હા… સમજું છું ને ! આપનું કામ આથી સરળ થાય બરાબર ?’ અને શરદ મહેતાએ દયારામના ચહેરામાં ઊંડાણથી જોયું : ‘અત્યારે તો દયારામજી ! નોકરીની કેટલી જરૂરિયાત ! ચારે બાજુ નર્યાં વાવાઝોડાં ફૂંકાય છે, બરાબર ને ?’
‘બરાબર સાહેબજી !’ દયારામ બોલવા માંડ્યા, ‘હું આપને ઘરે આવ્યો છું. આપ આ માટે પૂરા સક્ષમ છો એ વાત હું ન સમજું ?’
‘જોઈશું ઈન્ટરવ્યૂ થવા દો.’
‘શું ઈન્ટરવ્યૂ સાહેબ ?’ દયારામ હર્ષથી ઊછળી પડ્યા : ‘ઈન્ટરવ્યૂ નાટક છે મહેતાસા’બ ! અમને ખાતરી છે કે મહેતાસાહેબ મત્તું મારે એટલે…..’
‘એમ કે ?’ મહેતાસાહેબે આશ્ચર્ય દેખાડ્યું, ‘આપને આ બધી વાતોની ખબર છે ?’
‘ખબર કેમ ન હોય મહેતાસાહેબ ? મારા મોટા દીકરાને હજી હમણાં જ નોકરીમાં દાખલ કર્યો.’

મહેતાસાહેબના ચહેરા નજીક ચહેરો લઈ જઈને શ્રી દયારામજી મંદ સ્વરે ઓચર્યા : ‘આપને રકમ પૂરી આપીશ….. આપનો જે ભાવ બોલાય છે એ જ આપીશ. એમાં કોઈ કાપકૂપ નહીં થાય !’
‘મારા ભાવ પણ તમે જાણી ગયા દયારામજી ?’ શરદ મહેતાએ આંખો પહોળી કરી.
‘ન જાણું તો છોકરાને નોકરી શાની મળે મહેતાસાહેબ ? અને આપના ઘેર પણ શા માટે આવું ?’ દયારામે વળી પાછી બંડી ઠીકઠાક કરીને પાંપણો સ્થિર કરી. ટોપી સમીનમી કરી ‘જુઓ મહેતા સાહેબ ! હું જમાનાનો ખાધેલો માણસ છું. બધું જ સમજું છું. આપના બે લાખ પૂરા…. અને છતાં પછી આપ ઉમેરો તે…! બધુંય કબૂલ-મંજૂર સહી !!’ અને મહેતાસાહેબને પાણીની જેમ પીતા પીતા દયારામજી બોલ્યા : ‘આપ એ માટે બેફિકર રહો. આવડી મોટી રકમ હું આપને હાથોહાથ દઉં ? એવી મૂર્ખાઈ કરું કાંઈ ? એવા ગાંડા પણ ઘણા મળશે. જે આપની આગળ નોટોનાં બંડલ કાઢશે. અરે ! રામરામ ! આ તો ચોખ્ખી મૂર્ખાઈ ! મેં મારા મોટા દીકરાને દાખલ કરાવ્યો ત્યારે એ ખાતામાં પાંડેસાહેબ હતા. આ પાંડેસાહેબ શહેરના એક મોટા વેપારીને ત્યાં પોતાનું ખાતું રાખતા. ઉમેદવારનો વાલી એ વેપારીને પૈસા આપી આવે. વેપારી એની પહોંચ લખે કે ‘આપના બાકી રહેતા ખાતામાં આટલી રકમ જમા કરી છે તે જાણશોજી.’ આ પહોંચ પાંડેસાહેબને આપીએ કે મામલો પૂરો….’ અને દયારામે જતાં જતાં પૂછી લીધું, ‘માટે આપ કહો ત્યાં રૂપિયા બે લાખ મૂકી આવું.’

‘આપ ભારે હુશિયાર છો, દયારામજી’ શરદ મહેતા ખુલ્લું હસી ગયા.
‘પાકા અને હોશિયાર ન હોઈએ તો છોકરા સોળના ભાવમાં રખડે સાહેબ ! આ જમાનો કાંઈ હરિશ્ચંદ્રનો નથી હોં બાપા ?’ અને વાક્ય થોડું બરછટ બોલાઈ ગયું છે એનું ભાન થતાં દયારામ હસી પડ્યા.
‘અમે કાંઈ હરિશ્ચંદ્ર નથી ને ? હજી હમણાં જ મેં પેન્શન લીધું, પણ ઈ પહેલાં થાય એટલા ‘કડકા’ કરીને નાણાં ભેગાં કરેલાં હો સાહેબ ! નકરી પેન્શનરડીમાં તો રોટલાય પૂરા ન થાય…હેં…હેં……હેં…..’
‘હું આપને સમાચાર મોકલીશ. આપના પુત્રનું હાલનું સરનામું આપતા જાઓ.’
‘ભલે ભલે સાહેબ !’ દયારામ રાજી થઈ ગયા. પુત્રનું સરનામું આપીને ચાલતા થયા.

‘હું આવી શકું સાહેબ ?’ દયારામ છાપના જ એક બીજા આધેડ ખંડમાં દાખલ થયા, હાથ જોડીને ઊભા રહ્યા…. મહેતાસાહેબે સંમતિ આપી એટલે સામે આવીને ગોઠવાયા. આસ્તેથી પાંખડીઓ ખોલતા પુષ્પની જેમ એ ખૂલવા માંડ્યા : મોટોવસ્તાર, નાણાભીડ…. પેટે પાટા બાંધીને પણ છોકરાને અપાવેલું ઉચ્ચ શિક્ષણ અને પછી એના અભ્યાસની ઉત્તમ સફળતા, નોંધપાત્ર ઈનામો, સિદ્ધિઓ, માન-સન્માન, નોકરી પ્રત્યેની પોતાની ચાર ચાર પેઢીઓની ચીવટ અને વફાદારી…. ઢગલાબંધ વાક્યો ફેંકાઈ ગયાં. મહેતાસાહેબનો કોઈપણ પ્રતિભાવ ન મળતાં એ પણ પેલા દયારામને ચીલે આવીને ઊભા રહ્યા. આગળ કરેલી પુત્રની સફળતાની વાતો ઉપર ‘પાણીઢોળ’ કરીને બોલ્યા :
‘આપના જે ભાવ હશે તે મને કબૂલ, મંજૂર હોં સાહેબ !’
‘ભલે હું સમાચાર મોકલીશ. આપના પુત્રનું સરનામું આપતા જાઓ.’ મહેતા ઊભા થયા. એક-બે આંટા માર્યા ત્યાર પછી બીજા પાંચેક વાલીઓ આવી ગયા. એ બધા, કોઈ તાલીમકેન્દ્રમાંથી વાત કરવાની કળા શીખી આવ્યા હોય એમ, એક જ પ્રકારની વાતો કરી ગયા. સૌની ઢબછબ એક જ સરખી. વિવેકી, ઊંચાનીચા અવાજની કુશળતા, રજૂઆત કરવાની ચાલાકી અને મધમીઠા શબ્દોની ધાણીફૂટ વાકધારા. બધું એનું એ જ ! વિનંતીઓ, ખુશામત અને છેવટના ભાગે લાખો રૂપિયા આપવાની વાત !!

શરદ મહેતાએ લાંબું એક બગાસું ખાધું. અને ઊંડા વિષાદમાં ઊતરી ગયા. લાંચ ખાવી અને ખવડાવવી એ સૌને મન ખારી સિંગના ખુલ્લા પડીકા જેવી વાત બની ગઈ હતી ! સૌના મન અંતરમાં આ વિષચક્ર તીવ્ર ગતિએ ઘૂમતું હતું. કોઈને કશોય સંકોચ, ભોંઠામણ કે શરમની લાગણી થતી નહીં….! શરદ મહેતાએ વળી એક બગાસું ખાધું. આંગળીઓના ટચાકા ફોડ્યા. તારવેલી અરજીઓને વળી ફંફોસી. હવે ફક્ત એક જ ઉમેદવારની રાહ હતી. આ ઉમેદવારની ન તો કોઈ ભલામણ હતી, ન તો કોઈ સમાચાર હતા કે ન તો એનો કોઈ વાલી મળવા આવ્યો હતો. શરદ મહેતાનો ચહેરો ખીલી ઊઠ્યો. બાકી રહેલા એ નામની અરજી ઉપર એમણે ખાસ નિશાની કરી અને પેન બંધ કરતા હતા કે એક આધેડ પુરુષ આવી પહોંચ્યા : ‘નમસ્તે સાહેબ !’
બાકીનો માણસ પણ આવી પહોંચ્યો છે એવા ખ્યાલે શરદ મહેતાનો ચહેરો ઝંખવાઈ ગયો… જેમાં પોતે કશુંક ‘હીર’ ખોળતા હતા તે પણ છેવટે તો ચીંથરું જ નીકળ્યું !
‘પધારો’ શરદ મહેતાએ આગંતુકને કમને આવકાર્યા.
‘હાજી….’ કહીને એ સુકલકડી માણસ શરદ મહેતાની સામે ગોઠવાયો.

મહેતાએ એના ચહેરામાં ઊંડાણથી જોયું અને જોઈ જ રહ્યા. આગંતુકના ચહેરા પર બીજી વારનું સ્મિત નહોતું અને બીજી વાર સ્મિત માટે એનો ચહેરો સક્ષમ પણ નહોતો !
‘હું સાહેબ ! વિજયકુમાર પંડ્યાનો પિતાજી. મારું નામ નર્મદાશંકર પંડ્યા.’ આગંતુકે કશાય લલાપતા વગર પોતાનો પરિચય આપ્યો : ‘મારા પુત્રે આપના ખાતામાં અરજી કરી છે.’
‘ખૂબ હોશિયાર હશે ને આપનો પુત્ર ?’ શરદ મહેતાએ વક્રોક્તિથી પૂછ્યું, ‘એની કાર્યદક્ષતા, વફાદારી, પ્રામાણિકતા.’
‘એ બધું તો આપની નજરે પ્રમાણિત થાય ને સાહેબ !’ નર્મદાશંકર પંડ્યા વાસ્તવના ધરાતલેથી બોલતા હતા. ‘મારા પુત્રની ખોટી પ્રશંસા કરું એને આત્મવંચના કહેવાય સાહેબ !’ અને એકાદ પળના વિરામ પછી નર્મદાશંકર ઉતાવળે બોલી ગયા, ‘હું આપનો કીમતી સમય બગાડવા માગતો નથી. ફક્ત આપની શુભેચ્છા મુલાકાતે આવ્યો છું, અને એ પણ બધા ઉમેદવારોના વાલીઓ આપને મળવા આવ્યા છે એવું સાંભળીને આવ્યો છું, ન આવું તો અમે અવિવેકી ગણાઈએ ને ?’
‘બીજું કાંઈ ?’
‘ના સાહેબ ! બીજું કાંઈ નહીં. આપની શુભ ભાવના.’
‘આપ કોઈની ભલામણ કે ચિઠ્ઠી, વગ માટે’ શરદ મહેતાએ ટટ્ટાર ડોકે પૂછ્યું, ‘કાંઈ નથી લાવ્યા ?’
‘નથી લાવ્યો સાહેબ !’
‘આપને કોઈની ઓળખાણ નથી ?’
‘ઓળખાણ તો મળી રહે સાહેબ, પણ આખરે તો ઉમેદવાર જ મોટી ઓળખાણ.’
‘સમજી ગયો.’ શરદ મહેતાએ સ્મિત ફરકાવ્યું અને હળવા સાદે બોલ્યા : ‘કાંઈ પૈસાબૈસા.’
‘ના. જી. હું પૈસા નથી લાવ્યો સાહેબ !’
‘કેમ ? બહુ ગરીબ છો ?’
‘ના જી. એટલો બધો ગરીબ પણ નથી.’
‘તો પછી તમે જાણતા હશો મુરબ્બી કે અત્યારે નાણાંની બોલબાલા છે. સૌ આપે છે – સૌ લે છે.’
‘જાણું છું સાહેબ ! પણ પૈસા આપીને મારા છોકરાને નોકરી નથી કરાવવી.’
‘શા માટે ?’
‘એ પૈસા આપીને નોકરી મેળવશે તો ખુદ પૈસા ખાતાં શીખશે અને ગરીબોનાં કામ કેમ થાશે મહેતાસાહેબ ? આ અનિષ્ટ ક્યાંક તો અટકવું જોઈએ ને ?’
‘તો તમે હજી નોકરીનો મહિમા સમજ્યા નથી વડીલ.’ શરદ મહેતાએ બને તેટલો ચહેરો અણગમતો રાખીને આ માણસમાંથી સાચો માણસ ખોળવા માટે ઘણ અને એરણ લીધાં. ‘જુઓ, પંડ્યાભાઈ ! પોતાના છોકરાને નોકરી અપાવવા માટે એનાં મા-બાપ મકાનનાં નળિયાં પણ વેચી નાખે છે.’
‘માફ કરજો સાહેબ ! મારાથી મારા મકાન કે એનાં નળિયાં નહીં વેચાય. અમને પછી એ ક્યારે પાછાં મળે ?’
‘નોકરી મળે તો નવાં મકાન, નવાં નળિયાં, અરે સોનાનાં નળિયાં થઈ જાય વડીલ ! નોકરીમાં લાખો રૂપિયા મારી ખાવાના મળે…..’
‘અમારે એવી કમાણી નથી ખપતી સાહેબ ! મારે મારી પેઢીઓ નથી ડુબાવવી, લાંચ ખાનારાઓની પેઢીઓ મેં ડૂબતી જોઈ છે.’ નર્મદાશંકરની આંખો ભીની થઈ : ‘માફ કરજો સાહેબ ! આપને કશું અજુગતું લાગ્યું હોય તો.’ નર્મદાશંકર ઊભા થઈ ગયા.

‘આપના પુત્રનું સરનામું આપતા જાઓ.’
‘એ તો, એની અરજીમાં છે સાહેબ !’ પંડ્યા અણગમતા મને બોલી ગયા, છતાં સરનામું આપ્યું અને બહાર નીકળી ગયા. નર્મદાશંકર બસસ્ટેન્ડ પહોંચ્યા ત્યારે પેલા વાલીવારસોવાળા વાતો કરતા હતા કે આ શરદ મહેતા ભારે ખંધો ખાવકડ માણસ છે. થોડેઘણે માને એવો નથી. સાંભળવા મુજબ ફલાણા ઉમેદવારનું નામ નક્કી છે. એણે મહેતાને ત્રણ લાખની ઑફર કરી છે. પોતાના વતનની બસ આવતાં નર્મદાશંકર કકડીને કોથળો થઈને બસમાં ચડ્યા. ઢસડાતા પગે ઘરે પહોંચ્યા. ચારે બાજુ લાખો રૂપિયાની બોલબાલા છે એની વાત કરી અને છોકરાને નોકરી નહીં જ મળે એવી નિરાશા પણ વ્યક્ત કરી !

બે ચાર દિવસ પછી છોકરાને ઈન્ટરવ્યૂ કોલ મળ્યો.
‘જાઉં બાપુજી ?’
‘હા. ભાઈ જા… જવા ખાતર જઈ આવ…. આ નોકરી માટે ત્રણ લાખ રૂપિયા આપવાના છે એ પાકું છે. માટે નોકરીની આશા રાખીશ નહીં બેટા !’ ભીની આંખે એમણે છોકરાને ઈન્ટરવ્યૂમાં મોકલ્યો.

સાંજની બસ આવવાનો સમય થયો ત્યારે નર્મદાશંકર, પુત્રની નિરાશા જોઈ ન શકવાની પીડાથી ઘરેથી દૂર થવા, મંદિરે જતા રહ્યા ! અને મોડેથી નર્મદાશંકર ઘરે આવ્યા ત્યારે, ભાંગલ પગે પગથિયાં ચડતા હતા કે પત્નીએ એમનાં મોંમાં પેંડો મૂક્યો : ‘ક્યાં ગયા’તા ? અમે તો ગોતી ગોતીને થાક્યાં ! સાંભળો ! આપણા છોકરાને નોકરી મળી ગઈ.’
‘હેં ?!’
‘હેં શું ? સાથે જ નિમણૂકનો ઓર્ડર લઈને આવ્યો છે. મહેતાસાહેબ બહુ ખુશ થઈ ગયા હતા – આપણા છોકરા ઉપર !’

[કુલ પાન : 210. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : હર્ષ પ્રકાશન, 403, ઓમદર્શન ફલેટસ. 7, મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી, અમદાવાદ-380007. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માણસનું મધ્યબિંદુ – મૃગેશ શાહ
સુપ્રભાતમ્ – સુરેશ પ્રા. ભટ્ટ Next »   

17 પ્રતિભાવો : બાકીનો માણસ – નાનાભાઈ હ. જેબલિયા

 1. સરસ વાર્તા.

  નોકરી મેળવવા માટે પૈસા આપવા પડે એ નરી વાસ્તવિકતા છે. અને એવા સંજોગોમાં ગરીબ, પ્રમાણિક લાયક ઉમેદવારની શી વલે થાય એ અનુભવી શકાય છે.

  આજથી ૩૦ વરસ પહેલાં મેં નાયબ વન સરંક્ષકની પરીક્ષ આપેલ અને ઈન્ટરવ્યુ વખતે મારી પાસે રૂ. ૪૦,૦૦૦ની માંગણી કરવામાં આવેલ. એ યાદ આવી ગયું. જમાનો બદલાયો નથી. પણ આવી વાર્તા વાંચવામાં આવે ત્યારે કોઈ વિરલા હોય છે એટલે જીવને સારૂં લાગે.
  ———————————————————————————————————
  અને હા, લાંબા સમય બાદ રીડગુજરાતી પર કોમેન્ટ કરી. પણ એના સંત્સંગમાં તો રહું જ છું.
  મારી નવીન વાર્તા વાંચવા માટે ઉપર મારા નામ પર ક્લિક કરવા વિનંતિ છે. આ વાર્તા ૨૦૧૦ની સ્પર્ધા માટે રિઝર્વ્ડ રાખી હતી. પણ એનો વિષય સ્પર્ધાના નિયમોની બહાર હોય મારા જ બ્લોગ પર પ્રકાશિત કરી છે.

  • માફ કરશો,
   ખરેખર પહેલી કોમેન્ટમાં ૨૦૦૯ની સંભવિત વાર્તાની લિંક અપાઈ ગઈ.

   ૨૦૧૦ માટે અહિં ક્લિક કરશો.
   મૃગેશભાઈ જો આપને લાગે તો મારી બન્ને કોમેન્ટ રદ/ Delete કરી દેશો. આપનો ક્ષમા પ્રાર્થું છું.

 2. Bhalchandra, USA says:

  I remember an elected member of Gujarat Dharasabha , Mr. M.C., who used to stand in line at State Bank for transaction. Once, as soon as his number came, the clock indicated closing time of the bank. So as per rule,new bank clerk closed the window. Bank manager realized that new clerk did not recognize the elected politician, so he tried to invite Mr. M.C. for special treatment. Mr. M.C. refused special consideration and walked out of the bank, saying: “No problem, rule is rule. I will be back tomorrow.” But this was long time back, before Mrs. Indira Gandhi rationalized the corruption as an univerasal pheomenon to defend late Lalit Narayan Mishra of Bihar..

 3. સુંદર વાર્તા…..હીરાની કિંમત ઝવેરી જ જાણે. અને સત્ય ક્યારેય પાછું પડતું નથી.

 4. khyati says:

  બહુ જ સરસ અને હ્ર્દય સ્પર્શી છે. આજના જમાનામા આવી પ્રામાણીકતા ભાગ્યે જ જોવા મળે. આપની આ story માંથી ઘણુ શીખવા મળે છે……કાર્યદક્ષતા, વફાદારી, પ્રામાણીકતા તો જીવનમાં પહેલા છે. આવુ લખતા રહો તેવી શુભેચ્છા.

 5. કુણાલ says:

  સુંદર વાર્તા … વાર્તામાં ઉર્દુ શબ્દોનો અને બિનપરંપરાગત કહેવતોનો ઉપયોગ ઊડીને આંખે વળગે એવો છે … સાથે સાથે એક નવિન પ્રકારની લેખન શૈલી આજે જોવા મળી …. good work mrugeshbhai …

  સાથે એક આડવાત કે આપણા દેશના એકમાત્ર રાષ્ટ્રીય કુટુંબ એવા ગાંધી પરિવારની એક “અણમોલ”(!!) દેન છે આ “આપવા-લેવાની રીત” તો !!! મહામૂલી સામગ્રી છે જે આ પરિવારે પૂરી પાડી છે જે ભારતીય લોકશાહીના પાયાને મજબૂતીથી બાંધીને રાખે છે … અને હવે એ જ પરિવારના યુવાન રત્ન દેશને આવી જ કંઈકેટલીય મહામૂલી સામગ્રીઓ આપવા માટે પંથે પડ્યા છે … એટલું જ નહિ, એ પરિવારના અનન્ય સેવક હોવાની રેસમાં પોતાનું નામ લખાવવા માટે કમર કસી રહેલા એક “સરદાર” જે કમનસીબે આપણાં મહામૂલા સૌ પ્રધાનોના પ્રધાન છે તેઓ એ યુવાન રત્નને માટે ગમે ત્યારે ખુરશી ખાલી કરવા પણ તૈયાર છે ….

 6. Arun says:

  ખુબ જ સુન્દર ……sorry gujarati ma nahi fave lakhata……aapda loko ni aaj taklif che aapde negative vicharsarani vala chiye. koi pan vat ne joya janya vagar taking to granted lai laie chiye…jevu Mr pandya e karyu….jo e pote sacha j che to su karava man ma negative vichar rakhava joie…man ma etli to sradhdha hovi joie ke na nokari mara chokara ne j malse…em niras thai ne mandir e thodu jatu rahevay…so moral of the story is ….BE POSITIVE.

 7. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ વાર્તા. બધા ભલે ગમે ત કહે પરંતુ આજે પણ ક્યાંકને ક્યાંક આવા લોકો પણ છે જ. અને આવા લોકો થકી જ થોડી ઘણી સારપ બચી છે અને સારા લોકોને પ્રેરણા મળતી રહે છે.

 8. વાર્તા બહુજ સરસ. સાદી ભાષામાં ઘણું કહી શકાયું છે. સારા અને સાચા લોકોની ભલે કમી હોય છતાં ક્યારેક કોઈ મળી આવે ત્યારે પોતાની છાપ છોડ્યાં વિના ન રહે. એ લોકો હંમેશા લોકોની પસંદગીને પાત્ર બને છે.જિવન ઊપયોગી અને જીવનની આજુબાજુ ની ઘટનાને કેન્દ્રમાં લઈને લખાતી વાર્તા સંદશાત્મક હોય છે . વાચક પસંદ કરે છે. લેખકનો આભાર્
  કીર્તિદા

 9. Sunita Thakar(UK) says:

  લાંચ અને ભ્રષ્ટાચાર નેઆપણા સમાજે સ્વિકારી લીધા છે. લાંચઆપનાર ને સમય ની સાથે ચાલનાર અને ન આપનાર ને ડોબા ગણવા મા આવે છે. આવી સીસ્ટમ ના કારણે અનેક તેજસ્વી તારલા ઝળક્યા પેહલા જ આથમી જાય છે. વાર્તા મા છે તેવા શરદભાઈ મેહતા જેવા પ્રામાણિક અને પારખુ લોકો ની આજે ખુબજ જરુર છે.

 10. Vaishali Maheshwari says:

  Very nice story Mr. Nanabhai. Enjoyed reading the story and getting the essence out of it. Truth always wins, but it needs little patience.

  It is nice to know there are few people in the world who are willing to stop corruption and contributing in the process by not accepting to give or take any bribes.

  Good one!!!
  Thank you Author…

 11. Harry says:

  Nice Story Really Truth Always Wins and Honesty is the best Policy .Nice Story .Thank You Author .Keep Writing Such a wonderful story..

 12. Veena Dave. USA says:

  વાહ, સરસ.

 13. 'સંતોષ' એકાંડે says:

  આજનાં વિશ્વમાં અધિકારત્વ ધરાવતાં અધિકારીઓ ની બે જ (પ્ર)જાતિ છે,
  ક્યાંકતો મેહતા સાહેબ, કે પછી પાંડે સાહેબ.
  નક્કી એજ નથી થઇ શકતું કે ટકાવારી પ્રમાણે વધારે કોણ….!
  ક્યારેક પાંડે પર સારપ નો હૂમલો થાય તો તે મેહતા બની શકે.
  અને શેતાનીયત મેહતાને પાંડે બનાવવામાં સહેજે વાર ન લગાડે.
  જો કે માણસની સાચી ખંતનેતો ભગવાનેય સાચી જગ્યાએ પહોંચાડવામાં રોકી ન શકે.
  ત્યાં ‘પાંડે’ કે ‘મેહતા’ તો કોણ…!
  મારા દરેક કામો આજદિન સુધી વ્યસ્થિત પાર પડતાં આવ્યાં છે,
  વગર કોઇ લાંચ આપ્યા સિવાય.
  દુષણો આપણે જાતેજ ફેલાવીએ છીએ કદાચ.
  રેલ્વે સ્ટેશને ટિકિટબારી પાસે પહોંચવા આવેલાં મુસાફરને ‘ બાપુ..મારી બે અમદાવાદ લઇ લોને પ્લીઝ…’
  કહીને પોતાની લેટલતિફી, આળસ કે પછી મોડાં પડવાની જન્મજાત આદતને કારણે પાછળ ઉભા રહેલાં
  પચીસપચાસ લોકોને અન્યાય થયાનો અફસોસ પણ નથી કરતાં.
  પોતાની ઉતાવળ કે પછી જગ્યા બનાવવાની હોડને કારણે આ લાંચ પ્રથા ઉભી કરવામાં
  આપણોજ અમૂલ્ય ફાળો હોઈ શકે કદાચ…
  બાકી તો પછી મેરા ભારત …..!
  વંદે માતરમ્

 14. Pravin V. Patel [USA] says:

  મહેતા સાહેબ જેવા અધિકારીઓ આંગળીના વેઢે ગણી શકાય એટલા ભાગ્યે જ મળે!
  આવા રત્નોનું જીવવું મુશ્કેલ બની જાય છે.
  વાસ્તવિકતાની સુંદર રજુઆત.
  ભાઈશ્રી નાનાભાઈ, અભિનંદન સહ આભાર.

 15. Dilipbhai khachar (surat) says:

  શરદભાઈ મેહતા જેવા પ્રામાણિક અને પારખુ લોકો ની આજે ખુબજ જરુર છે.
  આવા લોકો થકી જ થોડી ઘણી સારપ બચી છે અને સારા લોકોને પ્રેરણા મળતી રહે છે.
  વાસ્તવિકતાની સુંદર રજુઆત.
  ભાઈશ્રી નાનાભાઈ,
  અભિનંદન
  સહ
  આભાર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.