માણસનું મધ્યબિંદુ – મૃગેશ શાહ

આ દુનિયાના સૌથી જટિલ કામોમાં જેની નોંધ લઈ શકાય એવું એક કામ છે અને તે છે માણસને ઓળખવાનું. ક્યારેક સૌથી નિકટ રહેતા વ્યક્તિને પણ સમજવાનું મુશ્કેલ થઈ પડે છે. સ્નેહ કે લાગણીના બંધને જોડાયા હોવા છતાં એકમેકના મનનો તાગ પામી શકાતો નથી. કોણ-ક્યારે-કેવા પ્રકારનું વર્તન કરશે તે કળવું મુશ્કેલ છે. ખાસ કરીને એવું બને છે કે જેની પાસે સદાચારની અપેક્ષા રાખી હોય તે અણીના સમયે સદંતર વિરુદ્ધ ભાવ પ્રદર્શિત કરે અને જેને દુર્જન માની બેઠા હોઈએ તેમાં ન ધારેલો ગુણ જોવા મળે. આવા સમયે આપણા મનમાં સતત એક વિચાર ઘૂમ્યા કરે કે હું એ માણસને ઓળખી કેમ ન શક્યો ? એને સમજવામાં ક્યાં થાપ ખાઈ ગયો ?

હકીકતે માણસ ખૂબ જ પારદર્શક છે. તે પોતાના મનના ભાવોને ધારે તો પણ છુપાવી શકતો નથી. એનાં શબ્દો, વાણી, વર્તન અને તેનાં હાવભાવ વગેરે ઘણી બધી ન કહેવાયેલી વાતો સતત કહેતાં હોય છે. પરંતુ સમસ્યા એ છે કે જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ એ ન કહેવાયેલી વાતોને સમજવાની વિદ્યા લુપ્ત થતી જાય છે. આપણું મનુષ્ય પ્રતિનું દર્શન સમગ્રતાનું રહ્યું નથી. આપણે તેનો જેટલો ભાગ આપણે માટે કામનો હોય એટલો જ ધ્યાનમાં લઈએ છીએ. એના વ્યક્તિત્વના અન્ય પાસાઓને આપણે જોતાં નથી. આથી, વ્યક્તિને સમજવામાં થાપ ખાઈ જઈએ છીએ. કોઈ માણસ રસ્તામાં કાગળનો ડૂચો ફેંકે ત્યારે એમ વિચારીએ છીએ કે ‘હશે, આપણા આંગણામાં ક્યાં ફેંક્યો છે ?’ આપણે તેનો એટલો જ અર્થ લઈએ છીએ જેટલો આપણને તાત્કાલિક ઉપયોગી હોય. આપણે એમ વિચારતા નથી કે એ વ્યક્તિ પોતાના આ સ્વભાવ પ્રમાણે અન્ય કામ પણ આ રીતે બેજવાબદારપણે કરી શકે છે.

માણસના વ્યવહારોનું જગત એટલું બધું સંકુલ છે કે એના એક કામની અસર તેના બીજા અનેક કામો પર પડતી હોય છે. કોઈ એક બાબત પ્રત્યેનું તેનું વર્તન કે સ્વભાવ, અન્ય બાબતોમાં પણ ઓછે-વધતે અંશે કામ કરી જાય છે. વ્યક્તિનું વ્યક્તિત્વ જુદા જુદા ખંડમાં વિભાજિત ન હોઈ શકે. એ સંપૂર્ણપણે એક જ છે અને તે કયા પ્રકારનું છે એ જ્યાં સુધી ખબર ન પડે, ત્યાં સુધી આપણી વ્યક્તિ પ્રત્યેની સમજ અધૂરી જ રહેવાની. શાખાઓ બધી જુદી જુદી દિશામાં વિસ્તરેલી અને રૂપ, રંગ અને આકારમાં જુદી જુદી દેખાય છે પણ તેમ છતાં એ બધી એક જ થડમાંથી નીકળેલી છે. જો એ થડ હાથમાં આવી જાય તો શાખાઓનો આ વ્યાપ સમજી શકાય. માણસના કેન્દ્રમાં તેનો ક્યો સ્વભાવ છે તે બરાબર પરખાઈ જવો જોઈએ. જો એ સમજાઈ જાય તો માણસ પૂરેપૂરો ઓળખાઈ જાય. એ પછી ભલે તેમાં અનેક નવી શાખાઓ ફૂટે પરંતુ થડ ક્યારેય બદલાવાનું નથી. સમય વીતવાની સાથે માણસ કદાચ બાહ્ય દષ્ટિએ બદલાયેલો લાગશે પણ એના પાયામાં જે તત્વ પડેલું હશે એ તો વર્ષો બાદ પણ એમ જ રહેવાનું છે. એને આપણે સ્વભાવ કે મૂળ પ્રકૃતિ કહી શકીએ. સ્વભાવને ઓળખવાની કળા હસ્તગત થઈ જાય તો માણસને આત્મસાત કરવાનું સરળ બની જાય.

બહારથી કોઈ વ્યક્તિ આપણને બહુ દાન કરતો દેખાય પરંતુ એના કેન્દ્રમાં એની વૃત્તિ ખૂબ મેળવવાની પણ હોઈ શકે છે. ભલે પછી એ ભૌતિક લાભો હોય કે પુણ્ય ભેગું કરવાની ઘેલછા, પરંતુ મૂળે તો પ્રકૃતિ મેળવવાની જ છે ને ! સમાજમાં ઘણીવાર કોઈ વ્યક્તિ બહુ સાહસિક લાગે છે. એ મોટી મોટી ઓળખાણોની વાતો કરે ત્યારે આપણે ઘડીક અંજાઈ જઈએ છીએ. હકીકતે એવા વ્યક્તિઓ અંદરથી ખૂબ ડરપોક હોય છે. એ રીતે અત્યંત ભણેલા અને શિક્ષિત દેખાતા લોકોને જ્યારે માઈક્રોસ્કોપિક લેન્સથી જોઈએ ત્યારે તેમનો સ્વભાવ અને તેમની અંદર કામ કરી રહેલી વૃત્તિ ક્યારેક અભણને પણ શરમાવે તેવી હોઈ શકે છે. તેઓ પોતાનાથી આગળનું બીજું કશું વિચારી શકવાની સ્થિતિમાં હોતા નથી. માણસને પ્રત્યેક ક્રિયામાં દોરનાર વૃત્તિ કે એની પાછળનું પરિબળ કયું છે એ જો સમજાઈ જાય તો માણસને સાચા અર્થમાં પામી શકાય. એના કેન્દ્રમાં શું છે તે મહત્વનું છે. તેની આંખોમાં રહેલા ઊંડાણને તથા તેના ન બોલાયેલા શબ્દોને જો સાંભળી શકીએ તો જ એને પામી શકીએ.

આ કોઈ ચમત્કારિક વાત નથી. એ અનુભવથી કેળવવાની વિદ્યા છે. દુકાનદાર ગ્રાહકના મોં પરથી જોઈને મોટેભાગે સમજી જ લેતો હોય છે કે આ ગ્રાહક ખરેખર ખરીદી કરવા આવ્યો છે કે ફક્ત વસ્તુની કિંમત પૂછવા. વીઝા લેવા જવાનું થાય ત્યારે પણ માણસના અંદરના હાવભાવ ચહેરા પર આપોઆપ છવાઈ જતા હોય છે. માતા જેમ બાળશિશુની સાંકેતિક લિપિને ઉકેલી શકે છે, તેવી આ વાત છે. આપણા મધ્યબિંદુમાં રહેલી વૃત્તિ આપણા રોમ રોમથી હંમેશા સતત વ્યક્ત થતી હોય છે, પણ આપણને એ દેખાતી નથી. એની લિપિ જે ઉકેલવાનું જાણે છે તે આપણને બરાબર સમજી શકે છે. આ બધા કારણોને લીધે જ કોઈની સાથે પાંચ મિનિટની મુલાકાતમાં મનમેળ થઈ જાય છે અને કોઈની સાથે આખી જિંદગી કાઢવા છતાં જાણે ઢસડાતાં હોઈએ એમ લાગે છે. એવા સંબંધોમાં બે આંગળાનું અંતર રહી જાય છે. આપણાં પૂર્વજો માણસના મનને વાંચવાની એ કળા ખૂબ સારી રીતે જાણતાં હતાં. તેઓ દરેક વ્યક્તિને બરાબર સમજી શકતાં હતાં. દાદીમા પુત્રનાં લક્ષણને પારણામાંથી ઓળખી લેતાં. આચાર્ય તેજસ્વી વિદ્યાર્થીને હજારોમાંથી પણ પારખી લેતાં.

કોઈ પણ વ્યક્તિના કેન્દ્રમાં કઈ વૃત્તિ કામ કરી રહી છે એને સમજવા માટે મુખ્યત્વે ત્રણ પરિબળો અગત્યના હોય એમ લાગે છે. એમાં સૌથી પહેલો એનો બાહ્ય દેખાવ. કહેવાય છે કે માણસના બહારના દેખાવને ધ્યાનમાં ન લેવો જોઈએ પરંતુ એની અંદર શું પડ્યું છે તે તપાસવું જોઈએ. પરંતુ તે છતાં બાહ્ય દેખાવને લક્ષ્યમાં લીધા વગર ચાલતું નથી. અમદાવાદ સ્ટેશને ઊતરીને જલ્દી જલ્દી રિક્ષા પકડવાની હોય તો પણ ક્ષણાર્ધમાં આપણે એ રિક્ષાવાળા પર નજર નાખી લઈએ છીએ. બાહ્ય દેખાવ અગત્યનો ન હોત તો મોર્નિંગ વૉક માટે જુદા કપડાં, પાર્ટી માટે જુદાં અને ઑફિસ માટે જુદાં કપડાં – એવી કોઈ વ્યવસ્થા જ ન થઈ હોત. વળી અમુક ક્ષેત્રના કર્મચારીઓને તો આપણે એમના પહેરવેશથી જ ઓળખીએ છીએ; જેમ કે પોલીસ. વસ્ત્રો માણસની વૃત્તિની ચાડી ખાય છે. જેમ એની વૃત્તિ બદલાવાની એમ તેના પહેરવેશ પર પણ અસર પડવાની જ. જીન્સ પહેરેલા ગાંધીજી કલ્પી પણ ન શકાય અને કૉલેજમાં કોઈ પોતડી પહેરીને ગયું હોય એવું ક્યાંય સાંભળ્યું નથી. સ્લીવલેસ પહેરનારની પોતાની મનોવૃત્તિ હોવાની, સ્કીન-ટાઈટ પહેરનારની પોતાની એક અલગ મનોવૃત્તિ હોવાની જ. માણસનો પોશાક ભલે સામાન્ય બાબત ગણાતી હોય, પરંતુ તે ઘણું બધું કહી જાય છે. એના પરથી એની અંતરંગ વૃત્તિની એક ઝલક પામી શકાય છે. બાહ્ય દેખાવમાં પોશાક જ શું કામ ? એના મોબાઈલનો રિંગટોન, મોબાઈલનું વૉલ-પેપર, કૉમ્પ્યુટરના ડેસ્કટૉપનું વૉલ-પેપર અને એવા બીજા ઘણા પરીબળોથી ધીમે ધીમે માણસના કેન્દ્ર સુધીની યાત્રા થઈ શકે છે. આ બધી જુદી જુદી શાખાઓ છે. એમાં સ્વાભાવિક રીતે જ વિવિધતા હોવાની. પરંતુ એને પકડીને ધીમે ધીમે આગળ વધતાં થડ જેવી મૂળ આધારરૂપ મનોવૃત્તિને ચોક્કસથી પકડી શકાય. એ થડ જ્યારે પકડાઈ જાય ત્યારે આપણે આસાનીથી કહી શકીએ કે આ વ્યક્તિ આ પ્રમાણે જ વર્તન કરશે.

માણસની મૂળભૂત પ્રકૃતિને ઓળખવાની બીજી એક ચાવી છે એના સંઘર્ષકાળના સમયની તેની મનઃસ્થિતિ. કહેવાય છે કે કોઈને ગુસ્સે કરો એટલે એનો અસલ સ્વભાવ ખબર પડે. વિપરિત સંજોગોમાં માણસ પોતાના બધા મહોરાં ફગાવી દે છે અને મૂળમાં તે જેવો હોય તેવો બની રહે છે. અગ્નિમાં બધી જ અશુદ્ધિઓ બળીને ભસ્મ થઈ જાય છે અને જો સોનું સાચું હોય તો ચમકવા માંડે છે. સમસ્યાથી ઘેરાયેલા મનુષ્યમાં કેટલું પાણી છે તે મપાઈ જાય છે. એનામાં ઊંડે ઊંડે જે પડેલું હોય તે બહાર આવે છે. નાજૂક સમયમાં એણે લીધેલા નિર્ણયો તેના વ્યક્તિત્વની ઓળખ છતી કરે છે. આપણે ત્યાં લોકકથાઓમાં એવી વાર્તા આવતી કે કોઈ એક સંત ચાર દિવસના ભૂખ્યા હતાં અને એમને માંડ એક રોટલો મળ્યો. ત્યાં તો કૂતરું એ રોટલો ઝૂંટવીને જતું રહ્યું પરંતુ સંત એને એટલી જ પ્રસન્નતાથી કહી શક્યા કે ‘જરા ઘી તો ચોપડવા દે !’ આ બાબતે એમ પણ કહેવાયું છે કે માણસના મનની શાંતિની કસોટી આ સંસારમાં રહીને જ થાય છે, હિમાલયની ચોટી પર નહીં.

એકાંત એ માણસના કેન્દ્ર સુધી જવા માટે વધુ એક રસ્તો છે. એકાંતમાં માણસ અંદરથી જેવો હોય એવો સ્પષ્ટ દેખાઈ આવે છે. એના મનમાં ઊંડે ઊંડે રહેલી મનોવૃત્તિઓ એકાંતમાં છતી થતી હોય છે. એથી જ આજે બધાને એકલાં રહેવાનો બહુ ડર લાગે છે. એકાદ કલાક કોઈ પ્રવૃત્તિ વગર બેસવું પડે તો એમ લાગે છે કે જાણે જીવન ખંડેર બની ગયું ! ટી.વી. કે ટેપ પર અનાયાસે હાથ જતો રહે છે. હમણાં જ કોઈ આતંકવાદીએ રાષ્ટ્રપતિને મોતની સજાનો અમલ જલદીથી કરવા અરજી કરતાં કહ્યું હતું કે ‘આ જેલનું એકાંત તો મોતથીયે ભયંકર છે.’ એકાંતમાં માણસ સામે વિચારોની ભૂતાવળ ઊભી થાય છે. જેનું ચિત્ત કેળવાયેલું હોય એ જ એકાંતમાં ટકી શકે. યોગના ચિત્રોમાં માણસને જમીનથી અદ્ધર થતો બતાવે છે એ મૂળે તો આપણી રોજિંદી જંજાળથી થોડોક સમય અદ્ધર થઈને જીવવાની વાત છે. એકાંતમાં જેનું ચિંતન ચાલુ રહે એની સુગંધ તેના આખા વ્યક્તિત્વ પર ઊતરી આવે છે અને એ વિચાર-મનનશીલ વ્યક્તિ સાવ જુદો તરી આવે છે. આપણાં અનેક સ્વાતંત્ર્યવીરોએ એકાંતમાં પોતાની નવી ઓળખ ઊભી કરી હતી. પોતાના વ્યક્તિત્વને વધારે ખીલવ્યું હતું. નવા વિચારો પ્રાપ્ત કરીને વધારે જોશથી તેઓ લડતમાં આગળ વધ્યાં હતાં. એકાંતમાં કોઈ વ્યક્તિ કેવો હશે એની આપણને ખબર પડતી નથી કારણ કે એમાં તો એનો આત્મા જ તેનો સાક્ષી છે. પરંતુ જેણે એકાંતને પચાવ્યું હોય તેની પ્રભા જુદા પ્રકારની હોય છે. એવા વ્યક્તિની તાજા ખીલેલા ફૂલ જેવી સૌમ્યતા, ઋજુતા, સહજતા અને સરળતા વગર શબ્દે આપણને સ્પર્શી જાય છે.

આજે આપણી આસપાસ ઘણાંને આપણે એવું કહેતાં સાંભળીએ છીએ કે : ‘ઘરબાર બધું જોયું હતું, છોકરો-છોકરી ભણેલાં હતાં, સાધન-સંપન્ન કુટુંબ હતું તોય આમ થયું !…..’ ‘ઓહો એ છોકરી ભાગી ગઈ ? એ તો કેટલી ભોળી અને સરળ દેખાતી હતી !……’ ‘અરે ! એમના ભાડૂઆત એવા નીકળ્યાં ? રહેવા આવ્યાં ત્યારે તો કેટલાં સજ્જન દેખાતા હતા….’, ‘એમનો છોકરો જુદો રહેવા ગયો ? હોય નહિ…. એ તો બહુ જ સીધોસાદો હતો….’, ‘એ લાંચ લેતા પકડાયા ? એ તો બહુ જ પ્રમાણિક હતા. નીચું જોઈને ઑફિસે જતાં અને નીચું જોઈને ઘરે આવતાં…..’ – આ પ્રકારની પરસ્પર વિરોધાભાસી વાતો થતી રહે છે. આ બધાની પાછળ હકીકત એ છે કે આપણે આસપાસનું બીજું ઘણું બધું જોઈએ છીએ પરંતુ માણસને કે એના કેન્દ્રમાં રહેલી વૃત્તિને જોવાનું ચૂકી જઈએ છીએ. એથી પરિણામો આપણા ધાર્યા કરતાં વિપરીત આવે છે. મધ્યબિંદુમાં રહેલા ખરા માણસને જો ઓળખી શકીએ તો એને સાચા અર્થમાં પામી શકીએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લોકશિક્ષણના આચાર્ય એવા બબલભાઈ – સંકલિત
બાકીનો માણસ – નાનાભાઈ હ. જેબલિયા Next »   

23 પ્રતિભાવો : માણસનું મધ્યબિંદુ – મૃગેશ શાહ

 1. Bhalchandra, USA says:

  How true it is!!! Those who attend meditation camp or something comparable where you sit in silence for hours and hours without any communication with anyone, such persons realize the hidden dirt within. I admire the author’s ability to put this truth in words. Thanks.

 2. hardik says:

  મૃગેશભાઈ,

  બહુ સાચી વાત છે. જે વ્યક્તિ સમજે તે જ સમજે.

  મારૉ એક બીજૉ મત છે કે જૉ માણસ બીજા ને સમજવાની વાત મુકી ને પૉતાને સમજે તો પણ ઘણું.
  અને માણસ ને જેને સમજવાનું છે તે ને સમજવાં માટે પ્રયત્ન નહી કરવાં પડે. એ સામે થી જ સમજાવશે. એજ સાચૉ પ્રેમ હશે.

  હાર્દિક

 3. ખુબ જ સાચી વાત….માણસના મનનો તાગ મેળવી શકાય, તેની વૃત્તિ સમજી શકાય તો માણસ ને બરાબર ઓળખી શકાય.

 4. preeti dave says:

  આપણે આસપાસનું બીજું ઘણું બધું જોઈએ છીએ પરંતુ માણસને કે એના કેન્દ્રમાં રહેલી વૃત્તિને જોવાનું ચૂકી જઈએ છીએ. એથી પરિણામો આપણા ધાર્યા કરતાં વિપરીત આવે છે. મધ્યબિંદુમાં રહેલા ખરા માણસને જો ઓળખી શકીએ તો એને સાચા અર્થમાં પામી શકીએ.

  ૧૦૦ % સાચી વાત..

 5. મૃગેશભાઈ
  ખૂબ સરસ લેખ. માણસને ઓળખવો ખૂબ મુશ્કેલ છે. સત યૂગના સમયમાં માણસ જેવું મનમાં હોય તેવું જ વાણીમાં અને વર્તનમાં લાવતો. અને એટલેજ એ સત યૂગ હતો. આજે આ કપરા કાળમાં માણસની ત્રણે એકતા નથી. મનમાં બીજુ હોય ને બોલે બીજુ. એટલે અંદરનો માનવી અને બાહ્ય વર્તન વાળો માણસ કળવો મુશ્કેલ છે. એટલે આપણે પોતે માણસાઈ દેખાડીએ તો સામે પડઘો પડશે જ. સારા વિચારો દર્શાવતો લેખ.
  આભાર.
  કીર્તિદા

 6. Vipul says:

  ખુબ જ સાચી વાત…

 7. hiral says:

  સરસ લેખ.

  મેં ક્યાંક નાનપણમાં વાંચેલું.

  શ્રીમદ રાજચ્ંદ્રને કોઇકે પૂછેલું કે તમે આટલા સરળ છો તો તમને એવી બીક ના લાગે કે કોઇ તમને છેતરી જશે? ત્યારે શ્રીમદે કહ્યું કે જેણે પોતાનો આત્મા જાણ્યો છે એને કોઇ છેતરી શકતું નથી. એ બીજાનાં આત્માને પણ જાણી શકે છે.

  સ્વામી વિવેકાનંદે પણ આ જ વાત કીધી છે કે જેણે પોતાના મનને કાબુમાં લીધું છે એ વિશ્વનાં દરેક જણનાં મનને જાણી શકે છે.

  • Kailash Nayak says:

   ખરેખર વિશ્વ ના દરેક અનુભવ સરા, ખોટા, કડ્વા દરેક મનુશ્ય પોતનિ અન્ફદર જ અનુભવે છે. ઍકાન્ત થેી જ્ માનસ ઘનિવર પોતને જ સ્મજિઇ શકે ચે.

 8. BHAIRAVI says:

  માણસ નુ મન અનપ્રોગ્રામ હોવાથિ એ કળાઈ શકે નહિ.ખુબ સાચિ વાત્…

 9. જગત દવે says:

  થોડું વધુ ચિંતનઃ

  ૧. કોઈપણ માણસને ‘પૂર્વગ્રહ’ વગર મળીયે.
  ૨. માણસ ગમે તેવો હોય પણ તેને ઈશ્વરનો દરજ્જો ન આપીએ.
  ૩. માણસનું વર્તન સંજોગો ને આધીન હોય છે. સદાય સ્થિતપ્રજ્ઞ રહેવું તે માનવીય પ્રકૃતિ નથી.
  ૪. સમગ્ર જીવનને સંપૂર્ણ-પણે બૌધ્ધિક બનાવી શકાતું નથી. માટે માનવીય નબળાઈઓ નો સ્વીકાર પણ કરવો જોઈએ.
  ૫. કોઈ પણ એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓ નાં સંદર્ભમાં સદાય ‘દૂર્જન’ કે સદાય ‘સજ્જ્ન’ હોતી નથી.
  ૬. જે માણસને સ્વયંની મર્યાદાઓનું ભાન છે તે જ્ઞાની માણસ છે.
  ૭. માણસને સતત માપવા નો પ્રયત્ન કરનાર ક્યારેય તેને પ્રેમ કરી શકતો નથી.

  ઈ-મેઈલઃ ja_bha@yahoo.co.in

 10. અશોક જાની 'આનંદ' says:

  ખૂબ જ આબ્યાસપૂર્ણ અને નિરીક્ષ્ણથી પ્રેરિત લેખ, માણસના મધ્ય બિંદુને પામવું એટ્લું સરળ નથી આ માટે ખૂબ ઝીણૂં કાંતવું જરૂરી હોય છે, પણ આજના દોડધામ ભર્યા માહૉલમાં એવી ધીરજ બહુ ઓછામાં હોય છે. આજે માણસ એકબીજાને શન્તિથી મળેછે જ ક્યાં ?? માત્ર ઉભડક સ્પર્શ જેવી આપણી મુલાકાત હોય છે. બધાંને ક્યાંક પહોંચી જવાની ઉતાવળ છે પણ ભાગ્યેજ કોઇક ક્યાંક પહોંચે છે….

 11. Sunita Thakar(UK) says:

  Very Nice article Mrugeshbhai .

 12. Chintan says:

  ખુબ સરસ લેખ મૃગેશભાઈ.

 13. Jagruti Vaghela USA says:

  ખૂબ જ સાચી વાત કે આજના જમાનામાં માણસને ઓળખવુ બહુ જ મુશ્કેલ છે.

  Very good article Shree Mrugeshbhai.

 14. Rachana says:

  ખુબ જ સરસ લેખ

 15. Moxesh Shah says:

  “એક ચેહરે મે કઈ ચેહરે છુપા લેતે હૈ લોગ.”

  Very true. Nice Article.

 16. Veena Dave. USA says:

  સરસ લેખ્.
  કેન્દ્ર્માં રહેલી વ્રૂતિ…….સાચી વાત.

 17. Alap says:

  ખરા અર્થમા વખાણવાલાયક…
  In today’s lifestyle no one thinks about this point. Everybody is avoiding to think like this by saying easily that I have no time!!!

  Any way, one the good article from which I read till.

 18. hi mrugesh bahi..
  your nobal is to good ….my life be come chege…..i read your lekh…..u r supab….next esued ke li ye best of luck…..shweta mewada (dubai).

 19. Ashish Dave, Sunnyvale, Califronia says:

  વિપરિત સંજોગોમાં માણસ પોતાના બધા મહોરાં ફગાવી દે છે અને મૂળમાં તે જેવો હોય તેવો બની રહે છે…

  એકદમ સાચી વાત… કોઈના ઘરે વગર આમંત્રણે ખોટા સમયે પહોચો તો જ ઘરની વ્યવસ્થાનો ખરો ખ્યાલ આવે…

  Ashish Dave

 20. Neha says:

  very true & very very good article. keep it up Mrugeshbhai, Thanks.

 21. MUSTUFA KHEDUVORA says:

  બહુ સરસ લેખ છે… માણસને સમજ્વા

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.