સુપ્રભાતમ્ – સુરેશ પ્રા. ભટ્ટ

[ બોધકથાઓ, ચિંતન અને સુવાક્યોના સુંદર પુસ્તક ‘સુપ્રભાત’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી જીતેનભાઈ મહેતાનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] કોઈ વ્યક્તિ સલાહ-સૂચનો કે બોધ આપવાથી સુધરતી નથી પણ જ્યારે તેને વૈજ્ઞાનિક રીતે સાચો દષ્ટિકોણ સમજાવવામાં આવે ત્યારે જ સમજે. સોક્રેટિસ આવી રીતે પ્રશ્નોત્તરીથી જ લોકોને સાચી સમજ આપતા. એક યુવાન ખૂબ જ પહેલવાન હતો. પોતાના બળ અને શક્તિથી જાતે જ વાકેફ હતો તેથી ઉધારા કજિયા લઈ મારધાડ કરતો. એના વડીલોએ સોક્રેટિસને આ બાબત વાત કરી, યુવાનને સમજાવવા વાત કરી.

એકવાર સોક્રેટિસને એ યુવાનનો ભેટો થઈ ગયો. સોક્રેટિસે એ યુવાનને પૂછ્યું : ‘તું બળવાન અને વીર તાકાતવાળો છે પણ હું પૂછું એનો ખૂબ જ વિચારપૂર્વક મને જવાબ આપજે. કોઈ તારા જેવો-જેટલો યુવાન આવી તને ગાલી-ગલોચ કરી મુક્કો મારે તો તને કયું કામ અઘરું લાગે ? તેને સામો મુક્કો મારવાનું કે તેવા સમયે બન્ને હાથ ખિસ્સામાં રાખી, શાંત રહેવાનું ?’ યુવાને વિચારીને જવાબ આપ્યો – ‘બન્ને હાથ આવા સમયે ખિસ્સામાં રાખી મૂકવાનું કામ મને અઘરું લાગે….’ સોક્રેટિસ કહે, ‘શાબાશ, મને પણ તારા આવા જવાબની જ અપેક્ષા હતી. વારું, તારા જેવા યુવાનને સરળ કામ કરવું ગમે કે અઘરું કામ કરવું ગમે ?!’
યુવાન કહે : ‘બેશક જે અઘરું હોય તે જ…..’
યુવાનની આંખ ઊઘડી અને યુવાન ત્યાર પછી ધીરજવાન અને ક્ષમાશીલ થઈ ગયો.

[2] એકવાર મહંમદ પયગંબરને એક ગરીબ આરબને ઘેર રાત્રિ રોકાણ કરવાની જરૂર પડી. મહંમદ પયગંબર આખી રાત એક સાદડી પર સૂતા. સવારે સ્નાન કરી શરીર લૂછતા હતા ત્યારે એ ગરીબ આરબનું ધ્યાન એમની પીઠ પર પડ્યું. ગોરી ગોરી પીઠ પર સાદડીની ગાંઠોના ભઠ્ઠા પડી ગયા હતા – લાલ લાલ ચકામાં જોઈ, પેલા ગરીબ આરબે ક્ષમા માગી – કહ્યું, ‘હું આપને સુંવાળી પથારી આપી ન શક્યો એના પરિણામે પીઠમાં ચકામાં થઈ ગયાં…. આપ આરામથી ઊંઘી પણ નહીં શક્યા હો !’
પયગંબરે જવાબ આપ્યો : ‘ભાઈ, બપોરે લાંબી મુસાફરી પછી ઘોડાને એક-બે કલાક છાંયડે બાંધીએ અને આરામ મળી જાય એમ હું પણ જગતમાં કામ કરવા આવ્યો છું, સુખ-સગવડ ભોગવવા નહીં. મને સુંવાળી પથારીની જરૂર જ ન હતી. ભાઈ ! શરીરને જેટલા આરામની જરૂર હતી તે મળી ગયો !!’

[3] કેટલાક લોકો અતિ-મહત્વાકાંક્ષી હોય છે. દેશી ભાષામાં હરખપદૂડા કહી શકાય. વિદેશની નોકરીનો ઈન્ટરવ્યૂ આવ્યો હોય ત્યાં પાસપોર્ટ તૈયાર કરાવી અંગ્રેજી શીખવાના કલાસ શરૂ કરી દે ! એક દંપતીના નવાં નવાં લગ્ન થયાં હતાં અને પાંચ મજલાના મકાનમાં ચોથે માળે રહેતાં હતાં. પાંચમે માળે મકાન માલિક શેઠ જાતે રહેતો હતો. હવે પત્ની વકીલની દીકરી હતી, એ નાનપણથી કાયદા-કલમ-સાક્ષી-જામીન જેવા શબ્દો સાંભળીને કંટાળી-ત્રાસી હતી. ને પતિ ડૉક્ટરનો પુત્ર હતો. દવા-વિઝિટ અને ઓપરેશન-ઈમરજન્સી સાંભળી થાક્યો હતો.

બન્ને વચ્ચે પુત્રને વકીલ ને ડૉક્ટર બનાવવાનો વિવાદ ઉગ્ર ઝઘડા સુધી પહોંચ્યો – ઉપરના માળેથી મકાન માલિક શેઠ આવ્યા મધ્યસ્થીના ઈરાદે… સ્ત્રી કહે, પુત્રને ડૉક્ટર બનાવવો છે ને પતિ વકીલનો આગ્રહ રાખતા હતા. બન્ને એકમેકની વિરુદ્ધની ખૂબ દલીલો કરતાં હતાં. શેઠે સમજાવવા પ્રયત્ન કર્યો પણ કોઈ બાંધછોડ કરવા તૈયાર ન હતું. આખરે શેઠે કહ્યું, ‘એવું કરો તમારા પુત્રને જ બોલાવો, એની ઈચ્છા શું છે એ તો જાણી લઈએ.’ બન્ને શરમાઈને હસી પડ્યાં ને બોલ્યાં કે અમને પરણે હજુ તો દોઢ વર્ષ થયું છે પણ જો પુત્ર આવે તો…. શેઠ બબડાટ કરતાં ચાલ્યા ગયા….. ભેંસ ભાગોળે…… ને ઘરમાં ધમાધમ.

[4] આપણે સાંસારિક ઉપાધિઓ-બીમારીઓથી એવા દુઃખી બીધેલા – ગભરાયેલા છીએ કે સત્ય અને અધ્યાત્મના માર્ગે હોઈએ છતાં ભય અને દ્વિધામાં જે કંઈ પ્રાપ્તિ થાય છે એને પણ ઓળખી શકતા નથી. એક આરબ વેપારી ભલો અને ફકીર જેવો પવિત્ર સ્વભાવનો હતો. તેના સાથીદારો પણ તેને પૂજ્ય માનતા અને અનુસરતા. એકવાર એ આરબનો કાફલો રણમાંથી પસાર થતો હતો. રેતના તોફાન અને તપતો તડકો હતાં. રાત્રે જ મુસાફરી કરતા, દિવસે તેઓ તંબુઓ બાંધી આરામ કરતા.

એક રાત્રે મઝાર પાસેથી પસાર થતા હતા ત્યાં ગેબી અવાજ આવ્યો : ‘થોભો.’ કાફલો અટક્યો. બીજો આદેશ આવ્યો, ઝૂકો, બધા વાંકા વળ્યા. ત્રીજો આદેશ આવ્યો, તમારા પગ પાસે પડેલા કાંકરા ઉપાડી લ્યો. બધાએ નામ પૂરતા બે-ત્રણ કાંકરા ઉપાડી લીધા અને કાફલો સવાર સુધી ચાલ્યો. શહેર નજીક આવ્યા. કોઈએ ઉપાડેલા પથ્થર જોયા. એ પથ્થર ન હતા, ચમકતા પાસાદાર હીરા હતા. દુઃખમાં બીધેલા હવે અફસોસ કરવા લાગ્યા કે આપણને હીરા મળ્યા પણ વધારે વીણી ન શક્યા !!

[5] ઘણીવાર અતિવિનય-વિવેક પણ મર્યાદા ઓળંગે ત્યારે હાંસીને પાત્ર થાય છે. બધું વિવેકપુરઃસર મર્યાદામાં જ હોવું જોઈએ. એક શેઠને ત્યાં ત્રણ પુત્રવધૂ હતી. શેઠને રસોડે અવાર-નવાર ત્રણ-ચાર વેપારી-મહાજન જમવા આવતા. શેઠ પુત્રવધૂઓને ખુશ રાખવા ક્યારેક કોઈની રસોઈના, ક્યારેક કોઈની ચોખ્ખાઈના, ક્યારેક કોઈની લાજ-મર્યાદા-વિવેકનાં વખાણ કરતા. એમાં મોટી વહુ જરા બુદ્ધિમાં ચડિયાતાં મીઠાંવાળી હતી. પણ શેઠનાં વખાણની રાહ જોવામાં દરરોજ પીરસતી વખતે આડી ઊતરતી. શેઠે આગલે દિવસે નાની વહુ કપાળ સુધી લાજ કાઢી પીરસતી હતી તેથી તેની લાજ-મર્યાદાનાં વખાણ મહેમાનો પાસે કર્યા હતા. બીજે દિવસે મોટીને થયું આજે મારાં વખાણ કરાવું. હવે વહુએ જૂની સિલાઈના કસવાળાં પોલકાં પહેર્યા હતાં જેમાં પીઠનો ભાગ વધારે પડતો ખુલ્લો રહે છતાં સાડીની લાજ કાઢીને એવડી મોટી લાજ કાઢી જે છેડો છેક છાતી સુધી ખેંચ્યો. એને મનમાં એમ કે શેઠ મોટી લાજના વધારે વખાણ કરે ! પણ પરિણામે પીઠ સાવ ખુલ્લી થઈ ગઈ હતી. શેઠે વહુને પીરસવા વાંકી વળી એટલે ધીમેથી કહ્યું :

મોટા ઘરની દીકરી, મોટી તારી લાજ !
વધારાની રહેવા દે, છે એટલી રાખ !

વહુ સમજી ગઈ અને બીજીવાર પીરસવા જ ન આવી.

[6] જ્ઞાન તો પુસ્તકોમાં પુષ્કળ ભર્યું છે. ગોખી ગોખી ટકા લઈ આવનારા વ્યવહારમાં નિષ્ફળ જાય કારણ કે તેમને જ્ઞાનનો વ્યવહારુ સદઉપયોગ સમજાયો નથી. ભગવાન ચરકે આયુર્વેદનાં ઘણાં પુસ્તકો લખ્યાં. આયુર્વેદ નામનો ગ્રંથ લખ્યા પછી એમને પોતાનો શ્રમ સફળ થયો છે કે નહીં તે જાણવાની ઈચ્છા થઈ. એક ઔષધાલયમાં ચાર-પાંચ વૈદો લોકોની સારવાર કરતા હતા. તેની પાસે તેઓ દર્દી તરીકે ગયા. તેમણે પૂછ્યું કે મારે જિંદગીભર તંદુરસ્ત રહેવું હોય તો શું કરવું જોઈએ ?’ એક વૈદ કહે કે નિયમિત ચ્યવનપ્રાસ ખાવ. બીજો વૈદ કહે કે ચંદ્રપ્રભાવટી લ્યો. ત્રીજો કહે કે બંગભસ્મ નિયમિત ખાવી જોઈએ. ચોથો કંઈ ન બોલ્યો. ચરકને તેના પ્રત્યે શ્રદ્ધા જાગી. તેમણે પૂછ્યું, ‘વૈદરાજ, તમે કેમ કંઈ બોલ્યા નહીં ? હજુ ઔષધો તમારા સુધી પહોંચ્યા નથી કે શું ?’
ચોથો વૈદ્ય કહે, ‘દવા ખાવાથી નીરોગી ન રહેવાય પણ એવી રીતે ખાવું જે શરીરને પથ્ય અને પાચ્ય હોય. ભૂખ લાગે ત્યારે જ ખાવું અને જરૂરિયાતથી ઓછું ખાવું…એમ ચરકસંહિતામાં કહેલું છે.’ વૈદનો જવાબ સાંભળીને ચરક ખુશ થયા.

[7] લેખક-કવિ સંવેદનશીલ હોય છે. એમનામાં ‘સાહેબપણું’ નથી હોતું. એ નાના માણસને પણ આત્મજન સમજી યથાયોગ્ય માન-સન્માન આપે છે. ગાંધીયુગના સાહિત્યકાર શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ જૂના જમાનાના કલેકટર પણ હતા. નિવૃત્તિ પછી ક્યાંક સાહિત્ય પરિષદમાં જવાનું થયું. એ જિલ્લામાં પોતે કલેકટર તરીકે ફરજ પણ બજાવી હતી. સ્વાભાવિક રીતે જ જૂની કચેરીની મુલાકાતે ગયા. કલેકટરની ચેમ્બર બહાર બેઠેલા ચપરાશીને પૂછ્યું : ‘અહીં, તમારી જગ્યાએ પહેલાં શંકરભાઈ હતા એ ક્યાં છે ?’ ર.વ. દેસાઈએ એના ઘરનું સરનામું મેળવી લીધું અને શંકરને ઘેર મળવા ગયા. શંકર ચપરાશી ગદગદ થઈ કહેવા લાગ્યો કે મેં જાણ્યું હતું કે આપ પરિષદના પ્રમુખ તરીકે પધારવાના છો ત્યારે આપને મળવાની ઈચ્છા થઈ હતી, પણ તબિયતની લાચારી હતી. સાહિત્યકાર દેસાઈ બોલ્યા : ‘પણ મારી તબિયત તો બરાબર હતી, એથી હું તમને મળવા અને તબિયતની પૃચ્છા કરવા આવ્યો છું…..’ અને જતાં જતાં એક કવર પણ આપતા ગયા, જેમાં ફૂલપાંખડી જેવી આર્થિક સહાય પણ હતી.

[કુલ પાન : 356 (મોટી સાઈઝ). કિંમત રૂ. 350. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22139253. ઈ-મેઈલ : info@navbharatonline.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બાકીનો માણસ – નાનાભાઈ હ. જેબલિયા
તૂ કહાઁ યે બતા…. – શરીફા વીજળીવાળા Next »   

3 પ્રતિભાવો : સુપ્રભાતમ્ – સુરેશ પ્રા. ભટ્ટ

  1. સુંદર વાતો…”‘દવા ખાવાથી નીરોગી ન રહેવાય પણ એવી રીતે ખાવું જે શરીરને પથ્ય અને પાચ્ય હોય. ભૂખ લાગે ત્યારે જ ખાવું અને જરૂરિયાતથી ઓછું ખાવું”….આવું જ એક વાક્ય મારા પાઠ્યપુસ્તકમાં આવતું હતું …”દરરોજે ભૂખ કરતાં એક કોળિયો ઓછું ખાવુ”….!

  2. Chintan says:

    ખુબ સરસ વાત રજૂ થઈ છે. નાની નાની વાતોનુ જીવનમાં ઘણુ મહત્વ હોય છે તે આ લેખ પરથી સમજાય છે.
    લેખક તેમજ મૃગેશભાઈનો ખુબ આભાર.

  3. ઈન્દ્રેશ વદન says:

    Good stuff.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.