તૂ કહાઁ યે બતા…. – શરીફા વીજળીવાળા
[‘જનકલ્યાણ’માંથી સાભાર.]
આ દુનિયામાં મને સૌથી ગરીબ, સૌથી અભાગી કોણ લાગે ? જેની જિંદગીમાં સમ ખાવા પૂરતો એકાદો સાચુકલો મિત્ર પણ ન હોય તે…. હું સાચુકલો મિત્ર કોને કહું ? મારા માટે મિત્રની જાતિ (સ્ત્રી/પુરુષ), ધર્મ કે મોભો મહત્વનો નથી. જ્યાં કોઈ જ અપેક્ષા વગરનો, ઈર્ષ્યા કે ફરિયાદ વગરનો સંબંધ હોય, જ્યાં પરસ્પર સંપૂર્ણ વિશ્વાસ હોય તેવા સંબંધને હું દોસ્તી કહું. જેની સાથે તમે બધું જ વહેંચી શકો, જ્યાં પરસ્પર વચ્ચે કોઈ પરદો જ ન હોય તેવો પારદર્શક સંબંધ એટલે મૈત્રી. જે તમારા દુઃખે દુઃખી અને તમારા સુખે સુખી થઈ શકે, જેની પ્રાથમિકતા માત્ર તમે હો તે ખરો મિત્ર… ને આવા સાચુકલા, સો ટચના સોના જેવા મિત્રો મેળવવા બાબતે કોઈને પણ ઈર્ષ્યા આવી શકે એટલી હું ભાગ્યશાળી છું. મને પણ મારા આવા નસીબ બાબતે નવાઈ લાગે. ઘડીકની વારમાં ભડકો થઈ જાય એવો સ્વભાવ ને તોય મને આટલી હદે ચાહનારા મિત્રો કઈ રીતે મળ્યા ? આ મિત્રોનો અઢળક પ્રેમ જોઈને ગયા ભવની લેણદેણવાળી વાત પર વિશ્વાસ મૂકવાનું મને મન થાય; નહિતર ભલા કઈ રીતે કો’ક પંદરમે, કો’ક પચીસમે તો કો’ક છેક ચાળીસમે વર્ષે આવીને ઊભાં રહ્યાં અને જોતજોતામાં મારી જિંદગીનો અનિવાર્ય અંશ બની ગયા ! મારા માથે શીળી છાંય જોઈને ઝળૂંબનારા મિત્રોની આજે મારે વાત નથી કરવી. આજે તો એ દોસ્તની વાત કરવી છે, જે મને હાથતાળી દઈને કાળગંગાને પેલે પાર જઈને બેઠી છે…..
1981 થી 1992 હું વડોદરા યુનિવર્સિટીની જાણીતી હોસ્ટેલ હંસા મહેતા હૉલના રૂમ નં.4માં રહેતી હતી. મોટા ભાગે વિદ્યાર્થીનીઓ 3,5, કે 6 વર્ષે ભણીને ઘરે જાય, પણ મારી બાબતે એવું ના બન્યું. ત્રણ ત્રણ વોર્ડન બદલાયા તોય આપણા રામનો અડ્ડો નંબર 4 જ રહ્યો, કારણ કે બી.ફાર્મ પૂરું કરી તરત જ નોકરી મળી ગયેલી. વડોદરામાં તો સાત પેઢીએ કોઈ સગું ના મળે. ને હોસ્ટેલમાં રહેવા માટે કંઈક ભણવું પડે. એટલે મેં બી.એ. શરૂ કરેલું. પછી તો મને આર્ટ્સમાં એવા જલસા પડી ગયા કે ગાડી છેક પી.એચ.ડી. સુધી ચાલી. એક જ રૂમમાં સાડા અગિયાર વર્ષ રહી. સ્વાભાવિક છે કે હોસ્ટેલમાં મારી આણ પ્રવર્તતી જ હોય. એક તો કોઈ પણ માદું પડે તો મારું દવાનું જ્ઞાન વહારે ચડે…. કોઈના લડાઈ-ઝઘડા, હોસ્ટેલનું ટીવી બગડે, કંઈ દાદ-ફરિયાદ – આ બધામાં હું મોખરે રહેતી. કોઈની પણ મુશ્કેલીમાં ખભો ધરવાની ટેવને કારણે મારા એક અવાજે સાડી ત્રણસો છોકરીઓ બેઠી થઈ જવા ટેવાયેલી હતી, પણ આ જ કારણે મારે ને વોર્ડનને બારમો ચંદ્રમા રહેતો…. હું હોસ્ટેલ બાબતે કંઈ પણ રજૂઆત કરું, સુધારા સૂચવું તો એમને હંમેશાં પોતાની સામેનું ષડયંત્ર જ લાગતું.
રૂમની ચોખ્ખાઈ બાબતે, વ્યવસ્થા બાબતે હું અતિશય ચીકણી…. ને મારી રૂમપાર્ટનર આ બાબતે સામા છેડાની… 1987થી મારી સાથે રહેતી રીટાએ ‘ધૂળમાં પગલાં દેખાય તોપણ મને વાંધો નથી, પણ હું કચરા-પોતાં નહીં કરું’ એવું મને મોઢા પર જ કહી દીધેલું. ઈજનેરી કૉલેજમાં ભણતી રીટાની પથારી, એની વસ્તુઓ એવી તો વેરવિખેર હોય કે હું ગળે આવી ગયેલી. મને અતિશય પ્રેમ કરનારી આ છોકરી મારી તમામ ધમકીઓને ઘોળીને પી ગયેલી…. હું ગમે તેટલી ગરમ થાઉં… એની પ્રતિક્રિયામાં એ બસ હસ્યે જાય.. હું હસી પડું ત્યાં સુધી એ હસે ને પછી બધું બડાબૂટ મૂકીને નીકળી જાય…. એના આ રોજિંદા ક્રમથી થાકીને મેં વોર્ડનને સ્પષ્ટ સૂચના આપી હતી (વિનંતીની ટેવ તો એ જમાનામાં હતી જ નહીં) કે મને ધોળે ધરમે પણ ત્રીજી પાર્ટનર ઈજનેરી કૉલેજની ના ખપે, પણ વોર્ડન બાપડાં મારા પરનો ગુસ્સો બીજી કોઈ રીતે કાઢી શકે એમ નો’તાં એટલે….
એક સાંજે હું નોકરી પરથી થાકીપાકી આવીને લાંબી થયેલી. હજી તો ઝોકે ચડી જ હતી ને બારણું જોરથી ઠોકાયું. પરાણે ઊભાં થઈને મેં બારણું ખોલ્યું. સામે નીલરંગી આંખવાળી, ગોરી, પાંચ-હાથ પૂરી, જોતાવેંત પ્રેમમાં પડી જવાય એવી મોહક, રૂપાળી છોકરી ઊભી હતી. ‘મારું નામ બિનીતા છે. સુરતથી આવું છું. મને તમારા રૂમમાં રહેવા કહ્યું છે.’
‘શામાં ભણે છે ?’
‘ઈજનેરી કૉલેજમાં એમ.ઈ. કરવા આવી છું.’
મારો મિજાજ ગયો. ‘મેં ઘસીને ના પાડી છે કે મને ઈજનેરી કોલેજની કોઈ છોકરી ના જોઈએ તોય….’ હું આગળ કશું બોલું એ પહેલાં તો એ નીલી આંખોમાં પાણી તગતગી ઊઠ્યું અને એ પાછા પગલે ચાલી ગઈ. પાંચ-સાત મિનિટમાં પાછી આવી ત્યારે એનાં મમ્મી એની સાથે હતાં.
‘અમને તો આ જ રૂમમાં રહેવા કહ્યું છે.’
‘તો રહો, ના કોણ પાડે છે ?’ મારું મગજ હજીયે ફાટેલું જ હતું.
બિનીતાનાં મમ્મીએ એકદમ નરમાશથી પૂછ્યું : ‘કોઈ માણસ મળશે, જે ગાડીમાંથી સામાન લાવી આપે ?’
‘એટલી બધી સાહ્યબી હોય તો હોસ્ટેલને બદલે હોટલમાં જ રાખો ને ?’ ગુસ્સો હતો વોર્ડન પર, પણ નીકળી રહ્યો હતો આ અજાણી, રૂપકડી છોકરી પર. કંઈ પણ બોલ્યા વગર બેઉ મા-દીકરી બહાર નીકળી ગયાં ને ધીમે ધીમે સામાન રૂમ સુધી પહોંચાડ્યો. બેઉની આંખ રડું રડું થાય. બિનીતાને મૂકીને જતાં એનાં મમ્મીને તો દીકરીને જમના હાથમાં સોંપ્યાં જેવું જ લાગ્યું હશે ને ?
જેમતેમ ગાદલું પાથરીને ઉપર નિમાણા મોઢે બેઠેલી એ છોકરી પર આપોઆપ વહાલ ઊપજે એવું અનુપમ રૂપ ભગવાને એને આપ્યું હતું, પણ મારો ગુસ્સો કદાચ હજીય નો’તો ઊતર્યો. આમ તો હું નવા આવનારાઓની સૌથી મોટી મદદગાર. મારી લોબીની એક પણ છોકરીનું નામ લેવાની કોઈ હિંમત ના કરે. રેગિંગથી ડરનારા મારી ઓથમાં ભરાય… ને તો પછી મેં બિનીતાની આવી અવદશા કેમ કરી હશે એનો જવાબ તો મને કદી નથી મળ્યો…. પણ કરી હતી એ વાત ચોક્કસ.
બિનીતા આવી એ દિવસે મારો જન્મદિવસ હતો. રાતે બાર વાગ્યે હોસ્ટેલના રીતરિવાજ પ્રમાણે આસપાસની રૂમોવાળાં ભેળાં થયાં. હા…હા..હી…હી… ચાલ્યું. કંઈ પણ બોલ્યા-ચાલ્યા વગર ખાટલાના એક ખૂણે બેઠેલી આ છોકરીને જોઈને મારા મનમાં પસ્તાવો તો ક્યારનોય શરૂ થઈ ચૂકેલો. છેલ્લા પાંચેક કલાકથી હું એની ઢબ-છબ જોતી હતી. ચોખ્ખાઈ બાબતે એ મારા જેવી જ હોય એવું લાગ્યું. મેં મન મનાવ્યું. ‘ચાલ જીવ આમેય રીટાને તો કોઈ ફરક પડવાનો નથી. તું પણ નભાવી લે….’ રીટા-બિનીતા એક જ ગામ ને એક જ નિશાળનાં… ને રીટાએ જ એને અમારા રૂમમાં આગોતરું નોતરું પાઠવેલું !! એ તો એણે મને ખાસ્સું મોડું કહેલું. સવાર પડ્યે શક્ય તેટલું બિનીતાને બતાવી, સમજાવી હું તો નોકરી પર નીકળી ગઈ. સાંજે આવીને ટેવ પ્રમાણે જરાક લાંબી થઈ. હજી ઊંઘ નો’તી આવી ત્યાં બિનીતા કૉલેજથી આવી. મારી ઊંઘ ન તૂટે એમ હળવેકથી એણે બારણું ઉઘાડ્યું ને શાંતિથી ખાટલામાં બેસી ગઈ. વાવાઝોડાની જેમ આવતી રીટાથી આ તદ્દન નવો જ અનુભવ હતો. એકાદ કલાકે હું ઊઠી ન જાઉં એની કાળજી લેતી હતી ? એવો પ્રશ્ન એની નીલરંગી ભોળી આંખોમાં ઓગળી ગયો. જરાક તંદ્રામાં સરી ગયેલા એ નમણા ચહેરા સામે મેં જરાક ધ્યાનથી જોયું. ઉપરવાળો જ્યારે નવરો હશે ત્યારે એને ઘડી હશે. જેમ જેમ સાથે રહેતાં થયાં એમ એમ ખબર પડતી ગઈ કે એ જેટલી રૂપાળી હતી એટલી જ હોશિયાર પણ હતી. બીજાને ગમે તે રીતે વર્તવું, બીજાની કાળજી લેવી એ એની મૂળભૂત પ્રકૃતિ હતી. મારાથી પાક્કાં ચાર વર્ષ નાની હતી તે છતાં કેટલીયે વાર મારી દાદી હોય એમ વર્તતી. પ્રથમ દિવસની સાંજે મેસમાં જોડે જમ્યાં એ પછીની દરેક સાંજે, બે વર્ષ સુધી અમે સાથે જ જમ્યાં. મને મોડું થાય તો એ મારી રાહ જોઈને બેસી રહે. ન તો મેસમાં એકલી જાય, ન કદી બહારથી જમીને આવે. પૈસા તો એની પાસે પણ રીટાની જેમ પાર વગરના. ધારત તો એ રીટાની જેમ રોજ હોટલમાં ખાઈને આવી શકત, પણ એણે કદી એવું કર્યું નહીં. એને મારી આર્થિક પરિસ્થિતિ વિશે ખબર પડી ગયેલી. કપડાંને બાદ કરતાં એ લગભગ મારા જેવી જ રહેણીકરણીથી જીવવા મથતી. જે શનિ-રવિ એનાં મમ્મી-પપ્પા ન આવે એ સાંજે અમે રૂમમાં જ શાક-ખીચડી બનાવીને ખાઈ લેતાં. મારાં ખિસ્સા અને મારી ખુદ્દારી બેઉનો એને અંદાજ હતો એટલે મારા ઝમીરને ઠેસ પહોંચાડવાને બદલે એ જ મારા ઢાળામાં ઢળતી ગઈ. એકાદ મહિનામાં તો અમારી દોસ્તી એવી પાક્કી થઈ ગઈ કે જોનારને એવું લાગે કે કદાચ અમે બે-ત્રણ ભવથી તો સાથે રહેતાં જ હોઈશું. જે ઝડપે બિનીતા મારી નજીક આવી એટલી ઝડપે મારે કોઈ સાથે દોસ્તી નથી થઈ. જોકે જે ઝડપે એ છોડી ગઈ એવું પણ કોઈ મિત્રે નથી કર્યું !
સુખી-સમૃદ્ધ મા-બાપનું એકનું એક સંતાન… એટલે ઘરે કદી એક સળીના બે ટુકડા એણે કરેલા નો’તા. પણ મેં રૂમ સાફ કરવાના વારા રાખેલા…. બિનીતા એના ભાગે આવતા દિવસે કચરા-પોતાં કરતી….. ‘રીટા કેમ નથી કરતી ?’ એવું પૂછ્યા વગર કરતી…. કડક બજાર જઈને જરૂરી ચીજવસ્તુઓ લઈ આવવાની ને રાંધવામાં મારા કરતાં એનો હાથ વધુ સારો હતો… હોટ પ્લેટ પર પાક્કા બે મહિના એણે વહેલા ઊઠીને મને શાક-રોટલી બનાવી આપેલાં. એ યાદ કરું ત્યારે જાત પ્રશ્ન કરે…. મેં તો એને એવું કશું આપી નો’તું દીધું, સિવાય કાળજી, પ્રેમ…. આ છોકરી મારા પર આટલી કાં વરસે ? 1989માં ત્રણ મહિનાના અંતરે મેં બે વાર પગ ભાંગ્યો. ત્યારે આ છોકરી ખભાના ટેકે મને બાથરૂમ સુધી દોરી જતી એ તો સમજ્યા, પણ મને કામવાળીનાં ધોયેલાં કપડાં ના ગમતાં એટલે મારાં તમામ કપડાં પણ એણે અને કૃતિકાએ વારાફરતી ધોયેલાં !! આવી ત્યારે બિનીતા બહુ ભીરુ અને શાંત હતી, પણ અમારી ટોળકીમાં ભળ્યા પછી લૉબીમાં સંભળાય એવું હસતી થઈ ગયેલી. વાંચવું, વાતો કરવી અને ફેફસાં ફાટી જાય એવું હસવું એ આમ પણ મારા રૂમની ઓળખ હતી. ભણવા સિવાયનું નહીં વાંચનારી બિનીતા મારા ને રીટાના રવાડે ચડીને નવલકથાઓ વાંચતી થઈ એથી એનાં મમ્મી પહેલી વાર મારા પર ખુશ થયેલાં.
રીટા-બિનીતા બેઉને મારા પ્રત્યે અતિશય પ્રેમ અને આદર પણ એટલો જ.. બેઉની પારદર્શક આંખોમાં જોઈ શકાય એવો…. પણ રોજ રાતે બેઉ ભેળાં થાય ત્યારે એ બેઉને મારા ટાંટિયા ખેંચવામાં બહુ જલસા પડે. મારા જેવી ગામડિયણને એમની મહેનતથી શહેરી પાસ લાગ્યો હતો એવો એમનો દાવો. જોકે બિનીતાનો દાવો અમુક અંશે સાચો, પણ ટહુકે રીટા : ‘જો ભવિષ્યમાં મહાન બનો તો એમાં અમારો ફાળો ભૂલી ના જશો. તમે જે કંઈ બનશો તે અમારા કારણે…. એટલે યાદ રાખજો તમારી આત્મકથામાં એક આખું પ્રકરણ અમારા નામે હોવું જોઈએ. અને ચોપડી લખો તો અમને અર્પણ કરવાની. ત્યારે તો મને સપનેય કલ્પના નો’તી કે હું કદી લખતી થઈશ કે ચોપડી છપાવીશ, પણ જ્યારે ખરેખર જ ચોપડી છપાઈ, અને મેં બિનીતાને અર્પણ કરી ત્યારે એ એનું નામ વાંચવા રોકાઈ નહીં એની કારમી પીડા હું કોને કહું ?
મૂળભૂત રીતે એ બેઉ એટલી તો સુંદર હતી કે કોલેજના છોકરા બેઉની આગળપાછળ સજદા કરે. રાત પડે ને બેઉ અરસપરસના અનુભવો વહેંચે ને ખડખડાટ હસતી જાય. રોજ રાત પડે ને એ બેઉના પંડ્યમાં શેખચલ્લી પ્રવેશે. સપનાંઓના મહેલ ચણાતા જાય અને ખિખિયાટા વધતા જાય. હોસ્ટેલની રૂમોમાં ડ્રોઈંગરૂમ, બેડરૂમથી માંડીને એમનાં સપનાં મેસમાં ચાઈનીઝ, પંજાબી, ઈટાલિયન મેનૂ પાસે વિરામ લે….. ક્યારેક એમાં ભવિષ્યની જિંદગીનાં સપનાંનો તાર પણ ગૂંથાઈ જાય… મારી પાસે એ બેઉ જેટલો વખત મળે નહીં. દિવસે એનજીઓની કમરતોડ નોકરી અને રાત્રે એમ.એ. માટે વાંચવાનું, પણ આ બેઉની રાત રોજ રંગીન જ… એકાદ ઊંઘ ખેંચીને અગિયાર-સાડા અગિયારે ઊઠી જાય…. ને પછી રાજાપાઠમાં આવે….. આજુબાજુવાળા જાગતા હોય તો એમનેય બોલાવે. પછી તો હુંય એમાં ભળું. દુનિયાભરની ફિલસૂફી ફાડીએ. ફિલ્મો, રાજકારણ અને સાહિત્ય એ ત્રણ અમારા રસના વિષયો…. ચર્ચાઓ ગંભીર રંગ પણ પકડે….. મુનશીની ચૌલા ચડે કે ધૂમકેતુની ? ‘દીપનિર્વાણ’ ચડે કે ‘સોક્રેટિસ’. ‘અમૃતા’ અમારી પ્રિય નવલકથા, પણ અનિકેત, ઉદયન માટે લડાઈઓ…. સાહિત્યની ચર્ચાઓ દરમિયાન રીટા બહુ ગાજે, પણ બિનીતા શાંત થઈ જાય. અથવા વાતનો વિષય બદલવા પેરવી કરે…. કદાચ આમ શાંત બેસી રહેવું નો’તું ગમતું એટલે જ એ વાંચતી થઈ. મને યાદ નથી કે અમારી ચર્ચાઓનો સ્તર કદી પણ છીછરો થયો હોય….. ફિલ્મોની ચર્ચાઓમાં બધા બોલે ને કોઈ ન સાંભળે એવો ઘાટ થતો’તો. અમને ત્યારે એવું લાગતું કે અમે જો આટલી ગંભીરતાથી દુનિયા વિશે નહીં વિચારીએ તો દુનિયાનું શું થશે ?! પણ આ ચર્ચાઓએ ખરેખર અમારી દલીલશક્તિને ધાર કાઢી આપેલી, પોતાની વાત બધા વચ્ચે મૂકવાની આવડત આપેલી અને જે ન જાણતા હોઈએ તે જાણવાની વૃત્તિ જગાડેલી. ક્યારેક એવું બને કે મારે વધુ કામ હોય, આસપાસમાંથી પણ કોઈ ન આવ્યું હોય તો આ બેઉ નિર્દોષ ચહેરે આંખ મીંચીને સૂઈ જાય ને ગાળો ને ગમ ખાવાનું મારા ભાગે આવે. જેવા પેલા બારણું બંધ કરીને જાય કે તરત જ આંખો નચાવતાં બેઉ ઊઠે ને માંડે ખિખિયાટવા… રીટાએ શાંત બિનીતાને સાવ જ બદલી નાખેલી. એ તોફાની બાળક જેવી થઈ જતી.
કદાચ 1988 થી 1992ના દિવસો મારી જિંદગીના સૌથી મજાના દિવસો હતા. નોકરી પછી સાંજ રાજેશ-સમીર સાથે અને રાત રીટા-બિનીતાના ખિખિયાટા સંગાથે. રીટાએ તો કોલેજના પ્રથમ વર્ષમાં જ જીવનસાથી શોધી કાઢેલો. એટલે હોસ્ટેલનાં બારણાં બંધ થવાના સમયે જ એ અંદર આવતી, પણ બિનીતાની ભણવા સિવાયની દરેક પળ મારી સાથે જ જતી. કેટલું રખડ્યાં સાથે ? કમાટીબાગની નિયમિત સેરથી લઈને ભાવનગર-મહુવાના પ્રવાસ સુધી…. મને નવાઈ પણ લાગતી કે કેમ આ છોકરી મને આમ વધુ ને વધુ વીંટળાતી ફરે છે ? કેમ જરાક વાર શનિ-રવિ પણ કેમ અળગી જ નથી થતી ? પણ ત્યારે મને ક્યાં ખબર હતી કે એ થોડાંક વર્ષોમાં લાંબો હિસાબ પતાવવાની વેતરણમાં હતી !!
બિનીતા એનાં મા-બાપની જિંદગીનું કેન્દ્રસ્થાન હતી. શનિ-રવિ મોટા ભાગે એ લોકો મળવા આવે. કોઈ મોંઘીદાટ હોટલમાં ઊતરે, પણ એ ભાગ્યે જ એકલી જાય જમવા કે રહેવા…… જ્યાં જાય ત્યાં મને સાથે લેતી જાય. મને જરાય માઠું ન લાગે એટલી સહજતાથી એ મને હોટલની રીતભાત શીખવે. મારા મિજાજ્ને સાચવીને એણે મને જરાક શહેરી પાસ આપ્યો. જોકે એનો જશ કાયમ રીટા જ લેતી હતી એ પાછી અલગ વાત છે ! બિનીતાને પાક્કી ખબર હતી કે મારું કઈ કઈ વાત પર છટકી શકે. જોકે નવાઈની વાત તો એ છે કે પ્રથમ મુલાકાતને બાદ કરતાં હું પછીથી ભાગ્યે જ કદી બિનીતા પર ગુસ્સે થઈ હોઈશ ! પ્રથમ દિવસનો પસ્તાવો કદાચ બહુ લાં….બો ચાલેલો.
આ છોકરીએ મને પ્રેમ કરતાં શીખવ્યું….. જેને ચાહીએ એનું બધું જ માફ. એની સામે કોઈ ફરિયાદ જ ન હોય એ પણ એણે વગર કહ્યે શીખવ્યું…. મને એની અતિશય લાગણીની બીક લાગતી…. હવે આના વગર રહેવાનું થશે તો કેમની રહીશ એવી બીક લાગતી….. ને 1990માં એને ભણવાનું પૂરું થયું… હોસ્ટેલ છોડતી વખતે સ્વસ્થપણે સામાન બંધાવતી બિનીતા ખરેખર જવાની ઘડી આવી ત્યારે સ્વસ્થ ના રહી શકી. હું તો આગલા દિવસથી રડતી હતી. આમેય મેં 10 વર્ષમાં કેટલા બિસ્તરા બાંધ્યા હતા ને કેટલાની પાછળ આંખ નિતારી હતી. પણ બિનીતાનું જવું મારાથી નો’તું વેઠાતું… એની મમ્મીને નવાઈ લાગે કે આ છોકરીને હોસ્ટેલ કરડવા દોડતી હતી અને હવે એને હોસ્ટેલ છોડતાં રડવું આવતું હતું ! બે જ વર્ષના સંબંધનો આ તે કેવો ચમત્કાર ? પણ કદાચ કુદરતને અમારું આમ છૂટાં પડવું મંજૂર નો’તું. એ 1990માં ગઈ પછી છ મહિને રીટા પણ ગઈ. ને હું પાછળ 1991માં સુરત પહોંચી. એમ.ટી.બી. આર્ટ્સ કોલેજના ઈન્ટરવ્યૂથી માંડીને સ્ટેશનથી સામાન સાથે મને હોસ્ટેલમાં થાળે પાડવા સુધી બિનીતા સતત દોડતી રહી. નાની-મોટી ચીજવસ્તુઓ ખરીદવાથી લઈને બેંકમાં ખાતાં ખોલાવવા જેવાં બધાં કામમાં એ પડછાયાની જેમ સાથે ને સાથે ભમી. સાવ અજાણ્યું શહેર…. ને ખાવા દોડે એવી હોસ્ટેલ…. સાંજ તો એવી અડવી ને અણોહરી લાગે કે વાત ના પૂછો…. પણ મારી એ બધી વેરાન સાંજને બિનીતાએ સભર કરી દીધેલ. એ યુનિવર્સિટીમાં નોકરી કરે… ત્યાંથી છૂટીને પાંચેક વાગતાંમાં મારે ત્યાં પહોંચી જાય. કાં તો હું રાંધું ને અમે ખાઈએ અથવા એના બજાજ પર સવાર થઈ ભટકવા નીકળી પડીએ ને કશે બહાર જ ઝાપટી લઈએ. એ મને સુરતી ખાવાના ખજાનાનો, લારીઓનો પરિચય કરાવતી જાય. ગલીએ ગલીએ દેખાડતી જાય ને માત્ર ભજિયાં ખાવા છેક ડુમ્મસ સુધી પણ ખેંચી જાય. છેક સાત-સાડા સાતે ઘરે જવા નીકળે…. હું શરૂઆતના ગાળામાં સુરતમાં ટકી ગઈ એનો બધો યશ એકલી બિનીતાને ભાગે જાય.
આટલી હોશિયાર, રૂપાળી બિનીતાએ કદાચ એની વધારે પડતી ઊંચાઈને કારણે પરણવા માટે અમેરિકા રહેતો દેસાઈ પસંદ કર્યો. જોકે આમ પણ બધી રીતે સરળ એવી એ છોકરીઓમાં એનું અનાવિલપણું ક્યારેક ઝળકી જતું. ખબર નહીં કેમ, પણ એની સગાઈના દિવસે મારું હૈયું ધબકારો ચૂકી ગયેલું. મનના ઊંડાણમાંથી અવાજ આવેલો કે ‘હવે આ ગઈ !’ અમેરિકા જઈને એણે પી.એચ.ડી. શરૂ કર્યું. ત્યાંથી લાંબા…..લાંબા કાગળો લખે. જાતભાતના ફોટા મોકલે… લિસ્સા, સુંવાળા, કાળા વાળ કપાવીને ફોટો મોકલ્યો એ દા’ડે તો હું એના પર તમાચો મારવા જેટલી ગરમ થયેલી. કાગળોમાં હું તમાચા ઠાલવતી પણ ખરી. એના કાગળોમાં થોડીક વાતો વર્તમાન વિટંબણાઓની હોય અને ઝાઝી વાતો ભવિષ્યનાં સપનાંઓની. એ સુરતને ચોક્કસ યાદ કરતી, પણ અમેરિકામાં એ દુઃખી નો’તી. મને એના વગર જીવતાં નો’તું આવડતું, પણ શીખી ગયેલી. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વ્યક્તિ સાથે, ગમે તેવા સંજોગોમાં કઈ રીતે સુખેથી રહેવું એની જાણે કે એની પાસે ગુરુચાવી હતી !! એ પોતાના કામમાં, એમાં મળતી સફળતાઓમાં મસ્ત રહી શકતી. એને આટલી હદે ચાહી શકી ખરી, પણ હું એની આ ગુરુચાવી અપનાવી ના શકી. બિનીતા ગઈ પછી તરત જ રીટા પણ અમેરિકા ચાલી ગઈ. મારા માટે સુરતમાં નર્યો શૂન્યાવકાશ જ બચ્યો. આ બેઉ મળવાના વાયદા કરતી આવે ત્યારે અલપઝલપ મળી પણ લેતી…. 1995માં બિનીતાની મમ્મી અમેરિકા મળવા ગયાં ત્યારે એ મમ્મીને લઈને રીટાને ત્યાં ગયેલી…. પાછા વળતી વખતે એક ગોઝારો કાર અકસ્માત અને…. અને છેલ્લે જોનાર રીટા કહે છે કે એના શરીર પર નાનોસરખો ઉઝરડો પણ નો’તો થયો…. માત્ર કરોડરજ્જુમાં ઈજા થઈ અને હસતી હસતી જ એ જતી રહી……
29 ડિસેમ્બર, 1995નો એ ગોઝારો દિવસ મારા માટે કારમા સમાચાર લઈને ઊગ્યો હતો. કેટલા બધા દિવસ સુધી હું એ સમાચારને સાચા નો’તી માની શકી. ક્યાંક, કો’કની ભૂલ થાય છે….. આમ થોડું કોઈ જતું રહે ? હજી તો પી.એચ.ડી.ની પદવી લેવી બાકી હતી. હજી તો સપનાંઓની લંગાર હતી ને ખાસ તો મને અમેરિકા ફેરવવી હતી ને…… પણ પંદર દા’ડા પછી પાછા ફરેલાં બિનીતાનાં મમ્મીની આંખોમાં જોયેલા સૂનકારે મને સમજાવી દીધું કે કાયમ બીજાનો વિચાર કરનારી આ છોકરી આ વખતે એવો વિચાર કરે એ પહેલાં જ જતી રહી હશે…. કાળે એને એવો વખત જ નહીં આપ્યો હોય; નહિતર એ આમ ના જતી રહે. એના ગયા પછી ત્રીજા કે ચોથા દા’ડે એનાં સપનાંઓની લાંબી કથા કહેતો એનો પત્ર મળ્યો ત્યારે મને ઈશ્વરના હોવા વિશે શંકા જાગેલી.
બિનીતા, એક વાત કહીશ કે તું આટલી જલદી, મારી આટલી નજીક કેમ આવી ગયેલી ? તને ખબર છે ખરી કે તારા જવાથી મારા વ્યક્તિત્વનો એક અંશ કાયમી ધોરણે મરી ગયો છે ? કોઈ સંજીવની એને નવું જીવન આપી શકે તેમ નથી. તું મારી જેટલી નજીક પહોંચી, જે તીવ્રતાથી મેં તને ચાહી એવું પછીથી કદાચ નથી થઈ શક્યું. જાણે કે મારી અંદરથી કશુંક ઠલવાઈ ગયું, જાણે કે તને ચાહ્યા પછી હું ખાલી થઈ ગઈ…. તને ખબર છે બિનીતા, તારા ગયા પછી હું કોઈ મિત્રને બહુ નજીક આવવા નથી દઈ શકતી ? મને ડર પેસી ગયો છે કે મારી નજીક આવનાર તારી જેમ જ….. ઘણી વાર મને એવું લાગે છે કે જો મેં તને આટલી તીવ્રતાથી ન ચાહી હોત તો તું આજેય હોત… આજે 12-13 વર્ષ પછી રીટા કાયમી ધોરણે સુરત પાછી આવી છે. ખાસ્સી ઠરેલ થઈ ગઈ છે. એનું મારા પ્રત્યેનું વળગણ પહેલાં કરતાં ખાસ્સું વધ્યું છે. તને યાદ કરીને, અમે હજીયે ખડખડાટ હસીએ છીએ….. પણ રીટા એક વાત જાણે પણ છે અને સમજે પણ છે કે તારી જગ્યા કાયમી ખાલી જ રહેવાની છે. વર્ષો પહેલાં પણ એ આ વાત જાણતી હતી, પણ ત્યારે એ મશ્કરી કરતી. આજે સજળ નયને સ્વીકારે છે એનો બીજો નંબર.
Print This Article
·
Save this article As PDF
ખૂબ હૃદયસ્પર્શી વાર્તા છે, હાલ હું મારી સખીથી સેંકડો યોજન
દૂર છું પણ આ વાર્તા વાંચતી વેળાએ મારી એ સખી મારી નજર
સામે જ હોય તેવું અનુભવ્યું અને આંખોમાં આંસુ આવી ગયાં
સાચ્ચે જ મિત્રો જ જીવન નંદનવન સમ બનાવે છે .
ખુબ જ સાચી વાત….
મારા જીવનમાં પણ કાયમ એમ જ બન્યું છે કે કોઇ વાવાઝોડાની જેમ આવે ને નજીકની મિત્ર બની જાય, પણ પછી સંજોગો વશાત બહુ દૂર ચાલ્યા જાય…કદાચ એ બહુ મોટું કારણ છે તેથી બહુ મિત્રો કે સંબંધો બનાવી શકી નથી….કારણકે નજીકનો સંબંધ બંધાયા પછી દૂર થઇ જાય એ ક્ષણ બહુ વસમી હોય છે.
I LIKED VERY MUCH.
true friendship is the best thing in life.i have always found that true friends always met during college time.friendship done after 30 yrs usually is friendship for profit or business purpose.
ભુતકાળ યાદ કરાવિ દિધો…સાચે જ દોસ્ત વગરનિ જિદગિ અધુરિ છે..મારા લગ્ન પછિ મને મારિ ફ્રેન્ડ જ જિવનમા ખુટતિ હોય તેવુ લગ્યા કરે છે..અત્યારે કોન્ટેક છે પણ પહેલાનિ જેમ સાથે રહિ શકાતુ નથિ.
સાચે જ ભુતકાલ યાદઆવિ ગયો… એ હોસ્તેલ … એ દોસ્તો… એ ચ્હા નિ ચુસકિ…. કદાચ હુ નસિબ વાલો છુ કે હજિ પન મારા મિત્રો ના સમ્પર્ક મા છુ….
આભાર્..
I think good friends are gods way of supporting us. God cannot be with everyone so he gave us privilage to have good friends. One has a special relationship with friend because one is free to choose his friends. This reminded me my college days. Me and my friends were inseperable and after 20 years we are still good friends.
શરીફાબેન્..!!!! સાચે જ આંખમાં ઝળઝળીયાં લાવી દીધાં… ખૂબ જ હ્રદયસ્પર્શી….
રુમ-મેટસ અને હોસ્ટેલ – પી..જીની વાતો જ્યારે જીવતા હોઇએ તો સ્વર્ગ લાગે, એટલી નજીકથી મિત્રતા બંધાઇ જાય કે એનું શબ્દોમાં વર્ણન લગભગ અશક્ય જ છે. અહીં અર્ણવી છે એવી મૈત્રી તો ખાલી અનુભવે જ સમજાય.
બિનીતા ક્યાંય જતી નથી રહી., એ તમારી અને રીટાની સાથે જ છે હંમેશા. અને હવે કદાચ એ અમારા બધાના ર્હ્યદયમાં પણ રહેશે.
Very Emotional and nicely written article.
Touchy and excellent.
સખીને શ્રધ્ધાંજલી સહિત હ્ર્દયસ્પર્શી લેખ ….આંખો ભીંજાઈ ગઈ.
very touching… flashback of my hostel life…
This story rememberd my colleg days very imotional .
Thank you.
Dear Sharifaben , Very touching story. I also used to live in H.M. Hall from 1985 to 1988. I still remember your face very well. Your room was near the dinning hall. I used to live in room no. 57 (first floor) All your stories always brings tears in my eyes. I have read your stories in Jankalyan and here too. Thanks again to remind the hostel life.
શરિફાબેન ,
ખુબજ સુંદર રિતે તમે તમારા મનનિ લાગણી ઓ ને ભાષા આપિ છે. મારિ નજર મા અત્યાર સૌથિ નો થિ સુંદર લેખ છે.
આખ મા પાણી લાવિ દે એવિ વાત..આ વાત સાચિ ના હોય તો સારુ?!!ઃ,
સાચે જ ,મિત્ર મળે તે નસિબદાર્ તો ખરા જ,.અને જિવનભર મિત્રતા રહે તે ખુબ લકિ.
મારિ પણ આવિ જ મિત્રતા મેડિકલ કોલેજમા સુરતનિ બેનપણિઓ સાથે યાદ આવે
.ભગવાનનો પાડ માનુ એટલો કે સમય અને દુરિ થિ એમા ઓટ કદિ નથી આવિ.
રિટા ઝવેરિ.
તમારી વાતમાં વહી જવાયું .. આંખ અને અંતર બન્ને ભીના થઈ ગયા. શરીફાબેન, નાની બિનીતા આજે પણ ક્યાંક મીઠડું હસતી હશે !
અતિ સુન્દર્..ભાવ થિ ભરપુર્..મિત્ર ને યાદ કર્યા
મને મારી બહેન યાદ આવી ગઈ, જે મારી મિત્ર પણ હતી…આવી જ રીતે તેના જવા થી હજુ પણ એ ખાલીપો
ભરાતો નાથી.
I’m speechless!!! મને મારી હોસ્ટેલ અને દોસ્તો ની યાદ આવી ગઇ….ખુબ જ હ્રદયસ્પર્શી લેખ!! સારા મિત્રો હોવા તે ખરેખર સદભાગ્ય ગણાય. કોઇ ભવ ની લેણ્-દેણ હોય તો જ આવા દોસ્ત મળે….
આ સુંદર લેખ માટે શરીફાબેન નો ખુબ આભાર!
Very true for almost all the persons who lived some time in hostel. Espicially when he/she is living first time in hostel after being separated from HOME.
Very emotional story.
Very nice touching story
Flashback from my collage days ,How me and my two true friends enjoy collage life .
Very emotional story
i m mising my hostel days as i m living since .. u made me cry 4 long…
sharifaji,Vibhajan ni vaartao na sundarlal ane Lajvanti haji pan bhulata nathi aapni kalam sasi pan akshir chhe Dhanyvaad.
શરિફા બહેનને સુંદર વાર્તા આપવા બદલ અભિનંદન.
બે પ્રસંગ કથાને સુસંગત અહીં રજુ કરવા માંગુ છું-
૧. મારી મમ્મી અને તેની બાળપણ ની સખી રમા(માસી)-
બેવ બહેનપનીઓ મુંબઈ ના માળા મા સાથે મોટી થઈ.બહેનપણા અતુટ સમય આવે બન્ને ના લગ્ન થયા. મારી મમ્મી ના પ્રેમવિવાહ જ્યારે માસી ના વડિલો એ ગોઠવેલા અને સાસરુ આસાનસોલ-વેસ્ટ બંગાળ.
માસી નમાયા, મા-બાપનો પ્રેમ મારા નાના-નાની આગળથી મળ્યો. તેમને એક ભાઈ પણ નહી જેવો કારણ પાક્કો દારુડીયો. મમ્મી ને તેઓ પોતાની સગ્ગી બહેનથી પણ વિસેષ ગણે. જ્યારે લગ્ન નહોતા થયા ત્યારે તેમના મકાનની સામે એક રેડિયો રિપરીંની દુકાનના માલિકના નાના ભાઈ એ માસી ને પ્રપોસ કર્યુ. માસી ઘરથી દુઃખી માટૅ તે સ્વિકારવા નુ નક્કી ક્રર્યુ કારણ બેવ ભ્રામણ. તમને મારી મમ્મી ને વાત કરી. મારી મમ્મી એ પ્રપોસલ સ્વિકારવાની ના કહી કારણ છોકરો કંઈ કમાતો નહીં અને પાન પટ્ટિ ખાઈ ને રખડ્યા કરતો. માસી એ મમ્મી ના કહ્યા પ્રમાણે કર્યુ. (પાછળથી છોકરા ને ખબર પડિ અને તેમને મારા ભોળા સગ્ગા માસી ને ભોળ્વ્યા અને મારા માસી એ તેમની જૉડે મારા નાનાની મરજી વિરુદ્ઘ લગ્ન કર્યા) પાછળથી રમામાસી ના લગ્ન આસાનસોલ રહેતા ક્નુમાસા જોડે થયા. માસી ખુબજ સુખી હતા. જોજનો દુર ગયા છતા પણ બેવ બહેનપણિ નો પ્રેમ ને સ્નેહ અતુટ હતો. અમે ૪ થી પ વાર તેમના ધરે આસાનસોલ જઈ આવ્યા છીએ અને તેમના બાળકો અને અમારા ભાઈ બહેનો વચ્ચે પણ સ્નેહ નો અતુટ સબધ છે. માસીના કાગળ નિયમીત આવતા. ઘણીવાર અમે અમારી મમ્મી ને સુનમુન બેઠેલી જોઈ સવાલ કરતા અને તે જવાબ આપતી કે કાલે તેને સરખિ ઉઘ ન આવી કારણ તેને સપના મા રમામાસી આવ્યા ને તેના મતે તેઓ કોઈ મુસિબતમા છે. તે જમાના મા ફોન કોમન ન હતા. થોડા દિવસ પછિ તેમનો કાગળ આવતો અને તેઓ લખતા કે તેઓ કોઈ મુસીબત મા હતા માટે વચ્ચે કાગળ લખવામા ઢિલ થઈ અને તેઓ જે કારણ લખતા તેજ કારણ મમ્મી ને સપના મા દેખાયુ રહેતુ ( આજના જમાના મા આપણે તેને ટલિપથી કહીયે છીએ). વરસોના વરસ વિતતા ગયા પણ સખીપણા અતુટ હતા. તેમની દિકરી ના લગ્ન મા અને ત્યાંથી તેના રિસેપ્સ્ન મા બનારસપણ ગયા. બનારસમા મારી મમ્મી તેમની રિપ્ર્સન્ટેટીવ તરીકે ગઈ કારણ માસીથી નિકળાય તેવુ નહતુ. ભગવાન ને તેમની મિત્રતા મંજુર નહી હોય માટે તેમને ગંભિર બિમારી આવી. તેમની બિમાર અવસ્થા મા મમ્મી તેમને જોવા તેમના ધરે ગઈ. તેમને ખાવાનુ લગભગ છોડિ દીધેલુ, પણ જે દિવસે મમ્મી ગઈ તે દિવસે મમ્મી જોડે લઈ ગઈ તે મેથીની ભાખરી અઢધી ખાધી. તેમના ધરના પણ સહુ હેરત પામ્યા. મમ્મી ના મળિ આવ્યા ના થૉડા વખત બાદ તેમનુ અવસાન થયુ. પણ ફ્ક્ત તેમનુજ અવસાન થયુ હતુ અને ન કે તેમના કુટુંબ સાથે ના સંબધો નુ. આજે તમને આ દુનિયા માથી વિદાય લીધાને ૬ વરસ થયા પણ તેમના ઘરના દરેક વ્યુક્તિ જોડેનો સંબઘ અકબંધ છે.
૨- મારા પપ્પા અને તેમના લંગોટિયા યાર રાજેન્દ્ર(રજુ કાકા)
અમારા ગામ વ્યારા મા બેવનો જન્મ અને મોટાપણ ત્યાંજ થયા. દોસ્તી પાક્કી. રજુકાકા નો કેમિકલ નો ધંધો. આપમહેનતે આગળ આવ્યા અને ખુબ કમાયા. મુબઈ મા વાલ્કેસ્વર વિસ્તારમા વિશાળ ફ્લેટ ના માલિકથયા. જ્યારે મારા પપ્પા બેંકમા એક મામુલિ કલાર્ક. તે વખતે બેવના લગ્ન થયા ન હતા અને ટ્રેન માટે સ્ટેસનપર ઉભા હતા કારણ તેઓ તેમના બીજા મિત્રની જાન મા જઈ રહ્યા હતા. મારા પપ્પા તે વખતે સિગરેટ પીતા હતા. ટ્રેનને વારહોઈ તેમને સિગરેટ સળગાવી અને રજુકાકા વરસી પડ્યા અને કહેવા લાગ્યા, “તેને સમય અને જ્ગ્યા નુ કોઈ ભાન નથી અને જ્યાં હોય ત્યાં સિગરેટ પીવા માંડે છે” મારા પપ્પા ને આવ્યુ ગુસ્સો અને ત્યાં ને ત્યાં જ પાણી લઈ ને પાણિ મુક્યુ અને કહ્યુ,” તુ મને જ્યારે ને ત્યારે ટોકે છે, તો જા આજથી પાણી મુક્યુ કે હુ હવે સિગરેટ હાથ નહીં લગાવું” આવાત ને ૫૦ વરસ ઉપર થઈ ગયા તેમેને સિગરેટ ને હાથ નથી લગાવ્યો. રજુકાકાને ગુજરી ગયા ને પણ ૩૦ વરસ થઈ ગયા પણ તેમના કુટુંબ જોડે હજી પણ અતુટ સબધ ચાલુ છે.
this one is not a story.it is atrgic reality of my life
Hearttouching… very difficult to read your writing without getting blurry vision… too good as alway
Ashish Dave
thanks
પુસ્તકમાં આ લેખ વાંચ્યો હતો,તો પણ બીજી વાર વાંચ્યો.કેમ? એનો જવાબ ઉપર બતાવેલા પ્રતિભાવોમાં મળી આવે.સાચો પ્રસંગ હ્રદયની શતપ્રતિશત સચ્ચાઈથી કહેવાય તો જ આવું બને ને?
હ્રદય સ્પર્શ-કહાની- એક શ્વાસે વાંચી ગયો-આંખ લુછતાં પુરી કરી–મારો કોલેજ કાળ-હંસા મહેતા હૉલ-સામેનો સ્વિમીંગ પુલ-સુરત એમટીબી-બધું જ તાજું થઇ ગયું-મારા પક્ષે હજુ આનંદ છે-અમે કોલેજ કાળના બધાં જ મિત્રો અમેરિકામાં છીએ-
શરિફા વિજળીવાળાની કલમનો હું ચાહક છું. મૃગેશભાઇ અભિનંદન.
આ લેખ મેં અખંડાનંદમાં મારા સાસરે વાચેલો. આ લેખ વાંચ્યા પછી મારા જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે. મેં નક્કી કર્યું કે લોકો સાચી કે ખૉટી મારી નિંદા કરશે તો પણ હું શકય હોય ત્યાં સુધી મારા સાચા મિત્રો કે જેઓ મને ખરા હ્રદયથી મિત્ર માને છે તે મિત્રોની મિત્રતા ક’દી નહીં છોડું.
અભાર શરીફા બહેન
પ્રિય શરીફાબેન;
પ્રેમ;
ઊમા શંકર જોષી; કાલિદાસ કે શેક્સપીયર જેવાં લેખકો ભાષાના ધની છે પરંતુ તેમની ભાષા લોક ભોગ્ય નથી. પરિણામે તેઓ એક નાનકડાં વાચક વર્ગને આકર્ષી શક્યા છે. જયારે કબીર કે મીરાં કે પછી પ્રેમચંદ જેવાં લેખકો સાદી સરળ ભાષાનો પ્રયોગ કરી તેને સામાન્ય જનને લોક ભોગ્ય કરી અનેક દીલોમા વસી ગયા છે. આપે અહિં રજૂ કરેલ હૃદયની ઉર્મિઓ અને ભાવ દરેકના હૃદયને સ્પર્શ્યા વગર રહી શકે તેમ નથી. જે અહીં આવેલાં અભિપ્રાયો વાંચીને પ્રતિત થાય છે. સરળતા અને સાદગી નો સંબંધ સીધો હૃદય સાથે છે જ્યારે અલંકારોનો બુધ્ધિ સાથે. પરીક્ષામાં માર્ક્સ વધારે લાવવા અલંકારોનો ઉપયોગ કદાચ બરાબર હશે. પરંતુ હૃદય સ્પર્શી લખાણ સરળ ભાષામાંથી જ પ્રગટે છે. તમારા લખાણે બીનીતાને અનેક હૃદયમાં જીવતી કરી દીધી. આ જ સફળતા છે.
પ્રભુશ્રિના આશિષ;
શરદ
i am very happy to read so many pratibhav
શરિફ બેન્
દિલ મ તોઉચ થૈ ગૈ.
ધન્યવદ્
ઝરિ ન રજ્કોત્
Sharifaji,
very nice and true hearttoching your friendship……
AND PLEASE COME BACK BINITA
good friends care for each other,
close friends understand and each other,
and TRUE friends stay forever beyond words,beyond time…….
ખુબ સરસ ! ! તમારા લેખ ખુબ સરસ હોઇ ચે
ખુબ જ સરસ લેખ.
ઘણો જ સરસ લેખ. લખવાની સ્ટાઈલ પણ અદ્ભુત.