યે દિલ માંગે મોર – કાન્તા વોરા

ખ્યાતિ એક સુશિક્ષિત યુવાન ગૃહિણી છે. કાંદિવલીમાં 550 સ્કે.ફીટના બ્લોકમાં પતિ રોહિત, પાંચ વર્ષના પુત્ર આદિત્ય અને ઉંમરલાયક સાસુ-સસરા સાથે રહે છે. રોહિત પ્રેમાળ પતિ, પ્રેમાળ પિતા અને જવાબદાર પુત્ર તરીકેની કસોટીમાંથી 100% પાર ઊતરે એવો મહત્વાકાંક્ષી અને મહેનતુ યુવાન છે. સારી કંપનીમાં નોકરી કરે છે. આર્થિક સમસ્યા આમ જોવા જાવ તો કોઈ જ નથી. ખ્યાતિ પણ સંસ્કારી અને સરળ સ્વભાવની ખૂબ પ્રેમાળ યુવતી છે. સાસુ-સસરા તેને ખૂબ ચાહે છે. બધું જ બરાબર હોવા છતાં આજકાલ રોહિત અને ખ્યાતિ કંઈક વિચિત્ર તણાવભરી જિંદગી જીવી રહ્યાં છે.

રોહિતને લાગે છે ‘ખ્યાતિ બદલાઈ ગઈ છે, ચીડિયણ થઈ ગઈ છે.’ ખ્યાતિને લાગે છે ‘રોહિતને મારી કંઈ પડી જ નથી. શું આર્થિક જવાબદારી નિભાવો એટલે બધું પતી ગયું ? ઘર-વહેવાર, ઘરડાં મા-બાપ અને અવારનવાર આવતાં સગાં-વહાલાં અને મહેમાનો…એમાંય કોઈ કોઈ તો આઠ-પંદર દિવસના ધામા નાખીને જ પડ્યા હોય. તે બધાંની જવાબદારી મારા પર નાખી પોતે કેવો નિશ્ચિત થઈને બિન્ધાસ્ત ફરે છે ! નવી નવી પરણીને આવી ત્યારે બે ચાર દિવસ માટે બહારગામથી આવતાં સગાંવહાલાં કે મહેમાનો, સાસરેથી પિયર આવતી નણંદો-બધાને પ્રેમથી આવકારતી અને એ બધાની સરભરા કરવાનું ખ્યાતિને બહુ ગમતું અને તેનું આતિથ્ય માણી બધાં તેની પ્રશંસા કરતાં થાકતાં નહીં. સાસુ-સસરા તો આવી પ્રેમાળ પુત્રવધૂ મેળવીને ધન્યતા અનુભવતા.

પણ આજકાલ નાની નાની વાતોમાં ગુસ્સે થઈ જતી, ગમે તેમ બધાનું અપમાન કરી નાખતી અને વાતવાતમાં છણકા કરતી ખ્યાતિને જોઈને રોહિતને થાય છે કે ‘શું ઓછું પડે છે ખ્યાતિને ?’ સાસુ-સસરાને લાગે છે કે અમારા સુખી સંસારને કોની નજર લાગી ગઈ ? ખ્યાતિની ફ્રેન્ડઝ કહે છે : ‘અમારી એવરગ્રીન હસમુખી ખ્યાતિ ક્યાં ખોવાઈ ગઈ છે ? ખ્યાતિ ! તું ક્યારેય આયનો જુવે છે કે નહીં ? ઉંમર કરતાં કેટલી મોટી દેખાય છે ? થોડું તારી જાત પ્રત્યે તો ધ્યાન આપતી જા !’ ખ્યાતિને પણ એ બધી ફ્રેન્ડઝ અને પોતાની વચ્ચેનો ફરક દેખાય છે. તે વિચારે છે કે કાશ ! હું પણ તે લોકો જેવી ખુશ અને ઉત્સાહી રહી શકું ! મારે પણ મારી જાત માટે સજાગ રહેવાની, જાતને સજવા સવારવાની જરૂર છે. પણ મારી જાત માટે મને સમય જ ક્યાં છે ?

મારો દિવસ શરૂ થાય છે વહેલી સવારે છ વાગે. મારા રોજનાં કામ કરતાં કરતાં કોઈને ઊંઘમાં ખલેલ ન પડે તે પણ મારે ધ્યાનમાં રાખવું પડે છે. હવે મને લાગે છે કે મારા સદનસીબે કે કમનસીબે મેં સગાંસંબંધીઓમાં મારી જે એક પ્રતિષ્ઠા સ્થાપિત કરી છે તે જ મારી આજની પરિસ્થિતિ માટે જવાબદાર છે. મેં ઊભાં કરેલાં આ કરોળિયાનાં જાળાને તોડી કેમ કરી બહાર નીકળું ? કંઈ જ સૂઝતું નથી મને. મારાં સાસુ-સસરા સાથે રહેવું મને નથી ગમતું કે તે લોકો મને નથી ગમતાં એવું પણ કંઈ નથી પણ જવાબદારી નિભાવતા હું થાકી ગઈ છું. રોહિત મોટો દીકરો છે એટલે મા-બાપને તેની સાથે વિશેષ લગાવ છે. બીજા બે ભાઈઓ, ‘બા-બાપુજીને તો મોટા ભાઈભાભી સાથે જ ફાવે છે અને ગમે છે. અમારે ત્યાં આવવા રાજી જ નથી.’ એમ કહી જવાબદારીમાંથી છટકી જાય છે. સસરા ડાયાબિટીઝના દરદી છે અને સાસુને સંધિવાની બીમારી છે. ઉંમરલાયક સાસુ-સસરાની સગવડ સાચવતાં અને પતિ તથા દીકરાની ફરમાઈશ પૂરી કરવામાં દિવસ ક્યારે ઊગીને આથમી જાય છે તેય ખબર પડતી નથી.

ઘરના ખર્ચને પહોંચી વળવા રોહિતે પણ સાંજના પાંચ વાગે ઑફિસમાંથી છૂટ્યા પછી બીજી પાર્ટટાઈમ નોકરી શોધી લીધી છે. થાકીને રાતનાં દસ વાગે ઘેર આવે પછી તેને પણ થાય છે કે ખ્યાતિ ઘડીક મારી પાસે બેસે, સાથે બેસીને જમીએ પણ ખ્યાતિને સમય જ ક્યાં છે ? બધાની સગવડ સાચવવામાં પોતાની જાતને એટલી વ્યસ્ત કરી દીધી છે કે તે પોતાનું અસ્તિત્વ જ વિસરી ગઈ છે. પતિ-પત્નીને ઘડીક સાથે બેસવાનો નથી સમય કે નથી રોમાન્સ માટે એકાંત. આ સમય અને એકાંતના અભાવે આ દંપતીનું લગ્નજીવન અને જિંદગી તણાવમય થઈ ગઈ છે.

તો બીજી તરફ સ્વાતી અને સંજય નામના એક દંપતિની જિંદગી અપાર સુખસાહ્યબીમાં પણ તણાવભરી જ છે. ત્રણ હજાર સ્કે.ફીટનું ઘર, મા’રાજ, ડ્રાઈવર, આયા અને બે ઘાટી આમ પાંચ-પાંચ નોકરો વચ્ચે સ્વાતિ અકળાઈ જાય છે. ઘરનું એકાંત તેને ખાવા ધાય છે. પતિને બિઝનેસ, કોન્ફરન્સ અને ફોરેન ટૂરમાંથી પત્ની કે ત્રણ વર્ષની દીકરી માટે સમય જ નથી. અને સ્વાતિ પાસે છે સમય જ સમય. પતિને ફરિયાદ કરી કરીને થાકી ગઈ છે. જવાબ મળે છે : ‘તું તારી ફ્રેન્ડઝ સાથે પિક્ચરમાં અને ડ્રામા જોવા જા. કીટી પાર્ટીમાં જા, જોઈએ તેટલા પૈસા લઈને શોપિંગ કરવા જા ! તારું મોઢું અરીસામાં જુએ છે કે નહીં ? કેવી થાકેલી ને કંટાળેલી જ રહે છે. બ્યુટી પાર્લરમાં ટ્રીટમેન્ટ કરાવી લે. જ્યારે ને ત્યારે ‘કંટાળો આવે છે’ એ જ ફરિયાદ કરે છે. એકલા એકલા ગમતું નથી તો શું કામ-ધંધો છોડીને હું ઘરમાં બેસું ?’ સ્વાતિ કીટી પાર્ટી અને શોપિંગથી હવે કંટાળી ગઈ છે. બ્યુટી પાર્લરમાં જઈને ફાયદો શું ? લગ્ન પછી સ્વાતિના દેખાવની પ્રશંસા કરતાં ન ધરાતા સંજયને પત્ની સામે જોવાનો કે ઘડીક સાથે બેસવાનો સમય નથી. તેનો એક જ જવાબ હોય છે, ‘આ બધું કરું છું કોના માટે ?’

ખ્યાતિ અને સ્વાતિ બંને ઈચ્છે છે ‘પતિનું સાંનિધ્ય.’ પણ એકને એ માટે નથી મળતું એકાંત તો એકના પતિને નથી મળતો સમય. અને આ બંનેના પતિની એક જ ફરિયાદ છે કે પત્ની બદલાઈ ગઈ છે. રોહિત કહે છે કે ‘એ પણ સાચું છે કે હું ખ્યાતિને વધુ સુખ સુવિધાવાળું ઘર નથી આપી શકતો પણ મારીયે મજબૂરી છે. આ મોંઘવારીમાં બે છેડા ભેગાં કરતાં કેટલી તકલીફ થાય છે તે મારું મન જ જાણે છે.’ તો સંજય કહે છે : ‘કામ ધંધો કર્યા વગર આટલી સાહ્યબી થોડી મળે ? કંઈ મેળવવા માટે કંઈક તો ગુમાવવું જ પડે ને ? અને હું જે કંઈ કરું છું તે ફેમિલી માટે જ કરું છું ને ?’ વાત તો સાચી જ છે. પણ એ કંઈક મેળવવા જતાં તેઓ શું ગુમાવી રહ્યા છે તે આ બંને જાણે છે ખરાં ? તેઓ ગુમાવી રહ્યા છે, જિંદગીના અમૂલ્ય દિવસો અને વર્ષો – જે કદી ફરી પાછાં મળવાનાં નથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તૂ કહાઁ યે બતા…. – શરીફા વીજળીવાળા
તમે તમારા જીવન સાથે શું કરી રહ્યા છો ? – જે. કૃષ્ણમૂર્તિ Next »   

7 પ્રતિભાવો : યે દિલ માંગે મોર – કાન્તા વોરા

 1. ખુબ જ સાચી વાત….જીંદગી ના અમૂલ્ય વર્ષો ખર્ચાઇ જાય છે અને એ બહુ મોડે મોડે જાણ થાય છે.

  • Bhargav(GuRu) Patel says:

   To badha NRI (Videshi) Bhai Baheno ne atlu j kahevanu k pachha INDIA ma aavi jao life jivava mate….

   Baki pachi badha ne khabar j chhe a pramane….

   જિંદગીના અમૂલ્ય દિવસો અને વર્ષો – જે કદી ફરી પાછાં મળવાનાં નથી.

   Jay Shree RAM

 2. અશોક જાની 'આનંદ' says:

  બન્ને દંપતિના પુરૂષોની જેમ જીવનમાં વ્યવસાય અને સાંસારિક જવાબદારી સુપેરે નિભાવવી એ દોરડા પર ચાલતા નટ જેવી કુશળતા માંગી લે છે, તે અઘરું છે અશક્ય નથી.. દામ્પત્યમાં સુમેળ અને સંવાદિતા માટે દરેક પુરૂષે આ કળા આત્મસાત કરવી જ રહી

 3. VIMAL THAKKAR says:

  ખરેખર આપણે વિચારવુ પડે કે —- ખુબ સરસ વાર્તા, દ્રસ્ટાન્ત ,અને વળી
  જીવન નુ સ્ત્ય ખુબ સરસ રીતે સમજાવ્યુ છે, ધન્યવાદ ,,,

 4. Tarun Patel says:

  જિંદગીના અમૂલ્ય દિવસો અને વર્ષો – જે કદી ફરી પાછાં મળવાનાં નથી…..Every one know it but what is the solution?
  I was reading the story for some solution? I know there is no perfect solution but some hints….As for their
  situation what are the options to resolve the issue. Hopefully some one points out here.

 5. Bhalchandra, USA says:

  For Tarun Patel who said, “I know there is no perfect solution but some hints….As for their
  situation what are the options to resolve the issue. Hopefully some one points out here.” Let me point out:
  Life does not provide satisfaction if we try to chase happiness, pleasing others. The only person whom we can please is within us. Difficulties will become a stairway to content and fullfillment, if the goal is to respect the inner voice within and grow from experiences, without worrying about opinions of others. I hope this helps.

 6. bharat b. pattani says:

  Almost all are living similar life in cities.
  It requires maturity by both partners & try to live less materialistic lives.
  If you have maruti 800,you want i10, orHonda.
  everyone wants to go to Hotel & movies, but can not sit in their houses enjoying the co. of their children,wife or friends.
  You feel that you are missing something if you hae not been to XYZ hotel or have not seen ABC movie or not gone to a hill station.
  The key to happiness lies with you but that should be understood by both partners.Ek haathe tali na pade… barabar.
  regards.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.