ઘાટી સાહેબ ! – હરિપ્રસાદ વ્યાસ

[ હળવા રમૂજી લેખોના પુસ્તક ‘ચોર્યાસીનું ચક્કર’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

ઘાટીઓ એમ માનવા લાગે છે કે પોતે પોતાના શેઠ ઉપર ઉપકાર કરવા જ સર્જાએલા હોય છે. તેઓ એમ સમજે છે કે પોતાના જેવા તારણહાર ન હોત તો આ અનંત વિશ્વમાં આજકાલનાં માયકાંગલાં શેઠ શેઠાણીઓની શું સ્થિતિ થાત ? તેમને આવું આત્મભાન થવાથી જ કદાચ તેઓ એક સ્થળે ટકી શક્યા નહિ હોય.

સૌથી પ્રથમ મારે ત્યાં ગોવિંદ રહ્યો. તેણે થોડો વખત કામ કરી પોતાની જગ્યા ઈઠુને સુપ્રત કરી. ઈઠુએ થોડા દિવસ અમને આભારી કરી પોતાની જગ્યાને ગેનુને મૂક્યો. એમ વિશ્વની અનંત ઘટમાળની પેઠે ચક્ર ફરતું રહ્યું અને છેવટે અમને અમારો હાલનો ઘાટી સખારામ લાધ્યો. ઘણાખરા ઘાટીઓ જેમ પોતાના જન્મસિદ્ધ હક્કોનો ભોગવટો કરે છે તેમ સખારામ પણ કરતો. તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ ન હતું. માત્ર એટલું જ કે અમારાથી તે સહન થઈ શકતું નહિ. એટલી અમારામાં સહનશક્તિની ન્યૂનતા હશે, બીજું શું ?

પોતાના પગાર ઉપરાંત દર બીજે ત્રીજે દિવસે તે બીડી માટે પૈસો લઈ જતો, તો કોઈ કોઈ દિવસ પાનની પટ્ટી માટે વધારાનો પૈસો પણ માગી લેતો. કપડામાં સાબુ ઘાલતાં ઘાલતાં નાના થઈ ગયેલા સાબુના ટુકડાઓ લઈ જવામાં તો જાણે તેને પૂછવા જેવું લાગતું જ ન હતું. માત્ર આખો સાબુ જોઈએ ત્યારે જ તે પૂછવાનું યોગ્ય માનતો. મારા કોઈ કપડા ઉપર તેની નજર ઠરી હોય, અથવા તો જ્યારે તેને કોઈ કપડાની આવશ્યકતા જણાય ત્યારે તે કપડું ધોતી વખતે તે ડોલમાં ભરાવીને ફાડી નાખતો અને પછી એ ફાટેલું કપડું કામનું રહ્યું નથી કહી પોતાને માટે માગી લેતો. પોતે નીચે કપડાં ધોતો હોય તે વખતે મારે ત્યાં આવવા માટે કોઈ દાદર ચઢતું હોય ત્યારે ‘જરા આટલી ડોલ ઉપર ઝાલતા જાઓને !’ કહી પાણીથી ભરેલી ડોલ તે મારે ત્યાં આવનારને વળગાડતો ! અનિયમિતતાના ગુણનું તો ઘાટીઓને માથે વરદાન હોય છે, એટલે સખારામ એ ગુણથી વંચિત હોય જ ક્યાંથી ? કોઈ દિવસ વહેલો આવે, કોઈ દિવસ મોડો આવે તો કોઈ દિવસ ના પણ આવે !

તમે કદાચ પૂછશો કે શું તમને બીજો ઘાટી જ મળતો નથી ? મળે છે તો ખરા, પણ દરેક પોતાના જન્મસિદ્ધ હક્ક મોડાવહેલા ભોગવવા માંડે છે. જરા હિંમતવાળો હોય તો આવતાની સાથે જ હક્કો ભોગવે; જરા નરમ સ્વભાવનો હોય તો ધીમે ધીમે હક્ક ભોગવવાની શરૂઆત કરે. કેટલાક પ્રથમ ગરીબ ગાયની માફક વર્તે અને પછી પોત પ્રકાશે. કેટલાક આવતાની સાથે જ પોતાનો પરચો બતાવે, કેટલાક પાડોશીઓ સાથે નળ ઉપર જ યાદવાસ્થળી જમાવે, તો કેટલાક ખુદ અમારી સાથે પણ દમદાટીથી કામ લે. આમ ચિત્રવિચિત્ર સ્વભાવવાળા અત્યાર સુધીમાં એકસોને સાત ઘાટી તો થઈ ચૂક્યા. મારો વિચાર એકસો ને આઠની માળા પૂરી કરવાનો હતો, પણ તેમ કરવાનો પ્રયત્ન કરતાં અમને જે વિત્યુ છે તે અમારું મન જાણે છે.

વાત એમ બની કે એક દિવસ સખારામભાઉ ‘ફ્રેન્ચ લીવ’ લઈને ગાપચી મારી ગયા. સુધાએ પણ તેના માથાની થવા વિચાર કરેલો, એટલે તેણે વાસણ અને કપડાંનો એક બાજુએ ખડકલો કરી રાખ્યો. બીજે દિવસે સવારે પણ સખારામભાઉ પધાર્યા નહિ. સવારને માટે તો સુધાએ બીજાં ફાજલ વાસણો ઉપયોગમાં લઈને રાંધ્યું, પણ આગલા દિવસે સવારે પલાળેલાં કપડાં હજીયે પડી રહે તો કહોવાઈ જવાની તેને ધાસ્તી લાગી.
‘તમે જતાં જતાં સખારામને ત્યાં જતા જશો ?’ મને બહાર જતો જોઈ તેણે પ્રશ્ન કર્યો.
‘કેમ ?’
‘કાલનો આવ્યો જ નથી. આ વાસણ અને કપડાંનો તો ઢગ પડ્યો છે. અને કાલે સવારનાં કપડાં અત્યારે પણ ના ધોવાય તો તો કહોવાઈ ના જાય ? ખપ જોગું પાણી તો મેં ભરી લીધું.’
‘સારું. તેને ત્યાં જઈ મોકલું છું.’ કહી હું નીકળ્યો. સખારામની ઓરડી મારે જોઈ રાખવી પડી હતી. એક બે વખત તે ન આવ્યો એટલે તેની સાથે જઈને તેની ઓરડી હું જોઈ આવ્યો હતો. તે જ્યારે મારે ત્યાં ન આવે ત્યારે મારે તેને ત્યાં જવું પડતું અને તેને મારે ત્યાં પધારવા વિનંતી કરવી પડતી.

હું તેને ત્યાં ગયો ત્યારે તે ઘેર ન હતો પણ તેના ત્રણ ચાર જોડીદારો ત્યાં બેઠા હતા. એ ચાર પાંચ જણાએ મળીને ઓરડી રાખી છે તેની મને ખબર હતી.
‘સખારામ ક્યાં ગયો છે ?’ મેં એક જણને ઉદ્દેશીને પ્રશ્ન કર્યો.
‘બહાર ગયો છે, શેઠ. કેમ વારુ ?’
‘કાલનો આવ્યો જ નથી. માંદો તો નથી ને ?’
‘ના, માંદો તો નથી. પણ આવ્યો જ નથી ?’
‘ના. એટલા માટે તો હું તપાસ કરવા આવ્યો. આવે એટલે તેને મોકલજે.’ એમ કહી હું ગયો.
સાંજે જ્યારે હું ઘેર ગયો ત્યારે ખબર પડી કે સખારામ હજી આવ્યો જ ન હતો !
‘તમે જરા ફરીથી તેને ત્યાં જઈ આવશો ?’ સુધાએ કહ્યું, ‘આ વાસણ અને કપડાં વધ્યે જ જાય છે અને મને તો તે જોઈને ગભરામણ છૂટે છે. થોડાં હોય તો હું કરી નાખું પણ આટલું બધું મારાથી શી રીતે થાય ?’ હું ફરી પાછો સખારામને ત્યાં ગયો, ત્યારે એ મહાનુભાવ પાનનો ડૂચો મારી હથેળીમાં સુકો મસળતા મસળતા વાતોના તડાકા મારતા હતા.
‘કેમ સખારામ, બે દિવસથી આવતો નથી ?’ તેને જોઈ મેં પૂછ્યું.
‘જરા શરીર નરમ હતું શેઠ.’
‘ઠીક. પણ હવે અત્યારે તો ચાલ. બે દિવસનાં વાસણ અને કપડાં પડ્યાં છે.’
‘શેઠ, અત્યારે નહિ અવાય. કાલે આવીશ.’ તેના સ્વરમાં સત્તા, હક્ક, દમદાટી વગેરેનું અદ્દભુત મિશ્રણ હતું. તેને વધુ આગ્રહ કરવો નિરર્થક હતો. મેં ત્યાંથી ઘેર આવીને સુધાને ખબર આપી.
‘આવો ઘાટી કેમ પાલવે ? હવે એને રજા જ આપો. એણે પણ વિતાવવામાં બાકી રાખ્યું નથી.’

તે દિવસે બધાં કપડાં અને વાસણોનો નીકાલ કરતાં સુધાને નવ નેજા થયા. બીજે દિવસે સખારામ આવ્યો ત્યારે તેને ખડખડીયું આપી દીધું. ત્યાર બાદ અમે નવા ઘાટીની શોધ કરવા માંડી. પંદર દિવસ સુધી તો અમને એક પણ ઘાટી મળી શક્યો નહિ. લોકો કહે છે કે દેશમાં અત્યારે બેકારી ખૂબ ફેલાઈ છે. મને લાગે છે કે ઘાટી વર્ગ એ રોગથી મુક્ત હશે. જો તેમ ન હોય તો અમને તરત જ બીજો ઘાટી મળી જાત. અનેક મિત્રોને, સ્નેહીઓને અને સગાંને કહી રાખ્યું ત્યારે પંદર દિવસે અમને નવો ઘાટી મળ્યો. નવા ઘાટીએ કામ શરૂ કર્યું તે જ દિવસે સખારામે તેને મારા મકાનની બહાર મળી તેના કાનમાં કંઈ ફૂંક મારી દીધી. પરિણામે બીજા દિવસથી તે આવતો બંધ થયો. ત્યાર પછી અમે જોયું કે અમારું નામ સાંભળીને કોઈ પણ ઘાટી અમારે ત્યાં રહેવા તૈયાર ન હતો. સરકાર, વેપારી વર્ગ વગેરે પોતાના ઉપયોગ માટે એક ખાસ ‘બ્લેક લિસ્ટ’ રાખે છે. ઘાટી લોકો એવું લીસ્ટ રાખે છે કે નહિ તે ખબર નથી, પરંતુ અમારી સ્થિતિ તો ‘બ્લેક લિસ્ટ’માં મૂકાયા જેવી થઈ ગઈ હતી. હું મૂડીવાદને ધીક્કારું છું અને મજૂરવાદમાં માનનારો છું. કારણ હું પોતે શ્રમજીવી છું. તેમ છતાં જીવનમાં પહેલી જ વાર મને મજૂરવાદ તરફ તિરસ્કાર પેદા થયો !

સુખારામ મારે ત્યાં કંઈક વધુ ટકેલો, એટલે મારા સ્નેહી મંડળને પણ તે ઓળખતો થયો હતો. આ સ્નેહીવર્ગને-કેટલાક જ્યારે રસ્તામાં મળે ત્યારે અને કેટલાકને તો ઘેર જઈને તેમની સમક્ષ તેણે મારા અને સુધાના લાગણીશૂન્ય સ્વભાવની જાહેરાત કરવા માંડી અને પોતાને કેવા નજીવા કારણસર રજા આપવામાં આવી હતી તે કહેવા માંડ્યું. સત્યાગ્રહની ચળવળ પૂર બહારમાં ચાલતી હતી તે વખતે વિલાયતી કાપડ વેચનારની અથવા સરકારી નોકરી કરનારની જે સ્થિતિ થતી હતી, તેવી સ્થિતિમાં તેણે અમને લાવીને મૂકી દીધા. છેવટે અમારે નમતું આપવું પડ્યું. મેં તેની સાથે ‘સંધિ’ કરી. આવાં દરેક સમાધાનોમાં બને છે તેમ પાછો મેં તેને ચઢતા પગારે નોકરીમાં રાખી લીધો. એટલે હાલમાં ઘાટીવર્ગે મારા ઉપરનો બહિષ્કાર ઉઠાવી લીધો છે. હવે આ ખસ ટાઢે પાણીએ કેમ કાઢવી તેની હું વેતરણમાં છું.

[કુલ પાન : 192. કિંમત રૂ. 70. પ્રાપ્તિસ્થાન : શ્રી હરિહર પુસ્તકાલય, ટાવર રોડ, સૂરત. ફોન : +91 261 2424302. ઈ-મેઈલ : hariharbooks@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તમે તમારા જીવન સાથે શું કરી રહ્યા છો ? – જે. કૃષ્ણમૂર્તિ
ગૂર્જર ગૌરવ – ટીના દોશી Next »   

11 પ્રતિભાવો : ઘાટી સાહેબ ! – હરિપ્રસાદ વ્યાસ

 1. સુંદર રમુજ…….! 🙂

  અહીં અમદાવાદમાં એક ઘાટી ગામ જાય તો અવેજીમાં બીજાને મુકતો જાય, ને બીજો પાછો કોઇ ત્રીજાને સાથે લેતો આવે…

 2. nayan panchal says:

  ‘હવે આ ખસ ટાઢે પાણીએ કેમ કાઢવી તેની હું વેતરણમાં છું.’ કદાચ સખારામ પણ તેવી જ વેતરણમાં હશે.

  નયન

  • જય પટેલ says:

   શ્રી નયનભાઈ

   શ્રી સખારામજી કદાચ તેવી જ વેતરણમાં હશે….શક્ય નથી…!!
   નોકરીમાંથી પાણીચું મળતાં બેકારીનો સ્વાદ ચાખ્યા બાદ પગાર વધારા સાથે પૂંછડી દબાવી
   સ્વગૃહાગમન કર્યું તે જ બતાવે છે કે સખારામમાં વેતરણ કરવાની ક્ષમતા નથી.

   લેખકશ્રીની વેતરણમાં થોડા સુઝાવ…!!
   ૧) કપડાં ધોવા માટે…થોડી થોડી વધારાની બચત કરી વોશિંગ મશીન વસાવી લેવું.
   ૨) વાસણ…..વાસણનો ઉપયોગ કરવામાં વિવેક જાળવવો જેથી ઓછાં વાસણ ધોવાં પડે.
   દરેક વ્યક્તિએ વાસણ જાતે ધોવાની ધીરે ધીરે ટેવ પાડવી….નાનાં બાળકોનાં વાસણ
   માતા અને પિતાએ રોટેશન પ્રમાણે ધોવાં.
   ૩) કચરા અને પોતાં માટે જાતને જોતરવી…પોતાં માટે ઉભા ઉભા કરી શકાય તેવું પોતું વાપરવું.

   સખારામના રામ રમાડવા માટે જાતને જોતરવી એ જ માત્ર ઉકેલ છે.
   જાત મહેનતથી શરીરની વધારાની ચરબીનું વિસર્જન થશે…ફાયદો જ ફાયદો.

   ઉપરોક્ત દ્રષ્ય જોઈને શ્રી સખારમજી યોગની મુદ્રામાં આવી જશે….માથું નીચે અને પગ ઉપર.

 3. Prabuddh says:

  લેખ વાંચતી વખતે પુ.લ. યાદ આવ્યા, હરીપ્રસાદભાઈ ને અભિનંદન.

 4. Hemantkumar Jani UK says:

  આ ઘરઘાટીની સમસ્યા વેઠવા માટે મુંબાઈમાં રહેવું પડે.
  જો કે મેં તો મુંબાઈ અને અમદાવાદ બંને જગ્યા એ આ
  સેવાનો સ્વાદ ચાખ્યો છે…..

 5. Tejas Parikh says:

  પારકી આશ સદા નિરાશ. પોતાનુ કામ જાતે કરવામાં શું કામ આળસ કરવી ?

 6. મુંબઈ, અમદાવાદ શુ અમારા સુરત અને પૂણે માં પણ આ જ હાલાત છે…… જયભાઈ જયારે બે જણા રહેતા હોય ને બેય નોકરી કરતા હોય અને ઘર માં નાનુ બાળક હોય ત્યાં આવુ કમને પણ ચલાવી લેવુ પડે, સુરત માં તો ૨ સી.એલ પણ આપવી પડે છે 🙂

  • Mitali says:

   This is never a good excuse. Being both full time worker doesn’t mean you don’t have time to do you own chores. I hate it when people from india keep saying that we both husband wife work and have little child, common, get real lots of couple work and take care of the kids all around the world, its just being lazy i would say.

 7. rahul says:

  શુ સિએલ નો હક્ક ફક્ત ઓફિસ મા નોકરિ કરવાવાળા માટૅનો ચે……………અને આ લોકો ને કામ નહિ આપો તો એ શુ કમાશે……….? પચિ ચોરિ ના રવાડૅ ચડૅ ને………………………જ્યા અતિ થાય ત્યા માટિ થાય…………….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.