ગૂર્જર ગૌરવ – ટીના દોશી

[ગુજરાતના વિવિધ ક્ષેત્રના કેટલાક મહાનુભાવોના જીવનપ્રસંગો અને સંક્ષિપ્ત જીવનચરિત્ર પર આધારિત પુસ્તક ‘ગૂર્જર ગૌરવ’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] કમૂરતાંમાં ક્રાંતિકારી ઢબે લગ્ન : હરિવલ્લભ ભાયાણી

‘દીકરા, હવે તું લગ્ન કરી લે….’
દાદીમાએ આ શબ્દો કહ્યા એટલે બત્રીસ વર્ષ પૂરાં કરીને 33મા વર્ષમાં પ્રવેશી ચૂકેલા હરિવલ્લભે મનોમન નિર્ણય કરી લીધો : ‘કોઈ સારી, સંસ્કારી છોકરી જોઈને થોડા જ વખતમાં લગ્ન કરી લઈશ.’ દરમિયાનમાં ગુલાબદાસ બ્રોકરના મોટા ભાઈએ એક પરિચિત કુટુંબની સુશીલ કન્યા વિશે વાત કરી. હરિવલ્લભને એ છોકરી ગમી ગઈ. 1950ની સાલમાં હરિવલ્લભ અને ચંદ્રકળા વિવાહના બંધનમાં બંધાઈ ગયાં.

એ લગ્ન એક રીતે ક્રાંતિકારી જ હતાં. આ વિશે ભાયાણીદાદા કહે છે : ‘મેં લગ્ન બાબતમાં બધા જ સુધારા કર્યા. કંકોતરી છપાવી નહીં. શુકન અંગેની પ્રચલિત માન્યતાઓનું ખંડન કર્યું. લગ્ન કરવા મકરસંક્રાંતિના આગલા દિવસે એટલે કમૂરતામાં પોરબંદર ગયો. ત્રણનો આંકડો અપશુકનિયાળ ગણાય, સારાં કામમાં ત્રણ વ્યક્તિ ના જાય, પણ લગ્ન કરવા હું, મામા અને એક કુટુંબી એમ ત્રણ જણ ગયા.’ લગ્નમાં ચાંલ્લો પણ લીધો નહોતો. લગ્ન પછી આજુબાજુનાં ચાર-પાંચ ઘરોમાં પાંચ પાંચ પેંડા વહેંચી દીધા. આવું કરવામાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન નડ્યો નહીં. આ રીતે લગ્ન કર્યાં પછીનાં 46 વર્ષ બાદ આજે ભાયાણી દંપતીને કોઈ વિધ્નો નડ્યાં નથી. લગ્ન વિશેની પ્રચલિત માન્યતાઓ પાયાવિહોણી હોવાનો આનાથી મોટો પુરાવો શો હોઈ શકે ?

[2] મનુભાઈ પંચોળી ‘દર્શક’નાં લગ્ન

દર્શકદાદા કહે છે : ‘દક્ષિણામૂર્તિમાં હતો તે દરમિયાન મને મારાં ભાવિ સાથી મળ્યાં…. વિજયાબહેન પટેલ, બારડોલી પાસે વરાડના સુખી પાટીદાર કુટુંબનું સંતાન. બારડોલી એટલે સત્યાગ્રહ અને રચનાકાર્યની તપોભૂમિ. એ 30-32ની લડત પહેલાં, બે વાર જેલમાં જઈ આવેલાં. લડત પછી દક્ષિણામૂર્તિમાં અભ્યાસ કરવા આવ્યાં. હું મહેમાનખાતું સંભાળું એટલે અતિથિગૃહમાં મેળાપ થયો. શુદ્ધ સફેદ ખાદીનાં વસ્ત્રો, અવાજમાં આત્મવિશ્વાસનો રણકો, મોં પર સ્નિગ્ધ તેજ, હાથમાં બંગડીઓની જગ્યાએ નાના પારાનાં બેરખાં. આ રૂપે મને મુગ્ધ કર્યો……’

દર્શકદાદા ‘સમકાલીન’ સાથે વાતચીત દરમિયાન પોતાના પ્રેમવિવાહની વાત કરી રહ્યા છે. તે વિજયાબહેન વિશે કહે છે : ‘તેમને લગ્ન કરવાનો વિચાર નહીં….. રીતસરનું ભણેલાં નહીં. પાંચસાત ચોપડીનું ભણતર. અહીં વિનીતમાં પ્રવેશ કરવા પ્રાવેશિક પરીક્ષા આપવાની. તેની પૂર્વતૈયારી કરવામાં હું મદદગાર થયો. હું કાંતવામાં માનું. થોડું કાંતું પણ ખરો. પણ કાંતણ પાછળનો વિચાર સમજાવું વધારે ! જ્યારે એ કાંતે વધારે. ખાસ તો આંટી ઉતારે ત્યારે દર લટે દસ તાર વધારે નાખે. મને આ નવાઈ ભરેલું લાગે. મૂળે કાંતવું તે જ અડચણવાળું. તેમાં વળી દર લટે દસ તાર વધારે નાખવાના ! આ તો ભારે કહેવાય.’ તેમાં કઈ ક્ષણે, કઈ ઘડીએ વિજયાબહેન પ્રત્યે આકર્ષણ થયું તે દર્શકદાદાને ખબર જ ન પડી. તેમના જ શબ્દોમાં કહીએ તો :
‘મારે ખાસ કાંઈ પરિચય નહોતો. ત્યારે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની એક સભામાં સત્યાગ્રહની વાતો મેં કરેલી. તેમાં બારડોલી-બોરસદની બહેનોના ત્યાગ અને બહાદુરી વિશે મેં ખાસ ઉલ્લેખ કરેલો. તે સભાને અંતે તેમણે આવીને મને ધન્યવાદની ચિઠ્ઠી આપી. આ તો સ્વયંવર જવું હતું. બહુ દહાડા સુધી એ ચિઠ્ઠીનું મેં જીવની જેમ જતન કરેલું….. પણ પછી સંકોચ થયો. જેને પરણવું નથી તેને એ વિગતે ભણાવવાની જરૂર ખરી ? માનો કે એ ભણ્યાં, અને પછી પરણવા વિશે વિચાર બદલાયો તો ? હું જ એ માટે દોષિત ન ગણાઉં ?’

‘આવા વિચારો આવ્યા, અને મેં તે પત્રમાં લખી એમને ખાસ રામભાઈ પાસે મોકલ્યાં. રામભાઈએ એમને મને ભણાવવા સોંપેલાં. રામભાઈએ લખ્યું કે આવું વાંચવા કે ભણવાને લીધે જો એમનો નિયમ બદલાતો હોય તો તે નિશ્ચય જ મૂળે કાચો ગણાય. એવો નિશ્ચય રહ્યો તોય શું કે ન રહ્યો તોય શું ? છતાં હું ધ્યાન રાખું કે તેમના નિશ્ચયને કે વલણને તોડવાનું નિમિત્ત ન બનું. એટલે સફાઈદાર લૂગડાં ન પહેરું, વાળ ન રાખું. પણ થવાનું હતું તે થયું. અમે નક્કી કર્યું કે અમારે જોડાવું, પણ તેમનાં માતાપિતાની સંમતિ મળે ત્યારે. એ સંમતિ જલદી મળે તેમ ન લાગ્યું.’ પરંતુ મહાત્મા ગાંધી વહારે ધાયા. બાપુ અને સરદારે નારણજીભાઈને સમજાવ્યા કે તમે રજા આપતા હો તો હું કન્યાદાન આપું….. આખરે સુરત જિલ્લાની ફળદ્રુપ સો વીઘાં જમીનના માલિકે પોતાની દીકરી એક બ્રાહ્મણના દીકરાને આપવાની સંમતિ આપી. વિવાહ થયા. બાપુએ કન્યાદાન કર્યું. મનુભાઈ અને વિજયાબહેનનાં આંતરજ્ઞાતીય લગ્ન રંગેચંગે થયાં…. દર્શકદાદા સાચું જ કહે છે કે સ્વયં મહાત્મા ગાંધી લગ્ન કરાવી દે તેનાથી વિરલ ઘટના શી હોઈ શકે ?

[3] આપણું કર્યું જ આપણે ભોગવીએ છીએ : રમણલાલ સોની

દીકરાની એક ભૂલને કારણે માતાની આંખોની રોશની કાયમ માટે છીનવાઈ જાય તો કેવી વસમી પરિસ્થિતિ સર્જાય ? ઉંમર વધવાની સાથે જેઠીબાની આંખોમાં થોડી તકલીફ ઊભી થઈ. એમને બરાબર દેખાતું નહોતું. એટલે રમણલાલે એક ડૉક્ટર મિત્ર પાસે જેઠીબાની આંખોની તપાસ કરાવી. આંખો તપાસ્યા પછી એ મિત્રે સલાહ આપી : ‘બન્ને આંખોમાં મોતિયાનું ઑપરેશન કરાવી લ્યો…. સારું થઈ જશે.’
‘ખરેખર તો જેઠીબાની એક્કેય આંખમાં મોતિયો પાક્યો નહોતો…’ રમણલાલના શબ્દોમાં વસવસો વ્યક્ત થાય છે : ‘…..છતાં મેં ડૉક્ટર મિત્રની સલાહ માનીને એમની બન્ને આંખોમાં એકસાથે ઑપરેશન કરાવી લીધું. પરિણામે એમની બન્ને આંખોની દષ્ટિ હંમેશ માટે જતી રહી. એમને અંધાપો આવી ગયો.’

પરંતુ બાએ ક્યારેય ફરિયાદનો એક પણ અક્ષર ઉચ્ચાર્યો નહીં. એક વાર વાત નીકળી ત્યારે બાએ કહેલા શબ્દો રમણલાલને અત્યારે પણ યાદ છે. બાએ કહેલું : ‘ભઈ બધું ભગવાનનું કાર્ય થાય છે. આપણે ઘેર ગાય રાખતાં એ તને ખબર છે ને ! હું ગાયવાછડીની ખૂબ ચાકરી કરતી, પણ એક વાર વાછડીને રાશ મારવા જતાં એને કંધોલું વાગી ગયું અને એની એક આંખ ફૂટી ગઈ. મેં એની એક આંખ લીધી તો ભગવાને મારી બેય લીધી. આપણું કર્યું જ આપણે ભોગવીએ છીએ.’ બાના શબ્દો યાદ કરીને રમણલાલ કહે છે : ‘એ ખરેખર મહાન હતાં. મારી ભૂલને કારણે એમની આંખો ગઈ હોવા છતાં એમણે પોતાના જ કર્મનો દોષ દીઠો, મને તો એક પણ કડવું વેણ સુદ્ધાં કહ્યું નહીં.’ આ પ્રસંગ પછી માતા માટે ‘જનનીની જોડ જગે નહીં જડે રે લોલ…’ એવું શા માટે કહેવાયું હશે એ રમણલાલને સમજાઈ ગયું !

[4] અને ચકોર નહેરુ બની ગયા : બંસીલાલ વર્મા ‘ચકોર’ કાર્ટૂનિસ્ટ

એક સંસ્થાની રજતજયંતી કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન અતિથિવિશેષ તરીકે પધારે અને લોકોને પ્રેમથી મળીને વિદાય લે ત્યાર પછી ખબર પડે કે ખાસ તે પ્રસંગ માટે બનાવેલ ગ્રંથનું વડા પ્રધાનના હસ્તે વિમોચન કરાવવાનું તો ભુલાઈ જ ગયું છે, તો કેવી પરિસ્થિતિ સર્જાય ?

સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા સંચાલિત સાંધ્યદૈનિક ‘જન્મભૂમિ’ને 25 વર્ષ પૂરાં થયાં ત્યારે વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અતિથિવિશેષ તરીકે પધાર્યા. તે અત્યંત પ્રેમથી લોકોને હળ્યામળ્યા. તસવીરકારે ફટાફટ તસવીરો ખેંચી. થોડા સમય પછી નહેરુએ વિદાય લીધી. અને ત્યાર પછી કો’કને યાદ આવ્યું કે નહેરુજીના હસ્તે ગ્રંથનું વિમોચન કરાવવાનું તો ભુલાઈ જ ગયું છે. હવે શું કરવું ? ‘તે વખતે તસવીરકારને ખ્યાલ આવ્યો કે મારો ચહેરો નહેરુજી સાથે મળતો આવે છે, એટલે તેણે મને બોલાવ્યો….’ ચકોરકાકા આમ કહીને મલકે છે. પછી વાતનો દોર સાંધી લે છે : ‘હું નહેરુજી જેવો જ દેખાઉં તે માટે તસવીરકારે મારા માથાના વાળ પર જરૂરી હોય ત્યાં સફેદ રંગ લગાડ્યો. નહેરુ ટોપી અને લાંબો કોટ પહેરાવ્યો. કોટમાં ગુલાબનું ફૂલ ખોસી દીધું… અને હું નહેરુ બની ગયો !’ ત્યાર પછી વડાપ્રધાન નહેરુ તરીકે ચકોરકાકાએ ગ્રંથનું વિમોચન કર્યું અને તસવીરકારે તેમનો સાઈડ ફેઈસ દેખાય તે રીતે વિમોચનની તસવીર લીધી. આ તસવીર પ્રદર્શનમાં મુકાઈ ત્યારે કોઈને ખબર પડી નહીં કે તે તસવીરમાં નહેરુ નહીં, પણ ચકોર હતા ! આજે, આટલાં વર્ષે તે પ્રસંગ યાદ કરીને ચકોરકાકા હસી પડે છે :
ભલે એક દિવસ માટે તો એક દિવસ માટે, હું નહેરુ બન્યો તો ખરો…..!’

[5] બાપ કરતાં દીકરો સવાયો : ભોલાભાઈ ગોલીબાર

‘બાપ કરતાં બેટો સવાયો…..’
આ કહેવત તમે વાંચી કે સાંભળી હશે, પરંતુ એક વાર ભોલાભાઈ ગોલીબારને મળી લેશો તો આ કહેવતનો અર્થ સમજાઈ જશે ! ભોલાભાઈ નૂરમોહમ્મદ ગોલીબાર સાચા અર્થમાં તેમના પિતા કરતાં સવાયા પુરવાર થયા છે. આજથી પચાસ વર્ષ પહેલાં ગોલીબારે શરૂ કરેલું સાપ્તાહિક આજે પણ ભોલાભાઈ અત્યંત કુશળતાથી ચલાવે છે, પરંતુ ચક્રમ નહીં, ચંદન નામ સાથે…..

‘મારી સમસ્યા એ હતી કે પિતાની જેમ રમૂજ કરવાની મને ફાવટ નહોતી.’ ભોલાભાઈ ‘ચક્રમ’નું નામ બદલીને ‘ચંદન’ કરવા પાછળની પાર્શ્વભૂમિકા સમજાવે છે : ‘હું ચક્રમમાં પિતાની જેમ હાસ્યનો રસથાળ તો પીરસી શકું તેમ નહોતો, એટલે મેં એક પછી એક વાનગીઓ બદલવા માંડી. એમ કરતાં કરતાં થોડા જ વખતમાં ચક્રમનું કલેવર બદલાઈ ગયું. ત્યાર પછી વળી નવી સમસ્યા ઊભી થઈ. ચક્રમનું બદલાયેલું સ્વરૂપ જોઈને નવા વાચકોએ સલાહ આપી કે મૅગેઝિન તો બહુ સરસ છે પણ તમે નામ કેમ આવું રાખ્યું છે…. જ્યારે જૂના વાચકોએ ફરિયાદ કરી કે એક તો તમે ચક્રમ બગાડી નાખ્યું છે અને ઉપરથી એનું નામ વટાવી રહ્યા છો. જો આવું જ કરવું હોય તો નામ બદલી નાખોને….. અને મેં મૅગેઝિનનું નામ બદલવાનું નક્કી કરી લીધું…’ ભોલાભાઈ આમ કહીને ઉમેરે છે : ‘ચક્રમનું નામ અચાનક જ બદલવાના નિર્ણયમાં જોખમ પણ રહેલું હતું, એટલે મેં પહેલાં ટાઈટલ્સમાં ચક્રમની ટાઈપોગ્રાફી મોટી અને ચંદનની ટાઈપોગ્રાફી નાની રાખી. પછી ધીમે ધીમે ચક્રમની ટાઈપોગ્રાફી નાની અને ચંદનની ટાઈપોગ્રાફી મોટી કરતો ગયો. એમ કરતાં કરતાં અત્યારે ચક્રમનું કદ સાવ નાનું અને ચંદનનું કદ મોટું થઈ ગયું છે. ધીરે ધીરે ટાઈટલમાંથી ચક્રમ નીકળી જશે અને ચંદન જ રહી જશે.’

ચક્રમ સાપ્તાહિકને ચંદનનું નવું નામ અને નવલું રંગરૂપ તો મળી ગયું, પરંતુ ચક્રમની અમુક જૂની પદ્ધતિઓ ચંદનમાં આજે પણ જોવા મળે છે. દા…ત, ચક્રમના તંત્રીએ જ નવલકથા લખવાની પદ્ધતિ હતી. ભોલાભાઈ આ પરંપરા જાળવી રાખીને એચ. એન. ગોલીબારના નામે ક્રાઈમ અને હૉરર નવલકથાઓ લખતા રહ્યા છે… ચક્રમમાં એવો નિયમ હતો કે નવલકથાનો લેખક બહારગામ ગયો હોય ત્યારે ગોલીબાર પરિવારના સભ્યે જ તે વાર્તા રસભંગ ન થાય તે રીતે આગળ વધારવાની…. છોટે ગોલીબારનું મૃત્યુ થયા પછી તેમની ‘મહોબ્બત ઝિંદાબાદ’ નામની અધૂરી નવલકથા પૂરી કરનાર ભોલાભાઈએ આ નિયમ પણ જાળવી રાખ્યો છે. ઉપરાંત ચક્રમનાં ગોલીબાર અને બંદૂકડીનું અનુકરણ કરીને ભોલાભાઈએ એટમ અને ફટાકડીનાં પાત્રો રચ્યાં છે.

ભોલાભાઈની મહત્વની સિદ્ધિ તો જોકે જાહેરખબરો પર પ્રતિબંધ મૂકી દેવાની છે. ચક્રમમાં તો જાહેરખબરો છપાતી, પરંતુ ભોલાભાઈએ 1973થી જાહેરખબરો છાપવાનું જ બંધ કરી દીધું. એ કહે છે : ‘હું પત્રકારત્વનો અભ્યાસ કરતો ત્યારે એવું શીખવવામાં આવતું કે જાહેરખબર તો અખબાર અને સામાયિકની કરોડરજ્જુ છે, પરંતુ મને હંમેશાં એવું લાગતું કે જાહેરખબરો છેતરવાનો જ ધંધો કરે છે, એટલે મેં જાહેરાતો બંધ કરવાનો નિર્ણય લઈ લીધો.’ આ નિર્ણયને કારણે થોડીઘણી સમસ્યા તો ઊભી થઈ, પરંતુ ભોલાભાઈએ તો નક્કી જ કરી લીધેલું કે કોઈ પણ હિસાબે જાહેરાતો તો સ્વીકારવી જ નહીં. તે કહે છે : ‘જાહેરાતો ન હોય એટલે અમે પાનાં ઓછાં આપતાં. વળી અમારા સ્ટાફમાં મોટા ભાગના ઘરના જ સભ્યો છે, એટલે કર્મચારીઓની સમસ્યા નથી. ઉપરાંત અમે કરકસર કરવાનું શરૂ કરી દીધું. કરકસર તો ત્રેવડનો ત્રીજો ભાઈ અને કમાઉ દીકરો કહેવાય એટલે અમે એક એક પાઈ બચાવતા. વળી એક પાઈની બચત એ એક પાઈની કમાણી જ કહેવાયને…. બસ, ચક્રમ જાહેરાત વિના પણ ચાલવા માંડ્યું.’

જોકે એક પણ જાહેરાત વિના મૅગેઝિન ચલાવવાનું સાહસ ખેડવા પાછળ ભોલાભાઈ પાસે બીજું પણ એક કારણ હતું. તેમણે કચ્છી મેમણ માટેની કહેવત ખરી પુરવાર કરવી હતી. તે વિશે ભોલાભાઈ કહે છે : ‘કચ્છી મેમણ કચ્છની એક બાજુના રણ અને બીજી બાજુના સમુદ્ર વચ્ચે રહીને મોટો થાય છે. એવું કહેવાય છે કે રણ અને દરિયા સાથે લડીને સફળ થાય તે જ ખરો સાહસિક કચ્છી મેમણ કહેવાય છે !’ છેલ્લાં ચોવીસ વરસથી ‘એક પણ જાહેરખબર વિનાનું દુનિયાનું એકમાત્ર સાપ્તાહિક’ ચલાવતા ભોલાભાઈ સાચા અર્થમાં કચ્છી મેમણ છે એવું કહેવાની જરૂર છે ખરી ?

[કુલ પાન : 302 (પાકું પૂઠું). કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : રુચિ પ્રકાશન, c/o એડફેક્ટર્સ એડવર્ટાઈઝિંગ, 32, મિસ્ત્રી હાઉસ, બોમનજી લેન, ફોર્ટ, મુંબઈ-400001.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઘાટી સાહેબ ! – હરિપ્રસાદ વ્યાસ
ગૃહિણી – વર્ષા બારોટ Next »   

10 પ્રતિભાવો : ગૂર્જર ગૌરવ – ટીના દોશી

 1. સુંદર સંકલન.

  જાહેર ખબર વિના કોઇ સાપ્તાહિકકે પેપર ચલાવવું કેટલું અઘરું છે તે તો ચલાવનાર જ જાણી શકે…કારણકે મોટાભાગની આવક એમાંથી જ મળતી હોય છે અને એ જ બંધ થઇ જાય….એટલે લગભગ પોતાના ખર્ચે જ સાપ્તાહિક ચલાવવા જેવું થાય.

 2. kumar says:

  ખરેખર ભોલાભાઈ ગોલીબાર ની સીદ્ધિ (જાહેરખબર વિના મેગેઝિન ચલાવવાની) ખરેખર અદભુત છે.

 3. નિરવ says:

  આવી જ બીજી એક સામાયીક છે “સફારી”.

  હર્શલ પુશ્કર્ણા દ્વારા ચાલતી આ સામાયીક માસીક છે.

 4. nayan panchal says:

  સુંદર પ્રસંગો.

  પ્રથમ પ્રસંગ દર્શાવે છે કે ક્રિયાકાંડો કરતા વિધિઓ પાછળનો ગૂઢાર્થ સમજવામાં આવે તે વધુ મહત્વનુ છે.

  ‘મેં એની એક આંખ લીધી તો ભગવાને મારી બેય લીધી. આપણું કર્યું જ આપણે ભોગવીએ છીએ.’ એકદમ સાચી વાત છે ભાઈ. આંખ જાય તે પહેલા જ આ વાત સમજાય તો કેટલુ સારું.

  આભાર,
  નયન

 5. Prabuddh says:

  સરસ પ્રસંગો .. ખાસ તો રમણલાલ સોનીના મા અંગેની વાત. એ લોકો જીવનને કેટલી સહજતાથી સ્વિકારીને જીવતા, કોઇ દોષારોપણ અને ફરિયાદ વિના, એ સમજાયું.

 6. Dipti Trivedi says:

  બધી જ ખૂબ જ રસપ્રદ વાતો. ભાયાણીદાદાનો દાખલો મુહૂર્ત બાબતે આંખ ઉઘાડનાર તો એક ઘરડી માની કર્મની થિયરી કેટલી સરળ છે. ચકોર અને ચક્રમ/ચંદન બંને મજાથી માણેલા તેના મૂળમાં ડોકિયું કરવા મળ્યું. આપ્રકારનું પુસ્તક લખવા માટે ટીના દોશીનો ઘણો જ આભાર.

 7. Chintan says:

  ખુબ મજાની વાતો જાણવા અને માણવા મળી.
  આભાર.

 8. જય પટેલ says:

  ઘણા સમયે ખૂબ જ સુંદર સંકલન.

  ૧) ગુજરાતી સમાજ ક્રિયાકાંડોથી મુક્તિ મેળવે એ જ અભ્યર્થના.
  ૩) આપણાથી બની શકે તો દિવસમાં એક આંબો વાવવાનો પ્રયત્ન કરવો.
  કોઈને મદદ અથવા આપણે કોઈના કામમાં આવ્યાનો અહેસાસ માત્ર નિરાંતની ઊંઘ આપે છે.
  ૪) શ્રી ગોલીબારનું ચક્રમ મેગેઝિન ગુજરાતી વેપારીની સુઝબુઝ બતાવે છે…આજના યુગમાં
  ચક્રમ નામ વધારે યથાર્થ નિવડે….!!! શ્રી મોહમમ્દભાઈએ વાચકો પાસેથી અભિપ્રાય માગવો જોઈએ.

  પ્રેરણાત્મક સંકલનો પિરસતા રહેશો.
  આભાર.

 9. જગત દવે says:

  46 વર્ષ બાદ આજે ભાયાણી દંપતીને કોઈ વિધ્નો નડ્યાં નથી…….અને ટેલીવિઝન ચેનલો પર, અને બહોળા જનસમુદાયમાં આ અંધ-શ્રધ્ધાઓનો ‘વેપલો’ 46 વર્ષ બાદ પણ ધમધોકાર ચાલી રહ્યો છે.

  કેમ????????

 10. jay says:

  વાહ સરસ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.