વડનગર – કનૈયાલાલ ભાઈશંકર દવે

[ગુજરાતના પ્રાચીન વારસાની આબેહૂબ પ્રતિકૃતિ એટલે મહેસાણા જિલ્લાનું વડનગર શહેર. આજની પેઢીના બાળકો આ ભવ્ય ભાતીગળ વારસાથી પરિચિત થાય તે માટે મહેસાણા જિલ્લાના વહીવટી તંત્રે તાજેતરમાં ઈ.સ. 1935માં શ્રી કનૈયાલાલ દવેના હસ્તે લખાયેલ ‘વડનગર’ પુસ્તકનું પુનઃપ્રકાશન હાથ ધર્યું. આ પુસ્તકમાં સરળ શૈલીમાં વડનગરનો ઈતિહાસ, જોવાલાયક સ્થળો, શિલ્પ-સ્થાપત્ય અને વડનગરના જળાશયો-તીર્થો સહિત અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી અજયભાઈ ભાદૂ (કલેકટર, મહેસાણા) તેમજ શ્રી રમેશભાઈ ઠક્કરનો (જિલ્લા પુરવઠા અધિકારી, મહેસાણા) ખૂબ ખૂબ આભાર. આપ શ્રી રમેશભાઈનો આ નંબર પર +91 9879524643 અથવા આ સરનામે dso-meh@gujarat.gov.in સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[અ] ગુજરાતમાં વડનગરનું સ્થાન

ગુજરાતભરમાં વડનગરનું સ્થાન કેવું હતું તેમજ તેની પ્રતિભા કેવી ગણાતી તે જાણવા જેવું છે. વિક્રમની બીજી શતાબ્દીમાં પશ્ચિમ ભારતથી ઓળખાતા ગુજરાતના આનર્ત વિભાગનું મુખ્ય શહેર આનંદપુર કે આનર્તપુર હાલમાં જેને વડનગર કહેવામાં આવે છે તે ગણાતું. આ પ્રમાણે ક્ષત્રિયોના રાજ્યકાળ દરમ્યાન ગુજરાતભરમાં વડનગરનું સ્થાન ઊંચું હતું. વલભી રાજ્યકાળ દરમ્યાન વિદ્યાકળા માટે તે ગુજરાતનું બનારસ(કાશી) ગણાતું. તેમાં રહેતા અનેક વિદ્વાનોએ બહારના દેશોમાં જઈ પોતાની વિદ્યાની સુવાસ ફેલાવી છે અને તેઓની વિદ્યાની કદર કરવા વલભીના જુદા જુદા રાજવીઓએ ત્યાંના વિદ્વાનોને વલભીમાં આમંત્રી અનેક ગામ, ખેતર વગેરે દાનમાં આપ્યાં છે. જેની સાબિતી તેઓના તામ્રપત્રો ઉપરથી મળે છે.

ચીની મુસાફર હ્યુ યેન સંગે તો તે સમયના આ પ્રતાપી નગરની કારકિર્દીથી લોભાઈ આ શહેરની મુલાકાત લઈ તેનું વિગતવાર વર્ણન પોતાની નોંધપોથીમાં કર્યું છે. આથી વિક્રમના સાતમા સૈકા સુધી ગુજરાતના અગ્રગણ્ય નગરોની હરોળમાં વડનગરની ગણના થતી હતી એમ જણાય છે. અણહિલપુર પાટણની સ્થાપના થયા બાદ પણ વડનગર વિદ્વાનોના ધામરૂપ લેખાતું. ત્યાંના અનેક નાગર વિદ્વાનોને ચૌલુક્ય અને વાઘેલા રાજવીઓએ આમંત્રી તેઓની વિદ્યાકળાને સત્કારી હતી. એટલું જ નહિ પણ તેઓને પોતાના રાજપુરોહિતો અને મંત્રીઓ જેવા મોટા હોદ્દા ઉપર નીમ્યા હતા. કુમારપાળના રાજ્ય અમલ દરમ્યાન વડનગર વિદ્યા અને કલાના કેન્દ્રરૂપ સમૃદ્ધિવાન અને ધર્મવાન શહેર ગણાતું. આ સુંદર શહેરનું રક્ષણ કરવા તેમજ તેની ઉજ્જ્વળ કીર્તિને અબાધિત રાખવા ગુર્જરેશ્વર કુમારપાળે આ નગરનો કોટ બંધાવ્યો હતો. જેની સાક્ષી પૂરતો શિલાલેખ આજે પણ અર્જુનબારી (અરજણબારી) દરવાજા ઉપર વડનગરની અને સોલંકી વંશની કીર્તિગાથાઓ ગાઈ રહ્યો છે.

પુરાણોમાં જણાવેલી પુરાણકથાઓ તેમજ લોકસાહિત્યમાંથી જણાતી વડનગર સંબંધી દંતકથાઓની સત્યાસત્યતાનો વિવાદ બાજુ પર રાખી સ્થૂળ દષ્ટિએ જોઈશું તોપણ જણાશે કે ચમત્કારપુર, આનંદપુર કે વડનગરથી પ્રખ્યાત આ શહેર પ્રાચીન કાળમાં એક મહાનગર તરીકે ગણાતું હશે. ત્યાંના હિંદુતીર્થો, જૈનતીર્થો અને તે તે ધર્મનાં મંદિરો તેમજ ભુપતસંગની નોંધ પ્રમાણેના બૌદ્ધ મંદિરોના ઉલ્લેખો જોતાં જુદા જુદા ધર્મોનાં તીર્થ તરીકે પણ ગુજરાતભરમાં તેનું સ્થાન ઊંચું હોવું જોઈએ. ગુજરાત ઉપરની રાજપૂત સત્તાનો અંત આવતાં મુસલમાની સત્તા દાખલ થઈ. તે સમય દરમ્યાન પણ ગુજરાતભરમાં વડનગરની કીર્તિ પ્રસિદ્ધ હોવી જોઈએ એમ આઈને અકબરી, મિરાતે સિકંદરી અને ખાફીખાનના ઔરંગઝેબના ઈતિહાસ ઉપરથી જણાય છે. મુસલમાની સત્તા નબળી પડતાં ગાયકવાડ સરકારના ઉદયકાળે ગુજરાતના સૂબા બાબી કમાલુદ્દીનખાને પણ પોતાની સંધિમાં વડનગર અને બીજાં કેટલાંક શહેરો માગી પોતાનું મુખ્ય થાણું વડનગરમાં રાખ્યું હતું અને તેથી પણ જણાય છે કે તે સમયે ઉત્તર ગુજરાતનાં બીજાં શહેરો કરતાં વડનગરની સ્થિતિ કંઈક સારી હોવી જોઈએ.

હાલમાં તો શ્રીમંત સરકાર ગાયકવાડની સત્તા હેઠળ પહેલાંની જીર્ણ દશા ભોગવતું કોટ તથા બીજાં કળાપૂર્ણ ખંડેરોથી પોતાની પૂર્વ સમૃદ્ધિ બતાવતું વડનગર શહેર મહેસાણા પ્રાંતના એક ખૂણામાં લપાઈ રહ્યું છે.

[બ] વડનગરનાં જોવાલાયક સ્થળો

[1] શીતળા માતાનું મંદિર

શહેરમાં મોઢવાડાના ચાચરથી ગાંસકુળ દરવાજે જતાં રસ્તામાં શીતળા માતાની શેરીમાં શીતળા માતાનું મંદિર છે. આ મંદિર પ્રાચીન છે. તેનું લેવલ શહેરથી ઊંચું જણાય છે. મંદિર બેઠા ઘાટનું છે. હાલમાં તે જીર્ણવિશીર્ણ થઈ કેટલેક ઠેકાણેથી પડી ગયું છે. પેસતાં જ પ્રવેશદ્વાર ઉપર સુંદર કોતરણી કરવામાં આવી છે. તેમાં બારણાના ઉપરના ભાગમાં નવ ગ્રહો કોતર્યા છે. આ મંદિર બાંધવામાં કોઈ જૂના મહાલય કે મંદિરના પથ્થરો વાપરવામાં આવ્યા છે. કારણ કેટલાક કારીગીરીવાળા પથ્થરો જેમતેમ ગમે તે ઠેકાણે ગોઠવેલા છે. આમાં છતમાં નાખેલો એક પથ્થર જોવા જેવો છે. આ પથ્થરમાં સોળ માણસોને એક મધ્યબિંદુ ઉપર ગોળાકારે ગાડીના પૈડાના આરાની માફક કોતર્યા છે. દરેક માણસના હાથમાં હથિયારો આપવામાં આવ્યાં છે.

વળી છતમાં બીજું એક કલાચિત્ર છે. જેમાં અનેક પુરુષો જુદાં જુદાં પ્રકારનાં વાદ્યો વગાડે છે અને એક સ્ત્રી નૃત્ય કરતી હોય તેમ જણાય છે. આ મંદિરમાં પેસતાં સામે જ એક મોટો ગોખલો છે જેની બૉર્ડરમાં સુંદર કોતરણી કરેલી છે. આ સિવાય બીજા અનેક કોતરણીવાળા પથ્થરો અહીંયાં જેમતેમ પડ્યા છે. હાલમાં જોકે આ મંદિરને શીતળા માતાનું મંદિર કહેવામાં આવે છે પણ તે માતાનું મંદિર હોય તેમ જણાતું નથી. તેનો ગર્ભાગાર(ગભારો) મંદિરની મધ્યમાં છે અને તેને ફરતી ભમતી (પ્રદક્ષિણામાર્ગ) છે. તેથી મારું માનવું છે કે આ મંદિર પહેલાં વૈષ્ણવ સંપ્રદાયનું હશે.

[2] દરબાર

શહેરની મધ્યમાં હાલમાં એક ઊંચો ટેકરો છે જેને ‘દરબાર’ કહે છે. પહેલાં તે પથ્થરબંધ કિલ્લા સાથે બાંધેલું રાજમહાલય હશે એમ જણાય છે. હાલમાં તેના બે ઝરુખાના ફાંસડાઓ લટકી રહ્યા છે જેમાં કેટલીક કોતરણી કરેલી છે. પહેલાં તેમાં મકાનો હતાં પણ હાલમાં તો તે પડી ગયાં છે અને ગુજરાતી શાળાનું તેમજ ચોરાનાં મકાનો ત્યાં બાંધેલાં છે. મુસલમાની રાજસત્તા દરમ્યાન આ કોઈ રાજમહાલય કે કચેરી હશે તેથી તેમજ હાલનાં સરકારી મકાનોને લઈ તેને દરબાર કહેતા હશે.

[3] અન્ય એક પ્રાચીન મંદિર

અમરથોળ દરવાજાની બહાર નીકળતાં ડાબી બાજુ બીજું એક પ્રાચીન મંદિર છે. હાલમાં જે પડી જઈ ખંડેર જેવું બની ગયું છે. આ મંદિરની બાંધણી અને કોતરકામ ઘણાં જ ઊંચા પ્રકારનાં છે. તેમાં પાંચ નાની દેરીઓ છે. હાલતમાં તો તે પણ ઘણીખરી પડી ગયા જેવી થઈ ગઈ છે. આ દેરીઓની ચારે બાજુ તેમજ મંદિરના થાંભલાઓ ઉપર વારાહ, નૃસિંહ વગેરે વિષ્ણુના અવતારોનાં ચિત્રો કોતરેલાં છે. એક ઠેકાણે નવ ગ્રહ કોતર્યા છે. આથી તે કોઈ વૈષ્ણવ મંદિર હશે એમ જણાય છે. આ મંદિરની બાંધણી અને કારીગરી ઉપરથી માલૂમ પડે છે કે તે એક માળનું હશે તેમજ મોડામાં મોડું તેરમા કે ચૌદમા સૈકામાં બંધાયું હશે.

[4] હાટકેશ્વર મહાદેવ

વડનગરનાં જોવાલાયક સ્થળોમાં સૌથી સર્વોત્તમ હાટકેશ્વર મહાદેવનું દેરૂં જોવા જેવું છે. સમસ્ત નાગર કોમના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવ ગણાય છે. તેમનાં દર્શન કરવા દૂર દૂર દેશાવરથી નાગર લોકો વડનગરમાં આવે છે. આ દેરૂં વડનગર શહેર બહાર નદીઓળ દરવાજાની નજદીકમાં છે ને શહેર કરતાં ઘણા જ નીચાણના ભાગમાં છે. દેરૂં પથ્થરબંધ બાંધેલું છે. દેરાની ચારે બાજુ યાત્રાળુઓને ઊતરવા સારૂ ધર્મશાળાઓ બાંધેલી છે. દેરૂં ભવ્ય અને પ્રાચીન છે. તેની બાંધણી સુંદર રીતે કરવામાં આવી છે. દેરાને ફરતી ગ્રાસપટ્ટી ઉપર આવેલ વેદીમાં વિષ્ણુના દશ અવતારો અને અનેક પૌરાણિક કથાઓની હકીકતો કોતરેલી છે. દેરાની ચારે બાજુ કરવામાં આવેલું કોતરણીનું કામ ઉત્તમ પ્રકારનું છે. તેમાં મત્સય, કચ્છ, વારાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામકૃષ્ણ, બુદ્ધ વગેરેનાં ચિત્રો ઠીક કોતર્યાં છે. આ સિવાય પાંચ પાંડવો તેમજ પાંડવોની બાલક્રીડા એક ઠેકાણે કોતરેલી છે જે જોવા જેવી છે.

દેરાનું શિખર ઘણું જ ઊંચું છે. દેરામાં પેસતાં જ મોટો વિશાળ મંડપ આવે છે. મંડપમાં સામે જ ગર્ભાગાર છે. તેમાં ઊતરવાનાં પગથિયાં છે કારણ મહાદેવજી દેહરાથી પણ નીચાણના ભાગમાં છે. આ હાટકેશ્વર મહાદેવની સ્થાપના ઈ.સ.ના ત્રીજા સૈકામાં થઈ હતી એમ નાગરખંડ ઉપરથી જણાય છે. નાગરખંડના અધ્યાય 107માં લખ્યું છે કે ચમત્કારપુરમાં વત્સ ગોત્રનો ચિત્રશર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને ચમત્કારપુરમાં પાતાલના હાટકેશ્વરની સ્થાપના કરવાની ઈચ્છા થઈ, તેથી તેણે શંકરનું ઉગ્ર તપ કરી વરદાન મેળવ્યું અને ચમત્કારપુરમાં હાટકેશ્વરની સોનાના લિંગની પ્રતિષ્ઠા કરી, હાટકેશ્વરનું ભવ્ય મંદિર બંધાવ્યું. પણ ઐતિહાસિક રીતે કોણે અને ક્યારે સ્થાપના કરી દેરૂં બંધાવ્યું તે જણાયું નથી. હાલનું દેરૂં એટલા બધા પ્રાચીનકાળ જેટલું જૂનું લાગતું નથી. આથી તે પાછળથી કરવામાં આવ્યું હશે એમ જણાય છે. હાલનું દેરૂં ચારસો-પાંચસો વર્ષ પહેલાં બંધાવ્યું હશે એમ કહેવાય છે. કિંવદંતી છે કે હાટકેશ્વરનું દેરૂં શહેરના મધ્ય ભાગમાં હતું અને કદાચ તેમ હશે પણ પ્રાચીન શહેરનો નાશ થયા પછી શહેરની પુનર્રચના કરવા સંવત 1208માં હાલનો શહેરનો કોટ નવીન બંધાવ્યો ત્યારે હાટકેશ્વરનું દેવાલય શહેર બહાર રહી ગયું હશે એમ જણાય છે.

મહાદેવની વ્યવસ્થા કરવા શહેરના સદગૃહસ્થોની એક કમિટી ખેરાળુ વહીવટદારના પ્રમુખપણા નીચે નીમવામાં આવે છે. તે કમિટી મહાદેવનો તેમજ સ્વસ્થાનનો વહીવટ ચલાવે છે. અહીં શ્રાવણ મહિનામાં દર સોમવારે મોટો મેળો ભરાય છે.

[5] ચિત્રેશ્વરી માતા

ચિત્રેશ્વરી માતાનું મંદિર પીઠોરી દરવાજા પાસે આવેલું છે. આ મંદિરમાં ચિત્રેશ્વરી માતાજીની મૂર્તિ છે. મૂર્તિ ઘણી જ પ્રાચીન છે. નાગરખંડના છત્રીસમા અધ્યાયમાં ચિત્રેશ્વરી પીઠ મહાત્મ્ય આપેલું છે. તેનું મંદિર હાલમાં કલકત્તાના નાગરગૃહસ્થ શ્યામલાલ મુરારીલાલે નવીન બંધાવ્યું છે. ચિત્રેશ્વરી હાટકેશ્વરનાં બહેન થાય છે એમ લોકો કહે છે.

[4] સોમનાથ મહાદેવ

નદીઓ દરવાજાની નજદીકમાં સોમનાથ મહાદેવ છે. તે સોમપુરા સલાટોના ઈષ્ટદેવ ગણાય છે. મહાદેવનું દેરૂં ઘણું જ સારું છે. ત્યાં એક ધર્મશાળા છે. નાગરખંડના અધ્યાય 31માં સોમનાથ ઉત્પત્તિની કથા આપવામાં આવી છે.

[5] ખોખા ગણપતિ

અર્જુનબારી દરવાજા બહાર ખોખા ગણપતિનું દેવાલય છે. તેમાં ગણપતિની મોટી મૂર્તિ બેસાડેલી છે. દેરાની બાંધણીમાં કંઈ ખાસ જોવા જેવું નથી. આ ગણપતિ માટે એવું કહેવાય છે કે પહેલાં ગણપતિના માથા ઉપર ‘માથું વાઢે તે માલ ખાય’ એમ લખ્યું હતું, પણ તેની કોઈને સમજ પડતી ન હતી. એક વખત કોઈ માણસ આ શબ્દોનો ગૂઢ અર્થ સમજી ગણપતિનું જ માથું ઉતારી તેમનું પેટ જે પોલું હતું તેમાં ભરેલ સોનામહોરો કાઢી લઈ ગયો હતો અને તે સમયથી ગણપતિનું પેટ પોલું છે એમ જાણ થઈ. તેથી જ આ ગણપતિને ખોખા એટલે કે પોલા પેટવાળા ગણપતિ કહેતા હશે.

[6] અજપાળ મહાદેવ

શહેર બહાર અમરથોળ દરવાજાની નજીક ગૌરીકુંડની પાસે અજપાળ મહાદેવનું દેવાલય છે. નાગરખંડમાં પણ અજપાળનું માહાત્મય વર્ણવ્યું છે. સ્થાન પ્રાચીન છે. સંન્યાસી, બ્રહ્મચારી વગેરેને અહીં સમાધિ આપવામાં આવે છે. અહીં એક નાની દેરીમાં બુદ્ધનું માથું જોવામાં આવ્યું છે. આ સિવાય શહેરમાં તથા શહેર બહાર ભેહરોડ મહાદેવ, દાનેશ્વર મહાદેવ, અંબાજી માતા, કાલિકા માતા, આશાપુરી માતા, દુર્ગા માતા, શીતળા માતા, અજાઈ માતા, પીઠોરી માતા એમ અનેક દેવાલયો છે.

[7] વૈષ્ણવ મંદિરો તેમજ અન્ય મંદિરો

વૈષ્ણવ મંદિરોમાં વલ્લભી સંપ્રદાયનાં બેચાર મંદિરો છે. તેમાં દ્વારકાધીશનું મંદિર મોટું છે. તે બજાર વચ્ચે તળાવની પાસે આવેલું છે. હાલમાં તે નવીન બાંધવામાં આવ્યું છે. આ સિવાય રણછોડજીનું, લક્ષ્મીનારાયણનું, રામચંદ્રજીનું, નરનારાયણનું વગેરે બીજાં અનેક વૈષ્ણવ મંદિરો છે. શૈવ અને વૈષ્ણવ મંદિરો સિવાય પણ વડનગરમાં અન્ય ધર્મોનાં બીજાં પણ કેટલાંક મંદિરો છે. તેમાં સ્વામીનારાયણ સંપ્રદાયનું એક મંદિર છે. તેની બાંધણી સુંદર છે. મંદિર મોટું અને વિશાળ છે, જે ધીણોજા ઓળે આવેલું છે. રામકબીર, સત્યકેવળ અને તુલસી મંદિર વગેરે જુદા જુદા પંથોનાં બીજાં કેટલાંક મંદિરો છે.

[8] જૈન મંદિરો

આ શહેરમાં જૈનધર્મનાં બે મોટાં મંદિરો છે. પહેલાં વડનગર જૈનતીર્થ ગણાતું અને જૈનધર્મનાં અનેક મંદિરો હતાં. હાલમાં તો ફક્ત થોડાં જ છે. તેમાંનું એક દેરૂં મોઢવાડાના ચાચરા પાસે આવેલું છે. આ દેરૂં મોટું છે. તેની ભમતી (પ્રદક્ષિણામાર્ગ)માં બીજાં બાવન નાનાં નાનાં મંદિરો છે. આવા દેરાને ‘બાવન જીનાલય પ્રાસાદ’ કહેવામાં આવે છે. આ મંદિરમાં પેસતા જ બારણા પાસે એક પથ્થરનો મોટો હાથી છે તેથી લોકો તેને હાથીવાળું દેરૂં કહે છે. હાથી ઉપર દેરૂં બંધાવનાર ગૃહસ્થની નમસ્કાર કરતી મૂર્તિ બેસાડવામાં આવી છે. પ્રાચીન સમયમાં, મોટાં મોટાં મંદિરો બંધાવનાર ગૃહસ્થોની મૂર્તિઓ આમ બેસાડવામાં આવતી હતી. આબુ ઉપર દેલવાડાના મંદિરમાં પણ મંદિર બંધાવનાર વસ્તુપાળ-તેજપાળની મૂર્તિ તેના કુટુંબસહ બેસાડેલી છે. તેમાં તે બન્ને ભાઈઓ સવાર થયેલા અને મંદિરની ભીંતો ઉપર જૈન આગમોનાં અને પુરાણોનાં અનેક ચરિત્રો, સુંદર કલમથી ચીતરવામાં આવ્યાં છે. તેમાં શેત્રુંજય અને ગિરનાર પર્વતોના દેખાવો આબેહૂબ ચીતર્યા છે અને તે ચિત્રકામ બગડે નહિ તે માટે તેના ઉપર પારદર્શક કાચ જડી દેવામાં આવ્યા છે. આ દેરૂં કોણે બાંધ્યું અને ક્યારે બંધાયું તે માટે કંઈ હકીકત મળતી નથી. પણ ભીમતીમાંની મૂર્તિઓની નીચેની પ્રશસ્તિમાં તેરમા સૈકા પછીની સાલો આપેલી છે. જોકે હાલનું દેરું તેટલું પ્રાચીન નથી પણ પહેલાં આ જ સ્થાને કોઈ પ્રાચીન જૈનમંદિર હશે જેનો જીર્ણોદ્ધાર પાછળથી કરવામાં આવ્યો હશે.

બીજું દેરૂં સાંકડી શેરીના માડ પાસે આવેલું છે તે નવીન છે અને થોડાં વર્ષ પહેલાં બંધાયું હતું. તેમાં સામે જ ગર્ભાગાર છે. તેમાં પાર્શ્વનાથની મૂર્તિ છે. દેરામાં નીચે ભોંયરું છે, તેમાં પણ તીર્થંકરોની મૂર્તિઓ છે. દેરાની બાંધણી નવીન ઢબ પ્રમાણે સરસ કરવામાં આવી, તેમાં કોતરકામ ઠીક કર્યું છે.

[કુલ પાન : 152. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : બુકશેલ્ફ, 16, સીટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-380009. ફોન : +91 79 26563707. ઈ-મેઈલ : bookshelfa@gmail.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સજ્જનોના સંગે – મૃગેશ શાહ
હાસ્યથી રુદન સુધી (ભાગ:3) – નિર્મિશ ઠાકર Next »   

7 પ્રતિભાવો : વડનગર – કનૈયાલાલ ભાઈશંકર દવે

 1. hardik says:

  વર્ષૉ પહેલાં વડનગર એ શેત્રુંજય ની તલેટી હતી જે હાલ પાલીતાણા છે. વડનગર વિશે ખુબ જ આબેહુબ વર્ણન કરેલ છે. આભાર.

 2. Sakhi says:

  I am proude to be a Vadnagara Leauva Patel My both grandparent and my father born in Vadnagar still our releative live in Vadnagar

  When ever I go to India I visit Vadnagar ,There are some more place to visit like

  Tana Riri ni Deri,Sarmistha Lake now off the day It like picnic place ,Narsi Mehta ni Chori ,Zanzaniyo Kuvo,
  Vadnagar’s funaral place,Arjunbari nu Paru,

  There was old Gujarati movie base on Vadnagar I do not know the name of movie I remember I watch that Movie.

  Thanks to Murgesh bhai to post very nice artical about Vadnagar

  Thanks to Ajaybhai and Rameshbhai

 3. Ashish Dave, Sunnyvale, California says:

  Few pictures would have really helped us enjoy the article more…

  Ashish Dave

 4. mounang says:

  હુ ગર્વ અનુભવુ ચુ કે હુ વદ્નગર નો ચુ.

 5. રીડ ગુજરાતી . કોમ ઉપર મને વડનગરના હાટકેશ્વર મહાદેવના મંદિરની માહિતી મળી તે ખુબજ ઉપયોગી નીવડી
  આપનો લેખ ખુબજ સારો છે. આભાર.

 6. કૃતિ વાઁચવી ગમી.આભાર !

 7. Dhiren says:

  The article writer does not seem to be knowing the difference between ” Deru ” and ” Mandir “.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.