હાસ્યથી રુદન સુધી (ભાગ:3) – નિર્મિશ ઠાકર
[ નિર્મિશભાઈના ‘હાસ્યથી રુદન સુધી’ પુસ્તકમાંની કેટલીક કૃતિઓ આપણે અગાઉ માણી હતી. આજે માણીએ વધુ બે કૃતિઓ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે નિર્મિશભાઈનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nirmish1960@yahoo.com અથવા આ નંબર પર +91 9427504245 સંપર્ક કરી શકો છો.]
[1] બરસાત મેં હમ સે મિલે તુમ ?
વરસાદમાં એવું તે શું હોય છે ? ચિંતનનો વિષય છે. ભાદરવા મહિનામાં કૂતરાં ગેલમાં આવી જાય એ સ્વાભાવિક છે, પણ મનુષ્ય માટે તો બારે મહિના સરખા હોવા જોઈએ ! ભાદરવાના ભીંડા અને મનુષ્યમાં થોડો ફરક તો રહેવો જોઈએ. વરસાદમાં ઘેલા ઘેલા થઈ જવાનું ? એની એ જ બાબત જાણે ‘પહેલી જ વાર બની હોય’ એ રીતે રજુ કરાય, ત્યારે મને એ વધારે પડતી ચાંપલાશ લાગે છે. પહેલો વરસાદ પડતાંની સાથે માણસો કેવી કેવી ચાંપલાશો કરશે, એની મને પાકી ખબર છે.
વરસાદની સાથે જ પહેલાં તો કવિઓ રઘવાયા થઈ જાય છે. (‘રઘવાયા’ને બદલે ‘હડકાયા’ છપાય તો એની છાપભૂલ સમજવી.) કેટલાક કવિઓ માળિયે પડેલું ‘મેઘદૂત’ ઊતારી, એ રીતે બારીએ જઈ વાંચશે, જાણે કે એ હમણાં જ છપાયું હોય, પહેલી વાર આપણે ત્યાં વરસાદ પડ્યો હોય અને એ પહેલી વાર જ પઠન કરતા હોય ! કેટલાક ગઝલકારો તરત ‘વરસાદમાં’ રદીફને ઝાલી પાડી ફાફડાનો ગરમાગરમ પહેલો ઘાણ જ ઊતારતા હોય, એમ ‘વરસાદી ગઝલ’ લખવા માંડશે. આ સિઝનમાં વરસાદી ગઝલનો જેટલો ફાલ ઊતરે છે, એટલો તો આપણે ત્યાં વરસાદ પણ નથી પડતો ! કેટલાક કવિઓ તો ફલૅટની ગૅલેરીમાં ભરતડકે પોતાની ટાલ પર પાણીનાં ફોરાં ઝીલતાં ઝીલતાં કવિતાનું શીર્ષક બાંધે છે : ‘નાગો વરસાદ’. ઉપલા માળે સૂકવાયેલાં કપડામાંથી ટપકતું પાણી કવિની ટાલ પર ઝીલાતું હોય, એની ન કવિને ખબર હોય, ન આપણને ! પણ કવિતા તો અંતે આપણે માથે પડેને ?
પત્રકારો ને પ્રેસફોટોગ્રાફરો પણ ઓછા નથી હોતા ! વીસ વરસ પહેલાં બીજા કોઈ છાપાને વળગાડી હોય, એ જ તસવીર હાલના છાપામાં ‘પહેલા વરસાદ’ની જેમ ગોઠવે. એમાં નાજુક ટુ-વ્હીલર પર બે પ્રેમીઓ વરસતા વરસાદમાં છત્રી હેઠે ભરાઈ મકાઈ-ડોડો ખાતા હોય, એવું દ્રશ્ય હોય ! અને નીચે ચાંપલું લખાણ હોય : ‘વરસાદની સવારી આવી પહોંચી છે, અને જુઓ તાજી જ તસવીરમાં…. પાણીમાં ખિલી ઊઠેલાં કમળ જેવાં બે પ્રિય પાત્રો જાણે કે રમેશ પારેખની પંક્તિઓ ગાઈ રહ્યાં છે : મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે !’ શું તગારું ? તમે તસવીરમાં ધ્યાનથી જોશો તો એ ટુ-વ્હીલર પર ‘ટીવીએસ-ફીફટી’ લખેલું વંચાશે ! વીસ-પચીસ વર્ષ પહેલાં એ હઠીલી બકરી જેવું ટુ-વ્હીલર મેં ખેંચ્યું છે, એટલે મને તો ખબર છે ! વરસાદના બે છાંટા પડે કે તરત એ ઠરી જતું. મોટે ભાગે એને રીપેર કરવા કોઈ તૈયાર ન થતું. એને અહીંથી ત્યાં ખેંચવામાં આંતરડાં ઊંચાં આવતાં અને અશક્તિથી લથડી પડીએ પહેલાં મકાઈ-ડોડો ખાઈને ટકી જવાની ઈચ્છા થઈ આવતી, એ હું કેમ ભૂલું ? ‘ટીવીએસ-ફીફટી’ પર બીજી વાર બેસવા તૈયાર થાય, એવી કોઈ પ્રિયતમા વિશ્વમાં છે જ નહીં, પણ ફોટો છપાય ત્યારે એ સત્ય એમાં ઝડપાતું નથી !
વરસાદમાં કેટલાક કાકાઓ વળી નવયૌવન પ્રાપ્ત કરતા હોય છે. એકાંત મળતાં જ, તાળવું ફાટી જાય એવી ઉધરસો એકસામટી ખાઈ નાંખ્યા પછી કાકા રોમેન્ટિક બની કાકીને કહેતા હોય છે : ‘ઘણા દા’ડા થઈ ગ્યા, જરા આમ આય તો !’ કાકી કશી ‘હા-ના’ થવાના જોખમી ધ્રાસકા સાથે કાકા પાસે જાય. પછી કાકા કહે, ‘ભજીયાં ખાધે ઘણા દા’ડા થઈ ગ્યા હોં ! આજ તો ભજીયાં બનાય, જા !’ આટલું સાંભળી કાકી બબડતાં બબડતાં પાછાં જાય : ‘આખી જિંદગી ગઈ, પણ ભજીયાંથી આગળ ના વધ્યા ! બળ્યાં તમારાં ભજીયાં, આટલું કહેવા છેક ત્યાં બોલાઈ ?’
‘નિમ્મેસભૈ, વરહાડમાં ટમે હું કરટા છો એ કે’વ, બસ વાટ પૂરી !’ ગનપટ હુરટી વરસાદમાં આવું પૂછી મને ઉશ્કેરે છે, એટલે હું તરત બાથરૂમમાં ભરાઈ જાઉં છું ! અફકોર્સ, નહાવા માટે યાર ! વરસાદમાં નહાવાથી મને શરદી થઈ જાય, તો તમે બામની બાટલીયે આપો એવા નથી, એ હું જાણું છું મિત્ર !
[2] વજનનાં લફરાં
‘મને કેમ યાદ કર્યો ? કોઈ ખાસ સમસ્યા છે ?’ મેં અદ્ધર જીવે સંપાદકશ્રીને પૂછ્યું.
‘કાયમની સમસ્યા છે, વજનની સમસ્યા છે……’ એમણે નિરાશા સાથે કહ્યું.
‘હા, તમારું વજન વધી રહ્યું હોય, એમ તો મને ય લાગે છે. તમારે દોરડાં કૂદવાં જોઈએ, જેથી….’ મેં ઉત્સાહ દર્શાવ્યો.
‘અરે, શરીરના વજનની વાત નથી કરતો.’ એ કંટાળ્યા.
‘તો ?’
‘તમારા લેખોમાં વજન નથી.’ એમણે ચોખવટ કરી.
‘તો આપણે પાનાં વધારી દઈએ…’ મેં ઉકેલ બતાવ્યો.
‘અરે યાર, જથ્થાની વાત નથી કરતો, શબ્દમાં વજન લાવો !’
‘ગયે મહિને પણ તમે આવું કહેલું. પણ હું શું કરું ? હું ભાર દઈને લખું છું તો બોલપેન બટકાઈ જાય છે અને કાગળ પણ ફાટી જાય છે….’ મેં ફરિયાદ કરી.
‘શબ્દમાં એ રીતે વજન ના લવાય મિત્ર ! તમે લેખક થઈને આટલુંયે સમજતા નથી ? તમારી સાથે તો ચર્ચાનો જ કોઈ અર્થ નથી !’ એમણે પોતાનું લમણું ઝાલી પાડ્યું.
પ્રિય વાચકમિત્રો, મારા દામ્પત્યજીવનમાંયે ‘વજન’ની જ માથાકૂટ છે. મારું વજન ક્યાંય પડતું નથી… ને અમારા શ્રીમતીજીનું વજન વધતું જ જાય છે, શું કરીએ ?’
‘ઑફિસમાં તમારું વજન પડતું નથી.’ શ્રીમતીએ મને કહેલું.
‘એમ તો ઘરમાંયે મારું વજન ક્યાં પડે છે ?’ મેં કહેલું.
‘સાંભળ્યું છે કે બોસ તમને કાયમ તતડાવતા હોય છે ?’
‘અને તું ?’
‘ઑફિસમાં જરા કડક થશો, તો વજન પડશે.’
‘મારે તો ઘરમાંયે કડક થવું છે……’ હું ટટાર થયો.
‘અવળી વાતો મને પસંદ નથી…..’ શ્રીમતીનો અવાજ તરત ઊંચો થયો ને ચર્ચા અટકી પડી.
ઓફિસમાં વજન પાડવા મેં મરણિયા પ્રયત્નો પણ કર્યા છે. જો કે કડક થવા છતાં અમારો સ્ટાફ મને ગાંઠતો નથી, ઉપરથી હસે છે ! ‘હું કડક હાથે કામ લઈશ !’ એમ હું કહું છું, ત્યારે જવાબ મળે છે કે….. ‘સાહેબ, ગમ્મત ના કરો !’ ઓછું બોલવાથી વજન વધારે પડે, એમ પણ મેં સાંભળેલું. પણ ઓછું બોલવાથી હું ખોટમાં જતો હોઉં, એવું લાગ્યા કરે છે !
‘તું પૃથ્વી પર ભારરૂપ છે !’ એક મિત્રે તો મને સ્પષ્ટ કહેલું.
‘અલ્યા, મારું વજન ક્યાંય પડતું નથી, ને તું કહે છે હું પૃથ્વી પર ભારરૂપ છું !’
‘તું હજી સુધી કાંઈ નોંધપાત્ર કામ કરી શક્યો નથી, એના કરતાં તો મરી જવું સારું !’ એણે કહેલું.
‘એટલે શું મારે આપઘાત કરવો ?’
‘એ તો તું જાણે !’ એ મને ગૂંચવીને ચાલ્યો ગયો. મને તો મારા કરતાં શ્રીમતીના વજનની વધારે ચિંતા થવા લાગી છે. શ્રીમતીએ શરીર એટલું વધાર્યું છે કે આ દેશમાં મોંઘવારી હશે, એમ કોઈ માને નહીં ! શ્રીમતીને બધાં ‘સુખી ઘરનાં’ માને છે અને એ જ ઘરમાં હું દુઃખી છું.
‘આપણે સાથે બહાર પણ નીકળી શકતાં નથી. તું મારી મમ્મી જેવી દેખાય છે, હવે જરા શરીર તો ઘટાડ !’ મેં એકવાર શ્રીમતીને ગંભીરપણે ફરિયાદ કરેલી.
‘પણ વજન આપમેળે જ વધે છે, એમાં હું શું કરું ?’
‘ફક્ત પાતળા થવા વિશેના લેખો વાંચવાથી કાંઈ ના થાય ! બપોરે ઘોરવાનું છોડી દે અને જમવા પર કન્ટ્રોલ રાખ. થોડી કસરત શરૂ કર, દોરડાં કૂદવાનું રાખ !’ તક મળતાં મેં સલાહ આપેલી.
થોડા દિવસ પછી અમારા ફલેટની નીચે રહેતાં પાડોશીઓ અમારે ત્યાં હલ્લો લઈ આવ્યા, ‘નિર્મિશભાઈ, તમે આ શું માંડ્યું છે ?’
‘જરા ચોખવટથી વાત કરો….’ મેં અધ્ધરજીવે કહ્યું.
‘અમે તમારી નીચે રહીએ છીએ, એટલે શું અમે ગધેડા છીએ ?’
‘એવું મેં ક્યાં કહ્યું છે ?’
‘દરરોજ ભરબપોરે તમે અમારી ઊંઘ હરામ કરો છો. તમે ઘરમાં શું પછાડ્યા કરો છો ? પીપડાં પછાડો છો કે શું ?’ પાડોશીઓએ રાડારાડ કરી મેલી.
‘જે પછડાતું રહે છે તે પીપડું નહીં, મારી પત્ની છે ! એ બપોરે નવરી હોય છે એટલે જરાક દોરડાં કૂદે છે…’ મેં કહ્યું.
‘જરાક દોરડાં કૂદે છે ? અરે નીચે એવા ભયંકર ધબાકા થાય છે કે છતમાંથી ચૂનો ખરે છે, સમજ્યા ?’ ખેર, જેમતેમ કરી પાડોશીઓને તો મેં સમજાવીને કાઢેલાં.
‘બચ્ચા, તું મૂર્ખ છે ! અમે તો અંતર્યામી છીએ, બધુંયે જાણીએ છીએ ! તારા અંતરાત્માનું તારા પર વજન પડતું નથી અને તું આંધળોભીંત થઈને ફરે છે ! એટલે જ તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. હવે મોહમાયા છોડીને સહજ જિંદગી જીવ. જા, તારા અંતરાત્માનું કહ્યું માન…..’ એક સાધુમહારાજે તો મને ઝાટકી નાંખેલો. ત્યાંથી નીકળી ભ્રમિત ચિત્તે હું ઘેર આવેલો. હાલ સ્તબ્ધ થઈને બેઠો છું. મિત્રો, આ ‘વજન’નાં લફરાં તમારે ત્યાં નથી ? તમે કેવી રીતે લહેર કરો છો ?
[કુલ પાન : 176. કિંમત રૂ. 90. પ્રાપ્તિસ્થાન : પાર્શ્વ પબ્લિકેશન. નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-380001.]
Print This Article
·
Save this article As PDF
નિર્મિશભાઈ,
વરસાદ વાળી વાત તૉ એક્દમ સાચી દરેક વખતે વરસાદ માં દાલવડા ખાવા જઈયે ત્યારે આવાં જ વેવ્લાં વેડાં કરતાં.
બન્ને લેખ ખુબ સરસ. આ લાઈન સ્ટેન્ડ આઊટ છે. “અમે તમારી નીચે રહીએ છીએ, એટલે શું અમે ગધેડા છીએ ?’”
😀
‘વજન’ પાડવા પહેલા વજનદાર બનવું પડે જેમ કલાપી એ કહું એ તેમ “સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે”… 🙂
too good article….. good … morning…
ખુબ જ સરસ નિર્મિશ ભૈ! તમે ત તમારી બૈરી ને જીંમ મા જ મોકલો… હા હા હા.. અને “કેટલાક કવિઓ તો ફલૅટની ગૅલેરીમાં ભરતડકે પોતાની ટાલ પર પાણીનાં ફોરાં ઝીલતાં ઝીલતાં કવિતાનું શીર્ષક બાંધે છે : ‘નાગો વરસાદ’. ઉપલા માળે સૂકવાયેલાં કપડામાંથી ટપકતું પાણી કવિની ટાલ પર ઝીલાતું હોય, એની ન કવિને ખબર હોય, ન આપણને !”
ખુબ મજા આવી…
નિર્મિશભાઈ હસતા હ્સતા પણ મોટી વાતો કહી દે છે, “તારા અંતરાત્માનું તારા પર વજન પડતું નથી અને તું આંધળોભીંત થઈને ફરે છે ! એટલે જ તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. હવે મોહમાયા છોડીને સહજ જિંદગી જીવ. જા, તારા અંતરાત્માનું કહ્યું માન…..”
બસ વાટ પૂરી !!
નયન
મઝા આવી, આવી ‘વાટ પૂરી’ થાય તો મઝા ના આવે….
Very good nimeshbhai! Lage raho..
બહુ સરસ
very gud article!!!!–thanks
હા હા હા હા…………………………ખુબ સરસ.
મજા આવી ગઈ…
Ashish Dave
નિર્મિષભાઈ,
વજન વિષેનો તમારો લેખ વજનદાર છે.બાકી હલકા ફુલકા લેખો પણ અમારું ટેન્શન હલકુ કરે જ છે.
આભાર
‘અમે તમારી નીચે રહીએ છીએ, એટલે શું અમે ગધેડા છીએ ?’
‘એવું મેં ક્યાં કહ્યું છે ?’
‘દરરોજ ભરબપોરે તમે અમારી ઊંઘ હરામ કરો છો. તમે ઘરમાં શું પછાડ્યા કરો છો ? પીપડાં પછાડો છો કે શું ?’ …..
બધા હાસ્ય લેખો પર આ આટલો પ્રસગ જ ચડિયાતો છે…. Very Good !!!