પરંપરાપુરના પ્રધાનનો પ્રશ્ન – ધીરુબહેન પટેલ

[‘નવનીત સમર્પણ’ જૂન-2010માંથી સાભાર.]

પરંપરાપુરના પ્રધાન ભારે મૂંઝવણમાં હતા. ત્રણેક મિનિટ ચાલે એટલો લાંબો નિસાસો નાખીને એમણે વિચાર્યું કે આ બાબતનો ફેંસલો તો ખુદ રાજાજીએ જ કરવો જોઈએ. પરંતુ આ વિચારનોયે કશો અર્થ નહોતો, કારણ કે રાજાજી ક્યારેય કશો ફેંસલો કરતા જ નહોતા. મીઠું મીઠું મલકીને પૂછતા : ‘અમે ફેંસલો કરવા માંડીશું તો પછી તમે શું કરશો, પ્રધાનજી ?’ એ સવાલનો જવાબ પ્રધાન પાસે નહોતો. રાજાજીની વાત પણ સાચી હતી. એમના પિતા કે દાદા કે વડદાદા કે પરદાદા કે એમનાયે પરદાદા લગીના કોઈ પણ રાજવીએ પરંપરાપુરની રાજગાદી પર બેસીને ક્યારેય કશો નિર્ણય લીધો જ નહોતો. એ કામ પ્રધાનનું જ ગણાતું અને જે પ્રધાન એ કામ ન કરી શકે તે પ્રધાનપદ પોતાની મેળે જ છોડી દઈને દેશની બહાર જતો રહેતો.

બીજો લગભગ સાડાત્રણ મિનિટનો નિસાસો નાખીને પ્રધાન ઊઠ્યા અને નગરના સૌથી ઘરડા માણસ પાસે જઈને પૂછવા લાગ્યા :
‘છોકરાઓ જે રમત માટે મેદાનની માગણી કરે છે તે તમે જોઈ છે ?’
ડોસાએ ડોકું ધુણાવ્યું.
‘એનું નામ સાંભળ્યું છે ?’
‘ના.’
‘તો પછી આપણે એને શી રીતે દાખલ કરી શકીએ ? જેની પરંપરા જ ન હોય એને આપણા રાજ્યમાં સ્થાન કેવી રીતે અપાય ?’
‘તમે જાણો. પ્રધાન તો તમે જ છોને ?’
‘હા, હજી લગી તો છું.’ કહી પ્રધાન ઊઠ્યા અને ડોસાના ઘરમાં ચારેબાજુ લટકતાં બાવાંજાળાં જોઈને ચાર મિનિટનો જોરદાર નિસાસો નાખવાનો વિચાર માંડી વાળીને બહાર નીકળ્યા. રથ બહાર જ ઊભો હતો પણ એમાં બેસવાને બદલે ચાલવા જ માંડ્યા. એ બિચારા ખરેખર બહુ જ મૂંઝાઈ ગયા હતા અને હવે શું કરવું જોઈએ તે એમને સૂઝતું જ નહોતું.

રસ્તામાં એમણે કેટલાંયે મેદાનો જોયાં. કોઈ મોટાં, કોઈ નાનાં, કોઈ લંબચોરસ, કોઈ ચોરસ, કોઈ લીલા ઘાસવાળાં, કોઈ સૂકા ઘાસવાળાં. એમાંથી કોઈ પણ એક પસંદ કરીને છોકરાઓને આપી શકાત પણ તેઓ જે રમત રમવા માગતા હતા એનું નામ પણ એમણે સાંભળ્યું નહોતું ને હવે ખબર પડી કે રાજ્યના સૌથી બુઢ્ઢા માણસને પણ એના વિશે કંઈ જ ખબર નહોતી. હવે આવી તદ્દન અજાણી બિલકુલ નવી રમત માટે મેદાન કેવી રીતે આપી શકાય અને છોકરાઓને એ રમવાની રજા પણ ક્યાંથી અપાય ?

અંતે એ એકલા એકલા ચિડાઈ ગયા અને એમણે નક્કી કર્યું કે આવી મુસીબત ઊભી કરનારા છોકરાઓને ધમકાવી નાખવા. પણ છોકરાઓ તે વખતે સાતતાળી રમતા હતા અને ગલીકૂંચીઓમાં દોડાદોડી કરતા હતા. રાજમહેલના દરવાજામાં એ પેસવાની તૈયારીમાં હતા ત્યાં જ એક છોકરો એને પકડવા આવનારા છોકરાના જોરદાર ધક્કાથી એમના પગ પાસે પડી ગયો. ચિડાયેલા પ્રધાનને એટલું જ જોઈતું હતું. એમણે મોટો ઘાંટો પાડીને કહ્યું :
‘ચાલ, ઊભો થા અને સાચેસાચું કહે જોઈએ, આ નવી રમત માટે મેદાન માગવાનું કોણે તમને શીખવાડ્યું છે ?’
‘વિન્દુએ.’ છોકરો ઊભો થઈને કપડાં પરની ધૂળ ખંખેરતાં બોલ્યો.
‘કોણ વિન્દુ ? કોનો દીકરો ? ક્યાં રહે છે ? હમણાં ને હમણાં એની કાનપટ્ટી પકડીને મારી પાસે લઈ આવ નહીંતર તારી ખેર નથી.’ છોકરાએ તરત ગબરડી મૂકી અને બે મિનિટમાં વિન્દુને લઈને હાજર થયો.
‘તું જ વિન્દુ છે ?’
‘જી.’
‘કોનો છોકરો ?’
‘કોઈનો નહીં.’
‘એ કેવું ? સાચું બોલ.’
‘સાચું જ કહું છું. હું મારી મા સાથે તુક્કાબાદ રહેતો હતો. મારે બાપ તો છે જ નહીં ને મા મરી ગઈ એટલે હું અહીં આવ્યો. મારી નાનીને ઘેર. હું કોઈનો નથી.’ આ વળી નવી ઉપાધિ. આને મા નથી, બાપ નથી તો આનાં તોફાન માટે વઢવું કોને ? નાની બિચારી ઘરડી હશે. માંડ ચાલી શકતી હશે. એને બોલાવવાથીયે શો ફાયદો ?

‘વિન્દુ ! તેં આ છોકરાઓને શીખવાડ્યું કે મેદાન માગો ?’
‘હા જી.’
‘શા માટે ?’
‘ક્રિકેટ રમવા માટે.’
‘ક્રિકેટ ? એ વળી શું ?’
વિન્દુ બહુ રસપૂર્વક પ્રધાનને સમજાવવા લાગ્યો કે ક્રિકેટ એટલે શું. પ્રધાન એની વાત સાંભળતાં સાંભળતાં માથું ખંજવાળવા લાગ્યા. પછી વચ્ચે જ કંટાળીને બોલ્યા, ‘ઓહો, એમ કહેને ! ગેડીદડો ! એ રમત અહીંની જ છે. એને માટે મેદાન આપી શકાય.’
‘ના, ના ! ગેડીદડો નહીં. ક્રિકેટ ! ક્રિકેટ !’
‘ઠીક હવે, એ બધું એકનું એક.’
‘ના, એકનું એક નહીં… એમાં તો….’
વિન્દુનું ભાષણ લાંબું ચાલશે એમ લાગવાથી પ્રધાન દરવાજાની અંદર આવેલી પાળ પર બેસી ગયા અને શા માટે બેય બાજુ અગિયાર જ જણ જોઈએ અને બે બાજુ ત્રણ ત્રણ લાકડીઓ રોપીને ઉપર લાકડાની નાની ગરગડીઓ ગોઠવવી જોઈએ એ બધું શાસ્ત્ર સમજવાનાં ફાંફાં મારવા લાગ્યા. અંતે પાંચ મિનિટનો નિસાસો નાખીને એમણે પૂછ્યું : ‘આવી મૂર્ખાઈભરી રમત ક્યા દેશમાં રમાય છે ?’
‘તુક્કાબાદમાં.’
‘તુક્કાબાદના લોકો સાવ ઘેલા લાગે છે.’
‘ના રે ના ! તમને ખબર નથી, આ રમત તો બહુ બધા દેશોમાં રમાય છે.’
‘ખરેખર ?’
‘જી. તમે મેદાન આપશો તો અમે અહીં પણ રમીશું.’
‘ના…. આ મામલો તો ઊંડી તપાસ માગી લે છે. બરાબર વિચાર કરીને નક્કી કરવામાં આવશે કે પરંપરાપુરમાં આ રમત રમવા દેવાય કે નહીં. ત્યાર પછી મેદાનની વાત.’

પ્રધાને તો એક ચોકીદારને વિન્દુની નાનીને ઘેર મોકલ્યો ને વિન્દુ ગપ્પાં મારે છે કે સાચું કહે છે એની તપાસ કરી આવવા કહ્યું. બરાબર સાત દિવસ ને સાત રાત વીત્યા પછી પ્રધાને નક્કી કર્યું કે પડોશના તુક્કાબાદ રાજ્યમાં જઈને જોઈ આવવું જોઈએ કે આ રમત કેવી છે અને એ રમનારા લોકો કેટલા સુખી છે. પ્રધાને તો બધી તૈયારી કરી એટલામાં રાજાને ગાલપચોળિયું થયું. એમનાથી હલાય નહીં ચલાય નહીં, મોજમજા થાય નહીં, જે ફાવે તે ખવાય નહીં. આખો વખત પ્રધાનને સામે બેસાડી રાખીને કહે કે વાર્તા કહો, મને ગમાડો. ગીત ગાઓ, મને ગમાડો. પ્રધાનની તો દશા બેઠી. પછી એમણે પરંપરાપુરના પંદર માણસોને ભેગા કર્યા. એક વેપારી, એક સૈનિક, એક વહાણવટી, એક શિલ્પી, એક સોની, એક કંસારો, એક ખેડૂત, એક વણકર, એક દરજી, એક ચિતારો, એક ગાયક, એક શિક્ષક, એક ભરવાડ, એક કઠિયારો, એક ખેલાડી. બધાને કહ્યું, ‘પડખેના રાજ્યમાં જાઓ. ત્યાં એક વિચિત્ર રમત રમાય છે. એનું નામ છે ક્રિકેટ. બરાબર તપાસ કરો કે એ રમત કેવી છે. એ રમતને લીધે રમનારા પર, રમાડનારા પર, જોનારા પર અને દેશની સુખાકારી પર કેવી અસર થાય છે. પાછા આવીને બધા ભેગા બેસીને નક્કી કરો કે આ રમત આપણા પરંપરાપુરમાં દાખલ કરવા જેવી છે કે નહીં અને એને માટે મેદાન આપવા જેવું છે કે નહીં. જોજો, તુક્કાબાદના લોકોનો કંઈ ભરોસો નહીં. વાતચીત કરીને નહીં, જાતે જોઈને આવજો કે ખરી બીના શી છે. આજે સુદ પડવો છે. પૂનમને દિવસે પાછા આવજો અને મને જણાવજો તે પ્રમાણે આપણે નિર્ણય લઈશું. જોજો, ભારે જવાબદારીનું કામ છે, તમારા પર ભરોસો રાખીને સોંપ્યું છે.’
‘ચિંતા ના કરો પ્રધાનજી, તમે તમારે વાર્તા કહો ને ગીતો ગાઓ, રાજાજીને ગમાડો. તમારું ગળું બેસી જાય તે પહેલાં અમે પાછા આવીશું અને જે હશે તે સાચેસાચો અહેવાલ આપીશું.’ બધાએ કહ્યું અને આવું મહત્વનું કામ સોંપાયું તેથી રાજી થતાં થતાં તુક્કાબાદની દિશામાં ઊપડ્યા.

એક, બે, ત્રણ-ચાર…. દિવસ પર દિવસને જતાં કંઈ વાર લાગે છે ? પૂનમ તો આવીને ઊભી રહી. પ્રધાનજીએ તો મોટા ચોકમાં રૂનાં ગાદલાં નખાવ્યાં, ધોળી બાસ્તા જેવી ચાદરો પથરાવી ગુલાબજળ છંટકાવ્યું ને બધાની રાહ જોતા બેઠા. થોડી વાર થઈ ત્યાં તો એક પછી એક સૌ આવવા લાગ્યા. મોઢાં ઝાંખાંઝબ ને પગલાં ઢીલાંઢબ.
‘અરે ! અરે ! શું થયું ? શા સમાચાર લઈ આવ્યા ?’
‘કશું કહેવા જવું નથી.’ બધા જેમ તેમ નીચા નમી, હાથ જોડીને ગાદલાં પર પડતું નાખવા લાગ્યા.
‘શું છે પણ ? વાત તો કરો !’
‘પ્રધાનજી, શું કહીએ ? સો વાતની એક વાત. આ રમત આપણે ત્યાં પેસાડવા જેવી નથી.’
‘કેમ ?’
‘બસ એમ જ.’
‘અરે, પણ વાત તો કરો !’
‘આખા દેશના હાલહવાલ થઈ ગયા છે. આ રમત નથી, રોગ છે. સાદો રોગ નહીં, મહામારી !’
‘અરરર, લોકો મરી જાય છે ?’
‘એકદમ નહીં, ધીમે ધીમે.’ એક જણે કહ્યું. એટલે તરત બીજાએ વાંધો લીધો, ‘અરે આપણને પેલાએ નહોતું કહ્યું, ઘરે બેઠાં બેઠાં કાચની પેટીમાં રમત જોતાં કેટલાક આવેશમાં આવીને માંદા પડી જાય છે, બુઢ્ઢાઓ મરી પણ જાય છે ?’

પ્રધાનજી ચિડાયા, ‘કાચની પેટીમાં રમત કેવી રીતે જોવાય ?’
‘જોવાય, જોવાય. ઘેરઘેર આવાં ડબલાં ગોઠવેલાં હોય છે. એની સામે બેસીને લોકો રમત જોયા કરે – રાતને દહાડો !’
‘ત્યારે કામ ક્યારે કરે ?’
‘ન કરે. ક્રિકેટ ચાલુ એટલે કામ બંધ.’
‘ઓ હો હો ! ઘણું નુકશાન. એ કેમ વેઠાય ?’
‘તુક્કાબાદના લોકો વેઠે છે. પાછા અંદરઅંદર લડે, પેલી ટીમ જીતશે કે આ ? પૈસાની શરત લગાડે. પેલાઓ ત્યાં રમે અને આ બધા અહીં બેઠાં બેઠાં ખુવાર થાય.’
‘આટલા બધા રમત રમવાવાળા હોય ? લોકોની તંદુરસ્તી સારી હશે ત્યારે તો !’
‘હોય કંઈ ? ત્યાંના છોકરા પણ રમે નહીં. બેઠાં બેઠાં કાચના ડબામાં ક્રિકેટ જોયા કરે. કેટલાક વળી જ્યાં રમત રમાતી હોય ત્યાં ટિકિટ લઈને જોવા જાય.’
‘તો રમે કોણ ?’
‘રમવાવાળાની બોલી બોલાય. એ માણસો વેચાય અને પછી રમવા જાય. એમણે કેપ્ટનનું ને કોચનું કહ્યું કરવું પડે.’
‘બસ, બસ ! આગળ નથી સાંભળવું. આ બધું તોફાન કેટલા દહાડા ચાલે ?’
‘વરસમાં સાત આઠ મહિના.’
‘તોયે તુક્કાબાદ આબાદ છે ?’
‘ના જી, બરબાદીને આરે આવીને બેઠું છે.’

પ્રધાનજીએ તાળી પાડી. કેસરવાળા દૂધના પ્યાલા હાજર થયા. પ્રધાનજીએ બધાને હાથ જોડ્યા. ‘ભાઈઓ ! તમે દેશની સારામાં સારી સેવા કરી છે. દૂધ પીઓ, પાંચ પાંચી ગીનીનું ઈનામ લઈને ઘેર જાઓ.’ બધા વાતો કરતાં કરતાં વેરાયા. પ્રધાને કારભારીને બોલાવીને તાંબાના પતરા પર કોતરાવ્યું, ‘પરંપરાપુરમાં આવતી પંદર પેઢી સુધી ક્રિકેટનો ‘ક’ પેસવા દેવામાં આવશે નહીં. આપણો દેશ આબાદ છે. એને આપણે આબાદ રાખીશું.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રોજનીશીમાં ટપકાવેલું – બબલભાઈ મહેતા
મારો મીકી – હરિશ્ચંદ્ર Next »   

19 પ્રતિભાવો : પરંપરાપુરના પ્રધાનનો પ્રશ્ન – ધીરુબહેન પટેલ

 1. સરસ વ્યંગ! ભારત પરંપરાપુર માંથી તુક્કાબાદ ક્યારે બની ગયું તેની કોઈને ખબર જ ના રહી!

 2. ખરેખર સુંદર વ્યંગ…..IPL અને તેના સમાચારો થી છાપા ભરેલા જોવા મળે ત્યારે ખરેખર લાગે કે હવે ભારત પણ તુક્કાબાદ બની ગયું છે

 3. Trupti Trivedi says:

  Excellent….

 4. અશોક જાની 'આનંદ' says:

  અતિ સર્વત્ર વર્જયેત્… ક્રિકેટના અતિરેકે જ આ પરિસ્થિતિ ઊભી કરી છે, એમાં વળી IPL થી મનોરંજન વધારવામાં સાચા ક્રિકેટ્નો દાટ વળી ગયો છે. ઝિમ્બાબ્વેની મેચો એનું તાજુ ઉદાહરણ છે.

 5. nayan panchal says:

  સરસ કટાક્ષિકા.

  પરંતુ આપણી ખામીઓ માટે ક્રિકેટને માથે જ બધો દોષ ઢોળી દેવામા શાનુ ડહાપણ. પ્રાચીન રોમમાં સત્તાધીશો રમતોત્સવ યોજતા હતા અને પ્રજા તેની ઉજવણીમાં જ વ્યસ્ત રહેતી હતી. આપણા દેશના સત્તાધીશો પણ તે જ કરે છે. એક પ્રજા તરીકે આપણે કેટલા મહાન છે તે તો સૌને ખબર હશે જ (આ કટાક્ષ છે). જાણે ક્રિકેટ પર પ્રતિબંધ મુકાશે તો ભારત વિશ્વમાં એક નંબરનુ રાષ્ટ્ર થઈ જશે.

  ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ જેવા દેશો ક્રિકેટમાં પણ આગળ છે અને અન્ય રમતોમાં પણ. એક કટાક્ષ લેખ તરીકે આ લેખ સારો છે, મનોરંજક છે. પરંતુ જો ક્રિકેટને દેશના અહિત તરીકે આગળ ધરાતુ હોય તો તે આપણી શાહમૃગવૃતિ દર્શાવે છે.

  આભાર,
  નયન

 6. જગત દવે says:

  ઊત્તમ રીતે લખાયેલી કટાક્ષ-કથા……લેખિકા ને ધન્યવાદ.

  અમેરિકા અને પશ્ચિમનાં અન્ય દેશો આ પ્રકારનો ‘ગ્રાહકવાદ’ બહું પહેલા જોઈ ચુક્યા છે અને સમય સાથે પરિપક્વ થયા છે અને એવું કહીં શકાય કે…….તેઓ તેનાં શરણે જવાં કરતાં તેમની વિવેક-બુધ્ધિ નો ઉપયોગ કરે છે. ત્યાં પણ ફુટબોલ મેચો સમયે આવું જ (કદાચ આનાથી પણ વધારે ઘેલા) વાતાવરણ રચાય છે. પરંતુ તેમનાં અર્થ-તંત્ર ને અને કાર્ય-તંત્ર ને તેનાં કારણે આંચ આવી હોય તેવું સાંભળ્યુ નથી.

  ભારતની પ્રજા અને પ્રજા-પ્રિય રમતો પણ પરિપક્વ થશે (?)

  ઉપર નયનભાઈ એ જણાવેલા પાસાઓ પણ વિચારવા યોગ્ય છે.

 7. દેવલ નકશીવાલા says:

  ખુબ જ સરસ લેખ. આપણા તુક્કાબાદમાં પણ ક્રિકેટ પાછળ લોકો ગાંડાઘેલા છે. સાથે સાથે બીજી રમતોની ઉપેક્ષા થાય છે.

 8. DHIREN SHAH says:

  YES MAM, YOU HIT SO MANY SIXERS AND FOURS IN THIS ARTICLE AND NOT ONLY YOU SHOW
  YOUR BEST SENSE OF HUMOR AND SENSE OF WRITING ARTICLE….
  I WISH THIS ARTICLE TRANSLATED IN ALL INDIAN LANGUAGES AND GET PUBLISH IN ALL
  LEADING NEWS PAPER AND IN SCHOOL BOOKS……………

  WELL PLAYED BY THE WAY……..KEEP IT UP…………

  BEST INDIAN REGARDS
  DHIREN SHAH

 9. jagruti shah says:

  બહુજ સરસ લેખ લેખિકા ને અભિનન્દન બધા એ વિચારવા જેવેી વાત

 10. જય પટેલ says:

  ક્રિકેટ પર કટાક્ષ કરતો મનોરંજન પિરસતો સુંદર લેખ.

  ભારતવર્ષને વળગેલી મુસીબતની જળો માટે ક્રિકેટને સંપૂર્ણપણે દોષી ઠેરવવું વધારે પડતું ગણાશે.
  આઈપીએલનો તમાસો દેશમાં પધારેલી મલ્ટિ-નેશનલોનું કારસ્તાન છે. આઈપીએલ દરમ્યાન આવતી
  મોટાભાગની એડ મલ્ટિ-નેશનલને પ્રમોટ કરતી હોય છે. આઈપીએલ કરતાં બીજૂં મોટું કોઈ
  પ્લેટફોર્મ મલ્ટિ-નેશનલને પ્રમોટ કરવા માટે હોઈ શકે ?

  પશ્ચિમમાં સ્પોર્ટ એક ઉદ્યોગ છે. એક અશ્વેત હાથમાં બોલ લઈને દોડે છે અને કેટલા ગોરાઓને
  ફાયદો થાય છે….સ્ટેડિયમ…ટિકીટથી માંડીને ટીવી પર આવતી એડ સુધી
  ગોરાઓને અઢળક કમાઈ આપે છે અને સામે અશ્વેતભાઈને નાનો એવો ટૂકડો મળે છે…!!

  ક્રિકેટ આપણા દેશમાં ઉદ્યોગનો દરજ્જો ક્યારનુંય પ્રાપ્ત કરી ચુક્યું છે.

 11. આ લેખ સરસ –i have gave away since 20 k when there was proof of playing cricket wit money –i still believe that only fools see these game –and on such fools is thriving this whole industry when ministers –promoters —cricketers –even TV anchors and shameless cheer leaders all just took lot of money and also do not pay genuine taxes to i Indian government how one can say this as an excellent game???–
  I appreciate the thoughts of Mr jay patel who has written very good that it only favours west —in USA i have seen that they say this as idiots game —and all prefer to see american football —

  • harikrishna patel says:

   every nation has their own sports interests.if americans like basket ball and american football ,we do not mind.but why you are targetting cricket ? basketball can not be played by average indian as height is a question.cricket is a sport which involves every aspect of body .while other sports depends too much on power and body height. if you do not like cricket,then do not see it.why you are calling it idiots game? narrow minded attitude. any where you go in india where people may not understand your language but cricket will be talked if you say about that..our multi cultural,multi lingual and multi religional country has only one common binding factor that is cricket.

 12. Jigar Shah says:

  ભાઈઓ તથા બહેનો, જો ઇંગ્લીશ લખતાં ના આવડતું હોય તો પ્રયત્ન શાને કરો છો? we would be happy to read your gujarati..please don’t insult neither language and expose yourself…lol…

 13. Kanan says:

  To: Mr. Jigar Shah..

  I would really appreciate if you can just leave a comment for the article rather than commenting on any particular person… ..

  There is no point in criticizing some one about how their language is or in which language they should write in…

  The comments section is here to leave any comments for the articles not for an individual….

  I hope u don’t get it all wrong…

 14. Rachana says:

  સાવ સાચી વાત…કોઈપણ રમત નુ અતિરેક ગાંડપણ જરાય સારુ નહી…આમા રમતો ફક્ત જોતી આજની પેઢી પર સારો કટક્ષ કર્યો છે…

 15. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Any thing in access is just not good … however, our new genration if they want to be competitve and strong must adapt a sport in their lives…

  Swami Vivekanad once said …you will be nearer to heaven through football than through the study of the Gita… These are bold words; but I have to say them, for I love you. I know where the shoe pinches. I have gained a little experience. You will understand the Gita better with your biceps, your muscles, a little stronger. You will understand the mighty genius and the mighty strength of Krishna better with a little of strong blood in you.

  Ashish Dave

 16. rahul says:

  માઇન્ડ બ્લોઇન્ગ્…………………………..

 17. Zakir Patel says:

  લોકો નો વાન્ક્, રમત નો નહિ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.