અકબંધ આકાશ – રાજેન્દ્ર પટેલ

[ પ્રતીકો દ્વારા માનવીના સુક્ષ્મ ભાવોને ગૂંથી લેતી અને વાચનના પુનરાવર્તનથી એ ભાવોની પ્રતીતિ કરાવે તેવી આ વાર્તા, ‘પરબ’ સામાયિકમાંથી સાભાર પ્રસ્તુત છે.]

બેત્રણ દિવસથી તેનું મગજ ચકરાવે ચડી ગયું’તું. એ મોં ધોઈ ફ્રેશ થવા બેસિન પાસે ગયો. પણ સવારના પહોરમાં જ નળમાંથી પાણી આવતું ન હતું. ‘ખરું છે સાલ્લું.’ બબડી તેણે દર્પણમાં જોયું. વાળ વિખરાયેલાં, દાઢી વધેલી, આંખો સહેજ સૂઝેલી. બેત્રણ દિવસથી ઊંઘ જ ક્યાં આવતી હતી ? તેણે દર્પણમાં જોઈ જીભ બહાર કાઢી. એ હસી પડ્યો. બાળપણમાં તાવ આવતો ત્યારે ડૉકટર-અંકલ જીભ બહાર કાઢવાનું કહેતા. એ જીભ બહાર કાઢતો નહીં અને હસ્યા કરતો. ડૉક્ટર જેમ વધુ આગ્રહ કરે તેમ તે વધુ હસતો. તેને એમ કે ડૉક્ટર અંકલ મજાક કરે છે. છેવટે બાપા ગરમ થતા. ડોળા કાઢી પોતાની જીભ કાઢી તેમ કરવા તતડાવતા. ત્યારે મહાપરાણે તે હસતા હસતા જીભ કાઢતો. પણ ડૉક્ટરના ચાળા પાડતો હોય તેમ. લાંબા સમયે સમજાયું, તાવ આવે ત્યારે ડૉક્ટર જીભ તપાસે. અદ્દલ તેવી જ રીતે સમયે સમયે ઘણી વસ્તુ તેને મોડે મોડે સમજાતી. જેમ કે બાળપણની આ યાદે તે થોડો હળવો થયો, તેનું તેને ધ્યાન હમણાં ગયું જ નહીં.

ત્યાં તેની નજર દર્પણની લીસી સપાટી ઉપર બેઠેલા મચ્છર ઉપર પડી. તે નિરાંતે બેઠો હતો. સામાન્યરીતે પોતે શાંત જીવનો પણ ઉજાગરાના લીધે હોય કે રાતના કાન પાસે ગણગણતા મચ્છરના ત્રાસથી હોય, તેણે પાસે પડેલા નેપકિનથી ઝાપટ મારી મચ્છર મારી નાખ્યો. દર્પણ અને નેપકીન ઉપર નાનકડો લોહીનો ડાઘ પડ્યો. તે જોઈ એ ચિડાઈ ઊઠ્યો. તેનું મગજ વળી પાછું ચકરાવે ચડી ગયું. બે દિવસ પહેલાં સાંભળેલા એક આઘાતજનક સમાચારથી એ અંદરથી ખળભળી ઊઠ્યો હતો.

કંટાળીને વિચારોથી છૂટવા તેણે કમ્પ્યૂટર ચાલુ કર્યું. દરરોજ એ મેઈલ બૉક્સ ખાસ જોતો. ઘણી વાર તેમાં આવતા મિત્રોના મેઈલથી એ ખુશ થઈ ઊઠતો. ક્યારેક કેટલીક વેબસાઈટ પરથી મળતા સરસ વિચારો કે પ્રસંગો તેને ગમતા. તેણે Inbox ખોલ્યું. એ ખૂલતાં જ તેની નજર એક મેઈલ ઉપર પડી. તે સમીરનો હતો. સમીર તેનો કૉલેજકાળનો દોસ્ત. બંને તે સમયે સાથે ખૂબ ફર્યા હતા. દર વૅકેશનમાં રખડવા નીકળી પડતા. ક્યારેક જંગલ, ક્યારેક પહાડો, ક્યારેક નદી કે દરિયાકિનારે ઘૂમી વળતા. છેલ્લે રણમાં જવાનું નક્કી કર્યું હતું. અને સમીરને અચાનક પરદેશ જવાનું ગોઠવાયું. રણમાં સાથે રખડવા ના જઈ શકાયાનો વસવસો બંનેને જાણે રણનો અનુભવ કરાવતો રહ્યો. પણ બંનેની એક પ્રવૃત્તિએ તેમને ખૂબ નજીક લાવી દીધા હતા. દર શિયાળાની કડકડતી ઠંડીમાં બંને ધાબળા વહેંચવા નીકળતા. રેલવેસ્ટેશન જતાં રસ્તાના ખૂણેખાંચરે, સૂતા લોકોને તે ગરમ ધાબળા ઓઢાડતા. અને એક બિસ્કિટના પૅકેટ સાથે પચાસ રૂપિયાની નોટ મૂકતા. આખા વરસનો થાક તે દિવસે ઊતરી જતો. બંને જણે આવો ઘણો સમય, સાથે મળીને માણ્યો હતો. સમીરનો મેઈલ ખૂલે ના ખૂલે ત્યાં સુધીમાં પાછો તે પેલા વિચારના ચકરાવામાં ચકરાવા લાગ્યો.

બે દિવસથી ઊંઘના અભાવે બગાસાં આવતાં હતાં. ઊંઘ ન આવવાનું કારણ એક ભયંકર સમાચાર હતા. એ સમાચારથી તેનું મન ખેદાનમેદાન થઈ ગયું હતું. મગજ બહેર મારી ગયું’તું. એ માઠા સમાચારે તેનામાં બેચેનીનું પૂર આણ્યું’તું. સમાચાર માત્ર એટલા જ હતા કે મયંકના બાપુજી મનોહરકાકાએ ટ્રેન આગળ પડતું મૂકી આત્મહત્યા કરી હતી. તેને એક પ્રશ્ન વારેઘડીયે થયા કરતો હતો. મનોહરકાકાને આ પગલું ભરવું પડ્યું તેનું કારણ પોતે નથી ને ? એ વિચારે તેના મનમાં અડ્ડો જગાવી દીધો હતો. તેમાંથી છૂટવા તેણે સમીરનો મેઈલ વાંચવો શરૂ કર્યો. મેઈલની શરૂઆતમાં જ એક પ્રસંગ ટાંકેલો હતો.

એક સંતને તેના શિષ્યએ ગરમ ચાનો કપ આપ્યો. પણ ચાના કપ ઉપર ઢાંકણ ઢાંક્યું ન હતું. સંત કશાક કામમાં પરોવાયેલા હતા એટલે તેમણે ઈશારો કરી શિષ્યને કપ ઉપર ઢાંકણ ઢાંકવા કહ્યું. શિષ્યને ઢાંકણ ઢાંકવામાં વિલંબ થયો, તે જોઈ સંત તેની પર ગુસ્સે થઈ ગયા. શિષ્યએ વરાળ નીકળતા ચાના કપ ઉપર ઢાંકણ ઢાંકતા ગુરુને નમ્રતાથી ગુસ્સે થવાનું કારણ પૂછ્યું.
ગુરુએ કહ્યું : ‘બેટા, ગરમ ચામાંથી નીકળતી વરાળથી દવામાં રહેલા અનેક સૂક્ષ્મ જીવાણુઓ મૃત્યુ પામતા જોઈ, એ હિંસા ટાળવા હું અધીરો થઈ ગયો હતો.’ શિષ્ય ગુરુની અહિંસાવૃત્તિ જોઈ ગદગદ થઈ ઊઠ્યો. પણ એક પ્રશ્ન પૂછી બેઠો : ‘ગુરુજી, તમારી અહિંસા પ્રીતિથી હું પ્રભાવિત થયો છું. પરંતુ તમે મારી ઉપર જે ગુસ્સો કર્યો, તેનાથી મારું મન દુભાયું છે, તેનું શું ? તે શું હિંસા નથી ? ગુરુ વિચારમાં પડી ગયા. થોડી વારે તેમની આંખોમાંથી આંસુ ટપકી પડ્યાં. આ પ્રસંગ ટાંકી સમીરે પ્રશ્ન પૂછ્યો હતો – આપણે શું આપણા હિંસા અને અહિંસાના ખ્યાલોની ફેરવિચારણા કરવા જેવી નથી શું ? અકારણ કે કારણસર આપણે અનેક વ્યક્તિઓ સાથે બેરહેમીથી વર્તીએ છીએ તે માટે સભાન થવું જોઈએ કે નહીં ? વળી જાત પર જુલમ કરીએ તે પણ શું એક હિંસા નથી ?’
‘આ પણ ખરું છે.’ એ સમીરનો મેઈલ નીચે સ્ક્રોલ કરતાં બબડ્યો. વળી વળીને મન મનોહરકાકાની આત્મહત્યા તરફ વળતું હતું. વાત એમ હતી કે તેમનો એકનો એક દીકરો મયંક, એક કાળનો તેનો મિત્ર હતો. જે આજે તેનો દેવાદાર હતો. થોડોક સમય પહેલાં મયંકે તેની જોડેથી દસેક દિવસ માટે હાથ ઉછીના એક લાખ માંગ્યા હતા. મિત્રને મદદરૂપ થવાના ઉદ્દેશથી આપ્યા તો ખરા પણ પૈસા પાછા આવ્યા જ નહીં. મયંકને મળવાના ઘણા પ્રયત્નોની નિષ્ફળતા પછી એ મનોહરકાકાને મળવા ગયો. મનોહરકાકાએ કોઈ સહાનુભૂતિ દર્શાવી તો નહીં પણ ઉપરથી રોકડું પરખાવ્યું, પૈસા નથી, થાય એ કરી લેવું. ગુસ્સાથી ધમધમતો એ ખાલી હાથે આવ્યો તો ખરો પણ બીજા જ દિવસે ચેક રિટર્નનો નિયમ 138 અનુસાર કેસ કરી દીધો.

એકના એક વિચારથી તે અકળાઈ ગયો હતો એટલે તેણે તરત સમીરનો મેઈલ પાછો વાંચવો શરૂ કર્યો. તેણે નોંધેલા પ્રસંગ પછી નોંધ હતી : ‘તને ત્રણેક મહિના પહેલાં એક લાખ મોકલ્યા હતા. તેનો ઉપયોગ દર વર્ષ મુજબ કરજે. પરંતુ આ વખતે શહેરના બધાય બસસ્ટૅન્ડમાં અને એસ.ટી. સ્ટૅન્ડમાં રાત ગાળતા લોકો તરફ ખાસ ધ્યાન આપજે. જે પૈસા વધે તે દરવખતની જેમ વૃદ્ધાશ્રમમાં આપી દેજે. કામ પતે જાણ કરજે.’ સમીરનો મેઈલ વાંચી એ પાછો ગમગીનીમાં ડૂબી ગયો. શિયાળો આવતાં પહેલાં પડી રહેલા પૈસા તો મયંકને મદદ કરવા હાથઉછીના આપેલા. એ વધુ ને વધુ દુઃખી થયો. ત્યાં તેની નજર કમ્પ્યૂટર સ્ક્રીન ઉપર આંટો મારતી માખી ઉપર પડી. તેણે હળવેથી ટેબલ પર પડેલા છાપાથી માખી ઉડાડી. માખી ઉડાડતાં અચાનક તેને ‘મા’ યાદ આવી ગઈ. એ નાનો હતો ત્યારે ઘરમાં વીજળી ન હતી. વરસાદના, બફારાના દિવસોમાં માખીઓનો ભારે ત્રાસ. મા તે જમતો હોય ત્યારે, ભણતો હોય કે સૂતો હોય ત્યારે પૂંઠાથી સતત પવન નાંખતી. તે સવારે ઊઠી માનો હાથ દબાવતો અને મા બચીઓથી નવરાવી દેતી. મા યાદ આવે એટલે તેની યાદ બેરોક ચાલી આવતી. ઘડીભરમાં મનોહરકાકાની આખી ઘટના ભુલાઈ ગઈ. બાળપણનો એક પ્રસંગ, જે સાવ જ ભુલાઈ ગયેલો તે એકાએક જીવતો થઈ ઊઠ્યો.

એ નાનો હતો ત્યારે બધા ગામડે રહેતા હતા. સાંજના સમયે એક વાર મા ચૂલા માટે લાકડાં ફાડતી હતી. પોતે પાસે રમતો હતો. એક લાકડાના પોલાણમાં સંતાયેલા વીંછીએ અચાનક બહાર નીકળી બાના પગે ડંખ માર્યો. બા ચીસ પાડી ઊઠી. બાએ લાકડાની એક સરકડી લઈ હળવેથી વીંછીને પાસેની વાડમાં ધકેલી દીધો. તેના મનમાં ફડક પેસી ગઈ. અજાણ્યા ભયથી ફફડી ઊઠ્યો. બા ઘરમાં ગઈ. ડંખ ઉપર હળદરનો લેપ કર્યો. ગોખલામાં ભગવાનના ફોટા સામે દીવો કર્યો. પછી બહાર આવી જાણે કશું ન થયું હોય તેમ કામે વળગી. એ થોડો મોટો થયો ત્યારે બાને આ અંગે પૂછેલું. બાએ ત્યારે કરેલી વાત અત્યારે સમય જોઈને જાણે યાદ આવી : ‘બેટા, ડર જ ઝેર ચડાવે. ડર્યા વગર જે કામ કરતાં હોઈએ તે કામ કરતાં રહીએ તો ચિંતા નહીં. તે દિવસે વીંછીના ડંખની ચિંતા વગર કુદરતને ખોળે માથું ટેકવેલું. જેણે સર્જન કરી છે તે કરશે ચિંતા માની હું કામે વળગી’તી.’

બાની યાદથી તેને સારું લાગ્યું. બાને આમ તો ગુજરી ગયે વર્ષો થયાં હતાં. પણ જ્યારે યાદ આવતી ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં હળવાશ અનુભવતો. જાણે આ ક્ષણે પણ મા તેની જોડે જ છે તેવું લાગવા માંડ્યું. મયંક તરફનો રોષ એકાએક ઓછો થઈ ગયો. પોતાની ઉપરની ખીજ પણ ઘટી ગઈ. માની વાતોએ હવે તેના મનમાં જગ્યા ઊભી કરી. એક વાર માએ કહ્યું : ‘તારા બાપુજી બહુ બહાદુર હતા. કશાથી ડરે નહીં. એક દિવસમાં મારી સામે બડાશ મારવા પીળી મધમાખી પકડી. પણ મધમાખીએ ડંખ માર્યો. એમણે ઊંહકાર સુદ્ધાં કર્યો નહિ. પણ મને પૂછી બેઠા – જોયું તમારી કુદરતનો આવો ન્યાય ? મેં ક્યાં મધમાખીને મારવા પકડી હતી ? ત્યારે હસતાં હસતાં મેં એમ જ કહેલું :
‘આપણાં ન્યાયના કાટલા ખોટા. કુદરત કરે તે જ સાચો ન્યાય. એમાં માથું મારવું નહિ. આપણે કોણ ન્યાય તોળનારા ?’
વળી પાછો મયંકનો મેઈલ યાદ આવ્યો. શિયાળો નજીક આવતો હતો અને ધાબળા ખરીદવા જવાનું હતું. પૈસા આવે તેવી કોઈ શક્યતા ન હતી. હજુ મન વધુ રવાડે ચડે ત્યાં પાછો માનો એક પ્રસંગ યાદ આવી ગયો : એક દિવસ તેને ભણતો જોઈ બા પૂછી બેઠેલી :
‘આટલું બધું શું ભણે છે ? કંઈ મનેય સમજાવને ? ત્યારે તે ફિઝિક્સ વાંચતો હતો. તેણે માને થર્મોડાયનૅમિક્સનો એક નિયમ વાંચી સંભળાવ્યો કે શક્તિનું સર્જન-વિસર્જન શક્ય નથી. માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. મા વિસ્મયથી સાંભળી રહી. ખાસ્સો મોટો થયો ત્યારે એકાએક તેને ખબર પડી આવી વાત તો મા બાળપણમાં કહેતી જ હતી ને ? એક પ્રસંગે માને તેણે પૂછેલું :
‘આ તારા કેમ ખરે છે ? આકાશ ખાલી તો નહીં થઈ જાય ને ?’
માએ તેને પાસે ખેંચી વહાલથી સમજાવેલું : ‘બેટા, એક તારો ખરે એવો જ બીજો તારો ઊગી જાય. જો પેલો ખર્યો’ અને બીજો એક તેજસ્વી તારો બતાવી કહે : ‘જો પેલો ઊગી ગયો….’

પણ એથી બીજી વાત બની. જેમ મા યાદ આવતી ગઈ તેમ મયંક અને મનોહરકાકા સાથે કરેલો પોતાનો વ્યવહાર વધુ ને વધુ ઘાતકી ને કઠોર લાગતો ગયો કારણ કે છેલ્લે પૈસા પાછા ન મળવાથી કંટાળીને રીતસર મયંકના ઘરે ઉઘરાણીએ માથાભારે માણસોનેય મોકલેલાં અને જેમ જેમ ડિસેમ્બર નજીક આવતો ગયો તેમ તેમ તે વધુ ને વધુ ઝનૂને ચડેલો. ત્યાં એક ખબરે તેને ગેલમાં લાવી દીધો. મયંકની બહેનની સગાઈનો દિવસ તેની જાણમાં આવી ગયો. મનોહરકાકાને ખુલ્લંખુલ્લા કહી દીધું :
‘અઠવાડિયામાં પૈસા પાછા ન મળ્યા તો તમારા પ્રસંગમાં જોઈ લઈશ. બધાની હાજરીમાં ઘેર આવી ધમાલ કરીશ.’ તીર બરાબર વાગ્યું. પણ મયંકના ધંધાની મસમોટી ખોટ આગળ મનોહરકાકા લાચાર હતા. મનોહરકાકા ગળગળા થઈ ગયા હતા. એ વડીલ હાથ જોડી પગે લાગી બોલ્યા :
‘તુંય મારા દીકરા જેવો જ છે ને ! તારી બહેનના પ્રસંગમાં આવું કરીશ ?’
‘એક વાર નહીં, સત્તર વાર. પૈસા આપવા નથી અને બીજાને શિખામણ આપો છો ?’
પણ મયંકની બહેનનો સગાઈનો દિવસ આવે તે પહેલાં મનોહરકાકાએ ટ્રેનના પાટા ઉપર પડતું મૂક્યું. તેણે મનથી સમાધાન કરેલું કે મયંક ઉપર તો કરોડોનું દેવું થઈ ગયું’તું એટલે મનોહરકાકાએ…. પણ તેણે કરેલા વર્તનથી તે જ ડઘાઈ ગયો હતો.

તેણે કમ્યૂટર બંધ કર્યું. ઊભો થયો. ઘરમાં ખાંખાંખોળા કરી માનો જૂનો ફોટો શોધી કાઢ્યો. ટેબલ પર મૂક્યો, ક્યાંય સુધી જોઈ રહ્યો. પોતે સામાન્ય નોકરીમાં, અતિસામાન્ય જીવન જીવતો હતો. હજુ તો કમ્પ્યૂટરની લોનના હપ્તાય બાકી હતા. માના ફોટાને લીધે હોય કે ઘણા મનોમંથનથી હોય, તેણે સમીરને અતિથી ઈતિ વાતનો મેઈલ કરવાનું નક્કી કર્યું. તે ભારમુક્ત થયો. બારી બહાર નજર ઠેરવીને બેસી રહ્યો. અચાનક તેની આંખ મીંચાઈ ગઈ. તેને ઊંઘમાં લાગ્યા કર્યું કે અમાસની રાતમાં આખું આકાશ તારામાંથી ખીચોખીચ ભરેલું હતું. આકાશ, હાથ ઊંચો કરીએ ને અડી જવાય તેવું ઝળૂંબેલું. એક તારો ખર્યો. ભુલાઈ ગયેલી એક વાત યાદ આવી ગઈ. મા કહેતી :
‘ખરતો તારો જોતાં જ મનમાં જે ધારી લઈએ તે થઈ જાય. તેણે એ પળે શિયાળાની અંધારી રાતે એક ખૂણામાં સૂતેલા માણસ ઉપર ધાબળો ઓઢાડતો પોતાને કલ્પ્યો. દૂર દૂર આકાશમાં અનેક તેજસ્વી તારાઓ ચમકી રહ્યા હતા. તારો ખર્યો પછીયે જાણે આકાશમાં તારાઓ અકબંધ હતા અને તે બધાય, તેમનું બધુંય વહાલ, જાણે તેની ઉપર ઢોળી રહ્યા હતા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શૈશવ અને હું – ભગીરથ બ્રહ્મભટ્ટ
અભાવ અને સ્વભાવ – ધીરુ પરીખ Next »   

13 પ્રતિભાવો : અકબંધ આકાશ – રાજેન્દ્ર પટેલ

 1. ખુબ સુંદર. મનના સુક્ષમભાવોનું સુંદર નિરુપરણ

 2. Sneha says:

  અદ્ભભુત !!

 3. મયુર કોટેચા says:

  અત્યાર સુધી ની શ્રેષ્ઠ વાર્તા ! અદભૂત લેખન, મન ના વિચારો ને કેવી સુંદર વાચા આપી છે. વાર્તા માં દર્શાવેલ છે જીવન ની હકીકત, કશાય અલંકારો વગર. સાચે જ, આ સમાજસેવા તો સહેલી છે, પણ અપના આસપાસ ના વર્તુળ માં રહેલા દુખો ઓળખવા અઘરા છે, એને સમજી અપણા મિત્રો, ભાઈબંધુ કે કુટુંબીજન ને મદદ કરવી એ જ ઉત્તમ છે.

  અભાર સહ,
  મયુર કોટેચા

 4. Hiral Shankar says:

  ખુબ સરસ વાત. જ્યારે પન મા નો ઉલ્લેખ આવે છે આન્સુ ખાળિ નથિ સક્તિ…

 5. DHIREN SHAH says:

  VERY REALISTIC STORY. AND NO IMAGINATION USED OR NO EFFORT PUT TO ENTERTAIN THE MIND IN STORY.
  FEEL VERY LUCKY TO GET READ SUCH A NICE STORY.

  DHIREN

 6. દેવલ નકશીવાલા says:

  વાર્તા સારી છે પણ વાર્તાંનો પ્રવાહ એકસરખો નથી.

 7. એક ખુબજ ચોટદાર લેખ.
  વ્રજ દવે

 8. nayan panchal says:

  ખરેખર સત્યની નજીકની વાર્તા. મનુષ્યનુ મન આમ જ હિંડોળા ઝૂલ્યા કરે છે. વાર્તાના non-linear પ્રવાહે વાર્તાને એક નવુ જ પરિમાણ આપ્યુ છે.

  જ્યારે ઇમોશન્સનો ભરાવો થવા માંડે છે, જીવ રૂંધાવા માંડે ત્યારે કોઇકની આગળ ખાલી થઈ જવુ સારું. એ કોઈક ભગવાન, કોઈક મિત્ર કે પછી આપણે ખુદ પણ હોઈ શકીએ. ક્ષમા જીવનમાં ખૂબ જરૂરી છે. ક્ષમા આપીને માણસ સામેવાળાને તો મુક્ત કરે જ છે પરંતુ પોતાને પણ મુક્ત કરે છે.

  આભાર,
  નયન

 9. Veena Dave. USA says:

  માણસના મનની બે જુદી જુદી બાજુઓ…….લાખ રુપિયાના ધાબળા ઓઢાડનાર, મિત્રના બાપ પાસે તેની દિકરીની સગાઈના દિવસે ‘જોઈ લેવાની’ વાત કરે !!!!!!!!?????
  પોતાના વતૅનથી જે મા બાળકને સારુ શિખવાડે એ જ ખરી મા.

 10. Pravin V. Patel [USA] says:

  જાણે- અજાણે આપણાથી થતી ભૂલોની વાસ્તવિક રજુઆત.
  ડગલેને પગલે આપણા વર્તનને તપાસતા રહેવાની ઉમદા શીખ.
  કોઠાસૂઝ ધરાવતી માતાની મમતાનું દર્શન.
  અનેરી પ્રસ્તુતિ.
  આભાર અને અભિનંદન.

 11. જય પટેલ says:

  વાર્તા પ્રવાહિતા જાળવવામાં ઉણી ઉતરી છે. સાતત્ય…લય…પરાકાષ્ઠા જળવાઈ નથી.

  નાયકે ઉચ્ચારેલા વેણનું પરિણામ કોઈના અપમૃત્યુથી આવે અને તેનો રંજ…અંજપો
  મનને ગ્રસિત કરી લે તે કલ્પના કરવી અસહજ નથી.
  મિત્રને અતિથી ઈતિ સુધી વાત કરી ભારમુક્ત થવાનો પ્રામાણિક પ્રયાસ સરાહનીય છે.
  ભાથામાંથી છૂટેલ તીર અને સ્વમુખેથી નીકળેલા શબ્દો કદીય પાછા વળતા નથી.
  આંધળાનાં આંધળા શબ્દે મહાભારત સર્જ્યુ..!!

  હિન્દુ ધર્મમાં કોઈ જોગવાઈ નથી કે સામાન્ય માણસ પોતાની ઓળખ અકબંધ રાખીને
  પોતાનાં પાપ સંત-શ્રધ્ધેય મહાપુરૂષ આગળ ઉગાળી હળવો થઈ શકે.

  પાપ તારૂં પરકાશ જાડેજા ધર્મ તારો સંભાળ રે…
  તારી બેડલીને બૂડવા નહિં દઉં…..જેસલ-તોરલ.

 12. Vikas says:

  ડર જ ઝેર ચડાવે. ડર્યા વગર જે કામ કરતાં હોઈએ તે કામ કરતાં રહીએ તો ચિંતા નહીં.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.