શૈશવ અને હું – ભગીરથ બ્રહ્મભટ્ટ
મોટપણ પ્રાપ્ત થાય છે ત્યારે બાળપણ વિકસે છે, વિરમે છે ? બાળપણ એ જીવનનો સ્મરવા જેવો તબક્કો છે કે વિસ્મરવા જેવો ? કોની મૂડી મોંઘી – બાળપણની કે મોટપણની ? વિસ્મયના કિલ્લા મોટા કે સ્વ-અર્થનાં મહાલયો ? આ સર્વે સવાલો મને મારા ગામની કેડીએ ચઢાવે છે અને હું મારાં સ્મરણ-ચરણ થકી પહોંચી જાઉં છું મારા ગામની નિશાળમાં…. નિશાળમાંથી દફતરમાં બાળપણ ભરી દોડ્યો છું…. દોડ્યો છું….. અહીં સુધી આવતાં આવતાં દફતરમાંથી બાળપણ ગાયબ ! એની જગાએ મોટપણ !! આ જાદુઈ દફતરનું રહસ્ય ઉકેલવા હું મારા મરણ પામેલા પિતાનું સ્મરણ કરું છું. ખાટલે પડેલી મા મારા દફતરને ટાંકા લેતા કહેતી : ‘ભૈ લાય, ટાંકો લૈ આલું, તારી પેણ પડી ના જાય….’ એના ટેભા-ટાંકાએ તો ખાસ્સું લાંબું ચલાવ્યો છે, ચાલ્યો છું, છેક અહીં સુધી પહોંચ્યો છું.
મારા ‘નાદરી’ ગામનો અર્થ થાય ‘ઉત્તમ’, પણ એ અર્થની તો કોઈનેય ખબર નથી. લોકોએ તો ભળતી જ કિંવદંતી જોડી કાઢી છે : ‘નાદરી’ – (એક વૃદ્ધા કોઈ ધાડપાડુથી ડરી નહીં એટલે એનું નામ પડ્યું ‘ના-ડરી’ / એમાંથી નામ પડ્યું નાદરી) ગામમાં ગણતરીનાં ઘર. ગામને ગોચર. ગોચરમાં વન્ય પ્રાણીઓ. એમાં વળી ઉત્તમ શું ? છતાં શૈશવથી મને મારું ગામ ઉત્તમ લાગ્યું છે. ગામને ઉતરાદે એકાદ માઈલ છેટે ખોડિયાર માનું એક મંદિર. એ ગામની કુળદેવી. એને અડીને ગોચર – સો એકર જેટલું લાંબું – સો એકર જેટલું પહોળું. એ જંગલમાં બોરડીઓનાં ઝુંડ. એ કાંટાળી બોરડીએ શિયાળે બેસે રાતાં ચટ્ટાક બોર. એ બોરનો સ્વાદ શબરીની જેમ દાઢમાં સાચવીને બેઠો છું. એ મા ખોડિયાર મારી શ્રદ્ધાના શ્વાસ ઊંડા ને ઊંડા કરતાં રહ્યાં છે. મિત્રો સાથે, ભેંસો સાથે, બળદ સાથે એ વિસ્તારમાં કઢીમાં રોટલા ભળે એમ ભળ્યો છું, ફર્યો છું, ચર્યો છું. ભેંસો સાથે દોડ્યો છું. ભેંસને ઘોડો સમજી, ભેંસ-સવારી કરી છે…. પાકાં પાકાં બોર શબરીની જેમ વીણી લાવી, કોક બાવળિયાની હેઠે, પહોળા ઘટાળા છાંયે, સખી સાથે આરોગ્યાં છે. બોરની મીઠાશ અને બાળપણની મીઠાશ પરસ્પર એકમેકનાં પર્યાય થઈ ગયાં છે મારે મન…. તળાવનાં પાણી ત્યારે નદીનાં લાગતાં અને તળાવકાંઠો બાળપણનું સ્વર્ગ !!! ઘાસના પાને પાને પરિચય કેળવ્યો છે. વૃક્ષની ડાળે ડાળે મારાં પગલાંની છાપ પાડી છે.
ત્યારે અમે નાના અને અમારા હાથમાં લાકડી મોટી, ભેંસ આગળ અને અમે પાછળ-પાછળ ત્યારે લાકડી તો એક ટેકો હતો અને ભેંસ જાણે ભગવાન !! એની પાછળ પાછળ ચાલવામાં ક્યાંય વાંધો નહોતો આવતો. એ ભેંસ સાંજે દૂધ આપતી, પેટમાં પહોંચતું. ભેંસ ત્યારે ભગવાન નહિ તો બીજું શું ? ભેંસની આંખોમાં અમને ભગવાન દેખાતા. પાળેલા ગલૂડિયાના મનને ત્યારથી પારખી જતો. એની આંખો દ્વારા એની ભૂખ-તરસની પ્રતીતિ થતી. એમની આંખોમાં અવાજ હતો, એ હું સાંભળી શકતો. આંગણે ઊભેલા લીમડા સાથે હું વાત કરી શકતો. ગામમાં ઊડતી રેતની ગંધને પારખી શકતો. કાબર-મેના, પોપટ અને ચકલીના ચાળા પાડી શકતો. કાગડા જેવો કાગડો બોલાવીને કાગડો થઈ જઈને ગૌરવ અનુભવતો. અત્યારે મારામાં આવેલી લુચ્ચાઈ એ બાળપણનો વિકાસ છે. એ વાત મને સમજાય છે. જમીનમાંથી દાણા ફૂટી નીકળે એનો જબરજસ્ત રોમાંચ હતો, એ બીજનાં રૂપોને ધરતી ખોતરી-ખોતરી ને ખોલી નાખતો – જોતો ધ્યાનથી. એ બીજને ઉઘાડું કરી એનું સ્વરૂપ સમજતો. ફણગામાંથી પ્રગટતી કવિતા વાંચતાં ત્યારથી શીખ્યો છું. ડૂંડામાં દાણા બેસે એ ગોઠવણનું રહસ્ય હજી ઉકેલી શક્યો નથી, પણ સમસ્યાનાં મૂળ તપાસતાં ત્યારથી શીખી જવાયું છે.
નિશાળમાં જતો થયો ત્યારે ‘મંદિર તારું, વિશ્વ રૂપાળું’ પ્રાર્થનાનો અર્થ નહોતો સમજાતો, પણ એ પછી જ્યારે શૂન્યમાંથી એકડો લખવાનો ચમત્કાર થયો, એનો જ મહિમા મોટો છે. ગામમાં એક વાર મોટર આવતી – એસ.ટી. કહેવાય એવું પાછળથી સમજાયું. એ મોટરની પોચી પોચી સીટ નીચે શું હશે ? તેનું વિસ્મય હતું. એ સીટ ફાડીને એમાંથી રબર કાઢી લેતો. ટુકડો લઈ સ્લેટ સાફ કરતો….. એ રબરના ટુકડાની માલિકીથી સમૃદ્ધ દેખાતો. પેન્સિલથી કાગળ ઉપર કામણ કરતો…. પેન તો હતી જ ક્યાં ? પેન્સિલથી પાડેલા અક્ષરોના જગત સાથેની માયા કંઈ આજકાલની થોડી છે ? એ અક્ષરોની યાત્રા જ વણથંભી ચાલી રહી છે. છતાં કેટલું બધું ક્ષર લાગે છે ! મોટરમાં બેસવાનું ભાગ્ય જ ક્યાં હતું ? કોઈને વળાવવા જવાનું થાય ત્યારે મોટર આવી હોય ને ડ્રાઈવર-કંડકટર કોઈને ઘરે ચા પીવા ગયા હોય ત્યારે બસ ને મોટરને પ્રિયાની જેમ સ્પર્શી લીધેલી. એ સ્પર્શ ચોરી હતી, પછી તો મોટપણે ચોરીનો જ વિસ્તાર થતો ગયો છે, એમ મને લાગ્યા કરે છે. સ્પર્શને પણ સ્મૃતિઓ હોય છે એ વાત નવી નથી.
આંબલીના વૃક્ષ પર બેઠેલા મધને વાઘરી કેવી રીતે પાડે છે એની જિજ્ઞાસા. હું તો એક નજરે વાઘરીને જોયા કરું…. માથે ફાળિયું બાંધી બીડી પીતો પીતો એ ફૂંકો મારે અને મધમાખીઓ ઊડે…. પછી તો એ મધવાળી ડાળ કાપી, માખી વગરનો મધપૂડો લઈને નીચે ઊતરે. માખી મને નિર્દોષને ડંખે. હું ચીસ પાડું. મા છાણ ઘસે. કટાયેલું લોખંડ ઘસે. ત્રણ દિવસે સોજો ઊતરે. વાઘરી મધ લઈ જાય. હું ડંખ લઈ ફરું. મધ મેળવવા માટે કેવળ હિંમત જ નહીં, આવડતની જરૂર છે એ વાત હું ત્યારથી શીખી ગયો છું. મધમાખી હોય કે પતંગિયાં, એમને મન તો દોષી ને નિર્દોષ કોણ ? એમનાં વલયોની વચ્ચે જે આવે એ એમના માટે દોષી. મધમાખી જેવા જ ડંખ આજેય ક્યાં નથી ? પણ શૈશવથી એને સહ્ય કરવાના પાઠ હું શીખી ગયો છું.
ગાડામાં સીમ ભરીને ઘરે લાવ્યો છું – બળદને કાંધે લાગતા ભાર વિશે નિબંધ લખી શકાય. ગાડામાં ખેતર, ધાન કેટકેટલું ફેરવ્યું છે ? ગાડું એ સીમ અને ગામ વચ્ચેનું માધ્યમ. એના પૈડાંની ધારે ધારે અટવાયો – ગાડા પરથી નીચે ઊતર્યો એટલે એક પૈડામાંથી બીજા પૈડામાં ફસાયો. મંથર ગતિમાંથી દ્રુત ગતિમાં ચાલ્યો ગયો. તળાવ જાણે દરિયો ! કોઈના ખેતરની મગની શીંગો ચોરીને ખાધી છે. પણ એને ચોરી ન કહેવાય એવું માનીને મન મનાવ્યું છે, એ મનમાનીનાં પ્રલોભનો આજ સુધી અપવાદો શોધતાં રહ્યાં છે અને જીવન પૈડાં પરથી ઊતરું ઊતરું થઈ રહે છે…. છતાં ટક્યો છું. એ ગાડાના ચક્રના જીવનના ચક્રો સાથે જોડીને બેઠો છું. માકોરમાં ઘંટી તાણતાં એ મતલબની સુંદરમની કવિતા હું જીવ્યો છું…. મોં-સૂઝણે ઊઠી મા સાથે ઘંટીને ફેરવવા બેઠો છું – દળ્યું છે, વલોવ્યું છે, પાણી ભર્યું છે, ઈંધણ લાવ્યો છું. બે પૈડાં વચ્ચે અનાજ દળાય એમ દળાઈ જઈએ ત્યારે રોટલા લાયક થવાય એ વાત ત્યારથી સમજાઈ ગઈ છે. માના ચહેરા પર બાઝેલો પરસેવો અને ઘંટીમાંથી આરામાં પડતો આટો સમાંતરે જોયા પછી જીવનચક્રની ઘટમાળનો અર્થ સમજી શક્યો છું.
નાનપણમાં હું રિસાતો ત્યારે મા ફોસલાવતી – માની જતો. એ મનામણાંથી ઝૂકી જવાના અભ્યાસે મને જિદ્દી થતાં અટકાવ્યો છે. જ્યારે હું થોડોક સમજણો થયો ત્યારે વાડામાં, મેદાનમાં, સંતાકૂકડી, ભમરડા, કબડ્ડી, ગિલ્લીદંડાની રમતો રમતો. એ સંતાકૂકડીમાં હું સંતાતો, પછી મને ભેરુ શોધી કાઢતો. હું દાવ આપતો-લેતો બહાર નીકળતો – એ રમતનો અર્થ હવે સમજાયો છે. જીવન પણ કેવી સુખદુઃખની સંતાકૂકડી છે ! પરમાત્મા પણ આત્મા સાથે એવી જ રમત રમે છે… ભમરડાની જેમ જીવનભર ભમતો રહ્યો છું. કોઈક વાર ગિલ્લી દૂર જાય તો કોઈક વાર નજીક. હું જીતતો તો ક્યારેક હારી જતો. એ ગિલ્લીને જીવ સાથે અને દંડાને ભાગ્ય સાથે સરખાવતાં હવે હું શીખી ગયો છું…..
કેવળ સોળે કળાએ ઊઘડેલા ફૂલનો મહિમા ભલે થતો હોય, પણ પ્રત્યેક ફૂલ એ કળીનો જ વિસ્તાર છે – વિકાસ છે, એ વાત ક્યારેય વિસ્મરવા જેવી નથી. એવું જ મારા શૈશવનું છે, સૌના શૈશવનું.
Print This Article
·
Save this article As PDF
ખુબ જ સુંદર….ગામડામાં જીવેલા કોઇ પણ માણસના શૈશવને જીવંત કરી દે તેવો નિબંધ. …છેલ્લેથી બીજો ફકરો બિંદુમાં સિંધુ જેવો લાગ્યો.
અતિ સુંદર, આજે તો વતનની મીઠી યાદો તાજી થઈ ગઈ. આભાર.
શબ્દો થિ દોરયેલુ ચિત્ર!!
બાળપણની યાત્રા કરાવી દીધી, ભગીરથ ભાઈ. આવી ‘સુખસાહ્યબી’ હવે ક્યાંથી મળે? આપણા પછીની પેઢીના કેટલા લોકો આવુ બાળપણ માણશે તે પ્રશ્ન છે.
સૌ આ લેખ સાથે પોતાને સાંકળી શકશે. વારંવાર વાંચવા ગમે એવો લેખ. રીડગુજરાતી પર my favoritesના ઓપ્શનની ખોટ વર્તાય છે.
આભાર,
નયન
very very good article.i think everyone of us likes to read these kind of childhood and village stories.wow.
મનમોહક. અતિશુંદર.
વ્રજ દવે
really it seems a story of real village life.every word gives the smell of village.nobody can fnd such appropriate
word to express his own development from child age to mature age.its really a wonderful ! i expect more from this writer as his pen has a magic to express the words.. thanks
સરસ લેખ.
દુઃખોના દરિયા અને સુખની આછી સરવાણીમાંથી પસાર થએલ માનવી મોટપણે ઘણી બધી
સમજુતી કરીને જીવનનૌકા હંકારે છે.
આજ એનું બડપ્પન છે. જીવનનો સાચો મર્મ છે.
અભિનંદન.
શ્રી ભગીરથ બ્રહ્મભટ્ટની વાર્તા વાંચ્યા પછી એક જ શબ્દ નીકળે…
પાદર મારૂં પોકારે મને અને હું
ઈચ્છવા છતાં જઈ શકતો નથી.
હું જ મારાથી હારી ગયો..!!
મારું પણ બાળપણ સમ્રુધ્ધ….લેખકનાં બાળપણ ની જેમ જ. આજે શહેરોમાં બાળપણ ખોવાય છે. બાળકો કોચવાય છે. મા-બાપો ‘પ્લે-સ્ટેશન’ ભેંટ આપીને હરખાય છે.
તાજેતરમાં વધારે જોવા મળતી સામાજીક અસહિષ્ણુતા અને સ્વાર્થનાં બીજ ‘સૂના’ બાળપણ માં રોપાયેલા હોય છે. સૂનું બાળપણ હવે ‘સૂનો’ સમાજ પેદા કરી રહ્યું છે. નાના-ગામો અને ગામડાંઓ ને તુંટતા અટકાવો…… શહેરોમાં બાળપણ પીંખાઈ જાય છે.
મારા બાળપણની સમૃધ્ધિ મારા બાળકોને વારસામાં ન આપી શકવાનો મને અફસોસ છે.
ખુબ જ સુન્દર …..ખરેખર ફરી બાળપણમા ગયા….. બાળકોને computer / T.V પર જોઇ ને
અફસોસ છે. They do not collect “બાળપણની સમૃધ્ધિ ”
સરસ લેખ.
આભાર
Kamlesh Pandya
IT’S GREAT……
I LIKE THIS ARTICLE .
I THINK EVERYONE LIKE THIS .
MOSTLY I LIKE THE LAST SECOND PARAGRAPH.