લેખમાં મેખ ! – વ્રજેશ આર. વાળંદ

[‘અખંડ આનંદ’ મે-2010માંથી સાભાર. આપ શ્રી વ્રજેશભાઈનો (વડોદરા) આ નંબર પર +91 9723333423 પર સંપર્ક કરી શકો છો. ]

‘મુક્તામાસી ! એક વધારાનું ભાણું સચવાશે કે ?’
‘ના રે ભાઈ, આ પાંચને માંડ સાચવું છું, શરીર હવે કહ્યું નથી કરતું, ભાઈ !’
‘પણ માસી, આ એક ભાણું તો તમારે સાચવવું જ પડશે. આ ભાઈ આપણા ગામમાં નવા શિક્ષક તરીકે મુકાણા છે, ને પંડે સાવ એકલા જ છે.’

હું રસપૂર્વક માસી અને મારા સહકાર્યકર વચ્ચેનો સંવાદ સાંભળી રહ્યો હતો.
‘શી નાતે છે ?’
‘નાતે તો મોચી છે; પણ તમે જ જોઈ લો ! કેવા ચોખ્ખા છે !’
‘તે ધોળાં તો બગલાંય હોય. એમ ચોખ્ખાઈ રાખવાથી કાંઈ નાત ઓછી મટી જાય !’ માસીના સ્વરમાં રહેલો જ્ઞાતિ તિરસ્કાર મારાથી અછતો ન રહ્યો. મારો સહકાર્યકર મુક્તામાસીને સંતોષ થાય એવા શબ્દો શોધવાની ગડમથલમાં હતો. મેં તરત જ માસી સાથે વાત કરવાની તક ઝડપી લીધી.
‘માસી, મેં સાંભળ્યું છે કે તમે નાગર બ્રાહ્મણ છો, નરસિંહ મહેતા પણ નાગર જ હતા ને ! શું તેઓ હરિજનવાસમાં ભજન કરવા ગયા ન હતા ? હરિજનોનો પ્રસાદ આરોગ્યો ન હતો ? અરે, તમે એમના પ્રભાતિયાં નથી ગાતાં !’ મારા પ્રશ્નોની ઝડીથી ક્ષણભર તો માસી વિમાસણમાં પડી ગયાં, પણ પછી ચીલાચાલુ જવાબ આપ્યો :
‘ભાઈ, નરસિંહ મહેતા તો ખૂબ મોટા માણસ. હું માત્ર ગામડા ગામની વિધવા વૃદ્ધ બ્રાહ્મણી. ઘરમાં બાળવિધવા છોડી છે. મારાથી મહેતાજીની જેમ નાત સામે બાથ ન ભીડાય ! મારાથી એમનો વાદ ન વદાય !’
મેં કહ્યું : ‘પણ માણસાઈને નાતે કોકની ભીડ તો ભંગાય ને ?’

‘તે હજી તમે પરણ્યા કેમ નથી ?’ મારો પ્રશ્ન ગળી જઈ, મારી ઊલટ તપાસ લેતાં હોય એમ માસીએ મને પ્રતિ પ્રશ્ન કર્યો.
‘પરણવાને તો હજી ખૂબ વાર છે, માસી ! ભણતર અધૂરું છે, એને પૂરું કરવું છે. હજી તો મારે આગળ ઘણું ભણવાનું છે !’
‘તે તમે ભણ્યા કરશો તો છોકરાં કેવી રીતે ભણાવશો ?’
‘ભણતાં ભણતાં ભણાવીશ !’
‘તે હજીય વળી કેટલું ભણવાનું છે ?’ માસીને મારામાં રસ પડ્યો હોય એમ લાગ્યું.
‘માસી એ તો એવું છે ને કે જ્ઞાનની કોઈ સીમા નથી. આખો જનમારો ભણીએ તોય ઓછું પડે !’ માસી આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યાં. મેં આગળ ચલાવ્યું, ‘જો જમવાનું બનાવવાની કટાકૂટ કરું તો અભ્યાસને પૂરતો સમય ન મળે અને એટલે જ તમને તસ્દી આપવી પડે છે !’
‘બા ! છોને જમતા. દાળમાં એક વાડકી પાણી વધારે નાખવું પડશે, એ જ કે બીજું !’ મારી પાછળથી આવેલા આ મધુર સાદે મને ચોંકાવ્યો. મેં પાછળ જોયું. શ્વેત વસ્ત્રોમાં લપેટાયેલી અઢારેક વર્ષની, ગૌરવર્ણી કન્યા ઊભી હતી. એની વાણીમાં કટાક્ષ હતો કે કટુતા એ હું ન તારવી શક્યો. પળ બે પળ અમારી નજરો મળી અને એ નીચું જોઈ ગઈ.

‘તું કેમ વચ્ચે ટપકી પડી, ગૌરી ! જા, અંદર જઈને તારું કામ કર !’ કહી માસીએ એને તતડાવીને અંદર મોકલી. પછી મારી તરફ જોઈને બોલ્યાં : ‘જુઓ માસ્તર ! જમાડું તો ખરી. પણ થાળી, વાટકો, પવાલું તમારે પોતાનાં લાવવાનાં, જાતે માંજવાનાં ને…’ દૂર આંગળી ચીંધતાં ‘પે….એ….લા…. ખૂણામાં મૂકી દેવાનાં ! બે ટંકના રૂપિયા સાઠ લઈશ ને તેય પહેલેથી. બોલો, છે મંજૂર ?’ માસી મને ટાળવા માગતાં હોય એમ મને લાગ્યું. મેં મારા સહકાર્યકર તરફ જોયું. એ બિચારાની આંખો મને કહી રહી હતી : ‘અહીં તો આવું જ ચાલશે !’… ને મારે સ્વીકાર્યા વિના છૂટકો ન હતો. આ નાના ગામમાં બીજું કોઈ વીશી ચલાવતું ન હતું.
‘વારુ માસી, લો આ પૈસા’ કહી મેં દસ-દસની છ કડકડતી નોટો કાઢી એમની સામે ધરી. માન્યામાં ન આવતું હોય એમ માસી વિસ્મિત નજરે મને જોઈ રહ્યાં. મારા સહકાર્યકરે અગાઉ મને કહ્યું હતું કે બે ટંક જમાડવાના માસી પચાસ રૂપિયા લે છે. માસીએ મારી પાસે જાણી જોઈને દસ રૂપિયા વધારે માગ્યા હતા. હું કચવાઉં કે રકઝક કરું તો મને સ્પષ્ટ ના પાડી દેવાનો કદાચ એમનો ઈરાદો હશે. આખરે મને જરાય સ્પર્શ ન થાય એ રીતે એમણે પૈસા લીધા. આવતી કાલથી આવવાનું નક્કી કરી મેં મારા સહકાર્યકર સાથે વિદાય લીધી.

હું અમદાવાદના એક અત્યંત સુખી પરિવારમાં ઊછર્યો છું. પિતાજી સ્વ પ્રયત્ને સંઘર્ષ કરીને પ્રામાણિકપણે જીવનમાં આગળ આવેલા. પગરખાં બનાવવાની એમની પોતાની ફૅકટરી. નોકર, ચાકર, બંગલો, ગાડી બધું જ હતું. મારે નોકરી કરવાની કોઈ જરૂર ન હતી. મોટાભાઈ અભ્યાસ સંપન્ન કરી પિતાજીનો જમણો હાથ બની ગયા હતા. અમે બે જ ભાઈ. પિતાજી અને ભાઈ-ભાભીનો હું ખૂબ લાડકો. તેઓ સદાય મને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરતાં. મને ગમે એટલા પૈસા વાપરવાની છૂટ. પણ હુંય ઘરના ભક્તિમય સંસ્કારો અને ગાંધીજીના આદર્શોથી પૂરેપૂરો રંગાયેલો. નહિ વસ્ત્રોની તડકભડક, નહિ ધનનો દેખાડો કે બાહ્ય ટાપટીપ. હા, ગરીબ અને તેજસ્વી મિત્રોને અભ્યાસમાં આર્થિક સહાય અચૂક કરતો. પિતાજી અને મોટાભાઈ મારી આ પ્રવૃત્તિથી ખૂબ ખુશ. પણ મારું મન તો સેવાના રંગે રંગાયેલું હતું. હું ગામડાના નિરક્ષર અને દરિદ્રજનોની સેવા કરવા ઝંખતો હતો. તેથી કલા-સ્નાતક થયા પછી, અભ્યાસની ઉજ્જ્વળ કારકિર્દી ત્યાગી, શિક્ષક બની ઈ.સ. 1953ના જૂન માસમાં સૌરાષ્ટ્રના છેક દૂરના ખૂણે આવેલા લીલાપુર ગામમાં આવી ગયો. વિચાર્યું કે એમ.એ.નું પાછળથી જોયું જશે.

લીલાપુર અત્યંત નાનકડું ગામ હતું. તાલુકાના ગામની ટ્રેન પકડવા ત્યાંથી ત્રણેક ગાઉ ચાલવું પડે. બસની તો કલ્પના જ કેવી ! રસ્તો એકદમ ધૂળિયો ને ઊબડખાબડ. સરકાર મા-બાપે અહીં એકથી ચાર ધોરણની શાળા શરૂ કરી હતી. વિદ્યુત-રમણીની કૃપા હજી ગામ પર થઈ ન હતી, પણ લીલાપુર ગામ અને એની આજુબાજુનું પ્રકૃતિ-દત્ત હરિયાળી વાળું વાતાવરણ મને ખૂબ સ્પર્શી ગયું. મુક્તામાસીના ઘરથી થોડેક દૂર અને નિશાળની ખૂબ નજીક એક ગરીબ ખેડૂતનું કોઢિયું મને ભાડે મળી ગયું. માઠાં વરસોને કારણે એણે ઢોર-ઢાંખર કાઢી નાખેલાં. મેં એમાં મારો સામાન ગોઠવી દીધો. મારા અસબાબમાં હારમોનિયમ, પુસ્તકોનો ઈસ્કોતરો અને નાનકડો બિસ્તરો મુખ્ય હતાં. હા, એ જમાનામાં મારા જેવી જ્ઞાતિવાળાને ઉજળિયાત – ઉચ્ચ વસ્તીમાં મકાન ભાડે મળવું જરા મુશ્કેલ હતું.

બીજે દિવસે શાળાના સમય પહેલાં મુક્તામાસીને ત્યાં જમવા પહોંચી ગયો. ત્યાં જમી રહેલા મારા શિક્ષક મિત્રોએ મને આવકાર્યો. માસીએ મને જોઈને બૂમ પાડી : ‘ગૌરી, નવા માસ્તર જમવા આવ્યા છે, તૈયારી કર !’ હું આંગણામાં આવેલા તુલસીક્યારા પાસે ઊભો રહ્યો. ભાવપૂર્વક વંદન કર્યાં. માસી કુતૂહલપૂર્વક જોઈ રહ્યાં. મેં થેલીમાંથી ચોખ્ખું ચણાક આસનિયું અને ભાભીએ આગ્રહપૂર્વક આપેલાં સ્ટીલના ચકચકિત થાળી, વાડકો, પ્યાલો વગેરે બહાર કાઢ્યાં. હા, એ વેળા સ્ટીલનાં વાસણો સંપન્ન પરિવારોમાં જ ઉપયોગમાં લેવાતાં. મને ભોજન પીરસવા આવેલી ગૌરી મારો આ ઠઠારો જોઈ ક્ષણિક ડઘાઈ ગઈ. માસી જમનારાઓને પિત્તળનાં કલાઈવાળાં વાસણમાં જમાડતાં. ભોજન પિરસાયા બાદ મેં થાળીની આસપાસ જલાભિષેક કર્યો. આંખો બંધ કરી હાથ જોડી શ્લોકગાન કર્યું. જ્યારે મેં આંખો ઉઘાડી ત્યારે માસી અને ગૌરી અનેરા આશ્ચર્યથી મારો કાર્યકલાપ નિહાળી રહ્યાં હતાં. એક અબ્રાહ્મણ યુવકને શુદ્ધ ઉચ્ચારો સહિત શ્લોક ગાન કરતો જોઈ તેઓ કદાચ મંત્રમુગ્ધ બન્યાં હતાં. જમ્યા બાદ ચીવટપૂર્વક વાસણો માંજી, નિર્દિષ્ટ સ્થાને મૂકી મેં શાળા તરફ પ્રયાણ કર્યું.

શાળામાં વિદ્યાર્થીઓની અત્યંત પાંખી હાજરી મને ખૂંચી. મારા સહકાર્યકરોને આ પરિસ્થિતિ કદાચ કોઠે પડી ગઈ હોય એમ મને લાગ્યું. પણ મને એ ખૂબ કઠ્યું. બીજા જ દિવસથી મેં મારું અભિયાન શરૂ કર્યું. ઘેર ઘેર જઈ વાલીઓને સમજાવ્યા. બાળકોને ફોસલાવ્યાં. સાદી ભાષામાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું. ઈશ્વરનો પાડ કે મારા આચાર્ય અને શિક્ષક મિત્રોનો મને પૂરો સહકાર સાંપડ્યો. થોડા દિવસોમાં જ શાળાનું પ્રાંગણ વિદ્યાર્થીઓથી ઊભરાવા લાગ્યું. સંગીતના સૂરો અને પ્રાર્થના શરૂ થવા લાગી. શાળાનું પરિસર સ્વચ્છ બન્યું. રંગબેરંગી ફૂલોનાં કૂંડાં શોભવા લાગ્યાં. વર્ગ ખંડો સ્વચ્છ, સુશોભિત બન્યા. છાપામાં અવારનવાર પ્રકાશિત થતા મારા વિવિધ લેખોને કારણે શિક્ષકો અને ગામલોકોમાં મારી વિદ્વત્તાનો પ્રભાવ પડવા લાગ્યો. મારી સાદાઈ, સેવાપરાયણતા અને ઘરના ભક્તિમય સંસ્કારોએ મને લોકહૃદયમાં સ્થાન અપાવ્યું. વચ્ચે મોટાભાઈ પણ ખબર કાઢવા આવી ગયા. મારી સદપ્રવૃત્તિઓ નિહાળી એમની આંખો હર્ષાશ્રુથી છલકાઈ ઊઠી. એક સજ્જન-સમૃદ્ધ ખેડૂતે મને એનું પાકું મકાન નજીવા ભાડે રહેવા આપ્યું.

એક દિવસ જમીને હું હાથ ધોવા ઊઠ્યો. પાછા આવીને જોયું તો ગૌરી મારાં એઠાં વાસણ માંજી રહી હતી. હું અવાચક થઈ ગયો. મારા મોંમાંથી માંડ માંડ શબ્દો સર્યા : ‘ગૌરીબહેન ! આ શું કરો છો ! રહેવા દો ! માસી જોઈ જશે તો શું કહેશે !’
‘ઊટકવા દો માસ્તર !’ માસીએ રસોડામાંથી બહાર આવી કહ્યું, ‘મેં જ એને કહ્યું છે.’
હું થોથવાયો, ‘પણ માસી, આ તો હું પાપમાં પડીશ !’
‘ના, અત્યાર સુધી હું પાપ કરતી હતી. તમારું ખોળિયું ભલે બ્રાહ્મણનું નથી. જીવ તો બ્રાહ્મણથીય અદકેરો છે !’ માસીના આ પરિવર્તને મને વિચાર કરતો કરી મૂક્યો. એમની સાથે ચર્ચા કરવાની લાલસા હું ન રોકી શક્યો.
‘માસી, માણસના કપાળ પર ભગવાને એની જ્ઞાતિનું નામ થોડું લખ્યું છે ! ને નાતજાતના વાડાય ક્યાં એમણે બનાવ્યા છે ! એ તો આપણા આ સંકુચિત સમાજની દેન છે.’
‘માસ્તર, તમે ભણેલા-ગણેલા છો. મારાથી તમને નહિ પહોંચાય !’ કહી માસીએ છટકવાનો પ્રયત્ન કર્યો, પણ મેં આગળ ચલાવ્યું, ‘પણ જાણે અજાણે કહેવાતા અસ્પૃશ્યોની ઉપેક્ષા કરવાનું, એમને હડધૂત કરવાનું પાપ તો આપણે કરીએ જ છીએ ને !’
‘તે કરીએ જ છીએ ને !’ ગૌરી વાસણ ઊટકતાં અચાનક વચ્ચે બોલી પડી. એના અવાજે મને ચોંકાવ્યો. એના સ્વરનો રણકો જાણે સમાજ સામે લડી લેવાની એની પ્રતિબદ્ધતાનો પ્રતિદોષ કરી રહ્યો હતો. ‘શું આટલું બધું સામર્થ્ય છે આ દૈવ-શાપિતામાં !’ હું વિચારી રહ્યો. માસીએ હંમેશની ટેવ મુજબ છણકો કરીને એને ચૂપ કરી દીધી. મારો સમય થવાથી હું પણ ચાલી નીકળ્યો.

માસીના વ્યવહારમાં હવે કુણાશ આવી હતી. ત્રણેક મહિના તો તેઓએ મારી પાસે જમવાના સાઠ રૂપિયા લીધા, પણ પછી પચાસ લેવાનું શરૂ કર્યું. હજીય રૂઢ થયેલા સંસ્કારોને કારણે કે પછી સમાજના કહેવાતા હાઉને કારણે તેઓ મને ચોકામાં જમવા બેસાડવાની હિંમત તો ન દાખવી શક્યાં પણ મારા પર હેત-સરવાણી કરવાની એક પણ તક જતી ન કરતાં.

‘અજિતભાઈ, મને યા કુન્દેકુન્દુ તુષાર હાર ધવલા….’ – શ્લોક બરાબર ગાતાં શીખવાડો ને !’ એક સાંજે હું જમતો હતો ત્યારે ગૌરીએ વાત ઉપાડી. એના સ્વરની ઉત્કંઠા મને સ્પર્શી ગઈ. મેં એની સામે જોયું. સાંજે જમનારા બધા જમીને જતા રહ્યા હતા. માસી પડોશમાં કોઈ કામે ગયાં હતાં. ગૌરીને પહેલી જ વાર મેં ધ્યાનથી નિહાળી. અહા ! કેવી સુંદર ! કેવી નિર્દોષ ! કેવો નિષ્પાપ ચહેરો ! સમાજના જડ કાનૂને એને બચપણથી જ વૈધવ્યના પિંજરે જકડી લીધી હતી. મેં વિચાર્યું, શું આ કોડભરી કન્યાનો જનમારો આમ જ વીતી જશે ! ઊછળતી, કૂદતી, ચંચળ મૃગલીશી, કિલ્લોલતી પંખિણી શી એ નિષ્કલંક બાલિકા પર કુરિવાજોના કોરડા વીંઝનાર નિર્દયી સમાજ પર મને તિરસ્કાર વછૂટ્યો.
‘શા વિચારમાં પડી ગયા, અજિતભાઈ !’ ગૌરીના રૂપાની ટોકરી શા મધુર સ્વરે મને જાગૃત કર્યો.
મેં કહ્યું : ‘કાંઈ નહિ, ગૌરી ! જમીને આ શ્લોક તને જરૂર શીખવીશ.’ જમ્યા બાદ મેં શ્લોક-ગાન શરૂ કર્યું. મારો સ્વર માણવા એણે આંખો બંધ કરી. એ કમલનયના જાણે દિવ્યલોકમાં વિહરી રહી. એના એ નયનરમ્ય રૂપને નિહાળવા મેં શ્લોક બંધ કર્યો. પણ ત્યાં તો મારા આશ્ચર્ય વચ્ચે જ્યાંથી મેં શ્લોક બંધ કર્યો હતો ત્યાંથી તરત જ બંધ આંખે એણે ઉપાડી લીધો. એના નૈસર્ગિક સ્વરમાધુર્યે મને આનંદવિભોર કરી મૂક્યો. સાક્ષાત વીણાવાદિની સદેહે મારી સન્મુખ બેઠાં હોય એવો ભાસ થયો. વણ વીણાએ વીણાની સ્વરલહરીઓ વાતાવરણમાં સ્પંદિત થતી લાગી. હું ભાવવિભોર થઈ ગયો. પછી તો અમે બંને શ્લોકગાનમાં એવાં તલ્લીન થઈ ગયાં કે અમને સાંભળવા જાણે કાળ પણ થંભી ગયો. આજુબાજુનું વિશ્વ જાણે સાવ વિસરાઈ ગયું. માસીએ ઠાલું વાસેલું ખડકીનું બારણું ખખડાવ્યું ત્યારે જ અમે ધ્યાનભંગ થયાં.
માસીના ચહેરા પર હર્ષ માતો ન હતો. ‘હું તો ક્યારનીય બહારથી સાંભળતી હતી !’ કહી એમણે અમને આશ્ચર્યમાં નાખી દીધાં. ‘ગૌરી બેટા ! તું આટલું સરસ ગાય છે !’ કહેતાં એમને ડૂમો ભરાઈ આવ્યો. એમના ગળગળા સાદમાં કંઈ કેટલીય વેદના હતી. મારા પછી મારી આ રાંક દીકરીનું કોણ ? એ ભાવ પણ હું પામી ગયો. મેં મનોમન એક નિશ્ચય કરી લીધો. હા, મક્કમ નિશ્ચય !

રવિવારની રજા હતી. બપોરે સહેજ મોડો જમવા પહોંચ્યો. જાણે મારી જ રાહ જોઈ રહ્યાં હોય એમ માસીએ બૂમ પાડી, ‘ગૌરી બેટા ! અજિતભાઈ આવી ગયા છે !’…. ને મારા કાન ચમક્યા. અત્યાર સુધી માસ્તર કહી સંબોધનાર માસી પહેલી જ વાર મને નામથી બોલાવ્યો હતો. શરીરના કણેકણમાં આ આત્મીય સંબોધનથી આનંદ-લહરી પ્રસરી ગઈ. કાન દગો દેતા લાગ્યા. માસીને કાંઈ કહેવા જાઉં એ પહેલાં ગૌરી બહાર આવી. હું એના સદ્યસ્નાતા, નિર્દોષ રૂપને અપલક જોઈ રહ્યો. એના હાથમાં કુમકુમ-અક્ષતની થાળી હતી. એમાંથી કુમકુમ અક્ષત લઈ એણે મારા ભાલ પર ચાંદલો કર્યો. મારા હાથ પર રાખડી બાંધી. ‘અરે, આજે તો રક્ષાબંધન છે.’ મને આચાનક યાદ આવ્યું. અશ્રુસિક્ત નયને, અત્યંત ગદગદિત કંઠે આશીર્વચન ઉચ્ચારી ગૌરીએ મારાં ઓવારણાં લીધાં. મારે કોઈ બહેન ન હતી. સાચી વાત તો એ હતી કે હું તો ક્યારનોય ગૌરીને ભગિની પદે સ્થાપી ચૂક્યો હતો. હૃદય તાર તાર થઈ ગયું. એણે આપેલો ગોળનો ટુકડો મોમાં મૂકતાં જ મારી આંખોમાંથી હર્ષાશ્રુની સરવાણી ફૂટી નીકળી. ‘ગૌરી ! મારી બહેન !’ કહી એના મસ્તક પર હાથ પસારી એના હાથમાં મેં પાંચ રૂપિયાની નોટ મૂકી. ગૌરીની આંખોય છલકાઈ ઊઠી. ભાઈ-બહેનનાં હેતનાં પૂર શમ્યાં ન શમ્યાં ત્યાં તો માસી રોતી આંખે બોલી ઊઠ્યાં, ‘બેટા અજિત ! ગૌરીનો ભાઈ આજે જીવતો હોત તો બરાબર તારા જેવડો જ હોત !’….. ને એમના હૈયાનો બંધ તૂટી પડ્યો. એ મોકળા સાદે રોઈ પડ્યાં. મેં એમને રોવા દીધાં.

બસ, પછી તો નિષ્ઠુર, નિર્દયી સમાજ સામે જંગ છેડવાનો, એને પરાસ્ત કરવાનો મારો નિશ્ચય બળવત્તર બન્યો. વચ્ચે એકાદ બે વાર અમદાવાદ પણ જઈ આવ્યો. થોડા દિવસ પછીની એક સાંજે માસીને ત્યાં જરા વહેલો પહોંચી ગયો. જમવાને હજી ઘણી વાર હતી. માસી અને ગૌરી ભોજનની પૂર્વ તૈયારી કરી રહ્યાં હતાં. મેં હળવેકથી વાત ઉપાડી : ‘માસી, હું મારી એકની એક બહેનનું વૈધવ્ય ખમી નથી શકતો. મારે ગૌરીનાં સૌભાગ્યવંતા રૂપને જોવું છે !’ માથે વીજળી ત્રાટકી હોય એમ માસીએ કાન પર હાથ દઈ દીધા :
‘શું કહે છે, અજિત બેટા આ તું ! તારે મને જીવવા દેવી છે કે નહિ ! આ સમાજ અને જગત મને હડધૂત નહિ કરે ! વિધાતાએ એના ભાગ્યમાં બાળરંડાપો લખ્યો છે. એના લેખમાં મેખ મારનાર આપણે કોણ ?’ આટલું બોલતાં તો તેઓ હાંફી ગયાં.
મેં સમજાવટના સ્વરે કહ્યું : ‘જુઓ માસી ! તમે હવે ખર્યું પાન કહેવાઓ. જીવ્યાં એટલું આગળ નથી જીવવાનાં. તમારા ગયા પછી આ સમાજ ગૌરીને સુખે રહેવા દેશે ખરો !’ મારી વાણીમાં સહેજ કંપ ભળ્યો, ‘…ને હુંય ઊડતાં પંખી જેવો છું, ક્યારે અહીંથી ચાલ્યો જાઉં એ કહેવાય નહિ !’ માસી અને ગૌરી ચિત્રસ્થ બની મને સાંભળી રહ્યાં હતાં. મેં આગળ ચલાવ્યું, ‘તમે મને પુત્ર અને ગૌરીએ ભાઈ માન્યો છે તો મને મારું કર્તવ્ય અદા કરવા દો. ગૌરી માટે મેં એક યોગ્ય યુવક શોધી કાઢ્યો છે. ગૌરીએ પણ મને સંમતિ આપી દીધી છે. મેં એને પૂછીને જ બધું પાકું કરી નાખ્યું છે !’
‘શું પાકું કરી નાખ્યું છે ?’ માસી સહસા બોલી ઊઠ્યાં.
‘એ જ કે હું વિધાતાના લેખમાં મેખ મારીશ !’ મેં દઢસ્વરે કહ્યું, ‘ગૌરીના ભાલ પર લાગેલા આ વૈધવ્યના કલંકને સ્થાને સૌભાગ્યબિંદી ચમકશે. એના પુનર્લગ્ન થશે !’
‘શું….શું……!’ માસીના સ્વરમાં જાણે ધરતી રસાતળ જવાની હોય એવી ભીતિ પ્રસરી રહી.
મેં આગળ ચલાવ્યું : ‘હા, માસી, અમદાવાદમાં મારો એક મિત્ર છે. અભ્યાસ માટે મેં એને બનતી સહાય કરેલી. ખૂબ સંસ્કારી છે. એય મારી જેમ સમાજનાં અનિષ્ટો સામે મેદાને પડ્યો છે. જ્ઞાતિએ ઔદિચ્ય બ્રાહ્મણ છે. ખૂબ સારું કમાય છે. ગૌરી પ્રત્યે અનુકંપાથી પ્રેરાઈને નહિ, પણ પોતાના આદર્શોને સાર્થક કરવા સ્વ-ખુશીથી એણે મને હા પાડી છે. નામ છે રમેશ ત્રિવેદી !’ હું એક શ્વાસે બધું બોલી ગયો. પછી હળવેકથી સ્વસ્થાનેથી ઊભો થયો. માસીના ચરણોમાં મસ્તક નમાવ્યું, ‘આ શુભ કાર્યમાં આપનો આ પુત્ર આપના આશીર્વાદ અને અનુમતિની નમ્ર યાચના કરે છે. ના ન પાડશો.’ કહી હું મૌન થઈ ગયો…. ને માસીના દેહમાં જાણે નવું ચેતન પ્રગટ્યું. પળ બે પળ મારી સામે જોઈ રહ્યાં. મને લાગ્યું કે મારી આંખોમાં એ પોતાના મૃત પુત્રને શોધી રહ્યાં છે. આખરે એમના કંઠમાંથી ભીની વાચા ફૂટી. ‘ઓ અજિત બેટા ! તેં મારી કૂખે જનમ કેમ ન લીધો !’ મને છાતીસરસો ચાંપ્યો. આગળ એ કાંઈ ન બોલી શક્યાં. મારા શુભ કાર્યને એમની મૂક અનુમતિ મળી ગઈ. અને હા, તે સાંજે મને ચોકામાં જમવા બેઠેલો જોઈ અન્ય જમવા આવેલાઓની આંખો આશ્ચર્યથી ફાટી રહી.

આખા પંથકમાં આ વાત દાવાનળની જેમ પ્રસરી ગઈ. સમાજના કેટલાક કહેવાતા ઠેકેદારોનો પુણ્યપ્રકોપ ફાટી નીકળ્યો. આ મહાઅનર્થ (!) ને અટકાવવા તેઓએ ભારે ધમપછાડા કર્યા. મારું અસ્તિત્વ મિટાવી દેવાની આડકતરી ધમકીઓ પણ આજુબાજુનાં ગામો તરફથી મળી. આક્રોશનાં તમામ આયુધો મારી સામે નોંધાયાં; પણ ભોળા લીલાપુર વાસીઓ અભેદ કિલ્લો બની મારી રક્ષા કાજે, સજ્જ હતા. ‘અજિતભાઈ ! તમને કાંઈ થાય તો અમારી જણનારી લાજે !’ કહી એમણે મને ભારે હિંમત આપી. હુંય મક્કમ હતો. ગૌરી અને મુક્તામાસી પણ એટલાં જ મક્કમ હતાં. અંતે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. એ દિવસે આખુંય લીલાપુર હરખના હિલોળે ચડ્યું. ઘેર ઘેર તોરણ બંધાયાં. સાથિયા પુરાયા. અમદાવાદથી પિતાજી, ભાઈ-ભાભી, સ્નેહીઓ, શુભેચ્છકો અને સર્વોદય કાર્યકરો આવી ગયા. જાન લઈને રમેશ પણ સમયસર સપરિવાર આવી પહોંચ્યો. સૌભાગ્યવતીના પોષાકમાં ગૌરીનું અપ્રતીમ સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું હતું. સર્વોદય અગ્રણી શ્રી કૃપાશંકર શાસ્ત્રીના બુલંદ કંઠે સપ્તપદીના મંગળમંત્રો વહેતા થયા. લીલાપુરની હરખપદૂડી નારીઓએ લગ્નગીતો અને ફટાણાંથી વાતાવરણ ભરી દીધું. રંગે ચંગે ગૌરીનાં લગ્ન સંપન્ન થયાં.

ગામલોકોએ અને અન્ય જનોએ આપેલો બે ગાડાં જેટલો કરિયાવર લઈ ગૌરી જ્યારે અશ્રુભીની આંખે ભાવભીની વિદાય લઈ રહી હતી ત્યારે ગામલોકોની આંખોમાંથી જાણે હર્ષાશ્રુનો મહેરામણ ઊમટી રહ્યો. આખા ગામને જાણે સગી દીકરીને પરણાવ્યાનો આનંદ અને વિદાયની વસમી ઘડી – બંનેની સહ અનુભૂતિ થઈ રહી હતી. મુક્તામાસી મારા ખભા પર મસ્તક ઢાળી, રોતી આંખે, શણગારેલી વેલ્યમાં વિદાય થતાં આંખના રતનને જોઈ રહ્યાં. હું એમની પીઠ પર હસ્ત પસવારી એમને સાંત્વન આપી રહ્યો. દૂર ચાલ્યાં જતાં ગાડાંઓથી ઊડેલી ધૂળની ડમરી આકાશમાં ઊંચે જઈને વિધાતાને જાણે કહી રહી હતી : ‘વિધાતા ! તારા લેખમાં મેખ વાગી ચૂકી છે. વાગી ચૂકી છે મેખ તારા લેખમાં !’ મુક્તામાસી મોકળા સાદે રડી પડ્યાં. એમના એ રુદનમાં છુપાયેલા અકથ્ય આનંદનું વર્ણન ભલા શી રીતે થાય ! તમે જ કહો, શી રીતે થાય !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમે મોં ફેરવી લીધું – નીતિન વડગામા
સ્વિચ – શ્રીદેવી ભટ્ટ Next »   

22 પ્રતિભાવો : લેખમાં મેખ ! – વ્રજેશ આર. વાળંદ

 1. nayan panchal says:

  વિધાતાના લેખમાં કોઈ મેખ નથી વાગી ભાઈ. જે થયુ તે વિધાતાની ઈચ્છાથી જ થયુ હશે ને.

  આ તો માનવમનની વિચિત્રતા છે કે જે પોતે કરવાલાયક કરતો નથી અને પછી વિધાતા પર ઢોળી દે છે.

  એ વાતનો આનંદ છે કે હવે વિધવા પુનર્લગ્નને ઉત્તેજન મળે છે. સમાજના આગેવાનો પણ વિધુર, વિધવા કે છૂટાછેડા લીધેલ વ્યક્તિ ફરી ગોઠવાઈ જાય તે માટેના પ્રયાસ કરે છે.

  સુંદર વાર્તા. ઘણા બધા મુદ્દાઓ આવરી લેવાયા છે. આભાર,

  નયન

 2. ખુબ જ સુંદર વાર્તા….

  ઘણા બધા મુદ્દા સમાવી લીધા છે…માણસ તેના કર્મો થી બ્રાહ્મમણ કે ક્ષુદ્ર થાય, જન્મા જાતિથી નહી કાર્યોથી મપાય તો જ ખરું

 3. કુણાલ says:

  સરસ વાર્તા …

  પાત્રો વચ્ચે થતો એક્દમ જ શુદ્ધ ભાષામાં વર્ણવાયેલો વાર્તાલાપ ઊડીને આંખે વળગે એવો છે ….

  ઘણીવાર હું અને મારા મિત્ર-વૃંદમાંના હ્રદયંગમ મિત્રો આ પ્રકારની શુદ્ધ ભાષામાં વાર્તાલાપ આચરતા હોઈએ છીએ …. જેનાથી એક અનન્ય પ્રકારનો આનંદ અમારાં બધાંના હ્રદયકમળમાં સમગ્રપણે વ્યાપી જતો અનુભવીએ છીએ ….

 4. Pinky says:

  ખુબ જ સરસ લે ચ્હે.

 5. ashalata says:

  સુન્દર ક્રૂતિ—-

 6. Mahesh Sutar says:

  ખરેખર પ્રેરણા આપે તેવિ વર્તા છે.

 7. Jagruti Vaghela U.S.A. says:

  સરસ પ્રેરણાદાયી વાર્તા

 8. RUPAL says:

  Very nice story.

 9. કલ્પેશ says:

  ઘણી આવી માન્યતા નવા સમાજમા પણ છે. (દા.ત સગાઇ તૂટી ગયા પછી છોકરીઓને છોકરા કરતા અલગ દ્રષ્ટિએ મૂલવવામા આવે છે. પછી વાંક છોકરાનો કેમ ન હોય?)

  દરેક પેઢીએ પરિવર્તન આવે છે. આજની પેઢીએ દરેક વાતને “આવુ કેમ?” (જેના કોઇ સરખા તાર્કિક જવાબ મળતા નથી) પુછવાનુ શરુ કર્યુ છે. જેને કારણે ધીમે પણ ચોક્ક્સ રીતે ફેરફાર થઇ રહ્યા છે.

 10. Sakhi says:

  Very nice story for our Samage.

 11. Navin N Modi says:

  અતિ સુંદર કૃતિ.
  મને લાગે છે કે આ વાર્તાનું કથાબીજ એક સત્ય ઘટના હોવી જોઈએ જેને શ્રી વ્રજેશભાઈએ પોતાની સશક્ત કલમથી સજાવેલ છે. મારી આ માન્યતા જો સાચી હોય તો ભારતિય સંસ્કૃતિ ફરી એક વાર ભવ્યતાના શીખર સર કરશે એવી શ્રદ્ધા અસ્થાને નથી.

 12. Uma says:

  bahu saras samaj ne protsaheet kare tevee vaat.aabhaar…

 13. Jagadish Thakkar says:

  ખુબજ સુન્દર ,ર્હ્દય્સ્પર્શિ વાર્તા.

 14. Jigna Bhavsar says:

  વ્રજેશભાઈ અને મ્રુગેશભાઈ નો ખુબ ખુબ આભાર.

  ખુબ સરસ પ્રેરણાત્મક લેખ. જેવી રીતે આ લેખ ના પાત્ર એ જગતકલ્યાણ માં જીવન વાપર્યુ તેમ આ ના લેખક તથા મુગેશ ભાઇ એ પણ પોતાની કળા થી આવા લેખો પ્રકાશિત કરી ને જગતકલ્યાણ માં ઉમદા યોગદાન આપ્યું છે.

 15. trupti says:

  ખુબજ સુંદર ને ભાવુક કથા. આજના હમયે પણ સમાજે ઘણુ બદલવાની જરુર છે.

  ગાંધીજી ને લોકો હજી યાદ કરે છે પણ તેમના આદર્શો ને ભુલી ગયા છે. મારા ખ્યાલે સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે લોકો ગાંધીજી અને તેમની વાતો થી એટલા પ્રભાવીત હતા કે તે સમયે લોકોએ તેમનો અભિગમ થોડો બદલ્યો હતો.
  મારા પપ્પાના નાની કોઈપણ માંદુ હોય તેની ખબર જોવા જતા પછી તે વ્યક્તિ વાણિયો હોય, કણબી હોય,ભ્રામણ હોયે કે ઢેડ હોય. તે જમાના મા જાતી પ્રમાણે વાડા (રહેણાંક) રહેતા અને તેઓ ભંગિવાડ પણ જતા. ધિરે ધિરે ગાંધીજી ના વિચારો ની અસર ઓછિ થતી ગઈ ને લોકા ના વિચારો મા પાછુ પરિવર્તન આવવા માંડ્યુ.
  અમારા વતન મા અમારાજ ન્યાતની છોકરી ને એક મોચી ના છોકરા જોડે પ્રેમ થઈ ગયો, છોકરો જાતે મોચી પણ મા-બાપ પણ ભણેલા અને છોકરો અમેરિકા રહે છતા છોકરા ના પપ્પાની ખાનદાની જુઓ કે જ્યારે છોકરીએ તેમના છોકરા જોડે જોડાવાનુ નક્કી ક્રર્યુ ત્યારે છોકરાના પપ્પા એ છોકરી ને કહ્યુ,” તારુ અમારા ઘરમા સ્વાગત છે પણ પને પાછળથી પસ્તાવાનો વારો ન આવે માટે કહું છુ કે બેવાર વિચાર કરી ને જે પણ નિર્ણય લે તે લેજે કારણ અમે જાતે મોચિ અને માંસ-મચ્છી ખાવા વાળા અને તમે ચુસ્ત વૈષ્ણવ.” છોકરી મકકમ રહી અને અમેરિકામા સુખેથી રહે છે.

 16. Sonia says:

  મન ને આરપાર વીંધી નાખ્યું…..ખુશ્બોદાર વાર્તા!

 17. Kirtikant Purohit says:

  બહુ સરસ સન્મિત્ર વ્રજેશભાઈ, અને મૃગેશભાઈ.

  બહુ વરસો ( લગભગ પાઁત્રિસેક ) પહેલાઁ કુટુઁબમાઁ મારી કાકાની દિકરી થતી એક બેનને આમ જ એના ક્રુર સાસરેથી મુઁબઈમાઁ હુઁ અને મારા બીજા વકીલાત કરતા પિત્રાઈ ભાઈ છોડાવી લઈ આવેલા અને કાકાને સમજાવી સુરતબાજુ અન્ય બ્રાહ્મણ સાથે પરણાવી હતી જે આજે સુખી છે. આ વિષેની મારી એક વારતા જલારામદીપમાઁ ચાર પાઁચ વરસ પહેલાઁ છપાઈ પણ હતી. વારતામાઁ થોડુઁ આધુનિક વિષયાઁતર મેઁ કરેલુઁ કારણકે હવે અમારા બ્રાહ્મણ સમાજમાઁ પણ ત્રાસ હોય તો છૂટછેડાનો કે પુનર્લગ્નનો છોછ નથી રહ્યો.

 18. Atul valand says:

  ખરેખર બહુ સરસ

 19. jayprakash Trivedi says:

  very nice story congratulation

 20. nikhil vyas says:

  ખુબ સરસ્…વારતા….
  tusar bhai nu paatra kharekhar vakhaanvaa layak 6…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.