સ્વિચ – શ્રીદેવી ભટ્ટ

[તાજેતરમાં મુંબઈના એક જાણીતા મહિલાગૃપ દ્વારા આયોજિત સાહિત્યિક સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બનેલી આ અનોખી વાર્તા રીડગુજરાતીને મોકલવા માટે શ્રીદેવીબેન ભટ્ટનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26760830 સંપર્ક કરી શકો છો.]

ટ્રેનના ડબ્બામાં રાજ્યકક્ષાના યુવા-રમતગમત મહોત્સવમાં ભાગ લેવા જતી પાંચ સખીઓની ટોળી બેઠી છે. આપસમાં ઠઠ્ઠા-મશ્કરી, જૉક્સ વગેરે કરતાં, વાત-વાતમાં ભાષા વિશેની વાત નીકળી.
કોષા બોલી : ‘આપણા રોજિંદા જીવનમાં કેટલાક અંગ્રેજી શબ્દો એટલા બધા ગુંથાઈ ગયા છે કે તેનો ગુજરાતી શબ્દ આપણને યાદ જ ન આવે.’
‘એવું કંઈ નથી.’ શુભદા બોલી.
‘એમ ? તો ચાલ, સ્ટવનું ગુજરાતી બોલ તો જરા !’ કોષાએ પૂછ્યું.
‘પ્રાઈમસ’ તરત જ શુભદાએ જવાબ આપ્યો.
‘તે તો અંગ્રેજી જ છે !’ ગોપી બોલી.
‘તો સગડી ?’ ને બધા હસી પડ્યા, ‘હા, કેમ ! કેરોસીનથી ચાલતી સગડી…. ના, ના… ઘાસલેટથી ચાલતી સગડી…’ ચાંદની બોલીને ફરી હાસ્યનું મોજું ફરી વળ્યું.

‘અચ્છા…. હં…હં.. ચાલો બતાવો, સ્વિચ એટલે ?’ કોષાએ પૂછ્યું.
‘સ્વિચ એટલે બટન.’ ગાર્ગી તરત જ બોલી ઊઠી.
‘ના, બટન પણ અંગ્રેજી જ છે.’ પૂર્વી બોલી.
‘હા-ના’ની રકઝક પછી નક્કી થયું કે બટન પણ અંગ્રેજી શબ્દ જ છે. તો પછી સ્વિચનું ગુજરાતી શું ? ઘણી માથાકૂટ પછી પણ કોઈને યાદ ના આવ્યું. કોષા, પૂર્વી, ચાંદની અને અન્ય સખીઓ થોડી વારે બીજી વાતોએ ચડી ગઈ પણ ગાર્ગીનું દિમાગ સ્વિચમાં જ અટવાઈ ગયું. તેણે ખૂબ યાદ કરવાના પ્રયત્નો કર્યાં પણ કંઈ યાદ ના આવ્યું. બારી બહાર જોતાં ચૂપચાપ વિચારોમાં અટવાયેલી ગાર્ગીને જોઈને પૂર્વીએ પૂછ્યું :
‘એય…ગાર્ગી…. ક્યાં ખોવાઈ ગઈ ?’
‘સ્વિચમાં……’ ગોપીએ જવાબ આપ્યો અને આખા સમૂહમાં હસાહસી થઈ ગઈ.
‘યાર, છોડ ને અવે ! આટલું ગંભીર શું થઈ જવાનું ? આ ગાર્ગુ તો વાત વાતમાં ગંભીર થઈ જાય છે.’ પૂર્વી બોલી.
‘ચાલો..ચાલો… બધા નાસ્તો કરી લઈએ….’ ચાંદની બોલી.

પણ ગાર્ગી તો નાનપણથી જ એવી હતી. જ્યાં સુધી એની શોધનો અંત ન આવે ત્યાં સુધી તે કોઈ પણ વાતને પોતાના મનમાં જ ઘુમાવ્યા કરે. એ પોતાનો પ્રયત્ન ચાલુ જ રાખે. નાસ્તો પતાવીને ગાર્ગી હાથ ધોવા વોશબેઝીન પાસે ગઈ. ટ્રેનના દરવાજા પાસે તેર-ચૌદ વર્ષનો એક છોકરો સીંગદાણા ખાતો ઊભો હતો. ગાર્ગી તેની સામે જોઈને હસી. એ છોકરો પણ હસ્યો. તરત જ ગાર્ગીએ પૂછ્યું:
‘તને ‘સ્વિચ’નું ગુજરાતી ખબર છે ?’
‘હા… સ્વિચ એટલે બટન. કેમ ?’ સ્વાભાવિક રીતે તે બોલી ગયો.
‘ના. ‘બટન’ તો અંગ્રેજી શબ્દ જ છે. એનું ગુજરાતી શું ?’ ગાર્ગી બોલી.
‘સોરી, હું તો નાનપણથી સ્વિચ જ બોલું છું અને અત્યારે તો હું ફરવાના મૂડમાં છું, ચોપડા અભરાઈ પર ચડાવીને આવ્યો છું, એટલે અત્યારે કંઈ સૂઝતું નથી.’ છોકરો બોલ્યો. શુભદા દૂર ઊભી ઊભી આ તમાશો જોતી હતી. પાછી ફરેલી ગાર્ગીને એણે તરત પૂછ્યું :
‘કેમ મળ્યો જવાબ ?’
ગાર્ગી છોભીલી પડી ગઈ. બધી સખીઓ એકબીજાને તાળી આપીને ગાર્ગીને ખિજવવા લાગી.
‘કશો વાંધો નહિ. હજી ત્રણ દિવસ આપણે સાથે છીએ ને ? હું જરૂર શોધી કાઢીશ.’ ગાર્ગી મક્કમતાથી બોલી.

રાજ્યકક્ષાના આ યુવા-રમતગમત મહોત્સવમાં ગોંડલ ખાતે કૉલેજ ગ્રાઉન્ડ પર અનેક જગ્યાએથી કૉલેજિયનો ઊમટી પડ્યા હતા. કોઈના હાથમાં બોલ, તો કોઈના હાથમાં બેટ. કોઈ બેડમિન્ટનથી રમતું હતું તો કોઈ ફુટબોલની પ્રેક્ટિસ કરતા હતાં. સાથે રમવા અને જીતવાના ઉત્સાહથી સૌ વિદ્યાર્થીઓ એકબીજા સાથે હસી-મજાક કરતાં હતાં. ગોંડલના કેટલાક વિદ્યાર્થીઓ સાથે એમના અંગ્રેજીના શિક્ષિકાબેન પણ આવ્યા હતા. ગાર્ગીએ આ વાત જ્યારે જાણી ત્યારે એની આંખો ચમકી. શિક્ષિકાબેન સામે જ ઊભા હતા.
‘તમે અંગ્રેજી શીખવો છો, મેડમ ?’ ગાર્ગીએ પૂછ્યું.
‘યસ…..’ એમણે જવાબ આપ્યો.
ગાર્ગી હજુ કંઈક આગળ પૂછે તે પહેલાં જ ગોપીએ એને ઠોંસો માર્યો અને આંખ મિચકારીને કહ્યું : ‘મેડમ અંગ્રેજી ભણાવે છે, ગુજરાતી નહીં હોં !… સમજી કે નહીં ?’ વળી પાછા બધા હસી પડ્યા. શિક્ષિકાબેન કંઈ સમજ્યા નહીં. ગાર્ગીને પોતાની જાત ઉપર ગુસ્સો આવ્યો. તેની આ સ્વિચની શોધમાં તેની સખીઓએ એનું નામ જ ‘સ્વિચ’ પાડી દીધું. ‘એય સ્વિચ ચાલને અવે…..’ એમ કહીને બધા એને બોલાવવા લાગ્યા.

બે દિવસ રમતના મેદાનમાં ક્યાં ચાલ્યા ગયા એની ખબર ન પડી. આજે ગાર્ગી માટે છેલ્લો દિવસ હતો પણ એના મગજમાંથી હજી સ્વિચ ખસતી નહોતી. ગાર્ગીનું ગૃપ ઈનામ જીત્યું હતું. બધા કૉલેજ કેમ્પસમાં વિજેતા બનીને આંટા મારતા હતાં. અચાનક ગાર્ગીને બે દિવસથી બંધ દેખાતી લાઈબ્રેરી આજે ખુલ્લી દેખાઈ. તકનો લાભ લઈને, બધાની નજર ચૂકવીને ગાર્ગીએ લાઈબ્રેરી બાજુ પગ ઉપાડ્યા. તેની પાછળ રાજકોટની ટીમ હતી. એ ટીમમાંની એક છોકરી બોલી :
‘આ ગુલાબી પંજાબી ડ્રેસવાળી છોકરી જાય છે ને એનું નામ ‘સ્વિચ’ છે.’
‘સ્વિચ ?….!!! આ કેવું નામ ?’ બધા ધીમે ધીમે હસતાં હતાં.
‘હા, એનું ગૃપ એને એ નામે જ બોલાવે છે….’ એક છોકરી બોલી.
‘કેવું નામ નહિ ? સ્વિચ !!’ બીજી બોલી અને ઉમેર્યું, ‘પંખાની સ્વિચ કે લાઈટની ?’ અને બધા હસી પડ્યાં.

ગાર્ગી ચુપચાપ લાઈબ્રેરીમાં પહોંચી ગઈ. શુભદા ગાર્ગીને શોધતા તેની પાછળ લાઈબ્રેરીમાં ગઈ. એણે જોયું કે ટેબલ પર હાથ ટેકવીને ગાર્ગી ઊભી છે. ચશ્માં ઊંચા કરી આશ્ચર્યથી પહોળી થયેલી આંખે કંઈ ન સમજ્યા હોય તેવા ભાવ સાથે લાઈબ્રેરિયન ગાર્ગી સામે જોઈ રહ્યો છે :
‘શું ? શું ? શું પૂછો છો તમે ?’
ત્યાં જ શુભદા ગાર્ગીને બહાર ખેંચીને થોડા ગુસ્સા સાથે બોલી : ‘તુંય શું ગાર્ગી ? બહાર આખું ગૃપ રાહ જુએ છે અને તું અહીં છે ?’
‘અરે ક્યાં ગઈ હતી સ્વિચ ?’ ગાર્ગીને આવતી જોઈને કોષા બોલી.
‘લાઈબ્રેરીમાં.’ શુભદાએ કહ્યું.
‘ડિક્સનેરીમાં જોવા ?’ ચાંદની અને પૂર્વી સાથે બોલી પડ્યાં તેથી બધા એકબીજાને તાળી આપતાં ખડખડાટ હસી પડ્યાં. આજુબાજુ ઊભેલા બધાનું ધ્યાન પણ આ ગૃપ તરફ ગયું. ગાર્ગીને થયું કે હવે વધારે પડતું થાય છે અને પોતે મજાકનું પાત્ર બની રહી છે. આમ પણ ગાર્ગીને એકલીને કોઈક કારણસર બીજે દિવસે તો પરત જવાનું હતું.
‘ચાલ… છોડને….’ પૂર્વી બોલી, ‘જીતની ખુશીમાં આપણે બધા આઈસ્ક્રીમ ખાઈએ. કાલે તો ગાર્ગી જતી રહેશે.’ બધા સંમત થયા અને આઈસ્ક્રીમ ખાવા ગયા. મોડી રાતે બધા હોસ્ટેલ પાછા ફર્યા. ગાર્ગીનું ધ્યાન ચોકીદારના ટેબલ પાસે માથા ઉપર આવેલા સ્વિચબોર્ડ તરફ ગયું. એને થયું કે બસ એક છેલ્લો પ્રયત્ન કરી જોઉં… એમ વિચારી તે ધીમે પગલે ચોકીદાર પાસે પહોંચી ગઈ. દબાતા અવાજે તેણે આંગળી ચીંધીને પૂછ્યું :
‘આને તમે શું કહો ?’
‘લાઈટ….’ મોટા અવાજે ચોકીદાર બોલ્યો.
‘શી….શ…… ધીમેથી બોલો. આ ચોરસ છે એને કહું છું.’ ગાર્ગી સ્વિચબોર્ડને અડકીને બોલી.
‘સ્વિચબોર્ડ’
‘અરે…. ના… ના…… આ સફેદ-સફેદ છે એને તમે ગુજરાતીમાં શું કહો છો ?’
‘બહેન તમે શું જાણવા માગો છો તે હું કંઈ સમજતો નથી. અમને તો ‘લાઈટ કર…’ એમ કહે એટલે અમે આને દબાવીએ… સ્વિચનું ગુજરાતી હું શું સમજું ?’
‘ગાર્ગી ક્યાં રોકાઈ ગઈ ?’ એમ કહેતાં ચાંદની બોલી, ‘લાગે છે કે સ્વિચનું ભૂત હજી તેના દિમાગમાંથી ગયું નથી.’ ફરી એ જ હળવી મશ્કરી અને ધીમું હાસ્ય.

સામાન પેક કરતી વખતે ગાર્ગીને પૂર્વીએ કહ્યું : ‘અરે યાર…. તું ઉદાસ શું કામ થાય છે ? બે દિવસ પછી તો આપણે મળીશું જ ને ? જીતનો આનંદ મોં પર રાખને……’ બીજે દિવસે સ્ટેશન પર ગાર્ગીને મૂકવા સખીવૃંદ આવ્યું હતું. ગાર્ગી સીટ પર સામાન મૂકીને પાછી દરવાજે આવી.
‘અરે યાર સ્વિચ… તું આમ ઉદાસ બની જાય તો મજા ના આવે…’ પૂર્વી બોલી.
‘મમ્મી દરવાજો ખોલે એ સાથે જ પૂછી લે જે કે મમ્મી ‘સ્વિચ’ એટલે શું ?’ ચાંદની બોલી.
‘ના…ના…’ શુભદા બોલી, ‘તારા સ્ટડીરૂમમાં દોડી જઈને ડિક્સનેરીમાં શોધી લેજે.’
‘જડી જાય એટલે અમને મોબાઈલ તો કરીશ ને ?’ ગોપી બોલી અને બધા હસી પડ્યા.
પૂર્વી બોલી : ‘બસ….બસ… હવે બહુ થયું. મજાક નહીં. કોઈએ હવે એને સ્વિચ નહીં કહેવાનું. એ ગાર્ગી છે. આપણી જીતની સાથી અને આપણી બચપણની દોસ્ત ગાર્ગી…. ખરું ને ?’ પછી આંખો નચાવતાં મજાકીયા સૂરમાં પૂર્વી બોલી : ‘ગાર્ગી, તારી સામેની સીટમાં કોણ છે ? મુસાફરી તો આનંદદાયક હશે ને ?’
‘સફેદ સાફાવાળો ભરવાડ છે….’ ગાર્ગીએ મોં બગાડીને ઉત્તર આપ્યો.
‘કંઈ વાંધો નહિ. તને ઘેટાં-બકરાં વિશે ઘણું આવડી જશે….’ શુભદાએ કહ્યું અને વાતાવરણમાં આનંદનું મોજું ફરી વળ્યું.

ગાડીએ સીટી મારી અને બધી સખીઓને આવજો કહીને ગાર્ગી સીટ પર બેસી ગઈ. બેસતાંની સાથે જ સામે બેઠેલો પેલો ભરવાડ બોલ્યો :
‘બૂન, પેલી ચાંપ દબાવો ને જરી, બહુ ગરમી થાય છે…..’
ગાર્ગીએ ઊભી થઈને સ્વિચ પર હાથ મૂક્યો અને તે સાથે તે તરત દોડીને દરવાજા પાસે પહોંચી. ગાર્ગીને દરવાજા પાસે ઊભેલી જોઈ સખીઓ દોડી આવી….
‘શું થયું, ગાર્ગી ? શું થયું ?’
ઝડપ પકડતી ગાડી સાથે ગાર્ગી જોરથી બોલી : ‘ચાંપ….ચાંપ……’
‘શું ચાંપ ? કોની ચાંપ ?’ શુભદાએ બૂમ પાડીને પૂછ્યું.
ઉત્સાહભર્યા સ્વરમાં ગાર્ગી પૂરી તાકાત લગાડીને જોરથી બોલી : ‘ચાંપ એટલે સ્વિચ અને સ્વિચ એટલે ચાંપ…. પેલા ભરવાડે કીધું….’ ગાડીના અવાજમાં સખીવૃંદનું હાસ્ય અને શબ્દો દબાઈ ગયા અને ગાડીએ ઝડપભેર પ્લેટફૉર્મ છોડ્યું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લેખમાં મેખ ! – વ્રજેશ આર. વાળંદ
આત્મપરીક્ષણનો અરીસો – ભૂપત વડોદરિયા Next »   

63 પ્રતિભાવો : સ્વિચ – શ્રીદેવી ભટ્ટ

 1. nayan panchal says:

  સરસ મજાનો લેખ. મને પણ ચાંપ શબ્દ છેલ્લે સુધી યાદ જ ન આવ્યો. અન્ય એક શબ્દ મળી આવ્યો “જોડવાની કે અલગ કરવાની કળ”.

  આજે અમુક શબ્દો તો એવા છે કે જેના માટે ગુજરાતી શબ્દો બન્યા જ નથી જેમ કે ઈન્ટરનેટ કે વેબસાઈટ.

  એક શબ્દ પરથી પણ રસપ્રદ કેવી રીતે વાર્તા લખી શકાય તે દર્શાવવા બદલ આભાર.

  નયન

 2. khyati says:

  બહુ મજા આવી. ખુબ સરસ લખ્યુ છે. સાવ સાચી વાત છે. આવા ઘણા શબ્દો આપણે english મા જ બોલતા હોઈએ છીએ. એના ગુજરાતી meaning ની આપણને ખબર જ નથી હોતી. અભિનંદન, આવુ લખતા રહેજો. વાંચવાની મજા આવી.

 3. સુંદર વાર્તા.

  બાળપણમાં આ શબ્દ મારા બા-દાદા પાસે થી સાંભળેલો છે…..બીજો એક શબ્દ મારા દાદા વાપરતા તે ખમીસ…એટલે કે શર્ટ…

  • હા બહેન અમને ખબર છે કે ખમીસ બદલનારા લોકો હોય છે, અથવા તો એક કહીએ કે ખમીસ બદલવા માટે જ હોય છે તો યે ખોટું નહી, પણ તેમની યે શાન થેકાણે તો લાવવી પડે ને?

 4. આત્મકથનાત્મક્તાથી દૂર રહીને લખાયેલ પણ કોઇ પણ ગુજરાતી મણસને સહજ સહાનુભૂતિ ઉપજાવે તેવી ગાર્ગીની આ વાર્તા છે!

  આ લેખ અને વાર્તામાં પણ જાણે-અજાણે ઘણા (૪૧) અંગ્રેજી શબ્દો વપરાયા છે (ઘણા શબ્દો તો અદલબદલ વપરાયા છે જેમ કે મેદાન (ground) ગાડી (train) વગેરે…) તેની યાદી વપરાશના ક્રમમાં – કંઇ રહી જાય છે?

  1. group
  2. read
  3. number
  4. train
  5. jokes
  6. stove
  7. Primus
  8. kerosene
  9. gas-light (ઘાસલેટ)
  10. SWITCH
  11. button
  12. wash-basin
  13. mood
  14. college
  15. ground
  16. collegians (કૉલેજિયનો)
  17. ball
  18. bat
  19. badminton
  20. football
  21. practice
  22. madam
  23. yes
  24. campus
  25. library
  26. team
  27. dress
  28. light
  29. table
  30. librarian
  31. dictionary
  32. ice-cream
  33. hostel
  34. switch-board
  35. pack
  36. station
  37. seat
  38. mummy
  39. study-room
  40. mobile
  41. platform

  • કલ્પેશ says:

   સરસ નિરિક્ષણ (observation)

   ઉપર જણાવેલ શબ્દોમાથી થોડાના ગુજરાતી અનુવાદ કરવા કરતા એને અંગ્રેજીમા વાપરવા સારા કારણ એની શોધ બહાર થઇ હશે.
   ધ્યાનથી જોઇશુ તો ઘણા અરબી/ઇરાની શબ્દો આપણી ભાષામા વણાઇ ગયા છે. (દા.ત. હકીકત, ખ્યાલ, તકલીફ, માફી)

 5. કલ્પેશ says:

  એક રમત રમવા જેવી છે.
  કોઇ પણ ગુજરાતી જોડે વાત કરતા વખતે જે અંગ્રેજી શબ્દ આવે છે એ બદલે એનુ ગુજરાતી બોલીને વાક્ય બોલવુ/લખવુ.

  પ્રયાસ કરો. થોડુ અઘરુ લાગશે પણ મગજને દોડાવવાની મજા આવશે.

  ચાંપ શબ્દ પહેલા જ ખ્યાલમા આવી ગયો હતો. ચાંપવુ એટલે દબાવવુ? (છાતી સરસો ચાંપવો)

 6. કુણાલ says:

  મજાનું સાયકીક પાત્રાલેખન … !!

  કદાચ મોટા મોટા વૈજ્ઞાનિકોના મગજ પણ આવા જ હોતાં હશે … ખાઈ-પીને લાગી રહેતાં હશે જ્યાં સુધી “સ્વિચ”નું ગુજરાતી ન મળે, એમના મગજની સ્વિચ પણ બંધ નહિ થતી હોય !!

 7. જગત દવે says:

  ગામડાંના લોકો સાથે વાત કરતી વખતે ખ્યાલ આવે કે તેમનું માતૃભાષાનું શબ્દ-ભંડોળ આપણાં કરતાં વધુ સમૃધ્ધ છે. વર્ષો પહેલાં ચુંટણીની ફરજ સમયે મારા પિતાજીને ગામડાનાં લોકો ને મતદાન કરવાની પધ્ધ્તિ સમજાવતાં જોયેલાં (તેનાં વિષે પણ આવી જ વાર્તા લખી શકાય તેમ છે) અને તેમને મત-પત્રક ને ‘પતાકડું’ કહેવું પડતું કેમ જે મત-પત્રક ગુજરાતી શબ્દ હોવા છતાં તેમને સમજાય તેમ ન હતું.

  અંગ્રેજીનાં આક્રમણ (એટેક) સાથે આજે ઘણાં ગુજરાતી શબ્દો (વર્ડઝ) બોલચાલની ભાષા(લેંગ્વેજ) માંથી લુપ્ત (ડિસએપીયર) થતાં જાય છે. ગુજરાતી ચેનલ પરનાં કાર્યક્રમો (પોગ્રામ) જોતાં સમયે (ટાયમે) તેનો અંદાજ મળે છે.

  મેં ઊપરનાં વાક્યમાં જે અંગ્રેજી શબ્દો ને કૌંસમાં લખ્યા છે…..તેનો ઉપયોગ ટાળી શકાય તેવો હોય છે છતાં પણ તે આપણી આજની બોલચાલની પધ્ધતિ ની વધુ નજીક છે. જો ધ્યાનથી જોવામાં આવે તો આપણે આપણાં સુષુપ્ત-મન થી પણ ગુલામી અપનાવી લીધી છે તેવું મને લાગે છે.

  • Navin N Modi says:

   બીજી ભાષાના શબ્દો વાપરવા એ ગુલામી નથી. એમ તો અંગ્રેજી સિવાય બીજી ઘણી ભાષાના શબ્દો, દા.ત. અરબી – આપણી ભાષામાં એવા વણાઈ ગયા છે કે આપણે એને ગુજરાતી શબ્દો જ માનવા લાગ્યા છીએ. બદલાવ સંસારનો નિયમ છે જેમાં ભાષાઓ પણ અપવાદ નથી. દુનિયાની બધી ભાષાઓ માં કાળક્રમે શબ્દોની અદલા-બદલી થયા કરતી હોય છે.

   • જગત દવે says:

    નવિનભાઈઃ

    આપની વાત સાચી છે. મારો અભિપ્રાય લઘુતાગ્રંથી ને લીધે અંગ્રેજી છાંટ સાથેની માતૃભાષા બોલતાં લોકો માટે છે. માતૃભાષા સાથે આટલી બેરૂખી રાખનાર બીજી પ્રજા દેખાડો. ફ્રેંચ, અરબી અને અન્ય યુરોપીય પ્રજા જોડે કામ કરવાનો મોકો મળ્યો છે તે ઉપરાંત ભારતનાં વિવિધ પ્રાંતિય લોકો જોડે પણ કામ કર્યું છે અને તેમને માતૃભાષા બોલતાં સમયે વારંવાર અંગ્રેજી ભાષાનો સહારો લેતાં નથી સાંભળ્યા. (બહું જુજ હિન્દીભાષી મિત્રો ને બાદ કરતાં)

    વિજયી-પ્રજા હંમેશા વિજીત-પ્રજા પર તેનો ભાષાકીય તથા અન્ય પ્રભાવ છોડી જતી હોય છે ફારસી, ઊર્દુ અને હવે અંગ્રેજી. આમેય ભારતીય ઈતિહાસ જોઈએ તો હંમેશા બહું થોડા બાહ્ય અતિક્રમીઓ એ બહુમતી પ્રજા પર રાજ્ય કર્યું છે એટલે પરાજીત પ્રજા તરીકેની લઘુતા-ગ્રંથી આપણા લોહીમાં ૩૦૦૦ – ૪૦૦૦ વર્ષોથી વહે છે એમ કહી શકાય.

    ઈ-મેઈલઃja_bha@yahoo.co.in

    • ઈન્દ્રેશ વદન says:

     English language has adapted innumerable words from numerous languages including Hindi and Sanskrit. e.g. Guru, Pandit, Maharaja, Ghat, Avatar (anyone?) and many many more. You can check Oxford dictionary to verify. Albeit, nobody ruled over England.

     Even after having been born in a free country that is making its mark on the world, some people still have servile attitude. Instead of talking about future, they are stuck in past centuries. Could that be in blood too?

  • અમુક પત્રકો સમજાય તેવા નથી હોતા. અને મત-પત્રક તો બિલકુલ સમજાય એવું નથી.

  • dhiraj says:

   ‘સમયે’ શબ્દ બરાબર છે પણ આ ‘ટાઇમે’ (timeme !!!) નો સ્પેલિંગ શું થાય ?

   મારી પત્ની ઘણી વાર મને કહે છે “ટાઈમસર આવજે ” આને ગુજરાતી ને અંગ્રેજી ના કહેતા ગુજરેજી કહેવાય !!!
   બરાબર ને …

 8. HEMANT says:

  સરસ મજા આવી ગઈ. પણ બીજા ઘણા એવા શબ્દો છે , જેના માટૅ ગુજરાતી શબ્દો શોધવા જોઈએ.

 9. hiral says:

  સરસ લેખ.

  મેં થોડા વખત પહેલાં ગુજરાતીમાં લખવા વિચાર્યું તો મારી દશા ખુબ કફોડી થઇ હતી. એક વાક્યમાં ઓછામાં ઓછા ૨ શબ્દો કદાચ એનાથી પણ વધારે અંગ્રેજીનાં હતાં. કેટલાંક શબ્દોનું ગુજરાતી શોધવું મારા માટે સ્વિચનું ગુજરાતી શોધવા જેવું જ હતું.
  એ દિવસે મને મારા માટે ખરાબ લાગ્યું કે મારા ગુજરાતીને શું થઇ ગયું?
  એ પછી જ્યારે પણ ગુજરાતી વાંચું કે લખું છું તો અજાણતાં જ ઘણા અંગ્રેજી શબ્દો મારું ધ્યાન ખેંચે છે, જેમ કે મનીશભાઇએ બતાવેલાં લેખમાંનાં અંગ્રેજી શબ્દો. શરુઆતમાં ગાર્ગીની જેમ દિમાગ ગુજરાતી શબ્દ શોધવામાં લાગી જતું હતું.
  પણ આ યાદી ઘણી લાંબી થતી જાય છે અને મને કોઇ ભરવાડ કાકાનો ભેટો પણ નથી થતો!

 10. jignesh says:

  સરસ. મને અહી બે બીજા અંગ્રેજી શબ્દો યાદ આવે છે કે જેનું ગુજરાતી ખૂબ અટપટું છે. ૧. રેલ્વે સ્ટેશન – અગ્નિરથ વિરામ સ્થળ ૨. ટિકીટ – મૂલ્યપત્રિકા.

  • Dipti Trivedi says:

   ટિકીટ—પ્રવાસ પહોંચ

   • jignesh says:

    પહોંચ એ Receipt નું ગુજરાતી છે, અને ટિકીટ કંઇ હંમેશા પ્રવાસની જ નથી હોતી. પ્રદર્શન જોવા માટેની પણ ટિકીટ હોય આથી પ્રવાસ પહોંચ શબ્દ યોગ્ય નથી.

  • Navin N Modi says:

   ટિકીટને ગુજરાતીમાં ‘મૂલ્ય પત્રિકા’ કે ‘પ્રવાસ પહોંચ’ કહેવા-લખવા કરતા ‘પ્રવાસ પત્રિકા’ શબ્દ યોગ્ય નથી?

   • nayan panchal says:

    ભંદ્રભંદ્રના પુસ્તકમાં ઘણાબધા શબ્દો મળી જશે. આમચી મુંબઈ માટે મોહમયિની નગરી એવો મસ્ત શબ્દપ્રયોગ છે.
    રમણભાઈએ ટિકીટ માટે કદાચ મૂલ્યપત્રિકા શબ્દ વાપર્યો છે.

    હવે, તંત્રીનોંધ ન આવે તો સારું.

    નયન

 11. ખૂબ સરસ લેખ.
  ગુજરાતી શબ્દોનું અંગ્રેજી ઝડપથી થઈ જાય .પણ રોજીન્દા જીવનમાં સતત વપરાતા અંગ્રેજી શબ્દોનું ગુજરાતી કરવા નાકે દમ આવે . વાર્તામાં ગાર્ગીની જે હાલત થઈ તેવી હાલતના શિકાર બધા જ થયા હશે. મને ચાંપ શબ્દ અંત સુધી યાદ ન આવ્યો તે ન આવ્યો. લેખ ખૂબ ગમ્યો. લેખિકા નો આભાર .
  કીર્તિદા

 12. ashalata says:

  સુદર લેખ
  લેખિકાને અભિનનદન .

 13. જય પટેલ says:

  સ્વિચ શબ્દના મનોમંથન પર ખુબ સરસ હાસ્યલેખ.

  સ્વિચ – ચાંપ.
  સેફટી પીન – ચાંપ.
  ગામડાંમાં કામચલાઉ ફાટેલા કપડાં પર લગાવાતી પીન…ચાંપ ઘણી ઉપયોગી ચીજ છે.
  ચાંપનો ઉપયોગ કપડાં અને સ્લીપર પર ખૂબ થતો.

  કૃતિ ઈનામને પાત્ર.
  આભાર.

 14. trupti says:

  આપણે ગુજરાતી બોલતા વખ્તે અંગ્રેજી નો ઉપયોગ કરીએ છે અને તેનો ગુજરાતી અનુવાદ ખુબજ રસપ્રદ હોય છે.

  ટ્રેન———અગ્નિરથ

  પ્લેટફોર્મ———–અગ્નિરથ વિરામ સ્થાનક

  બેંક————પત્તતેઢી.

  લિસ્ટ( ગુજરાતી?) એન્ડલેસ છે.

 15. Dipti Trivedi says:

  મારી એક મિત્રના કહેવા પ્રમાણે એના પપ્પા સ્વિચનું ગુજરાતી આમ કરતા–વિદ્યુત આવક જાવક ચાંપ. હવે હીંગ્લીશ અને ગુજલીશના સમયમાં રોજીંદા વપરાશ માટે શુધ્ધ ગુજરાતી બોલાતું જ નથી પણ અમુક શબ્દો આમ જ સાફામાં જ સચવાયેલા મળી આવે.

 16. Veena Dave. USA says:

  લેખ અને કોમેન્ટ્સ વાંચવાની મઝા આવિ.

 17. Computer = Sanganik-krit-yantra

 18. Jagruti Vaghela USA says:

  કેટલાક અંગ્રેજી શબ્દોનું ગુજરાતી ભાષાન્તર એકજ શબ્દમાં નથી થઈ શકતુ તેથી અંગ્રેજીમાં જ બોલવા સહેલા પડે છે.
  લેખ વાંચવાની મજા આવી.

 19. Janki says:

  nice one! really enjoyed reading it 🙂 thanks

 20. Ramesh Desai. USA says:

  ચાંપ શબ્દ ના આવડયો. શરમને પાત્ર્

 21. smp says:

  અમે નાના હતા ત્યારે ચાંપ શબ્દ જ વાપરતા. ખબર નહીં કયારે સ્વિચ બોલવાનુ શરુ ક્ર્યુ અને આખો લેખ વાંચ્યો ત્યાં સુધી વિચારવા છતા પણ યાદ ના આવ્યો અને અંતમાં ચાંપ શબ્દ વાંચીને બહુ હસવુ પણ આવ્યો અને પોતીકો શબ્દ પણ લાગ્યો.

 22. shivali says:

  આ બધા શબ્દોને ગુજરાતીમાં અનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. અને આ લેખની અસર તો જુઓ જ્યાં પણ મગજમાં અંગ્રેજી (વિલાયતી) શબ્દ આવ્યો તેનો ગુજરાતી શબ્દ વિચારીને લખ્યો છે. આજની સાંજનો સમય સરસ રીતે પસાર થઈ ગયો. તમે પણ યાદીને સુધારતા જાવ અથવા સમાનાર્થી શબ્દ લખો.

  1. group – સમુહ
  2. read – વાંચવુ
  3. number – સંખ્યા, ક્રમ
  4. train – અગ્નિચાલક વાહન
  5. jokes – રમુજ
  6. stove – ચુલો
  7. Primus – કેરોસીન થી ચાલતો ચુલો
  8. kerosene – ઘાસલેટ , મને યાદ નાનપણમાં કેરોસીન લાવવાનુ હોય તો ઘાસલેટ લઈ આવ એમ કહેતા
  9. gas-light (ઘાસલેટ) – વાયુપ્રકાશ
  10. SWITCH – ચાંપ
  11. button – ટાંકણુ (ટાંકી દે ના પરથી લીધુ છે સાચુ તો રામ જાણે)
  12. wash-basin –
  13. mood – મિજાજ
  14. college – મહાવિધાલય
  15. ground – મેદાન
  16. collegians (કૉલેજિયનો) – સહાધ્યાયી, વિધાર્થી
  17. ball – ગેંદ
  18. bat – ધોકો
  19. badminton – આનો અર્થ નથી ખબર પણ રમુજી અર્થ છે-ખરાબફુદીનોઊપર (વિચારો તમે પણ સહમત થશો)
  20. football – પગગેંદ
  21. practice – તૈયારી
  22. madam – માસ્તરાણી
  23. yes – હા
  24. campus – ચોક
  25. library – પુસ્તકાલય
  26. team – જોડીદાર
  27. dress – ગણવેશ
  28. light-પ્રકાશ
  29. table – મેજ
  30. librarian – પુસ્તકાલય વ્યવસ્થાપક
  31. dictionary – શબ્દકોશ
  32. ice-cream – હીમ-મલાઈ
  33. hostel – છાત્રાલય
  34. switch-board – ચાંપ-પુઠું
  35. pack – ગોઠવવુ
  36. station – રોકવાનુ સ્થાન
  37. seat – બેઠક
  38. mummy – મા
  39. study-room – અભ્યાસઊ ઓરડો
  40. mobile – હાલતા ચાલતા દુરભાષી યંત્ર
  41. platform -ઉભા રહેવાની જગ્યા

  • bhadresh says:

   17. ball — દડો
   41. platform – મન્ચ
   11. button – http://www.google.com/dictionary?aq=f&langpair=en|gu&q=button&hl=en

  • જગત દવે says:

   શિવાલીબહેનઃ

   સરાહનીય પ્રયત્ન….થોડાં સુધારાઓ સૂચવું છું.

   22. madam – ‘સન્નારી’ ……માસ્તરાણી શબ્દમાં ‘માસ્તર’ એ અંગ્રેજી શબ્દ Master નો અપભ્રંશ છે. 🙂
   35. pack – કોથળી અથવા ગઠરી
   39. study-room – અભ્યાસ-ખંડ
   24. campus –પ્રાંગણ
   4. train – અગ્નિ-રથ

   • Shivali says:

    તમારી સાથે સહમત છું. મેં તો ફકત એક પ્રય્તન કર્યો હતો, સાચો શબ્દ ના મળ્યો ત્યારે તેને મળતો શબ્દ લખી નાખ્યો. પણ તમે શબ્દ બરાબર શોધી લાવ્યા.

  • Jagruti Vaghela U.S.A. says:

   mobile — હરતુફરતુ યન્ત્ર (It can be ‘book mobile’ or ‘mobile home’ too)
   wash -basin — ધોવાનું પાત્ર
   train — આગગાડી (જૂના જમાનામા કોલસાથી ચાલતી તે)
   અત્યારે electric train ને વિદ્યુતગાડી કહીશુ ?
   button — બોરિયું
   practice — મહાવરો( to do something repeatedly )

   અંગ્રેજી શબ્દોનેય આપણે કયા અર્થમાં બોલીએ છીએ એના ઉપરથી એનો અર્થ થાય.
   દા. ત. બટન એ ગાજમાં પરોવાનુ બટન પણ હોઈ શકે અથવા એલિવેટરનું press button પણ હોઈ શકે.

 23. Viren Shah says:

  Very Nice…

 24. Jigna Bhavsar says:

  ખરેખર, ચાંપ શબ્દ યાદ ના આવ્યો. ખુબ સરસ શ્રિદેવી જી તથા મ્રુગેશભાઈ. એ તો આટલા બધા અભિપ્રાયો પર થી જણાયું જ હશે.

 25. Rachana says:

  ખુબ જ સરસ વાર્તા…ગુજરાતી શબ્દોની બદલે અંગ્રેજી શબ્દો વાપરવા ખોટા નથી પરંતુ આમા આપણી ગુજરાતી સાવ ભુલાય ન જવી જોઇએ.

 26. આ ચાંપ શબ્દ પણ બે અર્થમાં વપરાય છે.
  ૧. તો સ્વીચને ચાંપ કહેવાય અને
  ૨. દીવાસળી ચાંપ

 27. Prathmesh Patel says:

  Nice Article. To take it positively, i would say we have adopted and embraced words from other languages easily in our day to day conversations, just as we Gujarati people have adopted and mixed ourselves in the world.
  I think the reason why we cannot find a compatible word for “switch” is because it was invented in western countries as opposed to east.
  Similarly what we invented in our culture, we cannot have a similar word in English.

  I would say each language has its own beauty. There are words in each language that cannot be exactly translated into other languages, especially words for food, clothing, culture, etc.

  “રોટલો” cannot be called ” indian bread” in english neither so for “pita” bread from Mediterranean region.
  ” છાસ” “લસ્સી ” are not same and not same as buttermilk, nor “paneer” is same as cottage cheese, and “દહી” is not exactly same as what normally is yogurt in US.

  “Pickle” is US is something eaten in American sandwich (sub), not anything like or even similar to “અથાણુ”
  Similar how can we translate “ગરબા” “દુહા” “ધોતી” into english just as we cannot translate ” sonnet”, “opera”, “tuxedo” into Gujarati.
  Aunt is English is everything for Kaki, Masi, Mami, Foi, neighbor aunty, etc etc. and Miss or Mrs for “kumari”, “shreemati”, ” અ.સૌ”, “ગંગા સ્વરુપ etc.

  However, in recent times, as we have started using words like “switch” ‘TV” “video” “telephone” easily into our culture, the English language has started adopting our words into their language like ” Yoga”, “tandoor”, “roti”,
  ” asanas”, “mantra”. Although “avatar” is adopted from our Indian “avatar” its not quite the same..

  lastly. some more words for which i dont know the gujarati word
  – pencil
  – Lift (elevator in a building)
  – shower tub

  • Jagruti Vaghela U.S.A. says:

   pencil —- સીસાકલમ ( પેન્સિલમાં વપરાતુ graphite એટલે કે સીસુ લખવાનુ સાધન એ કલમ)

  • Shivali says:

   shower tub – નહાવાનો હોજ

  • Shivali says:

   Lift – ઉપર અથવા ઉંચે જવુ.
   પણ અહી ઉપર-નીચે લઈ જતુ યંત્ર

   • Prathmesh Patel says:

    Language is language and by no means one language is superior than others ( matrubhasha to saune mate matrubhasha j che…) and its not bad either that we use words from different languages into our languages to make easier communication and understanding. Gujarati and many other Indian languages are based on Sanskrit words and after a long long Mogul rule, we have adopted Arabic words into our languages. Today it is better to use the word “computer” and “website” in gujarati rather than some other word not commonly used. Similarly let us use the word “Lassi” as it is and not say ” liquid yogurt” in English.

    But it is also important that we do not unnecessarily use English words where not required, to show off and encourage our kids to speak Gujarati words. Just because our kids, even though living in Gujarat, cannot understand Gujarati as he is studying in an English Medium School” is not a good excuse!

    btw, i would say that meaning of Lift (elevator) as “upar niche lai jatu yantra”. is an definition(arth) and not a similar word in Gujarati.
    Lastly, as long the meaning is conveyed, using a language is a matter of preference.. i am not debating on this..

    • Shivali says:

     Here we are trying to prove Guajrati or English is good or better. Just trying to get idea what’s coming in our mind when we think about Gujarati word or meaning.

     This is fun for us. We all are doing time pass at the same time trying to get information through this type of blogs.

     If some poem has used one English word, but it represented nicely or compossed nicely we want to enjoy that.

     So enjoy it and have a fun!!!

     For example, when I mentioned to my South Indian friends that I have good time pass through this list. They also looked at it and mentioned they also like to find out Telugu/Tamil word for this just for fun. In fact, I mentioned we can use it as a game in party just for fun who are able to write maximun correct/meaningful word in native language will win. That will help to increase vocabulary for kids.

  • Jigar Shah says:

   beautifully written and explained…prathmesh…in short…we don’t need to write so many comments and explain others…how bad we are in english or gujarati..for sure..લેખ વાંચવાની મઝા આવી ગઈ પણ એનો મતલબ એ નથી કે દરેક અંગ્રેજી શબ્દ નો ગુજરાતી અર્થ આવડવો જ જોઈએ…હવે તો ગુજરાતી કવિતા માં પણ તો english words use થાય છે..અને તે વખતે, આપણે ગુજરાતી ઓ જ આવા કવિ ને સાંખી લઈએ છીએ…તે વખતે ગુજરાતી હોવાનો દંભ તો નથી કરતા?????

 28. Veena Dave. USA says:

  શ્રી મ્રુગેશભાઈ,

  એક નમ્ર સુચન…….
  ૧૦૦ અંગ્રેજી શબ્દો અહિ આપો, નિયત સમયની સૂચના અને કોણ પહેલુ એ શબ્દોનુ ગુજરાતિ કરી આપે છે તેવી હરિફાઈ રાખો …વાચકોને તો મઝા જ મઝા થઈ જાશે.
  ભદ્ર્ ભદ્ર મુંબઈના પંથે એવો એક પાઠ ભણવામા આવતો જેમા ઘણા અંગ્રજી શબ્દોનુ ગુજરાતિ કરેલુ હતુ જેમે કે
  સ્ટેશન = અગ્નિરથવિરામ સ્થાન્.

 29. દેવલ નકશીવાલા says:

  થોડી કંટાળાજનક વાર્તા. જો લેખકે જલ્દી યાદ ન આવે તેવો શબ્દ વાપર્યો હોત તો રહસ્ય જળવાત.

  • Riddhi Shah says:

   દેવલ (ભાઇ/બહેન),
   આપની પાસે કોઇક રહસ્ય જળવાય એવો શબ્દ હોય તો જરુરથી તે શબ્દને લઇને એક કંટાળો દૂર થાય તેવી વાર્તા લખવા વિનંતી.

 30. Ashish Dave, Sunnyvale, Califronia says:

  મજા આવી ગઈ…

  Ashish Dave

 31. વાંચવાની શરૂઆત સાથે જ ચાંપ શબ્દ મનમાં ઉગી ગયો હતો ! આવી અનેક અંગ્રેજી શબ્દો લોક ભોગ્ય બની ગયા છે અને ગામડાંના લોકો પણ તેવા શબ્દોને ગુજરાતી જ સમજે છે. તેમ છતાં આવી રમત સખી ક્લબ કે કીટી પાર્ટીઓમાં હાઉસી રમાડવાને બદ્લે કરવી જોઈએ !

 32. very very nice …some times i also things in our mother toung we use so many diff languages words…..buy the way this website do lot for keep Gujarati LIVE …Nishad

 33. Himen Patel says:

  સરસ વાર્તા છે…હુ ગુજરાતી છુ અને મને તેના પર ગર્વ છે કેટ્લાક ગુજરાતી લોકો ને ગુજરાતી બોલતા શરમ આવે છે અને પોતે બહુ ભણેલા છે એવુ દેખાઙવા અંગ્રેજી મા વાત કરતા દેખુ છુ ત્યારે બહુ દુખ થાય છે. જ્યા સુધી ગુજરાતી મા વાત કરી શકાય તેમ હોય ત્યા સુધી બીજી ભાશા મા વાત નહિ કરવી. જય જય ગરવી ગુજરાત.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.