ખીલતાં ફૂલ – તુલસીભાઈ પટેલ

[બાળકોના ઉછેરની વાતો તેમજ બાળકોની અજાયબ સૃષ્ટિની સુંદર વાતોને વર્ણવતા પુસ્તક ‘ખીલતાં ફૂલ’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવેલ છે.]

[અ] ગુડિયા વિના

મારી દીકરી ગીતા અને ગીતાની ભાણી તે ગુડિયા. એનું ખરું નામ તો મુક્તિ છે પણ બધાં લાડમાં એને ગુડિયા કહે છે. ગુડિયા સાતેક મહિનાની થઈ. ગઈ કાલે રાતે ગીતા અને ગુડિયા એમને ઘેર નાસિક જવા માટે રવાના થઈ ગયાં. સવારે હું ઊઠ્યો. પહેલી નજર પારણા ભણી ગઈ. પારણું સાવ જ સૂનું ! એક અકથ્ય વેદના મનમાં ઊભરાઈ આવી. આ પારણામાં ગુડિયા ઝૂલતી, ને પારણામાં જીવ આવી જતો, એ પારણું આજે એક ખૂણામાં સાવ નિર્જીવ થઈને પડ્યું છે. પારણાને માથે સસલાના કાન જેવી એક ટોપી અને ફરાક પડ્યાં છે, પણ એ પહેરનારી ગુડિયા એને ઘેર ચાલી ગઈ છે. પારણા પર નજર જાય છે, ને આંખ સજળ બને છે. સામેની વસ્તુઓ ધૂંધળી લાગે છે, પણ એની પેલે પારનાં દશ્ય ધીરે ધીરે સાફ દેખાવા લાગે છે.

ગુડિયા સ્વચ્છ, શુભ્ર કપડામાં લપેટાયેલી છે. લાલ-ગુલાબી રંગની એની કાયા, જાણે કે જીવંત પૂતળી ! આંખો મીંચીને ગાઢ નિદ્રામાં એ પોઢી છે. કદાચ અવતરણનો થાક ઉતારી રહી હશે ! મોટે ભાગે ગુડિયા સૂતી જ રહે છે. કશી યે પ્રવૃત્તિ વિના શિશુનો બધો સમય કેવી રીતે પસાર થાય ? પણ કુદરતે એનો ય વિચાર કરી રાખ્યો છે. ધ્યાનસ્થ સૂઈ રહેવું એ જ એની મુખ્ય પ્રવૃત્તિ ! ભૂખી થાય ત્યારે ગુડિયા જાગે છે, પણ દૂધ પીને પાછી પોતાની સ્વર્ગીય સૃષ્ટિમાં સરકી જાય છે. ઊંઘમાં પણ ગુડિયાના હોઠ ક્યારેક મરક મરક થાય છે. શું ગુડિયા કોઈ મધુર સ્વપ્નદશ્ય નિહાળતી હશે ? તો વળી ભર ઊંઘમાં હોય, ને કોઈવાર ઝબકીને જાગે છે; ને રડવા લાગે છે. શું એને કોઈ બિહામણું સપનું આવ્યું હશે ?

ગુડિયા સૌની સાથે મોડી રાત સુધી જાગે છે. અમે બધાં ટી.વી. પર કાર્યક્રમ જોતાં હોઈએ. ગુડિયા પણ અમે જાગીએ ત્યાં સુધી જાગે ! સવારે એ મોડેથી ઊઠે છે. ઊઠતી વખતે એ ક્યારેય રડતી નથી. સદા હસતાં હસતાં જાગે છે. ધીમેથી નેત્ર-કમળની પાંદડીઓ ખુલે છે. હાથ, મોં ઊચું કરે છે, ને ચારેબાજુ ઝીણી નજરે નિહાળે છે, મને જુએ છે, ને ખિલખિલ હસી પડે છે. ક્યારેક ગુડિયા દીવાલ સામે જુએ છે. દીવાલનાં ચિત્રો તરફ જુએ છે, ઉપર નજર કરે છે, ને છત તરફ જુએ છે. અમારી મણીબેનની ભાણી કોમલ કહે છે : ‘ગુડિયા સીધું-સાદું જોતી નથી. એની નજરમાં ગંભીરતા છે. એ વિચારપૂર્વક ચારેબાજુ નિહાળે છે. એક વાર રાતે દશેક વાગે ગુડિયા રડવા લાગી. છાની રાખવા અમે ઘણું મથ્યાં, પણ છાની જ ન રહે. બાળકોના ડૉક્ટર પાસે લઈ જવા બહાર નીકળ્યાં. રસ્તા પર લાઈટોની ઝાકમઝોળ, વાહનોની આવન-જાવન, હોર્નના અવાજો અને હોટેલની રોશની જોઈને ગુડિયા છાની રહી ગઈ. ચારેબાજુ કુતૂહલભરી નજરે જોવા લાગી ગઈ. ડૉક્ટર ઘેર હતા નહિ, પણ અમારો પ્રશ્ન હલ થઈ ગયો. ઘેર આવ્યા પછી પણ એ રડી નહીં. પછી તો ગુડિયાને અમોઘ મંત્ર મળી ગયો. ફરવા જવાનું મન થાય એટલે રડવા લાગે. રોડ ઉપર એક આંટો લગાવીએ, એટલે શાંત !

દિવાળી આવી. ગુડિયાની માસી ચંદ્રિકા અને માસા મહેશકુમાર જલંધરથી આવ્યા છે. સામાન્ય સામગ્રીમાંથી કળાત્મક વસ્તુઓ સર્જવાની જબરી સૂઝ ચંદ્રિકા ધરાવે છે. એ ગુડિયા માટે કાનટોપી, ફ્રોક, સ્વેટર, હાથપગનાં મોજાં વગેરે જાતે તૈયાર કરીને લાવી છે. સસલાના કાનવાળી ટોપી, ગુડિયા ધારણ કરે ત્યારે અદ્દલ સસલી જેવી લાગે છે ! એની આંખમાં નરી મુગ્ધતા, કુતૂહલ અને ચમક છે, એમાં નિર્દોષતા ઉમેરાય છે, ત્યારે એ પ્રભુના સંદેશાવાહક જેવી લાગે છે. મને ડર હતો કે દિવાળીના ફટાકડાના અવાજથી ગુડિયા બીશે અને રડશે પણ ફટાકડાના જોરદાર અવાજ પણ એને ડરાવી શકતા નથી. લક્ષ્મીછાપ ટેટાનો અવાજ પણ એની ઊંઘમાં ભંગ પાડી શકે નહીં ! પરંતુ ઝી ટી.વી. પર વચ્ચે આવતું મ્યુઝીક શરૂ થાય એટલે એ ઊંઘમાંથી જાગે ! મોં ઊંચું કરીને સરવા કાને પડદા સામે જુએ. સંગીત સમાપ્ત થાય એટલે મોં નીચે અને ઊંઘ શરૂ !

શંકરભાઈ અમારા પાડોશી છે. એ ગુડિયાને હવામાં ઉછાળે અને ઘાંટા પાડીને ધમકાવે. આપણને લાગે કે ગુડિયા રડવા લાગશે; પણ એ તો જોરજોરથી હસવા લાગે…. ખી…ખી…ખી.. ચંદ્રિકા કહે છે ‘ગુડિયા એમ સમજે છે કે શંકરદાદા મને વહાલ કરે છે !’ કમળાબેનને જોઈને એ મોં ઊંચું અને હાથ લાંબા કરે છે. કહે છે : ‘મને તેડો.’ બન્ને વચ્ચે સારી દોસ્તી જામી છે. નાનકડી ભૂરી અને ભોપો ગુડિયાના ખાસ દોસ્ત છે. સવારના પહોરમાં હાજર થઈ જાય છે, ગુડિયાને રમાડવા માટે. આપણે મોટા, ગુડિયાને તેડીએ અને કદાચ એના હાથપગ જરાતરા દબાય તો એ રડવા લાગે; પણ ભૂરી કે ભોપો એને વીઝોળી નાખે તો યે એ ચૂં….ચાં… પણ ન કરે ! ગુડિયાને બાજુમાં બેસાડીને સવારે હું છાપું વાંચું. ગુડિયા છાપા પર તરાપ મારે. આપણે સાવધાન થઈએ એ પહેલાં તો એ છાપું ઝૂંટવી લે ! જાણે કહેતી હોય : ‘મારા કરતાં છાપું અધિક છે ?’ ‘બાલમૂર્તિ’ સામાયિક માટે લેખ લખવો છે પણ ગુડિયા લખવા દે તો ને ! કાગળ ઝૂંટવી લે અને પેન ખૂંચવી લે. મનમાં થયું : ‘થોડા દાડા પછી ગુડિયા એના ઘેર જશે એટલે નિરાંતે લખાશે.’

ગઈ રાતે ગુડિયા એના ઘેર ગઈ છે, હવે કાગળ ઝૂંટવી લેનાર કે પેન ખૂંચવી લેનાર કોઈ નથી. નજર સામે જ પ્રવીણભાઈનો પત્ર પડ્યો છે. એમાં લખ્યું છે : ‘બાલમૂર્તિના આગામી અંક માટે લેખ મોકલી આપશો.’ પણ મનમાં ઉદાસી છે. કશું ગમતું નથી. કશું સૂઝતું નથી. લખવાનો જરાયે મુડ નથી. જાણે કે ચેતના સાવ હણાઈ ગઈ છે. સાવ સુનકાર વ્યાપી ગયો છે, ગુડિયા વિના !

[બ] ગુડિયાના ગુબ્બારા

નાનકડાં ભૂલકાંઓની કલ્પના, તર્કશક્તિ અને હાજરજવાબીપણું આપણને ક્યારેક આશ્ચર્યમાં મૂકી દે છે. નટખટ નટવર બાળકૃષ્ણની શિશુસહજ ચેષ્ટાઓનું ભક્ત કવિ સૂરદાસે કેવું સરસ કાવ્યમય નિરૂપણ કર્યું છે ! ગુડિયા આજે અહીં નથી, એના પોતાના ઘરે પરત ગઈ છે પરંતુ એનાં કેટલાંક ચબરાકિયાં સ્મૃતિપટ પર તરી આવે છે :

(1) ગુડિયાને આંગણા આગળની માટીમાં રમવું બહુ ગમે. રાતે વરસાદ થયો ને ઘર આગળની માટી પર પાણી ભરાઈ ગયું. પાણી નીચે માટી ઢંકાઈ ગઈ. સવારે ગુડિયા ઊઠી. આંગણા સામે જોઈને ગીતાને કહે : ‘મમ્મી ! મારી રમવાની માટી ક્યાં ગઈ ?’

(2) ગુડિયાને માટી ખાવાની ટેવ. અમારી હાજરીમાં પણ માટી ખાવાની યુક્તિ એણે શોધી કાઢી. આંગળી મોઢામાં નાખી ભીની કરે; પછી ભીની આંગળી માટીમાં ખોસે. આંગળી પર માટી ચોંટે પછી આંગળી મોઢામાં નાખે.
‘ગુડિયા, શું કરે છે ?’ આપણે પૂછીએ.
‘આંગળી સાફ કરું છું !’ ગુડિયા જવાબ આપે.

(3) મેં ગુડિયાને કહ્યું : ‘બાથરૂમમાં જઈને મોઢું ધોઈ નાખ.’ બાથરૂમ ભણી મેં નજર નાંખી તો ગુડિયા જીભ બહાર કાઢીને એની પર પાણી રેડતી હતી.
‘ગુડિયા, શું કરે છે ?’ મેં પૂછ્યું.
‘જીભ ધોઉં છું, દાદા !’ જવાબ મળ્યો.

(4) ગુડિયાને તરસ લાગી એટલે કહે : ‘ગીતા, પાણી આપ ને.’
મેં સમજાવ્યું : ‘મોટાંને માન આપવું જોઈએ. ગીતા નહીં, ગીતાબહેન કહેવાય.’
સાંજે હું કૉલેજથી ઘેર આવ્યો. મને જોઈને ગુડિયા કહે : ‘મમ્મી ! દાદાબહેન આવ્યા.’

(5) ગુડિયા બે-એક વરસની હશે, એને અંગૂઠો ચૂસવાની ટેવ હતી. એની બહેનપણી સિદ્ધિ કહે : ‘ગુડિયા ! અંગૂઠો મોઢામાં લઈએ તો ભગવાન મારે.’
ગુડિયાએ કહ્યું : ‘મેં ભગવાનને પૂછ્યું હતું. એણે કહ્યું હતું કે અંગૂઠો મોઢામાં લેજે !…..’

(6) એક દુકાન આગળ હું અને ગુડિયા ઊભાં હતાં. ગુડિયાએ એક બરણીમાં ચ્યુઈંગમ જોઈ, ને દુકાનદાર પાસે માગી. મેં દુકાનદારને ઈશારો કરી ન આપવા સૂચવ્યું.
દુકાનદારે ગુડિયાને કહ્યું : ‘ચ્યુઈંગમ ખાવી જોઈએ નહીં….’
‘તો પછી રાખો છો શા માટે ?’ ગુડિયાએ ટપાક દઈને કહ્યું.

(7) બે-એક વરસની ગુડિયા રમવામાં તલ્લીન હતી. એનું બાવડું પકડીને દાદીમાએ એને ભગવાન સમક્ષ ખડી કરી, ને કહ્યું : ‘ગુડિયા ! ભગવાનને પ્રાર્થના કર.’
ગુડિયાએ પ્રાર્થના કરી : ‘ભગવાન ! દાદીમાને સદબુદ્ધિ આપજે….’

[કુલ પાન : 238. કિંમત રૂ. 135. પ્રકાશક : દર્શિતા પ્રકાશન. એફ-6 પ્રથમ માળે, શ્રદ્ધા કોમ્પલેક્ષ, નગરપાલિકા સામે. મહેસાણા-384001. ફોન : (02762) 258548.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ‘સંગમાં રાજી રાજી’ કરતો એક પ્રયોગ – મીરા ભટ્ટ
‘છે’ ને છે તરીકે અને ‘નથી’ ને નથી તરીકે સ્વીકારીએ ! – દિનકર જોષી Next »   

12 પ્રતિભાવો : ખીલતાં ફૂલ – તુલસીભાઈ પટેલ

 1. nayan panchal says:

  પ્રથમ લેખે મોઢા પર એક ઉદાસી લાવી દીધી તો બીજાએ સ્મિત. ગુડિયાને આશીર્વાદ.

  મારો ભત્રીજો શરબત પીતો હતો, મેં તેની પાસે પીવા માટે માંગ્યુ. જવાબ મળ્યો, “તમને નહીં ભાવે, તીખું છે.”

  આભાર,
  નયન

  ગુડિયા બે-એક વરસની હશે, એને અંગૂઠો ચૂસવાની ટેવ હતી. એની બહેનપણી સિદ્ધિ કહે : ‘ગુડિયા ! અંગૂઠો મોઢામાં લઈએ તો ભગવાન મારે.’
  ગુડિયાએ કહ્યું : ‘મેં ભગવાનને પૂછ્યું હતું. એણે કહ્યું હતું કે અંગૂઠો મોઢામાં લેજે !…..Hilarious, Too Good.

 2. સુંદર…બાળકો નું એક નોખુ વિશ્વ હોય છે….એમાં આશ્ચર્ય અને ભોળપણ ભરપુર હોય છે

 3. dhiraj says:

  ૧) મારા ભત્રીજા ઋતુરાજ ને એના ક્લાસ ટીચરે પૂછ્યું “એક બાલ-ગીત ગાઓ”
  ઋતુ એ ચાલુ કર્યું “ઇસ કાલ કાલ મેં હમ તુમ કરે કમાલ”

  એ બાલ-ગીત ને બદલે કાલ-ગીત સમજ્યો હતો .

  ૨) ઋતુ “કાકા તમારો મોબાઈલ નંબર લખી આપો ને ”
  મેં પૂછ્યું “ગુજરાતી માં લખું કે અંગ્રેજી માં ?”
  ઋતુ ” ગણિત માં “

 4. ગુડીયા તો નટખટ નટવર બાળકૃષ્ણને પણ મરક મરક હસાવી દે તેવી છે. ગુડીયાના વિયોગમાં કોઈ બહુ ન રડશો અને તે જ્યાં ગઈ છે તે ઘર તો તમારુ જાણીતું જ છે તો જ્યારે ઈચ્છા થાય ત્યારે ગુડીયાને જોવા આવજોને તે હસતી જ હશે.

 5. મને મારી દીકરી યાદ આવી ગઈ…..ખરેખર બાળક જોડે બાળક બની ને રહી એ તો ખુબજ મજા આવે. સુંદર લેખ

 6. trupti says:

  એકવાર અમે મારા મામા સસરા ને ઘરે બળેવ પ્રસંગે ભેગા થયા હતા. મારા મામાજી ની દિકરી નો દિકરો ત્યારે ૪-૫ મહિના નો હતો અને મારી દિકરી ૨-૩ વરસની. બધા બાબાને રમાડતા હતા અને મારી દિકરી પણ તેની જોડે રમવાની મઝા લઈ રહી હતી, અચાનક મારી દિકરી બોલી,” અરે! આ તો મોટો થઈ ને છોકરો થશે.” ત્યાં હાજર રહેલા એટલુ જોરથી હસી પડયા, અને હું અને મારા પતિ તો આજ સુધી આવાત જ્યારે યાદ આવે છે ત્યારે હસવાનુ ખાળી નથી શકતા.
  આવા તો ઘણા નાના-મોટા પ્રસંગો છે જે યાદ આવે છે ત્યારે એમ લાગે છે કે બાળક કાયમ બાળક જ રહેતા હોત અને મોટા જ ન થતા હોત તો કેવુ સારુ.
  બાળક ને પ્રભુના અવતાર તમની ભોળપણ ને માટે જ કહ્યા છે.

 7. Jinal says:

  મારા એક ભાણિયા ને Sunkist (orange drink like Fanta) બહુ ભાવે છે. એક દિવસ એણે જમવામા એ જ પીધા કર્યુ અને ખાધુ કંઈ નહી એટ્લે મારી બહેને કહ્યુ કે હવે તને આ નહી મળે એટ્લે ભાઈ રિસાઈ ગયા. મે એને મનાવવા નો try કર્યો. મે એને કહ્યુ કે તુ બધુ ખાઈ લેશે તો મોમ તને આપશે. એટ્લે ભાઈ અકળાઈ ને કહે “કોઈ ના લાવી આપ્શો. હુ Santa (Santa Clause) ને જ કહિ દઈશ એ મારી room મુકી દેશે.” બોલો જાણે સાન્તા સાચે જ હોય્! LOL

 8. Jagruti Vaghela U.S.A. says:

  ગુડિયાનું વર્ણન ખૂબ સરસ કર્યું છે. દિલ ખુશ થઈ ગયું.

 9. Dhrutika says:

  મારી દિકરી સનમ ૨-૩ વરસ ની હતી ત્યારે સકરપારા નો ડબ્બો લઈ ને ખાતી હતી તો મૅ કહ્યુ કે ભુક્કો ના ખાઇસ.
  થોડી વાર પછી બધુ જ ખઈ ને મોઢા પર અને હાથ બધા ભુક્કા વળા લઈ ને મારી સામે આવી ને પુછે છે કે …mom, what is bhukko??
  તેના આગલા દાત અઢી વરસે અકસ્માત મા પડી ગયા હતા, અને તે એક વાર એક ભાઇ ના માથા મા વાળ ન હતા તો
  મોટે થી પુછવા માડી કે તમારા માથા મા વાળ કેમ નથી…તો મે કહ્યુ કે આમ ના પુછાય….તો મને કહે કે… મને તો બધા પુછે છે કે તારા મોઢા મા દાત કેમ નથી??
  આ લેખે ઘણી યાદ તાજી કરી…..

 10. Rachana says:

  If u wan to be happy always… thn spend ur time with lit children everyday…..1 sweet msg 2 GOD frm KID : Please MATHS ,grow up and solve ur own problems….

 11. Wiram Rathod says:

  nice one….. 🙂

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.