- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

આંખો ડૂબાડૂબ – ઊજમશી પરમાર

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક માર્ચ-2010માંથી સાભાર. રીડગુજરાતીને આ કૃતિ પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ ઊજમશીભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9924197818 પર સંપર્ક કરી શકો છો.]

ઈ.સ. 1964માં ચિત્રશિક્ષક તરીકેની તાલીમમાં હું જે કાંઈ થોડુંઘણું શીખ્યો તેનું શ્રેય મારા કલાગુરુ જયંતભાઈ બી. શુક્લના ફાળે જાય છે. કલાના શિક્ષણ ઉપરાંત તેમણે એક સ્નેહાળ પિતા જ આપી શકે તેવો સ્નેહ પણ તેમના છાત્રો પર વરસાવ્યો હતો. તેમની અસ્ખલિત વાણી કલાકો સુધી શ્રવણ કરવાનું પરમ સદભાગ્ય એક વરસ માટે મને પ્રાપ્ત થયું હતું અને તે માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. આ લેખમાં તેમના સંવાદ લગભગ અક્ષરશઃ ઉતારવાનો મેં પ્રયાસ કર્યો છે. તેમની વાતો એવી હતી કે જિંદગી પર્યંત યાદ રહે, જેને હું મારી અમૂલ્ય મૂડી ગણું છું. આજે તેઓ હયાત નથી, પણ હું જ્યારે ચીતરવા બેસું કે કંઈક માટીકામ કરવા બેસું ત્યારે તેમની મુદ્રા અચૂક મારી આંખો સામે તરી આવે છે. આ લેખ દ્વારા તેમને મારી એક શિષ્ય તરીકેની શ્રદ્ધાંજલિ છે.

વઢવાણ ખાતેની વિકાસ ડી.ટી.સી. કૉલેજ (ડ્રોઈંગ ટીચર માટેનો અભ્યાસક્રમ)ના સંચાલક અને આચાર્ય જયંતભાઈએ સત્રના પ્રથમ દિવસે જ આમ તો ચોખવટ કરી દીધી હતી, ‘બધાએ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તમે બધા કોઈ નાના કીકલા નથી કે તમને મારી કે ધમકાવી શકાય. અભ્યાસમાં ઢીલાશ વરતનારા કે મનફાવે તેમ વરતનારાને સજા કરવાની મારી આગવી રીત છે. જેની જે-તે ગુનેગારને જે-તે વખતે ખબર પડશે. ભોં ભારે થઈ પડશે, એટલું યાદ રાખજો. તમારામાંના કેટલાક તો બે-બે છોકરાના બાપ થઈને અહીં આવ્યા છો. પરિવાર પ્રત્યે જેમ વર્તો છો તેમ જ અહીં જવાબદારીપૂર્વક વર્તવાનું છે.’

તેઓ સારા ચિત્રકાર-શિલ્પકાર ઉપરાંત સારા સંચાલક અને સારા વક્તા પણ હતા. એ કરતાંય વધારે માનવસ્વભાવના અચ્છા પરખંદા હતા. આમ તેમનું બોલવાનું છોડિયાંફાડ રહેતું, પણ આમ એવું બોલવામાંય એક ખાસ પ્રકારનો વિવેક જળવાઈ રહેતો. પ્રથમ દિવસે જ અયોગ્ય રીતે પ્રવેશપાત્ર મંગાવનાર કોઈની તેમણે બરાબરની ઝાટકણી કાઢી હતી અને એ ‘કોઈ’ હું હતો. ગજવામાંથી બસની ટિકિટ કાઢીને હાથ ઊંચો કરીને તેમણે સૌને બતાવી હતી,
‘બરાબર જોઈ લ્યો, આ બિરાદરે આ રીતે ટિકિટ પર લખીને પ્રવેશપત્ર મંગાવ્યું હતું. તેમને શું કોરા કાગળનું એક ચોથિયું નહીં મળી શક્યું હોય ? ધન્યવાદ ઘટે છે તેમને….’ મારું મોં ઝંખવાણું પડી ગયું. હું સાહેબને કેવી રીતે સમજાવું કે ફોર્મ ભરવાના બહુ ઓછા દિવસો રહ્યા હતા અને ચિત્રશિક્ષક માટેના આ અભ્યાસક્રમ માટે મને કેટલો બધો ધખારો હતો. હવે જયંતભાઈએ તેમનું વાક્ય આગળ ચલાવ્યું, ‘…. ધન્યવાદ ઘટે છે તેમને, કેમકે આમાં તેમની લાપરવાહી કરતાંય અભ્યાસ માટેની તીવ્ર ઝંખના મને દેખાય છે, એટલે નિયમ કોરે મૂકીને પણ મેં તેમને પ્રવેશપત્ર મોકલ્યું. હું તેમનું નામ નહીં લઉં, પણ આનાથી તેમની જવાબદારી વધી ગઈ છે. તેમણે સિદ્ધ કરીને બતાવવાનું છે, જેથી મને નિયમ કોરે મૂક્યાનું લાંછન ન લાગે.’ છેક હવે જયંતભાઈએ મારી સાથે નજર મેળવી, ત્યારે મેં પણ મસ્તક ઝુકાવીને આભાર દર્શાવ્યો.

જયંતભાઈમાં અવગુણમાં અવગુણ ગણો તો એક જ, તેઓ ચેઈન-સ્મોકર ગણાવી શકાય એટલી હદે ધૂમ્રપાન કર્યા જ કરતા. લેક્ચર વખતે તો માંડ રહી શકતા હશે. માટીકામ, સ્ટફબર્ડ કે પછી દશ્ય-ચિત્રણા માટે ટેકરીઓ કે તળાવ પર જતા ત્યારે તેમની સિગારેટ એક પછી એક જગતી જ રહેતી. ઘણી ફેરા મારા હોઠ સુધી આવી આવીને સવાલ પાછો ફરી ગયો, છેવટે રહેવાયું જ નહીં ત્યારે મારાથી પૂછી દેવાયું,
‘સાહેબ, આટલી બધી સિગારેટ પીવાનું કારણ શું ?’
ઘડીક તો તે ગમ ખાઈ ગયા, પછી હળવેક રહીને બોલ્યા,
‘હવે આને શું કહેવું ? પણ એનોય શું વાંક ? હશે, સારું છે કે ભગવાને મને સંતાન નથી આલ્યાં, પણ આલ્યાં હોત તો એમણે કેદુનો આ સવાલ મને પૂછ્યો જ હોત ને ? જવા દો એ વાત, ઊજમશીએ સારી ભાષામાં પૂછ્યું, શું કામ પીવો છો એમ ના પૂછ્યું, પીવાનું કારણ શું એમ પૂછ્યું તો હુંય રાજી થયો કે ચાલો, આટલેથી છૂટ્યો, આમ તો કોઈ દિવસ કહેત નહીં. હું પ્રખ્યાત ચિત્રકાર જગન્નાથ અહિવાસીનો વિદ્યાર્થી અને એમ.આર. આચરેકર જેણે રાજકપૂરની શ્વેત-શ્યામ ફિલ્મોમાં આર્ટ ડાયરેકશન આપ્યું અને કનુ દેસાઈ, જેણે વ્હી. શાંતારામની ફિલ્મોમાં આર્ટ ડાયરેકશન આપ્યું અને બીજા પણ કેટલાક ચિત્રકારો જેમાં હતા એવી ટીમમાં અજંતાનાં ચિત્રોની અનુકૃતિઓ કરવાના મહાઅભિયાનમાં બ્રિટિશ સરકારે મને પણ લીધો હતો. ત્યાં સરકાર તરફથી ખાણીપીણી ઉપરાંત સિગારેટ પણ મફત અને અમર્યાદિત મળતી. આ એમ જ ધરમની ગાયના દાંત નહીં ગણવામાં અમે આ ધુમાડા ફૂંકવાના રવાડે ચડી ગયા, પણ ખબરદાર, ગુરુનાં સુલક્ષણ તમારે જોવાનાં છે અને એને જ અનુસરવાનું છે, નહીં કે અપલખ્ખણને, તે યાદ રહે.’ લક્ષણના અપભ્રંશમાં તેમણે ડબલ ‘ખ’ પ્રયોજીને જાત પ્રત્યેનો અણગમો પણ વ્યક્ત કરી જ દીધો.

બપોરના એક વાગે બધા છાત્રોએ હોસ્ટેલમાં જમવાની પંગત પાડી હોય ત્યારે જયંતભાઈ ઑફિસનું કામ પતાવીને ત્યાંથી પસાર થતાં થતાં છેક ડહેલે જઈને પાછા વળતા,
‘એલાવ, રસોઈ કેવી બનાવી છે ? સુગંધ તો મસ્ત આવે છે. રામજીરામ, તમારી વાટકીમાંથી એક ચમચી દાળ લઉં ?’
‘અરે સાહેબ, જમવા જ બેસી જાવને.’ જેમનો વારો પીરસવાનો હોય તે આવીને આગ્રહ કરતા,
‘અરે નહીં, મારી ઘરવાળી ધોકો લઈને મારવા દોડે…..’
પત્ની માટે તેઓ ‘ઘરવાળી’ કે ‘સખુબાઈ’ કહીને સૌને હસાવતા. કદીક નિયમોમાં છૂટછાટ મૂકીને પણ હળવાશ ઊભી કરી દેતા. માટીકામ વખતે શરૂમાં દરેકને કેળું આપવામાં આવતું, તે જોઈને માટીનો નમૂનો બનાવી દીધા પછી અને જયંતભાઈએ તપાસી લીધા પછી જ તે કેળું ખાવાનું રહેતું, પણ ઝાઝા ભાગે તેમની આ સૂચનાનો અમલ થતો નહીં અને સૌ ભૂખ્યાડાંસ થયા હોય એટલે પહેલાં કેળું ખાઈ લઈને પછી અડસટ્ટે અને આડેધડ જેમતેમ માટીનું કેળું બનાવી દેતા.
‘ના પાડી તોય બધા પહેલાં કેમ કેળું ખાઈ જાવ છો ? આમાં માટીકામમાં સંપૂર્ણતા કેવી રીતે સધાશે ?’ કહેતાં કહેતાં મારો નમૂનો તપાસવાનો આવ્યો ત્યારે મારું કેળું યથાવત પડેલું જોઈને તે બહુ રાજી થયા, ‘જોયું ? આ મારો સમજદાર અને આજ્ઞાંકિત વિદ્યાર્થી છે.’ એમ કહીને તેમણે દીંટિયું પકડીને કેળું ઊંચું કર્યું ત્યારે તેની છાલ આઘીપાછી થઈ ગઈ અને તેમાંથી માટીના લોંદા હેઠે પડ્યા. તે જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. સૌને લાગ્યું કે હવે ઊજમશીની ખેર નથી, પણ તે ખડખડાટ હસ્યા ને સાથે સાથે પિસ્તાલીસેય છાત્રોના હાસ્યઘોષથી આખી ઈમારત પડઘાઈ ઊઠી.

આમ તેમને કોઈએ કદી ગુસ્સે થતાં જોયા નહોતા, પણ એક વાર હું બીજા કેટલાક છાત્રો સાથે બપોર પછી તેમના ઘરે ગયો હતો ત્યારે તેઓ કોઈ સાધુમહારાજનું તૈલચિત્ર બનાવી રહ્યા હતા. બધા છક થઈને જોઈ જ રહ્યા. એ ચિત્ર એટલું બધું જીવંત લાગતું હતું કે જાણે પેઈન્ટિંગ નહીં પણ કલરફોટો હોય. ચહેરાની કરચલીઓ અને દાઢી-મૂછમાં રંગના લસરકા અને વસ્ત્રોમાં તેજ-છાયાના કારણે ઘેરા સળ એકદમ વાસ્તવિક અને આબેહૂબ ચિત્રકારીનો અદ્દભુત નમૂનો રજૂ કરતા હતા. એવામાં કોઈ સજ્જન પધાર્યા અને તેમણે કંઈક ટકોર કરી, એમાં તેમનો જે પિત્તો ગયો તે એમણે સફેદ રંગનો કૂચડો આખા વસ્ત્ર પર લગાવી દીધો. પેલા સજ્જન ‘હવે બરાબર…’ કહીને ખુશ થતા જતા રહ્યા. હું તો દિગ્મૂઢ થઈને જોઈ જ રહ્યો,
‘સાહેબ, આ શું કર્યું ? આટલી બધી મહેનતથી રચાયેલી તેજ-છાયાની ભાત ઉપર એક પળમાં પાણી ફેરવી દીધું ?’
‘તો કરીએ શું ? મહારાજશ્રીના ભકતનું કહેવું એમ છે કે તેમના મહારાજશ્રીનું વસ્ત્ર એકદમ શ્વેત હોવું જોઈએ, બગલાની પાંખ જેવું, તે કરી દીધું, વાત પૂરી.’ ઘડીભર પહેલાં જે ગુસ્સો તેમની આંખોમાં ભભૂકતો હતો તેની જગ્યાએ હવે ત્યાં ભારોભાર પીડા જોઈને હું ભીતરથી હલબલી ઊઠ્યો.
‘આવાં કાર્યનું સંચાલન એવી વ્યક્તિના હાથમાં કેમ આવતું હશે, જેને કલામાં કાંઈ સૂઝ જ ના પડતી હોય ?’
‘એવા લોકો જ આવાં કાર્યોમાં કર્તાહર્તા હોય છે ને એ જ આપણા સમાજની વાસ્તવિક છબી છે, વરવી કહો તો વરવી, યાદ રાખો, તમારે પણ ભવિષ્યમાં આવા ને આવા જ લોકો સાથે પનારું પાડવાનું છે, ને એમાં જ તમારી કસોટી થશે.’

જયંતભાઈ આજીવન કલાને વર્યા હતા. ઘડીક પણ નવરા ભાગ્યે જ રહેતા. કાંઈ ને કાંઈ નવસર્જન કરતા જ રહેતા. છાત્રોના ચહેરા જોઈને તેમની આંખોમાં એક અજબ પ્રકારની ચમક ચશ્માંના કાચની આરપાર જોઈ શકાતી. જમતી વખતે છાત્રોની પંગતમાંથી કદીક દાળ તો કદીક રોટલીનો એકાદ ટુકડો કે શાકનું ફોડવું તે ચાખી લેતા અને ખાતરી કરી લેતા કે રસોઈની ગુણવત્તા બરાબર છે, કોઈ કોઈને પૂછી પણ લેતા.
‘જમવાનું ફાવે છે ને ? પેટ ભરીને ખાધું ને ?’
છાત્રોમાં કેટલાક એવા પણ હતા જેમને કાંઈ પણ દોરતાં નહોતું આવડતું. એ લોકો માણસો ચીતરતા તે જોવામાં ચાડિયા જેવા લાગતા. ડિઝાઈનમાં પણ એકદમ ભડક રંગો વાપરતા, પણ જયંતભાઈ કોઈનેય ઉતારી પાડતા નહીં. ‘તમે જોજો, વરસના અંત સુધીમાં થોડુંઘણું કામચલાઉ દોરતાં તો આવડી જ જશે, આ લોકોને…. કોઈનેય નાપાસ તો નહીં જ થવા દઉં, એ મારું વચન છે.’ બે-ચાર મહિનામાં જ તેમની વાત સાચી પડવાનાં ચિહ્નો એ લોકોના ચિત્રકામમાં દેખાવા માંડ્યાં હતાં અને જયંતભાઈએ પણ તેમનું વચન નિભાવી જાણ્યું હતું.

ગોધરાના ગિરીશ પંડ્યાને તે પ્રેમથી ‘રામજીરામ’ કહેતા, તો કાંસા ગામના પાંચ વિદ્યાર્થીને ‘પાંચ પટેલિયા’ કહેતા. ‘હું ને મારી ઘરવાળી’ની વાત માંડે તો કહેતા : ‘લોકો વાતો કરે કે ઘરડા થઈ જશો ને શરીર નહીં હાલે તો કોણ સેવા કરશે ? છોકરા તો કંઈ છે નહીં. એલાવ, અક્કલના ઓથમીરો, છોકરા કેમ નથી ? આંધળીનાવ, આ સામે બેઠેલા પિસ્તાલીસ જણા દેખાતા નથી તમને ? વીસ-પચીસ વરસની નોકરીમાં દર વરસે આવા ને આવા જ પિસ્તાલીસ બડકંદા દીકરા જેને ત્યાં વરસ-વરસ રહેવા આવતા હોય એને તમે વાંઝિયો ગણો છો ?’ પછી આડું જોઈને ચશ્માં લૂછવાના બહાને આંખની ભીની કોરે આંગળી ઘસી લેતા.

ચિત્રકળાની સાથે જ મારું બે વરસ પહેલાં શરૂ થયેલું વાર્તાલેખન પણ સમાંતરે ચાલતું રહ્યું હતું, તેની ત્યાં કોઈને ખબર નહોતી, પણ ‘નવચેતન’માં વાર્તા છપાયેલી તેનો અંક ઑફિસમાં આવ્યો ત્યારે મને જયંતભાઈએ ઑફિસમાં બોલાવ્યો ને બધાને ખબર પડી ગઈ કે આટલા જણામાં એક લેખક પણ છે. જયંતભાઈ ‘નવચેતન’નો તાજો અંક ટેબલ પર પાથરીને બેઠા હતા.
‘તને એમ કે સાહેબને ક્યાંથી ખબર પડવાની ? તે કાંઈ થોડા મેગેઝીન વાંચવાના ? તારી જાણ ખાતર કહું કે હું ફક્ત વાંચતો જ નથી, લખું પણ છું. તે જયંત. બી. શુક્લનું નામ વાર્તાકારોમાં વાંચ્યું હોય કદાચ, હું તે જ છું દીકરા, મારી સાથે આવાં છાનગપતિયાં રમવાનાં ? તારે લખવું હોય તો લખી રાખ, જો ચિત્રકળાની સાથે તું વાર્તાના રવાડે ચડ્યો તો તને ફર્સ્ટકલાસ મળી શકે તેમ છે, પણ થર્ડકલાસેય માંડ મળશે. બે ઘોડે સવારી નો થાય ભઈલા, હું પણ આ તબક્કામાંથી પસાર થયો છું ને ખત્તા ખાધી છે, એટલે ખબર છે. વધારે નહીં, એકાદ વરસ માટે તો વાર્તાને વિસારે પાડી જ દે.’
‘જી સાહેબ,’ હું માથું ઝુકાવીને બહાર નીકળવા જતો હતો ત્યાં જયંતભાઈએ કહ્યું : ‘મારી એક વાત સાંભળતો જા, તારી વાર્તા સારી છે, હું વાંચી ગયો. હવે મને એ મૂંઝવણ છે કે તું સારો ચિત્રકાર થઈશ કે સારો વાર્તાકાર !’

થિયરીમાં તેમણે નિબંધ માટે વિષય આપ્યો હતો, ‘ગુજરાતનાં કોઈ બે સ્થાપત્યધામોની તુલનાત્મક સમીક્ષા.’ તેમાં મારો નિબંધ તેમને સૌથી શ્રેષ્ઠ લાગ્યો હતો. વીસમાંથી પૂરા વીસ ગુણ આપ્યા.
‘મારી કલમની તાકાત નથી કે આમાંથી એક્કે ગુણ ઓછો કરી શકે. આ નિબંધની કૉપી હું તો સાચવવાનો જ છું પણ તમે બધાય તમારા ભાવિ વિદ્યાર્થીઓ માટે આ નિબંધને ઉતારી લેજો.’ પછી મારી સામે જોઈ પ્રેમઝરતી આંખે નરમાશથી પૂછ્યું, ‘મારા વાલીડા, દેલવાડા અને હઠીસીંગનાં દેરાં મેંય જોયાં છે, પણ આટલી ઝીણવટથી નહીં. આ તો એવું લાગે છે કે જાણે કેટલાંય વરસો લગી તેં આ બન્ને શિલ્પસ્થાપત્યધામોનું નિરીક્ષણ કર્યા જ કર્યું હોય.’
‘સાહેબ’ મેં નેણ ઝૂકેલાં રાખીને જવાબ આપ્યો, ‘હઠીસીંગનાં દેરાં તો એક-બે વાર જોયાં છે, પણ દેલવાડા તો બંધ થવાને પાંચ મિનિટની જ વાર હતી, એટલે ઝટપટ અલપઝલપ જોઈ લઈને મન મારીનેય બ્હાર નીકળી જવું પડેલું.’
‘આફરીન… આફરીન….!’ તેઓ બહુ ખુશ થાય ત્યારે આ શબ્દ બે વાર અચૂક બોલે.

બ્લૅકબૉર્ડ પર ચોકથી ચિત્ર દોરવાના વિષયમાં તેમણે દાંડીયાત્રા દોરવાનું કહ્યું હતું. એકસાથે પિસ્તાલીસ બૉર્ડ પર ચોકથી રેખાઓ દોરાયે જતી હતી અને જયંતભાઈ એક પછી એક એક બૉર્ડ જોતાં જોતાં મારા બૉર્ડ પાસે આવ્યા ત્યારે જોતા જ રહી ગયા,
‘એ જુઓ જુઓ, ઊજમશીએ તો ગાંધીજીની સાથે તેમને ટેકો આપતાં મનુબહેન ગાંધીને પણ દોર્યાં છે, વાહ ભાઈ વાહ…. આફરીન…’
સ્ટફબર્ડ ચીતરવાના ટેસ્ટ વખતે સવારથી જ મને શરીરમાં ઝીણો ઝીણો તાવ હતો. મને ટાઈફોઈડ શરૂ થવાને તે પ્રથમ દિવસ હતો, તોય ટેસ્ટ આપ્યા વગર તો છૂટકો જ નહોતો. મનેકમને હોસ્ટેલથી ચિત્રશાળા સુધીનું અંતર માંડ કાપીને કબાટમાં જોયું તો એક તેતર જ બચ્યું હતું. બાકીનાં સહેલાં લાગતાં બધાં પક્ષી ઊપડી ગયાં હતાં. જોકે મારા મતે તો જે સહેલું લાગતું હોય એ જ સૌથી અઘરું હોય છે. એટલે તેતર લઈને હું દોરવા બેઠો. શરીરમાં ધગધગતી ઝીણી કંપારી શરૂ થઈ ગઈ હતી. પેન્સિલ-રબ્બરની વાત કેવી, સીધું જ જલરંગમાં પીંછી બોળીને તેતર ચીતરવાનું શરૂ કરવું પડ્યું. પીંછીથી દોરવાનું અને રંગ ભરવાનું બન્ને સાથે થતું ગયું અને દશ જ મિનિટમાં તેને નીચે મૂકી દઈને ઊંડો શ્વાસ લીધો. પટાવાળા કાસમભાઈને કહ્યું :
‘મને ઠીક નથી, ચિત્ર ભીનું છે, સુકાય એટલે સાહેબને ટેબલ પર આપી દેજો, હું જાઉં છું……’ ચિત્રમાં ભીના ભીના રંગો સૂકાઈને ઘેરાં ધાબાં બની ગયાં અને જે કોરાં ઝીણાં ટપકાં રહી ગયાં તે બન્ને પ્રકારની ભાતરચના તેતરની પાંખમાં ખરેખર હોય છે. તે વખતે તો સાહેબ મનમાં જ આફરીન બે વાર બોલ્યા, પણ ગુણ આપતી વખતે કહ્યું : ‘આજ સુધી આટલા વિદ્યાર્થીઓ આવ્યા અને ગયા, મેં આવું કામ કદી જોયું નથી. આ તેતરને ‘ધ ઈલસ્ટ્રેટેડ વીકલી’માં બેધડક છાપી શકાય. આજ સુધી મારા કોઈ વિદ્યાર્થી પાસેથી મેં કદી ગુરુદક્ષિણા માગી નથી, પણ આજે ઊજમશી પાસેથી માગવાનો છું. અરે ભાઈ, તું તો આવાં બીજાં કેટલાંય અણમોલ કામ કરવાનો છું, પણ આ તો તારે મને દેવું જ પડશે.’ મારી આંખોમાં પણ આવા સમરથ ગુરુ અને દક્ષ ચિત્રકારને પોતાની કૃતિ આપી શકવાનો ગૌરવમિશ્રિત આનંદ હતો, અને એ કૃતિ પણ કૌશલ્યના બદલે કાંઈક યોગાનુયોગ અનાયાસે જ રચાઈ ગઈ હતી.
‘મને આના ઉપર નીચેના ભાગમાં ‘ઊજમશી પરમાર 1964-65’ એમ લખી આપ.’ પણ મારું અક્ષરાંકન સારું નહોતું એટલે મેં પછી ગિરધર મકવાણાને વિનંતી કરી અને તેણે લાલ અક્ષરે ચિત્ર નીચે લખી આપ્યું.

અમદાવાદ નોકરીએ ચડ્યા પછી જ્યારે હું વઢવાણ ખાતે જયંતભાઈને મળવા તેમની ઑફિસમાં ગયો હતો ત્યારે તેમણે મને કહ્યું હતું, ‘જો, તારી યાદગીરી મેં ભીંતે કાચમાં મઢાવીને રાખી છે. દર વરસે મારા વિદ્યાર્થીઓને હું તે અચૂક બતાવું છું, અને મારી નજર સામે તો સતત રહે જ.’ ત્યારે મને કાંઈ નહોતું થયું પણ તેમના અવસાનના સમાચાર સાંભળ્યા ત્યારે ચશ્માંના કાચ પાછળ હસતી એ સ્નેહાળ આંખો નજર સામે તરી આવી અને આંખો ડૂબાડૂબ થઈ ઊઠી.