ટીકા કરવી સહેલી છે, પણ…. – જયવતી કાજી

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

બેન્જામીન ફ્રેન્કલીને એક વખત કહ્યું હતું, ‘જીવનમાં બે વસ્તુ જ નિશ્ચિત છે. એક મૃત્યુ અને બીજા કરવેરા.’ પરંતુ મને એમ લાગે છે જીવન સાથે એક ત્રીજી વસ્તુ પણ સંલગ્ન છે અને તે છે ટીકા, આલોચના, નિંદા-‘ક્રિટીસિઝમ’ ! ભાગ્યે જ કોઈ ટીકામાંથી બચી શકતું હોય છે. તમે કંઈ કરો તોપણ ટીકા થવાની અને ન કરો તોપણ ટીકા તો થવાની જ !

વર્ષો પહેલાં આકાશવાણીમાં કાર્યક્રમોના પ્રોડ્યુસર તરીકે મેં કામગીરી શરૂ કરી ત્યારે જાતજાતની ટીકાઓનો મને અનુભવ થયો. પછી તો એ વ્યવસાયમાં વર્ષો વીત્યાં. દર મહિને કાર્યક્રમો સંબંધી સેંકડો પત્રો આવતા. એમાં કેટલાકમાં વખાણ હોય, પ્રશંસા હોય, કેટલાકમાં નમ્ર સૂચનો હોય, જ્યારે કેટલાકમાં આકરી, તીખીતમતમતી ટીકા હોય ! શરૂ શરૂનાં વર્ષોમાં ટીકાથી દુઃખ થતું, ક્યારેક ગુસ્સો આવતો, ક્યારેક ટીકા કરનાર પર ચીડ ચડતી. મને આ પ્રકારની ટીકાનો અનુભવ પહેલાં બહુ નહોતો એટલે આ ટીકા કેમ ખમવી, કેમ જીરવવી એ મારે શીખવાનું હતું. ખાસ કરીને તમે સ્વભાવે મૃદુલ હો, લાગણીશીલ હો અને પ્રામાણિક હો તો આ પ્રકારની ટીકાથી તમારું સમગ્ર લાગણીતંત્ર ખળભળી ઊઠવાનું. તમે એ ટીકાને પક્ષી પોતાની પાંખ પરથી પાણીનાં ટીપાં ખંખેરી નાખે છે તેમ તમારા મનમાંથી ખંખેરીને ફેંકી નહીં શકો. તમારા હૃદયમાં એ ચચરિયા જ કરશે.

ઘણા કહેતા હોય છે, ‘કોઈ મારી ટીકા કરે તે તો મારાથી ખમાય જ નહીં અને તેમાં પણ મારી પીઠ પાછળ કોઈ કશું ખરાબ બોલે તે તો મારાથી સહન જ ન થાય ! તો તમને સાંભળવા મળશે ‘કોઈ પ્રશંસા કરે તે મને બહુ જ ગમે. કોઈક પ્રશંસા કરે-વખાણ કરે ત્યારે ગજગજ છાતી ફૂલે છે !’ વાત સાચી છે. ટીકા કરવી સહેલી છે, ખમવી અઘરી છે. ટીકા અને પ્રતિસાદ – Criticism and Feeback – વચ્ચે તફાવત છે. ટીકા એક પ્રકારનો ચુકાદો આપી દે છે. એમાં બોધ, સલાહ અને ક્યારેક ઉતારી પાડવાનું તત્વ રહેલું હોય છે. જ્યારે પ્રતિસાદ ‘ફીડબૅક’ હકારાત્મક અને ઉપયોગી હોય છે. ખરી વાત એ છે કે ટીકા કરતાં પણ આવડવું જોઈએ. માતાપિતા અને સંતાનો, પતિ-પત્ની, શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘૃણા ઊભી થવાનું કારણ ટીકા કરવાની અણસમજ અને અણઆવડત હોય છે ! ટીકા સારી રીતે ન થઈ હોય – એ રચનાત્મક ન હોય તો એનાથી સામી વ્યક્તિને માઠું લાગવાનું અને એ ટીકા પાછળ જે કંઈ ઉપયોગી થાય એવું હોય છે તેને પણ એ નકારી કાઢે છે. ‘મારે માટે એ આવું બોલી કે લખી જ કેમ શકે ? એ એના મનમાં સમજે છે શું ?’ આપણા મનમાં એના પ્રત્યે સખત ગુસ્સો આવે છે. આપણા ટીકાકાર પ્રત્યે દ્વેષભાવ રાખવાથી આપણા મનમાં જ એક વિષ સંચિત થવાનું અને નુકશાન આપણને જ થવાનું….

જ્યારે પણ કોઈ આકરી ટીકાથી આપણું મન વિક્ષુબ્ધ થઈ જાય ત્યારે મનને કહી દો, ‘ટીકામાંથી કોણ બચ્યું છે ?’ મોટાં મોટાં સમર્થ અને મહાન સ્ત્રી-પુરુષોની પણ ટીકા થઈ છે. એમના પર આકરા પ્રહારો થયા છે. ઈશુખ્રિસ્તને ફાંસીને માંચડે ચડાવી દીધા, કારણ કે એમના સમકાલીનો એમના વિચારોને સાંખી શક્યા નહીં. રાજા રામમોહન રાય, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી, મહર્ષિ કર્વે એ બધાને ટીકાના પ્રહાર ખમવા પડ્યા છે. અમેરિકાના પ્રમુખ અને મહાન માનવતાવાદી અબ્રાહમ લિંકનને એમના મિત્રો કહેતા હતા, ‘તમારા વિરોધીઓની ટીકાનો તમે સણસણતો જવાબ કેમ નથી આપતા ? ત્યારે એમણે બહુ સરસ કહ્યું હતું, ‘મારી ટીકા કરનારાઓના બધા પત્રોના જવાબ આપવા બેસું તો મારું કામ જ મારે બંધ કરવું પડે ! હું જાણું છું કે મારાથી જેટલું ઉત્તમ રીતે થઈ શકે એ રીતે હું કામ કરું છું. જે સાચું છે તે આખરે સાચું જ ઠરવાનું છે. મારો ગમે તેટલો વિરોધ કરવા છતાં એ સચ તરીકે બહાર આવશે જ અને પરિણામ જેનું ખોટું આવશે તેનો હું ગમે તેટલો બચાવ કરીશ તોપણ એ ખોટું જ સાબિત થવાનું છે !’

રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા ડૉ. મણિભાઈ દેસાઈએ મહાત્મા ગાંધીજીનું આ વિશે બહુ સુંદર દષ્ટાંત એમને પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં આપ્યું હતું. એમણે કહ્યું હતું :
‘પૂ. બાપુજીના સેક્રેટરી તરીકે હું કામ કરતો હતો ત્યારે એમના પર આવતા પત્રો અને તાર વગેરે ફોડીને વ્યવસ્થિત રીતે પહોંચાડવાનું કામ મને સોંપાયું હતું. બાપુ પર રોજના પાંચ-સાત પત્રો કે તાર એવા આવતા કે જેમાં બાપુની ભરપેટ નિંદા જ હોય ! એવા તાર અને પત્રો હું જુદા જુદા તારવી લેતો અને બાપુને આપતો જ નહીં. એક દિવસ બાપુ કહે, ‘મણિભાઈ ! તમારા આવ્યા પછી હું આટલો બધો સજ્જન કેવી રીતે થઈ ગયો ?’ શરૂઆતમાં તો મને કંઈ સમજ ના પડી. પછી બાપુએ ફોડ પાડ્યો. તમે રોજ લોકનિંદાભર્યા તાર કાઢી લો છો ને ? મેં હા પાડી. બાપુએ એક મોટી ફાઈલ ખેંચી કાઢી અને મને બતાવ્યું, ‘જુઓ, આ આખી ફાઈલ એવા નિંદાભર્યા તારની જ છે. જાઓ, તમે એ તારવી લીધેલા તાર લઈ આવો.’ હું એ તાર એમની પાસે લઈ ગયો. એ જોઈને બાપુ કહે, ‘જે આપણા અહમ તરફ આંગળી ચીંધે છે એ આપણો સાચો મિત્ર.’ આપણે જાણીએ છીએ કે બાપુએ ટીકાઓથી ડરીને પોતે જેને સાચું માનતા હતા એને કદી છોડ્યું નથી અને પોતાની ભૂલ જ્યારે એમને લાગી છે ત્યારે એનો ખુલ્લે દિલે એકરાર કરતાં તેઓ અચકાયા નથી. આવો અનાસક્ત સ્થિતપ્રજ્ઞ ભાવ તો વિરલ વ્યક્તિઓમાં જ હોય છે.

આ લખતી વખતે મને એક સુંદર ફિલ્મ ‘અમરપ્રેમ’નો એક સંવાદ યાદ આવે છે. એમાં રાજેશ ખન્ના શર્મિલા ટાગોરને ખૂબ સરસ વાત કહે છે : ‘પુષ્પા, ડરો નહીં. લોકો તો બોલવાના જ. લોકોનું કામ બોલવાનું છે. લોકોનું કામ ટીકા કરવાનું છે. તમે એમની જીભ બંધ નહીં કરી શકો.’ તો પ્રશ્ન એ થાય છે કે આપણે ભલે ને એક સામાન્ય માણસ હોઈએ કે પછી નામાંકિત વ્યક્તિ હોઈએ – ટીકા તો ક્યારે ને ક્યારે થવાની જ અને આપણે એનો સામનો કરતાં શીખવું પડશે, કે જેથી આપણે ટીકાના બાણથી ઘવાઈએ નહીં ! એનો ત્રિપાંખિયો સામનો કરવો પડશે ! (1) લાગણીના સ્તર પર (2) બૌદ્ધિક સ્તર પર અને (3) વ્યાવહારિક સ્તર પર.

પહેલું તો એ કે આપણે બને તેટલા નિરપેક્ષ ભાવે આપણી સામે થયેલી ટીકાનો વિચાર કરવો જોઈએ. હું જાણું છું, આ જરાયે સહેલું નથી. આપણો અહમ વચ્ચે આવવાનો જ, પરંતુ પ્રયત્નથી આપણે ટીકાનો ‘Objective view’ લેતાં થઈ શકીશું. ટીકા સામે ટકી રહેવાનું બીજું પગલું બૌદ્ધિક છે. વખાણ આપણને રાજી કરે છે તો ટીકા આપણને સતેજ અને જાગૃત બનાવે છે. આપણા દોષો, આપણી ક્ષતિઓ અને ઊણપો તરફ આપણું ધ્યાન આપણા ટીકાકારો દોરે છે. આપણે ક્યાં છીએ-કેવા છીએ તેના પર વેધક પ્રકાશ ફેંકે છે. આપણે યાદ રાખીએ કે જાણકાર અધિકારી વ્યક્તિની ટીકા કે અભિપ્રાયની જ કિંમત હોય છે. કેટલીક વખત આપણને ટીકા સીધી સાંભળવા મળતી નથી પણ એક મોંએથી બીજા મોંએ એમ ફરી ફરીને તમારી પાસે આવતી હોય છે – ભર્તુહરિના અમરફળની જેમ ! એમાં સંભવ છે કે મીઠું-મરચું ભભરાવીને અતિશયોક્તિ થઈ હોય ! કેટલાકને બે વ્યક્તિઓ વચ્ચે તાપણું સળગાવવાની મજા આવતી હોય છે !

હા, ક્યારેક કોઈક ટીકા આપણને નુકશાન કરે તેવી હોય, આપણું ચારિત્ર ખંડન કરનારી હોય ત્યારે એનો રદિયો આપવો જ જોઈએ. સાચી હકીકત આપણે જણાવવી જ જોઈએ. કેટલાક માણસો અને ખાસ કરીને રાજકારણીઓ એટલા તો નફફટ અને જાડી ચામડીના હોય છે કે એમની ગમે તેટલી આકરી ટીકા થાય – પ્રહાર થાય પણ હતા એવા ને એવા જ ! જ્યારે વાસ્તવમાં આપણે સાચા હોઈએ ત્યારે આપણે ટીકાથી ડરવું જોઈએ નહીં. એટલું જ નહીં, પણ ગભરાઈને સ્વીકારેલી ફરજ કે કાર્ય છોડવું ન જોઈએ. ડિઝરાવલીએ કહ્યું હતું, ‘It is much easier to be critical than correct.’ સાચું કરવાનું અઘરું જ છે. દોષ કાઢવાનું તો સહેલું જ છે ! અમેરિકન કલ્ચરમાં આજકાલ ટીકાને વ્યક્તિના સ્વમાન, ગૌરવ પરના એક પ્રહાર તરીકે લેખવામાં આવી છે. જ્યારે જાપાનીસ કલ્ચરમાં ટીકાને કાર્ય વધુ સારું કરી શકાય એ માટે જરૂરી લેખવામાં આવે છે. લીઝા ઑરેલ કે જેઓ એક સારાં લેખિકા છે અને વીસીની વય જૂથનાં યુવાન-યુવતીઓ માટે શિબિરોનું આયોજન કરે છે. તેઓ કહે છે, ‘તમારે ટીકા પ્રત્યે મોટું મન રાખવું જોઈએ. તમને ન ગમતું હોય કે ન રુચતું હોય તોપણ સાંભળતા શીખો – ‘Learn to listen’ બાળકોને રચનાત્મક ટીકા કેવી રીતે સ્વીકારવી તે શીખવવું જ જોઈએ. They should be taught how to cope with criticism.

કોઈક કડવી ટીકા તમને હાડે લાગી જાય એવું બને ત્યારે એલબર્ટ હ્યુબર્ટ કહે છે તે યાદ કરવાનું, ‘To avoid criticism is to do nothing, say nothing and be nothing.’ તમારે ટીકા કે નિંદા ન જોઈતી હોય તો કશું કરો નહીં, કશું બોલો નહીં અને કશું બનો નહીં ! આપણે કશુંક નોંધપાત્ર કે વિશિષ્ટ કરીશું તો ટીકા થવાની… ટીકા કરવી, બીજાના દોષ જોવા એ તો સહેલું જ છે પણ ગુણગ્રાહી થવું, બીજાના સારા ગુણોની પ્રશંસા કરવી એ તો હૃદયની વિશાળતા હોય તો જ થાય…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હાસ્યાત્ સદા મંગલમ્ – કલ્પના દેસાઈ
આંખો ડૂબાડૂબ – ઊજમશી પરમાર Next »   

16 પ્રતિભાવો : ટીકા કરવી સહેલી છે, પણ…. – જયવતી કાજી

 1. kiran says:

  saras ane khubaj prenanadayak lekh che!!!

 2. ટીકા વિષે મહાનુભાવોના મંતવ્યો જાણી પ્રેરણા મળી.

 3. Balkrishna A. Shah says:

  લેખમાં બતાવેલી ઘણી બાબતો આપણે જાણતા હોઈઍ છીઍ પરંતુ પ્રસંગ ઉભો થાય ત્યારે મગજનુ સંતુલન જાળવી
  શકતા નથી. આ માટે સતત રિયાજ જરુરી છે અને આ રિયાજ આપણને વાંચનમાંથી થાય છે. ઍ દ્રષ્ટિઍ જોતાં આ લેખ
  ઉગતા સમાજ સેવકો અને નવા રાજકારણમાં પ્રવેશતા ઉમેદવારો માટે ઘણો ઉપયોગી છે.

 4. Sanjay M. Gondaliya says:

  vanchine ghano anand thayo ke koi aapni tika kare to aapna sara mate kare che. tene sant chite sanbhalvi joye. tika sambhalaya pachi pan aapanane je parivartan karva jevu lage tej change karvanu che.

 5. જય પટેલ says:

  માનવ મનની લાગણીઓ પર વિશ્લેષણ કરતો ઉપયોગી લેખ.

  માનવીય સ્વભાવ ગમતાનો ગુલાલ કરનાર છે અને જ્યાં વિરોધિતા આવે ત્યારે કેસરિયા કરનાર છે.
  મનની આવી માંકડવૃતિ મનને વિચારોના ચગડોળે ચડાવે છે. લાગણીશીલ સ્વભાવ આજના માહોલમાં
  અડચણ રૂપ પુરવાર થવાની પૂરી સંભાવના છે.

  પ્રશંસાના ફૂલ તો ઈશ્વરને પણ ગમે પરંતુ તેથી વધારે ઈશ્વરે જ સર્જેલા માનવને વધારે ગમે છે.
  ટીકા-ટિપ્પણી વિરોધી પક્ષ ઑવર ટાઈમ કરીને આપણી નબળાઈ ઉજાગળ કરે તો લાભ જ લાભ છે.

  તમારા વિરોધીને તમારા પર પ્રહાર કરવા ઉશ્કેરો પણ
  આખરી મરણતોલ ફટકો તો તમે જ લગાવો..!!

 6. victor says:

  ખુબજ સરસ લેખ છે. મજા આવી ગઇ

 7. ટીકા કરનારા લોકો લઘુતાગ્રથિ થી પીડાતા હોવાથી અમુક વ્યકિત મારાથી આગળ નિકળી જશે તેવી બીક રહેતી હોવાથી બીજાને બદનામ કરવા ટીકાનો સહારો લેતા હોય ૅ

 8. nayan panchal says:

  ફિલ્મ ગુરૂમાં એક સંવાદ છે કે લોકો જ્યારે તમારા વિરૂધ્ધ બોલવા માંડે તો સમજવુ કે તમે પ્રગતિ કરી રહ્યા છો.

  એક ઉદાહરણ આપવાનુ મન થાય છે, આપણા હિમેશભાઈ. તેઓ ગાયક બને કે કલાકાર, તેમની વધુ પડતી ટીકા થાય છે. અરે ભલા માણસ, આપણે તો એટલુ પણ નથી મેળવ્યું. આપણા નરેન્દ્રભાઈ તો ટીકારૂપી પથ્થરોમાંથી પણ રસ્તો બનાવી લે એવા છે.

  જીવનમાં એક વસ્તુ શીખવા મળી છે કે સૌને ખુશ રાખવુ મુશ્કેલ જ નહિ, અસંભવ છે. માનસરોવરના હંસની જેમ નીરક્ષીરનો વિવેક રાખીએ, ટીકાઓમાંથી જે કામનુ હોય તે લઈ લઈએ અને બાકીનુ છોડી દઈએ.

  જયવતીજીનો હંમેશ મુજબનો સાદો અને સચોટ લેખ.
  ખૂબ આભાર,

  નયન

 9. જેનાથી કોઇ મુક્ત નથી તે ટીકાફૈ. જે કામ કરે તેની ટીકા થાય. બહુજ સાચી વાત ટીકા જીરવી જાણે તે સાતસમુદ્ર પાર.
  આભાર.
  વ્રજ દવે

 10. Rajni Gohil says:

  He has a right to criticize, who has a heart to help.”…… Abraham Lincoln

  હાથી જતો હોય અને કુતરા ભસે તો પણ હાથીની ચાલમાં ફરક પડે છે? તેમ આપણે પણ ટીકાઓથી શા માટે ડરવું જોઇએ? ભગવદ ગીતામાં અધ્યાય ૧૨ શ્લોક ૧૮ માં કહ્યું છે તેમ….
  समः शत्रौ च मित्रे च तथा मान पमानयोः ।

  शीतोष्णसुखदुःखेषु समः सङविवर्जितः …||
  શ્રી જયવતી કાજીએ આપણને ઉપયોગી થાય તેવી રીતે સરસ સમજણ અપી છે.

 11. ટીકાઓ નો પ્રતિકાર જો નમ્રતાથી કરવામાં આવે તો સામે વાળા પર ચોક્કસ અસર થાય છે
  રીડગુજરાતી પરજ આ અનુભવ થઇ ગયો છે
  ટીકાઓ ઘણી ફાયદાકારક હોય છે
  તે આપણને ફરી વિચારવાનો અવસર આપે છે કે “આપણે જે માનીએ છીએ તે સાચું તો છેને ?” અને જો જવાબ હા મળે તો આપણી માન્યતા દ્રઢ થઇ જાય છે

 12. જગત દવે says:

  મને વિચારશીલ વિરોધીઓ કે ટીકાકારો ગમે છે કારણ કે તે મને અવકાશ-યાન ને લોન્ચ કરતાં બુસ્ટર રોકેટ જેવા લાગ્યા છે. તેઓ આગ ઓકે છે પણ સાથે સાથે સેટેલાઈટને તેની ભ્રમણ-કક્ષામાં પણ પહોચાડે છે. રીડ ગુજરાતી પરની મારી ચર્ચાઓ હંમેશા તંદુરસ્ત અને વિચાર-પ્રદ રહી છે…હું ઘણું શિખ્યો છુ….શીખું છું….શીખવાનું પણ છે.

  ટીકાકારો કરતાં હિત-શત્રુઓને ઓળખવા બહું કઠીન હોય છે.

 13. ઈન્દ્રેશ વદન says:

  Jayawatiji has written one more intellectual article.
  Kudos to her..!!

 14. Jagruti Vaghela USA says:

  ટિકા બાબતે મેં એવું પણ નોટિસ કર્યું છે કે જ્યારે લોકો જે બાબતની ટીકા કરતા હોય તેજ રેલો એ લોકોની નીચે પણ્ વહેલો મોડો આવતો હોય છે. વર્ષો પહેલા મારા ફેમિલિમાં આંતરર્જ્ઞાતિય પ્રેમલગ્ન થયા ત્યારે જે લોકો ટીકા કરતાતા તે બધાની નીચે એજ રેલો આવ્યો.

 15. vikas says:

  તમે કંઈ કરો તોપણ ટીકા થવાની અને ન કરો તોપણ ટીકા તો થવાની જ !!!!!!!!!
  ..To avoid criticism is to do nothing, say nothing and be nothing.

 16. Kalakar says:

  I agree. Most of the time people do criticism when they find out some one is getting success in his life. They can’t digest it.

  Sometimes I am also feeling bad when my co-worker do that with me. Whenever my american co-workers admiring my work and giving appreciation words in meeting, next day in lunch hot topic become, why I am still single. They says, “You don’t need this career sucess, you need husband in your life. Do something for it.” I always replied, “both are different thing even if I am married i will do the same way my work.” Immediately comment come, “Oh!!! you don’t have kids, we can also give our best like you if we don’t have family responsbility. Once you have kids you will be agree with us.” and I always surprised what it has to do with my work. Why they are making comments on my personal life whenever I am getting success in profession.

  Later on I find out, as they are not happy with other success and giving this type of comments giving them happiness. And now whenever I am getting this type of comment I am just laughing and thinking poor people!! They don’t have any other way to get happiness in life that’s why they are using people. Even some American says, “Dont’t worry about these people. They want to entertain themseleves through passing comments or criricising other people.”

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.