હરિયાળી – આશા વીરેન્દ્ર

[ ‘હરિશ્ચંદ્ર’ ઉપનામથી લખતા હરવિલાસબેન અને કાન્તાવિલાસબેનના દેહવિલય બાદ હવે ભૂમિપુત્રમાં ટૂંકીવાર્તાનો આ વિભાગ આશાબેન સંભાળી રહ્યા છે. તાજેતરના ‘ભૂમિપુત્ર’માં પ્રકાશિત થયેલી તેમની આ વાર્તા અહીં સાભાર પ્રસ્તુત છે. આશાબેનની (વલસાડ) ઘણી કૃતિઓ આપણે રીડગુજરાતી પર માણી છે. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 2632 251719 ]

હજી તો હમણાં જ અમારાં લગ્ન થયાં હતાં. પરણ્યા પછી પત્નીને ભલેને બીજે માળે આવેલા આ નાનકડા ઓરડામાં લાવ્યો હોઉં, પણ નવો ઘરસંસાર વસાવવાનો અમને બંનેને એટલો ઉત્સાહ હતો કે, જાણે કોઈ હિલ સ્ટેશન પરનો બંગલો હોય એવી રીતે અમે ઘરની સજાવટ કરતાં. એક ખૂણામાં ઉપરાઉપરી બે ગાદલાં મૂકી એના પર ‘ગૂડ લક’ ભરેલી ચાદર પાથરીને બેઠક બનાવી. બીજા ખૂણામાં સીવવાનું મશીન તો ત્રીજો ખૂણો રસોડા તરીકે વાપરવાનું નક્કી કર્યું. ચોથો ખૂણો અમને સૌથી સુંદર એટલા માટે લાગતો કે, ત્યાં આગળ ઓરડાની એક માત્ર બારી આવેલી હતી. આ બારીમાંથી બહાર નજર કરતાં લીલુંછમ યુકેલિપ્ટ્સનું ઝાડ નજરે પડતું. તેથી અમારા શયનખંડ તરીકે અમે આ ખૂણાને પસંદ કર્યો હતો.

ધીમે ધીમે અમારા સંસારમાં વૃદ્ધિ થતી ગઈ. પહેલાં મુન્ની અને પછી પપ્પુ – આ બે બાળકોના આગમન સુધી તો માલ-સામાનની આમથી તેમ હેરફેર કરતાં રહીને ગાડું ગબડાવ્યું પણ ત્રીજી બબલી જન્મી એ પછી આ એક ઓરડામાં બધાંનો સમાવેશ કરવાનું મુશ્કેલ જ નહીં, અશક્ય લાગવા માંડ્યું. બાળકોની ધમાલ-મસ્તી, એમનાં હાસ્ય અને રૂદન, એમની જરૂરિયાતો – આ બધામાં મારી પત્ની એટલી બધી ગળાડૂબ રહેતી કે, હવે એને બીજી કોઈ વાતમાં રસ રહ્યો નહોતો.

એક દિવસ બારી આગળ ઊભો હતો ને પત્ની હાંફળી-ફાંફળી ત્યાંથી પસાર થવા ગઈ. મેં પ્રેમથી એનો હાથ પકડી લીધો. એણે છણકો કર્યો :
‘શું છે પણ ? આમ અચાનક મારો હાથ કેમ પકડ્યો ?’
‘જરા જો તો ખરી, તારું આ પ્રિય વૃક્ષ તને બોલાવી રહ્યું છે.’
એને વધારે ગુસ્સો આવ્યો :
‘બસ, આ જ વાત કરવાની હતી ? તમને ય બીજો કોઈ ધંધો નથી. ને મૂઆ આ ઝાડને લીધે ઘરમાં મચ્છરના ઢગલા થાય છે. કોઈ માળીને બોલાવીને થોડી ડાળો કપાવી નાખવી પડશે. ચાલો, જવા દો હવે, કેટલાય કામના પથારા પડ્યા છે.’ હું તો ડઘાઈને એને જતી જોઈ જ રહ્યો. ભલે ને, અછડતો તો અછડતો પણ પત્નીનો સ્પર્શ પામીને મને અતીતના એ દિવસો યાદ આવી ગયા, જ્યારે જરાક અડવા જાઉં કે, એ લજામણીના છોડની જેમ શરમાઈ જતી.

એક રાતે અમે બેઉ શાંતિની નીંદર માણી રહ્યાં હતાં ને અચાનક જાગી જઈને એ બૂમ પાડવા લાગી :
‘કોણ છે ? કોણ છે ?’
એની બૂમથી ઊઠી જઈને મેં કહ્યું : ‘કોઈ નથી, સપનું જોયું કે શું ?’
એ ખૂબ ડરી ગઈ હતી. પોતાનો ગાલ બતાવતાં એણે કહ્યું : ‘ના, ચોક્કસ કોઈક હતું. અહીં મારા ગાલ પર હમણાં કોઈએ….’ મારું ધ્યાન જતાં મને ખૂબ હસવું આવ્યું. હકીકતમાં જોરથી વાતા પવનને લીધે યુકેલિપ્ટ્સની વધી ગયેલી ડાળી બારીમાંથી ઘરમાં ઘૂસી આવીને મારી પત્નીના ગાલ પંપાળવા લાગી હતી. મેં કહ્યું :
‘ગુનેગાર પકડાઈ ગયો, રાણી સાહેબા ! હવે એને શું સજા ફરમાવશો ? ડાળી કપાવી નાખીએ ?’
‘ના, ના. એવું નથી કરવું હં ! હર્યા-ભર્યા ઝાડને કપાવીને મારે પાપમાં નથી પડવું. વળી, મને તો લીલોતરી બહુ ગમે !’

મારી પત્નીના ગઈકાલ અને આજના વિચારોમાં કેટલું અંતર પડી ગયું હતું ! છોકરાંઓ મોટાં થતાં ગયાં એમ એમની જરૂરિયાતો વધતી ગઈ. કોઈને કપડાં ને ચોપડાં રાખવા માટે જગ્યા જોઈતી હતી તો કોઈને મિત્રોને બોલાવવા માટે. વળી મારી અને મારી પત્નીની સમસ્યા તો સાવ જુદી અને વધુ ગંભીર હતી. દિવસો પછી એકાદ રાતે એની નજીક જવા જાઉં તો છોકરાંઓ જાગી જશે એમ કરીને એ મને હડસેલી દેતી. બધી રીતે જોતાં હવે મોટા ઘરની સગવડ કરવાનું ખૂબ જરૂરી બની ગયું હતું. ઑફિસ અને બૅંકમાંથી લૉન લઈ, થોડા ઉછીના-પાછીના કરી નવું, ત્રણ બેડરૂમ વાળું ઘર લઈ લીધું. બધાંએ મળીને હોંશે હોંશે સર-સામાન, રાચ-રચીલું બધું ગોઠવી દીધું. સૌના ચહેરા પર પ્રસન્નતા દેખાવા લાગી. પણ કમનસીબે નવા ઘરમાં રહેવાનો આનંદ ઝાઝો ન ટક્યો. અહીં આવ્યાને પૂરા છ મહિના પણ ન થયા ત્યાં વાસ્તવિકતા ડાચું ફાડીને ઊભી રહી. મારા પગારમાંથી હપ્તા ચૂકવવાના અને ઘરખર્ચ પણ કાઢવાનો – એ બધું શક્ય નહોતું. બીજો કોઈ ઉપાય જ નહોતો એટલે એક રૂમમાં આખા ઘરનો સામાન ખડકી દઈને બાકીના બે ઓરડા ભાડે આપી દીધા. બાળકોના ચહેરા પર નિરાશા લીંપાઈ ગઈ. હું અને મારી પત્ની ભાગ્યે જ એકબીજા સામે નજર મેળવતાં.

નવા ઘરના ઓરડાની બારીમાંથી જોતાં એક દિવસ પત્ની કહેવા લાગી :
‘પેલા ઘરના રૂમમાં ભલેને એક જ બારી હતી પણ યુકેલિપ્ટ્સની હરિયાળી જોવા મળતી હતી. ઠંડક લાગતી હતી આંખોને…..’ થોડુંક અટકીને ઉમેર્યું, ‘મનને પણ….’ પોતાની આંખોમાંથી ટપકી રહેલાં આંસુને મારાથી છુપાવવા એ પીઠ ફેરવી ગઈ. હું બારી આગળ ઊભો રહીને હરિયાળી જોવાનો વ્યર્થ પ્રયત્ન કરવા લાગ્યો.

(શ્રી અચલા નાગરની હિન્દી વાર્તાને આધારે)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આંખો ડૂબાડૂબ – ઊજમશી પરમાર
ક્ષણોનાં શિલ્પ – હરિત પંડ્યા Next »   

8 પ્રતિભાવો : હરિયાળી – આશા વીરેન્દ્ર

 1. nayan panchal says:

  મધ્યમવર્ગીય પરિવારની પરિસ્થિતીનુ વર્ણન કરતી વાર્તા. પરિવારને સાચવતા સાચવતા પત્ની પોતાનુ અસ્તિત્વ તો ભૂલી જ જાય છે, પતિ પણ હાંસિયામાં ધકેલાઈ જાય છે.

  જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિની નવાઈ ન રહે, તેના માટે અસલામતીની ભાવના ન રહે ત્યારે આપણે તેને taken for granted લેવા માંડીએ છીએ. આમ પણ મનુષ્યનો સ્વભાવ છે કે એકની એક સ્થિતીથી તે કંટાળવા માંડે છે.

  હરવિલાસબેન અને કાન્તાવિલાસબેનના આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના. આશાબેનનો આભાર.

  નયન

 2. સુંદર વાર્તા….!

  સમયની સાથે સાથે જવાબદારી આવે એટલે સ્વાભાવિક રીતે પતિ-પત્ની વચ્ચે એક દિવાલ ચણાતી જાય…..આરપાર એકબીજાને જોઇ શકતી – સ્પર્શી શકતી ક્ષણો એ દિવાલમાં કેદ થતી જાય.

  આ વાર્તા વાંચતા મુંબઇ ની ચાલ માં નાના નાના ઘરમાં રહેતા મોટા કુટુંબો આખો જન્મારો કેમ કાઢતા હશે તે વિચાર આવે છે.

 3. vasusoni says:

  ભાય્ઈ હરીયાળી ખુબ સરસ.આભાર.

 4. Vaishali Maheshwari says:

  Beautiful depiction of the living style and standard of a middle-class family. When the family consists of only two members, then those two members get more time to spend with each other and can adjust in a smaller place too. But as there are additions to family, accommodation becomes difficult and even the time is divided as the kids are also to be taken care of.

  Still, things can be worked out and life can be lived happily.

  Thank you Ms. Asha Virendra.

 5. જય પટેલ says:

  શહેરી મધ્યમ વર્ગની વ્યથા રજૂ કરતી આજની ઘર ઘરકી કહાની.

  ન્યુક્લિયર ફેમિલીની પરિકલ્પનાએ શહેરોમાં ફ્લેટ અને ઘરડાંઘરની અનોખી સમસ્યા સર્જી છે.
  પરિવાર પોતાની મર્યાદા સમજી પગલું ભરે તો પારોઠનાં પગલાં ભરવા ના પડે.
  ઘણીવાર દેખાદેખીના પરિણામો વિકરાળ હોય છે.
  ત્રણ બેડરૂમમાંથી એક બેડમાં જવાની કલ્પના જ વિકરાળ છે.

  વાર્તા ટૂંકી પણ સંદેશ ગર્ભિત.
  આભાર.

 6. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ.

 7. Rachana says:

  સરસ વાર્તા…..

 8. YOGESH MODI says:

  First of all surprise for me when i came to know the name Mrs.V.B.Shah on this page.This one makes me read this article…nayway a little but interesting story about the love and relation between the two person..the young and later old days..”gayelo bhutkar kadi aavto nathi,.pan ane yad rupe sachchavvo pade che”..
  yogesh modi

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.