ક્ષણોનાં શિલ્પ – હરિત પંડ્યા

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ચોટદાર લઘુકથાસંગ્રહ ‘ક્ષણોનાં શિલ્પ’માંથી સાભાર. આ પુસ્તકમાં 91 જેટલી નાનકડી પણ વિચારતા કરી મૂકે એવી સુંદર વાર્તાઓ સમાવિષ્ટ છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] રાવણ દહન

મિત્રોના આગ્રહને વશ થઈને એય રાવણદહનનો કાર્યક્રમ નિહાળવા ગામને પાદરે જઈ પહોંચ્યો, વિશાળ મેદનીની વચ્ચે દશાનનના પૂતળાને ખોડવામાં આવ્યું હતું. એના મસ્તકને સ્થાને ગોઠવેલાં માટલાં પર એનો વિકરાળ ચહેરો ચીતરવામાં આવ્યો હતો. એની વિશાળ આંખો તથા નાગની પૂંછ જેવી એની મૂછો, એના ચહેરાને ભયાનક બનાવી દેતી હતી. એના વાઘા ઘાસફૂસથી ઠાંસોઠાંસ ભરી દેવામાં આવ્યા હતા. એ ઘાસનાં પોલાણોમાં જાતજાતના ફટાકડા ઠાંસી ઠાંસીને ભરેલા હતા. હાથે અને પગે વીંટાળેલા ગાભાય દારૂગોળાથી ભર્યાભર્યા હતાં.

અને પલીતો ચંપાતાંની વારમાં, અનિષ્ટ તત્વના નાશની આ ચેષ્ટાને સૌએ કિલકારીઓ કરીને વધાવી લીધી. ધડાકા-ભડાકા સાથે લંકેશનું પૂતળું પ્રજ્વલિત થઈ ઊઠ્યું. એનાથી સર્જાયેલી અગ્નિશિખાઓ, લબકારા લેતી આભને આંબવા મથી રહી. ઘડી પછી તો રાવણનું અસ્તિત્વ આગમાં જલીને ભસ્મિભૂત થઈ ગયું. આગની જ્વાળાઓ તો એ પછીય ક્યાંય સુધી હવામાં નર્તન કરતી રહી. પાદરેથી ઘેર પાછા ફરતાં એ માર્ગમાં મનોમન બબડતો રહ્યો. ગામમાં જીવતા-જાગતા રાવણોની ક્યાં કમી છે તે આવાં પૂતળાં બાળવાની જરૂર પડે ! પણ એમનું નામ લેવાની હિમ્મત કોનામાં છે ! પાદરે એકત્ર થયેલા લોકો તો, અનિષ્ટનો નાશ કર્યાના સંતોષ સાથે પોતપોતાના ઘેર પાછા ફર્યા. અને રાબેતા મુજબ, ફાફડા-જલેબીની મોજ માણવામાં પ્રવૃત્ત થઈ ગયા.

એ ખુરશીમાં બેઠો બેઠો, રાવણદહનના તમાશા વિશે વિચારતો રહ્યો.
ત્યાં એની નાની બેબી બહારથી ભેંકડો તાણતી આવી.
‘કેમ બેટા, શું થયું ?’
‘બાજુવાળા ટીનાએ માર્યું.’ બેબીએ રડતાં રડતાં કહ્યું.
‘તે, તારેય સામે મારવું’તું ને !’
‘એ તો કેવો જબરો છે ?’ એનું રડવાનું ચાલુ જ હતું.
‘ચાલ, છાની રહી જા. હું એને વઢીશ.’ એણે બેબીને શાંત પાડતાં કહ્યું.
થોડી વારે બેબી એના રમકડાંના ખોખામાંથી એક ઢીંગલો લઈને આવી, ને એને જોર-જોરથી મારવા માંડી.
‘બોલ ટીન્યા, મારીશ હવે મને કોઈ દિ’?’ ટીન્યાને ફટકારતાં એ બોલતી રહી.

[2] લાગણી

બે-ત્રણ રજાઓ ભેગી આવે એટલે એ શહેરની ધમાલથી છુટકારો મેળવવા, એના મામાને ત્યાં ઊપડી જતો. મોસાળનો ગ્રામીણ માહોલ એને ગમતો.

તે દિવસે એ મામાના દીકરા સાથે સાંજના સીમનો આંટો મારીને પાછો ફરતો હતો ત્યાં ગામને પાદરે આવેલા હનુમાનજીના મંદિરના પ્રાંગણમાં ગામલોકોનું ટોળું જામેલું જોયું.
‘રમેશ, કેમ બધા મંદિર આગળ ટોળે વળ્યા છે ?’ એણે પૂછ્યું.
‘શી ખબર ! આવ ને ! જોઈએ તો ખરા.’ રમેશે કહ્યું.
ટોળામાં પ્રવેશીને અંદર નજર કરતાં…. એણે એક વાનરને બેહોશ પડેલો જોયો.
‘મરી ગયો લાગે છે. કેમ કરતાં……?’ એણે બાજુમાં ઊભેલા એક ભાઈને પૂછ્યું.
‘આ વીજળીના થાંભલે ચડેલો, તે શોટ-બોટ લાગ્યો હશે.’ બાજુવાળાએ કહ્યું. વાનર જીવે છે કે નહીં એની ખાતરી કરવા ટોળામાંના એકાદે એની લાકડીના બેચાર ગોદા એને મારી જોયા.
‘એક તો વીજળીનો શોટ લાગે, ને પાછો થાંભલેથી નીચે પટકાય તે જીવતો રહેતો હશે ?’ એક અનુભવીએ કહ્યું.
‘અલા ભૈ, વાનર તો હનુમાનજીનો અવતાર કે’વાય, તે એના દેહને તો અગ્નિદાહ દેવો જોઈએ.’ એક ભાવિક બોલી ઊઠ્યો.
‘બરાબર છે.’ ટોળામાંના સૌએ ભાવિકની વાત વધાવી લીધી.

એ સાથે જ, એક આદમી દોડીને ઘેરથી પડિયો ભરીને કંકુ લઈ આવ્યો અને વાનરના દેહ પર એનો છંટકાવ કર્યો. બીજો, મંદિરની પછવાડે ઊભેલ કરેણનાં ફૂલ તોડી લાવ્યો. ને એણે વાનરને ભાવભીની પુષ્પાંજલિ અર્પી. ક્યાંકથી જૂની ચાદર પણ હાજર થઈ. વાનરના દેહને ચાદરમાં સુવાડીને ચાદરને ચાર જણાએ ચાર છેડેથી ઊંચકી, અને સૌ ગામ ભણી ચાલી નીકળ્યા. એ પણ રમેશ ભેગો ટોળા પાછળ ચાલતો રહ્યો. ‘રામ બોલો ભાઈ રામ’, ‘રામનામ સત્ય છે’ની ધૂન રટતા સૌ ગામના ફળિયે ફળિયે ફરી વળ્યા. આખરે સ્મશાનયાત્રા ગામને છેવાડે આવેલા તળાવને કિનારે આવીને અટકી. સૂકાં ડાળખાં, પાંદડાં, કરાંઠાં ભેગાં કરીને ઝટપટ ચિતા રચવામાં આવી. એના પર વાનરના નશ્વર દેહને મૂકવામાં આવ્યો. તળાવના પાણીનો છંટકાવ કરીને મૃતદેહને પવિત્ર કરવામાં આવ્યો. એના પર ફરીથી કંકુ અને ફૂલોની વર્ષા થઈ, ને ‘બોલો રામભક્ત હનુમાન કી જે !’ના ઘોષ સાથે ચિતા પ્રગટાવવામાં આવી, ત્યારે તો થોડાક ભાવુકોની આંખોય ભીની થઈ ગયેલી.

વાનર જેવા પ્રાણી માટે ગામલોકોની લાગણી જોઈને એ તો ભારે પ્રભાવિત થઈ ગયેલો.
‘રમેશ, તારા ગામના લોકો તો ભારે લાગણીશીલ, પ્રાણીઓ માટે પણ એમને કેટલી લાગણી છે ! અમારા શે’રમાં તો…..’ ત્યાં એની નજર, સહેજ દૂર ઝાડ નીચે પડેલ એક માનવદેહ પર પડી.
‘રમેશ, પણે ઝાડ નીચે….’
‘એ શબ ક્યારનું પડ્યું છે ત્યાં. પરગામના કોઈ ભિખારી કે ફેરિયાનું લાગે છે. મેલને માથાકૂટ ! અમસ્તું પોલીસના લફરામાં પડવાનું થાય.’ રમેશે કહ્યું.

[3] ઈલાજ

ત્રણેક દિવસથી રઘુનાથને ઠીક લાગતું નો’તું. એટલે તેઓ પ્રશાંત પાસે બેસવા આવી શકેલા નહીં. આજે જરા ઠીક લાગતાં તેઓ એના ઘર ભણી ચાલી નીકળ્યા.
‘આવો કાકા ! કેમ ત્રણ દિવસથી દેખાતા નો’તા ? ભાઈબંધ ગયા એટલે આવવાનું બંધ કરી દેવાનું ? કાકા, અમે તો તમને બાપુજીને સ્થાને જ લેખીએ છીએ.’
‘ભાઈ પ્રશાંત, આવો ને આવો ભાવ રાખતો રહીશ તો રોજ આવીશ. તમારા સિવાય મારે બીજું છેય કોણ ! એ તો જતો રહ્યો મને એકલો મૂકીને.’ કહી એમણે ભીની થઈ આવેલી પાંપણો ધોતિયાના છેડાથી કોરી કરી નાખી.

‘અમારો ભાવ તો કાકા આવો ને આવો જ રહેવાનો. પણ મને એક વાત સમજાતી નથી.’
‘કઈ વાત ?’
‘તમે તો જાણો જ છો, બાપુજી અમને બધાંને કેટલું વહાલ કરતા ! ને અમેય એમનો પડતો બોલ ઉપાડતા.’
‘હા. એ તો મને ક્યાં ખબર નથી.’
‘પણ….. એકાદ મહિનાથી એમનો સ્વભાવ સાવ બદલાઈ ગયેલો.’
‘એટલે ?’
‘એ સહેજ સહેજમાં ખૂબ બરાડા પાડવા મંડી પડતા. સવારે ચાનું સહેજ મોડું થતાંમાં તો રાડારાડ કરી મૂકતા. ‘ક્યાં મરી ગયાં બધાં ! ટાઈમસર ચા આપતાંય બધાંને જોર આવે છે. મારી તો કોઈને પડી જ નથી.’ એવું બધું બોલવા મંડી પડતા. સવાર-સાંજ ખાતી વખતેય એ જ દશા. દાળ સહેજ વધારે ગરમ હોય તો દાળની વાટકીનો છુટ્ટો ઘા જ કરે. ને જરાજરામાં એમને ઓછું આવી જાય. સહેજ ઓછું પીરસ્યું હોય તો કહેવાના, ‘મને ભૂખે જ મારી નાખો તો વહેલો પાર આવે.’ એમની થાળીમાં જરાક વધારે મુકાઈ ગયું હોય ત્યારેય સ્નેહલનું આવી બનતું ‘આટલું બધું તમારો ક્યો બાપ ખાવાનો છે ? આમ વધારે ખવડાવીને જ તમે લોકો મને વહેલો ઉપર પહોંચાડી દેવાનાં.’

રઘુનાથ પ્રશાંતની વાત એકચિત્તે સાંભળતા રહ્યા. એમણે કશો પ્રતિભાવ આપ્યો નહીં. ઘડીક રહીને પ્રશાંતે વાત આગળ ચલાવી :
‘કાકા, શ્રુતિ તો એમને કેટલી વહાલી હતી ! ને એય એમની પાસેથી આઘી ખસતી નો’તી. એની ઉપર પણ બાપુજી વિનાકારણ ખિજાતા. ‘મરને મૂઈ આઘી ! બે ઘડી નિરાંતે ઊંઘવાય દેતી નથી મને.’ ને મને તો એમના પલંગ પાસે ફરકવાની જ મનાઈ ફરમાવી દીધેલી. હું નજરે પડું એટલે દાંત પીસીને બબડવા માંડતા, ‘આ જ મને જીવતેજીવ મહાણ ભેગો કરી દેવાનો છે, આ ખવાય ને આ ન ખવાય એમ કરી કરીને’ બાકી મારા પરેય એમનો કેટલો ભાવ હતો ! ને હુંય…..’ ગળામાં બાઝેલી ખરખરીએ એને આગળ બોલતાં અટકાવ્યો.
‘હશે ભાઈ !’ રઘુનાથ એની પીઠે હાથ ફેરવતા એને સાંત્વન આપી રહ્યા.
‘ને રસોઈમાં મીઠું-મરચું ઓછું-વત્તું પડી ગયું હોય ત્યારે એ સ્નેહલને રડાવ્યા વિના ન રહે. ‘તારી માએ તને કશું શિખવાડ્યું છે કે નહીં ?’ એવું-તેવું બોલવા માંડે. બાકી સ્નેહલ પરણીને આવી ત્યારથી બાપુજી એને દીકરીની જેમ રાખતા. ને હું એને ક્યારેય ઊંચા અવાજે કશું કહું ત્યારે એનું ઉપરાણું લઈને મારી ધૂળ કાઢી નાખતા. સ્નેહલે પણ સગી દીકરી ન કરે એવી એમની સેવા-ચાકરી કરી છે, રાત-દી જોયા વિના.’
‘ભાઈ, લાંબી માંદગીને લીધે માણસનો સ્વભાવ થોડો ચીડિયો થઈ જાય એ તો.’
‘એ તો કાકા હુંય સમજું છું. પણ આ તો…..! એટલે એ ગયા ત્યારે અમને ઘણું દુઃખ થયેલું, પણ થોડી રાહતેય અનુભવેલી.’
‘બસ. એટલા માટે જ….’ પણ રઘુનાથ એકદમ આગળ બોલતાં અટકી ગયા.
‘એટલા માટે શું કાકા ?’

પણ ત્યાં સુધીમાં તો રઘુનાથે ઊભા થઈને ચાલવા માંડ્યું હતું. દોઢેક મહિના પહેલાં પ્રશાંતના પિતાએ એમને કહેલું એમને યાદ આવી ગયું, ‘રઘુનાથ, મને મરવાનું દુઃખ લગીરે નથી, પણ આ ત્રણે મને એટલું વહાલ કરે છે કે મારા મરણનો આઘાત એ જીરવી શકશે નહીં. એનો ઈલાજ મારે વિચારી કાઢવો પડશે.’
‘એનો ઈલાજ શો કરશો ?’ રઘુનાથે મિત્રને પૂછેલું.
એનો જવાબ આપ્યા વિના એમના મિત્ર પડખું ફરીને સૂઈ ગયેલા.

[4] (અ)સંભવામિ યુગે યુગે….

અને પૃથ્વીલોકના નિવાસીઓની યાતનાઓ, પીડાઓથી અનુકંપિત થઈને દેવર્ષિ નારદ શેષશાયી ભગવાન વિષ્ણુ સમક્ષ ઉપસ્થિત થયા, અને આદરપૂર્વક સાષ્ટાંગ પ્રણામ કરીને ભગવાનને નિવેદન કરવા લાગ્યા.
‘હે ભગવન ! પૃથ્વીલોકમાં પાપાચરણ એની ચરમ સીમાએ પહોંચી ગયું છે. પૃથ્વી પર વસતી ભિન્ન ભિન્ન પ્રજાઓ એકબીજા સાથે યુદ્ધે ચડીને કાળો કેર વરતાવી રહી છે, કોમી વૈમનસ્ય માનવજાતની રગરગમાં વિષની જેમ પ્રસરી ગયું છે. નારી પર આચરાતા અત્યાચારોએ માઝા મૂકી દીધી છે. કળિયુગના આ રાક્ષસો નાનાં બાળકોને પણ એમની પાશવી લીલાનો ભોગ બનાવતાં અચકાતા નથી. અકિંચનોનું ધનિકો દ્વારા શોષણ થઈ રહ્યું છે. તનતોડ મહેનત કરનારા શ્રમિકોને બે ટંક ભોજન પણ મળતું નથી. રાજકર્તાઓ જુલ્મી અને દુરાચારી થઈ ગયા છે. ધર્માચાર્યો ધર્મનો માર્ગ ત્યજીને ધનલોલુપ બની ગયા છે. ધર્માર્થે એકત્રિત કરેલ સંપત્તિ તેઓ પોતાના મોજ-શોખ પાછળ વેડફી રહ્યા છે. કેટલાક તો સુરા અને સુંદરીઓના સંગમાં જ રચ્યાપચ્યા રહે છે. માનવી શાણપણ ગુમાવી બેઠો છે. એ કારણે પૃથ્વીલોક પર અન્ય જીવોનું અસ્તિત્વ લુપ્ત થવાને આરે આવીને ઊભું છે. આ પરિસ્થિતિ જો લાંબા કાળ સુધી ચાલુ રહી તો પૃથ્વીલોકનો સર્વનાશ નિશ્ચિત છે.’

‘હે વિશ્વંભર ! જ્યારે જ્યારે પૃથ્વીલોક પર ધર્મનો ક્ષય થાય છે ત્યારે ત્યારે અધર્મનો નાશ કરવા અને ધર્મની પુનઃ સ્થાપના કરવા આપ પૃથ્વીલોકમાં જન્મ ધારણ કરો છો, એમ આપે ગાંડીવધારીને કહેલું એ મને યાદ છે. હે પ્રભુ ! પૃથ્વીલોકની અવદશા જોતાં આપને ફરી એક વાર અવતાર ધારણ કરવાની ઘડી આવી લાગી છે. એવું આપને નથી લાગતું ? પ્રભુ ! મારી આપને નમ્ર અરજ છે કે આપ સત્વરે ધર્મરક્ષાર્થે પૃથ્વીલોકમાં જન્મ ધારણ કરો.’ નારદની વાત સાંભળીને કમલાપતિએ પૃથ્વીલોક પર એક નજર નાખી. ત્યાંનું દશ્ય નિહાળતાંની વારમાં એમણે મનુષ્યયોનિમાં અવતાર ધારણ કરવાનું મનોમન નક્કી કરી નાખ્યું.
‘દેવર્ષિ, તમારી વાત સાચી છે. હું પૃથ્વી પર અવતાર લઈ શકું એ માટે મને ઉદરમાં ધારણ કરી શકે એવી જનેતાને શોધી કાઢો.’ ભગવાને નારદજીને કહ્યું.
‘જેવી આપની આજ્ઞા.’ કહી નારદજી વિદાય થયા. તેઓ પૃથ્વીલોકમાં આવ્યા અને કૌશલ્યા, દેવકી જેવી જનેતાની શોધમાં લાગી ગયા.

વર્ષો વીતતાં ગયાં, પણ નારદજીને એમની શોધમાં સફળતા મળી નહીં. આખરે થાકીને તેઓ સ્વર્ગે પાછા ફરવાનું વિચારતા હતા ત્યાં એમને વિશ્વનિયંતાને કૂખમાં ધારણ કરી શકે એવી સન્નારીનો ભેટો થઈ ગયો.
‘હે સુલક્ષણા ! ભગવાન સ્વયં પૃથ્વીલોક પર અવતાર ધારણ કરવાના છે. તું અતિ ભાગ્યશાળી છે. કારણ કે ત્રિલોકના નાથની જનની બનવાનું સદભાગ્ય તને પ્રાપ્ત થશે.’ નારદજીએ એ સન્નારીને કહ્યું.
‘હે નારદજી ! અવિવેક માટે ક્ષમા માગું છું. પણ એ શક્ય નથી.’ મહિલાએ કહ્યું.
‘કેમ શક્ય નથી ?’ નારદજીએ પૂછ્યું.
‘કારણ કે મારે બે સંતાનો છે. બીજા સંતાન પછી મેં……’ મહિલા પોતાનું કથન પૂરું કરે એ પહેલાં તો નારદજીએ સ્વર્ગારોહણ આરંભી દીધું હતું.

[કુલ પાન : 194. કિંમત રૂ. 110. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર સાહિત્ય ભવન. રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હરિયાળી – આશા વીરેન્દ્ર
માનવ પ્રદર્શન – હરિપ્રસાદ વ્યાસ Next »   

15 પ્રતિભાવો : ક્ષણોનાં શિલ્પ – હરિત પંડ્યા

 1. nayan panchal says:

  પ્રથમ વાર્તામાં નાનપણની નિર્દોષતા, બીજામાં મોટાઈનુ મેનિપ્યુલેશન, ત્રીજી વાર્તામાં મૃત્યુ સમયે મોહ-માયાથી અલિપ્ત થવાનો પ્રયાસ અને છેલ્લી વાર્તામાં તો ભગવાનની વિડંબના !!

  મૃગેશભાઈ, વાર્તાની પસંદગીઓ ખૂબ સરસ.

  આભાર,
  નયન

 2. સુંદર સંકલન.

  “લાગણી ” વાળી વાત હચમચાવી ગઇ.

 3. harikrishna patel says:

  સુન્દર વાર્તા .lagani was really touchy.

 4. dhiraj says:

  સુંદર સંકલન
  ત્રીજી વાર્તા વધારે ગમી

 5. trupti says:

  બધીજ વાર્તા સરસ.

  ૧. બાળકો તો આવાજ હોય, જરીક મા ઝગડે અને જરીક મા ભેગા થઈ રમે અને ઉજાણિ પણ કરે.

  ૨.આપણે ત્યાં આજ પરિસ્થીતિ છે. ભુખ્યા અને અંપગ-બેબસ માનવિ ને ખાવાનુ કે થોડા રૂપિયા આપતા લોકો ખચકાશે પણ કુતરા-બિલાડા ને ખવડાવવા અને સંભાળ રાખવઆ હજારો ખર્ચી નાખસે. હું નથી કહેવા માંગતિ કે તેમના મા જીન નથી અને તેમને ન આપવુ જોઈએ પણ જીવતા માનવિ ને પહેલી પ્રાથમીકતા મળવી જોઈએ પત્થરની મુરતને દુધનો અભિષેક અને નંગા ભુખ્યા ભિખારી ના બાળક ને તુછ્કાર!!!!!!!!!!!!.

  ૩. અતિ સુંદર- લખવા માટે શબ્દ નથી,

  • Neekita Shah says:

   એવું કહેવાય છે – માણસ તો માંગી-ભિખીને પણ ખાઈ લેશે – પ્રાણીઓ તો એ પણ નથી કરી શકતા. બીજો મુદ્દો એ છે કે – જો તમે ડાર્વીનનાં ઉત્ક્રાંતિવાદમાં માનતા હોવ તો એ છે કે – Food Pyramid OR Food Chain – માં પ્રાણીઓ, પક્ષીઓ અને કીટકો સુદ્ધાંનું મહત્વ – માણસ કરતાં તો વધારે જ છે – માણસ પરાગનયન કરવાનાં પણ પૈસા માંગશે અને માણસનાં આંતરડા તો કાચી રોટ્લી યે નથી પચાવી શકતાં તો બીજ રુપી ઠળીયાનું કુદરતમાં ફેલાવો કરવો એ પંખીઓનું કામ જ છે- માણસજાત તો પંખીને બેસવાનાં ઝાડ પણ કાપી નાંખે છે – બિચારા પંખિડા તો કયાં જાય?
   હા પત્થરની મૂર્તિને દુધનો અભિષેક તો અન્યાયી લાગે છે પણ એ તો માણસે પોતે જ શોધેલી પ્રવૃત્તિ નથી કે શું?

 6. Editor says:

  પ્રિય વાચકમિત્રો,

  પ્રથમ વાર્તાનો સંદેશ થોડોક વિચાર માંગી લે તેવો છે તેથી આપ સૌનું ધ્યાન દોરું છું. મારી દષ્ટિએ પ્રથમ લઘુકથા એમ કહેવા માંગે છે કે જે રીતે પેલી બાળકી બાજુવાળા ટીનાને નથી મારી શકતી એટલે પેલા ઢીંગલાને મારીને સંતોષ માની લે છે એ રીતે આપણે પણ આપણી વચ્ચે રહેલા (કે આપણી અંદર રહેલા) રાવણને નથી મારી શકતા તેથી પૂંઠાનો રાવણ બાળીને સંતોષ માની લઈએ છીએ. લેખકે ઢીંગલાના પ્રતિક દ્વારા વાર્તાનો સંદેશ બહુ ગર્ભિત રીતે મૂકી આપ્યો છે.

  લિ.
  તંત્રી.

  • Navin N Modi says:

   શ્રી મૃગેશભાઈ,

   પ્રથમ વાર્તામાં રહેલ ગર્ભિત સંદેશ વિસ્તારથી સમજાવવા બદલ આભાર.
   ગર્ભિત સંદેશ ઉપરાંત લેખકશ્રીએ કરેલ માનસશાસ્ત્રિય નિરીક્ષણ પણ બહુ દાદ માંગી લે તેવું છે.
   ‘અનિષ્ટ તત્વના નાશની આ ચેષ્ટાને સૌએ કિલકારીઓ કરીને વધાવી લીધી.’ – આ નિરીક્ષણ એ બતાવે છે કે જે લોકો અનિષ્ટ સામે લડવા શક્તિમાન નથી એ અનિષ્ટનો નાશ થતો જોઈ ખૂબ ખુશ થઈ જઈ જતા હોય છે. આવો જ અનુભવ આપણને નાટક-સિનેમા જોતી વખતે પણ થતો હોય છે. વિલનને થતી સજા વખતે પ્રેક્ષકો તાળીઓનો ગડગડાટ કરતા હોય છે.

 7. પહેકલિ વાર્તા પર એક વાત યાદ આવિ એક પુસ્તક મા વાચેલુ દ્રૌપદિ નો સન્વાદ હતો , પ્રુથ્વિ પર થિ પાપ દુર કરવા સત્ય ને સત્ય તરિકે સ્વિકરવનિ અને કહેવાનિ હિમ્ત જરુરુ છે.

 8. Veena Dave. USA says:

  અમારા ભાવનગરના ગધેડિયા ફીલ્ડમાં દશેરાને દિ , હાંજે રાવણ ફોડે ઇ એકવાર જોવા ગ્યાતા , ન્યાં ભીડમાં કોક બોલ્યુતુ કે એલા ભાઈ, જીવતા જાગતા રાવણનુ દહન કેદિ થાશે…….

  હાટૅટચી ટુકી વારતાઓ છે.

 9. Vraj Dave says:

  ખુબજ સરસ શબ્દોના પ્રયોગથી વાર્તાઓ મઢીછે, જે મગજ તરબતર કરી આપેછે.
  જીવતા જાગતા રાવણને પણ એક દિવસ એનો હિસાબ આપવો પડસે જ.
  વ્રજ દવે

 10. જય પટેલ says:

  ભારત વર્ષમાં ક્રાંતિના દ્વાર બંધ જ રહે તે માટે ધર્મએ પૂરતી કાળજી લીધી છે.

  રાવણ દહન….સિનેમામાં નટનું એકલા હાથે વિલન અને ટોળકી સામે લડવું….વારંવાર
  ક્રિષ્ણને યાદ કરવા…સંભવામિ યુગે યુગે….ઈશ્વર અવતાર લેશે અને પાપનો નાશ કરશે.
  નમાલી વિચારધારા પ્રજાને કંગાળ કરવા માટે પૂરતી છે. જે અન્યાય સામે આપણે લડી શકતા નથી
  અને કોઈ વિરલો સર પર કફન બાંધી એકલવીરની જેમ લડતો હોય ત્યારે તેને સાથ આપવાને બદલે
  આપણે તાલીઓ પાડવા સિવાય કશું જ કરતા નથી..!!

  લાગણી….માં પણ ધર્મના ભેખડે ભરાયેલી પ્રજા માનવતાને ભુલી ગઈ.
  ઈલાજમાં માયાના બંધનો તોડવા છેવટે અસત્યના શરણે જવું પડ્યું…કેવી વિવશતા.
  અસંભવામિમાં ઈશ્વરને જન્મવા માટેની આતુરતાનો અંત ક્યારે આવશે તે તો સમય જ કહેશે.
  સુંદર પસંદગી.
  આભાર.

  • જગત દવે says:

   જયભાઈઃ આપના વિચારો સાથે શત પ્રતિશત સંમત. આને કહેવાય વિચાર વલોણું.

   સ્વદેશ ફિલ્મમાં રાવણ દહન નાં પ્રસંગે એક માર્મિક સંવાદ છે. “રાવણ અંધેરેમે સે અચ્છા દિખતા હૈ”

 11. Rachana says:

  ખુબજ સુંદર વાર્તાઓ……

 12. ખુબ સુન્દર ……

  આભાર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.