માનવ પ્રદર્શન – હરિપ્રસાદ વ્યાસ
[હળવા રમૂજી લેખોના પુસ્તક ‘ચોર્યાસીનું ચક્કર’માંથી સાભાર.]
માનવ પ્રાણીઓની વિવિધ પ્રકૃતિનો અનુભવ લેવાનો જે અવસર ટ્રેનમાં થાય છે, તેવો બીજે ક્યાંય પ્રાપ્ત થતો નથી. અનેક જાતનાં, ભિન્ન ભિન્ન સ્વભાવનાં અને વિવિધ ફૅશનવાળાં માનવીઓનું આવું પ્રદર્શન બીજે ક્યાંય ભાગ્યે જ ભરાય છે. એ પ્રદર્શન જોયા પછી કેટલાક બનાવો આપણા મગજમાંથી દિવસોના દિવસો સુધી ખસતા નથી. એ બનાવોનાં થોડાં સંસ્મરણો અત્રે રજૂ કરું છું.
ઉનાળાના દિવસો હતા. ખૂબ તાપ પડવાથી બપોરની ભીડ જરા ઓછી હતી. અમારા આખા ડબામાં ભાગ્યે જ 8-10 માણસો હશે. ત્યાં તો આનંદથી એક ભાઈ અમારા ડબામાં ચઢ્યા અને બરાબર મારી સામેની જ બેઠક ઉપર ગોઠવાયા. ગાડી ઊપડ્યા પછી તરત જ તેમની વાચા ખુલી.
‘ક્યાં જવું ?’
‘અમદાવાદ.’
‘આવ્યા ક્યાંથી ?’
‘વડોદરાથી.’
‘અમદાવાદ રહો છો ?’
‘હા.’
‘ત્યારે કંઈ કામ માટે વડોદરા ગયા હશો.’
‘હા.’
‘ખાસ કામ હશે.’
‘હા. મારા એક સંબંધી માંદા હતા તેને જોવા ગયો હતો.’
પેલા ભાઈએ જરા શ્વાસ ખાધો. હું ટૂંકેથી પતાવતો હતો એટલે વાત આગળ વધી શકતી ન હતી. પણ તેમના ફળદ્રુપ મગજમાંથી નવા પ્રશ્નો ઉદભવ્યે જ જતા હતા.
‘બૅન્કમાં નોકરી કરો છો ?’
‘હા.’ મેં હવે કંટાળીને થોડા જૂઠાનો આશરો લેવા માંડ્યો.
‘વાણિયા હશો.’
‘ના.’
‘ત્યારે ?’
‘બ્રાહ્મણ.’
‘કેવા ?’
‘પેથાપુરિયા નાગર !’ મેં જવાબ આપ્યો.
‘પેથાપુરિયા ?’ પેલાએ કંઈક ઊંડા વિચારમાં પડી જઈ પ્રશ્ન કર્યો, ‘એવા નાગર તો કંઈ સાંભળવામાં આવ્યા નથી.’
‘તમે ભૂલો છો.’ મેં ઠાવકું મોઢું રાખી જવાબ વાળ્યો, ‘જેના બાપદાદા પેથાપુર જઈને વસ્યા હોય તે પેથાપુરિયા નાગર કહેવાય છે.’
‘પરણ્યા છો ?’
‘વાહ ! કેમ નહિ ?’
‘કંઈ પ્રજા તો હશે જ.’
‘હા. ત્રણ છોકરીઓ છે !’ મેં પણ હવે ગમે તેમ ફેંકવા માંડ્યું.
પેલા ભાઈ જરા અટક્યા. હવે તેમનું ગાડું ત્યાં જ અટકી જશે, એમ ધારી મેં છુટકારાનો દમ ખેંચ્યો. ત્યાં તો પાછી મોઢારૂપી તોપમાંથી ગોળો છૂટ્યો.
‘કેટલી છોકરીઓ પરણાવી છે ?’
‘એકને.’
‘તમારા જમાઈ ત્યાં અમદાવાદ રહેતા હશે.’
‘ના. મુંબઈ રહે છે.’
‘શું કરે છે ?’
‘સાબુનું કારખાનું ખોલ્યું છે.’
‘પેલું મેરી સોપ વર્ક્સવાળું કારખાનું તો નહિ ?’
‘નાજી. મેરી નહિ, પણ તેરી સોપ વર્ક્સવાળું કારખાનું તેમનું છે.’ પેલા મિસ્ટરે કંઈક ચમકીને શંકાશીલ નજરે મારા તરફ જોયું અને મને સ્વસ્થ બેઠેલો જોઈ, જરા વિચાર કરી, પાછા ફરીથી ઊચર્યા :
‘હં. ત્યારે તો હજી તમારે બે પરણાવવાની બાકી રહી !’
જાણે મારી છોકરીઓ પરણાવવાનો બોજો એમને માથે પડ્યો હોય, તેમ ઊંડી ચિંતા દર્શાવતી ત્રણ રેખાઓ તેમના ઓરશિયા જેવા કપાળ ઉપર દોરાઈ ગઈ. થોડી વારે તેમણે લગભગ સવા પાંચ ફૂટ જેટલાં જડબાં ફાડી મોટેથી બગાસું ખાધું. નેત્રો ધીમે ધીમે મીંચી દીધાં અને પાંચ મિનિટ પછી તો તેમનું તુમડા જેવું માથું બારીને ટેકે ઢળી પડ્યું.
કોર્ટના એકાદ વકીલની અદાથી મારી આમ ઉલટ તપાસ લઈ તેઓ આમ મોજથી ઘોરે તે મારા હૃદયને ખટકવા લાગ્યું. કંઈક ગુસ્સાથી, કંઈક મજાકના હેતુથી મેં પણ તેમની જડતી લેવાનો નિશ્ચય કર્યો. તેમના પગ પર ધીમેથી થપાટ મારી મેં તેમનું નિદિધ્યાસન છોડાવ્યું :
‘કેમ ? આટલામાં ઉંઘી ગયા કે ?’
‘ના, ના ?’ તેમણે ઝબકીને જાગી ઉઠતાં કહ્યું, ‘આ ઉત્તરસંડા તો મારે ઉતરવાનું છે.’
‘ત્યાંના જ વતની હશો.’
‘હા.’
‘આપનું નામ ?’
‘શંકરભાઈ.’
‘બાપાનું નામ ?’
‘મહીજીભાઈ.’
‘ધંધો ?’
‘ખેતીનો.’
‘જ્ઞાતે ?’
‘લેઉઆ પાટીદાર.’
‘ઉંમર ?’
‘આશરે 45 વરસ.’
‘પરણ્યા છો ?’
પેલા ભાઈ જરા કચવાયા હોય તેમ દેખાયું. પ્રશ્નની વિચિત્રતાને લીધે કદાચ હશે. પરંતુ જવાબ આપ્યા વિના તેમનો છૂટકો ન હતો.
‘હા, બીજી વારનાં છે.’
‘ફરજંદ ?’
‘હા. બે દીકરા અને બે દીકરી છે.’
‘નવીનાં કે જૂનીનાં ?’
‘એક દીકરો દીકરી જૂનીનાં છે.’
‘જૂની ગુજરી ગઈ છે કે બે બૈરાં કર્યાં છે ?’ મેં પણ હવે નફ્ફટ થઈને પૂછવા માંડ્યું. પેલા ભાઈ બહુ કચવાયા. પણ પોતે મારી ‘ક્રોસ એકઝામીનેસન’ કરેલી, એટલે શું કરે ?
‘જૂનાં હયાત છે.’ તેમણે અચકાતાં અચકાતાં જવાબ વાળ્યો. ગાડી ધીમી પડી અને હું વધુ પ્રશ્નો પૂછું તે પહેલાં તો તેઓ ઉતરી પડ્યા. સ્ટેશન ઉત્તરસંડાનું ન હતું, એટલે કદાચ બીજા ડબામાં બેસવા ગયા હશે !
મારો એવો એક બીજો અનુભવ પણ છે. એ દિવસે રાતની ડાકોર લોકલ હતી. શિયાળાનો દિવસ હોવાથી ટ્રેનમાં ભીડ ન હતી. એકાદ બે જણા બેઠા હતા તે નજીકને સ્ટેશને ઉતરી પડ્યા. એટલે આખા ડબામાં હું અને એક કવિશ્રી (પાછળથી મને ખબર પડી કે તેઓ કવિરાજ છે) જ રહ્યા. હજી સુધી મારે અને તેમને કંઈ વાતચીત થઈ ન હતી. પરંતુ અમે બન્ને એકલા જ હતા તેથી મેં વાત ઉપાડવાનો વિચાર કર્યો. મને છીંકણી સુંઘવાની ટેવ હોવાથી મેં પૂછ્યું :
‘તમારી પાસે છીંકણી છે ?’
‘હા. બહુ ખુશનુમા હવા આવે છે.’ તેઓશ્રીએ જવાબ આપ્યો.
‘હું હવા માટે પૂછતો નથી.’ મેં કહ્યું, ‘છીંકણી માટે પૂછું છું.’
‘અલબત્ત, ચાંદની ખીલી છે, તેથી પણ કેમ ના કહેવાય ? જુઓને, સર્વત્ર રૂપેરી કિરણો કેવાં પથરાઈ રહ્યાં છે !’
મને ખાતરી થઈ કે તેઓશ્રી જરા ઓછું સાંભળતા લાગે છે. એટલે મેં મોટે સાદે પૂછ્યું :
‘તમારી પાસે છીંકણી છે ?’
‘ભલે તમને ઠંડી લાગતી હોય તો કાચની બારી બંધ કરો.’ તેમણે ઉત્તર આપ્યો.
હું થાક્યો. તેમની કર્ણેન્દ્રિય થોડી નહિ પણ વધુ પ્રમાણમાં બગડી હોવી જોઈએ, એમ ધારી મેં બન્ને હાથનો ગ્રામોફોનનો ભૂંગળા જેવો આકાર કરી, તેમના મોઢા પાસે લાવી, ફરીથી મોટે સાદે પ્રશ્ન કર્યો :
‘ત…મા…રી…. પા…સે….. છીં….ક….ણી….. છે ?’
‘આખીને બદલે અડધી બારી બંધ કરવી છે ? તો તેમ કરો, મને વાંધો નથી.’ તેઓશ્રી ઉચર્યા. હું કંટાળ્યો. આખરે મને યુક્તિ સૂઝી. હાથથી છીંકણી સુંઘતો હોઉં તેમ ચાળા કરી મેં ફરીથી પૂછ્યું :
‘તમારી પાસે છીંકણી છે ?’
‘ખરેખર ! તમે સત્ય વદો છો. બારીમાંથી બહારની ઠંડી હવા સુંદર ખુશ્બૂ ઘસડી લાવે છે. કેવો મઘમઘાટ થઈ રહ્યો છે !’ આખરે છીંકણી વિના જ ચલાવી લેવું એવો મેં નિશ્ચય કર્યો. પા-એક કલાક પછી કવિશ્રીએ મને પૂછ્યું :
‘તમારી પાસે છીંકણી છે ?’
આ ઉલ્લુને શું કહેવું ? મેં નકારમાં ડોકું-ધુણાવ્યું. એટલે તેઓ વદ્યા : ‘મને છીંકણી સુંઘવાની ખાસ ટેવ છે. જેમ ઘણા લેખકો રાત્રે જ લખી શકે છે, ઘણા ચા પીને જ કલમ ઉપાડી શકે છે, ઘણા ભૂખ્યે પેટે જ લખી શકે છે, તેમ હું છીંકણી સુંઘ્યા પછી જ કાવ્યો રચી શકું છું. અત્યારે કુદરતનું અવલોકન કરતાં મને અનેક વિચારો સ્ફુર્યા છે. જો છીંકણી હોત તો આ શીતળ ચંદ્રિકાનાં રૂપેરી કિરણો ઉપર એકાદ નાનું કાવ્ય રચી શકત.’
વાત કરતાં સ્ટેશન આવ્યું એટલે અમે છૂટા પડ્યા.
Print This Article
·
Save this article As PDF
કૃત્રિમ હાસ્યને માઈલોના માઈલો દૂર રહેવું પડે.
આજના સંદર્ભમાં આવા મર્માળા ટોનિકની જરુર છે.
મજા ભાઈ મજા-
આભાર સહ વંદન.
🙂
ટ્રેનમાં જતા આવતા જો થોડું નિરિક્ષણ કરીએ તો જાત જાત ના અનુભવ થાય…..આપણા આખા ખાનદાનની વાતો પૂછે જાણે પૂછનારે પોતનો છોકરો કે છોકરી આપણી સાથે પરણાવાના હોય તેમ….પછી છેલ્લે એટલું જ કહે “આ તો જરા અમસ્તું જ….બેઠા બેઠા સમય કેમ જાય”
🙂 🙂 🙂
🙂
મારો અનુભવ આમા જરા જુદો છે. સહપ્રવાસીઓ જોડે વાત કરતા કરતા રસ્તો આનંદથી કપાઇ જાય અને નવું જાણવાનું તથા શીખવાનું પણ મળે છે, અરે ઘણીવાર તો બે-ત્રણ કલાકની સફરમાં જિંદગીભરની દોસ્તી બંધાઇ જાય છે. જો કે બીજા વાંચકમિત્રોના અનુભવો જુદા હોઇ શકે. ખેર આનંદદાયક લેખ. આભાર.
પંચાતિયા મુસાફિરને તેની જ દવા પિવડાવી…!!
લાંબી મુસાફરીમાં એકલા પ્રવાસ કરો ત્યારે એમપી૩ સાંભળવું અથવા
કંઈક વાંચવું ઉત્તમ રહે છે. પરિવાર સાથે હોય તો સમય ક્યાંય પસાર થઈ જાય.
ભારતીય રેલ એટલે ભારતીય દર્શન.
શ્રી જયભાઇ,
ડોક્ટરોનું કહેવું છે કે બસ કે કાર પ્રવાસમાં વાંચવાથી આંખોને ખૂબ જ નુકસાન થાય છે તથા સતત ઇયરફોન લગાવીને સાંભળવાથી કાન ને પણ નુકસાન થાય છે.
આ તો જુદાઈ પિક્ચરના પરેશ રાવલ જેવુ.
સારો લેખ છે.
આભાર,
નયન
અત્યાર ની પેઢી ને આવિ વર્ત્તા ઓ સમ્ભડાવી જરુરિ છે. They don’t know any thing about Gujarati Sahitya..
Thnx I like this story very much….
008
મજા આવી ગઈ. પંચાતિયા મુસાફરને આખરે ડ્બો બદલવો પડ્યો. સરસ.
મજા આવી…
good one!
પ્રશ્નો ઉપર પ્રશ્નો!!! હા…હા..હા…:D 😀
જ્યોતિન્દ્ર દવે ના “?” ની યાદ આવી ગઇ.