સદભાવનાનું સહચિંતન (ભાગ-1) – મૃગેશ શાહ

[ ગત માસમાં મહુવા ખાતે યોજાયેલા ‘સદભાવના પર્વ-2’નો આ વિશેષ લેખ છે. સાહિત્ય, કલા, શિક્ષણ, રાજકારણ, ફિલ્મ, અર્થશાસ્ત્ર સહિત અનેક વિષયો પર આ પર્વમાં પ્રશ્નોત્તરી સહિત સહચિંતન કરવામાં આવ્યું હતું. અહીં રજૂ થયેલા તમામ વક્તવ્યો સમાજની સાંપ્રત પરિસ્થિતિનો સ્પષ્ટ ચિતાર રજૂ કરે છે અને તેથી આમાં આપને એવી ઘણી બાબતો વિશે જાણવા મળશે જે આપે અગાઉ ક્યારેય નહીં સાંભળી હોય. રીડગુજરાતીના તમામ વાચકમિત્રોની આ લેખ માટે વિશેષ એકાગ્રતા ચાહું છું. કુલ 62 પાનનો આ લેખ, અહીં બે ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. હંમેશની જેમ, જેઓ પ્રિન્ટ કાઢીને વાંચવા ઈચ્છે છે તે વાચકો માટે PDF ડાઉનલોડની સુવિધા બીજા ભાગને અંતે આપવામાં આવી છે. આ વિસ્તૃત અહેવાલના વાંચન-મનન માટે આપને સમય મળી રહે તે હેતુથી રીડગુજરાતી પર તા. 29 અને તા. 30 જૂન (મંગળવાર અને બુધવાર)ના રોજ રજા રહેશે. તા. 1 જુલાઈની સવારે નવા બે લેખો સાથે ફરી મળીશું. આપના પ્રતિભાવોની અપેક્ષા સહ, આપ સૌને પ્રણામ – તંત્રી.]

સામાન્યતઃ આજનો માનવી દોડધામમાં વ્યસ્ત રહે છે. એ દોડાદોડ આર્થિક દષ્ટિએ બે છેડા ભેગા કરવાની હવે નથી રહી પરંતુ તેનો ઉદ્દેશ મહત્તમ ભૌતિક સુવિધાઓ મેળવવાનો હોય છે. આપણે સહુ આ દોડમાં સામેલ છીએ. ‘સ્વ’થી આગળ વધીને લગભગ અન્ય કોઈ બાબતો આપણને સ્પર્શતી નથી તેથી સમાચારો ફક્ત ‘જોવા માટે’ આપણે જોતાં હોઈએ છીએ. આપણી આસપાસના સમાજમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો વધારેમાં વધારે આપણે બે-ચાર સલાહસૂચનો કરીને આઘાં ખસી જતાં હોઈએ છીએ. પરંતુ આપણી જ વચ્ચે એવા લોકો પણ વસે છે જેઓ ફક્ત શિખામણના ચાર શબ્દો કહીને બેસી જતાં નથી. તેમને સમાજની નિસ્બત છે. સમાજમાં બનતી દુઃખદ ઘટનાઓ માટે તેઓને ચિંતા છે. છેવાડાના માનવીની પીડા તેમને સ્પર્શે છે અને તેઓ એમને માટે કંઈક કરી રહ્યા છે. સમાજમાં સંવાદ દ્વારા સંવાદિતતાનું વાતાવરણ રચાય એ તેમનો મુખ્ય ઉદ્દેશ છે. અહિંસા-શાંતિ અને કોમી સંવાદિતતા બાબતે તેમનું સહચિંતન સતત ચાલતું રહે છે. આ પ્રકારના વિચારવાન અને જાગૃત નાગરિકોનું એક સંગઠન છે જેનું નામ છે ‘સદભાવના ફોરમ’

આ ફોરમ વર્ષ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રોમાં સદભાવનાનું કાર્ય કરે છે. ‘સદભાવના’ શબ્દના અર્થને બરાબર પામીને આ સદકાર્યને વધારે તેજસ્વી બનાવી શકાય એ માટે તેઓએ પ્રતિવર્ષ ‘સદભાવના પર્વ’ યોજવાનું નક્કી કર્યું છે. આ વિચાર હેઠળ પૂ.મોરારિબાપુના સાનિધ્યમાં કૈલાસ ગુરુકૂળ, મહુવા ખાતે પહેલું ‘સદભાવના પર્વ’ 25 થી 27 ફેબ્રુઆરી, 2009માં યોજાયું હતું જેને આપણે લેખસ્વરૂપે અહીં માણ્યું હતું. બરાબર એ જ રીતે ચાલુ વર્ષે પણ 16 થી 18 મે, 2010 દરમિયાન ‘સદભાવના પર્વ – 2’નું આયોજન કરવામાં આવ્યું હતું. વિશેષરૂપે આ પર્વમાં, સદભાવના સમાજના વિવિધ ક્ષેત્રોમાં કઈ રીતે પોતાની ભૂમિકા ભજવી શકે તેના વિશે વ્યાપક સહચિંતન કરવામાં આવ્યું હતું. જેમ કે શિક્ષણ, વિકાસ, સમુહમાધ્યમો જેવા ક્ષેત્રોમાં સદભાવના શું કરી શકે તેના પર મહાનુભાવોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ વિચારગોષ્ઠીમાં મને પણ ભાગ લેવાનું સદભાગ્ય મળ્યું અને જે કંઈ શીખવા-જાણવા મળ્યું તેનો શક્ય એટલો સારાંશ વક્તાઓની જ બોલીમાં રજૂ કરવાનો પ્રયાસ કરું છું. આશા છે કે આપણા જેવા સામાન્ય નાગરિકો માટે વિચારની એક નવી દિશા ખુલશે અને આપણે પણ આપણી આસપાસની સામાજિક સમસ્યાઓને સમજીને, આપણી ક્ષમતા પ્રમાણે સૌને મદદરૂપ થવા પ્રયાસ કરતાં થઈશું.

[પ્રથમ દિવસ : પ્રથમ બેઠક]
[વિષય : સામાજિક સદભાવના અને શિક્ષણ.]

કૈલાસ ગુરુકૂળના રમણીય પ્રાંગણમાં ‘સદભાવના પર્વ-2’ની પ્રથમ દિવસની પ્રથમ બેઠકની શરૂઆત બરાબર નવ વાગ્યે થઈ હતી. સૌ પ્રથમ દીપ પ્રાગ્ટ્ય વિધિ યોજાઈ હતી અને ત્યારબાદ શ્રી જનકભાઈએ પ્રાર્થના-ગાન કર્યું હતું. આ બેઠકનો વિષય હતો ‘સામાજીક સદભાવના અને શિક્ષણ’. બેઠકનું સંચાલન શ્રી સત્યકામભાઈ જોષીએ કયું હતું. તેમના પ્રારંભિક વક્તવ્ય બાદ U.P.S.C ના સદસ્ય તેમજ હિન્દી સાહિત્યના આલોચક શ્રી પુરુષોત્તમ અગ્રવાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી સુદર્શન આયંગરે આ વિષયને અનુલક્ષીને પોત-પોતાના વક્તવ્ય રજૂ કર્યાં હતાં. ચાલો, આપણે તેમના વક્તવ્યને તેમના જ શબ્દોમાં માણીએ :

(વક્તા : શ્રી પુરુષોત્તમ અગ્રવાલ)


મિત્રો, આપની સાથે વાતની શરૂઆત કરતાં મને જવાબદારીનો ખ્યાલ છે અને વિનમ્રતાનો પણ. જવાબદારીનો ખ્યાલ એટલા માટે કારણકે મૂળ તો હું પોતાને એક પ્રોફેસર તરીકે ઓળખાવવાનું વધુ પસંદ કરું છું. એ જ મારી સાચી ઓળખ છે અને તેને હું આજીવન જાળવી રાખવા માગું છું. અહીં શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વચ્ચે બોલવાનો અવસર મળ્યો એ માટે સત્યકામભાઈ અને સદભાવના ફોરમના અન્ય સાથીઓનો વિશેષ રૂપે આભાર માનું છું.

અહીં ગુરુકૂળમાં ખરા અર્થમાં સમાજની ચિંતા કરવામાં આવે છે. આપણા દેશમાં અનેક લોકો અલગ-અલગ રીતે સમાજની ચિંતા કરતા હોય છે. ચિંતા કરવાની અમુક લોકોની એક રીત એવી પણ છે કે જેમાં તેઓ એમ માને છે કે પહેલાં બધું ધ્વસ્ત કરી દેવાનું અને પછી એને નવા રૂપમાં બનાવવાનું ! ઘણાની નીતિ જ ‘મિટા દો-જલા દો’ની હોય છે. ગઈકાલે જ મારી સાથે દિલ્હીથી આવેલા રવીન્દ્ર ત્રિપાઠીજી સાથે હું હિન્દીના બહુ મોટા આલોચક આચાર્ય રામચન્દ્ર શુક્લને યાદ કરી રહ્યો હતો. એમણે એમ કહ્યું હતું કે : ‘લોકો જે છે એને એ જ રૂપમાં ઓળખતાં, એમાંથી ધર્મનો માર્ગ કાઢે એ જ લોકધર્મ છે.’ સંસારને સળગાવી દેવાની કે ખલાસ કરી દેવાની રાહ તમે જોશો તો વધારે સંભાવના એવી છે કે તમે જ પોતે તેમાં ખલાસ થઈ જશો અને સંસાર જે છે એનાથીયે બદતર થઈ જશે. તેથી, આ જે વ્યવસ્થા છે એમાંથી જ ધર્મનો માર્ગ, માનવીય મૂલ્યો અને નૈતિકતાનો માર્ગ આપ કઈ રીતે શોધી શકો, એ લક્ષ્ય હોવું જોઈએ – એમ મને લાગે છે.

આ વાત શિક્ષણની બાબતમાં પણ એટલી જ સુસંગત છે. ભારતીય શિક્ષણની આલોચના અનેક રીતે થતી રહે છે. આ જે શિક્ષણ પદ્ધતિ છે કે જેના દ્વારા આપણે પ્રોફેસર, પત્રકાર કે ભણેલા-ગણેલા થઈએ છીએ, એની આપણી વાસ્તવિક જીવન સાથે બહુ ઓછી લેણદેણ છે. આ એક સત્ય વાત છે. મહાત્મા ગાંધીએ આ વાત બહુ પહેલેથી અનુભવેલી. તેમણે એમ કહ્યું હતું કે ‘જે શિક્ષણપદ્ધતિના ફળસ્વરૂપ મનુષ્ય પોતાની ઓળખ પર શરમ અનુભવે, જેના કારણે મારા ઘરે મારા પિતા મને મળવા આવે અને મને સંકોચ થાય કારણ કે એમણે ભારે કપડાં નથી પહેર્યાં, બહુ સારું અંગ્રેજી નથી બોલી શકતા’ – તો આવી સંકોચ પમાડતી શિક્ષણપદ્ધતિમાં ક્યાંકને ક્યાંક ખોટ છે જે આપણને આપણી પરંપરા, આપણા મૂળ પ્રતિ આપણને શરમિંદા કરે છે. આ વાત કેવળ વ્યક્તિગત સંબંધોની નથી. વાત કેવળ માતા-પિતાની નથી. તમે બાળપણથી લઈને અત્યાર સુધીની તમારી પૂરી શિક્ષણપદ્ધતિને જુઓ. આપણી શિક્ષણપદ્ધતિની જન્મકુંડળીમાં ક્યાંક કોઈ એવા ગ્રહ કુંડલી મારીને બેઠાં છે કે જેના લીધે આપણને પોતાને ભારતીય તરીકે ઓળખાવા પર શરમ અનુભવાય છે, આપણને હિન્દી કે ગુજરાતી ભાષી હોવાં પર શરમ અનુભવાય છે, આપણને પોતાને હિન્દુ કે મુસલમાન તરીકે ઓળખવામાં શરમ અનુભવાય છે. જ્યારે આપણે પોતાના હોવાથી આટલી શરમ અનુભવી રહ્યા છીએ ત્યારે આપણે દુનિયાને તો શું બદલીશું ? કે પોતાને શું બદલીશું ?

ટૂંકમાં, ક્યાંને ક્યાંક શિક્ષણપદ્ધતિમાં કોઈક ખોટ તો છે જ. તે બહુ મોટી ખોટ છે. આ ખોટ કેવળ ‘કોસ્મેટિક’ ચીજવસ્તુઓથી દૂર થનાર નથી. હું મહાત્મા ગાંધીની વર્ધા શિક્ષણપદ્ધતિની દરેક વાતથી સંમત નથી પરંતુ એ વાત તો એકદમ સાચી છે કે ભારતની શિક્ષણપદ્ધતિની કોઈએ યથાર્થ રૂપમાં ટીકા કરી હોય તો એ કાં તો મહાત્માગાંધી એ કરી છે અથવા ટાગોરે કરી છે. બાકી બધી ‘કોસ્મેટિક’ વાતો થાય છે. મને યાદ છે કે અમારા વખતમાં ‘Socially Useful Productive Work’ નામના વિષયમાં કેટલીક ઉટપટાંગ ચીજવસ્તુઓ ઘરેથી બનાવીને લાવવાની રહેતી. બધા વિદ્યાર્થીઓ કોઈ બીજા પાસે બનાવીને લઈ જતાં. મહોલ્લામાં કોઈ ગરીબ હોય તો બધા એને સૂતર કાંતવા આપી દેતાં. એને બે રૂપિયા ચૂકવીને તૈયાર સૂતર શાળામાં લઈ જતાં અને આ રીતે પોતાનું કામ બીજા પાસે કરાવી લેતાં. શિક્ષણજગતને એમ છે કે અમે આ વિષય ઉમેરીને શિક્ષણને વધારે સંવેદનશીલ બનાવ્યું ! હકીકતે આ બધી બેકાર બાબતો છે. પરંતુ મારે આ બધી બાબતોમાં ઊંડા નથી જવું. મૂળ વાત મારે એ કહેવી છે કે પદ્ધતિમાં બહુ જ મોટી ખોટ છે. એ ખોટ ફક્ત ઉપર-ઉપરના ‘કોસ્મેટિક’ બદલાવથી દૂર થઈ જવાની નથી.

‘3-ઈડિયટ’ ફિલ્મમાં તમે જોયું હશે કે પેલો યુનિવર્સિટીનો પ્રોફેસર વિલનના રૂપમાં દેખાય છે. આપણને જોઈને એમ લાગે છે કે કેવો દુષ્ટ આદમી છે ! હું ખાસ કરીને નવયુવાનોને એક વાત કહેવા માગું છું જે ફિલ્મમાં કહેવાઈ નથી. એ વાત એ છે કે યુનિવર્સિટીના પ્રોફેસરને એવી જવાબદારી હોય છે કે જો દર વર્ષે એની કૉલેજમાંથી 100 જણ ફર્સ્ટ કલાસ નહીં લાવે તો ટ્રસ્ટ એની નોકરી લઈ લેશે અથવા ભારત સરકાર એની ગ્રાંટ ઓછી કરી નાખશે. એક વ્યક્તિને વિલન ચીતરવો બહુ સહેલો છે. આખે આખી પદ્ધતિ એ પ્રકારની બનેલી છે કે કશું જ કહેવું મુશ્કેલ છે. મને કોઈ પૂછે કે તમારું એમ.એ.માં શું પરિણામ હતું ? તો હું છાતી ફુલાવીને કહી શકું કે A+ ગ્રેડ હતી અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં આજ સુધી આટલી ગ્રેડ કોઈની નથી આવી. કદાચ કોઈ મને પૂછે કે બી.એ.માં કેટલા ટકા હતા ? તો મારે સંકોચ સાથે કહેવું પડે કે ‘ભાઈ, બી.એ.માં તો ફક્ત 55%ની આસપાસ હતા.’ બી.એ.માં હું અત્યંત નાલાયક વિદ્યાર્થી હતો અને એમ.એ.માં પહોંચતા જ મારી પ્રતિભાનો જાણે વિસ્ફોટ થઈ ગયો ! એટલે સ્પષ્ટ છે કે There is some problem in the system. એટલે કોઈ પ્રોફેસરને કે ફિલ્મના કોઈ ચરિત્રને ખલનાયક ચીતરવાથી વાત સુધરવાની નથી. ક્યાંક કોઈ ઠોસ બદલાવની જરૂરત છે. એ બદલાવ ‘જલા દો- મિટા દો’ રીતે ના થઈ શકે. એ તો કોઈ વૈકલ્પિક માળખું રજૂ કરીને જ કરી શકાય; જે રીતે ટાગોર અને મહાત્મા ગાંધીએ કર્યું એ રીતે.

ખેર, હમણાં તો આપણે એ વાત કરવી છે કે અત્યારે જે પદ્ધતિમાં આપણે અને આપણા બાળકો ભણી રહ્યાં છે, એ પદ્ધતિમાં રહીને સામાજીક સદભાવ માટે આપણે કઈ રીતે આપણી ભૂમિકા નિભાવી શકીએ. હિન્દી સાહિત્યના ભારતના બહુ મોટા લેખક અજ્ઞેયજીનું એક વાક્ય મને યાદ આવે છે. એમણે આપણા રાષ્ટ્ર નિર્માણની બુનિયાદી અસફળતાને બરાબર સમજી હતી. તેમણે સમસ્યાના મૂળને પકડ્યું હતું. એમણે પોતાના એક નિબંધમાં લખ્યું છે કે ‘આપણે આલોચનાત્મક રાષ્ટ્રનું નિર્માણ કરવામાં નિષ્ફળ નીવડ્યા છીએ.’ આપણા દેશમાં આલોચનાત્મક ચેતનાનો વિકાસ નથી થઈ શક્યો. એના પરિણામો આપણે જોઈ રહ્યાં છીએ. હું નાનો હતો ત્યારે આ બિમારી થોડી ઘણી દેખાતી હતી અને જ્યારે હવે હું પચાસ વર્ષની ઉંમર વટાવી ગયો છું ત્યારે આ બિમારી સ્પષ્ટરૂપે દેખાઈ રહી છે. બીજી એક બાબત પ્રત્યે પણ તમારું ધ્યાન દોરું. તમે અખબારો અને સમાચારોની ચેનલમાં જોતાં હશો કે આજકાલ આપણા દેશમાં ‘આહત ભાવના’નું જોર બહુ છે. ‘આહત ભાવના’ એટલે કે વાતે વાતે લોકોની લાગણી દુભાઈ જાય છે. હું જરા તીખું બોલું છું પરંતુ માફી માગી લઉં છું કારણ કે મારી કઈ વાતથી ક્યારે કોની લાગણી દુભાઈ જાય તે કહેવું મુશ્કેલ છે. નવાઈની વાત એ છે કે જે વ્યક્તિ દ્વારા ‘feelings hurt’ થઈ હોય એને લોકો ‘Physically hurt’ કરવા માંડે છે ! કોઈએ કંઈક ચિત્ર દોર્યું અને અનેક લોકોની લાગણી દુભાઈ ગઈ. કોઈએ કવિતા લખી દીધી અને અનેકોની લાગણી દુભાઈ ગઈ. કોઈએ નોવેલ લખી તો અનેક લોકોની લાગણી દુભાઈ ગઈ. કોઈએ ઈતિહાસની ખોજ કરીને કંઈક નવું કહ્યું તો પણ અનેક લોકોની લાગણી દુભાઈ ગઈ. આપણે તો જાણે એટલા કોમળ થઈ ગયા છીએ અને આમ તો પાછા હિંસક !!

આ બધા પાછળ મૂળ સમસ્યા એ છે કે આપણે એક આલોચનાત્મક રાષ્ટ્રનું નિર્માણ કરવામાં નિષ્ફળ નીવડ્યા છીએ. આલોચના અને ગાલી-ગલોચમાં ફરક હોય છે. આલોચના અને નિંદામાં ફરક હોય છે. આલોચનાનો અર્થ આત્મઘૃણા નથી. આ સંદર્ભે એક વાત વારંવાર મારા મનમાં આવે છે કે આ દેશમાં રામથી અધિક લોકપ્રિય નાયક કદાચ જ કોઈ બીજું હોય. રામથી પ્રિય ભગવદસ્વરૂપ કદાચ જ કોઈ હોય અને રામના જીવનની કથા શું છે ? રામના જીવનની કથા જોઈએ તો સુખનો અને આપણા જેવા તુચ્છ જીવો જેને ઈચ્છે છે એ પ્રકારના જીવનનો કેટલો અંશ છે ? યુવરાજ બનવાની તૈયારી હતી અને વનવાસ માટે જવું પડ્યું. પાછા આવ્યા તો જે પત્નીને પ્રાણથી અધિક ચાહતા હતા એની પર વિવાદ થયો. જે ભાઈને પોતાના પડછાયાથી પણ અધિક પ્રેમ કરતા હતાં એને ઘરેથી નીકળવાનો આદેશ આપવો પડ્યો. ભયાનક દુઃખ અને સંઘર્ષ વચ્ચે પોતાના વિવેકના બળ પર મક્કમ રહ્યા. વાલ્મીકિ રામાયણમાં રામ કહે છે કે, ‘હે લક્ષ્મણ, જેવું બીજા યુવરાજો કરે છે એવું જ જો હું કરવા માડું તો હું રામ ક્યાંથી રહીશ ? હું એવું કરવા માટે નથી.’ એક મૂલ્ય ચેતના, વિવેક ચેતના માટે દુઃખ ઉઠાવવાનું સામર્થ્ય એ રામને લોકનાયક બનાવે છે. આ પ્રકારના વ્યક્તિ સામે સમાજ બોલતો આવ્યો છે, આલોચના કરતો આવ્યો છે, સંવાદ કરતો આવ્યો છે પરંતુ પ્રેમ અને આદર સાથે; વિરોધ સાથે નહિ.

આપણી શિક્ષણપદ્ધતિની મૂળ ખામી એ છે કે તે આપણને વિવેક અને આલોચનાની સાથે જોડવાની જગ્યાએ આંધળું અનુકરણ કરવાનું શીખવે છે અથવા ઘૃણા કરતાં શીખવે છે. શિક્ષણથી આપણે શરમ અનુભવીએ છીએ. એ શરમ પર પડદો નાખવા માટે આપણે આપણાં ભૂતકાળના સોનેરી દિવસોની ભાતભાતની કલ્પનાઓ કર્યા કરીએ છીએ અને વર્તમાનને ભૂલી જઈએ છીએ. એક એવો રમુજી ટૂચકો છે કે એક ભારતીય વ્યક્તિ જ્યોર્જ બનાર્ડ શૉને મળે છે અને કહે છે કે અમે ભૂતકાળમાં આટલા મહાન હતા. જ્યારે તમે જંગલોમાં રહેતા હતા ત્યારે અમારે ત્યાં સભ્યતા પૂર્ણ વિકસિત થઈ ચૂકી હતી. અમારા વેદો અને ઉપનિષદોમાં ઉત્કૃષ્ટ ચિંતન મળે છે. મધ્યયુગમાં પણ અમે ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી હતી. બનાર્ડ શો તો હાજરજવાબી હતા. એમણે કહ્યું કે આપની વાત સાચી છે પણ આ રીતે તમે ભૂતકાળમાં જ ચાલ્યા કરશો તો ચાલતાં ચાલતાં તમે ગુફા સુધી પહોંચી જશો ! આજની વાસ્તવિકતા સ્વીકારો કે આજે તમારો દેશ એક ગુલામ દેશ છે. ભૂતકાળના ગુણગાન ગાઓ પણ વર્તમાનની જે વાસ્તવિક્તા છે એનો સ્વીકાર કરતાં પણ શીખો.

મિત્રો, આપણી જે વાસ્તવિકતા છે એની સામે આપણે પ્રેમ અને વિવેકથી ઊભા રહી શકીએ, જેથી જે ખામી હોય તેને દૂર કરવાની કોશિશ કરીએ. અજ્ઞેયજીએ એ તરફ સંકેત કર્યો હતો. આ કામમાં હું વ્યક્તિગત રૂપમાં એમ માનું છું કે શિક્ષણ કરતાં પણ વધુ યોગદાન એક શિક્ષકનું હોય છે. હું સંસ્કૃત બિલકુલ જાણતો નથી પરંતુ સંસ્કૃત જાણનારા મારા મિત્રોએ મને કહેલું કે ‘આચાર્ય’ શબ્દનો એક અર્થ એવો પણ છે કે જે ‘આચરણથી શીખવે તે’. વ્યવસ્થા ગમે એટલી ખરાબ હોય પણ આપણે અધ્યાપકોએ પોતાને એક પ્રશ્ન તો પૂછવો જ જોઈએ કે ‘શું આપણું આચરણ એવું છે કે જેથી લોકો આપણને સહજરીતે આચાર્ય કહી શકે ? શું આપણા આચરણથી કોઈ કશું શીખી શકે તેમ છે ?’ હું જ્યારે અધ્યાપક હતો ત્યારે ખૂબ જ કડક હતો. વિદ્યાર્થીઓને ઘણીવાર ધમકાવતો. છમાસિક પેપર જમા કરાવવાનો સમય સાંજે પાંચ વાગ્યાનો હોય તો પાંચ વાગ્યેને પાંચ મિનિટે પણ હું કોઈનું પેપર લેતો નહીં; એ પછી ભલેને મારા પ્રિય વિદ્યાર્થી કે વિદ્યાર્થીની કેમ ન હોય. હું આટલી કડકાઈ રાખતો હોવા છતાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં એટલો જ લોકપ્રિય હતો. ફક્ત હિન્દી વિષયના જ નહીં પરંતુ સમગ્ર યુનિવર્સિટીના સૌથી વધારે લોકપ્રિય શિક્ષકોમાં મારું નામ હતું તેમ હું ગર્વ સાથે કહી શકું છું. આમાંથી મેં જે બોધ લીધો તે હું ખાસ કરીને મારા અધ્યાપકો સાથે વહેંચવા માગું છું. એ બોધ એ છે કે ભલે સ્કૂલના બાળકો હોય કે કૉલેજ અથવા યુનિવર્સિટીના; એ બધા કંઈ મૂર્ખ નથી હોતા. તેઓ જાણતા હોય છે કે શિક્ષક પોતાના સ્વાર્થને કારણે ક્યારે ધમકાવે છે અને વિદ્યાર્થીના હિતને કારણે ક્યારે ધમકાવે છે. તે એટલું તો સમજી શકે છે. જે શિક્ષક પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીને ધમકાવતો હોય એની તરફ વિદ્યાર્થીઓ સ્વાભાવિક રીતે જ નફરત કરતા હોય છે. જે શિક્ષક વિદ્યાર્થીઓના હિત માટે એમને ધમકાવે છે એવા શિક્ષકની બે વાત સાંભળી લઈને પણ વિદ્યાર્થી શિક્ષકને પ્રેમ કરે છે – જેવી રીતે મારા વિદ્યાર્થીઓ મને કરતાં હતાં. હું એટલું ગર્વ સાથે કહી શકું છું કે જ્યાં મારો કોઈ વિદ્યાર્થી રહેતો હોય તે શહેરમાં હું રાત્રે બે વાગે પણ પહોંચી જાઉં તો પણ મને કોઈ અસુવિધા નહીં થાય. આજે હું એટલા સંતોષ સાથે કહી શકું છું કારણકે વિદ્યાર્થી-શિક્ષકમાં એક અલગ પ્રકારનો સંબંધ ઊભો થયો છે. એ સંબંધ આચરણને લીધે બન્યો છે. આપણે આપણા આચરણને જોવું જોઈએ. આપણે સદભાવની વાતો મોટી મોટી કરીએ અને આપણા ઘરના નોકર જોડે આપણો વર્તાવ સદભાવરહિત હોય તો પછી ખાલી વાતો વાતો જ રહી જશે. આ બે બાબતો – એક તો વિવેક એવો રાખવો કે આલોચનાત્મક રાષ્ટ્ર આપણે બનાવવું છે અને બીજું આપણું આચરણ. આ બંને બહુ જ મહત્વપૂર્ણ છે. આચરણથી જ આપણું મૂલ્યાંકન થશે. આ બે બાબતો સમજીએ તો આપણે ત્રીજી વાત પર પહોંચી શકીએ. આ ત્રીજી વાત એ છે કે વ્યાપક સામાજીક સદભાવના નિર્માણમાં શિક્ષણથી જોડાયેલા આપણે લોકો શું ભૂમિકા નિભાવી શકીએ ?

સદભાવ એટલે આપણે ભલે ગમે તે જાતિ, જ્ઞાતિ કે જુદી જુદી રાષ્ટ્રીયતાના હોઈએ પણ આપણી વચ્ચે આટલું અંતર હોવા છતાં આપણામાં એક સામાન્ય ભાવ છે અને એ છે મનુષ્યતાનો ભાવ. મનુષ્ય-મનુષ્યમાં અંતર તો છે જ પણ મૂળભૂત બાબતોમાં તે સમાન છે. એ જે સમાન ભાવ છે ત્યાં સુધી પહોંચવાને જ હું સદભાવ માનું છું. બધા જ પ્રકારનું અંતર હોવા છતાં કોઈક સંવાદ છે. ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં ફિનિક્સમાં આશ્રમ બનાવ્યો ત્યારે તેમનું પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ ગાવામાં આવતું હતું. સાઉથ આફ્રિકાના જ એમના એક સાથી હતા. તેમણે ગાંધીજીને એમ કહ્યું કે આપણે એક વાર ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ની જગ્યાએ ‘ક્રિસ્તાન્જન તો તેને રે કહીએ’ ગાઈને જોઈએ તો કેવું રહેશે ? ગાંધીજીને આ વિચાર ગમી ગયો. એમને થયું કે એ રીતે પણ ગાવું જોઈએ. રાજમોહન ગાંધીએ ગાંધીજીની બાયોગ્રાફીના પુસ્તકમાં આ પ્રસંગ ખૂબ માર્મિક રીતે લખ્યો છે. તેમણે એમ લખ્યું છે કે બહુ ઓછા લોકોએ નોંધ લીધી છે કે ગાંધીજીના અંતિમ દિવસો સુધી આ ભજન ‘વૈષ્વજન તો તેને રે કહીએ’ ફક્ત એમ જ નહીં પરંતુ બે વધુ સંસ્કરણોમાં ગવાતું હતું, એક તો ‘ક્રિસ્તાન્જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે’ અને ‘મુસ્લિમજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે….’. ભલે આપ કોઈ પણ હો, દરેક પરંપરામાં હિંસા તો છે જ. હિંદુ પરંપરા હિંસાની અને ઈસ્લામ પરંપરા સહિષ્ણુતાની એવું કંઈ નથી. મનુષ્યની બધી જ પરંપરામાં હિંસા છે, અનાચાર છે, યુદ્ધ છે પરંતુ આ બધી પરંપરાઓ પછી મનુષ્ય હકીકતે શીખવા શું માગે છે ? ખરી બાબત એ છે. કોઈ પણ પરંપરાની સાર્થકતા તો એમાં જ છે કે જેનાથી આપણને સામેની વ્યક્તિની તકલીફ સમજવાનો બોધ થાય. બીજાની પીડા આપણે કેટલી સમજી શકીએ છીએ તે અગત્યનું છે. પોતાની પીડા તો આપણે બધા જાણીએ છીએ અને એના દુઃખડાં તો આપણે રોઈએ જ છીએ. સમાજના પીડિત લોકો સુધી તમે કેટલા પહોંચો છો એ મૂળ પ્રશ્ન છે. આ બધી વાતો આપણી શિક્ષણપદ્ધતિમાંથી સાવ બાકાત રાખવામાં આવી છે. આ બાકાત એટલા માટે રાખવામાં આવી છે કારણ કે આ બધી અગત્યની બાબતોને આપણે ઔપચારિક્તા ગણી લીધી છે.

મિત્રો, વચ્ચે હું કેટલોક સમય એન.સી.આર.ટીની પાઠ્યપુસ્તક સમિતિનો સલાહકાર હતો. એ વખતે મારી સામે વારંવાર એક વાત આવતી હતી કે સ્કૂલોમાં નૈતિક શિક્ષણ અલગથી અપાવું જોઈએ. હું પણ એ રીતે ભણ્યો છું. હું થોડો ધમાલિયો હતો એટલે મારા શિક્ષિકાબેન મને કહેતા હતા કે, આ નૈતિક શિક્ષણના તાસમાં તો ખોટા બહાના ન બનાવ ! તો હું પૂછતો કે મેડમ, બીજા કોઈ તાસમાં બહાના બનાવું તો ચાલશે ?….. નૈતિકતા જે હકીકતે આપણી સાથે ચોવીસ કલાક રહેવી જોઈએ એને આપણે એક કલાસના પિરિયડમાં થોડો સમય ભણવાની વસ્તુ બનાવી દીધી છે. ગણિત જરૂરી નથી કે આપણી પાસે ચોવીસ કલાક રહે, ફિઝિક્સ જરૂરી નથી કે આપણી સાથે ચોવીસ કલાક રહે પણ વિવેક તો તમારી પાસે ઊંઘતા-જાગતા કાયમ રહેવો જોઈએ. એને તમે સ્કૂલના અડધો કલાકના પિરિયડમાં સીમાબદ્ધ કેમ કરી શકો ? બાળક આમેય સ્કૂલમાં કંટાળતું હોય છે અને એને નૈતિકતાના નામે વધારે અડધો કલાક કંટાળવાનું આવે છે. મેં એ લોકોને કહ્યું કે તમે નૈતિક શિક્ષણને ફક્ત અડધો કલાક ભણાવવાની વસ્તુ સમજો છો ? એમણે કહ્યું કે બાળકો બગડતા જાય છે એટલે શું કરીએ ? પરંતુ મિત્રો, સાચી વાત એ છે કે માતાપિતાને પોતાના બાળકો પર ધ્યાન રાખવાની ફુરસદ નથી. તેથી માતાપિતા તરીકે આપણે બધું કામ સ્કૂલો પર નાખી દેવા માગીએ છીએ. તમારે જો એવી જ ઈચ્છા હોય તો બાળકોને કોઈ ગુરુકૂળમાં મૂકો. ગુરુકૂળમાં મૂકો તો તમે આચાર્યને કહી શકો કે બાળક ચોવીસ કલાક તમારી પાસે રહેતું હતું એટલે એ સુધરે કે બગડે તેની જવાબદારી તમારી છે. પરંતુ માતાપિતા તરીકે તમારી પાસે સમય નથી. તમે બાળકોને નૈતિકતા શીખવી નથી શકતા, તમે બાળકને શિષ્ટાચાર અને સભ્યતા શીખવી નથી શકતા એટલે એ કામ પણ સ્કૂલ કરે ? તમે પોતે રાતના બાર વાગ્યા સુધી બેસીને ટીવી જોવા માંગો છો અને બાળક પાસે આશા રાખો છો કે એ રાત્રે નવ વાગ્યે સુઈ જાય અને સવારે પાંચ વાગ્યે ઊઠી જાય ! કેમ ભાઈ ? તમે બાર વાગ્યા સુધી ટીવી જોશો તો એ તો રાતે બે વાગ્યા સુધી જોશે. એ જુવાન છે. એનામાં તમારા કરતા વધારે તાકાત છે.

બીજી એક વાત એ છે કે આપણા દેશમાં અધ્યાપક પાસે ભાતભાતના કામોની આશાઓ રાખવામાં આવે છે. વસ્તીગણતરી અધ્યાપક કરે, પોલિયોની દવા અધ્યાપક પીવડાવે, ગામમાં મંત્રી આવવાના હોય તો બધી દોડાદોડી પણ અધ્યાપક કરે. એ પછી પાછું એણે રાષ્ટ્રનિર્માણ પણ કરવાનું અને બાળકોનું ચારિત્ર્યનિર્માણ પણ કરવાનું !! આપ સૌ અધ્યાપકોએ સમાજને કહેવું જોઈએ કે સમાજ પહેલાં અધ્યાપકોનું સન્માન કરવાનું શીખે અને એ પછી આશા રાખે કે અધ્યાપકે શું કરવું અને શું ન કરવું જોઈએ. એ સાથે મારા પોતાના અનુભવને આધારે હું પૂરી વિનમ્રતાથી કહેવા માગું છું કે જો તમે ખરેખર વિદ્વાન હો, ખરા અધ્યાપક હો, તમારામાં યોગ્ય આચરણ હોય તો સન્માન તો તમને મળવાનું જ છે. આ સમાજ આપને સન્માન આપશે. કોઈક ગાળો આપતાં હોય તો આ જ સમાજમાં એવા લોકો પણ છે જે આપનું સન્માન કરતાં હોય. આથી સામાજિક સદભાવની વાત કરવી હોય તો પહેલી બાબત તો એ કે એને ‘સહિષ્ણુતા’થી અલગ કરવો જોઈએ. સદભાવ ત્યારે જ થઈ શકે કે જ્યારે આપણે આપણી જુદી જુદી ઓળખોમાં છુપાયેલા એક સમાન મનુષ્યભાવને ઓળખતાં શીખીએ. બીજાની અંદરના એ સમભાવની હાજરીને સ્વીકાર કરીએ અને એનો આદર કરીએ, સન્માન કરીએ. એ સન્માન સાથે વાર્તાલાપ કે સંવાદ કરીએ. એમાં લાગણી દુભાવાનું બંધ કરીએ. એવી બાબતોથી દૂર રહીએ. કોઈ મારા પ્રિય દેવી-દેવતાઓની આલોચના કરે તો એમાં મારે મારી લાગણી ના દુભાવવી જોઈએ બલ્કે એ આલોચનાનો જવાબ આપવો જોઈએ. એ પણ હિંસાથી નહીં, તર્કની રીતે કે વાદ-વિવાદને રસ્તે. કોઈ પણ સભ્ય સમાજમાં હિંસા કરવાનો અધિકાર કેવળ રાજ્યસત્તાને હોવો જોઈએ. એ પણ ખૂબ નિયંત્રિત પ્રમાણમાં હોવો જોઈએ. જ્યાં સુધી આ બધી બાબતો માટે આપણે આપણા મનમાં સ્પષ્ટ નહીં હોઈએ, ત્યાં સુધી મને નથી લાગતું કે સામાજિક સદભાવમાં જે આપણી જવાબદારી છે – શિક્ષાવિદોની, અધ્યાપકોની, વિદ્યાર્થીઓની – એને નિભાવી શકીશું.

આપણે સૌ ભણાવનારા લોકો છે. ભણાવતા લોકોનું કામ બનાવેલા મૂલ્યોની ફકત પ્રતિષ્ઠા જ કરવાનું નથી હોતું પણ સાથે નવા મૂલ્યોની ખોજ પણ કરવાની હોય છે. રવીન્દ્રનાથ ટાગોરે એમની એક નવલકથામાં અદ્દભુત વાક્ય લખ્યું છે જેનાથી હું મારી વાત પૂરી કરવા માગું છું. એમણે એમ લખ્યું છે કે સમાજ ખરી દિશામાં આગળ વધી રહ્યો છે કે નહીં, એને ઓળખવાનો રસ્તો એ છે કે એ સમાજ એટલો વ્યાપક થઈ રહ્યો છે કે નહીં કે જેથી વ્યક્તિઓને પોતાના વિકાસની તક આપી શકે. વ્યક્તિને વિકાસની તક આપવામાં માટે સમાજે વિસ્તરીત થવું પડશે. મિત્રો, દુર્ભાગ્યથી અત્યારે એવું લાગે છે કે ફક્ત આપણા દેશમાં જ નહિ, પરંતુ દુનિયાભરમાં સમાજ અને મનુષ્યનું ચિત્ત વિસ્તરિત થવાને બદલે સંકુચિત થતું જાય છે. સંકીર્ણતાથી જ કુંઠીતપણું આવે છે, આત્મહીનપણું આવે છે અને એનાથી જ હિંસા પેદા થાય છે. સામાજિક સદભાવને જો મેળવવો હોય તો સૌથી પહેલા વિસ્તરિત થવું જરૂરી છે. એ વિસ્તરિત થવાનું તો જ શક્ય છે જો આપણે આપણા આલોચનાત્મક વિવેકને સક્રિય રાખીએ. આસ્થા અને ભાવનાઓને યોગ્ય સ્થાન આપતાં એને આલોચના અને વિવેક પર હાવી ન થવા દઈએ. આપણી શિક્ષણવ્યવસ્થા ગમે તેવી હોય તે છતાં તેમાં થોડી ગુંજાશ છે. આ શિક્ષણ વ્યવસ્થામાં રહીને જ આપણને મહાન વિચારકો અને ચિંતકો મળ્યા છે એટલે થોડી તો ગુંજાશ એમાંથી નીકળી શકે છે. કહેવાનો અર્થ એ છે કે આ વ્યવસ્થામાં રહીને પણ આપણે કંઈક કરી શકીએ છીએ. વ્યવસ્થા બદલાશે ત્યારે બદલાશે. જો આલોચનાત્મક અને વિવેકી સમાજ બનાવવામાં આપણે આપણું યોગદાન આપીશું તો સદભાવ માટે અલગથી પ્રયત્ન કરવાની જરૂર નહીં રહે. સામાજિક સદભાવ એ આલોચનાત્મક સમાજ માટે કુદરતી બાબત છે. એ જબરજસ્તી આરોપિત કરવાની વસ્તુ નથી. વિસ્તૃતપણું, આલોચનાત્મક વિવેક, આસ્થા-ભાવનાની રાજનીતિને રિજેક્ટ કરવાનું સાહસ – આ બધી વાતો આપણાં વિદ્યાર્થીઓને, મિત્રોને, પાડોશીઓને, શિક્ષણપધ્ધતિમાં અને લેખનમાં લાવી શકીએ તો સદભાવની વાત કરવાની જરૂર નહીં રહે એમ મને લાગે છે. સદભાવ આપ મેળે આવી જશે. ધન્યવાદ.

.

(વક્તા : શ્રી સુદર્શન આયંગર)


આપ સૌને પ્રણામ. સૌપ્રથમ તો સામાજિક સદભાવના શું છે એનાથી શરૂ કરું એ પહેલાં તમને થોડીક બીજી વાત એ કરું કે મારા જેવો માણસ શિક્ષણમાં કઈ રીતે આવ્યો હશે, તે મને નાનપણમાં સમજાયું નહોતું. હું વિચાર કરતો થયો છું ત્યારથી મને ખ્યાલ આવે છે કે શિક્ષણ, શિક્ષકો, વાતાવરણ એ બધું માણસને મજબુત કરે છે અને પાયા તો એ જ નાખે છે. હૃદયનું સિંચન, ભાવનું સિંચન તો ત્યાં જ થાય છે. પરિવારમાં થાય છે પરંતુ તે ઉપરાંત શિક્ષણસંસ્થામાં શિક્ષકો વચ્ચે પણ થાય છે.

હું કચ્છ-ગાંધીધામમાં મોટો થયો છું. મૂળે દક્ષિણ-ભારતીય છું. અમારા બધા વડવાઓ કર્ણાટકમાં ગયેલા એટલે એ પછી અમે કર્ણાટકી થયા. પરંતુ મારા પિતા કચ્છમાં ગયા એટલે હું કચ્છી થયો અને પછી ગુજરાતી થયો. એ પછી જે ગણો એ બધું થ્યો છું ! હું ગાંધીધામમાં સભાનપણે ભણ્યો હોઈશ એવો કંઈ મને ખ્યાલ નથી. ગાંધીધામ એટલે એવું ગામ કે જેનું અસ્તિત્વ 1947 પછી થયું છે. ત્યાં મેં મારા નાનપણના શ્વાસ લીધા છે. ત્યાં ભણાવનારા અનેક સિંધી શિક્ષકો ભાગલા પછી પોતાનું વતન છોડીને આવેલા. પરંતુ મને યાદ નથી કે કોઈ શિક્ષકે કોઈ વિદ્યાર્થીને વર્ગખંડમાં કે વર્ગની બહાર એવું કહ્યું હોય કે ‘મુસલમાન તો ઐસે હૈ, ઉન લોગો કોં તો મારના ચાહિએ….’. એમણે ક્યારેય એમ નહોતું કહ્યું. એમણે તો એમ જ કીધું કે ‘હમ સબ તો ગાંધી કે બંદે હૈ, જો હો ગયા સો હો ગયા. હમ તો ઈન્સાન હૈ, કિતને પ્રેમ સે રહેતે થે….’ આને તમે સદભાવના ગણી શકો. આ મારો પોતાનો અનુભવ છે.

મનુષ્યના આ સમાજમાં ભેદ પાડવાનું કામ તો ચાલવાનું જ છે. હું ભણતો ત્યારે ઘણાં મને પૂછતાં કે તું દક્ષિણ ભારતીય છે ? પંજાબી જુદા, મદ્રાસી જુદા અને એ બધું તો ચાલ્યા જ કરતું તેમ છતાં એ મજાક મસ્તીમાં સદભાવના કોઈ દિવસ મરી ગઈ હોય એવું મને લાગ્યું નથી. મારા બધા મિત્રો પ્રેમથી મારા ઘરે આવ્યા હશે અને મારી માએ તેમને જમાડ્યા હશે અને હુંય પચાસ ઘરે જઈને જમી આવ્યો હોઈશ. ગાંધીધામમાં કોઈએ મને નાત-જાતની વાત પુછી નથી. આ સદભાવના છે. આ મૂળ પાયા છે. એ પછી હું અમદાવાદ આવતો થયો ત્યારે ટ્રેનમાં બેસું એટલે પહેલો પ્રશ્ન પૂછે કે તમે કેવા ?

સદભાવનાની આખી પ્રક્રિયા છે શું ? મનુષ્ય સમાજમાં સાથે રહે છે એ સહઅસ્તિત્વનો મુદ્દો છે ? આ તો પરસ્પરાવલંબની વાત છે. પર્યાવરણની અંદર રહીને મનુષ્યએ અંદર-અંદર પરસ્પર પોતાનું વાતાવરણ કેવું ઊભું કરવું જોઈએ એ મૂળ પ્રશ્ન છે. એ વાતાવરણ સારી રીતે પાંગરે એ માટે આપણે સામાજિક સદભાવનાની જરૂર છે. આ પાયાની વસ્તુ આપણે સ્વીકારવી પડે. સહઅસ્તિત્વ અને પરસ્પરાવલંબનને સમજવાની કોશિશ પશ્ચિમી સમાજે પણ કરી છે પણ ત્યાં વ્યક્તિને છૂટો પાડી દીધો છે. તે પર્યાવરણ અને વાતાવરણનો એક હિસ્સો નથી. એ વ્યક્તિ તરીકે સ્વતંત્ર રહેવા માંગે છે અને એમાંથી આ મોટી ગરબડ ઊભી થઈ છે. રાજ્ય શું કરે છે, બંધારણ શું કરે છે, કાયદો શું કરે છે એમ બધાં કહે છે પણ સદીઓ પહેલાના મનુષ્યને આમાંથી કોઈની જરૂર નથી પડી. ત્યારનો સમાજ ‘ફેસ-ટુ-ફેસ’ સમાજ હતો. મારી આગળના વક્તા પુરુષોત્તમભાઈએ સાચું કહ્યું કે મારો દીકરો જે રીતે મને સમજાવે છે એ રીતે હું મારા પિતાજીને નહોતો સમજાવી શકતો. એ આમાન્યાનો સવાલ હતો. મારે આમાન્યા જાળવવી જ જોઈએ એવો એ વખતે વિવેક રહેતો. એમાં ચૂક થઈ હોય અને આપણે અંધશ્રદ્ધા કે જડતામાં ભરાઈ ગયા હોઈએ તો એવા સમાજને જડતાથી મુક્ત કરવા ક્રાંતિની જરૂર પડે છે અને એ વિચારક્રાંતિથી જ થઈ શકે. એ રીતે આપણે આ સમાજનું અર્થઘટન કરવાનું છે. પશ્ચિમી કરતાં પૂર્વની વિચારધારા એ રીતે જુદી છે કે માણસ-માણસ સાથે ફક્ત બજારથી જોડાતો નથી. મનુષ્ય-મનુષ્યને પરસ્પરનો ભાવ એકબીજા સાથે જોડે છે. ગાંધીએ શેની મથામણ કરેલી ? આ તો એની મથામણ હતી ! શેની માટે એ ઊભો થયો ? હિંદ-સ્વરાજમાં એણે શું લખ્યું ? જોડનાર પરિબળ શું છે ? એ જોડનાર પરિબળની એણે વાત મૂકીને એમ કહ્યું કે ‘મને દેખાઈ રહ્યું છે કે આમાં પશુબળ છે.’ પરસ્પરાવલંબન સમજનાર મનુષ્ય જે દિવસે હરિફાઈમાં પડ્યો તે દિવસે વ્યક્તિ-વ્યક્તિ છૂટી થઈ ગઈ. એટલે જ આપણે ત્યાં કૃષિ સભ્યતાની સાથે ખાનગી માલિકીનો પ્રશ્ન ઊભો થયો છે. એ પહેલાં મનુષ્ય જાતિમાં કોઈ દિવસ ખાનગી માલિકીનો પ્રશ્ન નહોતો. કૃષિ સભ્યતા અહિંસક સમાજ સંગઠનની પહેલી રચના છે. એની અંદર ખાનગી માલિકીની બાબત આવી અને લોકો એમ કહેવા લાગ્યા ‘આટલી જમીનનો ટુકડો મારો છે.’ જ્યારે મારું-તારું શરૂ થયું ત્યારે મનુષ્યને એમ પણ થયું કે ધારો કે મારો પાડોશી આવીને મારી પર હુમલો કરીને મારી જમીન લઈ જશે તો મારે શું કરવું ? ખેડૂત તો તલવાર લઈને કંઈ એકબીજા સાથે યુદ્ધ ન કરી શકે એટલે બધા ખેડૂતોએ ડહાપણનું કામ કર્યું અને એક માણસને બોલાવ્યો અને તેને કહ્યું કે ‘ભઈલા, અમે તારી પૂજા અર્ચના કરશું, તારા માથે મુગટ પહેરાવીશું, તને ઈચ્છા થાય તો તું બાર રાણી રાખજે, તને અમે રાજા કહીંશું પણ તું અમને સાચવજે. અમારી ખાનગી સંપત્તિ કોઈ પડાવવા આવે તો તું અમારું રક્ષણ કરજે.’ એ રીતે રાજાની પદ્ધતિ ઊભી થઈ. એટલે કે ખાનગી સંપત્તિની સુરક્ષા માટે, મારી વ્યક્તિગત જાન-માલની સુરક્ષા માટે, રાજ્યને જવાબદાર ઠેરવવાનું કામ કૃષિ સભ્યતામાંથી આવ્યું અને એ પછી એનું જે વરવું સ્વરૂપ થયું અને એમાં જે સામાજિક સદભાવનાનો હ્રાસ થયો તે આપણે સમજવાનું છે.

ખાનગી સંપત્તિ પછીનો બીજો મુદ્દો છે વ્યક્તિગત સ્વતંત્રતાનો. એની માટે તો આખો પશ્ચિમી સમાજ ઝઝૂમ્યો છે. વ્યક્તિ સ્વતંત્રતામાં માનવી એવું માનતો થયો કે હું મારી સ્વતંત્રતા સંપૂર્ણપણે ભોગવીશ, બીજાની સ્વતંત્રતાને નુકશાન નહીં પહોંચાડું અને જો હું પહોંચાડું તો તંત્રગત હું એવી રચના કરીશ કે તંત્ર જે છે તે એના માટે જવાબદાર રહેશે. તંત્ર એટલે રાજ્યનો એક ભાગ. વ્યક્તિ પર દેખરેખ રાખવાનું કામ તંત્ર કરે અને મનુષ્ય મુક્ત છે. મનુષ્ય મુક્ત રીતે ગમે તે કરે એની માટેની છૂટ હોવી જોઈએ – આવી સ્વતંત્રતા માટે લડી લડીને આપણે એવા આરે પહોંચ્યા છીએ જેની અંદર આપણે ગે-લિબર્ટી સુધી પહોંચી ગયા છીએ. આપણે એમ માનીએ છીએ કે મનુષ્યને કંઈ પણ નક્કી કરવામાં એની વ્યક્તિગત સ્વતંત્રતા હોવી જોઈએ અને એમાં સમાજનું કશું કહેવાપણું રહેતું નથી. આ પરિસ્થિતિ પશ્ચિમી સમાજે આપણી સામે અહીં સુધી લાવીને મૂકી છે.

બીજી વાત એ છે કે આખા માળખાનો વિકાસ કરવાનું નક્કી થયું ત્યારે ઔદ્યોગિક માળખાની અંદર પર્યાવરણીય સંપત્તિ પર કાબુ કરવાનું શરૂ થયું. એટલે તમે એવા માળખા રચવાની શરૂઆત કરી કે જેમાં ફક્ત રાજકીય જ નહીં પરંતુ આર્થિકસત્તા પણ તમારે હાથમાં લેવી પડે. એવી પરિસ્થિતિ 1909 સુધી મોહનદાસ કરમચંદ ગાંધી ઈંગ્લેન્ડમાં ફરતાં ફરતાં જુએ છે. એમને થાય છે કે આમાં તો બહુ મોટી ગરબડ ચાલી રહી છે. આમાં તો આખો સમાજ રસાતળમાં જવાનો છે. એ માણસ ઊભો થાય છે અને કહે છે, ‘ભાઈ, થોભો. આની અંદર મને માત્ર પશુબળ દેખાઈ રહ્યું છે.’ સાધનસંપત્તિ સામે કોઈને વાંધો ન હોઈ શકે, ગાંધીને પણ નહોતો. અમર્યાદ સાધનસંપત્તિ માટે મુશ્કેલી હોય, સાધનસંપત્તિ મેળવવાના સાધનો અંગેની મુશ્કેલી હોઈ શકે – આ બધા પ્રશ્નો અંગે પશ્ચિમી સમાજના વ્યવહારમાં કોઈ ઊંડું દર્શન સ્પષ્ટ થતું નથી. જે દર્શન સ્પષ્ટ થાય છે એ દર્શનની અંદર માળખાગત રીતે સામાજિક સદભાવનાનો હ્રાસ થાય છે. આ સમજવાનું છે. આ વ્યવસ્થામાંથી તમે નહીં નીકળી શકો. આ શિક્ષણનો એટલો મોટો પ્રશ્ન નથી પણ આમાંથી નીકળવા માટેનો રસ્તો શિક્ષણનો છે એમ હું તમને કહીશ. કારણ કે ગાંધી અડધું નથી વિચારતા. ગાંધીએ પૂરું વિચાર્યું છે. આજે સામાજિક સદભાવનાનો અભાવ છે અને વધતો જાય છે એના માટે જે માળખાગત વ્યવસ્થા જે કરવામાં આવી છે, એ માળખાગત વ્યવસ્થાની અંદર નિહિત હિંસા છે જે સામાજિક સદભાવનાનો નાશ કરે છે. 2002માં થયું ત્યારે બધા બોલતા હતા કે અમુક કોમના લોકો બધા બહુ માથે ચડી ગયા હતા – આ બોલવું કે વિચારવું એ સદભાવનાનો હ્રાસ છે. એ વખતે વાતો ચાલતી હતી કે ‘એમને પાઠ ભણાવ્યો એ સારું થયું, એમનો આર્થિક બહિષ્કાર કરો, એમને કોઈ કામ ન આપો.’ સ્વાભાવિક છે કે માણસને રોટલો ખાવા તો જોઈશે જ. નહીં મળે તો એ ચોરી કરશે અને તમે એની જ રાહ જુઓ છો. એ પછી તમે કહેશો કે અમે તો કહેતા જ હતાને કે આ કોમ એટલે બધા દાણચોર. જુઓ આ કેવા ધંધાવાળા છે, હવે એમને ફાંસીએ ચઢાવી દો ! – આ માળખાગત વ્યવસ્થાની અંદર હિંસાનું સૌથી રૌદ્ર સ્વરૂપ આપણી સામે આવ્યું છે. તેમ છતાંય આ સ્વરૂપને આપણે ઓળખી નથી શકતા. આ જે છે તે ગાંધી ઓળખી શકે છે. માત્ર આ સંદર્ભમાં નહિ, વૈશ્વિક પરિપ્રેક્ષ્યની અંદર આ માણસ જોઈ શકે છે અને કહે છે કે આમાં કંઈક ગોટાળો થઈ રહ્યો છે અને આ રસ્તે જવા જેવું નથી.

સામાજિક સદભાવનાના પાયાની અંદર મનુષ્યએ પોતાના દર્શન વિશે પોતાની ચોખવટ કેળવી લેવી જોઈએ. એ દર્શનની ચોખવટ કેળવ્યા સિવાય સામાજિક સદભાવના ઉત્પન્ન થવાની નથી. જો મારું દર્શન ઉપર કહ્યું એવું હોય તો એ દર્શનની અંદર તો સામાજિક સદભાવના થવાની નથી, ઊલટા વકરવાની છે. હજી તો આપણે ઘણું ઓછું જોયું છે. હજી આગળ વધારે આવશે. આ બધા માઓવાદી અને નકસલવાદીઓને આપણે એટલો સવાલ તો કરવો જોઈએ કે તમારું માનવસમાજનું દર્શન શું છે ? અમે તમને સંપૂર્ણ સત્તા આપવા માંગીએ છીએ, તમે આવીને આ રાજગાદીએ બેસો, પણ તમે એ પછી શું કરવાના છો ? 2000 કરોડ રૂપિયાની પ્રતિમાઓ મૂકાવવાના છો ? આ દર્શનનો પ્રશ્ન છે. એટલે મેં કીધું કે સમાજ સાથે બેસીને આપણે સૌએ પહેલા સહિયારું દર્શન ઊભું કરીને મનમાં કેળવવાનો પ્રશ્ન છે અને ત્યાર પછી સદભાવનાની વસ્તુ આપોઆપ ગોઠવાશે એવું લાગે છે.

વળી, ઈતિહાસથી આપણે શીખવાનું છે. ઈતિહાસથી શું શીખવાનું છે ? હું ઈતિહાસથી આટલું શીખ્યો કે પ્રેમબળની અંદર જીવનારો સમાજનો એક વર્ગ કાયમ રહ્યો છે. પ્રેમબળથી જીવનારા સમાજની લાગણીઓ મુખરિત થઈ હોય તો તે સંતસમાજ દ્વારા થઈ છે. એ માટે કબીરને, તુલસીને અને ગાંધીને યાદ કરવાના છે. ગાંધીને તો આપણે માનીએ છીએ કે પારદર્શક વ્યક્તિત્વ હતું પણ કબીરેય કેવો પારદર્શક હશે જરા વિચાર તો કરો ! કહેવાય છે કે 102 વર્ષ એટલે કે કબીર ત્રણ સદીમાં જીવ્યા. કબીરની નિર્ભિકતા કેટલી બધી ! એ કેવો પારદર્શી માણસ હશે કે તે બંને કોમને ખખડાવી શકે. તમે એની ઊંચાઈનો તો વિચાર કરો ! એ સમાજમાં હિન્દુ-મુસ્લિમના ઝઘડા નહોતા થતાં એવું તો છે જ નહિ કારણ કે કબીરનું વિપુલ સાહિત્ય આ બંને કોમને ભેગાં કરવા માટે અને બંનેને લપડાકો મારવા માટેનું છે. બંને કોમ માટેની કબીરની વાતો એ સમાજની અંદર પેસી ગયેલી જડતાની ગતિશીલ ક્રાંતિ છે. એને સમાજ સાંખે છે. એ પરથી લાગે છે કે સદભાવનાના મૂળિયાં મરી નથી પરવાર્યા, સુકાઈ નથી ગયાં. સમાજની જડતા સામે ક્રાંતિ લાવનારા પારદર્શી વ્યક્તિત્વો સમાજમાં થાય છે અને ખાસ કરીને ભક્તિમાર્ગની અંદર સંત પરંપરામાં આ દેશમાં પુષ્ક્ળ એવું કામ થયું છે. મોરારિબાપુ એ જ કરી રહ્યા છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. ગાંધીજી પણ વારંવાર સમાજને ટકોર કરતાં કહે છે કે જો તમે હિંસક વસ્તુ અપનાવશો તો પરિણામ પણ હિંસક જ આવવાનું છે. કોણ કોને પાઠ ભણાવે છે એ અગત્યનું નથી, જેટલું હું શેના વડે પાઠ ભણાવું છું તે અગત્યનું છે. એટલે જ ગાંધીએ એમ કીધું કે મારા માટે બળ એ આત્મબળ અને પ્રેમબળ છે.

એ પ્રેમબળની અંદર જે સમાજરચના કરવા માંગે છે તેની અંદર એક બીજો મુદ્દો સમજવા જેવો છે. પ્રેમબળની સૌથી મોટી શક્તિ મેળવવાની નહીં આપવાની છે. પોતાની જાતને ખોવાની છે. પોતાની જાતને ખુવાર કરવાની છે. ગાંધી આ વસ્તુ સમજે છે. ‘મારે મારા દુશ્મનને પ્રેમ આપવો છે અને એમ કરવા જતાં મારો જીવ જતો રહે તોય મારી એટલી તૈયારી છે. મારે એને પ્રેમથી બદલવો છે.’ – આ પ્રેમબળનું શસ્ત્ર ગાંધીજી માટે સૌથી અગત્યનું છે. હિંદસ્વરાજની અંદર ગાંધી તુલસીના ‘પાપમૂલ અભિમાન’ની જગ્યાએ ‘દેહમૂલ અભિમાન’ એવો શબ્દ વાપરે છે. હિંદસ્વરાજ પુસ્તક લખતી વખતે ગાંધીને જાણે કોઈ ભૂત વળગ્યું હોય એવું થઈ ગયેલું. તેથી તેઓ લખે છે કે ‘લખતાં લખતાં જમણો હાથ થાક્યો તો ડાબા હાથે લખવાનું ચાલુ રાખ્યું. મારાથી હવે રહેવાતું નથી, મેં ઘણું વાંચ્યું, ઘણું જોયું, ઘણું સાંભળ્યું એટલે મારે હવે આ વાત મૂકી દેવાની છે’ – એવી તત્પરતા અને ઉત્કટતાથી લખનાર મોહનદાસ કરમચંદ ગાંધીના આખા દર્શન અને વિવેચનની અંદર કોઈ મુખ્ય બાબત હોય તો એ છે કે આ આધુનિક સભ્યતા દેહકેન્દ્રી છે. એના કેન્દ્રમાં શરીર છે અને એનાથી બીજી દિશામાં મારે આ સમાજને વાળવો છે એટલે કદાચ એ દોહો લખતી વખતે એમણે ‘પાપમૂલ અભિમાન’ની જગ્યાએ ‘દેહમૂલ અભિમાન’ લખ્યું હોય. આવી એક શક્યતા છે. આવી મારી સમજ છે. જે હોય તે, પણ મૂળે ગાંધી આપણને કહેવા માગે છે કે આ દેહ પર જે આખો સમાજ તમે ઊભો કરી રહ્યા છો એની ઘણી બધી મર્યાદાઓ છે. ગાંધી કહે છે કે સદભાવના સાધવી હોય તો એવા પ્રેમબળના માણસે કે જેની આખા સમાજ માટે પોતાની જાતને ઘસાવાની તૈયારી હોય; એનાથી શરૂ થવી જોઈએ. એ શરૂઆત આપણે આપણાથી કરવી જોઈએ. સમાજ માટે ઘસાવાનું હોય તો મારા દેહ માટે મારી કુલ જરૂરિયાતો તો અત્યંત સીમિત થઈ જવાની છે. ગાંધી જુદી જુદી દિશામાંથી જુદી જુદી રીતે વાત લાવી રહ્યા છે. મનુષ્યએ પોતાના દેહની જરૂરિયાતો ઓછી કરવી એટલે શું ? ધારો કે પંખાથી ચાલી જતું હોય તો એ.સી. ન નખાવતાં. એ મૂળ વાત એમ કહે છે કે દેહકેન્દ્રિત ન થતાં, તમારી અમુક કુદરતની સામે અને મનુષ્યની સામે સહન કરવાની અને ગુમાવવાની તૈયારી હશે તો મનુષ્યને પણ સહન કરવાની સહનશીલતા વધશે. આવું એમનું દર્શન અને એવો એમનો વ્યવહાર રહ્યો છે.

હવે અન્ય એક મુદ્દો જોવાનો થાય તે એ છે કે પશ્ચિમી સમાજ એ જ્ઞાનમાર્ગની શાખાઓ છે. હું જ્યારે કહું છું કે પશ્ચિમી સમાજમાં બધું ખરાબ છે, ત્યારે મારો કહેવાનો અર્થ એવો નથી. ગાંધી પણ એ સ્વીકારે છે. પહેલી વખત વિદ્યાર્થી તરીકે લંડન ગયા અને ત્યાર પછી પણ જ્યારે ઈંગ્લેન્ડ ગયા ત્યારે ત્યાંની શહેરી વ્યવસ્થાથી એટલા તેઓ બધા પ્રભાવિત હતાં કે કલકત્તા કોંગ્રેસની અંદર જાજરૂ સાફ કરવાનું કામ તેઓ આખો વખત હિન્દુસ્તાનમાં રહ્યા હોત તોય એમને ન આવડ્યું હોત. એ ત્યાં જોઈ આવેલા કે ત્યાં કેટલી ચોખ્ખાઈ હોય છે. માણસ રોગ પરનો વિજય હિન્દુસ્તાનમાં નથી પામ્યો. આપણે શરીરને સમજીને કુદરત સાથે મળીને રહેવાના સારા પ્રયાસો કર્યા છે. એને નકારી કાઢવાના નથી. એ અપનાવવા જેવા છે પણ એની સામે કુદરતને જ્ઞાનમાર્ગ દ્વારા સમજીને શું ચાલી રહ્યું છે અને કેમ કરીને મનુષ્ય પોતાનું આયુષ્ય વધારી શકે, એના માટે કોઈ જો પ્રયાસ થયા હોય તો તે વિજ્ઞાન દ્વારા પ્રયાસો થયા છે તે છે. તમે વિચાર કરજો કે સંસ્કૃતિ અને શબ્દોને બહુ મોટા સંબંધો છે. તમે જોઈ શકશો કે કેટલાક શબ્દોનો અનુવાદ થઈ શકતો નથી. અંગ્રેજીમાં ‘Sanitation’ શબ્દનું ગુજરાતી થઈ શકતું નથી. એ ત્યાંની સંસ્કૃતિમાંથી નિષ્પન્ન થયેલો શબ્દ છે. પછી આપણે ‘જાહેર સફાઈ’ વગેરે શબ્દ વાપરીએ પણ એ બરાબર યોગ્ય નથી. દરેક સંસ્કૃતિમાં એ રીતે જુદું જુદું છે. આપણે ત્યાં એક શબ્દ છે ‘વિવેક’. એનું કોઈ અંગ્રેજી નથી. કારણ કે વિવેકમાં જે અર્થ નિહિત છે તે સંસ્કૃતિમાંથી નિષ્પન્ન થયો છે. મનુષ્યએ જીવાતા જીવનમાં જ્ઞાન અને ભક્તિનો અનુભવ કર્યા બાદ એના કરતાં જે ઊંચી પરિસ્થિતિ છે તે વિવેકથી મેળવાય છે. આ શબ્દ આપણી સંસ્કૃતિની ઉપજ છે. પશ્ચિમની સંસ્કૃતિ એ જ્ઞાનની સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ એ ભક્તિની સંસ્કૃતિ છે. પરંતુ આપણે ભક્તિ કરતાં અંધવિશ્વાસ તરફ વધુ જતા રહ્યા છીએ, તે જરા મુશ્કેલી છે.

જ્ઞાન અને વિવેકમાંથી ગાંધી શું પેદા કરે છે તે જોવાનું છે. કોઈ પણ જગ્યાએ સમાજિક સદભાવનાનો અભાવ થયો હોય ત્યાં શસ્ત્ર ઉગામવાની જગ્યાએ ગાંધી આ આધારે કહે છે કે ‘સત્યાગ્રહ કરો ને ભાઈ !’ સત્યાગ્રહની વાત ગાંધીની અંદર જ્ઞાન અને ભક્તિથી ઉપર જઈને વિવેકથી મેળવેલું શસ્ત્ર છે એ વસ્તુ આપણે સમજવી જોઈએ. આવી દેન આખી દુનિયામાં ગાંધી સિવાય કોઈએ આપેલી નથી. એ એની અણમોલ દેન છે. એનો આખો કાયદાનો, પશ્ચિમી વિશ્વનો અભ્યાસ અને નાનપણથી શીખેલો ભક્તિનો મંત્ર ‘રામ’ – એ બંનેને ભેગા કરીને કીધું કે હું સત્ય શોધક છું અને તેથી મારે સત્યાગ્રહ કરવાનો છે.

શિક્ષણ વિશે ગાંધીએ કહ્યું કે હૃદય કેળવો, હાથ કેળવો અને મસ્તિષ્ક (Hand, Heart and Head) કેળવો. આપણે ફક્ત Head માં પડ્યા એટલે દશાનન થઈશું. આપણે બધા દશાનન થવાની તૈયારીમાં છીએ. મગજમાં આપણે કેટલું બધું ભરી દઈએ છીએ ! માણસના હૃદયને કેળવવાની પ્રક્રિયા શિક્ષણમાં થવી જોઈએ. આ સમજ્યા વગર આપણે તો એમ નક્કી કરવા માંડ્યા છીએ કે પહેલા જ ધોરણથી અંગ્રેજી દાખલ કરી દેવાનું છે ! એવું કરીને જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓ થાય તે ખોલી દેવાની છે – તો એમાં બીક એવી છે કે તેમાં Headનો વિકાસ થશે, પણ Heart અને Handનો વિકાસ નથી થવાનો. ગુજરાતની ધરતી પર બુનિયાદી શિક્ષણની એટલી બધી સંસ્થાઓ આજે જે છે તે મુશ્કેલીમાં મુકાઈ છે. આપણે સમાજના નાગરિકો તરીકે કોઈ એક વ્યક્તિ પણ ચિંતા કરતું નથી. ગાંધીએ શિક્ષણના જે પાયા અહિંસક સમાજરચના માટે ગોઠવેલા છે, એ શિક્ષણ સંસ્થાઓની આટલી ખરાબ પરિસ્થિતિ છે – જેના માટે સંસ્થાઓ પણ જવાબદાર છે, રાજ્ય પણ જવાબદાર છે. આ વસ્તુ જ્યારે આપણે ભૂલી જઈએ છીએ ત્યારે સામાજિક સદભાવના મેળવવા માટે કેળવણીનો રસ્તો તો આપણે આપમેળે બંધ કરીને બેસી જઈએ છીએ. ગાંધીજીએ કહેલી ‘નયી તાલિમ’ના પાયા જ આ છે. અત્યારે તો કોર્પોરેટ જગત જેમ ઈચ્છે એ જ પ્રોડ્યુસ કરવામાં આવે છે. આમ નહીં કરીએ તો આપણો સફાયો થઈ જાય એમ લોકો માને છે. હકીકતે તો કોર્પોરેટ જગતને જે જરૂર છે એ તો ટ્રેનિંગ આપીને મેળવી જ લે છે. તમે એમ માનો છો કે MBA થયેલા લોકો કોપોરેટ જગત માટે નોકરીને લાયક છે ? એ લોકો તો એમ જ માને છે કે ઠીક છે કે આ વ્યક્તિ છ વર્ષ અંગ્રેજી-ગણિત કંઈક શીખ્યો છે તો એને દાખલ કરો. પછી બધું જ ‘On-Job-Training’ પર જ ચાલતું હોય છે. એ લોકો તો ઉમેદવારની એટલી જ તપાસણી કરે છે કે એ થોડો હોંશિયાર છે કે નહિ. બાકીનું એમને કંઈ જોવાનું હોતું નથી. એમાંય આપણે એમનું કામ સહેલું કરી આપીએ છીએ કારણ કે MBA એટલે મેરિટ લિસ્ટ ! એ લિસ્ટમાં હોય એ બધાને દાખલ કરી દેવાના ! પછી એને ટ્રેનિંગ આપી દો ! – આ આપણે કરવા જેવાં કામ નથી. આપણે કોર્પોરેટ જગતની Responsibility નથી. આપણી સ્કૂલોની અંદર આપણે શું લખીએ છીએ ? तमसो मा ज्योर्तिगमय, सा विधा या विमुक्तये આ વિદ્યા એટલે કોપોરેટમાં નોકરી મળે એની જ વિદ્યા ? એવું ના હોય ભાઈ. આ શિક્ષણ પાસે બહુ અપેક્ષા ના રાખતા. દુકાન ચલાવવા માટે ઠીક છે. શિક્ષણનું વ્યાપારીકરણ થાય તો એને ખાનગીકરણ ન કહેવાય. શિક્ષણને શિક્ષણ તરીકે ચલાવશો, નાગરિક પેદા કરવાની કોશિશ કરશો તો એ સદભાવી નાગરિક જ થવાનો છે. એને આ ગાંધીના રસ્તે ‘નયી તાલીમ’માં નાખવો પડશે. બાકી તો બધું શીખી શકાય પણ મુખ્યત્વે એનું હૃદય કેળવવાનું છે. હૃદયની અંદર સિંચન કરવાની જરૂર છે. હૃદય-સિંચન કરવાથી જ આ થવાનું છે. ધન્યવાદ.

.

[પ્રથમ દિવસ : બીજી બેઠક]
[વિષય : સામાજિક સદભાવના અને કલા-સાહિત્ય.]

મધ્યાહન ભોજન અને વિરામ બાદ પ્રથમ દિવસની બીજી બેઠક બપોરે બરાબર સાડા ત્રણ કલાકે શરૂ થઈ હતી. આ બેઠકનો વિષય હતો ‘સામાજિક સદભાવના અને કલા-સાહિત્ય’. બેઠકનું સંચાલન જાણીતા હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગરે કર્યું હતું. તેમના પ્રારંભિક વક્તવ્ય બાદ જાણીતા સાહિત્યકાર શ્રી મણિલાલ. હ.પટેલ તેમજ સુપ્રસિદ્ધ ફિલ્મ કલાકાર ફારુખ શેખે આ વિષયને અનુલક્ષીને પોતાનાં વક્તવ્ય રજૂ કર્યા હતાં. આ બેઠકના અનુસંધાનમાં રાત્રિ કાર્યક્રમ અંતર્ગત ફારુખ શેખ અભિનિત ફિલ્મ ‘ગર્મ હવા’ સ્ક્રીન પર બતાવવામાં આવી હતી. ચાલો, આપણે આ બીજી બેઠકના બંને મહાનુભાવોને માણીએ.

(વક્તા : શ્રી મણિલાલ હ. પટેલ)

ઉશનસનું ઘાસ વિશે એક નાનકડું કાવ્ય છે :

અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફૂટતું ઘાસ,
એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી…..

સવારે શિક્ષણ દ્વારા સદભાવનાને કેવી રીતે સંકોરી શકીએ એની વાત થતી હતી ત્યારે ઉમાશંકરની યાદ આવે. ઉમાશંકરે એ જ વાત જુદી રીતે કહી. ઉમાશંકરે કેટલાક કાવ્યોમાં આ વિચારો મૂકેલા છે તે જરા જુદી રીતે અહીં રજૂ થયેલાં. ઉમાશંકરની બહુ જાણીતી મુક્તક જેવી પંક્તિઓ છે. એ પંક્તિઓમાં તે કહે છે કે :

ત્રણ વાનાં મુજને મળ્યાં,
હૈયું, મસ્તક, હાથ.
બહુ દઈ દીધું નાથ,
જા, હવે ચોથું નથી માગવું.

ગાંધીએ જે કેળવણીની વાત કરી અને પછી જે ઉત્તમ નમૂના પેશ કર્યા એ પછી તે રીતે કામ કરતી લોકભારતી કે પિંડવળની સંસ્થાઓ કે ઉત્તર ગુજરાતની એ પ્રકારની સંસ્થાઓ તરફ નજર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે એ બધી સંસ્થાઓએ ‘હૈયું મસ્તક અને હાથ’ – આ ત્રણેયની કેળવણીની વાત કરી. આ સંસ્થાઓમાં મેં જોયું છે કે પરિણામો જુદાં છે. હું પોતે પાંત્રીસ વર્ષથી શિક્ષણના ક્ષેત્રમાં જોડાયેલો છું તેથી મારો અનુભવ છે કે જો આપણી ખરેખરી નિસ્બત હોય અને આપણે સાચી નિષ્ઠાથી કામ કરતાં હોઈએ તો એના પરિણામો અચુક આવે છે અને સારા આવે છે. હું તો એમ કહેવાની પણ છૂટ લઉં કે જ્યાં શિક્ષક ઊણો ઊતરે છે કે ઓછો ઊતરે છે ત્યાં જ પરિણામો આપણે ધારીએ છીએ તે પ્રકારનાં આવતાં નથી. ઘણા બધા કારણો શિક્ષકો આગળ ધરે છે એ જુદી વાત છે. શિક્ષકે વિદ્યાર્થી મટ્યા વગર શિક્ષક બનવાની ભૂમિકા ભજવવાની છે.

સૌથી અગત્યની છે હૃદયની કેળવણી. હું માનું છું કે સાહિત્ય આપણને વિચારવા પ્રેરે છે. સાહિત્ય આપણને શાણા પણ બનાવે છે. સાહિત્ય આપણને તિતિક્ષા શીખવે છે. સાહિત્ય આપણને ધીરજ બંધાવે છે. સાહિત્ય આપણને જગતને જોવાની દષ્ટિ આપે છે. આપણને પરંપરાઓમાંથી કેટલીક ઉત્તમ વસ્તુઓ કેમ સારવી લેવી એ શીખવે છે અને વર્તમાનના વિષને એટલે કે વર્તમાનની વિષમતાઓને કેમ જોવી, એમાંથી જેટલું સમાધાન થાય તે કરીને આગલા સમયને જોવો – એ પણ સાહિત્ય શીખવી શકે છે. એટલે આરંભમાં મેં ઉશનસના કાવ્યની વાત કરી. જે સંસ્કૃતિમાં એક ઘાસનું તણખલું તોડવાની પણ મનાઈ હોય એ સંસ્કૃતિમાં આપણે કેટલો બધો વિનાશ કરીને યંત્રસંસ્કૃતિના ખોળે જઈને બેઠાં. આપણે જો પ્રકૃતિને સાચવીને યંત્રસંસ્કૃતિ રચી હોત તો આજે જે આપણે લાય-લાય છીએ તે લાય-લાય ન હોત. જે માનવ સમાજ પ્રકૃતિનો આવો વિનાશ કરે અથવા તો પ્રકૃતિને ઓળખે જ નહિ એનું તો શું કહેવું ? આપણામાંથી એવા કેટલા માણસો હશે જે આપણી આસપાસના બધા જ ઝાડને ઓળખતા હોઈએ ? બે-પાંચ ઝાડને જ આપણે જાણીએ. એવું જ આપણું બે-પાંચ ફૂલો અને બે-પાંચ પંખીઓ વિશેનું છે. જો આપણે આપણા પરિસરને પણ ન જાણીએ તો આપણો વિદ્યાર્થી ક્યાંથી જાણવાનો હતો ? આપણો અધ્યાપક, આપણો બેંકનો કર્મચારી, પોસ્ટઑફિસનો માણસ એ જો આ પરિસરને ન જાણતો હોય તો તો પછી…. તમને એમ થશે કે એ વગર કશું બગડી નથી જતું, પણ એવું નથી. એનાથી ઘણું બગડી જાય છે. એમ થવાથી ઈન્દ્રિયો જુઠ્ઠી અને બુઠ્ઠી થતી જાય છે. દુર્ગંધ આવે ત્યારે જ વિદ્યાર્થીને ખબર પડે છે કે એને નાક છે ! વિદ્યાર્થીને એમ નથી થતું કે હું આ પસાર થઉં છું અને આ જે મહેક આવે છે તે મોગરાની છે અથવા સાંજ પડી છે તો કોઈના આંગણે મધુમાલતી મ્હોરી ઊઠી છે. એને એટલી ખબર ન પડે તો એ એટલો જડ જ છે. ધ્યાન રાખો કે જીવન વિસંવાદોથી ભરેલું છે, જીવન સમસ્યાઓથી ભરેલું છે. જીવન તો આક્રમણ જ કરે છે. તમારી અને મારી બધી ઈન્દ્રિયોને બુઠ્ઠી અને જુઠ્ઠી કરી દેવાનું કામ જીવન કરે છે. યંત્રસંસ્કૃતિએ તો બળતામાં ઘી હોમ્યું. એ બધું ધાર પાડવાનું કામ કરે છે તો એની સામે સાહિત્ય, પ્રકૃતિ અને કળાઓ ધીમે ધીમે પેલી ધાર ન પડે અને આપણા જીવનને ધાર નીકળે અને આપણી સંવેદનાને ધાર નીકળે તેમાં મદદ કરે છે.

ઉમાશંકરે એટલે જ કહ્યું કે આ દુનિયામાં માનવી એકલો નથી. પંખીઓ, વનસ્પતિ વગેરે અનેકઘણું છે. પ્રકૃતિને ઉવેખીને માણસ સ્વપ્નમાં પણ સુખની છાયા નહીં પામી શકે. આજે આપણે સ્વપ્નમાં પણ સુખની છાયા માટે તલસીએ છીએ એવી ભૂમિકાએ પહોંચ્યા છીએ. દરેક જમાનો બત્તી ધરતો જ હોય છે. મેઘાણીએ એમના જમાનામાં જે ફરિયાદો કરેલી એ આપણે આજે એમના પુસ્તક ‘પરિભ્રમણ ભાગ-1-2’માં વાંચીએ તો આપણને એમ લાગે કે ‘ઓહ ! એમના જમાનામાં પણ એમણે એમ કહેલું કે માણસો વાંચતા નથી ? નકામા પુસ્તકો પ્રગટ થાય છે, આને વાર્તા ન કહેવાય…’ વગેરે અનેક ફરિયાદો આજે પણ છે જ. પ્રકૃતિથી જેમ જેમ આપણો વિચ્છેદ થતો જાય છે તેમ તેમ આપણે સંવેદન જડ થતા જઈએ છીએ. આપણી સંવેદનાને સાબૂત રાખવાનું કામ ઘણે અંશે આપણે પ્રકૃતિ અને સાહિત્યમાંથી કરી શકીએ એમ છીએ. વિષમ જીવન અને યંત્રસંસ્કૃતિ માણસને વધારે ને વધારે લાગણીશૂન્ય અને સંકુચિત બનાવે છે. સાહિત્ય તો કલાઓ દ્વારા પ્રકૃતિનો સહારો લઈને પણ માણસની સંવેદનાને ધાર કાઢવાનું કામ કરે છે.

ઉશનસે જે ઘાસની વાત કરી એ ઘાસની તમે તાકાત તો જુઓ ! આપણને એમ કહેવાનું મન થાય કે ‘ઘાસ સત્ય, જગત મિથ્યા….’ ઘાસ આપણે નહોતા ત્યારે પણ હતું અને આપણે નહીં હોઈએ ત્યારે પણ એ તો હોવાનું જ. એ ઘાસ ધીમે ધીમે વગડામાંથી ફળિયામાં આવે છે, ફળિયામાંથી શેરીમાં, શેરીમાંથી આપણા ઊંબરા પર આવે છે અને આપણા ઉંબરેથી છેક ઘરની અંદર પ્રવેશવાની કોશિશ કરે છે. થોડાક દિવસ આપણી ગેરહાજરી હોય તો એ ઊગી જાય છે – રાજાના રાજમહેલમાં, ભીંતો પર, સિંહાસનો પર અને છેક ઉપલા માળ સુધી ઘાસ ઊગી જાય છે. એની તાકાત જુઓ ! માણસ તરીકે આપણે કુદરતને પણ જાણવી પડે અને પોતાની પ્રકૃતિને પણ જાણવી પડે. જયન્ત પાઠકે ‘વગડાનો શ્વાસ’ નામની એમની રચનામાં આ વાત સરસ રીતે કહી છે. ‘આ નભ ઝૂક્યું તે કાનજી’ના કવિ પ્રિયકાન્તે પણ એ વાત કરેલી છે. પ્રકૃતિમાં માત્ર સૂરજની ગેરહાજરી થાય અને સાંજનો એક જુદો ચહેરો આપણી સામે આવે છે. સાંજની એક જુદી સુગંધ આપણને ઘેરી વળે છે. એ જ રીતે સવારે સૂર્યોદય પૂર્વે અને સૂર્યોદય થાય એટલે અને એ પછી થોડી કરડી સવાર થાય અને પછી બપોર થાય – આ બધી જ વખતે એની સુગંધો જુદી હોય છે. ઋતુ પ્રમાણે સુગંધ જુદી હોય અને મોલ પ્રમાણે જુદી હોય. ડાંગરની જુદી હોય. મકાઈના ખેતરને છણગા આવ્યા હોય, મૂછિયા ફૂટ્યાં હોય અને પસાર થઈએ ત્યારે એક જુદી સુગંધ હોય. એમાંથી પસાર થતો પવન હળુ-હળુ ઝાંઝર બજાવતો હોય છે. કોઈ વહુવારુ બે જણીઓ દાતરડા લઈને નીકળી હોય અને કોઈ અલક-મલકની દુનિયામાં એ શેઢે ઘાસ વાળતાં વાતો કરતી ડૂબી ગઈ હોય તો આ વઢાતા ઘાસ પછીની એક સુગંધ, લણાતા મોલ પછીની એક સુગંધ – આ બધી જ વસ્તુઓ આમ તો આપણા માટે છે. એ બધું જ લઈને આપણે આવેલા છીએ. આ બધી જ વસ્તુઓ મળીને આપણે બનીએ છીએ. ‘હોવાપણું’ અનેક રીતે સમૃદ્ધ હોવું જોઈએ.

જયન્ત પાઠકની કવિતા પણ કંઈક આવા ભાવો પ્રગટ કરે છે. આવું એક રૂપકડું કાવ્ય દરેક શિક્ષકના ખિસ્સામાં હોવું જોઈએ તો એને સદભાવ-સમભાવનો ખ્યાલ આવે. પરંતુ આપણે ત્યાં તો બધી જ જવાબદારીઓ ભાષા શિક્ષકના માથે મૂકીને અન્ય અદ્યાપકોએ પોતાના માથેથી દાવ ઊતારી દીધો છે. એ લોકો એમ માને છે કે કલ્પનાઓ બધી ભાષા શિક્ષકોએ કરવાની, અમારે શાની કલ્પનાઓ કરવાની ? ત્યારે એમ કહેવાનું મન થાય છે કે પી.સી.વૈદ્યને વાંચો. એમના ગણિતના અને અન્ય પુસ્તકો વાંચો તો ખબર પડશે કે ‘ક્રિએટીવીટી’ તો ત્યાં પણ એટલી જ છે. જે માણસ પ્રકૃતિને અને એની એકાદ લીલાને પણ ન જાણતો હોય, એ માણસ પોતાનું એવું કોઈ સંવેદન ઊછેરી શકતો નથી કે બીજા સુધી પહોંચાડી શકતો નથી. એટલે જ કળાઓની અને સાહિત્યની જરૂર તો જમાનાઓથી છે. દરેક ભાષાને, દરેક પ્રજાને, દરેક જમાનાને પોતાનું સાહિત્ય, ભલેને એ લોકસાહિત્યરૂપે હતું કે પછી પોતાના ધર્મશાસ્ત્રરૂપે હતું – પણ એ બધું હતું તો આજે આપણે આ સ્થિતિમાં છીએ. પરંતુ તેમ છતાં દરેક જમાનામાં કવિતા પાસે આપણે કંઈ દળણાં ન દળાવી શકીએ. એણે ક્યારેક તો આનંદ આપવાનો છે ને ! જો કવિતા પાસે પણ આપણે વૈતરાં કરાવવાના હોય તો મને લાગે કે નિબંધો શું કરશે ? હવે તો નિબંધો પણ લલિત થયા છે. સાહિત્યકારનો શબ્દ પરોક્ષે પણ આનંદ આપ્યા પછીયે વાત તો જીવનની જ કરે છે. જીવન માટે પથ્ય શું છે એનો સંકેત જ કરે છે. કવિતા રચતા મૂર્ધન્ય કવિની બહુ મોટી રેન્જ હોય છે. જેને સાચકલાં કવિઓ કહેવાય એની આ વાત છે. આજે જેમ અનેક લોકો કવિ બની જાય છે એવાંની આ વાત નથી. એ તો જો કે નર્મદના જમાનામાં પણ હતા. કાળ બધાને ઓળખે છે, કાળ બધાની વલે કરતો હોય છે. આજે નહીં-નહીં તોયે 400-500 જણાં ગઝલો લખે છે; નીચે એક જ નામ લખો તો ચાલે એવી ગઝલો – માત્ર પાંચ-સાત જણને બાદ કરતાં. એક સંગ્રહ મારી પાસે આવે છે અને મને થાય છે કે કેટલા બધાં વૃક્ષોનો વિનાશ થયો. એટલે એ લોકો હવે બ્લોગ કરતાં થયાં છે. એ લોકો જુદી જુદી રીતે પ્રકાશન કરતાં થયાં છે. ખેર, અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છે. પણ હું એ કહી રહ્યો હતો કે સાચકલાં કવિનો વિસ્તાર બહુ હોય છે. એ નાનકડી વાત કહે પણ તેમાં ઊંડાણ અને વિસ્તાર ખૂબ હોય છે. એવા કવિ પ્રિયકાન્ત મણિયાર ‘એ લોકો’ નામના કાવ્યમાં ખૂબ સરસ વાત કરતાં કહે છે :

એ લોકો પહેલાં અનાજની ગુણો ભરી સીવી રાખે છે
પછી જ્યારે ભૂખ્યો માણસ સડી જાય ત્યારે
કિલો કિલો વેચે છે.

એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે
વાર વાર વેચે છે.

એ લોકો પહેલાં ઔષધની શીશીઓ ભરી રાખે છે
અને જ્યારે માંદો માણસ ફૂટી જાય ત્યારે
ટીપું ટીપું રેડે છે.

તે તે લોકો છે જ નહીં,
એ તો છે નોટો ને ખાઇ ઊછરતી ઊધઇ
એને એ સિવાય કશું ભાવતું નથી.

મારે કવિ થવું જ નથી,
ભયંકર અસર કરનારી કોઈ જંતુનાશક દવા થાઉં તોય ઘણું !

કવિનો કેટલો બધો આક્રોશ આ કાવ્યમાં છે ! કવિ હોવું વરદાન ભલે હશે પણ એ બહુ જ પીડાદાયક છે. વહાલો વેઠવા માટે આપણી વરણી કરે ને એ સદભાગ્ય કહેવાય. કવિનું એ સદભાગ્ય છે. વેઠ્યા વિના તો કોઈ શબ્દ આવતો નથી. આવ્યો હોય તો તમે જોજો એમાં એવી બરકત નહીં હોય. સાચકલાં અન્ય એક કવિ ઉમાશંકર ‘રહ્યાં વર્ષો’ નામનાં સોનેટમાં સદભાવને વાચા આપતી એક સુંદર બાબત લખે છે કે માણસ ભોળાભાવે જમાનાને પલટવા જાય તો એ પોતે જ પલટાઈ જતો હોય છે. જમાનો એનો સમય આવે છે ત્યારે બદલાય છે. શિક્ષણ આવે, સગવડો આવે અને સગવડો પછી જો માણસનામાં સાત્વિકતા હોય તો ધીમે ધીમે એનો વિચાર બદલાય છે અને એ વિચારનું અમલીકરણ તો બહુ જ ધીમી ગતિએ થતું હોય છે. એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તન એ કંઈ એમ જ નથી આવતું. દરેક માણસમાં ઓછા વત્તા પ્રમાણમાં રાવણતા હોય છે. માત્ર એ માથું ના ઊંચકે એટલું જોતાં રહેવાનું હોય છે અને પોતાની જાતને જટાયુ બનવા પ્રેરતા રહેવાનું હોય છે. એ સંઘર્ષ કોઈને કોઈ રૂપે આપણે બધા કરતાં હોઈએ છીએ. આ બાબતે મને ઉશનસનું ‘વળાવી બા આવી’ યાદ આવે છે.

રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘરમહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની

વસેલા ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજનાં
જવાના કાલે તો જનકજનની ને ઘરતણાં

‘બા નો ફોટોગ્રાફ’ નામના એક અન્ય કાવ્યમાં પણ કવિ કહે છે કે કોઈક ઉદ્યોગપતિના દીકરાઓ બાને કાયમ યાદ રાખવા માટે શહેરમાં ફોટોગ્રાફ પડાવવા નથી લઈ ગયાં એ તો કદાચ બા ગુજરી જાય અને એમના બેસણામાં એમનો ફોટો ના હોય તો આસપાસના લોકોને કેવું લાગે એ માટે બાને ફોટો પડાવા લઈ જાય છે ! આજે સંયુક્ત કુટુંબો પણ તૂટવા લાગ્યા છે. સંવેદન જડતા કદાચ એના કારણે પણ ઘણી બધી હશે. આપણા બાળકોને પંચતંત્ર અને બીજી ઘણી બધી વાર્તાઓની ખબર નહીં પડતી હોય. દાદા-દાદીની વાર્તાઓનો બાળકને જે લાભ મળવો જોઈએ તે બહુ ઓછી જગ્યાએ મળતો હશે. સંયુક્ત કુટુંબો તૂટવાનો પ્રારંભ તો ઓગણીસમી સદીના અંતભાગથી થયો. સુંદરમ વીસમી સદીના મધ્યભાગમાં આ વાત ફરીથી કહે છે કે હવે તો કુટુંબો જ તૂટી રહ્યાં છે. એક નાનકડું કુટુંબ હોય તોય એમાં બાની બાદબાકી ! ઘણું ખરું તો બા વિધવા હોય. એકલી હોય. આ ‘વળાવી બા આવી’ની બા પણ એકલી જ છે ને. એને સાથ આપનારા સદાના ગંગાસ્વરૂપ ફોઈ બેઠેલાં છે. બાળવિધવા થયા હશે ત્યારથી અહીં આવી ગયા હશે. તમે જુઓ કે કવિ કેવી રીતે વર્ણન કરે છે:

સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા
ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું

બપોરે બે ભાઈ અવર ઉપડ્યાં લેઈ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિયવચન મંદસ્મિતવતી

વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ
ગૃહવ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે

વળાવીને બા આવી ત્યારે એને તો ગઈકાલની ખબર છે કે શું થવાનું છે. બધા સંતાનો ક્રમશ: ચાલવા માંડ્યા. છેલ્લે ‘ગૃહવ્યાપી’ શબ્દમાં જાણે બાને ઠોકર વાગી હોય એવું દ્રશ્ય કાવ્યમાં ઊભું થાય છે. ‘પડી બેસી પગથિયે’ એમ કહ્યું છે એટલે કે જાણે પડતું મૂકતી હોય એમ બેસી પડી છે. આપણામાંથી કોણ બાને આ રીતે પડતું મૂકીને નથી નીકળી ગયા એ કહો ? બા આપણને વિદાય આપવા આવી અને પછી આપણે આપણી બસમાં, ટ્રેનમાં, ગાડીમાં દૂર સુધી નીકળી ગયાં છે એકલાં અને એકલપેટાં.

આ સંદર્ભમાં હવે પન્નાલાલની વાર્તા વિશે થોડી વાત કરું. એમની એક વાર્તા છે : ‘મોરલીના મૂંગા સૂર.’ સદભાવ શું કરી શકે એની આમાં વાત છે. એમાં એક વહુ છે. એ સાસરે રહે છે. પરંતુ સાસરામાં કોઈ જોડે એને બનતું નથી. પતિ જોડે પણ એને ફાવતું નથી. મૂળ કારણ એ છે કે પિયરનો એક પડોશી એનો પ્રેમી છે. એ પાડોશી પણ પરણેલો છે. એણે આ વહુને આશ્વાસન આપ્યું હોય છે કે મારે છુટાછેડા થશે એટલે તને લઈ જઈશ. મેળામાં તેઓ નિયમિત મળતા હોય છે. પહેલો મેળો, બીજો મેળો, ત્રીજો મેળો. અંતે તો કંટાળીએ આ વહુ પોતાના પ્રેમીને કહે છે કે ‘જો હવે મને અહીં જરાય ફાવતું નથી. રોજ ગુસ્સો કરવો અને તોબરો ચઢાવીને બેસી રહેવું ગમતું નથી.’ પેલો કહે છે કે આવતા મેળામાં ચોક્કસ તને લઈ જઈશ. પેલી વહુ કહે છે કે આ દિવસો મારા જતા નથી એનું શું કરું ? પ્રેમી એને સમજાવે છે કે ‘તું એવું કરને કે થોડો ડોળ કર. તારા સાસરિયા તરફ થોડો ભાવ રાખ. આ ભાવ એટલે સદભાવ. તારે ક્યાં ખરેખર વર્તવું છે ? તું દેખાડો કર.’ વહુને લાગ્યું આ બરાબર છે. એવું કરું તો દિવસો જતા રહેશે. એણે એ જ દિવસથી તરત શરૂ કર્યું. એ મેળામાંથી ઘેર ગઈ તો નણંદ માટે થોડી બંગડી લેતી ગઈ. સાસુ માટે દેરાં લીધાં. બુંદી અને જલેબી તો એ જમાનાના ગામડામાં ભારે મીઠાઈ ગણાતી. એણે એ પણ લીધી. પતિ માટે એક વાંસળી લીધી અને એ ઘરે પહોંચી. ઘરનાને તો ખબર કે ગમે તેની જોડે ફરીને આવી હશે. આપણે શું ? જે રોજ છણકા કરે, વડચકાં ભરે એની સાથે શું વાત કરવાની ? સાસુ એનું કામ કરતાં હતાં, નણંદ એનું કામ કરતી હતી, ભાઈ તો ખેતરે હતાં. એણે નણંદને બોલાવ્યાં અને કહ્યું કે તારા માટે બંગડી લાવી છું. નણંદને આશ્ચર્ય થયું કે ભાભી મારા માટે બંગડી લાવ્યા ? સાસું પોદળાં ભરીને આવે છે તો વહુ કહે છે કે લાવો બા, હું વાસીદું ભરી દઉં છું અને પછી અંદર આવે છે ત્યારે કહે છે કે ‘બા, તમારા માટે જલેબી અને બુંદી લાવી છું અને આ દેરું કાલે સવારે ખાજો.’ સાસુનેય થયું કે શું વાત છે આજે કંઈ ? એનો પતિ ખેતરેથી આવ્યો અને હોકો પીતો બેઠો એટલે એણે ધીમે રહીને વાંસળી આપી અને કહ્યું કે આ તમારા વાસ્તે લાવી છું. પાછા વગાડજો કોક’દી ! – ત્રણેય જણને બહુ આશ્ચર્ય થયું કે આ શું છે આજે ? વહુ એ તો નક્કી કરેલું એટલે પછી રોજ સવારથી બધું બદલાઈ ગયું. એણે રસોઈ કરવા માંડી, નણંદ સાથે કામ, સાસુ સાથે કામ. બહુ મજાથી ઘર ચાલવા માંડ્યું. ઘરમાં આનંદ-આનંદ થઈ ગયો.

પરંતુ કાળ તો કોને છોડે છે ? મેળો તો પાછો આવીને ઊભો રહ્યો ! એને યાદ આવ્યું કે આ મેળામાં તો જવાનું છે અને હવે તો મારે એની જોડે જવાનું…. એને થયું કે ના રે, એ તો હવે કેવી રીતે બને ? એ તો બધું ભૂલી જ ગયેલી. છેવટે મેળામાં તો એ વહુ જાય છે. એણે વચન આપેલું એટલે જવું પડ્યું. મેળામાં પ્રેમી તો તૈયાર હતો. જેવી આ આવી એટલે તરત એણે કહ્યું કે ‘જો પંદર દિવસ પહેલાં જ મારા છૂટાછેડા થઈ ગયા છે. ચાલ, હવે આપણે જતા રહીએ.’ તરત આ વહુ કહે છે કે ‘ના, મારાથી હવે એ લોકોને છોડીને ન અવાય. હું ના આવું.’ પેલો એને પૂછે છે કે એવું કેમ ? તો વહુ કહે છે કે તેં કહેલુંને કે ‘ભાવ રાખ, પણ મને હવે ખબર પડી કે ઓહ ! ભાવમાં આટલો બધો જાદુ હોય છે ? મને તો બહુ મજા પડી.’ પેલો કહે કે ‘પણ મેં છૂટાછેડા આપ્યા છે એનું શું ?’ – છેલ્લે પન્નાલાલ લખે છે કે પેલી વહુ એને કહે છે કે મેં કર્યું છે એ તુંય કર ! તું પણ જા અને એને પાછી લઈ આવ. વાર્તા અહીં પૂરી થાય છે. કહેવાનો અર્થ આ રીતે પ્રેમ માણસને જોડે છે. તમને એનો અનુભવ થાય તો એ બદલે છે. દુનિયામાં બે વસ્તુ માણસને બદલી નાખે છે : એક પ્રેમ અને બીજું શિક્ષણ એટલે કે કેળવણી. 16-17 વર્ષના છોકરા છોકરીને કોઈ ધારીને જુએ તો એ દર્પણ પાસે વધારે વાર ઊભા રહે છે. આ તો બાહ્ય બદલાવ છે પણ પ્રેમ માણસને ધીમે ધીમે અંદરથી બદલે છે. મૂળે તો પ્રેમ વડે જ બધું બદલાય છે. એ રીતે કેળવણી માણસને બદલે છે. આપણે કેળવાઈએ ત્યારે બધી વસ્તુ સાવ જુદી રીતે આપણી સામે આવે છે. કેળવણી આપણી સામે ધીરે ધીરે એવી બાબતો ખુલ્લી મૂકે કે આપણને એમ લાગે કે ઓહ, કોઈ બાબતનો કંઈ વાંધો છે જ નહિ. જેટલી ગાંઠો છૂટે એ સારું. જો એ ગાંઠો આપણને કેળવણી નહીં છોડી આપે, જો એ ગાંઠો સાહિત્ય આપણને નહીં છોડી આપે તો તો પછી કોણ છોડશે ?

હું તમને એ કહેતો હતો કે તમે ધ્યાનથી વિચારો કે આપણામાંથી કોણે એક વૃક્ષને બરાબર જોયું છે ? આપણે દાવો તો કરીએ છીએ કે આપણે બધા વૃક્ષો જોયા છે પણ હકીકતે ક્યાં જોયા છે ? અમૃતલાલ વેગડનો દાખલો યાદ કરીને કહું કે અમૃતલાલ વેગડને ચિત્ર દોરવાનું કહ્યું અને પછી એ નંદલાલ બોઝ પાસે ગયા અને એમણે કહ્યું કે વૃક્ષનું ચિત્ર દોરી લાવ, તારી પેલી બારી પાસે છે તે. બીજે દિવસે એ તો દોરીને ઊભા રહ્યા. એ તો નવેનવા શાંતિનિકેતન ભણવા જબલપુરથી ગયેલા. બોઝ સાહેબે ચિત્ર જોયું નહિ. માત્ર ઊંધું મૂકી દીધું. એ પછી અઠવાડિયું થયું અને બે અઠવાડિયા થયા. એમને એમ કે બોઝ સાહેબ અભિપ્રાય આપે તો આગળ કામ કરું. એક દિવસ તે નંદલાલ બોઝ પાસે જાય છે ત્યારે બોઝ કહે છે ‘હા, લાવ એ ચિત્ર.’ એમણે હાથમાં લઈને એ જોયું અને પછી કહે કે મૂકી દે. એ પછી બોઝે અમૃતલાલ વેગડને ધીમે રહીને પૂછ્યું કે તેં ઝાડ બરાબર જોયું છે ? એટલે એમણે કહ્યું કે હા, મેં બરાબર જોયું છે. એ પછી બોઝ જે કહે છે તે આપણે સૌએ આપણી જાતને કહેવાનું છે. બોઝે કહ્યું કે તેં એને સવારે સૂર્યોદય પહેલાં પંખીઓ એની પર ગાતાં હતાં ત્યારે જોયું ? અમૃતલાલ કહે કે ના, મેં એમ તો નથી જોયું. બોઝ કહે કે સૂર્યોદય થયો અને તડકાનાં કિરણો એની આરપાર જતાં હતાં, એની પર સૂરજ વરસતો હતો, ત્યારે તેં જોયું ? તો કહે કે ના. ખરા બપોરે કોઈ જ નહોતું, બધા જંપી ગયા હતા, એની છાયા પણ એના થડમાં આવી ગઈ હતી, ત્યારે તેં એને જોયું ? અરે, સૂરજ આથમવા ગયો અને ઈશ્વર જાણે વૃક્ષોના થડ રંગતો હોય એવો તડકો હતો, ત્યારે તેં એને જોયું ? ચાંદની વરસતી રાતે તેં એને જોયું ? એને તેં અંધારામાં જોયું ? વરસાદ વરસતો હતો ત્યારે તેં એને જોયું ? વેગડ સાહેબ કહે છે કે, ‘ના, ગુરુજી ના. મેં જીવનમાં વૃક્ષ જોયું જ નથી.’ પોતાને તમાચો મારતાં એ નીકળી ગયાં અને પછી એ ચિત્રકાર થયા. આપણે પણ ક્યારેય વૃક્ષને એ રીતે જોતા નથી. શિક્ષકો તો ખાસ !

હું તો ચોપડી પણ આવે તો સૌથી પહેલાં ખોલું, એના કવરપેજ પર અને બધે હાથ ફેરવું. હું એને પહેલાં સ્પર્શું છું. પછી એને ખોલીને સુંઘું છું. ઓહ ! કેવી તાજી ! એમ સુંઘતાં સુંઘતાં વિચારું છું કે આ પુસ્તક મારા સુધી આવ્યું એ પહેલાં એણે સો માણસોને રોજી આપી હશે. એ કંઈ સીધું મારી પાસે નથી પહોંચી ગયું. એ પછી હું પુસ્તક વાંચું છું ત્યારે આંખ ભીની થાય એવી ક્ષણો આવે છે ત્યારે લાગે છે કે ઓહ ! આ મારી વાત. સાહિત્ય ત્યારે જ આપણું થાય છે કે જ્યારે પેલા પાત્રો, ચરિત્રો અને એમની લાગણીના છેડાઓ આપણી લાગણીઓ અને ભાવનાના છેડાઓને મળે. ત્યારે આપણી અંદર રસપ્રકાશ થાય છે. એક લેખક થવું એ તો બરાબર છે પણ એક ઉત્તમ ભાવક થવું એ કપરું કામ છે. જેને કાયમ ચોપડીઓ સાથે કામ પાડવાનું એવા શિક્ષકો અને અધ્યાપકો જો એ ન થઈ શકે તો કોણ થશે ? પણ મને કહેવા દો કે આ શિક્ષકો અને અધ્યાપકો કરતાં બીજા ક્ષેત્રના માણસો જ વધારેમાં વધારે વાંચે છે. એવું જ જગતનું છે. આપણા સમૂહમાધ્યમો એટલા બધા નેગેટીવ સમાચારો છાપે છે કે સવારમાં આપણને એમ થાય કે અરેરે, આટલું બધું ખરાબ છે જગત ? પણ એવું નથી. સવારે નીકળીએ છીએ અને વાડામાં ઘાસ પર ઝાકળ પડેલું હોય છે. બુલબુલ બોલતું હોય છે. રસ્તે ચાલતાં જઈએ તો સાપ લીસોટાં અને ચકલાંની પગલીઓ પડેલી હોય છે. ખેતરે જઈએ છીએ તો જુદો પવન અને જુદી મોજ છે. ક્યાંક કોઈ માણસ કોઈને માટે ભાત લઈને જાય છે. ક્યાંક કોઈ હળુ હળુ ગાય છે. ક્યાંક કોઈ નિરાંતે ઝાડ નીચે બેઠું છે. જગત ઘણું સરસ છે, સાહેબ ! બહુ સરસ ચાલે છે. એ આપણે જોતાં નથી એટલે આપણી જડતામાં રહીએ છીએ. આ નર્યા સિમેન્ટ કોંક્રીટના જંગલો અને આ અવાજોની જ દુનિયા આપણી આજુબાજુ બની જાય છે. મુંબઈના માણસને તમે અહીં મહુવામાં બે દિવસ લાવીને મૂકી દો તો શું થાય ?

અન્ય એક વાર્તા જોઈએ તો ‘પોસ્ટમેન’ વાર્તામાં પણ સદભાવની ભાવના વ્યક્ત થાય છે. પોસ્ટમાસ્તર અલી ડોસાને કહે છે કે તારી ટપાલ ક્યાંથી ? પરંતુ લાગણીના કિનારે દરેક માણસ સરખા છે એ એને પછી સમજાય છે જ્યારે એની દીકરીનો કાગળ માત્ર પંદર દિવસ નથી આવતો. મનુષ્યએ સમસંવેદન અનુભવવાનું છે. પોસ્ટમાસ્તર એની દીકરીના કાગળની રાહ જુએ છે અને થેલો ખાલી કરતાં એકદમ જુદું કવર જુએ છે અને એને થાય છે કે ‘ઓહ, આ તો મારું કવર હશે ને ? આટલા ગામડાગામમાં આટલું સરસ કવર વળી કોના પર આવે ?’ એ કવર નીકળે છે કોચમેન અલી ડોસાનું. એ પછી તે અલી ડોસાની કબર પર કાગળ મૂકવા જઈશું એમ કહે છે. જ્યારે હાજર હતો ત્યારે એને તમે હડધૂત કરતા હતા અને હવે જ્યારે એ હાજર નથી ત્યારે એની કબર પર તમે કાગળ મૂકવા તૈયાર થયા ! આવું થાય ત્યારે ખ્યાલ આવે છે કે સંવેદન બદલાય છે. સદભાવ બદલાય છે.

સદભાવ સાહિત્યની કઈ કૃતિ નથી કરતી એ મને કહો ! તેમ છતાં લખાય છે એ બધું સાહિત્ય નથી. એ રીતે છપાય છે એ પણ બધું સાહિત્ય નથી. અભ્યાસક્રમોમાં આવે છે એ પણ બધું સાહિત્ય નથી. બહુ ઓછું ઉત્તમ સાહિત્ય છે. જે ઉત્તમ સાહિત્ય છે તે માણસને હંમેશા નિરાશ કરતું નથી. એને કોઈને કોઈ રીતે અંદરથી સજ્જ કરે છે. અજંપ કરી મૂકે છે. હિમાંશી શેલતની ‘અકબંધ’ વાર્તા વાંચીએ ત્યારે અજંપ થઈ જવાય છે. એ વાર્તામાં એવું થાય છે કે થોડા સમય બાદ પિયર રહેવા આવેલી દીકરીને બધું બદલાયેલું નજરે પડે છે. એને એમ છે કે મા વહાલથી બોલાવી લેશે પણ એકલી આવેલી જોઈને માને ફડક પેસી જાય છે. નાની બહેન, એક સમયે જે પોતાનો રૂમ હતો એમાં બેગ મૂકવાની ના કહી દે છે. કિચનમાં બધું બદલાઈ ગયેલું છે. પાંદડા પડતાં હોવાથી મધુમાલતી કપાઈ ગઈ છે. અંતે લેખિકા પાછી ફરતી દીકરીના મોંમાં બે વાક્યો મૂકી દે છે અને દીકરી હસી નાખે છે કે ‘આ વખતે એવો વિચાર કરીને આવી હતી કે આ બેગ ભરીને મધુમાલતીની સુગંધ લઈ જઈશ પણ….શું થાય ! જ્યાં મોગરવેલ જ ના રહી !’ એને ડૂમો ભરાઈ જાય છે. અંતે બહેનો હસી કે રડી લેવા સિવાય શું કરી શકે છે ? આંસુ એ આપણી અસ્કયામત છે. કેટલા બધા ડૂમા આપણામાં ભરાઈ ગયા છે. આંસુ એ માણસ હોવાની પ્રતીતિ છે. આપણી પાસેથી બધું કોઈ લઈ લે, આંસુ લઈ નથી લેતું. જમાનાઓથી સૂરજ જેવો સૂરજ તળાવો, નદી સૂકવી દે છે પણ એ તમારી અને મારી આંખોમાંથી આંસુ નથી સૂકવી શકતો. માણસ છે, સદભાવ છે, લાગણી છે, ત્યાં સુધી ખુદા ખેર કરે. સાહિત્ય આપણને સતત સદભાવ તરફ પ્રેરતું રહે એવી એનામાં ગુંજાશ છે. એથી જ્યારે આપણે હારી જઈએ, થાકી જઈએ ત્યારે આપણે હંમેશા સાહિત્યના શરણે જઈએ છીએ અને કોઈ દિવસ પ્રસન્ન હોઈએ ત્યારે પણ એકલા એકલા ગાતાં હોઈએ છીએ. એ સાહિત્યનું જ આખું જગત છે. એના વિના આપણો કોઈ જયવારો નથી હોતો એમ લાગે છે. આ ક્ષણે આટલું જ કહીને વીરમું છું. ધન્યવાદ.
.

(વક્તા : શ્રી ફારુક શેખ)


આપ સૌને પ્રણામ. મિત્રો, ક્યારેક મને ઘણું દુઃખ થાય છે કે મારી ઉંમર જેટલા 64 વર્ષો વીત્યા પછી પણ આપણે આ સદભાવના પર્વ તથા સદભાવના યાત્રા વગેરેનું આયોજન કરવું પડે છે. મને એમ થાય છે કે આઝાદીના આટલા વર્ષો વીત્યા પછી આ પ્રકારના આયોજનો કરવા પડે તે આપણા માટે ખૂબ દુઃખની બાબત છે. બીજું એ કે, તેમાંય ગુજરાતમાં આવીને આ પ્રકારની કોશિશ કરવી પડે એ તો વળી ઘણી વધારે દુઃખદ બાબત છે. કારણકે ગુજરાતમાં મોટા મોટા સંતો થયેલાં છે. એમનો જન્મ અહીં થયેલો છે. એમનો સંદેશો અહીંથી પ્રસરેલો છે. તેમાંના એક તો અત્યારે જ આપણી સામે બેઠાં છે. અન્ય એક, જેની સામે આખું વિશ્વ નમે છે તે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધી. હિન્દીમાં એક કહેવત છે કે ‘जादु वो जो सर चढके बोले.’ ગાંધીજીનો જાદુ એ છે કે એમણે અંગ્રેજોને અહીંથી બિસ્તરાં-પોટલાં લઈને તગેડી મૂક્યાં. માત્ર એટલું જ નહિ, આજે એ લોકોના ‘હાઉસ ઑફ કોમન્સ’માં ગાંધીજીની મૂર્તિ મુકાય છે અને લોકો ત્યાં આવીને શ્રદ્ધાથી ફૂલો ચઢાવે છે – આ ખરેખર જાદુ છે. આ એક એવું કામ છે જે બહુ જ અસામાન્ય વ્યક્તિ કરી શકે. આપ જાણતાં હશો કે આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું હતું કે બહુ જલદી એવો વખત આવશે કે લોકોને વિશ્વાસ નહીં બેસે કે અમારી દુનિયામાં, અમારી વચ્ચે આવો હાડ-ચામનો કોઈ માણસ ફરતો હતો. કારણ કે એમની મહાનતા અને એમના કાર્યો એટલાં પ્રસિદ્ધ છે અને એટલા ઊંચા સ્તરનાં છે કે થોડા વર્ષો પછી લોકો એમ માનશે કે ગાંધી તો કોઈ વાર્તાનું પાત્ર હતા. એ નામનું કોઈ હતું જ નહીં ! આપણે જેમ કહીએ છીએ કે ભગવાન શ્રી રામના જમાનામાં આમ હતું, એમ લોકો થોડા વર્ષો પછી કહેશે કે ગાંધીજીના જમાનામાં આમ થતું હતું ! લોકો ગાંધીજીના જીવનપ્રસંગો વિશે વાતો કરશે પણ એ માનવું મુશ્કેલ થઈ જશે કે ગાંધીજી પણ એક સમયે આપણી જેમ જ બેસતાં હતાં, ચાલતાં હતાં, ફરતાં હતાં અને લોકોનું માર્ગદર્શન કરતાં હતાં. ગાંધીજીની સૌથી પ્રશંસનિય વાત એ હતી કે તેઓ જે કરવાનું હતું એ પહેલાં પોતે કરીને લોકોને બતાવી દેતાં હતાં. આવા આ દેશમાં આવીને 60 વર્ષો પછી સદભાવના યાત્રા કરવી પડે અને ફરી એકબીજાને યાદ અપાવવી પડે કે બધા સરખાં છે તો એ મારી દષ્ટિએ દુઃખદ બાબત છે.

એક વખત હું લંડન કોઈ કામસર ગયો હતો. ત્યાંની એક વાત યાદ આવે છે. એ જમાનાનું યુ.એસ.એસ.આર. એક સમયનું સુપરપાવર હતું. એના ચેરમેન હતા મિખાઈલ ગોર્બાચોવ. એ તે વખતની યુ.કે.ની પ્રધાનમંત્રી માર્ગારેટ થેચરને મળવા આવ્યાં હતાં. લંડનમાં ટીવી પર એ પ્રેસ-કોન્ફરન્સ બતાવવામાં આવી રહી હતી. મને તે જોવાનું મન થયું. એ પ્રેસ-કોન્ફરન્સ મને યાદ રહી ગઈ છે. એની વાત હું ટૂંકમાં કહું. ગોર્બાચોવ ભાષણ આપી રહ્યાં હતાં. એમણે કહ્યું કે ‘ભાઈ, યુ.એસ.એસ.આર અનેક પ્રકારના ધર્મ, ભાષા, જાતિના વગેરેના અનેક ટુકડાઓનો બનેલો સમુહ છે. બધાને ખુશ કેવી રીતે રાખવા અને બધાને સાથે લઈને કેવી રીતે ચાલવું એ મારા માટે બહુ મોટી ચેલેન્જ છે. તો મેં આ માર્ગારેટ મેડમને પૂછ્યું કે તમે તો યુ.કેના પ્રધાનમંત્રી છો અને ઈતિહાસ એવું કહે છે કે બ્રિટને વિશ્વના દરેક ખૂણે ક્યાંકને ક્યાંક તો રાજ કર્યું જ છે. તમે કાળા, ગોરા, નીલા, પીળા, અનેક ધર્મવાળા બધાને સાથે લઈને ચાલ્યા છો અને તમે ‘ગ્રેટ બ્રિટન’ ચલાવ્યું છે. તો તમે મને મૂળ મંત્ર બતાવો કે આવું કેવી રીતે થઈ શકે ? આટલા બધા લોકોને સાથે લઈને ચાલવું અને બધાને સંતૃષ્ટ રાખવાં અને બધાને એવી પ્રેરણા આપવી કે બધા મળીને કામ કરશે તો બધાનું સારું થશે…. આ ફિલોસોફી ગ્રેટ-બ્રિટને લોકોને કેવી રીતે સમજાવી ? તમે મને એ કહો.’ ગોર્બાચોવ ભાષણમાં આગળ બોલ્યાં કે : ‘એ વખતે જે જવાબ માર્ગારેટ થેચરે આપ્યો એ મને યાદ રહી ગયો છે. તે હું વિશેષ જણાવવા માગું છું. માર્ગારેટ થેચરે એ વખતે કહ્યું કે જો તમે ખરેખર એ પાઠ શીખવા માગતા હો તો તમારે હિન્દુસ્તાન જવું પડશે’ – આવું માર્ગારેટ થેચરે યુ.એસ.એસ.આરના ચેરમેનને કહ્યું ! આગળ માર્ગારેટ મેડમે કહ્યું કે : ‘અમે જીતીને રાજ કરવાનું અને લોકોનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ શીખ્યા છીએ પણ બધાને એક કરી દેવાનું મહાન કાર્ય છે એ તો કેવળ ભારતને જ આવડે છે. એ હિન્દુસ્તાન તમને શીખવી શકશે.’ દુનિયાના હજારો વર્ષોના ઈતિહાસને જોતા આ એક જ દેશ એવો છે જેને સૌને એક કરવાની કળા યાદ છે. ફક્ત વાતોથી નહીં, ભારતે એ જીવીને જાતે સૌને બતાવેલું છે.

મૌલાના આઝાદે એક વખત પોતાના ભાષણમાં કહ્યું હતું કે ધારોકે એમને બે ચોઈસ આપવામાં આવે કે હમણાં આઝાદી બે હિન્દુસ્તાનના ટુકડાઓ કરીને આપીએ અને થોડા વર્ષો પછી એક આખું સમગ્ર હિન્દુસ્તાન આઝાદ બને, તો તમે કયું પસંદ કરો ? તો હું એમ કહીશ કે થોડા વર્ષો રાહ જોવા તૈયાર છું પણ મને તો એક જ હિન્દુસ્તાનવાળી આઝાદી જોઈએ છે – એમ કહી મૌલાના આઝાદે કારણ ખૂબ સરસ આપ્યું. એમણે એમ કહ્યું કે ‘દુનિયામાં મળીને રહેવાવાળો આવો કોઈ બીજો દેશ નથી. કોઈ દેશનો આવો ઈતિહાસ પણ નથી. એ પણ પાછું એકબીજાને સહન કરીને નાછૂટકે સાથે રહેવું પડે છે, એ રીતે નહીં. આપ તો અમારા સંબંધી છો, દોસ્ત છો, સહયોગી છો એ રીતે સાથે રહેવાનો બોધ હિન્દુસ્તાને દુનિયાને આપ્યો છે.’ મૌલાનાએ કહ્યું કે ‘હિન્દુસ્તાનના બે ટૂકડા થાય તો આપણું એટલું નુકશાન નહિ થાય જેટલું માનવ સમાજનું થશે. કારણ કે સમગ્ર માનવ સમાજ પાસે બીજું કોઈ આવું ઉદાહરણ જ નથી. તેથી હમણાં આઝાદી નહીં મળે તો સહન કરી લઈશ. પરંતુ આ બે ટુકડાવાળી આઝાદી સહન થાય તેમ નથી.’ આજે આપણે દુનિયાને ઉત્તમ ક્રિકેટરો, એન્જિનિયરો, ડૉક્ટરો વગેરે આપી રહ્યાં છે પણ ભારતે આ જે સહજીવનનો બોધ દુનિયાને આપ્યો છે તે અન્ય કોઈ દેશ આપી શકે તેમ નથી. અન્ય કોઈ દેશ પાસે એવી તાકાત જ નથી.

હમણાં હું તમને ગાંધીજી વિશે વાત કરી રહ્યો હતો. આ સંદર્ભે મને એક વાત યાદ આવી જે આપને કહું. અમે ફિલ્મનું શૂટિંગ કરીએ ત્યારે અમુક વાર ઘણા બધા પુસ્તકો સેટ પર સજાવવા માટે લાવવામાં આવે છે. એમાં જો વચ્ચે સમય મળે તો અમે એ પુસ્તકો લઈને વાંચવાનું શરૂ કરીએ. એવી રીતે એક દિવસ એક પુસ્તક મારા હાથમાં આવ્યું. એ વચ્ચેથી ફાટેલું હતું. એના શરૂઆતનાં પાનાં ગાયબ હતાં. પરંતુ એ પુસ્તક એવા કોઈ આઈ.સી.એસ. ઑફિસરનું હતું જે પાકિસ્તાન બન્યા બાદ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. એ ત્યાંના આઈ.સી.એસ. ઑફિસર બની ગયા હતા અને ત્યાંની હોમ-મિનિસ્ટરીમાં નોકરી કરતાં હતાં. એ પુસ્તકમાં એનો એક પત્ર હતો. એ પત્ર એ જમાનાના ત્યાંના હોમ-મિનિસ્ટરને સંબોધીને હતો. આપને યાદ હશે કે એ જમનામાં ગાંધીજીએ કહ્યું હતું કે આ બંગાળના કોમી તોફાનો શાંત થઈ જાય એટલે હું કરાંચી જવાનો છું કારણ કે ત્યાં હિન્દુઓ પર બહુ અત્યારચાર થઈ રહ્યો છે. ગાંધીજીએ ત્યાં જવાનો પ્રોગ્રામ જાહેર કરી દીધો હતો. ત્યાંના હોમ-મિનિસ્ટરે પેલા આઈ.સી.એસ. ઑફિસરને કહ્યું હતું કે ‘હવે તમે ‘ઈન્ટેલિજન્સ’ વિભાગમાં છો અને ગાંધીજીએ કહ્યું છે કે તેઓ અહીં કરાંચી આવવાના છે તો તમે જરા સર્વે કરી લો કે પરિસ્થિતિ કેવી છે. હજુ હમણાં હમણાં આઝાદી મળી છે અને ક્યાંક એવું ન થાય કે એ અહીં આવે અને કોઈક માથા ફરેલો મુસ્લિમ એમની પર હુમલો કરી દે.’ હવે એ સર્વેનો રિપોર્ટ બનાવીને આ આઈ.સી.એસ ઑફિસરે પેલા હોમ-મિનિસ્ટરને જે લખ્યું એનો એક હિસ્સો હું તમને કહેવા માગું છું. ‘મહાનંદા’ નામની ફિલ્મના સેટ પર આ પુસ્તક મને હાથ આવ્યું હતું. એમાં આ રિપોર્ટ મને વાંચવા મળ્યો. એ રિપોર્ટમાં એમ લખ્યું હતું કે : ‘અમે દોઢ મહિના સુધી સર્વે કર્યો અને તમામ પરિસ્થિતિઓ તપાસી લીધી છે. પ્રોબ્લેમ એ નથી કે કોઈ માથા ફરેલો મુસલમાન ગાંધીજી પર હુમલો કરી દેશે. અમારો અભ્યાસ એ બતાવે છે કે જો ગાંધીજી અહીં આવીને રહેશે તો લોકો બધા એમની વાત સાંભળવાનું શરૂ કરી દેશે અને આપણી વાત કોઈ નહીં સાંભળે. ખરો ભય આ છે.’ આને કહે છે ‘जादु जो सर चढके बोले…’ એ રીતે મોરારિબાપુને આપણે ટીવી પર જોઈએ તોય આપણને અસર થાય છે કારણ કે એમની વાત હૃદયની હોય છે. કેવળ ઉપર ઉપરથી નથી હોતી. વાત હૃદયની હોય તો જ એની અસર થાય છે. બાકી તો આપણે કેટલાય રાજકારણીઓના ભાષણ સાંભળીએ છીએ, એમાં જરાય અસર નથી થતી. બોલવાવાળાના મનમાં જ કંઈ ન હોય તો એના બોલવામાં શું અસર પેદા થાય ? દુનિયાના ઈતિહાસમાં ભારતનો આ ફાળો છે. ભારત હૃદયની વાત કરે છે. મહાત્મા ગાંધી હૃદયની વાત કરે છે. ખાસ કરીને વિશ્વ માટે ગુજરાતનો આ ફાળો છે. આજે આપણે આવી મિટિંગો કરવી પડે એ આપણા ગુજરાતીઓ માટે ખરેખર ખૂબ અફસોસની વાત છે. આ તો એના જેવી વાત છે કે અનાજ ગોડાઉનમાં પડ્યું પડ્યું સડી જાય છે અને લોકો બીજી તરફ ભૂખે મરે ! આપણો આવો હાલ છે. ભારત મોટી ગાડીઓ વેચવામાં પ્રથમ તથા ઊંચી ઈમારતોમાં વધુ આગળ. આ બધી દોડમાં ક્યાંક એવું ન થાય કે હિન્દુસ્તાનની જે અસલ વાત છે એ ઢંકાઈ જાય. જો એમ થાય તો આપણા માટે તો દુઃખદ વાત થશે જ પણ જે હિન્દુસ્તાની નથી એમને માટે પણ એ દુઃખદ બાબત થશે.

આ સંદર્ભે બીજી એક વાત કરું તો આજે આપણે શહેરોમાં જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ મેકડોનાલ્ડ ખૂલી ગયાં છે. જુવાનો ભાગતાં ભાગતાં મેકડોનાલ્ડમાં જતાં હોય છે અને કોઈક ચીજ ખરીદતા હોય છે ને ખાતા હોય છે. પરંતુ મેકડોનાલ્ડ કોઈ સ્વાસ્થ્ય ફેલાવનારી ચીજ થોડી છે ? એનાથી કંઈ આપણે આપણું સ્વાસ્થ્ય થોડું સુધારી શકવાના છીએ ? સ્વાસ્થ્ય તો એનાથી સુધરે છે જે આપણી ખાવાની જૂની પદ્ધતિ છે જેમ કે રોટલી, શાક, દાળ-ભાત. જો એ રીતે હિન્દુસ્તાનના અસલ દાળ-ભાત ક્યાંક ગોડાઉનમાં રહી જાય અને મેકડોનાલ્ડ દુનિયામાં ચમકવા લાગે તો એ કેટલા દિવસ ચમકશે ? એમાં વળી હિન્દુસ્તાને ગર્વ લેવા જેવું શું હશે ? આપણી બુનિયાદી વાતો છૂટી જાય અને આપણો GDP (Gross Domestic Product) 10 નહીંને 100 થઈ જાય તોય આપણે કયું મોટું તીર મારી લીધું કહેવાશે ? એ તો બહુ ખોટનો ધંધો છે. એ તો નાનકડો ફાયદો મેળવવા મોટી ખોટ કરી હોય એવું થશે. એ પ્રેક્ટિકલ નથી. અમારી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાવાથી અમને એ ફાયદો થયો કે અમને ખ્યાલ આવ્યો કે કોઈ પણ વિચારધારા કે ફિલોસોફી બહુ લાંબો સમય સુધી નથી ચાલી શકતી જો એ પ્રેક્ટિકલ ન હોય. આપસમાં ટકરાવ અને ભેદભાવની બાબતો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક રૂપિયાનોય ફાયદો નથી કરી શકતી. એટલે એ ચાલતી નથી. અમારી પાસે એટલો સમય જ નથી હોતો કે અમે ભેદભાવમાં સમય બગાડીએ. આમ આદમી પણ જ્યારે એ સમજી જશે કે આ ટકરાવની રાજનીતિમાં અમારો કોઈ ફાયદો નથી, ત્યારે આપોઆપ ભેદભાવ નષ્ટ થઈ જશે. થોડા દિવસ ટકરાવ કરાવનારને ફાયદો થઈ શકે છે પણ એમાં આપણો તો કોઈ ફાયદો હોતો જ નથી. આ જો બરાબર સમજી લઈએ તો આ લોકોના ભાષણોની આપણને કોઈ અસર થવાની નથી. વળી, નથી એમને કોઈ ફાયદો થવાનો. આપણને એ ખ્યાલ આવી જશે કે એ લોકો પોતાની દુકાન અલગ ચલાવે છે. આપણે એ દુકાનેથી કંઈ લેવા જેવું નથી. આ બધું તો આપણે ત્યાં સદીઓથી ચાલ્યું આવે છે. એ ઈતિહાસમાંથી કંઈક શીખવું જોઈએ.

હિન્દુસ્તાનની પ્રકૃતિ સદભાવની છે. લડવાની નથી. હું ઈચ્છું છું કે અફઘાનિસ્તાન પણ પ્રગતિ કરે પરંતુ એ લોકોનો ઈતિહાસ જોઈએ તો એમાં લડવા સિવાય બીજું કંઈ નથી ! કોઈ ના હોય તો તેઓ અંદર અંદર લડે છે. આ બધું એમના ઈતિહાસમાં જ છે. હું એમનું ખરાબ નથી ઈચ્છતો. હું પણ ઈચ્છું કે એ લોકો સમજી જાય. એમના પર પણ એ અસર થાય જે ગાંધીની અબ્દુલ ગફાર ખાન પર થઈ હતી. એમનું ભલું થતું હોય તો આપણે રાજી જ છીએ. એ પણ આપણા પડોશી જ છે. પરંતુ જ્યારે રશિયન લોકો ત્યાંથી જઈ રહ્યાં હતાં ત્યારે એક રિપોર્ટરે અફઘાનીઓને પૂછ્યું હતું કે ‘આ લોકો તો હવે તમારે ત્યાંથી જઈ રહ્યા છે, હવે તમે શું કરશો ? ત્યારે પેલા અફઘાનીએ કહ્યું હતું કે અમને એનાથી કંઈ ફરક પડતો નથી. અમારા ભાઈ લોકો તો છે જ, અમે એમની સાથે અંદર અંદર લઢ્યા કરીશું.’ લઢવું એ લોકોની માટીમાં છે કારણ કે ઈતિહાસ જ કહે છે કે જે આક્રમણ કરનારો આવ્યો એ એમને ત્યાંથી જ આવ્યો. એલેકઝાન્ડરથી લઈને છેલ્લે સુધી જે કોઈ આવ્યું હશે તે એ જ રસ્તેથી હિન્દુસ્તાન આવતાં હતાં. એ બધાને એક જ કળા સૌથી સારી આવડતી હતી કે ‘બસ, લઢતા રહો !’ આપણી વાત એમ નથી. એ આપણી કોઈ પ્રવૃત્તિ નથી. આપણી નીતિ એવી છે કે જો તમે મજબૂર કરશો તો અમે લડીને બતાવી દઈશું પણ અમે શોખથી લડવા નથી માગતાં. હું આપને એ કહેતો હતો કે આપણી આવી નીતિની વિરુદ્ધ કેટલાક લોકો ભેદભાવની વાતો કરે તો એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તો સહેજ પણ ચાલતી નથી કારણ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એમાં કોઈ ફાયદો નથી હોતો. હમણાં અમારે ત્યાં મહારાષ્ટ્રમાં નવી દુકાન ચાલી છે કે જે મરાઠી ના હોય એને આ ના મળવું જોઈએ, એને તે ના મળવું જોઈએ…!! બધાને ખબર છે કે એનાથી કોઈને ફાયદો થવાનો નથી. બોલનાર સાહેબને પણ ખબર છે કે એનાથી કોઈ ફાયદો થવાનો નથી. એમનેય ખબર છે કે મુંબઈ શહેર સૌની સંયુક્ત મહેનતનું પરિણામ છે. પરંતુ એ તો એવું છે કે દરેકને પોતાની દુકાન ચલાવવા કંઈક તો મુદ્દો ઊભો કરવો પડે ને ? દુકાનની બહાર કોઈક તો બોર્ડ મારવું પડે ને ! લોકોને ભેગા કરવા આવું કંઈક કરવું પડે છે. મેળામાં જેમ સ્ટોલની બહાર બૂમો પાડનાર લોકો હોય છે કે ‘બહેનજી… અહીં આવો… ભાઈજી અહીં આવો….’ આ બધા એ પ્રકારની બૂમો પાડનાર લોકો છે. એનાથી કંઈ મુંબઈ કે મહારાષ્ટ્રને કોઈ ફાયદો થવાનો નથી. બધાને ખબર છે કે થોડા દિવસમાં આ બધું ઠંડુ થઈ જશે. આપણામાં અક્કલ નહીં આવે ત્યાં સુધી આવા બધા લોકોની દુકાન ચાલ્યા કરવાની. જ્યારે આપણને અક્કલ આવશે ત્યારે એમણે દુકાન જ નહિ, મહોલ્લો છોડી દેવો પડશે. આપણે એ સમજવાનું છે. આપણે કેમ સમજતા નથી ? આટલી ઉચ્ચ સંસ્કૃતિ છે આપણી. એ જીવનમૂલ્યો આપણે કામની વસ્તુ છે. અન્ય બાબતો આપણે કોઈ કામની નથી. એ મૂલ્યો જ આપણને આગળ લઈ જનાર છે. આવનાર પેઢીને આપણે એ જીવનમૂલ્યો આપવાનાં છે; સમજાવવાનાં છે.

હું ગુજરાતના વડોદરા પાસેના બહુ નાના ગામડામાંથી આવું છું. એ બહુ પછાત વિસ્તાર છે. મારું ફેમેલિ ત્યાં 200 વર્ષોથી છે એટલે દર મહિને મારે ત્યાં જવાનું થાય. મારું ઘર અને સગાવહાલાં બધા ત્યાં છે. અમારે ત્યાં એક ઘણી જૂની પદ્ધતિ હતી, જે હવે નથી. આપણી પાસે કેવા ઉત્તમ જીવનમૂલ્યો હતાં જે આપણે ગુમાવી રહ્યાં છીએ તેનું આ ઉદાહરણ છે. અમારે ત્યાં એ જમાનામાં એવું હતું કે કોઈની પાસે ઘડિયાળ નહીં. આમ પણ ઘડિયાળ જોવાની કોઈને ટેવ નહીં. સવાર-સાંજનું ટાઈમટેબલ એ રીતે ગોઠવાતું કે સવારે આટલા વાગ્યે ટ્રેન આવે છે અને આટલા વાગે જાય છે. બપોરે ટ્રેન આટલા વાગે આવે છે, આટલા વાગ્યે જાય છે. રાત્રે પણ ટ્રેન આટલા વાગે આવે છે અને આટલા વાગે જાય છે. લોકો પોતાનો નાસ્તો, બપોરનું જમણ અને રાત્રે જમવાનો સમય એ ટ્રેનના સમય પ્રમાણે સેટ કરતા હતાં. અમારા ઘરે એવી પદ્ધતિ હતી કે બે વ્યક્તિ ફાનસ લઈને રાત્રે બળદગાડામાં સ્ટેશન જતી. સ્ટેશન અડધો-પોણો માઈલ દૂર હતું. સ્ટેશન એટલા માટે જતાં કે ગામમાં કોઈ હોટલો તો હતી નહીં અને કદાચ કોઈ મુસાફર બહારગામથી આવ્યો હોય તો એને અમે ઘરે લઈ આવતાં. એને માટે રાત્રે કે એક-બે દિવસ રહેવા જમવાની વ્યવસ્થા ઘરમાં કરવામાં આવતી. મુસાફરને કહેવામાં આવતું કે ‘આપ ઘરે પધારો. રહેવા જમાવાની વ્યવસ્થા છે.’ એ સમયે કોઈ કોઈને પૂછતું નહિ કે તમે ક્યાંથી આવ્યા છો ? તમારું નામ શું છે અને તમે કઈ જ્ઞાતિના છો. કશું જ પૂછવામાં નહોતું આવતું. એ બળદગાડું જ્યારે સ્ટેશનેથી ઘરે પરત ફરે, ચાહે ભલે કોઈ આવ્યું હોય કે ન આવ્યું હોય, પણ એ બળદગાડું આવ્યા બાદ જ ઘરમાં થાળીઓ પિરસાતી. આ આપણી પદ્ધતિ હતી. આજે કેવી પદ્ધતિ છે ? ફક્ત ઉપર ઉપરથી પૂછે કે ચા પીશો ? અરે ભાઈ, કોઈ ઘરે આવ્યું છે તો ચા માટે પૂછો છો શું ? એક પ્યાલી ચામાં તમારો કયો ખજાનો લૂંટાઈ જવાનો છે ? લાવીને મૂકી દો. એને ફાવશે તો પીશે, નહીં તો ઘરના કોઈને કોઈ સભ્યો પી લેશે. એમાં શું મોટી વાત છે ! આપણે બધા બહુ બૌદ્ધિક થઈ ગયા છે એટલે મનથી એવું વિચારીએ છીએ કે ‘જો અમે તો એક ચાની પ્યાલી પણ ના બગાડીએ !’ પણ સવાલ ચાનો, દૂધનો, પાણીનો નથી – સવાલ એ છે કે તમારા હૃદયની ભાવના કેવી છે. આ મહેમાનગતિની સુંદર પદ્ધતિ હવે ધીમે ધીમે ખલાસ થઈ રહી છે. શહેરોમાં તો ખતમ થઈ રહી છે નહીં, ખતમ જ થઈ ગઈ છે. ગામડામાં તો પહેલા એવું હતું કે કોઈને ત્યાં જમવાના સમયે ગયા તો શક્ય જ નથી કે તમે જમ્યા વગર પાછા ફરી શકો. એના ઘરમાં જે હોય તે તમને જમાડે. પરંતુ એટલું નક્કી કે એ તમને જમાડીને જ મોકલશે. આ પદ્ધતિ હતી. જે ગુમાવ્યું છે તે આપણે આ ગુમાવ્યું છે.

1992-93માં બાબરી મસ્જિદના હુમલા પછી દેશમાં બહુ કોમી તોફાનો થયાં હતાં. એની અસર મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટી પર પણ પડી હતી. ધારાવીની ઝૂંપડપટ્ટીઓ ભૂલભુલામણી જેવી છે. એટલી બધી એમાં ગલીઓ છે. ત્યાં અમુક વિભાગમાં હિન્દુઓનું જૂથ વધારે રહે છે અને અમુક વિભાગમાં મુસલમાનોનું જૂથ વધારે રહે છે. પહેલાં હું ત્યાં જતો હતો. ત્યાંના મુસલમાન વોલેન્ટિયર મને પહેલાં પકડી લેતાં અને મને કહેતા કે રાત્રે આમ હુમલો થયો, ફલાણું તોડી નાખ્યું, આમ થયું-તેમ થયું વગેરે….. એ મને ત્યાં લઈ જતાં. એક-બે દિવસ આમ બન્યું. મેં જોયું કે બીજો હિન્દુ વિભાગ ખૂબ નારાજગીથી મારી સામે જોઈ રહ્યો હતો. એ લોકો મને એમ કહેતા કે ‘તુમ કો તો ઉસી તરફ કા દિખતા હૈ, ઈધર કા કુછ દેખતે હી નહીં….’ એમનું કહેવું સ્વાભાવિક હતું. મેં તેમને કહ્યું કે ‘તમે મને ફક્ત કહીને જતા રહો તો કોઈ ફાયદો નહીં થાય. આપ મને ત્યાં લઈ જાઓ તો હું બધું જોઈ શકું.’ એ વખતે મારું કામ એ હતું કે એ બધું તપાસીને ગવર્નરની જે કમિટી વળતર ચૂકવતી હતી એને મારે રોજ સાંજે રિપોર્ટ આપવાનો રહેતો.

એક દિવસ હિન્દુ વિભાગના એ લોકો મને સાથે લઈ ગયા. ત્યાં એક ઘરમાં જઈને શું થયું એ હું તમને બતાવવા માગું છું. એ ભારતની એક અલગ ઓળખ છે. હવે તમે જુઓ કે શું થયું. એક બહુ જ ઘરડો મહારાષ્ટ્રીયન કે જેને કેન્સર થયું હતું અને એની પત્ની જેની આંખો જતી રહી હતી – એ બંને એક ઝૂંપડીમાં રહેતાં હતાં. રાત્રે ત્યાંના લોકો ગેસલીન લગાવીને કોટનના ગોળા ફેંકતા હતા જેથી ઝૂંપડામાં આગ લાગી જાય. એવો એક કોઈ ગોળો આ લોકોના ઘરની ઉપર પડ્યો હતો. એમની લાકડા, પ્લાસ્ટિક અને રબરની છત બળી ગઈ હતી. છત સાવ ખુલ્લી હતી. હું ત્યાં ગયો ત્યારે આ પતિ-પત્ની હતાં. બિમાર પતિ પલંગમાં સૂતા હતાં. ત્યાંના વોલેન્ટિયર મને બતાવી રહ્યા હતાં કે જુઓ આ લોકોને આટલું નુકશાન થયું છે. એમનો એક દીકરો ખૂબ દારૂ પીતો હતો, એ પણ મને નુકશાનની વાતો કહી રહ્યો હતો. હવે આ જે અંધ સ્ત્રી કે જેનો પતિ બિમાર છે, દીકરો દારૂ પીવે છે, જેમની પાસે બે રૂપિયા પણ વધારાના ન હોય એવું ખૂબ ગરીબ કુટુંબ છે અને હમણાં જ જેણે પોતાના ઘરની છત પણ ગુમાવી દીધી છે તેણે ઘરમાં આ બધો કોલાહલ સાંભળ્યો. તેને લાગ્યું કે ઘરની અંદર કોઈ મહેમાન આવ્યું છે. એ સ્ત્રી મરાઠીમાં પોતાના પતિને કહે છે કે ‘બાકીની વાતો પછી થશે, પહેલાં મહેમાન આવ્યા છે તો એમની માટે કંઈક ઠંડુ મંગાવો.’ એને ખબર નથી કે કોણ આવ્યું છે, એને તો વળતર મળશે એનીયે ખબર નહોતી. હું ગવર્નરનો માણસ છું એ પણ એને ખબર નહોતી. પણ આ સહજ સ્વભાવ કે ઘરે કોઈ પણ આવે એટલે એમનેમ ન જવું જોઈએ. એને આંખે દેખાતું નથી એટલે ચા તો કોણ બનાવે ? ઘર તો તૂટી ફૂટી ગયું હતું. પરંતુ તે છતાં તેણે કહ્યું કે કોઈને કહો કે કંઈક ઠંડુ લઈ આવે પછી બધી વાતો કરીશું. આ ખરેખર એવા જીવનમૂલ્યો છે જે ધીરે ધીરે આપણે ગુમાવી રહ્યાં છીએ. એની અસર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પણ પડી રહી છે. પહેલાં મોટા મોટા લોકો હતા જે યાદગાર ફિલ્મો બનાવતા હતાં. હવે મોટા મોટા ધનવાન લોકો છે, જેઓ ફક્ત મોંઘી ફિલ્મો બનાવે છે. તેઓ યાદગાર ફિલ્મો નથી બનાવતા. તેથી હિન્દુસ્તાનમાં બનેલી દશ શ્રેષ્ઠ ફિલ્મોની જો તમે વાત કરો તો આજે અને વર્ષો પછી પણ એ જમાનામાં બનેલી ફિલ્મો જ યાદીમાં વધારે હોવાની. એમાં એવી ફિલ્મો નહીં હોય કે જેની પર સો કરોડ ખર્ચ થયો હતો અને એમાં કોઈક હીરો ફલાણી જગ્યાએ ગાતો હતો, ફલાણા જોડે લડતો હતો કે ફલાણી હીરોઈન જોડે નાચતો હતો. આ પ્રકારની ફિલ્મો એ યાદીમાં નહીં હોય કારણ કે આ પ્રકારની ફિલ્મોને હૃદય જ હોતું નથી.

ભારત તો હૃદયપ્રધાન દેશ છે. હૃદય ગુમાવ્યા બાદ બીજું કશું બાકી નથી રહેતું. તમારું ખિસ્સું કેટલું મોટું છે એને કોઈ જોતું નથી. એમ તો મોટા ગુંડા પાસે પણ કરોડો રૂપિયા હોય છે પણ એને આપણે આદર આપતા નથી. આપણે બાળકોને એમ નથી કહેતા કે મોટા થઈને આવા બનજો એટલે બહુ પૈસા આવી જશે. આપણે એવું બનવાનું પસંદ કરતા નથી કારણ કે આપણા માટે હૃદય મુખ્ય બાબત છે. આપણે જ્યારે કબીર વિશે વાત કરીએ ત્યારે આપણે એ યાદ નથી કરતા કે એ જમાનામાં સૌથી મોટા નગરશેઠ કોણ હતા. એ સમયે સૌથી મોટી હવેલી કોની હતી એ કોઈને યાદ હોતું નથી. કારણ કે કાળના પ્રવાહમાં કેટલાય ધનવાનો આવ્યા અને ચાલ્યા ગયાં. યાદ તો કબીર રહી જાય છે કારણકે તેઓ હૃદયથી જીવે છે. જ્યાં સુધી આ દુનિયા રહેશે ત્યાં સુધી કબીર ભુલાય તેમ નથી. જે હૃદયથી વાત કરે છે તે ખરેખર બહુ મોટી વાત કરે છે. આપણે સૌએ આ સંસ્કૃતિની વાત, હૃદયની વાત સદા યાદ રાખવાની છે. બાકી તો જે વાતો હું કહું છું એ તો આપને પહેલેથી યાદ છે જ. હું કશું નવું કહી શકવાનો નથી. મારો મુદ્દો એટલો જ છે કે ચાલો, આપણે સૌ મળીને આ બાબતોને યાદ કરી લઈએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

[ વધુ આગળ વાંચો : ભાગ-2 ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સદભાવનાનું સહચિંતન (ભાગ-2) – મૃગેશ શાહ
ખાનદાની ક્યાંથી પ્રગટે ? – ગિરીશ ગણાત્રા Next »   

34 પ્રતિભાવો : સદભાવનાનું સહચિંતન (ભાગ-1) – મૃગેશ શાહ

 1. gopal says:

  ફારુખ શેખની વાતો બહુ બહુ જ ગમી

 2. Sandhya Bhatt says:

  ભારત હ્ર્દયપ્રધાન દેશ છે. વાહ્….કેટલું સરસ વિધાન…મને કહેવા દો કે, મ્રુગેશભાઈની સદભાવનાથી જ આ અહેવાલ આપણને
  મળ્યો.

 3. rakesh Thakkar says:

  આભાર આટલા સરસ કાર્યક્રમનું પ્રવચન રજૂ કરવા માટે.

 4. krishna patel says:

  superab……

 5. Dhairya Chhaya says:

  Faruq Shekh Ni Ek vaat thi Sahmat Nathi.
  ” ક્યારેક મને ઘણું દુઃખ થાય છે કે મારી ઉંમર જેટલા 64 વર્ષો વીત્યા પછી પણ આપણે આ સદભાવના પર્વ તથા સદભાવના યાત્રા વગેરેનું આયોજન કરવું પડે છે.”
  Dear Faruq Shekh Saheb, Azadi na 50 Year Thaya, pan 3 Padhio pan Badlai Gai chhe. Mate aava SADBAV PARVO ni Samyantare Jarur padvani j chhe.

 6. trupti says:

  બહુ વિસ્તારથી વાંચવા નો અત્યારે સમય ન હતો પણ ફારૂકશેખ ને વાંચ્યા વગર ન રહી શકી અને એમની ઘણિવાતો દિલને છુઈ ગઈ. જેવિકે ભારત તો હૃદયપ્રધાન દેશ છે……….મેકડોન્લ્સ વાળિ વાત ને ખાસતો ગોર્બાચોવ અને માર્ગારેટ થેચર ના સંવાદો ખુબજ ગમ્યા.
  “હિન્દુસ્તાનની પ્રકૃતિ સદભાવની છે. લડવાની નથી.’ તેમના આવાક્ય મા કેટલુ બધુ તથ્ય છે. કાયમ હિન્દુસ્તાન સદભાવના બતાવતુજ જાય છે પછી તે પરિણામ કે ફળ ની પરવા કર્યા વગર!
  મૌલાના આઝાદની વાત વાંચી ને આપણા સ્વાતંત્રવિરોની ખુમારી અને વિશાળ હ્ર્દય માટે પણ માન ઉપજ્યુ. આજે હિંદુ-મુસલ્માનો ના વાડા ઉભા કરનાર કોણ્? આજ ના પોલિટિકલ લિડરો કે કોઈ બીજુ? આજે એવા નેતા ક્યાં છે? બધાને પોતાનિ વોટ બેંકો સાચવવા મા રસ છે.

 7. dhiraj says:

  ફરોખશેખભાઈએ ભારતીય મહેમાનગતિ ના ખુબ વખાણ કર્યા. (જે લુપ્ત પણ થઇ રહી છે)
  જે એક વાસ્તવિકતા છે
  પણ જોખમ છે

  ઘણાને ભારતીય સંસ્કૃતિ ના વખાણ નથી ગમતા અહીના રીતીરીવાજોના વખાણ નથી ગમતા
  એમને આ “મિથ્યાભિમાન” લાગે છે

  તેમને દેખાય છે “ભારત ના રેલ્વે ટ્રેક પરની ગંદકી ”

  જો જો હવે આ લેખ પરની કોમેન્ટ્સ કેટલી વધી જાય છે !!!

  • hiral says:

   ધિરજભાઇ,

   તમે આ લેખ પૂરો વાંચ્યો નથી લાગતો.

   જેમ કે ફારુકભાઇની મહેમાનગતિવાળી વાત તમને લુપ્ત થતી લાગી. જે વર્તમાનમાં છે. એવું જ બીજીવાતોમાં છે. આને અનેકાન્તવાદ કહેવાય. જેમકે ફારુકભાઇએ ભારતદેશની સારીવાત વિશે ધ્યાન દોર્યું જે તમને લુપ્ત થતી દેખાઇ તો એને શું મિથ્યાભિમાન કહેવાય?

   અહિં પણ એજ વાત સહજ રીતે કરી છે જે ને તમે મિથ્યાભિમાન કહી રહ્યા છો.

   લેખમાં એક વાત કીધી છે જે આ પ્રમાણે છે.

   શ્રી પુરુષોત્તમ અગ્રવાલની સ્પિચમાંથી.

   એક એવો રમુજી ટૂચકો છે કે એક ભારતીય વ્યક્તિ જ્યોર્જ બનાર્ડ શૉને મળે છે અને કહે છે કે અમે ભૂતકાળમાં આટલા મહાન હતા. જ્યારે તમે જંગલોમાં રહેતા હતા ત્યારે અમારે ત્યાં સભ્યતા પૂર્ણ વિકસિત થઈ ચૂકી હતી. અમારા વેદો અને ઉપનિષદોમાં ઉત્કૃષ્ટ ચિંતન મળે છે. મધ્યયુગમાં પણ અમે ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી હતી. બનાર્ડ શો તો હાજરજવાબી હતા. એમણે કહ્યું કે આપની વાત સાચી છે પણ આ રીતે તમે ભૂતકાળમાં જ ચાલ્યા કરશો તો ચાલતાં ચાલતાં તમે ગુફા સુધી પહોંચી જશો ! આજની વાસ્તવિકતા સ્વીકારો કે આજે તમારો દેશ એક ગુલામ દેશ છે. ભૂતકાળના ગુણગાન ગાઓ પણ વર્તમાનની જે વાસ્તવિક્તા છે એનો સ્વીકાર કરતાં પણ શીખો.

   —-
   હવે એ તમારા ઉપર છે કે તમે અહિં આ ભારતીય વ્યક્તિને મિથ્યાભિમાની કહેશો કે બનાર્ડ શૉને વાસ્તવિકવાદી.

   એક સિક્કાની બે બાજુ જેવું આ છે. ક્યારે કઇ વાત ના વખાણ કરવા અને ક્યારે કઇ વાસ્તવિકતાને વખોડવી એ ઘણી બધી વાતો પર આધાર રાખે છે. એનાં માટે કોઇ સ્પ્ષટ નિયમ ના રાખી શકાય.

   બાકી તમારી આજ ની કમેન્ટનો આશય વાદ-વિવાદનો છે તો એ વિશે શું કહી શકાય?

 8. અભિનંદન, આપે વિસ્તારથી બધી વિગતો આપી માટે આભાર. બધું નિરાંતે વાંચવા સમજવા જેવું છે.
  ગઈ વખતે મને મોડી ખબર પડી અને મિત્રોને પૂછ્યું પરંતુ ઘણાને તેની ખબર પણ ન હતી, જ્યારે આજની વાતો મિત્રોને જરૂર વેબ સાઈટ આપીશ.
  ઘણા લેખકોના નામ આપવાથી તેમની કૃતિઓ માણવા મળે છે એ માટે બ્લોગના પ્રેઝન્ટરોને વંદન.
  કાંતિલાલ પરમાર
  હીચીન

 9. hiral says:

  સુંદર આલેખન (સુંદર અહેવાલ). ભાગ ૧ વાંચ્યો. મૃગેશભાઇએ કહ્યું તેમ એકાગ્રતાથી વાંચવો અને એનાં પર વિચાર કરવા યોગ્ય અહેવાલ.

  આભાર,
  હિરલ.

 10. DHIREN SHAH says:

  ફારુકભાઇ એ મહેમાનગતિવાળી વાત લુપ્ત થતી લાગી તેમ કહ્યુ પ્ણ તેનો અર્થ એમ પ્ણ નથિ કે વિદેશ મા ખુબ જ સારિ

  મહેમાનગતિ છે. સાહેબજી મરૉ તો ય પાર્ણી આપવા માટે કોઇ તઇયાર નથી.

  in japan dead bodies are found in closed room of elder people to whom no body is ready to look after………

  say india is great by all sense and all factors…even to compare india with foreign country is a big sin in life… i think so….

 11. Chirag says:

  બહુ જ સુન્દર અહેવાલ આપ્યો. ધન્યવાદ. ફારૂકભાઈની વાતો અનુભવનું ભાથું છે. અમૂલ્ય.

 12. dr.rajnikantpatel says:

  Highly interesting. May be everyone is good .thanks Dr, rajnikant patel

 13. Maheshchandra Naik says:

  શ્રી મ્રુગેશભાઈ, આપને ખુબ અભિનદન અને હ્રયપુર્વક આભાર, સદભાવના પર્વની સરસ રજુઆતબદલ, ચારેય વક્તાઓ પાસે આગવો અનુભવ છે અને સરસ રજુઆત સાથે સ્વશિક્ષણ મળી રહે, સુધરવાની તક સાંપડે અન જીવન પ્રત્યેનો અભિગમ, અન્યો માટેની સદભાવના આપોઆપ ખીલી ઉઠે…….સિલસિલો ચાલુ રાખજો…

 14. Veena Dave. USA says:

  વાહ, ખુબ સરસ .
  એક વાર તો આંખમાંથી આંસુની ધારા વહી….. વળાવી બા આવિ….. નાની પણ મહત્વની ઘણીવાતો અહેવાલમાં વાચવા મળી જે હાટૅટચી લાગી. બધા જ મા. વક્તાઓની વાતો વાંચવી ગમી.
  આભાર શ્રી મ્રુગેશભાઈ. આપને કારણે અમારા જેવા દૂર રહેનારાને આ અમૂલ્ય અહેવાલ અહિ વાંચવા મળ્યો.

 15. મોરારિબાપુ એક વૈશ્વેીક ઘટના છે. એમના થકી સમાજને જે મળતુ રહે છે તે કલ્પનાતીત છે.
  મ્રુગેશભાઈ તમે પણ ખુબ સેવા કરી છે. ધન્યવાદ !

 16. upendra says:

  by heart it is very good article. but for this gujarat people in the world would not have got this. salute to the publisher.

 17. Sonia says:

  ફરી થી વાંચવું જ રહયું…
  મૃગેશભાઈ અને તમારી ટીમ નો આભાર માનીએ એટલો ઓછો છે. Thank you all for everything! 🙂

 18. kanaiyalal joshi says:

  સર્વન્ગ સુન્દર. બધાજ લેખો સુરુચિપુર્ન તથા વિશ્ય ને વફાદાર્ આયોજ્કો તથા વક્તાઓ ને સાધુવાદ્ પુજ્ય બાપુ ને પ્રનામ્.

 19. Jagruti Vaghela USA says:

  સદભાવના પર્વનો લેખ આપવા માટે શ્રી મૃગેશભાઈનો આભાર.

  બધાજ વક્તાઓએ સારી રજુઆત કરી છે.

 20. bhavesh says:

  all articles are good if you take it positively

 21. જય પટેલ says:

  સૌપ્રથમ તો ખૂબ મહેનત કરી સદભાવના પર્વનો અહેવાલ રજૂ કરવા બદલ શ્રી મૃગેશભાઈનો આભાર.

  પ્રથમ બન્ને વક્તાઓ તેમના કાર્યક્ષેત્ર મુજબ વકતવ્યો રજૂ કર્યા.
  શ્રી મણિલાલ હ. પટેલનું વકતવ્ય શ્રી ગુણવંત શાહના કુળનું લાગ્યું. વકતવ્યમાંથી ધરતીની
  મહેંક પ્રસરી ઉઠી. શ્રી મણિલાલ પટેલનું વકતવ્ય કુદરતની નજીક વધુ લાગ્યું.
  સાહિત્ય આપણને જગતને જોવાની દ્રષ્ટિ આપે છે….ખૂબ સાચું…!!

  શ્રી ફારૂક શેખનો બળાપો કે ૬૪ વર્ષ પછી પણ આવા સદભાવના પર્વ અને તે પણ ગુજરાતમાં કરવા પડે ?
  સદભાવના પ્રસરવી તે વૈશ્વિક અને નિરંતર ચાલતી ઘટના છે. સદભાવના સદકાર્યથી પ્રસરે તે સહજ છે.
  સદભાવના કોઈ નિશ્ચિત સમય મર્યાદામાં ખીલી ઉઠે અને પછી કોઈ કર્મયોગ કરવો ના પડે તેવા બંધનમાં
  પડનારી ક્રિયા નથી. સમાજમાં સદભાવના પરસ્પર રહે તે માટે સતત મથવું પડે અને
  તેના માટે આવા પર્વો..યજ્ઞો દ્વારા આહુતી સતત આપવી પડે.

  દરેક વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રમાં સદભાવના પ્રસરાવતો રહે તો સમાજમાંથી ઘણી બદીઓ દૂર થઈ જાય.
  આભાર.

 22. જગત દવે says:

  મૃગેશભાઈનું મંથન અભિનંદન ને પાત્ર છે. વક્તાઓ નાં વિચારો ઊત્તમ અને તેનાં પર વાંચકોનું મનોમંથન પણ સરાહનીય.

  આ વાંચ્યા પછી વિચારો ઉમડી પડ્યા છે….. થોડાં…..

  ૧. ગાંધીજીને લગભગ તમામ વક્તાઓ એ યાદ કર્યા એ એક સારી નિશાની છે પરંતુ સરદાર કેમ ભુલાયા????? સદભાવના અથવા શ્રધ્ધા નો સબંધ હૃદય સાથે છે અને તેથી ગાંધીજી તો યાદ આવવા જ રહ્યા. પણ હૃદયની સાથે સાથે મસ્તિષ્ક દ્રારા મળતા વિવેકનું પરિશીલન પણ થવું જોઈએ. ગાંધીજી એ શ્રધ્ધાનું મુર્ત સ્વરુપ હતાં તો સરદાર એ વિવેકનું અને તે બંનેનાં સમન્વયથી ભારત-નિર્માણ થયું.

  ૨. સદભાવનામાં અથવા શ્રધ્ધામાં વિશાળ જન-સમુદાયને ખેંચવાની તાકાત છે તો વિવેકમાં તેને સાચી દિશા આપવાની તાકાત છે. વિવેક વગરની સદભાવના અથવા શ્રધ્ધા અને શ્રધ્ધા વગરનો વિવેક નુકશાનકર્તા બની જાય છે.

  ૩. શ્રધ્ધામાં ‘અ-વિવેક’ ભળે એટલે તે અંધ-શ્રધ્ધામાં રુપાંતરીત થાય અને પછી એવા ભાવના-પ્રધાન કે ર્હ્દય પ્રધાન લોકોની લાગણીઓ વારંવાર ઘવાયા કરે અને ભારતમાં હવે શ્રધ્ધાનો અતિરેક જ હિંસક બન્યો છે કેમ કે વિવેક ને ભુલી જવાયો છે. (ભારત હ્ર્દયપ્રધાન દેશ છે……એ વાંચવામાં સારુ લાગે પણ હ્ર્દયપ્રધાનતા માં વિવેક-પ્રધાનતા પણ ભળવી જોઈએ) દા. ત. બાળકનો શાળામાં પ્રથમ દિવસ છે તેને શાળામાં નથી જવું હ્ર્દય કહે છે તેને છાંતી સરસું ચાંપી ને જ રાખીએ……વિવેક કહે છે ના….શાળામાં તો મુકવું જ રહ્યું. તેને કહેવાય શ્રધ્ધા અને વિવેકનો સમન્વય. રાજકીય ઊદાહરણ પણ આપીશ….. ફરી સરદારને યાદ કરું તો…….જવાહરલાલ નો કાશ્મીર સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન ફક્ત હ્ર્દયપ્રધાન હતો અને સરદારનો પ્રયત્ન વિવેક અને શ્રધ્ધાનો સ્મન્વય કરી ને તે પ્રશ્ન ને ઊકેલવાનો હતો. બાકીની કથા સુજ્ઞ વાંચકો જાણે છે.

  બીજા ઘણાં વિચારો ઉમડી રહ્યા છે…..પણ અત્યારે તો વિવેકની લગામ મુકવી જ રહી. 🙂

 23. Dipti Trivedi says:

  આ પ્રકારના અહેવાલ આપવા માટે તંત્રીશ્રીનો ઘણો જ આભાર . આવી વાતો ચેનલો પર કે છાપામાં કેટલા વિસ્તારથી આવે છે?
  વળી ઘણી અજાણી વાતો , ખાસ કરીને શ્રી ફારુખ શેખની વાતમાં જાણવા મળી. . લેખમાળાની સાથે સાથે પોતાના જીવનની પણ ઘણી પળો પાછી યાદ આવી ગઈ પણ તેની ચર્ચા કરવા કરતાં આ લેખનો સાર સમજીને એ ગ્રહણ કરવા પ્રયત્ન કરવો એમ માનુ છું. —હું માનવી માનવ થાઉં તો ઘણું .

 24. janak parikh says:

  વાહ મૃગેશભાઈ, કમાલ કામ કરો ચ્હો.

  જનક્ભાઈ

 25. બધા સરસ બોલ્યા,પણ હ્રદય થી બોલ્યા ફારુખ શેખ.૬૦ વર્ષે સદભાવના પર્વો યોજવા પડૅ તેજ બતાવેછે કે સદભાવના રહી નથી..ગાન્ધીજી હ્રદય થી જીવતા હતા અને આચરણ પણ હ્રદય થી કરતા હતા.માટે હજુ લોકો એમને યાદ કરે છે.

 26. mita says:

  ફારુખશેખની વાત સાચી આજે ૬૦ વર્ષે પણ આપણે સદભાવના પર્વ યોજવા પડે છે. વિચારવાનો સમય છે કે કેમ સદભાવના રહી નથી. તેના માટે આપણે ખોટા દેખવો અને દંભ છોડવાની જરૂર છે

 27. જગત દવે says:

  આદરણીય મિત્રોઃ

  સદભાવના રહી નથી તે નકારાત્મક ચિંતન છે……ગાંધીજીની અને તેમનાં સાથીઓની તેમનાં સમયમાં વિવિધ સદભાવનાઓ ફેલાવવા માટેની દોડ-ધામ ભુલી ગયા?????? તેમનાં અથાગ પ્રયત્નોનાં મીઠાં ફળ આજે દેશ ચાખી રહ્યો છે.

  સદભાવના-પર્વ થાય છે કેમ કે તે ક્યાંક છે…… અને તેનો અહેવાલ આટલો વંચાય છે તે પણ તેટલાં અંશમાં સદભાવનાની હાજરીની વ્યાપકતા સાબિત કરે છે.

  આ વાંચનાર દરેક વાંચક જાતને પુછે કે મારામાં સદભાવ છે? જો “હા” માં જવાબ આવે તો માનવું કે તે વ્યાપક છે. સદભાવ એ ભારે ‘ચેપી’ છે તમે કોઈ એક ને આપશો તો એ વ્યક્તિ બીજા ૧૦૦ માં તે ફેલાવશે. આમ જ સમાજ બને છે.

  અહીં ગલ્ફ દેશોમાં એક અનુભવ વારંવાર થાય છે……રસ્તો ઓળંગતા સમયે ૮૦ કિ.મી. ની ઝડપે આવતી કાર પણ બ્રેક મારશે અને અંદર રહેલો ચાલક મલકાઈને આદરથી ‘પહેલે આપ’ કહેતો હોય તેમ હાથનાં ઈશારાથી આપ રસ્તો ક્રોસ ન કરો ત્યાં સુધી ઊભો રહેશે. જો આપ પરિવાર સાથે હોવ તો તો પુરો ટ્રાફિક રોકાઈ જશે અને તમે રસ્તો ક્રોસ કરો પછી જ આગળ ધપશે. મને મળેલી આ સદભાવના હું કાર ચલાવું ત્યારે બીજા રસ્તો ક્રોસ કરતાં વ્યક્તિઓ પ્રત્યે દેખાડું છું અને આમ જ એ ‘ચેપ’ સમગ્ર દેશમાં ફેલાયેલો દેખાય છે.

 28. Kamlesh Pandya says:

  Really good explanation by Mr. Farukh Shekh…

  Kamlesh Pandya
  Adadrawala

 29. Naresh B Dholakiya says:

  Excellent…..All have expressed real life situation tips…..Please keep it up. We need more in such direction..All the best.

 30. Amruta says:

  awesome!!!!!!!!!!!!!!!

 31. this lekh comes straight from the heart. Pujya Murari Bapu is doing very extra super work. It is not easy, First of all my all respects,vandan to him. He has also received my book “PRABHU MA VISWAS – JIVAN MA SUVAS ” from one of his devotees by name Lalitbhai who asked me – if he can get one or two books. I had arranged and he was so happy that he has become a part of someone who was able to give a book to Pujya Sri Murari Bapu.

  Anyway, I am still wondering why there is no mention of this book anywhere in your website. Have I done anything wrong. As far as I feel, I have clearly written there is no difference between any religion or human beings, the difference is how we interpret particular thing. Now, I am retired – so Monday or Tuesday for mr all days are same. Speaking straight – the difference -we have made – GOD has not made any difference. For example, you can have one man or woman from each religion, take a needle -prick anyone’s finger, blood will come. All are same-everyone has a right to follow any religion of his/her choice.

  I do not know why you never mentioned about my book? What was in it that you did not like – on the contrary -I have mentioned let all countries unite, there is no visa- all are one – entire world can become one- let people follow any religion they like as long as it does not ham anyone. If the world becomes one there will not be terrorism- any where – entire world is one country – in one stroke terrorism will disappear..

  With regards, awaiting to hear from you soon-since so many days-

  Yours Affectionately,
  Narendra Shah – Aavjo – jawab jarur aapso.

 32. rekhakhaben dave says:

  ખુબ સરસ ભાવો સાથે થયેલ વાતો વાચિ હુ મહુવામા હોઉ એવો ભાવ થયો.

  ર્રેખાબહેન દવે
  અમદાવાદ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.