સદભાવનાનું સહચિંતન (ભાગ-2) – મૃગેશ શાહ

[ ભાગ-1 થી હવે આગળ… ]

[બીજો દિવસ : પ્રથમ બેઠક]
[વિષય : સામાજિક સદભાવના અને વિકાસ.]

‘સદભાવના પર્વ-2’ના બીજા દિવસની પ્રથમ બેઠકની શરૂઆત સવારે નવ કલાકે થઈ હતી. આ બેઠકનો વિષય હતો : ‘સામાજિક સદભાવના અને વિકાસ’. બેઠકનું સંચાલન શ્રી ડંકેશભાઈ ઓઝાએ કર્યું હતું. તેમના પ્રારંભિક વક્તવ્ય બાદ આંતરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અર્થશાસ્ત્રી શ્રી. વાય.કે. અલઘ તથા પીઢ રાજપુરુષ અને અર્થશાસ્ત્રી શ્રી સનતભાઈ મહેતાએ આ વિષયના સંદર્ભમાં પોતાના વક્તવ્ય રજૂ કર્યાં હતાં. ચાલો, આપણે આ મહાનુભાવોની નજરે સદભાવના અને વિકાસની વાતોને તેમના શબ્દોમાં સમજીએ.

(વક્તા : શ્રી વાય. કે અલઘ)


આપ સૌને મારા પ્રણામ. મારે ‘વિકાસ અને સદભાવના’ની વાત કરવાની છે એ એક મોટું ધર્મસંકટ છે કારણ કે વિકાસ તો રૂપિયાની વાત છે, અંગત સાહસની વાત છે. આપણે સૌ સદભાવનાની વાત કરીએ એ સારી વસ્તુ છે પરંતુ આ દરવાજાની બહાર પણ એક દુનિયા છે. એનો પોતાનો અલગ દષ્ટિકોણ હોવાનો. એ લોકો જે સવાલ પૂછે એનો જવાબ આપવો પણ જરૂરી છે. કદાચ બધાને મારી આ વાત યોગ્ય ન લાગે પરંતુ હું પ્રોફેસર તરીકે નિવૃત્ત થયેલો છું અને પ્રોફેસર તો પોતાની વાત હંમેશા રજૂ કરતાં હોય છે.

225 વર્ષથી એક જોડાણ રચાયેલું છે પૂંજીવાદ, બજારીકરણ અને અર્થવ્યવસ્થા વચ્ચે. આ એક મજબૂત જોડાણ છે. એને નજર અંદાજ કરી શકાય તેમ નથી. મારા એક મિત્રએ હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક પુસ્તક લખ્યું હતું : ‘Dominating Knowledge’ આ ‘Dominating Knowledge’ એટલે શું ? એનો અર્થ થાય છે કે પૂંજીવાદી સમાજ અને બજારનો જે સમાજ છે એનાથી વધુ સારો સમાજ બની નથી શકતો. કારણ કે પ્રત્યેક વ્યક્તિ કે જેની પાસે પૈસો છે તે પોતાના અંગત સુખ તરફ જાય છે. અહીં સામાજિક સુખની વાત નથી થતી, અંગત સુખની વાત થાય છે. અંગત સુખમાં મા-બાપ, ભાઈ-બહેન કે પત્નીને કોઈ સ્થાન નથી. જો એ લોકો આમાં સામેલ થઈ જાય તો આ થીઅરી ખોટી પડી શકે છે. આ સુખ મેળવવા માટે એ વ્યક્તિ એ જે ભોગ આપવો પડશે એનો નિર્ણય એણે પોતે કરવો પડશે. આવો સમાજ સૌથી વધુ સુખી સમાજ છે અને એમાં સદભાવનું તો કોઈ ચક્કર જ નથી આવતું એમ મનાય છે. આ થીઅરીનો અર્થ એ થાય છે કે આમાં વ્યક્તિ પોતાના સુખને સતત વધારવા માગે છે અને એ માટે જે દુઃખનો ભોગ આપે છે એને તે સતત ઓછું કરવા માગે છે. એનાથી સમાજમાં કામ કરવાની ક્ષમતા વધે છે. આ સમાજમાં ફક્ત એવી વસ્તુઓની માંગ ઊભી થાય છે જે અંગત ઉપયોગ માટે હોય. એ વસ્તુ ખૂબ ઓછા શ્રમથી બને છે. વળી એ બનાવવામાં સ્પર્ધા થાય એટલે એનો ભાવ પણ ઓછો હોય. એ વેચીને વ્યક્તિ પૈસા કમાઈ શકે છે. તેથી આ થીઅરી પ્રમાણે એવું કહેવાય છે કે ‘પોતાનો અંગત સ્વાર્થ ન હોય તો આખા સમાજનું વેલફેર ઓછું થઈ જાય છે.’ તમે કોઈ પણ કોલેજમાંથી અર્થશાસ્ત્રનું ભણો તો આ બધી થીઅરી ભણવામાં આવતી હોય છે. આવી થીઅરીઓ સૈદ્ધાંતિક રીતે બરાબર હોય છે પણ એના લોજીક સામાજિક રીતે યોગ્ય નથી હોતા. એનું મૂળસ્વરૂપ ખોટું હોય છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં જે રિસર્ચ થયું છે તેને ‘Modern Behavioural Economics’ કહે છે. એમાં એવું સંશોધન થયું કે તમારા-મારા જેવા અને બહાર હરતાં-ફરતાં લોકો ફક્ત સ્વાર્થી નથી હોતાં. એ બાબતને લઈને પ્રયોગો થયા છે. 100 ડૉલર આપીને એક જણને કહેવામાં આવ્યું કે તમે ચાર જણને આ વહેંચો. ત્યારે ખ્યાલ આવ્યો કે માનવીમાં સ્વાભાવિક રીતે ગરીબને મદદ કરવાની કુદરતી વૃત્તિ હોય છે. આનાથી એ પાકું થયું કે જેને આપણે મજબૂત જોડાણ સમજીને ચાલતા હતા એના મૂળ સિદ્ધાંતો જ કાચા છે, પાકા નથી. આ વર્ષે નોબેલ પ્રાઈઝ એ અર્થશાસ્ત્રીને અપાયું કે જેણે આ પ્રયોગો કર્યા હતાં. તેથી અહીં જે સદભાવનાની વાત થઈ તે પાયાની દષ્ટિએ યોગ્ય છે. સમાજ ખાલી સ્વાર્થથી જ આગળ નથી વધતો. જો એમાં એકબીજા પ્રત્યે પ્રેમભાવ ન હોય તો લોકો બધું હોવા છતાં પણ ખુશ નથી હોતા.

હું વધુ બે-ત્રણ બાબત આપની સામે મૂકવા માગું છું. હું પહેલા ‘પ્લાનિંગ કમિશન’માં હતો. 32 વર્ષની ઉંમરે મને ભારત ખાદ્ય વસ્તુઓમાં સક્ષમ બને એ માટે એક મોડલ બનાવવા ત્યાં બોલાવ્યો હતો. એ વખતે અમે એક ખેતી વિષયક મોડલ બનાવ્યું હતું. એમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે જમીન અને પાણીમાં એક સમન્વય છે. પાણીથી જમીનનો સારો ઉપયોગ કરી શકાય છે. આ બધું જોઈને અમે કહ્યું કે ખેતીલાયક જમીન 141 મિલિયન હેકટરથી આગળ નહીં વધે. અમે સાચા પડ્યા. હકીકતે તેમ જ થયું. પણ પછી એક દિવસ તે 132 મિલિયન હેક્ટર થઈ ગઈ. કોઈ અખબારમાં એની નોંધ ન લેવાઈ. એકંદરે એ બધા મોડલ સફળ રહ્યાં. એ પછી એ મોડલોનો ઉપયોગ સરદાર સરોવરમાં થયો. પહેલાં એ મોડલો એમાં કામ કરતા હતા પણ હવે તે નથી કરતા. અગાઉ 400-500 કરોડ પાણીમાં નાખીએ તો 4-5 મિલિયન હેક્ટર વધી જતા હતાં પણ હવે એમ થતું નથી. એ વધતા નથી. એટલે કંઈક તો મુશ્કેલી છે કે આપણે ખૂબ પૈસા વાપરીએ છીએ, આપણા અંગત સુખને સતત વધારવાની કોશિશ કરી છીએ પણ જમીન અને પાણી ઉપયોગ માટે સતત ઘટી રહ્યાં છે. કેનાલોમાં પાણી ઓછું આવે છે. કરોડો ખર્ચાયા છે તો પણ. એટલે કંઈક ગરબડ છે. તેથી કહી શકાય કે આ સમસ્યાઓ પેલા અંગત સ્વરૂપે તો કદી ઉકેલી શકાશે નહીં. ઠીક છે કે ખેડૂત તલાવડીઓ બનાવે વગેરે વગેરે પરંતુ ફક્ત એટલાથી આટલી મોટી સમસ્યાનો અંત નહીં આવે. એની માટે ખેડૂતોએ ભેગા થઈને સંસ્થાઓ બનાવવી પડશે. ‘ખેડૂત મંડળ’, ‘સહકારી ખેડૂત મંડળ’ વગેરે બનાવવા પડશે. જ્યાં ખેડૂતો ભેગા ન થઈ શક્યાં હોય ત્યાં સામાજિક સંસ્થાઓએ આ કામ કર્યું છે. આ નહીં કરીએ તો વિકાસ નહીં થાય. આ એક સામાજીક બાબત છે. આ અંગત વાત નથી. ઈકોનોમિક્સ પ્રમાણે ‘Profie maximize and cost minimize’ કરવાથી આનો ઉકેલ નહીં આવે. આ પેલી થીઅરીની ખામી છે કારણ કે એ થીઅરીમાં કોઈ સદભાવનાનો રોલ જ નથી. એ થીઅરી એટલું સુક્ષ્મ જોઈ નથી શકતી કે સમાજમાં એવા લોકો છે જે ભેગા મળીને પોતાની સમસ્યા ઉકેલી શકે છે. તે આ થીઅરીની ખામી છે. આ સદભાવનાની વાત છે. સદભાવના નહીં હોય તો આપણે ભેગા મળીને કોઈ સમસ્યાને ઉકેલી નહીં શકીએ. Capitalisam ની વાતો કરવાથી હિન્દુસ્તાનની જમીન અને પાણીની સમસ્યાઓનો ઉકેલ નહીં લાવી શકાય.

બીજી તરફ ભારત અને ગુજરાતનો વિકાસ 8%, 9% અને 10% થી થઈ રહ્યો છે. એમાં ઘણી તકો છે. છેલ્લા છ-સાત વર્ષમાં એ બાબત સ્પષ્ટ થઈ છે કે આપણે ત્યાં નાના અને મોટા એમ બે પ્રકારનાં શહેરો છે. ગુજરાતનો શહેરી વિકાસ 5%ના દરે થઈ રહ્યો છે. હિન્દુસ્તાનમાં દરેક જગ્યાએ નાના નાના ગામ અને શહેરો વધી રહ્યાં છે. એના પ્રમાણભૂત આંકડાઓ છે. જેમ વિકાસનો દર વધે છે એમ માંગમાં પણ વિવિધતા આવે છે. શાકભાજી, ફળ, ચીઝ વગેરે વસ્તુઓનું ગરીબ લોકો પણ સેવન કરતા થાય છે. જે સાવ નીચા સ્તરે હતા તેઓ જો બે સફરજન ખાતા હોય તો અત્યારે ત્રણ સફરજન ખાય છે. મોટા માણસો જે પાંચ કીલો ખાય છે તે છ-સાત કીલો ખાતાં થયા છે. એનો ફાયદો કેમ ઉઠાવી શકાય તે આપણે જોવાનું છે. એની માટે પણ સામાજિક સંસ્થાઓ જોઈશે. ગામ અને નાના શહેરો વચ્ચે કોમ્પ્યુનિકેશનની જરૂર પડશે. આવી સંસ્થાઓ આપણે બનાવતાં કેમ નથી ? પૂંજીવાદની સંસ્થાઓ Companies Act માં આવે છે, સરકારી સંસ્થાઓ બજેટમાં આવે છે પણ આવી સામાજિક સંસ્થા ઊભી કરવા ઈચ્છીએ તો કોઈ મદદ નથી મળતી. સહકારી સંસ્થાઓ માટે બેંક મદદ કરે છે પરંતુ સામાજિક સંસ્થાની વાત કરીએ તો બેંક કહે છે કે આ શું છે ? આ માટે આપણી પાસે કાયદા નથી એટલે આ બધું વાતો-વાતોમાં રહી જાય છે. આ બધા માટે એકબીજાને જાણવા-સમજવા અને એકબીજાની સાથે મળીને કામ કરવું એ ખૂબ જરૂરી છે. અમે કોશિશ કરી છે કે આ માટેના કાયદાઓ બને.

પૂંજીવાદ વિશે જે આપણે અગાઉ વાત કરી એમાં મારામારીનો કોઈ પ્રશ્ન નથી. એમાં સદભાવ પણ નથી અને મારામારી પણ નથી. એ તો અંગત સુખના હેતુથી રચાયેલી પદ્ધતિ છે. એ પદ્ધતિમાં જો તમે કહો કે હું આ જ્ઞાતિની બનાવેલી કે આ પ્રકારની બનાવેલી ચીજો નહીં ખાઉં તો એ Capitalisam ના નિયમોની પણ વિરુદ્ધ થશે. વળી, એનાથી સદભાવના તો થાય જ નહિ. સદભાવના સામાજિક સંસ્થાઓથી થઈ શકે પરંતુ એ માટે હજી કોઈ બંધારણ નથી બન્યું. સામાજિક સંસ્થા બનાવો તો કોઈ વાત સાંભળતું નથી. એ માટે કોઈ યોગદાનો નથી મળતા. બેંક જો વ્યક્તિને ધિરાણ કરતી હોય તો બેંક ‘પ્રોડ્યુસર કંપની’ને શા માટે ધિરાણ નથી કરતી ? ટાટાએ આવી એક કંપની બનાવી હતી તો એમણે મને કહ્યું કે અમને વર્કિંગ-કેપિટલ જ નથી મળતું ! આ શું થઈ રહ્યું છે ? કારણ કે આપણા મનમાં આ પ્રકારની સંસ્થાઓ વિશે પૂર્વગ્રહ છે કે સામાજિક સંસ્થાઓની ક્ષમતા સારી નથી હોતી. અરે ભાઈ, સામાજિક સંસ્થાઓ સૌથી વધારે ક્ષમતા ધરાવતી હોય છે. કેટલીક અક્ષમ પણ હોય પરંતુ એ તો કેટલીય બધી પૂંજીવાદી સંસ્થાઓ પણ અક્ષમ તો હોય જ છે ને ! આ ગામ અને નાના શહેરોને જોડવામાં, એક નવું બજાર બનાવવામાં બધી જ જગ્યાએ આ પ્રકારની સંસ્થાઓની જરૂરત રહેવાની.

આ સંદર્ભમાં અન્ય એક બાબત વિશે આપને કહું. યુ.એન.ના કહેવાથી હિન્દુસ્તાનની ખેતી વિશે મેં એક મોડલ બનાવેલું છે. એમાં જો આવી સંસ્થાઓ કે જેના વિશે આપણે જાણીએ છીએ કે તેઓ જમીન અને પાણીની સમસ્યા ઉકેલી શકે છે, ખેડૂત માટે બજારોની સમસ્યા ઉકેલી શકે છે – એ જો સામેલ થાય તો 16.8% ગરીબ લોકોને રોજગારી મળી શકે તેમ છે. એમને ભીખ માંગવાની જરૂરત ન પડે. એ લોકો આ નવા શહેરોમાં નાની-નાની જગ્યાએ જઈને સારી રીતે કામ કરી શકે. એમની આવક વધી શકે. ખેતી સાથે જોડાયેલા લોકોની તો 31% વધી શકે છે. કેટલો મોટો ફરક પડે ! જો તમે આ નહીં કરો તો વિકાસનો દર નહીં વધે કારણ કે પાણી જ નહીં હોય અને એથી ગરીબ લોકોનો વિકાસ નહીં થઈ શકે. આ Socialism ની જ વાત છે. પણ આ વિચારધારાનો એવો અર્થ નથી કે બજાર સાવ હટાવી દો. બજારના ફાયદાઓ તમે લો. પરંતુ તેમાં શોષણ ન થવું જોઈએ. આ વિચારધારા શોષણની વિરુદ્ધ છે. આપણે તો ગુજરાતનો વિકાસ કરવો છે. હું એકવાર રાજસ્થાનથી ગુજરાત તરફ ગોધરા થઈને આવતો હતો ત્યારે ત્યાંના અનેક નાના ગામડાઓમાં મેં અપૂરતા ખોરાકથી પીડાતી બહેનોને જોઈ. આવું કેમ થાય છે ? એક તરફ વિશ્વના સ્તર પર ગુજરાત ઝડપથી વિકાસ કરી રહ્યું છે જ્યારે બીજી તરફ પૂરતા પોષણનો પણ અભાવ છે. આ થવું ન જોઈએ. આ જ્યાં સુધી નહીં ઉકેલાય ત્યાં સુધી એને યોગ્ય વિકાસ ન કહી શકાય. હું એમ નથી કહેતો કે આપણે ત્યાં ગરીબી નથી ઘટી રહી પરંતુ આપણે આપણી સમસ્યાઓને અને આપણા દષ્ટિકોણને સમજવા જોઈએ તો જ આપણે એ માટે કંઈક કરી શકીશું. આ માટે જે સંસ્થાઓ સદભાવનો વિચાર લઈને ચાલે છે તે કામ કરે છે અને તેઓ સફળ છે.

ટાટા પોતે ટ્રસ્ટ પર આધારિત કંપની છે. એ ત્રણ ટ્રસ્ટોના સંયુક્ત સમન્વયથી ચાલે છે. તેમ છતાં તે વિશ્વ સ્તરે સફળ છે. અહીં સનતભાઈ પણ એવી એક પ્રોડ્યુસર કંપની ચાલવી રહ્યા છે જે ગુજરાતમાં ચલાવવી બહુ મુશ્કેલ છે. તેથી આ પ્રકારે નવા નવા મોડલો બને છે જે સફળ છે, એમાં આપે માનવું જોઈએ. તમે સાડા નવ વાગ્યે કોઈ પણ મોટા શહેરોમાં નીકળો જેમ કે સુરત, અમદાવાદ. ત્યાં તમને જુવાન લોકો સ્કૂટર પર નોકરી જતાં દેખાશે. કારણ કે વિકાસનો દર આટલો છે તો જુવાન માણસોની પુષ્કળ જરૂરિયાત છે. જેની પાસે ટ્રેનિંગ છે એને એ નોકરી મળે છે. જેની પાસે ટ્રેનિંગ નથી એ બેસી રહે છે. હિન્દુસ્તાનમાં આવી ટ્રેનિંગ આપવાનું કામ સૌથી વધુ સામાજિક સંસ્થાઓ કરે છે. યુનિવર્સિટીઓ એ નથી કરતી. ત્રણ મહિનામાં તમે એ યુવાનને એવી આવડત શીખવી શકો છો કે એને 3000 રૂપિયાની નોકરી મળી જાય. જો એનો તે સર્ટિફિકેટ કોર્ષ કરે તો એને 3500 રૂપિયા મળે છે. આ કામ સામાજિક સંસ્થાઓ જ કરે છે. સરકાર પાસે આવા કામ માટે 3000 કરોડ રૂપિયા છે પણ એ સરકારી સંસ્થાઓને જ મળે છે. હકીકતમાં કામ કરનારી સામાજિક સંસ્થાઓને નથી મળતાં. એ મોટો કમાલ છે ! એ કેમ ચાલે ?

ટૂંકમાં, સદભાવના મોટી મોટી વાતોથી નથી થતી. મોટી મોટી વાતો તો ઠીક છે પરંતુ એનો અમલ પણ એટલો જ જરૂરી છે. સદભાવનાનો બજારો સાથે અને વ્યવાહરિક સંસ્થાઓ સાથે જોડાણ થાય, જેઓ વિકાસ નથી કરી રહ્યા એ લોકો સાથે જોડાણ થાય તો એનાથી વિકાસનો દર ઓછો નહીં થાય અને આપણે વિશ્વની સમસ્યાઓ ઉકેલવા કંઈક આપી શકીશું, જેથી સૌ સુખપૂર્ણ વાતાવરણમાં રહી શકે અને તેમને સુખ હંમેશા મળતું રહે. આભાર.
.

(વક્તા : શ્રી સનત મહેતા)


આપ સૌને પ્રણામ. અહીં અગાઉના વક્તવ્ય અને પ્રશ્નોત્તરી બાદ મારું કામ થોડું અઘરું બન્યું છે. સૌથી પહેલાં તો હું એક બાબત સ્પષ્ટ રીતે કહેવા માગું છું કે એટલું ખાસ સમજી લેજો કે દુનિયામાં ‘Market Oriented Economy’ નિષ્ફળ ગઈ છે. હજુ આપણે એને વળગી રહેવા માગતાં હોઈએ તો વાત જુદી છે. અહીં તમે જેટલા પ્રશ્નો પૂછ્યા કે 8%-9%-10%ના દરે વિકાસ થાય તો ગરીબીમાં શું થશે, એ વિચારને જ દુનિયાએ રદ કરી દીધો છે. અમેરિકામાં અઢળક વિકાસ થયા બાદ જે હાલત પેદા થઈ છે એણે મહાત્મા ગાંધીને વાજબી ઠરાવ્યા છે. કમનસીબી એ છે કે આ દેશમાં કે જ્યાં ગાંધી જન્મ્યો હતો, ત્યાં એક પણ નેતા એવો નથી કે જે દુનિયાને કહે કે તમે આ બધું કર્યું, દુનિયાને પાયમાલ કરી, હવે ગાંધી વિશે વિચારવાની તમને ફુરસદ છે ? વિચારો નહીં તો અમે તો અમારો રસ્તો લઈ લઈશું.

મારે તમને જે કહેવાનું છે તે આ કહેવાનું છે. વિકાસ એટલે શું ? વિકાસ એટલે મનમોહનસિંહના મગજમાં આવેલો વિચાર છે ? ના. એવું બિલકુલ નથી. વિકાસ એ છે જે સદભાવનાને પોષે. સમાજને તોડે એને કદી વિકાસ કહી શકાય જ નહીં. આપણે જે કંઈ વિકાસ કર્યો છે એણે એક જ કામ કર્યું છે, સમાજને તોડવાનું. માણસને માણસ સામે લડાવવાનું. માણસને માણસ રહેવા દેવા માગતાં જ નથી. મહેરબાની કરીને તમે આ બધા મોહમાંથી બહાર આવો. આખું યુરોપ ખતમ થઈ રહ્યું છે. આ મારો વિચાર નથી, ‘ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ’ અને ‘કોરિયન ઈકોનોમિક ડેવલપમેન્ટ’ એ બેઉના મિલનમાં 12મી ફેબ્રુઆરીએ જે સેમિનાર થયેલો એ સેમિનારે તારણ કાઢ્યું છે. એ સેમિનારમાં એમ કહેવાયું હતું કે હવે અમેરિકા અને યુરોપને ફરી ઊભા થવા માટે બીજા વીસ વર્ષ જોઈશે. મારી કમનસીબી છે કે મારા દેશનો વડાપ્રધાન આજે અમેરિકાને ગુરુ માને છે. મને શરમ આવે છે. કારણ કે હું એક સ્વાતંત્ર્યસેનાની છું. અમે એવા દિવસો જોયા છે કે જ્યારે ભારત પાકિસ્તાન પર હુમલો કરે ત્યારે ભારત પોતાના દરેક નિર્ણયોમાં મક્કમ રહેતું હતું. આજે એવું તો છે જ નહિ. હું અહીં મહુવા આવતો હતો ત્યારે રસ્તામાં સતત મારા મનમાં આ વાત ચાલતી હતી કે આપણે હંમેશા આપણા વિચારોમાં ‘Growth’ અને ‘Development’ ને મિક્સ કરી દઈએ છીએ. Growth is not development. ‘Growth’ એટલે આર્થિક વૃદ્ધિ. આજે જે થઈ રહ્યું છે તે આર્થિક વૃદ્ધિ થઈ રહી છે, વિકાસ નથી થતો. આપણે આમાં ગૂંચવાયા અને ગરીબી વધતી જ રહી. આ ટકાવારી તો તમને ગૂંચવવાનું એક અનન્ય શાસ્ત્ર છે. તમે આ ટકાવારીમાં ગૂંચવાવ એટલે બસ પૂછ્યા જ કરો કે આમાં કઈ ટકાવારી સાચી.

એક નાનો દાખલો તમને આપું. ભેખડિયા નામના ગામમાં હું આદિવાસી વિસ્તારમાં રોજગારીનું કામ કરતો હતો. જ્યાં હું આ ગાંધીનું કામ કરતો હતો ત્યાં સરકારનું 100 દિવસની રોજીનું કામ ચાલે છે. કુમુદબેન ગાંધી ખાદી કમીશનના ચેરમેન થયા પછી એમણે એક હિંમતભર્યું પગલું ભર્યું. આ સભામાં જે બહેનો બેઠી છે તેમણે મગજમાં લેવા જેવું છે. એક આંટીનો એક રૂપિયો હતો. કુમુદબેને કહ્યું કે નહીં, બે રૂપિયા કરો. ભેખડિયા ગામમાં બહેનો રોજની ત્રીસ આંટી તો ઓછામાં ઓછી કરે છે. એ ઘરે બેઠા અંબર ચરખો કાંતે છે. રોજના એ બહેનને અમે 60 રૂપિયા આપીએ છીએ. એની સામે સરકારના 100 દિવસની રોજીના એક મહિનાના આંકડા મેળવીને એનું Comparative Table મેં મોન્ટેક અલુવાલિયાને મોકલ્યું અને કહ્યું કે, ‘ભાઈ, તારામાં વધુ રોજી છે કે ગાંધીમાં વધુ રોજી છે એ આંકડા જોઈને તું મને જવાબ આપ !’ એટલે મારે તમને એ કહેવાનું છે કે વિકાસ વિશે તમારા મનમાં જે ખ્યાલો છે એ બધા ખ્યાલો સુધારો.

આપણે બજાર આધારિત વિકાસ સ્વીકાર્યો છે. 30 વર્ષથી દુનિયા એની પાછળ દોડે છે. બજાર એ કોઈ ખરાબ ચીજ નથી પરંતુ બજાર એ વ્યાપાર નથી. ‘બજાર’ અને ‘વ્યાપાર’ બંને જુદી ચીજ છે. આપણે આ દેશમાં ‘બાજારી ઈકોનોમી’ એટલે ‘વ્યાપારી ઈકોનોમી’ એવું કરી નાખ્યું છે. બજારથી ફાયદો એ છે કે ક્ષમતા વધે છે કારણ કે હરિફાઈ આવે. પરંતુ બજારથી સમાનતા તો કોઈ દિવસ આવી શકે જ નહિ. એટલે આ તો એવું થયું કે તમારે ચલાવવી છે બજાર તરફી ઈકોનોમી અને તમે શોધો છો સમાનતા ! વિશ્વ આખું થાકીને હારી ગયું છે. અમેરિકા અને યુરોપ ઊભું થાય તે પહેલાં આ 20 વર્ષની આપણને તક છે. બે દેશને તક છે. ભારત અને ચીન. આપણે તક ઝડપી શકીએ એવો સમાજ ઊભો કરી શકીએ તેમ છીએ ? ન કરવાના હોઈએ તો પછી કંઈ અર્થ નથી. મને તો ચિંતા નથી. મને 86 વર્ષ થયા છે. મારે લાંબુ જીવવાનું નથી. હું તો ચાલ્યો જઈશ. પરંતુ દેશ સામે આટલી મોટી તક પડી છે. ઓબામા ગમે એટલી હોશિયારી દેખાવે પણ એના પગમાં સદભાવના વગરના અર્થશાસ્ત્રથી જે બેડીઓ પડી છે, એ બેડીઓમાંથી એ છૂટી શકે તેમ નથી. મને બતાવો એક પણ વ્યક્તિ આ સભામાંથી જે કહી શકે કે ઓબામા અફઘાનિસ્તાનમાંથી નીકળી શકે તેમ છે ? જરાય નહિ. એ ઈરાન-ઈરાકમાંથી નીકળી શકે છે ? જરાય નથી નીકળી શકે તેમ. આવું બધું થાય ત્યારે આપણે કાં તો અમેરિકાની તરફેણમાં જઈએ છીએ કાં તો ઈરાકની તરફેણમાં જઈએ છીએ. હિન્દુસ્તાનની તરફેણમાં જવાની તો આપણને ફુરસદ જ નથી ! આપણે આપણા તરફ જતાં જ નથી. મારા જીવનમાં આ સૌથી દુઃખદ ક્ષણો છે. એનાથી વધુ દુઃખદ અન્ય કોઈ ક્ષણો નથી. સદભાવના મુખ્ય વસ્તુ છે. અમારી બહેનો આંટી કાંતિને મહિને એક વખત અમને આપવા આવે છે ત્યારે તેઓના ચહેરા તમે જુઓ ! એ સદભાવનાથી ભરપૂર હોય છે. એની સામે પેલી સરકારી 100 દિવસની યોજના ચાલે છે અને માથે તગારા ઊંચકીને બહેનો અઠવાડિયે ઘેર આવે છે ત્યારે પૈસાના કંઈ ઠેકાણાં હોતા નથી. હાજરીના કોઈ ઠેકાણાં નથી. સદભાવના એ ગાંધીના અર્થશાસ્ત્રનું મૂળ હતું. ગાંધી, જયપ્રકાશ વગેરેને ખબર હતી કે આ આપણો રસ્તો નથી.

મારે તમને એ કહેવું છે કે જે વિશ્વમાં નિષ્ફળ ગયું છે એને આપણે શું કામ વળગીએ છીએ ? જે કોઈ હોય એને આપણે તો એક જ પ્રશ્ન પૂછવો જોઈએ કે વિશ્વમાં જે આર્થિક પદ્ધતિ નિષ્ફળ ગઈ છે એની જગ્યાએ ભારત કઈ આર્થિક પદ્ધતિ આપવા માંગે છે. આપણે લોકતંત્ર છોડી શકવાના નથી, કારણ કે એ આપણો પાયો છે. આ ચીનને જુઓ. ગયા વર્ષે ક્રુડની તંગી થઈ ત્યારે દેશમાં આપણે પારાવાર સેમિનારો કર્યા. પણ નક્કર કંઈ કર્યું ? કશું જ નહિ. ચીને એક વર્ષમાં 13,000 મેગાવોટ પાવર પવનમાંથી પેદા કર્યો. આપણે અત્યારે અણુવિદ્યુત માટે અમેરિકાના ધક્કા ખાઈએ છીએ ! ભગવાને જે તમને ભરપૂર આપ્યું છે એનો ઉપયોગ તો કરો ! જેટલો સુરજ ભારતને આપ્યો છે, જેટલો પવન ભારતને આપ્યો છે એટલો અન્ય પાસે નથી. એટલે તો આપણે હનુમાનજીને પવનપુત્ર કહીએ છીએ. પરંતુ પવનપુત્ર કહીને હવા ખાતાં બેસી રહીએ છીએ, એમાંથી ઊર્જા પેદા કરતા નથી. એ આપણી મનોવૃત્તિ છે.

ટૂંકમાં, મારી દષ્ટિએ વિકાસ કોઈ દિવસ સમાજના ટુકડા ન કરી શકે. રસાયણવિજ્ઞાનમાં એક લિટમસ પેપર આવે. લિટમસ પેપર જેવી આ વાત છે. વિકાસ શું છે એ જાણવું છે ? મૂકો લિટમસ પેપર. સમાજના ટુકડા કરે છે… બસ, તો એ વિકાસ નથી ! ગાંધીએ સ્પષ્ટ કહ્યું હતું કે કંઈ પણ ખોટું થાય તો એનો સવિનય ભંગ કરવો. એ ગાંધીની ફિલોસોફી હતી. આપણે કરીએ છીએ ? નથી કરતા. આપણે બધું વહેંચી દીધું. સર્જનાત્મક કામ, તો કહે કે એ તો NGO કરે. સરકાર તો કંઈ કરે જ નહીં. માત્ર સબસીડીના ટૂકડા ફેંકે. સદભાવના એટલે NGO પરંતુ એવી NGO કે જે સમાજ વિખૂટો પડી રહ્યો છે તેને જોડે. વળી, જોડતાં જોડતાં સમાજને એમ પણ કહે કે આ પ્રકારનો વિકાસ હશે તો જ અમારું જોડેલું કામ આવશે. બીજા પ્રકારનો વિકાસ આવશે તો અમે અહીંથી ગામની બહાર જશું અને તમારું હતું એનું એ થઈ જશે. આ બધું હકીકતોને આધારિત છે. ગુજરાતનો જ દાખલો લો ને ! અમે તો મહાગુજરાતના આંદોલનમાં હતાં. 29 આગેવાનોમાંથી હવે હું ફક્ત એકલો બચ્યો છું. અમે મહાગુજરાત લેવા નીકળ્યા ત્યારે મોરારજીભાઈએ અમને એમ કહેલું કે ‘Gujarat will not be a economically viable state’ કચ્છને સાથે લીધું તો મોરારજીભાઈએ અમને એમ કીધું કે કચ્છને લઈને શું કરશો ? – આજે બંને વાત ખોટી પડી છે. ઘણા પ્રેસવાળા મને અત્યારે પૂછે છે કે તમે મુંબઈની માંગણી કેમ ન કરી ? હું કહું છું કે અમને ગુજરાતની પ્રજામાં વિશ્વાસ હતો. અમે મક્કમપણે એમ માનતા હતા કે ગુજરાત હશે તો બીજા દશ મુંબઈ ઊભા કરી શકશે. હવે આજે બધા એ જાણતા થયાં છે. એ દિવસોમાં અમને લોકો ગાળો દેતા હતાં.

સદભાવના એ કોઈ હવાઈ વાત નથી. ચાલો વેકેશનમાં નવરા પડ્યા છે તો સદભાવનામાં જઈએ, એવી આ વાત નથી. ગાંધીમાં આજેય લોકોને શ્રદ્ધા નથી, મને શ્રદ્ધા છે કારણ કે યાદ કરો ભાગલાના દિવસો. ભાગલામાં બંગાળમાં જઈને ગાંધીએ શાંતિ પ્રસારી ત્યારે લેલિતગોએ કહેલું કે I have thousands of people in army one side અને પૂર્વમાં There is one man army. એણે ગાંધીને ‘one man army’ કહ્યો. એ સદભાવ નહીં તો બીજું શું હતું ? ગાંધી શું કંઈ પૈસા વહેંચવા ગયેલા ? ત્યાં કંઈ સબસીડી વહેંચતા હતા ? ગાંધીએ માત્ર સદભાવનાની જ વાત કરી. એટલે જ ગાંધીનું આખું અર્થશાસ્ત્ર છે તે સદભાવના ટકી રહે તેવા પ્રકારનું છે. એ જ ગાંધીને મન સાચું અર્થતંત્ર છે. તેથી આ સદભાવનાના મંચ અને સદભાવના ફોરમમાં એક અદ્દભુત શક્તિ છે. પરંતુ તે એકાંગી હશે તો નહીં ચાલે. એ સર્વગ્રાહી હોવી જોઈએ. સર્વગ્રાહી બનવાની ભૂમિકા આ દેશમાં છે. ગરીબી-અમીરી આ બધા શંકરાચાર્યે જે શબ્દ આપ્યો છે એ પ્રમાણે ‘દ્વંદ્વ’ છે. શહેરો અને ગામડાં પણ દ્વંદ્વ છે. શહેરો અને ગામડાં રહે એનો મને વાંધો નથી. પરંતુ એવું શું કરવા કે શહેરની આવક ગામડા કરતાં બમણી થઈ જાય ? અને ગામડાની આવકમાં એક ટકાનોય વધારો ન થાય ? એની સામે વાંધો છે. એ તો મૂર્ખ માણસનું સ્વપ્નું છે જો મનમોહનસિંહ કે મોન્ટેકે એવું માનતા હોય કે પાંચ ટકા વસ્તીને જ ગામડામાં રહેવા દઈશું અને બાકીનાને શહેરમાં રોજી આપી શકીશું. હિસાબ ગણો ને ! 115 કરોડમાંથી કેટલા કરોડને રોજી આપવી પડશે, એ ગણો જરા. આજે તો જે છે તેને નથી આપી શક્યા. મોટા શહેરોને વધારવાનો કોઈ અર્થ જ નથી. આજે નુર્મમાં કરોડો રૂપિયા જે રાજકોટ, વડોદરા, અમદાવાદ વગેરેને મળે છે એના 20% જો નાના-નાના કસબાના ગામોને આપ્યાં હોત તો એ કસબાઓ તો રહેવા માટે આદર્શ થઈ ગયાં હોત. ઈમિગ્રેશન તો હવે દુનિયાનો પ્રશ્ન થઈ ગયો છે. બ્રિટનમાં જે સરકાર હમણાં આવી એણે ઈમિગ્રેશનના કાયદાઓ કડક કર્યા. હવે દુનિયામાં એવું રહ્યું જ નથી કે તમે ત્યાં જઈને કમાઈ શકો. એ પોતે જ મુશ્કેલીમાં છે તો તમને શું કમાણી આપશે ? હમણાં જ મારા ભાણેજનો ઉત્તર ગુજરાતમાંથી ફોન આવ્યો કે એમનો દીકરો લંડન ગયો છે પણ કામ કંઈ મળતું નથી તો તમારી કોઈ ઓળખાણ હોય તો એને કામ અપાવો ને ! મેં પૂછ્યું શેને માટે ગયેલો ? એ કહે કે પંદર લાખ રૂપિયા ખર્ચીને મોકલ્યો છે. આ પ્રકારનો ઈમિગ્રન્ટનો પ્રશ્ન તો રહેવાનો જ. તમે જો ગામડાંને ઊભા કરો તો એ ન રહે. વળી, ગામડાંના લોકોનો સંતોષ પણ વધારે છે. અમારા આદિવાસીઓને 1500-2000ની આવક થઈ જાય પછી એમને કોઈ ચિંતા જ હોતી નથી. એવા સારા લોકોને આપણે છોડી શું કામ દીધા ? એ સારા લોકોની આપણે પ્લાનિંગમાંથી બાદબાકી કરી નાખી. એને બદલે કેમ ‘મેટ્રોપોલિટન સીટી’ વધારવા એની તરફ જ ધ્યાન આપ્યું.

વિકાસ એટલે વ્યક્તિનો, સમાજનો, રાજ્યનો અને રાષ્ટ્રનો. ચારેયનો જે વિકાસ કરે તે સાચો વિકાસ. હજાર અંબાણી ઊભા થઈ જાય અને હિન્દુસ્તાનનો Development rate 15% થઈ જાય તો એમાં મને જરાય આનંદ ન થાય. તમે શું આંખે ગરીબી જોઈ શકતા નથી ? જે ગરીબીને પરખી નથી શકતું તે ગરીબીનો ઉપાય પણ કરી શકતા નથી. ગરીબીને પરખવી પડે છે. દુઃખને પરખો તો સુખનો રસ્તો મળે. દુઃખને સમજો જ નહિ અને એ દુઃખને જ સુખ માન્યા કરો તો પછી મોરારિબાપુ બિચારા શું કરવાના ?

ટૂંકમાં કહેવું હોય તો દુનિયાનું અર્થતંત્ર બે જ સુત્રોમાં આવે. આ સુત્ર મારું નથી. આ સુત્ર જોસેફ સ્ટીગ્લિડનું છે કે જે નોબેલ પ્રાઈઝ વિજેતા છે. એ કહે છે કે અત્યારે એવી ઈકોનોમી છે કે જે : Socialized the losses and privatized the gains. એટલે કે નફો થાય એનું ખાનગીકરણ કરો અને ખોટ જાય તો એનું સામાજીકરણ કરો. અમર્ત્યસેને પણ સ્પષ્ટ કહ્યું કે એજ્યુકેશન, હેલથ એ બધા વગર વિકાસનો શું અર્થ છે ? માથાદીઠ આવક હરિયાણા અને પંજાબની કેરળ કરતાં ઘણી વધારે છે પરંતુ કેરળમાં સાક્ષરતાનો દર દુનિયાના વિકસિત દેશો કરતાં પણ વધારે છે. યુરોપિયન દેશોની સાક્ષરતા કેરળ કરતાં ઓછી છે ! જો પૈસાથી થવાનું હોત તો તો હરિયાણામાં થઈ જ ગયું હોત. સ્ત્રી હત્યાની બાબતમાં પણ હરિયાણા અને પંજાબ જ આગળ છે. આના પરથી શું આપણને એટલી સમજ નથી પડતી કે દ્રવ્ય એટલે કે ધન કંઈ સમસ્યાનો ઉકેલ નથી. એ સમાજના ટુકડા કરનારું છે. વિકાસ જો લાવવો હશે તો સદભાવના ફેલાવવી પડશે. મારે તો ખેડૂતોને સાચું બજાર સમજાવવું છે અને બજારમાં જે ખોટા ઘૂસી ગયા છે એને બહાર કાઢવા છે. એમ થશે તો સદભાવના ઝડપથી ફેલાશે. ગરીબોને જો તમે આ વાત સમજાવશો તો તમારી સદભાવનાનો બેડો પાર થઈ જશે.

વધુ એક વાત મારે એ કહેવી છે કે વિકાસની ઉપરની સપાટી પર રોમાંચ હોય છે. પહેલી વાર ગુજરાતમાં તેલ નીકળ્યું ત્યારે દરેકને લાગ્યું કે હું ય પૈસાદાર થઈ જઈશ. આ રોમાંચ છે. હવે બધાને સમજાયું કે એમાંથી તો તેલના ભાવ વધી શકે છે. હવે બધાને સમજાયું કે ના, પવનઊર્જા કરવી જોઈએ, સોલરઊર્જા કરવી જોઈએ. દાઝ્યા પછીનું આ ડહાપણ છે. સદભાવનાનો એ રોલ છે કે આંગણે પડેલી શક્તિને ઓળખો. એમ થશે તો બીજી શક્તિઓ આપો આપ એની મેળે આવશે. હું તો આજ સિદ્ધાંતથી બધી જગ્યાએ કામ કરું છું અને એમાં કોઈ જગ્યાએ નિષ્ફળતા મળતી નથી. મારી આદિવાસી બહેનોને જોઉં છું ત્યારે અપૂર્વ આનંદ થાય છે. મેં તો હમણાં મિનિસ્ટરને પણ ફોન કરીને કહ્યું કે મારે 3500 બહેનોને લઈને આવવું છે અને પાર્લામેન્ટના ચોકમાં એ બહેનોને કાંતતી તમને બતાવવી છે. કારણ કે મોટા ભાગના પાર્લામેન્ટના સભ્યોને એમ લાગે છે કે એક આંટીના બે રૂપિયા લેખે રોજની ત્રીસ આંટીના 60 રૂપિયા તો અશક્ય છે ! સરકારના કરોડોના પ્રોજેક્ટ પછી પણ આ કામ નથી થઈ શક્તું. ગાંધીનો રેંટિયો રોજી પણ આપે છે અને વ્યક્તિને મુક્ત પણ રાખે છે. સરકાર 100 દિવસની રોજીમાંથી 30 દિવસની રોજી આપે છે પણ એ વ્યક્તિ રાજ્યનો ગુલામ બની જાય છે. ફલાણી સરકારે રોજી આપી એમ કહીને એ વ્યક્તિ એનો ગુલામ બની જાય છે. આપણે એવો સમાજ બનાવવો છે જે સ્વતંત્ર રોજીમાં માનતો થાય. પછી આ બધું જ આપોઆપ સીધું થઈ જશે. સરકારને તો લાચારીનો ઉપયોગ કરવો છે કારણે હવે સ્વબળથી મત નથી મળતા, લાયકાતથી મત નથી મળતા, ચારિત્ર્યથી મત નથી મળતા. હવે તો સામા માણસની લાચારીને જેટલી રોકડી કરી શકાય એટલી રોકડી કરીને મત લેવા છે. એ રોકડી પણ પોતાના પૈસે નથી કરવાની, સરકારના પૈસે, તમારા અને મારા પૈસે છે. આપણે એવા વિશાળ દિલના માણસો કે આપણા પૈસે આપણને મારે છે તોય આપણે તો ખુશખુશાલ છીએ !

હવે સંસ્કૃતિનો ઈતિહાસ જુઓ. બુદ્ધનો દાખલો જુઓ. બુદ્ધે શું કહ્યું હતું ? ‘બુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘ શરણં ગચ્છામિ’. છેવટે બુદ્ધે તો કહ્યું કે સમાજને શરણે જ જવું પડશે. આપણે પહેલી બે વસ્તુ કરીને અટકી ગયા છીએ. કોઈક બુદ્ધને શરણે ગયા છે. એમણે પોતપોતાના બુદ્ધ શોધી કાઢ્યા છે. બહુ આગળ વધે તો ધમ્મં સુધી જાય. પરંતુ સમાજ સુધી જવાની આપણી તૈયારી નથી. આપણે એટલા બધા વ્યક્તિવાદી થઈ ગયા છે કે સમાજ સુધી પહોંચતા નથી. શાસ્ત્રોએ એમ લખ્યું કે વ્યક્તિત્વને ઓગાળી દો અને દ્વંદ્વનો ઉકેલ લાવો. હમણાં કોઈ અંગ્રેજી લેખકે પણ લખ્યું છે કે આ દ્વંદ્વ નો ઉકેલ લાવવાની કોઈ શક્તિ હોય તો માત્રને માત્ર ભારતમાં છે. બીજા દેશો દ્વંદ્વમાં અટવાયા છે, ખતમ થયા છે પણ દ્વંદ્વને ઉકેલી નથી શક્યા. એણે કહ્યું છે કે 1500ની સાલ પહેલાં ચીન અને ભારતની સરેરાશ માથાદીઠ આવક દુનિયાના તમામ દેશો કરતાં વધારે હતી. એ પાછી લાવી શકાય છે. આપણી પાસે 20 વર્ષનો સમય છે. આ 20 વર્ષમાં જો વ્યક્તિ, સમાજ અને સમષ્ટિમાં આપણે શક્તિ પૂરી શકીએ, જે રીતે આપણને આવડતું હોય તે રીતે, તો વિશ્વ સામે ઉત્તમ ઉદાહરણ પૂરું પડે. આ સદભાવના પર્વની જે કલ્પના છે એમાં આયોજકોની એવી કોઈ વાત નથી કે તમે આ જ રસ્તે આવો અને તમે આના મેમ્બર થઈ જાઓ વગેરે વગેરે… મૂળ વાત એ છે કે તમે જ્યાં કામ કરો ત્યાં એવી રીતે કરો કે સમાજ તૂટે નહીં. સમાજ જોડાય. એના રસ્તા તમારી મરજી ઉપર છે. તમને કશું બંધન નથી. બંધન છે એક જ કે સમાજને જોડવો છે, તોડવો નથી. આખી સમષ્ટીને જોડવાની આજે જરૂર છે ત્યારે હું બહુ નાનો માણસ છું પણ મોરારિબાપુને વિનંતી કરું છું કે આપ આ પડકારને ભેગો કરો કારણ કે તમારી પાસે 20 વર્ષ છે. મારી પાસે નથી. જો મારી પાસે 20 વર્ષ હોત તો હું અહીં આપની સાથે રહીને આપને ફરજ પાડત કે આ કરો. એટલી બધી શક્તિ આ ભારતમાં છે.

હવે શિક્ષણની વાત. અમે એટલા બધા સેમિનારોમાં ભાગ લીધો છે એ સમજવા કે શિક્ષણ કેમ આગળ વધતું નથી. આખી પૂર્વપટ્ટીમાં કોઈ પણ આદિવાસી છોકરો ગુજરાતી ભાષા સમજતો નથી. એ એની જ બોલી સમજે છે. પાંચ વર્ષનો છોકરો કે જે હજુ બોલી સિવાય બીજા શબ્દો આવડતાં નથી એને તમે પ્રાથમિક શાળામાં મોકલો છો અને ત્યાં મહેસાણાથી કે ભાવનગરથી કે રાજકોટથી નિમેલો શિક્ષક ત્યાં જાય છે. પાંચમા ધોરણ સુધીના ‘પાસ…પાસ…’ના સર્ટિફિકેટ એને આપી દેવા સિવાય બીજો છૂટકો નથી. કારણ કે એ છોકરા સાથે વાતચીત જ કરી શકતો નથી. એ શું કરે ? એક આદિવાસી મારી પાસે આવો હજાર સર્ટિફિકેટનો થોકડો લઈને આવ્યા અને મને કહે કે આ બધા જ પાંચમું ધોરણ પાસ છે પણ કોઈને ક,ખ,ગ વાંચતા આવડતું નથી. મેં કહ્યું એમાં છોકરાનો વાંક નથી, શિક્ષકનો વાંક છે. એ પછી અમે બે હજાર શબ્દો એ લોકોની બોલીના ભેગા કર્યા. એની સામે ગુજરાતીમાં કયો શબ્દ હોય એ એને બતાવ્યો. એ બધું છાપ્યું. ગવર્નરને આપ્યું અને મેં કહ્યું કે સાહેબ, એટલું તો કરો કે જે આ લોકોની બોલી સમજે એને તમે શિક્ષક બનાવો.

આદિવાસીની વાત કરું છું ત્યારે મને એક બીજી વાત યાદ આવે છે. ‘Market Economy’ નો આ બાબતને લગતો જે છેલ્લો ઘા છે એ તો હિન્દુસ્તાનને સાવ તોડીફોડી નાખે છે. ભગવાને બધી ખનીજસંપત્તિ, વૃક્ષો એ બધું આદિવાસી વિસ્તારમાં આપ્યું છે. એ અજ્ઞાની હતા અને ભોળા હતા એટલે આપણે એમના ઝાડ લઈ લીધાં. કારણ કે આપણે રેલવેના ટ્રેક બનાવવાના હતાં. એ પછી આપણને પાણીની જરૂર પડી એટલે બંધો બાંધીને આપણે એ લોકોનું પાણી લઈ લીધું. હવે એ જે જગ્યાએ ડુંગરામાં વસે છે ત્યાં મિનરલ્સ છે, બોક્સાઈટ છે, આયર્ન છે. એનું આપણે ખાનગીકરણ કરી નાખ્યું ! આ કેવી લડાઈ છે ? બાપુ, હૃદયદ્રવિત થઈ જાય છે. નિયમગિરિ નામનો 4000 ફૂટ ઊંચો પર્વત છે. એ લોકો એને ‘નિયમગિરિ’ નામે ઓળખે છે. એનો અર્થ થાય છે ‘God of law’ . એ ડુંગરને એ આદિવાસી લોકો ન્યાયદેવતા માને છે. એ લોકો પોતે પણ એની પર જતા નથી. હમણાં એ ‘વેદાંત’ નામની કંપનીને બોક્સાઈટ કાઢવા માટે આપી દેવામાં આવ્યો. એ કંપની કહે છે કે બધું ખાલી કરો. એટલે હમણાં ફેબ્રુઆરીમાં દસ હજાર જણ ભેગાં થઈ ગયા અને એમણે ભેગાં થઈને એ કંપનીને ધમકાવતાં કહ્યું કે ‘તમને પણ સમજ પડશે કે અમારી ડૉંગરીકોંધ કોમ કોણ છે, એવું અમે તમને કરી બતાવશું.’ આપણે શું આ પ્રકારની તકરારોનો ઉકેલ નથી લાવી શકતા ? આનો ઉકેલ સદભાવના છે. શું આપણે એ લોકોને સાથે લઈને વિકાસ નથી કરવાનો ? આપણે શહેરોમાં રસ્તામાં ભગવાનની એક દેરી આવતી હોય તો પણ એને ખસેડતાં પહેલાં કેટલોય વિચાર કરીએ છીએ તો એની સામે આ આદિવાસી જેને ભગવાન માને છે એને નષ્ટ કરવાની પરવાનગી આપનાર સામે શું એને બોલવાનો અધિકાર પણ નથી ? એ નિષ્ફળતા આદિવાસીઓની નથી, નિષ્ફળતા આપણી છે કે આપણે એનો સદભાવનાથી ઉકેલ લાવી શકતા નથી. બાકી એ કંઈ એવા ગાંડા લોકો નથી કે તમારી સામે લડ્યા જ કરે. આપણી આખીયે આર્થિક સંસ્કૃતિ ન્યાય દેવતાના ડુંગરોને ખોદી નાખવાની છે અને શહેરોમાં જે ન્યાયમંદિરો છે ત્યાં ન્યાય વેચવાની છે. જ્યાં સાચો ન્યાય છે એને ખોદી નાખો અને જ્યાં જુઠ્ઠો ન્યાય છે એની પૂજા કરો ! આમાંથી જો કોઈ આપણને બહાર કાઢી શકે તો એ માત્ર સદભાવના કાઢી શકે. સદભાવના વિશે થોડું પદ્ધતિસર અંગ્રેજીમાં પણ લખવાની જરૂર છે જેથી એને World Prespective મળે. બાપુ, આપને પણ વિનતી કરું છું કે હિન્દુસ્તાનના જે શ્રેષ્ઠ સંતો આ બાબતમાં માનતા હોય એને આપ બોલાવો, સમજાવો. એ લોકો પણ બોલે. ગાંધી પણ એ જ કહેતા હતા. હું તો જેમ જેમ ગાંધીને વાંચું છું તેમ તેમ મને લાગે છે કે એ માણસની શક્તિની કોઈ સીમા નથી.

ટૂંકમાં તમે જે બજારનીતિને વળગી રહ્યા હતા, એ તો સારા નસીબે ખતમ થઈ ગઈ છે. It is our fortune that duing our life America is finished. બધા હવે નિર્વાક થઈ ગયા છે, બોલી નથી શકતાં. આજે લોકતંત્રનો ઝંડો દુનિયામાં ઊંચો રાખવો એ બહુ જ અઘરું છે. તો મિત્રો, તમારી સૌની પાસે એક વિશાળ તક છે. મને તો દુઃખ થાય છે કે હું થોડો મોડો જન્મ્યો હોત તો સારું હતું. વિશ્વની નવી આર્થિક વ્યવસ્થાનો જન્મ 2008માં થયો, જ્યારે લહેમાનની આખી પેઢીએ દેવાળું કાઢ્યું. આપણે બધા નવી આર્થિક વ્યવસ્થાના પહેરેદાર છીએ. આપણે એવો વિકાસ જોઈએ છે જે સમાજને જોડે. આપણે એવો વિકાસ જોઈએ છે જે બધાને જેટલું ઘટતું હોય તેટલું આપે. આપણે એવો વિકાસ જોઈએ છે કે જેમાં શહેરો ભલે વિકસે પણ શહેરો મર્યાદામાં વિકસે. આજે દેશમાં ‘વલ્ગર શૉ ઓફ ધ વેલ્થ’ વધી રહ્યું છે. મારી પાસે થોડાક પૈસા થઈ ગયા એટલે કેમ કરીને દેખાડું એમ લોકો માનતા થયા છે. આજકાલ લગ્નોમાં ઢગલાબંધ ખર્ચ થાય છે ત્યારે મને એમ થાય છે કે આટલો બધો ખર્ચ શું કરવા ? કારણ, ગાંધીએ કહ્યું હતું કે તમે જ્યારે કારકિર્દીમાં, તમારા વ્યવસાયમાં, તમારા સત્તા-શાસનમાં કોઈ પણ નિર્ણય લો ત્યારે તમારા જીવનમાં જે ગરીબમાં ગરીબ માણસને તમે જોયો હોય એને નજર સામે રાખીને નિર્ણય કરજો. આપે મને શાંતિથી સાંભળ્યો એ માટે આભાર માનું છું.
.

[બીજો દિવસ : બીજી બેઠક]
[વિષય : સામાજિક સદભાવના અને સમૂહમાધ્યમો.]

‘સદભાવના પર્વ-2’ની બીજા દિવસની બીજી બેઠક બરાબર સાડા ત્રણ વાગ્યે શરૂ થઈ હતી. આ બેઠકનો વિષય હતો : ‘સામાજિક સદભાવના અને સમૂહમાધ્યમો’. બેઠકનું સંચાલન ફાધર વિલિયમે કર્યું હતું. શ્રી જનકભાઈના પ્રાર્થના-ગાન તેમજ ફાધર વિલિયમના પ્રારંભિક વક્તવ્ય બાદ બેઠકની શરૂઆત થઈ હતી. આ બેઠકમાં ‘સ્ટાર ન્યૂઝ’ ચેનલના સિનિયર પ્રોડ્યુસર શ્રી રવીન્દ્ર ત્રિપાઠી તેમજ દિવ્ય ભાસ્કરના મુખ્ય સંપાદક શ્રી અજય ઉમટે આ વિષયને અનુલક્ષીને પોતાનાં વક્તવ્ય આપ્યાં હતાં. રાત્રિ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કબીર પરંપરાના ગાયક શ્રી કાલુરામ બામનીયાજી એ કબીરના પદોનું સુંદર ગાન કર્યું હતું. ચાલો, આપણે સમૂહમાધ્યમો વિશેની આ બેઠકમાં પ્રવેશ કરીએ.

(વક્તા : શ્રી રવીન્દ્ર ત્રિપાઠી)


આપ સૌને અને સદભાવના પર્વના તમામ આયોજકોને મારા પ્રણામ. મિત્રો, સદભાવના એક એવી ચીજ છે જેની જરૂરત સમાજમાં દર વખતે અને દરેક સમયે પડે છે. ગઈકાલે ફારુખ શેખે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આઝાદીના આટલા વર્ષો પછી પણ આ બધું કરવું પડે તો મનમાં શંકા રહી જાય છે. કદાચ એમની વાત સાચી છે. પરંતુ આપણે જરા ઈતિહાસ પર નજર નાખીને જોઈએ તો ઈતિહાસનો દરેક સમય એવો હોય છે જેમાં દરેક વખતે સદભાવ પર ભાર મૂકવાની જરૂર પડે છે. શાંતિ મેળવવા માટે મનુષ્યે હંમેશા તૈયાર રહેવું પડે છે. શાંતિ એવી ચીજ નથી કે આપણે સદભાવ પર્વમાં કંઈક કરી લઈએ અને આખી દુનિયામાં શાંતિ પથરાઈ જાય. એવું થતું નથી. આપણે એની માટે સતત જાગૃત રહેવું પડે છે. આ કંઈ અંગત સ્વાર્થની બાબત નથી. આ અસ્મિતાની વાત છે. આપણા બધાની અંદર કેટલાય પ્રકારની અસ્મિતાઓ એક સાથે રહે છે. એક અંગત અસ્મિતા હોય છે, એક સામાજિક અસ્મિતા પણ હોય છે – આપણે પોતાનું કુટુંબ હોય છે, આપણે કોઈ પ્રદેશ સાથે જોડાયેલા હોઈએ છીએ જેમ કે ઝારખંડ, ઉત્તરાંચલ, ગુજરાત વગેરે… ધર્મ સાથે આપણે જોડાયેલા હોઈએ છીએ જેમ કે હિન્દુ, મુસલમાન, ઈસાઈ… વળી, ભાષા સાથે પણ આપણે જોડાયેલા હોઈએ છીએ જેમ કે ગુજરાતી, મરાઠી, પંજાબી….. – કહેવાનો અર્થ એ છે કે કેટલાય પ્રકારની અસ્મિતાઓ હોય છે. અંગત વ્યવહારમાં તો આપણે આપણી આ અસ્મિતાઓને સાચવી લઈએ છીએ કે ક્યારે સમાજનું કામ કરવું, ક્યારે ઘરનું કામ કરવું, ક્યારે અંગત કામ કરવું વગેરે. પરંતુ સમાજના સ્તર પર આ અસ્મિતાઓને જાળવવાની વાત આવે છે ત્યારે સંઘર્ષ શરૂ થાય છે. આ અસ્મિતાઓની પણ આવી એક સમસ્યા છે. ફક્ત પૂંજીવાદ (Corporatization) જ સમસ્યા નથી.

બીજી એક વાત એ છે કે જ્યારે આપણે પીડિત હોઈએ છીએ ત્યારે આક્રમક બની જઈએ છીએ. આક્રમક બન્યા વગર વિચારવું એ બહુ મોટી વાત છે. આપણે બે સ્તર પર વિચારતા હોઈ છીએ. એક તો ‘સાયકોલોજીકલ’ સ્તર પર અને એક ‘ફિલસૉફિકલ’ લેવલ પર. એકમાં વ્યક્તિનું મન હોય છે બીજામાં વ્યક્તિના સિદ્ધાંતો અને તેનું દર્શન હોય છે. આ બંને વચ્ચે તાલમેલ બેસાડવાની વાતથી જ સદભાવનાનો આરંભ થાય છે. જ્યારે ફિલોસૉફીને કિનારે રાખીને તમારું મનોવિજ્ઞાન આગળ વધી જાય ત્યારે હિંસા કે આક્રમકતાની શક્યતાઓ વધી જાય છે. જ્યારે ફિલોસૉફી મજબૂત થઈ જાય અને મનોવિજ્ઞાનને બાજુ પર રાખી દે ત્યારે વ્યક્તિની અંગત ઈચ્છાઓનો ખ્યાલ રાખવામાં નથી આવતો અને કેવળ સિદ્ધાંતોનું જ આક્રમણ કરવામાં આવે છે. સમાજમાં સંતુલન ત્યારે જ આવે છે, સદભાવના ત્યારે જ આવે છે, શાંતિ તો જ ટકે છે જ્યારે મનુષ્યનું મનોવિજ્ઞાન અને મનુષ્યનું દર્શન – એ બંનેનો એકબીજા સાથે તાલમેલ બની રહે.

હવે હું મીડિયાને અનુલક્ષીને કંઈક વાત કરું. એમાં મારે બે વાતો કહેવી છે. એક તો ‘મીડિયા’ શબ્દથી આપણે જે અર્થ કરીએ છીએ તે ટીવી ચેનલ અને અખબાર. પરંતુ આપને પ્રારંભમાં જ સ્પષ્ટા કરી દઉં કે મારા માટે મીડિયા શબ્દનો અર્થ આટલો સીમિત નથી. મારા માટે એ બધું જ મીડિયા છે જેમાં મનુષ્ય કશુંક વ્યક્ત કરે છે. મારા માટે સાહિત્ય પણ મીડિયા છે, કલા પણ મીડિયા છે, ફોટોગ્રાફી પણ મીડિયા છે, એક લેખ પણ મીડિયા છે અને એક પોસ્ટર પણ મીડિયા છે. કોઈ ટુચકો બનાવે અને એનું પણ જો સાર્વજનિક મહત્વ હોય તો એ મારા માટે મીડિયા છે. પરંતુ મીડિયાના અન્ય અર્થો વિશે હું પછી ચર્ચા કરીશ. પહેલા મીડિયાનો જે સર્વસામાન્ય અર્થ છે એ વિશે વાત કરું. એ છે અખબાર અને ટેલિવિઝન. સ્વાભાવિક છે કે એની તાકાત ઘણી છે. ફક્ત એની તાકાત ઘણી છે એમ નહીં પરંતુ એની તાકાત એટલી ઝડપથી વધી રહી છે કે આજે રાજ્યસત્તાઓ એની સામે પોતાને લાચાર સમજે છે. ફક્ત આજે જ નહીં, વર્ષો પહેલા માર્ગારેટ થેચરે કહી દીધું હતું કે ‘ટેલિવિઝન મીડિયાએ આપણને સૌને અપ્રાસંગિક બનાવી દીધા છે.’ ટેલિવિઝન મીડિયા સામે આજે સૌથી મોટી ફરિયાદ એ છે કે એમાં હીરો-હીરોઈન બધું આવે છે પણ હકીકતમાં ‘સમાચાર’ નથી આવતા ! ક્યારેય મનમોહનસિંહ નથી દેખાતા. ભાગ્યે જ ચૂંટણી હોય ત્યારે કોઈક રાજકારણી સમાચારમાં દેખાય. આ બધાનું કારણ એ છે કે મીડિયા હવે પૂરેપૂરું મનોરંજન ઉદ્યોગમાં રૂપાંતરિત થઈ ગયું છે. ખાસ તો જ્યારથી ડિજિટલ ટેકનોલોજી અને ઈન્ટરનેટનું આગમન થયું છે ત્યાર પછીથી વધારે. મનોરંજન અને ત્યાર બાદ સૂચના અને ડિજિટલાઈઝેશનની મદદથી મીડિયાનો પ્રવાહ, કે જે પહેલા હાઈ-વે માનવામાં આવતો હતો એ હવે એટલો મોટો હાઈ-વે થઈ ગયો છે કે એના લીધે દૂર દૂર સુધી દેખાતી પેલી પગદંડીઓ હવે ક્યાંય દેખાતી નથી. આ એવું વિશાળ છે કે ધારો કે તમે ઘરમાં એક રૂમમાં બેઠા છો અથવા લેપટોપ લઈને ક્યાંક જઈ રહ્યા છો તો પણ તમે આખી દુનિયા સાથે જોડાયેલા હોવો છો. જેમ કે અમેરિકામાં આ સમયે શું થઈ રહ્યું છે, ત્યાં કોણ નવી ડાન્સર આવી છે અને ‘એમ.ટી.વી.’ પર શું ચાલે છે, ‘વી’ ચેનલ પર શું ચાલે છે, ‘સ્ટાર ન્યૂઝ’ પર શું ચાલે છે, સાસુ-વહુની વાર્તામાં આગળ શું આવ્યું – આ બધું જ ઘેર બેઠાં જાણી શકો છો. તમારે ક્યાંય જવાની જરૂરત નથી. બસ, તમારી પાસે એક રૂમમાં લેપટોપ, લાઈટ અને ઈન્ટરનેટનું કનેકશન હોવું જોઈએ. હવે તો લેપટોપની જગ્યાએ મોબાઈલમાંથી પણ આ બધું જ કરી શકો છો એવી ટેકનોલોજી આવતી જાય છે. આખું વિશ્વ આપણા ખિસ્સામાં સમાઈ જાય છે. આ એક બહુ મોટી છલાંગ છે કે જેમાં મનોરંજનથી લઈને સૂચના અને વિઝ્યુઅલ જગત એકબીજામાં સમાઈ ગયા છે. ઘણા સમાજવિજ્ઞાનીઓ માને છે કે 20મી સદીની સૌથી મોટી ઘટના બે વિશ્વયુદ્ધ થયા એ નથી કે યુ.એસ.એસ.આરનું પતન પણ નથી. પરંતુ વિડિયો-ટેકનોલોજીનો ઉદય થયો એ બહુ મોટી ઘટના છે. આ ટેકનોલોજીનો ઉદય થવાથી એટલી મોટી બાબતો થઈ કે જે વિશ્વયુદ્ધ થવાથી પણ નહોતી થઈ. આ એટલી મજબૂત ટેકનોલોજી છે કે જેણે અનેક વસ્તુઓને ફેંકી દીધી છે.

હું આપને મીડિયા વિશે એ કહી રહ્યો હતો કે આજના મીડિયામાં એ નથી બતાવાતું કે પાણીની સમસ્યાનું શું થયું તથા નવું ન્યુકલિયર બિલ આવ્યું છે એનું આગળ શું થયું. આ બધી જ બાબતો જાણે કે સાવ બિનજરૂરી બની ગઈ છે. કારણ કે દરેક વસ્તુને મનોરંજન સાથે સાંકળી લેવામાં આવી છે. એ સંશોધનનો વિષય છે કે શહેરીકરણે કેટલું Marginalization ફેલાવ્યું છે. શહેરીકરણનો અર્થ ફક્ત આધુનિકીકરણ નથી. શહેરીકરણનો એક અર્થ મોટા પાયે Marginalization કરવાનો છે. ફકત અહીં જ નહીં, પૂરી દુનિયામાં આ થઈ રહ્યું છે. આ આધુનિકતાએ ફેલાવેલું Marginalization છે. આમાં મીડિયા-ઉદ્યોગની ભૂમિકા લગાતાર બની રહી છે કારણ કે એ બધી વસ્તુઓ આપણી ચેતનામાં નથી. આજે નાની-નાની સભાઓ, સંગઠનો અને એન.જી.ઓ ફક્ત ચર્ચા કરે છે કે પાણીની સમસ્યા માટે શું કરવું, જમીનની સમસ્યા માટે શું કરવું. કારણ કે મોટા પાયે ‘મેક્રો-લેવલ’ પર આ બાબતો હવે ચર્ચાતી જ નથી ! મનોરંજન ઉદ્યોગે આવી કમાલ કરી છે ! આ ખરેખર બહુ આશ્ચર્યજનક છે. આપણે તો એમ વિચારતા હતા કે માહિતી આખી દુનિયામાં ફેલાશે તો માહિતી કે સૂચના આપણી તાકાત બનશે. પણ સૂચના મળે છે જ ક્યાં ? સૂચના કોના હાથમાં છે ? સૂચના પર નિયંત્રણ કોનું છે ? એ કોણ નક્કી કરે છે કે આ સૂચના લોકોને આપવાની છે અને આ સૂચના લોકોને નથી આપવાની ? આજે આપણે અહીં સદભાવના પર્વમાં ભેગા થયા છીએ પરંતુ આ પર્વની બાબતનું અહીંના અખબારો અને ટીવી ચેનલોમાં કેટલું આવતું હશે કે કેમ એ મને ખ્યાલ નથી. અહીં સંજયભાઈ આ સદભાવનાનું જે કામ કરી રહ્યા છે એની વિશ્વવ્યાપી જાણકારી લોકોને થવી જોઈએ. હજી આ પ્રકારના ઘણા લોકો હશે જે અલગ અલગ જગ્યાએ આવા કામો કરી રહ્યા હશે. આજના ટેલિવિઝન મીડિયાએ મનુષ્યને સીધે સીધી અસર કરતી બધી અગત્યની બાબતોને બહિષ્કૃત કરી દીધી છે અને જે બેહૂદા બાબતો છે એને સામે રાખી છે. કોણે બિકની પહેરી છે અને કોણે સાડી પહેરી છે એ સતત ત્રણ કલાક સુધી બતાવવામાં આવે છે કે જેનું કંઈ મહત્વ જ નથી. એ પાછું પ્રાઈમ-ટાઈમમાં બતાવવામાં આવે છે ! આ એક બહુ મોટી સમસ્યા આજે મીડિયામાં જોવામાં આવી રહી છે. હું પોતે એનો એક ભાગ છું અને હું પોતે એ ભોગવી રહ્યો છું.

અગાઉ મેં કહ્યું તેમ, મારા માટે ફક્ત ટેલીવિઝન અને અખબાર જ મીડિયા નથી. એ રીતે સામાજિક કર્મશીલતા માત્ર વંચિતોની સેવા કરવામાં જ નથી. પરંતુ સામાજિક કર્મશીલતાનો હવે એક અર્થ એ પણ થવો જોઈએ કે દુનિયામાં જે ઈન્ફોર્મેશનનું ઈન્ફાસ્ટ્રકચર બન્યું છે, કે જેમાં ફક્ત માહિતી જ નથી એમાં મનોરંજન પણ છે, વિડિયોલોજી પણ છે, સિનેમા પણ છે, મ્યુઝિક વિડિયો-મ્યુઝિક ચેનલ છે – એ બધામાં સહજ મનુષ્યની વાત ક્યાં થઈ રહી છે એ પણ જાણવું જોઈએ. દુનિયાને તમે ત્યારે જ જાણી શકો છો જ્યારે તમે અખબાર વાંચો છો, કોઈ પત્રિકા વાંચો છો અથવા કોઈ ગોષ્ઠીમાં ભાગ લો છો. પરંતુ સમાચારોનું જે બંધારણ છે એમાં ખબરોનું સ્થાન સંકોચાતું જાય છે. મારા ખ્યાલથી એક સારું પુસ્તક લખવું કે એક સારી વાર્તા લખવી એ મીડિયા જ છે. ખુદ બાપુ જે પ્રવચન કરે છે એ પણ મીડિયા જ છે.

મનુષ્યને ચાહે એક રૂમમાં બધી સુવિધાઓ આપીને પૂરી દો પણ તોય મનુષ્યની અંદર એક આત્મિક ચીજ પડેલી છે જે મનુષ્યને સમાજ વચ્ચે લઈ જાય છે. મોરારિબાપુને સાંભળવા કેમ એક લાખ લોકોથી વધુ આવે છે ? એટલું તો કોઈ નેતાને સાંભળવા માટે પણ નથી જતું. રાજકારણમાં તો માંડ માંડ ટ્રક ભરીને ભીડ ભેગી કરવી પડે છે ! શા માટે લોકો બાપુને સાંભળવા આવે છે ? ખુદ આપણે પણ આટલે દૂર અહીં મહુવા આવ્યા છીએ. હું પોતે ટીવીનો માણસ છું છતાં અહીં મે ત્રણ દિવસથી ટીવી નથી જોયું. મને એની કોઈ જરૂરત નથી પડી. અખબારની પણ મને અહીં કોઈ જરૂરિયાત લાગતી નથી. કારણ કે આપણા સૌની અંદર જે આધ્યાત્મિક ખોજ છે, આધ્યાત્મિક આનંદ છે તે અહીં પુષ્ટ થાય છે. એ આંતરિક આનંદ પામવાની તલાશ દુનિયાનો દરેક વ્યક્તિ કરતો જ હોય છે. ફક્ત અહીંનો જ વ્યક્તિ કરે છે એમ નથી. એવા લોકો જે સમાજ સાથે જોડાવા માગે છે તથા લોકો સાથે જોડાવા માગે છે, આસપાસની ચીજોમાં વિકૃતિ નથી ઈચ્છતા, જે ચીજવસ્તુઓનું સર્જન કરવા માગે છે એ મીડિયા જ છે. મીડિયાનો અર્થ એ પણ છે કે નવી ચીજોની રચના કેવી રીતે કરવી. વાલ્મિકી અને વ્યાસથી મોટા રચાયિતા તો કોઈ નથી થયા. કેટલીયે સભ્યતાઓ આવી અને ચાલી ગઈ પરંતુ એ રચનાઓને કંઈ નથી થયું. આ વાલ્મીકી અને વ્યાસે રચ્યું એ પણ એક મીડિયા છે. દરેક વ્યક્તિ એ રીતે પોતે સર્જક બની શકે છે. આવી રીતે શરૂઆત કરવી એ પણ મીડિયા જ છે. હું માનું છું કે મુખ્ય ધારા તો આ જ છે. બસ, આપણે મુખ્ય ધારાની સમજ બદલવાની જરૂર છે.

આપણે બાપુની કથા સાંભળીએ કે વિશ્વના ખ્યાતનામ લેખકો જેવા કે તોલ્સતોય વગેરેને વાંચીએ અને જે આપણને આંતરિક આનંદ મળે તે એમ.ટીવી જેવી ચેનલોના કાર્યક્રમોથી નથી મળી શકતો. તેથી જ અંતે તો આપ પુસ્તક ખરીદવાનું પસંદ કરો છો અને બાળકોને ભેટ આપવી હોય તો પણ પુસ્તક જ પસંદ કરો છો. આમ એટલા માટે કારણ કે જે બીજા સાથે જોડાવાની વાત છે તે ફક્ત એક દર્શન જ આપને બતાવી શકે તેમ છે. તે એક સિદ્ધાંત જ બતાવી શકે છે. એ ફક્ત ટીવી ચેનલથી નથી આવી શકતું. ધારી તો એનાથી પણ આવી શકે છે. જેમ કે હમણાં થોડા સમય પહેલાં અમે એક કાર્યક્રમ કર્યો હતો. એ કાર્યક્રમનું નામ હતું ‘બીન કી ધૂન.’ એ કાર્યક્રમ ‘લવ આજ કલ’ ફિલ્મમાં જે બીનની ધૂન આવે છે એની પરથી હતો. કઈ-કઈ ફિલ્મમાં બીન વગાડવામાં આવ્યું છે એની પર એ કાર્યક્રમ હતો પરંતુ એમાં અમે મદારીઓને બોલાવીને એમની પાસે બીન વગાડાવ્યું હતું. ત્યારે મને એક વાત એ ખબર પડી કે કાયદા સામાન્યતઃ તો માણસની રક્ષા માટે હોય છે પરંતુ ક્યારેક એવા કાયદા બને છે જે માનવીને સાવ હાંસિયામાં ધકેલી દે છે. તેઓની આજીવિકા ખતમ થઈ જાય છે. તેઓ વંચિત થઈ જાય છે. એમની માટે કાયદાઓ બનાવતા પહેલાં પૂરું વિચારવામાં નથી આવતું. આ જે મદારીઓ છે એમની માટે કાયદો બની ચૂક્યો છે કે તેઓ સાપ નથી પાળી શકતા. સાપ ન પાળે તો એ કરે શું ? તેથી જ્યારે બીન વગાડવામાં આવે છે ત્યારે લાકડાનો સાપ તેઓ વાપરે છે. સાપનું રક્ષણ થાય તે સારી વાત છે પરંતુ કાયદો બને ત્યારે આ રીતની આજીવિકાવાળા માણસો વંચિત બની જાય છે એમની તરફ કેમ ધ્યાન આપવામાં નથી આવતું ? અહીંયાથી એક મીડિયાકર્મીનું કામ શરૂ થાય છે. આ બાબત મેં ઘણી જગ્યાએ લખી છે. શું આ માટે મીડિયા કશું કરી શકે તેમ નથી ? આ રીતનું જ એક વખત અંગ્રેજોના જમાનામાં થયું હતું. અંગ્રેજોએ આદેશ આપ્યો કે જે વિચરતી જાતિઓ છે તેમણે જ્યાં છે ત્યાં જ સ્થાયી થઈ જવું. એથી એમની આજીવિકા જ હણાઈ ગઈ ! હવે તો આપણે એને કોઈ જાતિમાં પણ સામેલ નથી કરી શક્યા. આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણે તેઓ માટે કશું કરી નથી શક્યા. મદારીઓના બીનવાદનને આપણે આગળ લઈ જઈ શક્યા હોત. એને વિકસાવી શક્યા હોત. સરકારે અને પોલિસી બનાવનારે આ વિચારવાનું હતું. અહીં મને ગાંધીજી યાદ આવે છે. ગાંધીજીનું ‘હિંદસ્વરાજ’ યાદ આવે છે. ભારત ગામડાઓનો દેશ છે પરંતુ હસ્તશિલ્પનો પણ દેશ રહ્યો છે. અંગ્રેજોના આવ્યા બાદ એ ખતમ થઈ ગયો. અનેક કલાઓ ખતમ થઈ ગઈ. આ બધા માટે વ્યક્તિગત મીડિયાની જરૂર રહે છે. એટલે તમે જે લખો, વિચારો એ પણ એક મીડિયા જ છે. આ પ્રકારના નવા અવાજો પેદા થાય છે ત્યારે જ ખરા વાસ્તવિક મીડિયાની શરૂઆત થાય છે કે જેનો સંબંધ વ્યાપક જનતા સાથે છે અને એ પણ લોકોને આનંદની અનુભૂતિ કરાવવા માટે.

મનોરંજન ઉદ્યોગ બધું ખતમ કરી દેશે એવું નથી કારણકે મનુષ્યની અંદર એવી ચીજ પડેલી છે જે એને વિચારવંત માણસ બનાવે જ છે. બીજાના દુઃખની પોતાને અનુભૂતિ થવી એ જ મૂળમાં તો મનુષ્યતા છે. જ્યારે તમે એને છોડી દો છો ત્યારે કશું જ બચતું નથી. દુનિયામાં ક્યાં પણ એવું થઈ રહ્યું હોય કે જે મનુષ્યને મનુષ્યતાને, પ્રકૃતિને તથા સંસાર માટે નુકશાનકારક હોય એ બધી જ વસ્તુ આપણી ચિંતાનો વિષય હોવી જોઈએ. એનાથી જ નવા મીડિયાની શરૂઆત થશે. હું મારી વાત અહીં પૂરી કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
.

(વક્તા : શ્રી અજય ઉમટ)


સૌ પ્રથમ તો મોરારિબાપુ જેવી સમર્થ વ્યક્તિ કે જેને લાખો લોકો સાંભળતા હોય, એ સામે બેઠા હોય ત્યારે બોલવું એ મારા માટે સૌથી મોટી ચેલેન્જ છે. અગાઉના વક્તવ્યમાં કહેવાયું કે મીડિયા જગત પર રાજ કરે છે. હું અહીં એ પ્રશ્ન લઈને આવ્યો છું કે મીડિયા પર કોણ રાજ કરે છે ?

ગાંધીનગરમાં એક વાર હું એક રાજ્યપાલનો ઈન્ટરવ્યુ લેવા ગયો હતો ત્યારે એમણે પોતાનો અનુભવ જણાવતાં મને કહ્યું કે ‘હું જ્યારે શપથ લેવા ગયો ત્યારે તે પહેલાં અમારી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત હતી. એ દિવસે રાષ્ટ્રપતિ સંસદને સંબોધન કરવાના હતા. ત્યારે પ્રેક્ષક ગેલેરીમાંથી સંસદની એક છત નીચે આટલા છકી ગયેલા બદમાશોને એક સામટા મેં મારી જિંદગીમાં પહેલીવાર જોયા !’ હું પોતે મારા વ્યક્તિગત અનુભવથી કહું છું કે હું છેલ્લા વીસ વર્ષથી ગાંધીનગરમાં એક્ટિવ રિપોર્ટીંગમાં જઉં છું. સરકારો બદલાઈ છે પરંતુ દલાલો એના એ જ છે. હું જ્યારે પત્રકાર હતો અને વિદ્યાર્થી હતો ત્યારે અમને ‘સમાચાર’ની વ્યાખ્યા શીખવવામાં આવતી કે કૂતરો માણસને કરડે તો એ સમાચાર નથી પણ માણસ કૂતરાને કરડે તો એ સમાચાર બને છે. આજે જ્યારે હું ભણાવવા જઉં છું ત્યારે કહું છું કે માણસ કૂતરાને કરડે એ પણ સમાચાર નથી પરંતુ માણસ કૂતરાને કરડે અને કૂતરાને એઈડસ થાય તો એ સમાચાર છે !

મેં વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી MSW – Master In Social Works કર્યું છે. એમાં સારી રીત એ હતી કે તમે ચર્ચા કરી શકો અને શિક્ષકો સામે દલીલ પણ કરી શકો. પરંતુ જો એક સીમાથી વધુ કરો તો થોડી સજા મળે. મને સજા એવી મળી કે મારું placement આઈ.પી.સી.એલ.માં હતું અને ત્યાંથી ઊઠાવીને મને મેન્ટલ હોસ્પિટલમાં ફેંકી દેવામાં આવ્યો ! ત્યાં માનસીક અસ્વસ્થ લોકો સાથે કામ કરવાના મને બે ફાયદા થયા કે એક તો ગાંધીનગરમાં મને કોઈ દિવસ તકલીફ પડી નથી અને બીજો ફાયદો એ થયો કે ખરેખર સમાજમાં ગુનાખોરીની શરૂઆત ક્યાંથી થાય છે એની તાજી માહિતી મને મળી. આ યુનિવર્સિટીના મારા મિત્રે એક મહાનિબંધ લખ્યો હતો અને એણે એવું શોધ્યું હતું કે યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના કેટલાક વિદ્યાર્થીઓ ડ્રગ્સના બંધાણી છે. મને પણ આશ્ચર્ય થયું હતું કે મારી પોતાની ફેકલ્ટીના વિદ્યાર્થી ડ્રગ્સના બંધાણી ? મેં તપાસ કરી અને માહિતી સાચી નીકળી. એમાં થતું હતું એવું કે એટલા બધા દબાણ હેઠળ વિદ્યાર્થીને કામ કરવું પડતું કે તે શનિવારે રાત્રે એક ગોળી લઈ લે અને આખો રિપોર્ટ લખી નાખે. એ પછી રવિવાર શાંતિથી પસાર કરે. કોઈક ‘ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટસ’માં જતા અને ત્યાં એક સ્પેશિયલ પ્રકારની ચા બનતી કે જેમાં અફીણ અને ગાંજો નાખતાં. એ પછી એક ગ્રુપ સાથે પણ મારો પરિચય થયો. એક ડોક્ટરે મને કહ્યું કે એ ગ્રુપના લોકો ડ્રગ્સના બંધાણી ન કહેવાય પરંતુ કેટલીક પ્રકારની દવાઓનો દુરઉપયોગ કરી રહ્યા છે તેમ જરૂર કહેવાય. આ ડ્રગ્સ લેતા ગ્રુપ જોડે લગભગ છ-એક મહિના સુધી મેં કામ કર્યું અને એ લોકોની આખી Modus operandi હું સમજી ગયો. મેં નક્કી કર્યું કે પત્રકારત્વમાં આ પ્રકારની વાતો બહાર લાવવાની અને સમાજસેવા કરવાની તક મળે તો એ જરૂરથી કરવી.

એ વખતે ‘લોકસત્તા’ અખબાર ખૂબ પ્રસિદ્ધ હતું. એમાં આ વિશેનો મારો સૌથી પહેલો સંશોધનાત્મક લેખ મેં લખ્યો. એમાં મેં ડ્રગ્સ વેચતા બધા જ અડ્ડાવાળાઓના નામ, સરનામા લખ્યાં અને એમની કામ કરવાની પદ્ધતિ પણ લખી. જેમ કે અમુક વિસ્તારમાં તમે જાઓ અને ત્યાં બાઈકની સાઈડ-લાઈટ ચાલુ રાખો એટલે તમને એક પડીકી કોઈ આપી જાય અથવા અમુક મંદિર પાસે જાઓ અને ત્યાં લાઈટ ચાલુ હોય તો સમજી જવાનું કે પ્રસાદ મળશે વગેરે વગેરે…. મને એમ હતું કે હું આ મારા જીવનની બહુ મોટી ન્યુઝસ્ટોરી લખી રહ્યો છું. એ બીક પણ હતી કે તંત્રી કદાચ એમાં કાપકૂપ કરશે. પરંતુ એ તો પૂરેપૂરી છપાઈ ! બીજે દિવસે સવારે હોસ્ટેલમાં મારા રૂમપાર્ટનરે મને ઊઠાડ્યો અને મને કહે કે, ‘યાર, આ આટલે નજીક મળતું હતું અને તેં અમને કહ્યું જ નહીં ? અમે તો કેટલે દૂર લેવા જતાં હતાં….’ હું ઑફિસ ગયો તો મારા તંત્રીએ મને કહ્યું કે કમિશનર તમને યાદ કરે છે, જરા મળી આવો. કમિશનરને મળવા ગયો તો એમણે મને કહ્યું કે ‘અમારું પોલીસખાતું બહુ જ બેઈમાન છે. પચાસ ટકા લોકો હપ્તા જ નહોતા પહોંચાડતા. આ વાંચ્યું ત્યારે ખબર પડી !’ સાંજે જ્યારે હું ઑફિસમાં ગયો ત્યારે ઘણા બધા અડ્ડવાળાઓ લાઈન લગાવીને ઊભા હતા. મને બીક લાગી કે આ લોકો મને મારશે. પણ અમારા ઑફિસના ચા-વાળાએ મને કહ્યું કે એ લોકો તો એટલા માટે મળવા આવ્યા છે કે એમના નામ યાદીમાં નથી આવ્યાં તેથી એમની ઘરાકી ઘટી ગઈ છે અને જેમનાં નામ તમે લખ્યાં એ બધાની ઘરાકી વધી ગઈ છે. બોલો ! આ કેવી દુઃખદ વાત છે ! મને એમ હતું કે હું સમાજસેવા કરું, પણ આ તો સાવ જુદું નીકળ્યું !

મારી વ્યથા એ છે કે મીડિયા જ્યારે મૌન લે છે ત્યારે સમાજને ઘણું નુકશાન થાય છે. એક જમાનામાં વડોદરામાં લઠ્ઠાકાંડ થયો ત્યારે જવાબદારો સામે કોઈ પગલાં લેવામાં ન આવ્યાં. સેંકડો લોકો તેમાં મરાયા અને ત્યારબાદ અનેક લતીફો તથા બુટલેગરોનું વર્ચસ્વ વધ્યું. મીડિયા શા માટે પગલાં લેતું નથી તે એક પ્રશ્ન છે. મીડિયા જ્યારે Manage થાય છે ત્યારે સમાજને એથી પણ વધારે નુકશાન થાય છે. છેલ્લા વીસ વર્ષમાં મીડિયા સૌથી વધુ Manage થયું છે. ક્યારેક છાપું, સ્થાનિક તત્વો અને પોલીસનો પણ તોફાનો કરાવવામાં ફાળો હોય છે. એ રીતના તોફાનો પૂર્વઆધારિત નક્કી કર્યા પ્રમાણે થતાં હોય છે. અગાઉ એવા કેટલાંક તોફાનો આપણે ત્યાં થયેલાં છે. એમાં કોનો હાથ એ કહી શકાય તેમ નથી પરંતુ મીડિયા ક્યારેક પરોક્ષ રીતે પણ આમાં જોડાયેલું હોઈ શકે તેવા આક્ષેપો થાય છે. આ પ્રકારનું જોડાણ એટલા માટે થતું હોય છે કે અમુક વિસ્તારમાંથી અમુક કોમના લોકોને હટાવવાના હોય અથવા અમુક જમીનો ખાલી કરાવવી હોય છે. અમુક તોફાનો તો ઈરાદાપૂર્વક રાતના સાડાદશ પછી કરાવવામાં આવતાં હતાં. આ તોફાનો જાણે અગાઉથી ગોઠવેલાં હતાં. આ માત્ર ગુજરાતમાં થાય છે એવું નથી, વિશ્વભરમાં આવું થાય છે.

ગોધરાકાંડ થયો એ પછી આજની તારીખે મીડિયાની જે નિષ્ફળતા હું જોઉં છું તે એ છે કે મીડિયાએ સદભાવનાને બદલે દુર્ભાવના ફેલાવી હતી. કારણ કે એ વખતે પ્રિન્ટ મીડિયા v/s ઈલેક્ટ્રોનિક મીડિયા, હિંદુ મીડિયા v/s મુસ્લિમ મીડિયા, ગુજરાતી મીડિયા v/s અંગ્રેજી મીડિયા થઈ ગયું હતું. એ તમામમાં સત્યનો ભોગ લેવાતો હતો. મેં પ્રત્યક્ષ ગોધરાના એ ડબ્બા પાસે જઈને એક હાથ પકડીને ખેંચાયેલી બાળાને પૂછ્યું હતું ત્યારે તેણે ફક્ત એટલું જ કહ્યું હતું કે તેઓએ મારો હાથ પકડ્યો હતો અને હું હાથ છોડાવીને ભાગી આવી હતી. બસ, પછી કંઈ બન્યું નહોતું. એ વાત જ્યારે બીજે દિવસે છાપામાં આવી ત્યારે એમ છપાયું હતું કે ‘એ બાળાની છેડતી કરવામાં આવી હતી !’ છાપાઓએ એ વખતે કોઈ ભૂમિકા સ્પષ્ટ ન કરી. એ વખતે થયેલા બંધના એલાન માટે છાપાવાળા તંત્રીઓ શાંતિની અપીલ એમના પેપરોમાં લખી શક્યા હોત પરંતુ કોઈ પેપરોએ તેમ ન કર્યું. બધી જ એફ.આઈ.આરમાં એને ઈસ્લામિક ત્રાસવાદની ઘટના ગણાવવામાં આવી અને એને કારણે આખો મામલો ગુજરાતની બહાર ગયો અને ગુજરાત બદનામ થયું. આ બધાને કારણે ‘પોટા’ અને ‘એન્કાઉન્ટર’નું કલ્ચર ઊભું થયું. મોટા ભાગના ‘એન્કાઉન્ટરો’ બોગસ જ થતાં હોય છે. આ બધામાં મીડિયાની જે શૂન્ય ભૂમિકા રહી એના લીધે ‘સોપારી’ આપવા સુધીની પદ્ધતિઓ શરૂ થઈ. મીડિયાએ જો જાગૃત રહીને કામ કર્યું હોત તો આ બધું નિવારી શકાયું હોત. મીડિયા તો જ સાચું કહેવાય કે એ જે વાત લખે તેને રાજકારણીઓ માને. પરંતુ જો મીડિયા રાજકારણીઓની વાતો માનવા લાગે તો એ સમાજ માટે સૌથી ઘાતક નીવડે છે. મને એમ લાગે છે કે અગાઉ જેમ તેલીયારાજાઓની એક લોબી ચાલતી હતી તેમ અત્યારે બુટલેગરો અને બિલ્ડરોની એવી એક જબરજસ્ત લોબી ચાલે છે જેની સામે મીડિયાના માલિકો લાચાર છે અથવા એમાં ભાગીદાર છે અથવા સમાજમાં સામા પ્રવાહે તરવાનું ટાળે છે.

આર્થિક હિતો અને સત્તાલાલસા સાથે મળે ત્યારે સાધનશુદ્ધિનો કોઈ બાધ રહેતો નથી. સદભાવના ઘટે છે એનું મૂળ કારણ આ જ છે. એ માટે મને લાગે છે કે ગુજરાતનું કલ્ચર પણ જવાબદાર છે. ગ્રીસના એથેન્સે આપણને સોક્રેટિસ, એરિસ્ટોટલ અને પ્લુટો જેવા મહાનુભાવો આપ્યા કારણકે ત્યાં ચર્ચાનું સામ્રાજ્ય હતું. ત્યાં કલા હતી. ત્યાં વ્યક્તિગત અભિવ્યક્તિને અવકાશ હતો. ફિલોસોફી અને ચર્ચાની કોઈ રોકટોક નહોતી. સ્પાર્ટા નામના દેશમાં એનાથી ઊલટું હતું. ત્યાં બાળક જન્મે કે તરત જ એને ઊપરથી નીચે નાખવામાં આવતું હતું. એ જો બચે તો એને લડવૈયો બનાવવામાં આવે. જેમ આ બંને કલ્ચર અલગ હતાં તેમ ગુજરાતનું જે કલ્ચર છે એ નફાનું કલ્ચર છે. એમાં અખબારો અપવાદ નથી. જે મૂલ્યની આપણે વાત કરીએ છીએ તે મૂલ્ય સાચા અર્થમાં નાણાં આધારિત છે. આપણે ત્યાં વૃદ્ધાશ્રમ, ત્યકતાઓ, વિધવાઓ તથા ગરીબોને સૌ લોકો ડોનેશન આપે છે પરંતુ માનવ-અધિકાર, બાળ-અધિકાર, મહિલા-અધિકાર માટે કોઈ ડોનેશન આપતું નથી. મારો કહેવાનો અર્થ એ હતો કે છાપું ચલાવવા માટે માત્ર Content મહત્વનું નથી. સમાચારની ગુણવત્તા કેવી છે તે હવે મહત્વનું નથી. ગુજરાતમાં લોકો જુએ છે કે તમારે ત્યાં પસ્તી કેટલી આવે છે ? પૂર્તિઓ કેટલી આવે છે ? છાપાની સાથે ગિફટ કેવી આવે છે ? છાપાનું વજન કેટલું છે અને છાપાની સાઈઝ શું છે ? વગેરે. News has become commodity.

આ બધું હોવાને લીધે જો એક છાપું બીજા છાપા સાથે સ્પર્ધામાં પાના વધારે કે કિંમત ઘટાડે તો કમાઈ ના શકે. છાપાનું ઈકોનોમિક્સ સમજવા જેવું છે. એક અખબારની ઉત્પાદન કિંમત આમ તો આઠ થી દશ રૂપિયા થાય છે. છાપું બજારમાં બે રૂપિયામાં વેચાય છે. ફેરિયાને 33% કમિશન આપવું પડે છે. એટલે બે રૂપિયામાંથી 66 પૈસા તો ફેરિયો જ લઈ જાય છે. તો 1.33 પૈસામાં શું કમાઈ શકાય ? જે કંઈ કમાણી થાય તે માત્ર જાહેરખબરમાંથી જ થાય. પરંતુ હકીકતે જાહેરખબરમાંથી એટલું મળતર નથી મળતું કે તમે છાપું ચલાવી શકો. કારણ કે છાપામાં તમારે મશીન ચલાવવાનું છે. કાગળના ભાવ સતત વધતા રહે છે અને મેનેજમેન્ટના ખર્ચ પણ ઘણા બધા હોય છે. તેથી જે Professionaly managed છાપાઓ છે તે ન્યુઝપેપરનો ઉપયોગ ન્યુઝને ભેગા કરવાનું અને તેને પ્રોસેસ કરીને વેચવાનું કરે છે. દાખલા તરીકે અમે SMS પદ્ધતિ અપનાવી છે. કોઈ પણ સમાચારની વધુ માહિતી જોઈતી હોય તો જે SMS મોકલે એમને એ સમાચાર મોબાઈલ પર મળે. તેથી અમે SMSથી વધુ કમાઈએ છીએ. એ રીતે અમે ઈન્ટરનેટ દ્વારા પણ વધુ કમાઈએ છીએ. આજે દિવ્યભાસ્કરને ઈ-પેપર તરીકે રોજના 80 લાખ લોકો દુનિયાભરમાંથી જુએ છે. એમાં અમારે સ્વાભાવિક રીતે પ્રિન્ટીંગનો કોઈ ખર્ચ નથી આવતો એટલે એમાંથી આવક વધારે પ્રમાણમાં થાય છે.

આ રીતે અખબાર એક પ્રોડક્ટ છે. એ પ્રોડક્ટ માટે પેકેજિંગ જરૂરી છે, બ્રાન્ડિંગ જરૂરી છે, માર્કેટિંગ જરૂરી છે અને ગ્લેમર પણ જરૂરી છે. Content જો વેચવું હોય તો ગ્લેમર, સોફટ-પોર્નોગ્રાફી, ઈન્ફોટેઈનમેન્ટ આજકાલ જરૂરી થઈ ગયું છે. ચેનલવાળા સાથે બ્રેકિંગ ન્યુઝની હરીફાઈ કરવા માટે કાં તો તમારે Exclusive News આપવા પડે અથવા તો સ્ટીંગ ઑપરેશનન્સ કરવા પડે અથવા ‘ગણપતિ દૂધ પીવે છે’ એ સ્ટોરી ક્યાંથી ઉદ્દ્ભવી એનું મૂળ શોધવું પડે અથવા તો પ્રેતાત્માઓ સાથે વાત કરવી પડે. બાળક ખાડામાં પડે એની ચોવીસ કલાક સ્ટોરી ચેનલવાળાઓ ચલાવી શકે, અમે ના ચલાવી શકીએ. દેશ ખાડામાં પડે તો શું થાય એની વાત કોઈ નથી કરતું !
અખબાર છાપવામાં એક નિશ્ચિત Break-Even Point હોય છે દાખલા તરીકે અમુક બે લાખ કોપી સુધી અમને નફો હોય પરંતુ એનાથી થોડી વધુ કોપી છાપવી પડે તો એ સાઈકલ પાછી ખોટમાં ફેરવાઈ જાય. એ ખોટ ભરપાઈ કરવા માટે છાપાના માલિકો જે ધંધા શોધે એને સારા શબ્દોમાં ‘એડવેટોરિયલ’ કહેવાય. એટલે કે એડવરટાઈઝ્મેન્ટ વત્તા એડિટોરીયલ મેટર. જેને Paid News પણ કહી શકાય. આ Paid Newsનો ત્રાસ એટલો બધો છે કે ચૂંટણી સમયે તો ખબર જ ના પડે કે કઈ પાર્ટીનો કયો નેતા શું બોલે છે ? ઉપર લખ્યું હોય કે ભાજપ જીતે છે અને નીચે લખ્યું હોય કોંગ્રેસ જીતે છે !! સામાન્ય વાચક ખરેખર ગૂંચવાઈ જાય. પૂર્તિઓમાં લેખ લખનારા લેખકો અમુક પ્રકારની વિચારધારામાં માનનારા હોય અને પોતાનો અભિપ્રાય આપતા હોય ત્યાં સુધી વાંધો નથી પરંતુ ક્યારેક ન સમજાય તે રીતે કાળા ચોકઠામાં Paid Articles પણ છપાતા હોય છે, જે જાહેરખબરના સ્વરૂપમાં હોય છે. આ બધા પછી ‘મીડિયા સ્પિનિંગ’ની બાબત તો એથીયે વિશેષ ખરાબ છે. એમ જાણવા મળ્યું છે કે દિલ્હીમાં કોઈ એવી ગેંગ નીકળી છે જે લોકસભામાં પ્રશ્ન પૂછવો હોય તો પ્રશ્ન પણ પુછાવી આપે, ભાજત-કોંગ્રેસ વચ્ચે કોઈ મુદ્દે સેટિંગ કરી આપે તથા કોર્પોરેટ માટેના તમામ સેટિંગ એ કરી આપે. તમામ ગોઠવણ એ કરી દે. આ બધુ બહુ ખતરનાક છે. આ આખું મોડલ અમેરિકન મોડલ છે. જેમ કે બુશ હોદ્દા પરથી જવાના હોય અને અમુક ત્રાસવાદીની સીડી એ જ વખતે આવે અને બુશ ફરી પાંચ વર્ષ માટે ચૂંટાઈ જાય ! 19 દિવસના પરફોરમન્સને આધારે ઓબામાને નોબેલ પારિતોષિક મળી જાય ! – આ બધી મોટી ગેમ્સ હોય છે એને કોઈ મીડિયાની દુનિયા જાહેર કરતું નથી, નથી તો કોઈ એના વિશે બોલતું.

કહેવાનો આશય એ છે કે આજે જે ‘પબ્લિક રીલેશન કંપની’ઓ મીડિયામાં ઘૂસી ગઈ છે તે મીડિયાને કંટ્રોલ કરે છે. એ મીડિયા પછી ગુજરાતી હોય, અંગ્રેજી હોય કે અમેરિકન હોય. બધામાં જાતજાતના ઓપિનિયનોને ઘડવામાં આવતા હોય છે. લોકોને તે એક જ દિશામાં વિચારતા કરી દે છે. એ બધું ગોઠવાયેલું હોય છે. અમેરિકાની એક બહુ પાવરફૂલ લોબી છે જે લોકોએ ક્યા પ્રકારની ફિલ્મ બનાવવી એના વિશે પણ સલાહ આપે છે, કેવી ડોક્યુમેન્ટરી બનાવવી, ત્યાંના સામાયિકોમાં કટાર લેખકોએ કયા પ્રકારના લેખો લખવા, ક્યા પ્રકારના જોક્સ બનાવવા – એ બધા માટે વિચારકોનું એક ગ્રુપ હોય છે. એ લોકો એ રીતે બધું લખતા અને બનાવતાં હોય છે કે કોઈ પણ બાબત માટે તમારી જોવાની દષ્ટિ સાવ બદલાઈ જાય છે. અપપ્રચારમાં તો એમણે એટલી બધી મહારત હાંસલ કરી છે કે અમેરિકન પબ્લિકને વાસ્તવમાં ખબર જ નથી કે શું થઈ રહ્યું છે ! અમેરિકામાં તાજેતરમાં એક સર્વે થયો કે વિયેતનામ યુદ્ધમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હશે ? અમેરિકાએ પોતે ઑફિશિયલ આંકડો 20 લાખનો આપ્યો છે. વાસ્તવમાં 40 લાખથી વધુ લોકો ત્યાં મર્યા છે. હિટલરે લાખો યહુદીઓની હત્યા કરી પણ અમેરિકન બાળકના નોલેજ પ્રમાણે 30 હજારથી વધુ લોકો નહીં મર્યા હોય. હું અમેરિકાની એક યુનિવર્સિટીમાં ગયો અને ત્યાંના બાળકોને કેટલાક સવાલ પૂછ્યા તો મેં જાણ્યું કે તેઓનું જનરલ નોલેજ બહુ નબળું હતું. ત્યાંના પ્રોફેસરે મને કહ્યું કે એ લોકોને તો હિલરી ક્લિન્ટન કોણ છે એ પણ ખબર નથી.

ગુજરાતમાં આજે મને સૌથી મોટી તકલીફ એ દેખાઈ રહી છે કે આપણે ત્યાં ચર્ચાનું કોઈ કલ્ચર જ નથી. અહીં બેઠેલા સનતભાઈએ એક વાર સાચું કહ્યું હતું કે આપણે બહારના લોકો સામે તો લડી શક્યા પણ પોતાના લોકો સામે હારી ગયા. નર્મદાનો બંધ આગળ કેટલો વધશે, પાણી કોને મળશે, સાબરમતીમાં પાણી છોડવાનો નિર્ણય સાચો છે કે ખોટો – એ બધા વિશે ચર્ચા તો થવી જોઈએ ને ? એક્સપ્રેસ હાઈવે બને, વિસ્થાપિતોનું શું થશે, વંચિતોનું શું થશે, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન વિશે શું – એ બધી બાબતોની ચર્ચા થવી જોઈએ. દુઃખની વાત એ છે કે આપણે ત્યાં બજેટ વિશે કે બીટી કૉટન વિશે પણ નિખાલસતાથી ચર્ચા થતી નથી. છાપામાં શેરબજાર, ક્રિકેટનો સ્કોર, અવસાન નોંધ, તારીખ, તિથિ અને ધાર્મિક મેટર – આટલાંને બાદ કરતાં દરેક વસ્તુ એવી આવે છે જેની પર ચર્ચા થઈ શકે. હું અમેરિકામાં હતો ત્યારે મને ત્યાંના એક રિપોર્ટરે કહ્યું હતું કે ‘મારા જીવનમાં મેં અમેરિકન મીડિયાને ફક્ત એક જ વાર સાચું રિપોર્ટીંગ કરતાં જોયું છે અને તે છે 9/11ની ઘટના. એ સિવાય મેં કદી અમેરિકન મીડિયાને સંપૂર્ણ સાચું રિપોર્ટિંગ કરતાં જોયું નથી.’ આપણા મીડિયાની મર્યાદા એ છે કે Investigation શૂન્ય છે. આપણે ત્યાં ‘whistleblower’ ની પદ્ધતિ નથી. કંઈક ખોટું થતું હોય અને હું બોલું તો મને સમર્થન આપનાર કોઈ નથી. આપણે ત્યાં કોઈ કૌભાંડ પકડાય એ પછી મીડિયા એના પર તૂટી પડે છે પરંતુ એ પહેલા એ વિશે કશું લખાતું નથી. ‘એન્કાઉન્ટર’ કરનાર વ્યક્તિ જ્યાં સુધી જેલમાં ન જાય ત્યાં સુધી હીરો હોય છે અને જેલમાં જાય એ પછી એના પર ઘણું બધું લખાય છે.

રામ નામે પથરા તરે છે પરંતુ રામ પોતે નાખે તો એ પથ્થર તરતા નથી અને ડૂબી જાય છે. રામે હનુમાનજીને કારણ પૂછ્યું તો હનુમાનજી હસ્યા અને કહ્યું કે, ‘ભગવાન, તમે જેને ત્યજી દો એ કઈ રીતે તરી શકે ?’ મારો કહેવાનો અર્થ એ છે કે મીડિયાને તમે લોકો નહીં ત્યજો તો મીડિયા તરશે, નહીં તો મીડિયા સાવ ડૂબી જશે. આપ સૌનો આભાર.
.

[ત્રીજો દિવસ : અંતિમ બેઠક]
[વિષય : સામાજિક સદભાવના અને નાગરિક સમાજ.]

‘સદભાવના પર્વ-2’ની ત્રીજા દિવસની અંતિમ બેઠકનો પ્રારંભ શ્રી જનકભાઈના પ્રાર્થના-ગાનથી થયો હતો. આ બેઠકનો વિષય હતો : ‘સામાજિક સદભાવના અને નાગરિક સમાજ.’ બેઠકનું સંચાલન શ્રી સંજયભાઈ કર્યું હતું. તેમના પ્રારંભિક વક્તવ્ય બાદ પૂર્વ ભારતના નાગરિક ચળવળના કર્મશીલ શ્રી સત્યા શિવરામને બેઠકના વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. એ પછી સમગ્ર પર્વના સમાપન સમયે પૂ. મોરારિબાપુએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. બપોરે બાર વાગ્યે આ ત્રિદિવસીય સત્રનું સમાપન થયું હતું અને સૌએ ભોજન-વિશ્રામ કરીને વિદાય લીધી હતી. ચાલો, આપણે આ અંતિમ બેઠકમાં પ્રવેશ કરીએ.

(વક્તા : શ્રી સત્યા શિવરામન)


સૌપ્રથમ ઉપસ્થિત સૌ વડીલોને મારા પ્રણામ. સૌ આયોજકોનો હું આભારી છું કે તેમણે મને અહીં બોલવાની તક આપી. આમ તો હું પત્રકાર છું પરંતુ ‘પત્રકાર છું’ એમ આજકાલ કહેવું મુશ્કેલ છે કારણકે ગઈકાલે રવીન્દ્રજીએ કહ્યું એ પ્રમાણે હવે તો દેશમાં પત્રકારત્વ નામની કોઈ ચીજ જ નથી રહી ! મુખ્યત્વે હું છેલ્લા દસ વર્ષથી સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કામ કરી રહ્યો છું. આપને ખ્યાલ હશે જ કે ગત વર્ષે ‘સ્વાઈન ફ્લુ’ નામની બીમારીએ લોકોમાં ખૂબ દહેશત ફેલાવી. લોકો ગભરાયા. ઠંડકવાળા પ્રદેશોમાં આ બીમારી વિશેષરૂપે જોવા મળી. આપણા શહેરોના મધ્યમવર્ગમાં એવો ભય ફેલાઈ ગયો હતો કે લોકો મોઢે માસ્ક પહેરીને નીકળતા હતાં. સિનેમા હોલમાં, શોપિંગ મોલમાં અને રસ્તા પર ઠેર ઠેર બધા માસ્ક પહેરેલા નજરે પડતાં. મેં જ્યારે આ દશ્ય જોયું ત્યારે હું ખુશ થયો કે આટલા બધા લોકોએ મોઢા પર માસ્ક પહેર્યા છે. મારું માનવું એ હતું એ આ લોકોએ હંમેશા જિંદગીભર આ માસ્ક પહેરી રાખવા જોઈએ. એ બીમારીને લીધે નહીં. મોટા શહેરોમાં રહેનારા મધ્યમવર્ગીય લોકોએ શરમિંદા થવું જોઈએ. મારું આમ કહેવાનું મુખ્ય કારણ એ હતું કે આ દેશમાં સ્વાસ્થ્યની જે સ્થિતિ છે એની સરખામણીમાં આ H1N1 તો કંઈ નથી.

‘સ્વાઈન ફ્લૂ’ માટે જે ધમાલ થઈ, કમિટીઓ રચાઈ, અનેક પ્રચારો થયા પરંતુ એ ‘સ્વાઈન ફલૂ’થી એક વર્ષમાં મરનારનો આંકડો જોઈએ તો 600 થી 800 સુધીનો છે. હવે તો મીડિયામાંથી એ ખબરો દૂર થઈ ગઈ છે એટલે આજની તારીખમાં તો કોઈ એની વાત પણ નથી કરતું. ગત વર્ષે તો ‘સ્વાઈન ફ્લૂ’ સિવાય કોઈ બીજી વાત જ નહોતું કરતું ! મેં ગણતરી કરી છે કે આપણા દેશમાં રોજ જુદી જુદી બીમારીઓને કારણે મરનારની સંખ્યા લગભગ 12,000ની છે. ઈ.સ.2009નો યુનિસેફનો આંકડો છે કે લગભગ 25 લાખ બાળકો ભૂખમરા સાથે જોડાયેલી બીમારીઓને કારણે એ વર્ષમાં મૃત્યુ પામ્યા હતા. દર વર્ષે લગભગ આટલો આંકડો હોય છે. 10 લાખ બાળકો જન્મ લેતાંની સાથે મૃત્યુ પામે છે. બાકીના 15 લાખ પાંચ વર્ષની ઊંમર થતા પહેલાં મૃત્યુ પામે છે. એનું મુખ્ય કારણ ગરીબી છે. ગરીબીનો અર્થ અહીં પૈસાને અનુલક્ષીને નથી. પૂરતું પોષણ ન મળવાને કારણે આમ થાય છે. વગર પૈસે પણ પોષણ થઈ શકે છે જેમ કે જંગલના વિસ્તારોમાં આદિવાસી લોકો રહે છે એમને તો પૈસા સાથે કોઈ લેવાદેવા જ નથી. તેઓ હંમેશા સમૃદ્ધ રહ્યાં હતાં પરંતુ આજની તારીખમાં એમની જમીન અને તેમના જંગલો ખૂંચવી લેવામાં આવ્યા છે. આજે એ હાલત છે કે જે આદિવાસી હજારો વર્ષોથી જંગલમાં જ રહીને જંગલની ચીજવસ્તુઓને આધારે જીવ્યો હતો એને આજે પોતાની આસપાસથી મળતી પ્રાકૃતિક ચીજવસ્તુઓથી વંચિત કરવામાં આવ્યો છે. હું ક્યારેક વિચારું છું કે રામાયણ જો આજના સમયમાં હોત અને જો રામચંદ્રજીને વનવાસ જવાનું હોત તો પહેલી સમસ્યા એ ઊભી થાત કે જંગલો છે જ ક્યાં ? બીજી સમસ્યા એ થાત કે જો વનમાં પહોંચી જાય તો પણ એમણે સૌથી પહેલા ‘ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ’ સાથે લડવું પડત. રાવણ તો દૂરની વાત છે !

આપણે ત્યાં મુગલો આવ્યાં ત્યારે તેઓએ જંગલોને છોડી દીધા હતાં. આદિવાસીઓ પર એમણે કોઈ હુમલો નહોતો કર્યો કારણ કે આદિવાસી પાસે પૈસાની તો કોઈ કલ્પના જ નથી. એ લોકો બહુ મોટા વિસ્તારમાં ફેલાયેલા હોય છે. આમ પણ મુગલોને સંપત્તિ લૂંટવી હતી. એટલે તેઓ બચી ગયા. આદિવાસીઓની રહેવાની રીત, એમનું ગ્રુપ અને એમની સોસાયટી બહુ અલગ પ્રકારની હોય છે. ત્યારબાદ અંગ્રેજો આવ્યા એ પહેલા આપણે ત્યાં જાગીરદારી પદ્ધતિ હતી. એમાં જમીનનો માલિક ખેડૂત જ રહેતો પરંતુ જાગીદદાર તેની પાસેથી અમુક કર વસુલ કરતો. એ વખતે જમીનના માલિક હોવાની રીત સાવ જુદી હતી. એમાં જમીનના કોઈ કાગળિયાં નહોતાં. ગામમાં બધાને ખબર રહેતી કે કઈ જમીન કોની છે. અંગ્રેજોએ આવીને પોતાના સ્વાર્થ માટે આ જાગીરદારોને જમીનદારો બનાવી દીધા. જ્યાંથી તેઓ કર વસૂલ કરતા હતાં એ બધી જમીનો જમીનદારની બની ગઈ. એનાથી બહુ જ નુકશાન થયું. ખાસ કરીને પછાત વિસ્તારોમાં ઘણું જ નુકશાન થયું. આ જમીનદારો જે કર ના ચૂકવે એની જમીન જપ્ત કરવાં લાગ્યાં. આદિવાસીઓને બહુ નવાઈ લાગી. આદિવાસીઓના મનમાં કર ચૂકવવાનો વિચાર જ નહોતો સમજાતો. એમને એમ થતું કે અમારે શેના પૈસા ચૂકવવાના ? લગભગ 100 વર્ષ સુધી ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન વગેરે પ્રાંતોમાં રહેતા આદિવાસીઓ પર આ પદ્ધતિ લાદવામાં આવી. એની સામે ખૂબ વિદ્રોહ થયાં હતાં. એ વખતના પરિણામો આપણે હજુ પણ જોઈ શકીએ છીએ કે જે આદિવાસી પૈસાથી દૂર હતો, ફક્ત પ્રકૃતિ સાથે રહેતો હતો, જેની જરૂરિયાતો પણ ઓછી હતી – એને આપણે શહેરમાં આવીને મજૂરી કરવા પર મજબૂર કરી દીધો છે. એ પોતાની જગ્યાએ રહી નથી શકતો. આઝાદી પછીના આ 60 વર્ષોમાં વિકાસના નામે આપણે જે મોટા મોટા બંધો બાંધ્યા, કારખાનાંઓ નાખ્યાં – એ બધામાં સૌથી વધારે નુકશાન આદિવાસીઓનું થયું છે.

આપણા દેશની વસ્તીના 8% લોકો આદિવાસી છે. એમાંથી 4% તો સમજી લો કે ઉત્તર-પૂર્વમાં છે. બાકીના 4% મધ્ય ભારત એટલે કે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ વગેરેમાં રહે છે. વિકાસના નામે મોટા પ્રોજેક્ટોથી અનેક આદિવાસીઓ વિસ્થાપિત બન્યાં છે. આપણા શહેરોમાં મોટા મોટા મકાન બાંધવા માટે જે લાકડું, રેતી, પથ્થર વગેરે બધું આવે છે તે આ વિસ્તારોમાંથી જ આવે છે. મોટી કંપનીઓ આદિવાસી વિસ્તારોમાં જાય છે ત્યારે તેમને માણસો નથી દેખાતા, એમાંથી કેટલો પૈસો મળશે એ જ દેખાય છે. આદિવાસી માણસ તો એક રીતે જાણે અદશ્ય માણસ બની ગયો છે. આ બધાને કારણે સ્વાસ્થ્ય પર પણ ખૂબ અસરો પડી છે. માતાનું પોષણ ન થવાથી અનેક બાળકો મૃત્યુ પામ્યા છે. એ વિસ્તારોના પ્રાણીના સ્ત્રોત બધા જ પ્રદૂષિત થવા માંડ્યા છે. ખાવાનું પૂરું મળતું નથી અને સ્વાસ્થ્યની તો કોઈ સુવિધા ત્યાં આજે પણ નથી. ઘણા વિસ્તારો આપણા દેશમાં હજી એવા છે કે જ્યાં ફક્ત ઝાડ-ફૂંક કરનારા ભૂવાઓ જ મળે છે. કોઈ ડૉક્ટરો હોતા નથી. જે રીતે બાળકોની વાત કરી એ રીતે માતાઓ પણ બાળકને જન્મ આપતી વખતે મૃત્યુ પામે છે એનો આંકડો 70,000નો છે. ટીબીથી દેશમાં દર વર્ષે દસ લાખ લોકો મરે છે. આખા વિશ્વમાં સૌથી વધારે ટીબીના દર્દીઓ ભારતમાં છે. મગજના મેલેરિયાથી આશરે દસ લાખ લોકો મરે છે. આ જે આંકડાઓ છે તે સામાન્ય યુદ્ધોમાં લોકો મરે એના કરતાં અનેક ઘણા છે. લોકો કહે છે કે ફલાણી જગ્યાએ આતંકવાદી હુમલો થયો અને 40 લોકો મરી ગયા. પરંતુ જરા આ આંકડા તો જુઓ ! આ આંકડાઓ તો આતંકવાદી હુમલા કરતાં અનેક ઘણા છે. રોજ આ એટલું બધું થાય છે કે આપણને એ દેખાતું નથી. જેમ એરપોર્ટ પાસે ઘર હોય તો થોડા સમય બાદ વિમાનના અવાજથી માણસના કાન ટેવાઈ જાય છે એમ આપણે આ બધાથી જાણે ટેવાઈ ગયા છે. 25 થી 40 લાખ લોકો કારણ વગર આ દેશમાં મરી જાય છે અને જાણે કોઈને કંઈ ફર્ક નથી પડતો ! લોકોનું ધ્યાન બીજી તરફ જ રહેતું હોય છે. હું મીડિયાનો છું તેથી મીડિયા માટે પણ કહીશ કે આજકાલ એવું થયું છે કે મીડિયા જેને ફોકસ કરે એનું જ જાણે કે અસ્તિત્વ હોય છે ! મીડિયાએ જો તમારા મોં પર કેમેરો ના ફેરવ્યો તો તમે છો કે નથી એનાથી કોઈને કંઈ ફર્ક પડતો નથી, એવું થઈ ગયું છે. એમ આપણે થવા પણ દીધું છે. આપણે પણ એટલા જ જવાબદાર છીએ.

ભારતની અત્યારની એક બહુ મોટી સમસ્યા એ છે કે ‘સહાનુભૂતિ’ નામની મૂળભૂત ચીજ હવે મરી ચૂકી છે. ખરેખર આ બહુ દુ:ખની વાત છે. ભારત જેવા મહાન દેશમાં કે જ્યાં દુનિયાના અનેક ધર્મોએ જન્મ લીધો છે, અનેક સંતો, અનેક દાર્શનિકો, બુદ્ધિજીવીઓ થઈ ગયા છે અને ભારતનું નામ વિશ્વભરમાં એનાથી જ પ્રખ્યાત છે – ત્યાં આમ થઈ રહ્યું છે. ભલે આપણો ભૂતકાળ ઘણો ભવ્ય રહ્યો હોય પરંતુ વર્તમાન પરિસ્થિતિ તો એ છે કે સમાજમાંથી ‘સહાનુભૂતિ’ નામની ચીજ ધીમે ધીમે કરીને ખતમ થઈ રહી છે. ભારતની સરખામણી ખેતી લાયક જમીન સાથે કરીએ તો અત્યારે આ જમીન એવી થઈ ગઈ છે કે જેમાં કંઈ ઊગતું નથી. સાવ બેકાર જમીન થઈ ગઈ છે. ઘણીવાર લોકો જમીન મેળવવા માટે ઝઘડતા હોય છે પરંતુ એ નથી વિચારતા કે આ જમીન હવે બેકાર છે. સૌથી પહેલા તો એ જમીનને ઉપજાઉ કે ખેતી લાયક કેવી રીતે બનાવવી એ સૌથી મહત્વનું કામ છે.

કોઈ એક સામાયિકે મને ભારતના જનતંત્ર વિશે લખવાનું કહ્યું ત્યારે મેં વિચાર્યું કે ભારતમાં હિટલર કેમ પેદા નથી થયો ? પછી મને ખ્યાલ આવ્યો કે ભારતમાં ગલીએ-ગલીએ એટલા બધા હિટલરો પેદા થયાં છે કે એક હિટલર બીજા હિટલરને દબાવી નથી શકતો અને આમ આદમી તે બે હિટલરો વચ્ચેની જગ્યામાં જીવતો હોય છે. હકીકતે અત્યારે આપણે ત્યાં જરૂરત તો એવી છે કે ગલી-ગલીમાં એક ગાંધીજી પેદા થાય. દરેક જિલ્લામાં, તાલુકામાં અને ગલીઓમાં-પોળોમાં રહેલા પ્રત્યેક હિટલર સાથે લડવા માટે બધે જ એક ગાંધીબાપુની જરૂર છે. દેશ જે રીતે જઈ રહ્યો છે અને માનવતાના મૂલ્યો ખતમ થઈ રહ્યા છે એને જગાડવા માટે હજારો-હજારો ગાંધીની આ દેશમાં જરૂરત છે. એ સહેલું કામ નથી. ગાંધીજી વિશે વિચારું છું ત્યારે મને સમજાય છે કે વિશ્વભરના લોકો ગાંધીજીને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના નેતા માને છે. તેઓ માને છે કે ભારતીય દર્શન અને પ્રાચીન પરંપરાને ગાંધીજીએ નવા સંદર્ભમાં મૂક્યું અને એ પરદેશી તાકાત સામે તેઓ લડ્યા. આ બાબત અમુક હદ સુધી સાચી છે પરંતુ ખરેખર તો ગાંધીજી પર પાશ્ચાત્ય સંસ્કૃતિનો પણ એટલો જ પ્રભાવ હતો, જેટલો ભારતીય સંસ્કૃતિનો હતો. પાશ્ચાત્ય પાસેથી આપણે ઘણું શીખવા જેવું છે. આપણે ક્યાંક નબળાં છીએ એટલે આપણે આ શીખવાનું છે એમ વાત નથી. એમાં કંઈ પૂર્વ-પશ્ચિમ વચ્ચે કોઈ સ્પર્ધા નથી. આજનું ભારત તો જાણે કે ‘ઈસ્ટ ઈન્ડિયા કંપની’ની એક પ્રોડક્ટ છે. મૂળ ભારત આ પ્રકારનું નહોતું. આજે ભારતનું એક આર્મી છે, ન્યાયતંત્ર છે, ઈલેકશન થાય છે, ભારત સરકાર છે – આ બધું તો આધુનિકતાની દેન છે. આમાં કંઈક સારી વસ્તુઓ પણ છે પરંતુ એના કરતાં સમસ્યાઓ ઘણી છે. એ માટે પાશ્ચાત્ય પાસેથી પણ શીખવું જોઈએ. પશ્ચિમ પાસેથી ફક્ત આપણે ટેકનોલોજી શીખવાની નથી. ત્યાંનો આમ નાગરિક કંઈ ફક્ત પોતાના હક માટે નથી લડતો, એ સાથે સાથે પોતાની ફરજ પણ જાણે છે.

મેં સ્વાસ્થ્યનું ક્ષેત્ર એટલે પસંદ કર્યું કારણ કે ઘણું કઠીન છે. ઘરમાં કોઈ એક સભ્ય બીમાર થઈ જાય તો પણ ઘરના અનેક વ્યક્તિઓની શક્તિ એને સાજો કરવા માટે વપરાય છે. એ સમયે આપણે પોતાની પૂરેપૂરી શક્તિથી કામ કરવું પડે છે. એક ઈજનેર મકાન બનાવે એમાં પણ સમય અને શક્તિ તો વપરાય જ છે પરંતુ સ્વાસ્થ્યની બાબતમાં માણસે સતત સેવા કરતા રહીને પોતાની ઊર્જા વાપરવી પડે છે. પાશ્ચાત્ય દેશોમાં તમે જોશો કે એવા અનેક લોકો છે જેમનું કોઈ નથી. અનેક વ્યક્તિઓ સાવ એકલા છે. એવો એકલો વ્યક્તિ બીમાર પડે ત્યારે એમને ત્યાં એક સિસ્ટમ બનાવેલી છે જેના અંતર્ગત કોઈ પણ પ્રકારના ગરીબમાં ગરીબ વ્યક્તિની સારવાર મફતમાં થાય છે. એ વ્યક્તિની દવા તો થઈ જાય છે, નર્સો દેખરેખ રાખે છે પરંતુ એ વ્યક્તિ સાથે સહાનુભૂતિપૂર્વક બેસનાર કોઈ હોતું નથી. સ્વાસ્થ્યને સાજું કરવામાં ‘સહાનુભૂતિ’ એ બહુ મોટું તત્વ છે. માણસ કંઈ ફક્ત દવાથી ઠીક નથી થઈ જતો. દવા સાથે માણસને પ્રેમ જોઈતો હોય છે. પાશ્ચાત્યના દેશોમાં એવો પ્રેમ દર્શાવનારા પણ અનેક લોકો છે. મોટા કોર્પોરેટ ક્ષેત્રના અગ્રણીઓ પણ ક્યારેક અડધો દિવસ કોઈક હોસ્પિટલમાં સાવ અજાણ્યા વ્યક્તિને સહારો આપવા એની જોડે જઈને બેસે છે. આવા પાશ્ચાત્યના વિચારો અપનાવા જેવા છે. ગાંધીજીએ આ વિચારને અહીં ભારતમાં લાવવાની કોશિશ કરી હતી. વિડંબના એ છે કે ગાંધીજીની હત્યાની સાથે એમની તમામ વિચારધારાને પણ દાટી દેવામાં આવી. હું માનું છું કે આ શુભ વિચારધારાઓને પાછી લાવવાની ખૂબ જરૂરત છે.

જે વિષય મને આપ્યો છે કે નાગરિક સમાજનું કર્તવ્ય શું તો હું એ બે પ્રકારનું કર્તવ્ય સમજું છું. એક તો પોતાના હક માટે કેવી રીતે લડવું અને સંગઠિત થવું. સંવિધાનમાં એ બધું લખેલું છે પરંતુ સામાન્ય માનવીને તો જાણે સંવિધાન સાથે લેવા-દેવા જ નથી રહી ! એ સંવિધાનને અમલમાં લાવવું એ નાગરિકનું કર્તવ્ય છે. બીજું કર્તવ્ય એ છે કે નાગરીકે પોતાની આસપાસ સહાનુભૂતિ અને સદભાવનાનો માહોલ રચવાનો છે. જેમ અગાઉ મેં કહ્યું તેમ, આ પ્રક્રિયા વગર આ ઉજ્જડ જમીન ઉપજાઉ નહીં બની શકે. આ માટે પાશ્ચાત્ય સમાજ પાસેથી પણ જે મૂલ્યો જરૂરી લાગે તે લેવાં જોઈએ.

આપણા દેશમાં જે તંગી છે એને હું ‘આધ્યાત્મિક તંગી’ એવું નામ આપું છું. આર્થિક તંગી કરતાં સૌથી પહેલા આ તંગીને દૂર કરવી પડશે. એક સાચા ધાર્મિક થવાનો ખરો અર્થ એ જ છે કે તમે બીજા વ્યક્તિ સાથે કેટલી હદ સુધી સહાનુભૂતિ રાખી શકો છો. હું માનું છું કે સાંપ્રદાયિકતા અને સદભાવનાના જે પ્રશ્નો છે એ તો ભાષણોના માધ્યમથી અમુક હદ સુધી જ ઉકેલી શકાય છે. આજના જમાનામાં આ માટે રેલીઓ કાઢવાથી કામ નહીં થાય. એની માટે અંતરિયાળ ગામડાઓ સુધી જઈને જાતે કામ કરવું પડશે. ફક્ત ભાષણોથી સામેના માણસની વર્તણૂંકને આપણે બદલી નહીં શકીએ. આમ આદમીની જે રોજેરોજની નાનકડી જરૂરિયાત છે, એમાં જો આપણે મદદ ન કરી શકીએ તો પછી તો મોટા-મોટા ભાષણો આપીને આપણે આ દેશને નથી બદલી શકવાના. અમે ઝારખંડમાં સ્વાસ્થયના ક્ષેત્રમાં સીધું એ જ કામ કરી રહ્યા છે કે જેથી ગામના લોકોનું સ્વાસ્થ્ય સુધરે. ગામમાં ઘણી એવી સામાન્ય બીમારીઓ હોય છે જેને માટે મોટા સ્પેશિયાલિસ્ટ કે એમ.બી.બી.એસ ડૉક્ટરની જરૂર નથી હોતી. એ માટે ત્યાં એ પ્રકારના ‘હેલ્થકેર વર્કર્સ’ રાખવામાં આવ્યા છે જેથી તેઓ આ બીમારીની પ્રાથમિક સારવાર કરી શકે અને ગામના લોકોને સામાન્ય સમજ આપી શકે. આ કાર્યમાં સદભાવના ફેલાવવનો હેતુ પણ સમાયેલો છે જ.

એ જ રીતે ધર્મના ક્ષેત્રમાં પણ સૌને એકબીજાના ધર્મની જાણકારી હોય તે બહુ જરૂરી છે. પરસ્પર સદભાવનું નિર્માણ થાય એ માટે આ અગત્યનું છે. આપણામાંથી ઘણા ખરા લોકોને મુસ્લિમ ધર્મના અનેક તહેવારો વિશે સામાન્ય જ્ઞાન પણ નથી હોતું. દરેક પ્રાંતમાં આ સ્થિતિ છે. વિવિધ ધર્મના લોકો એકબીજા સાથે હળીમળીને રોજેરોજ કામ કરે તે ખૂબ જરૂરી છે. ભલે આપણા વિચાર કોઈ સાથે મળતાં ન હોય પરંતુ આપણે લોકો સાથે ભેગાં મળીને કામ કરી તો ધીરે ધીમે એક સ્વસ્થ સમજ કેળવાતી જાય છે. આ બધા માટે અમે ઝારખંડમાં કોશિશ કરી રહ્યાં છે. અમે શિક્ષણના ક્ષેત્રમાં પણ એ રીતે કંઈક કરવાનું વિચારી રહ્યા છે. શિક્ષણના ક્ષેત્રમાં સ્વાસ્થ્યના ક્ષેત્રની જેમ અનેક ઘણો અભાવ છે. એવા આપણા દેશમાં સેવા કરવાલાયક અનેક ક્ષેત્રો છે. ક્યાંક પીવાલાયક પાણી નથી, ક્યાંક ઊર્જાના પ્રશ્નો છે તો ક્યાંક ગામડામાં ચૂલો સળગાવવાથી થતા ધૂમાડાથી અનેક મહિલાઓને ફેફસાનું કેન્સર થાય છે. આ પ્રકારની ઘણી સમસ્યાઓ હજી ઊભી જ છે. આંખો ખોલીને જોઈએ તો કામ કરવા માટે તો અનેકઘણું કામ ચારે તરફ છે.

ખાસ કરીને હું ભણેલાગણેલા અને થોડા સદ્ધર એવા શહેરી મધ્યમવર્ગને ખાસ કહેવા માગું છું કે તેઓ પોતાની ચારે તરફ રહેલી આવી સમસ્યાઓને જુએ. ફક્ત મીડિયાને જોઈને ન બેસી રહે. હું તો કહું છું કે ટીવી જોવાનું બંધ કરી દો. હું તો વર્ષોથી ટીવી જોતો નથી અને એની મારા સ્વાસ્થ્ય પર એની સારી અસરો થઈ છે. મેં તો અખબાર વાંચવાનું પણ છોડી દીધું છે કારણ કે આજનું અખબાર જુઓ કે પરમ દિવસનું કે એક વર્ષ પહેલાનું – તેમાં કંઈ વિશેષ ફરક નથી પડતો ! ટીવીને કારણે આપણે સાથે રહેવા છતાં સાવ એકલા પડી ગયાં છીએ. મારા પિતાજીના સમયમાં જ્યારે ટીવી નહોતાં ત્યારે તેઓ બહાર ચાલવા જતાં અને કોઈકને ત્યાં બેસીને આરામથી એકાદ-બે કલાક વાતો કરી શકતાં. એથી સ્વસ્થ અને સુખી રહેતાં. આજે હવે કોઈને ત્યાં ટીવી ચાલતું હોય અને આપણે જઈએ તો ઉપર-ઉપરથી ‘આવો-બેસો’ એમ કહે પણ આપણને ખ્યાલ આવી જાય કે આપણા આવવાથી એમને ખુશી નથી થઈ. મનોમન એ બબડતો હોય કે : ‘આ સિરિયલના ટાઈમે વળી આ ક્યાં આવી ચઢ્યા ?’ તેથી કહું છું કે ટીવી ઓછું જોઈને વાસ્તવિકતા જે બની રહી છે એને આંખો ખુલ્લી રાખીને જુઓ.

બીજું, આ બધા માધ્યમોને લીધે આપણે એમ માનવા લાગ્યા છીએ કે જે હેડલાઈન હોય છે એટલું જ આ દુનિયામાં બને છે. આપણે નજર સામે કોઈનું ખૂન થતાં જોયું હોય તો પણ આપણને એમ લાગે કે આ કદાચ સાચું નહીં હોય કારણ કે પેપરમાં તો આવ્યું નથી ! આ રીતે આપણી બધાની વિચારવાની પદ્ધતિ મૂળમાંથી જ સાવ બદલાઈ રહી છે. લોકો હાથમાં રિમોટ લઈને વિચારે છે કે હું ટીવીને ચાલું કરું છું, પરંતુ હકીકતે ટીવી તમને ચાલુ કરતું હોય છે ! એ બધું જ તમારા મગજમાં અગાઉથી ભરી દે છે કે આજે શું કરવાનું, શું વિચારવાનું, શું ખરીદવાનું…. બસ, આ રીતે ‘બ્રેઈન વોશિંગ’ રોજ થતું રહે છે. થોડાક દિવસ એને બંધ રાખીને ચારે બાજુ આંખો ખુલ્લી રાખીને જોઈએ અને સામાન્ય નાગરિક હોવાને નાતે આપણે જે જે કરી શકીએ તે જરૂરથી કરીએ. કોઈ પણ કામ નાનું નથી.

વિશેષ કહું તો આપણા દર્શનમાં મને એ ખામી લાગે છે કે આપણે શારીરિક તંદુરસ્તીને બહુ મહત્વ આપ્યું નથી. આત્માની વાતો સારી છે પરંતુ શરીરને કેળવવું પણ એટલું જ જરૂરી છે. આપણા દર્શનની બીજી તકલીફ એ છે કે આપણે કોઈ પણ સમસ્યાને જોઈને એને તુરંત ઉકેલવાના બદલે ફક્ત એના પર ચિંતન શરૂ કરીને બેસી રહીએ છીએ. આપ ખોટું ન લગાડો તો બુદ્ધ ભગવાનની કથા જે નાનપણમાં ભણવામાં આવતી હતી એના વિશે પણ એક વાત કરું. બુદ્ધ ભગવાનની વાર્તામાં એવું આવતું હતું કે તેઓ એક વાર મહેલમાંથી નીકળ્યા પછી એમણે બીમાર આદમીને જોયો અને દુઃખી થયા. વૃદ્ધ આદમીને જોયો અને તેઓ દુઃખી થયા અને ત્રીજા દિવસે એક મૃત્યુ પામેલાને જોયો એટલે તરત એ જંગલ તરફ જતાં રહ્યાં અને નિર્વાણનો માર્ગ અપનાવ્યો. આ સારી વાત છે પરંતુ એમાં મને એમ લાગે છે કે એમની નજર સામે બીમાર વ્યક્તિ હતો એની માટે તો એમણે કંઈક કરવું જોઈએ. વૃદ્ધ વ્યક્તિ હતો એને કંઈક મદદ કરી હોત તો ઘણું સારું થાત. પરંતુ આપણું દર્શન જ એવું છે કે આપણે આંખો સામે જે સમસ્યા હોય એને છોડીને બહુ દૂર જતાં રહીએ છીએ. આ બધું સમજવું જરૂરી છે. જો કે પાશ્ચાત્ય વિચારધારાઓ આવી એ પછી આપણે ત્યાં સંકુચિતતા ખૂબ વધી છે એ પણ એટલું જ સાચું છે. ખેતરોને વાડ કરવી અને કમ્પાઉન્ડ રાખવી – એ બધી તે વિચારધારાની દેન છે. આપણે ત્યાં અગાઉ કોઈ એવી સંકુચિતતામાં માનતું નહોતું. ટૂંકમાં, આપણું ધ્યાન અમૂર્ત ચીજવસ્તુઓ તરફ વધારે જતું હોય છે. એ પદ્ધતિ બદલવી ખૂબ જરૂરી છે.

‘નાગરિક સમાજ’ વિશે હું એમ માનું છું કે દરેક વ્યક્તિ પાસે સત્તા છે. સત્તા એટલે કે સરકાર એમ આપણે માનીએ છીએ. પરંતુ એ કોઈ દૂર રહેલ વસ્તુ નથી. માણસે એમ ના માનવું જોઈએ કે સારા કામ કરવા માટે તો ચૂંટાઈને આપણે સત્તા પર બેસીએ તો જ થાય. કોઈ પણ વ્યક્તિ સદભાવનાનું કામ તો કરી જ શકે છે. નાના-નાના કામ તો આપણે જરૂરથી કરી શકીએ. અન્ય એક વૃત્તિ આપણા સમાજમાં એવી છે કે લોકો અસાધારણ કામ કરવા ઈચ્છે છે પણ સાધારણ કામ કરવા નથી ઈચ્છતાં. ભૂખ્યો માણસ ખાવાનું માગે તો એને ખાવાનું આપવું જોઈએ. એને કંઈ એમ ના કહેવાય કે હું તારા માટે જીવ આપવા પણ તૈયાર છું ! આ સાધારણ કામ ખૂબ અગત્યનું છે. રોજ આપણને પચાસ વસ્તુની જરૂરત પડે જેમ કે વીજળી, પાણી, સડકો અને ઘરવપરાશની અનેક વસ્તુઓ. આ વસ્તુઓને લગતા પ્રશ્નો આપણે જ સંભાળવાના હોય. એ કંઈ સરકાર થોડી સંભાળવાની હતી ? આપણે જાતે જ આ બધા પ્રશ્નોના ઉકેલ લાવવા પડશે. આપણે જેની રાહ જોઈએ છીએ કે કોઈ આપણને આવીને બચાવશે એ તો આપણે પોતે જ હોઈએ છીએ. જેટલી જલ્દી આ વાત આપણે સમજી લઈએ એટલું જલ્દી એક નવો દેશ બનાવવાનું કામ આપણે શરૂ કરી શકીશું. આપ સૌનો આભાર.
.

(સમાપન વક્તવ્ય : પૂ. મોરારિબાપુ)


શ્રી રામચંદ્ર શરણં પ્રપદ્યે |
શ્રી રામદૂતં શરણં પ્રપદ્યે ॥

સદભાવનાપર્વના સૌ આયોજકો અને આપ સૌ…. મેં આ ઘણી વખત કહ્યું છે કે સાચી એકાદશી એને કહેવાય કે એક દિવસ ઉપવાસ કર્યા પછી બીજે દિવસે સવારે ‘મારે હવે જમવું પડશે’ એવી પીડા પ્રગટ થાય. એ રીતે મારો વર્ષોનો મૌનનો અનુભવ એવો છે કે હું એક દિવસ મૌન રાખું પછી બીજે દિવસે મને પીડા થાય કે હવે મારે બોલવું પડશે. આપ મારો પરિવાર છો એટલે હું માનું છું કે આ વાતને આપ અન્યથા નહીં લેશો. કદાચ લો તોય એ આપની સ્વતંત્રતા છે. ત્રણ દિવસ સુધી હું અહીં શ્રોતા તરીકે બેઠો હતો અને મારે પાછું બોલવું પડે એવી બહુ માનસિકતા રહેતી નથી છતાંય શબ્દોનો ઉપાસક છું તેથી, ન આશીર્વાદ કે ન માર્ગદર્શન – આ બેમાંથી કોઈ માટે મારું ગજું નથી. આશીર્વાદ આપવા માટે બહુ તપ જોઈએ અને એ મારી પાસે છે કે નહીં તે મને ખબર નથી. માર્ગદર્શન આપવા માટે બહુ અભ્યાસ જોઈએ. એ પણ મને ખબર નથી. પરંતુ બોલવાનું કહ્યું છે એટલે જરૂર બોલું.

બધા જ વક્તાઓએ ત્રણ દિવસ પોતપોતાની રીતે બહુ જ હૃદયથી પોતાના અનુભવપૂર્ણ અને અભ્યાસપૂર્ણ વિચારો આપણી સામે મૂક્યા. છેલ્લે બહુ શાલીનતાથી શિવરામનભાઈએ પોતાના વિચારો મૂક્યા. વર્ષોથી બોલું છું એટલે શ્રવણ પણ કરતો હોઉં છું અને વક્તાની શાલીનતાને ધન્યવાદ પણ આપતો હોઉં છું. મને વડીલ શ્રી સનતભાઈ બે દિવસ લઈને અહીં આવ્યા એનો બહુ આનંદ થયો. એ મને ગઈકાલે પૂછતા હતાં કે આ સદભાવનાને લઈને તમારા મનમાં શું છે ? ત્યારે મેં એમને જવાબ આપતાં ‘ક્વીટ ઈન્ડિયા’ના દિવસે જુદા જુદા વિચારકોની મુંબઈમાં યોજાયેલી એક સભાની વાત કરતાં કહ્યું કે એ દિવસે મેં સ્વાભાવિક કહેલું કે દેશમાં લોકસભા છે અને હોવી જોઈએ, વિધાનસભા છે તો તે પણ હોવી જોઈએ. શું આપણા દેશમાં એક એવું સંગઠન ન થઈ શકે કે જે સદભાવ સભામાં રૂપાંતરિત થાય ? એની વાત કોઈ આચરણમાં ન ઉતારે તો કંઈ નહીં પણ વ્યક્તિને વિચારવા માટે મજબૂર કરે. વ્યક્તિને એ નિષ્પક્ષ, નિર્વૈર અને નિર્લોભ અવાજ સાંભળવા માટે બાધ્ય કરે. વંદનીય વિનોબાજીની આચાર્યકુળની કલ્પના એવી રહી કે એવા લોકોનું સંગઠન હોય જે પૂરેપૂરા નિષ્પક્ષ હોય, નિર્વૈર હોય અને નિર્ભય હોય. એ પ્રવૃત્તિ વિનોબાજીના કાળમાં શરૂ થઈ, ચાલી પણ ખરી. એવી એક સભા હોય કે જ્યાં આવા લોકો મળે. એવું મે મુંબઈમાં કહેલું અને ત્યારે હું પ્રાસમાં બોલેલો કે ‘ક્વીટ ઈન્ડિયા’ હવે ‘સ્વીટ ઈન્ડિયા’ બને. ખેર, એ તો મારા મનમાં જે તે વખતે આવ્યું તે.

એ પછી આગળ મેં સનતભાઈને કહ્યું કે પચાસ વર્ષની મારી રામકથાયાત્રામાં આરંભના દશ વર્ષ હું કાઢી નાખું છું. એ વખતે સ્વભાવ નહોતો પરંતુ મારી બાધ્યતા હતી, મારી મજબૂરી હતી તેથી હું દક્ષિણાના રૂપમાં કથાના છેલ્લે પત્ર-પુષ્પ સ્વીકારતો હતો. કોઈ દિવસ ચાર્જ નહોતો લેતો. મને ખબર છે કે હું એક કથા નવ દિવસની કરું ત્યારે મને 100 રૂપિયા મળતા. એમાંથી 30 રૂપિયા મારો પગાર કપાઈ જતો હતો. કારણ કે મહુવા શિક્ષણ સમિતિ મને કાયમી નહોતી કરતી. એ એમ માનતી હતી કે આ કાયમી કરવા જેવો માણસ નથી ! તબલા અને પેટીવાળાને એમાંથી 10-10 રૂપિયા આપવા પડતાં હતાં. છેલ્લાં ચાલીસ વર્ષથી તો હું કશું જ કોઈ પાસેથી લેતો નથી. કેવળ રામના નામ પર શ્રદ્ધાથી મારું જીવન બહુ સારી રીતે ચાલે છે. આ તમે સ્વીકારો કે ના સ્વીકારો પરંતુ કેવળ રામના નામ પર મારું કામ ચાલે છે. કદાચ ગાંધીજીનું પણ ચાલ્યું છે એના મૂળમાં કેવળ રામનામ છે. પછી એ રામ વિસ્તર્યા, સુક્ષ્મ થયા, જન-જનમાં દેખાયા, ઈશ્વર સત્ય છે એને બદલે સત્ય જ ઈશ્વર છે આવું રૂપાંતર એમની વાતમાં આવ્યું. હું તો બહુ જ શ્રદ્ધા લઈને બેઠો છું. આ સંદર્ભમાં ‘હેનરી ફોર્ડ’ માટે કહેવાતી એક વિનોદી વાર્તા છે જે આપને કહું. એમણે એક નવી ગાડી બનાવી. એક બહુ સમૃદ્ધ ગ્રાહક ગાડી ખરીદવા આવ્યો. ફોર્ડે જાતે એને કહ્યું કે તમે અંદર બેસો હું તમને એક મોટો આંટો મરાવું જેથી તમને ખ્યાલ આવે કે ગાડી વાપરવામાં કેવી છે. આ ખાસ સંશોધન કરીને બનાવવામાં આવેલી ગાડી છે. એ પછી બંને જણ બેઠા અને 40 કિ.મી. સુધી ચાલીને ગાડી ઓચિંતી અટકી પડી. ફોર્ડે પેલા ભાઈને કહ્યું કે ‘સોરી, પેટ્રોલ નથી.’ ગ્રાહક કહે કે ‘પેટ્રોલ નથી તો આ 40 કિ.મી. ચાલી કેવી રીતે ?’ ફોર્ડે હસીને કહ્યું કે ‘40 કિ.મી. તો ખાલી અમારા નામથીયે ગાડી ચાલી જાય છે !!’ ખેર, એ તો વાર્તા હશે કે દંતકથા હશે પણ મારો તો અનુભવ છે બાપ… કે મારી ગાડી તો રામનામથી જ ચાલે છે. એના મૂળમાં કેવળ રામનામ છે અને તેથી આપ સૌ આવો છો અને હું પણ માર્ગદર્શન પ્રાપ્ત કરું છું.

હું તમને સનતભાઈ સાથેની વાત કરતો હતો. સનતભાઈને મેં કહ્યું કે પહેલાંના દસ વર્ષ કાઢી નાખું તો છેલ્લાં ચાલીસ વર્ષથી મારી રીતે, મારી જગ્યાએ, મારી ક્ષમતા પ્રમાણે, મારી વ્યાસપીઠ આ જ કામ કરે છે. આદરણીય મોરારજીભાઈ દેસાઈ જ્યારે રમણ મહર્ષિના આશ્રમમાં ગયા ત્યારે એમણે સીધું જ રમણ મહર્ષિને પૂછ્યું કે, ‘મહર્ષિજી, આપ એક ખૂણામાં બેઠાં છો એ કરતાં સમાજની વચ્ચે જઈને કરો તો કેટલું બધું કામ થાય.’ કદાચ રમણ મહર્ષિએ એવો જવાબ આપેલો કે ‘આપ આપની ક્ષમતા અને આપના ક્ષેત્રમાં રહીને કામ કરો છો, હું મારી ક્ષમતા અને મારા ક્ષેત્રમાં રહીને એ જ કામ કરી રહ્યો છું જે તમે કરી રહ્યા છો.’ સૌના ક્ષેત્રો અને સૌની ક્ષમતા જુદી જુદી છે તેથી હું બહુ વિનમ્રતાથી કહેવા માગું છું કે 40 વર્ષથી હું સદભાવના ફેલાવવાનું જ કામ કરું છું. મારી કથામાં આવતો શ્રોતાવર્ગ કેવળ પાપ ધોવા નથી આવતો પરંતુ હવે પછી નવા પાપ નહીં કરીએ એના સંકલ્પ માટે આવે છે. હું નથી માનતો કે કોઈના પાપ ધોવાતા હોય. પાપ તો ભોગવવા જ પડે. કોઈ એવી કૃપા ઊતરે અને ધોવાઈ જાય તો સારું, મને વાંધો નથી. મારે તો મેં કંઈ કર્યા હોય તો ધોવાય નથી, ભોગવવા છે. કથા એટલા માટે છે કે એમાંથી પછી માણસ નવું પાપ ન કરે. આપણે ક્યાં સુધી ભૂતકાળની વાતોને વાગોળ્યા કરીશું ? વિનોબાજીએ કહેલું કે દોષદર્શન કરતાં ગુણદર્શનમાં ઊર્જા વધારે છે. તમે તમારું થોડું ગુણદર્શન કરો. ‘હું પાપી, હું હીન અને હું પતિત’ એવું ક્યાં સુધી કરશો ? આપણે જ્યાં છીએ ત્યાંથી કંઈક કરીએ.

આ બાબતે હું તમને એક વાત કહું તો કદાચ આપને આત્મશ્લાઘા લાગે પણ કહેવું તો પડશે જ. હું 25 વર્ષ પહેલાં ઓરિસ્સાના નેત્રયજ્ઞમાં ત્રણ દિવસ સેવા કરવા ગયો. એ બિલકુલ આદિવાસી વિસ્તાર હતો. મેં એના માટે મારી એક કથા બદલી. હું ત્યાં ગયો. ત્રણ દિવસ હું એક તંબુમાં રહ્યો. મારી ઈચ્છા હતી કે હું જાતે જોઉં કે બહુ જ અંદરના ભાગમાં શું સ્થિતિ છે. હું ચૌદ વરસ વનમાં તો ન જાઉં પણ ત્રણ દિવસ તો જઈ શકું ! ત્યાં હું બે-ત્રણ કલાક દર્દીઓ પાસે હોઉં અને સાંજે અમે બધા સાથે બેસીને સત્સંગ કરીએ. એક દિવસ મેં આયોજકોને કહ્યું કે મને ડર નથી પરંતુ જો તમને વાંધો ન હોય તો મારે હજી અંદરના અંતરિયાળ વિસ્તારોમાં જઈને લોકોને મળવું છે. આયોજકો કહે કે તમને એકલા કેમ જવા દેવાય ? જોડે પોલીસ મોકલીએ. મેં ના પાડી કે પોલીસ નહીં. કથા દરમ્યાન પણ હું રાત્રે ભિક્ષા લેવા જઉં ત્યારે વ્યવસ્થા માટે રાખેલી પોલીસને ના પાડી દઉં છું. ભિક્ષા તો એક બહાનું, બાકી મારો એની પાછળનો ખ્યાલ એ કે મારે એને મળાય અને જે મારી પાસે ન આવી શકે એની પાસે હું જાઉં. એક તો પોલીસની ગાડી આવે એટલે એ લોકો ગભરાઈ જાય અને દુઃખી થાય. તેથી ત્યાં મેં નેત્રયજ્ઞના આયોજકોને કહ્યું કે કૃપયા કોઈ સાથે ન આવો. એ પછી હું ત્યાં એક ઘાસના ઝૂંપડા પાસે ગયો. ત્યાં મેં એક દશ્ય જોયું એનું મને આશ્ચર્ય પણ થયું અને વિષાદ પણ થયો. એ ઝૂંપડામાં એક બહેન હતી એટલે મેં વિનંતી કરી કે હું આવી શકું ? એ બહેને બહુ મીઠો આવકાર આપ્યો પણ મેં મારી નજરે જોયેલું કે એમણે એક ઘાસનો પૂડો આડો રાખ્યો હતો. હું સમજી ગયો કે આની સ્થિતિ શું છે, સાહેબ ! હું ચૂપ થયો. એ વખતે મારી પાસે કંઈ નહોતું. મેં મારી કાળી શાલ આપી દીધી. બીજું શું કરું ?

આ શાલની વાત પરથી યાદ આવ્યું કે ઘણા લોકો મારી પાસે શાલ માંગે છે પણ આ શાલમાં કંઈ નથી. શાલથી કંઈ થાય નહીં, મશાલથી જ થાય ! હું એક કાર્યક્રમમાં ગયો ત્યારે બે મૌલાનાની વચ્ચમાં બેઠો તો એમણે મને એક-એક શાલ ઓઢાડી અને મેં પણ તેઓને એક-એક શાલ ઓઢાડી. હું વચમાં બેઠો હતો એટલે મને બે શાલ મળી ! મારો કહેવાનો અર્થ છે કે તમે વચ્ચે બેસતાં શીખો. વિદ્યાર્થીઓની વચમાં બેસો તો પણ ઘણું જાણવાનું મળે. અમારે મહુવાની કન્યાશાળામાં વિદાય સમારંભ હતો. હું પણ ત્યાં હતો. એમાં એક મુસ્લિમની દીકરી અને બે હિન્દુની દીકરીઓ હતી. શિક્ષકોએ તે વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરાવ્યો. એ ત્રણેય હનુમાન ચાલીસાનો પાઠ કરતા હતાં. મેં આચાર્યને કહ્યું કે આવું નહીં કરાવવું જોઈએ. મુસ્લિમ દીકરીને ન બોલવું ગમે અને તમે પરાણે તો નથી કરાવતાને ? આ બરાબર નથી. આચાર્ય કહે કે ના એવું નથી. પરંતુ મને ન ગમ્યું. મારી હાજરીમાં તો એવું ન જ થવું જોઈએ કે કોઈ ધર્મને તમે ફરજ પાડો કે તમે આમ કરો. એ ઠીક ન કહેવાય. મેં પૂરું થયા પછી અમારા નગરપતિ ઈબ્રાહીમભાઈને કહ્યું કે આ દીકરીને જરા પૂછોને કે શિક્ષકે એમને પરાણે હનુમાન ચાલીસા તો નથી કરાવ્યા ને ? ઈબ્રાઈમભાઈએ પૂછ્યું ત્યારે એ છોકરીએ બહુ સરસ જવાબ આપ્યો. આવા જવાબો વિદ્યાર્થીઓની વચ્ચે બેસીને આપણે મેળવવાના છે. એ છોકરીએ એમ કહ્યું કે હિન્દુ-મુસ્લિમ એ તો બધા તમારા મોટેરાંઓના કામ છે અમને શાંતિથી રહેવા દો ને યાર ! આ એક મોટો મેસેજ હતો. એટલે હું એમ કહેતો હતો કે શાલથી કંઈ કામ નહિ થાય, મશાલથી થશે. મશાલ એટલા માટે કારણ કે એ બીજાને અજવાળું આપે અને એની માટે મારે અને તમારે જાતે બળવું પડે. જાતે બળીને બીજાને ઉજાગર કરવાની આ વાત છે. બીજાને બાળવા માટેની મશાલની આ વાત નથી.

હું આપને એ કહેતો હતો કે એ પેલી ઝૂંપડીમાં રહેતા બહેનને મેં તે દિવસે શાલ આપી દીધી. બીજું મારી પાસે કશું હતું નહિ. એ પછી એ બહેન ભાંગ્યું તૂટ્યું હિન્દીમાં એમ બોલ્યાં કે ‘તમારું તિલક જોઈને એમ લાગે છે કે અમારાથી તમારું લેવાય નહિ. અમારે તો ધર્મને અપાય, ધર્મ પાસેથી લેવાય નહિ.’ આ મૂલ્ય, આ સદભાવ મેં મારી નજરે જોયો છે. મારે તમને એ કહેવું છે કે હું મારી રીતે, વ્યાસપીઠ સાથે જોડાઈને નામના પ્રતાપે આવું કંઈક કરી રહ્યો છું અને આપ આવા કાર્ય માટે સક્રીય છો, વર્ષોથી વિચારો છો એટલે મને આ પ્રવૃત્તિ મારી જ પ્રવૃત્તિ હોય એવું લાગે છે. તેથી મને એમ થાય કે હું આ પ્રકારની પ્રવૃતિમાં કોઈપણ રીતે જોડાઉં.

હવે ‘સદભાવ’ શબ્દની વ્યાખ્યા ઘણી વખત થઈ. ‘સદભાવ’ માટે ભગવદગીતામાં એક જગ્યાએ ખૂબ સુંદર વ્યાખ્યા છે. પ્લીઝ, એના પર ધ્યાન આપજો. સનતભાઈએ ગઈકાલે દ્વંદ્વની સરસ વાત કરી. રામચરિત માનસ પણ એમ જ કહે છે કે જ્યાં સુધી દ્વૈત બુદ્ધિ જગતમાં પેદા નથી થતી ત્યાં સુધી ક્રોધ પેદા થઈ શકે નહીં. ક્રોધ પેદા ન થાય ત્યાં સુધી હિંસક વૃત્તિ ન થાય, હિંસક વૃત્તિ પેદા ન થાય ત્યાં સુધી કોઈની હિંસા કોઈ કરી જ ન શકે. ક્રોધ દ્વૈતમાંથી પેદા થાય છે. એને ‘મમસત્ય’ કહે છે. હું તો એમ માનું છું કે એક સત્ય મારું હોય, એક સત્ય તમારું પણ હોય અને સાથે સાથે આપણે બંને એ સ્વીકારવું જોઈએ કે એક સત્ય આપણું હોય. મારું સત્ય ઘીનો દીવો કરવાનું હોય તો ઈસાઈ ભાઈનું સત્ય મીણબત્તી કરવાનું હોય. બૌદ્ધો અને ઈસ્લામનું સત્ય એની રીતે વ્યક્ત થતું હોય. દરેકના સત્યને આદર મળવો જોઈએ. સાથોસાથ એ પણ સમજવું જોઈએ કે સૂર્ય અમારા બંનેનું સત્ય છે. તેથી હું તમને ભગવદગીતાની એ સુત્રાત્મક પંક્તિ કહેવા માગું છું કારણ કે દ્વંદ્વમાંથી જ આ બધા બખેડા શરૂ થાય છે. એક વખત હું કલકત્તાની કથામાં હતો અને ગીતાનો એક શ્લોક મારા મગજમાં ઘૂમે પણ મને યાદ ન આવે. હું રોજ ગીતાનો પાઠ કરું પણ મને એ શ્લોક યાદ જ ન આવે. મારે એ શ્લોક શોધવો હતો પરંતુ એ ક્યા અધ્યાયનો એ પણ મને ખબર નહિ. એક વખત આખી ગીતા જોઈ ગયો. ગીતાનો પાછળથી આગળ ઊલટો પાઠ પણ કર્યો. પરંતુ એ શ્લોક જ ના જડે. મને થયું એ શ્લોક ગયો ક્યાં ? ત્યારે મને ખબર પડી કે એ શ્લોક જ્યાં હતો ને ત્યાં બે પાના ચોંટી ગયા હતા ! સાહેબ, જ્યાં શ્લોક હોય છે ત્યાં દ્વન્દ્વોએ આપણને ચોંટાડી દીધા છે, ભટકાવી દીધા છે. આ દ્વન્દ્વ એટલે કે બે પ્રકારની વૃત્તિ કે જેણે આપણને ભટકાવી દીધા છે. એના પરથી મને એમ શીખવાનું મળ્યું. હું આપને એ કહેતો હતો કે ગીતાનો એ શ્લોક છે જે સદભાવનાને પરિભાષિત કરે છે. આપ એની પર વિચાર કરજો. સદભાવના માટે આટલી બધી પ્રવૃત્તિઓ થાય છે ચર્ચાઓ થાય છે તેમ છતાં સ્થાયી રૂપ કેમ નથી લેતી એ વિચારવા જેવું છે. એટલે જ ગીતામાં કૃષ્ણએ સદભાવના સાથે એક બહુ જ અગત્યનો શબ્દ જોડ્યો છે જે બાબતે હું આપનું ધ્યાન ગંભીરતાથી ખેંચવા માગું છું. ‘सदभावे साधुभावे च’ એમ ગીતા કહે છે. આ વૈશ્વિક મંત્ર છે. સદભાવનાની પાછળ જો સાધુભાવ નહીં હોય તો એ સદભાવ ક્યારેય નહીં ટકે. સાધુભાવ એટલે અમુક કપડામાં કોઈ છે એની વાત નથી. કપડાંની વાત છોડી દો. કપડાં કોને કેવા પહેરવાં એ એની વ્યક્તિગત સ્વતંત્રતા છે. હું આપ સૌ વડીલોના સંસર્ગમાં રહું છું ત્યારે એમાં મને સલાહો પણ ઘણી મળે છે કે ‘બાપુ સાહિત્યકારો, કર્મશીલો સાથે બેસે ત્યારે એમણે તિલક ન કરવું જોઈએ !’ આવું થાય ત્યારે કર્મશીલોના નામ પર ચોકડી વાગી જાય છે. તમે મારી વૃત્તિ જુઓ, વેશ શું કામ જુઓ છો ? એ દરેકની પોતાની સ્વતંત્રતા છે. હું મારી રીતે કામ કરું છું. તમે મને તમારી ફ્રેમમાં ફીટ નહીં કરી શકો પણ હું કામ તમારું કરું છું. તમેય મારું કામ કરો છો પણ હું કદી તમને એમ ન કહું કે તમે મારી જેમ માળા લઈને ફરો. એમ કહું તો હું સાવ મૂઢ ગણાઉં.

માફ કરજો, અત્યારે શું થયું છે કે આપણા સદભાવની પાછળ શ્રેષ્ઠભાવ નથી. ‘सदभावे साधुभावे च’ સાધુ શબ્દ વાપર્યો છે એટલે સાધુ બોલું છું. બાકી સાધુ શબ્દ આવે એટલે આપણે ત્યાં ગૃપો શરૂ થઈ જાય છે. બાકી બધા ડાહ્યા માણસો એક જ છે. ફકીરોને વળી કયો ધર્મ ? હું મારાથી વિચારું તો મારી પ્રત્યેક સદભાવનાની પાછળ શ્રેષ્ઠ ભાવ છે ? શ્રેષ્ઠભાવ હોવો જોઈએ. હું તમારી પાસે આવું તો મારી સદભાવના હશે તો જ હું તમારી પાસે આવતો હોઈશ. હું એક નાનામાં નાના ગરીબના કૂબામાં જઉં તો મારી સદભાવના હશે તો જ હું ગયો હોઈશ. અમુક વાતો મને કહેવી ગમતી નથી પણ એમ થાય છે કે કહું. અમારે ભાઈઓને ગાડી આપવાની વાત હતી તો મેં કીધું કે મારા ગુરુકૂળની આસપાસના ઝૂંપડામાં રહેતા લોકોને પહેલા સાઈકલ મળે, નાના બાળકો ત્રણ પૈડાંની સાઈકલ પર ફરે, એને ક્રિકેટના સાધનો આપો, એ બધા એનાથી રમે પછી વાત. ક્યારેક હુંય એ લોકો ભેગો ક્રિકેટ રમું છું પણ આ બધા અંદરના દ્રશ્યો કોઈ કેમેરા પકડતા નથી એટલે ગમે તેવું નિવેદન કરી દે છે. મારો કહેવાનો અર્થ એ હતો કે ઝૂંપડામાં જઉં એટલે મારો સદભાવ તો હશે જ પરંતુ ત્યાં જવા પાછળ જો મારો સાધુભાવ નહીં હોય અને મનમાં જો એ ભાવ હશે કે હું ઝૂપડામાં જાઉં તો મારી પ્રસિદ્ધિ વધે, મોરારિબાપુ બધાથી જુદા પડે, ખાલી કથા ન કરે કામ પણ કરે – આવી જો વૃત્તિ હોય તો સદભાવ છે, સાધુભાવ નથી. પછી તો કૃષ્ણ એમ પણ કહે છે કે તમારું કર્મ સત્કર્મ હોય તો પણ એની પાછળ સાધુભાવ હોવો જોઈએ.

ઘણા કર્મો એવા કરીએ છીએ કે એ આપણે કરવા પડે છે પરંતુ એની પાછળ શ્રેષ્ઠભાવ નથી હોતો. ઘણાની સાથે હાથ મેળવવા પડે છે, શ્રેષ્ઠભાવ નથી હોતો. સદભાવ શ્રેષ્ઠભાવ પ્રેરિત હોવો જોઈએ. એનો ગવાહ કેવળ આપણો આત્મા હોય. એનો બીજો કોઈ ગવાહ નહીં થઈ શકે. એનો તો આપણો અંતરાત્મા જ સાક્ષી હોઈ શકે કે એની પાછળ મારો સાધુભાવ છે કે કેમ. સત્ય માટે પણ જો હું એમ કહું કે મારું જ સત્ય સાચું તો એની પાછળ શ્રેષ્ઠભાવ નથી. ભલે આ સદભાવની પ્રવૃત્તિ નાની દેખાતી હોય પણ રામાયણમાં લખ્યું છે કે તેજસ્વી ઘટનાને કોઈ દિવસ નાની ન ગણવી. અત્યારે જે આ સદભાવની પ્રવૃત્તિ થઈ રહી છે તે એક મંથન-પ્રક્રિયા છે. હું તમને શ્રદ્ધાથી અને રામનામના બળે કહી શકું કે આ મંથનમાંથી ઝેર નહીં નીકળે, અમૃત જ નીકળશે. આમાંથી જે અમૃત નીકળશે એ તો જેણે મંથન કર્યું હશે એ પણ નહીં પીવે. આમાં તો છેલ્લા માણસને કે વંચિતને પીવડાવવા માટેની વાત હશે. મારા મનમાં હંમેશા એમ થાય કે વર્ષમાં એક કથા આદિવાસી વિસ્તારને આપું કે જ્યાં વંચિત અને પીડિત લોકો બેઠા છે. જુવાનીમાં ત્યાં બેસીને સમર્પિત જીવન જીવતા લોકોને હું જોઉં છું ત્યારે રાજી થાઉં છું. મારી સ્વર્ણિમ ગુજરાતની ઊજવણી આ રીતે કથા દ્વારા છે. હું ક્યાંય જોડાયેલો નથી. હું કેવળ મારી રામાયણ સાથે જોડાયેલો છું. મારી ઊજવણી એ રીતે છે કે હું કથા દ્વારા એ લોકો સુધી પહોંચું.

ટૂંકમાં, મને નામના પ્રતાપે એવું દેખાય છે કે શ્રેષ્ઠભાવ પ્રેરિત સદભાવનું આ જે મંથન છે એમાંથી અમૃત જ નીકળશે. આપણે શું કામ નિરાશાવાદી થઈએ ? આટલો મોટો આ પરિશ્રમ છે. બહુ સારો હેતુ લઈને આપણે નીકળ્યા છીએ અને છતાંય આપણે માણસ છીએ એટલે આપણા વિચારોમાં ફેરફાર થયા કરવાનો. આપણા બધાના વિચારો ભલે જુદા હોય પણ આપણી વૃત્તિ એક હોવી જોઈએ. એ વૃત્તિની એક દિશા પાછળ શ્રેષ્ઠભાવનું પરિબળ નહીં હોય તો મને સંભવ નથી લાગતું. તેથી મને લાગે છે કે આપણું આ કાર્ય ચોક્કસ અમૃત નિષ્પન્ન કરશે. કેટલા બધા વડીલોની દુઆ આપણી સાથે છે. કેટલા બધા લોકો આ પ્રવૃત્તિથી રાજી થાય છે. ભલેને અહીં 100-200 માણસ બેઠા હોય. તેથી શું ? દિલવાળા બે મળે તોય બસ છે ! ગાંધીબાપુની પ્રત્યેક સદભાવના સાધુભાવ પ્રેરિત હતી. એમનું સવિનયભંગ આંદોલન હોય તો પણ એમના હૃદયના શ્રેષ્ઠભાવમાં ક્યાંય કાણું નહોતું પડ્યું કે હું જેના સામે આંદોલન કરું છું એનું ખરાબ થાય. એટલે જ કદાચ આખા જગતે એને સંત કહ્યો. ટૂંકમાં બાપ, શ્રેષ્ઠ ભાવનું સ્ખલન ન થાય. સાધુભાવ ક્યાંક ખંડિત ન થાય, તો જરૂર અમૃત નીકળશે.

અહીંથી કહેવાયું કે ગલી-ગલીમાં ગાંધીબાપુ એટલે કે ગાંધીબાપુની વિચારધારા પ્રગટ થવી જોઈએ. આના માટે આપણા બધાના શ્રેષ્ઠભાવ પ્રેરિત સદભાવનાપૂર્ણ પ્રયત્ન હો એવી બહુ જ હૃદયની ભાવના વ્યક્ત કરું છું. આપ સૌ આવ્યા અને આવતા રહેજો. ઘણા કહેશે અને લખાશે કે વાતો કરી કરીને બધા ઊભા થઈ ગયા પછી એનું શું ? પણ સાહેબ, અમે વાતો તો કરી ! તમે તો કુવાર્તા કરો છો. કમ સે કમ અમે શુભવાર્તા તો કરી છે. ખેર, ગીતાના ન્યાયે એમ વિચારવું જોઈએ કે સૌના ગુણો એના ગુણોમાં વર્તન કરતા હોય છે. કોઈ અમુક પ્રવૃત્તિની આલોચના કરે તો હું તો એમ જ માનું છું કે એ લોકો એમનો પોતાનો જ પરિચય આપે છે. એ એમની ઓળખણ આપે છે કે અમારા ચિંતનનો આ પરિચય છે, અમારી ઓળખાણ આ અને અમે આવું વિચારી શકીએ ! સર્વાંગ દર્શન કર્યા વગર કંઈ પણ કહેવું એ અભિપ્રાય નથી, અપરાધ છે. આપણા મંદિરોમાં આપણે એટલે જ પરિક્રમા કરીએ છીએ કે જે દેવને પરિક્રમા કરીએ છીએ એને ચારે બાજુથી જોઈ લઈએ.

આ પ્રવૃત્તિ મૂલ્યવાન છે. આપણે બધા આપણી રીતે કરતા રહીએ. હું મારી રીતે કરતો રહું છું. એમાં જ્યાં જ્યાં હું તમારી સાથે જોડાઉં કે જોડાઈ શકું એનો મને પોતાને આનંદ હશે. હું બહુ રાજી થાઉં છું. આપ આવ્યા એનો ખૂબ આનંદ થયો. મારી દષ્ટિએ આપણા આ વડીલોની સદભાવ માટેની ચિંતા આપણા માટે બહુ મોટી દુઆ છે કે તેઓ આવી ચિંતા કરી રહ્યા છે. વિશેષ કંઈ નહીં કહેતા, હું પૂરું કરું ત્યારે હંમેશા એક શેર વારંવાર કહું છું, તે આપને કહું :

तमाम उम्र तो खेर हम तो कांटो मे रहे

આ શેર હું મારા માટે પણ કહી શકું અને તમને સાચું પણ નહીં લાગે. તમને એમ થશે કે બાપુ કાંટામાં રહે છે ? પણ હા સાહેબ, બહુ કાંટામાં જીવવું પડે છે. આમ આપણે ગાડીમાં ફરતા હોઈએ, પ્લેનમાં જતા હોઈએ, કોઈ ચાર્ટર્ડ પ્લેનમાં લઈ જાય – એ તો બધા ઉપરના દ્રશ્યો છે. બાકી તો કાંટામાં જીવવું પડતું હોય છે. તેથી જ હું મારી જીવનયાત્રામાં ‘શીખી ગયો છું એમ નહીં કહું’, પરંતુ હું સત્ય, પ્રેમ અને કરુણા શીખી રહ્યો છું. એને શીખવાની મારી કોશિશ છે. આપણે બધા જ આવી રીતે મળતા રહીએ. હું આપને શેર કહેતો હતો :

तमाम उम्र तो खेर हम तो कांटो मे रहे ।
खुदा करे तेरा दामन गुलों से भर जाए ।।

सितारों को आंखो में महेफ़ुज रखना
बहोत देर तक रात ही रात होगी
मुसाफ़िर है हम भी मुसाफ़िर हो तुमभी
ईसी मोड पर फ़िर मुलाकात होगी

[સમાપ્ત]

‘સદભાવના પર્વ-2’ ની સંપૂર્ણ  PDF FILE આપ અહીંથી ડાઉનલોડ કરી શકો છો :  Click Here to download

[ ‘સદભાવનાપર્વ-2’ ના તમામ ફોટોગ્રાફ આ પ્રમાણે છે :]

[1] સદભાવના ફોરમના સભ્યો:
તુલા-સંજય , સત્યકામ જોષી , ગૌરાંગ દીવેટીઆ , મહંમદ શફી મદની , ફાધર વિલિયમ
ડંકેશ-ભારતી.

[2] સદભાવના ફોરમની આગામી પ્રવૃત્તિઓ વિશે જાણવા માટે:
શ્રી ડંકેશભાઈ ઓઝા,
103, ઑમ એવન્યૂ, દિવાળીપુરા, વડોદરા-395007.
ફોન : +91 265 2350138. મોબાઈલ : 9725028274.

[3] ‘સદભાવનાપર્વ-2’ની ડી.વી.ડી પ્રાપ્તિસ્થાન:
સંગીતની દુનિયા પરિવાર, c/o નિલેશ સંગીત ભવન, નાગરીક બેન્ક પાસે, મહુવા-364290. ગુજરાત. ભારત. ફોન : +91 2844 222864.

[4] કાર્યક્રમનું સ્થળ :
શ્રી કૈલાસ ગુરુકુળ, માલણ નદીને કાંઠે, મહુવા (જિ. ભાવનગર, ગુજરાત) : ફોન : +91 2844-222090.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાંચ લઘુકાવ્યો – હર્ષ બ્રહ્મભટ્ટ
સદભાવનાનું સહચિંતન (ભાગ-1) – મૃગેશ શાહ Next »   

12 પ્રતિભાવો : સદભાવનાનું સહચિંતન (ભાગ-2) – મૃગેશ શાહ

 1. vasusoni says:

  મ્રુ

  મ્રુ ગેશભાઈ; સદભાવના નુ સહચિતન;;;;;;વાચવાનિ ફોટૉ જોવા નિ પન મઝા આવિ.આભાર. જાને કે મહૂવા મા પુ. બાપુ ના સાનેીધ્ય મા બેથા હોઇએ તેવુ લાગિયુ.

 2. dinesh r patel says:

  without going Mahuvaa take part at there help uf read gujarati.com

 3. panna says:

  THANKS A LOT MRUGESHBHAI FOR GIVING US WONDERFUL ARTICLE.IF YOU DO NOT GIVE SUCH A GREAT READING MATERIAL THEN FROM WHERE WE GET ALL SUCH INFORMATIONS.CONGRATULATIONS FOR YOUR BIG EFFORTS.THANKS AGAIN AND AGAIN.

 4. vasusoni says:

  સારી લાગી પન ફારુકશેખ નુ ઈ મેલ ાએદ્રેશ આપિ શકો તો આપ્નો આભાર.

 5. KAUSHIK R.BHANSHALI says:

  ઢદયથિ કહુ તો વાત ઢદયમ ઉતારી આચરણથી આપણી સસ્કૃતિ ટકાવવાની છે..

 6. Veena Dave. USA says:

  સદભાવના પવૅ બીજો દિવસ…. બધાજ મા. વક્તાઓની વાતો ચોટ્દાર રહી. કોઇ વાતો પર મન ખિન્ન થઈ ગયુ તો પોલિસ હપ્તાની વાત પર હસવુ પણ આવ્યુ.
  હિન્દુસ્તાનની તરફેણ્ , ધમ્મ સુધી જવાની તૈયારી પણ સમાજ પાસે જવાની તૈયારી?, નિણૅય લેવાની અક્ષમતા વગેરે બાબતો સમાજનો દરેક વ્યક્તિ વાચે, વિચારે અને સમજે એવી છે.
  ટીકાકારોને નાના અરીસા આપી દેવાના……સીયાવર રામચંદ્ર કી જય.

 7. સરસ કામ મૃગેશભાઈ. ધન્યવાદ.

 8. sudhir patel says:

  ખૂબ મહેનત કરીને સુંદર સચિત્ર અહેવાલ બે ભાગમાં આપવા બદલ મૃગેશભાઈનો આભાર અને અભિનંદન!
  ખૂબ જ સમાજ ઉપયોગી ચર્ચા વિચારતા કરી મૂકે છે. હવે જરૂર છે એના અમલની!
  સુધીર પટેલ.

 9. Dipti Trivedi says:

  સાહિત્ય સાથે સદભાવના સ્વાભાવિક લાગે પણ અર્થશાસ્ત્રી અને રાજકારણીના દ્રષ્ટિકોણ પણ ખૂબ જ વાસ્તવવાદી લાગ્યા. બજાર , મૂડી અને સદભાવનાનો સમન્વય કેવો હોય તે જાણવા મળ્યું . વળી હંમેશા મિડિયાની ટીકા કરતા હોઈએ પણ સમાજ કેવો છે તે પણ જોવુ પડે—અને જેમનાં નામ તમે લખ્યાં એ બધાની ઘરાકી વધી ગઈ છે.—-સનતભાઈની વાત પણ ખૂબ જ ઉપયોગી.. વળી ચર્ચાનુ કલ્ચર પણ આવકારદાયક ગણાય . —આ બધા માટે અમે ઝારખંડમાં કોશિશ કરી રહ્યાં છે. અમે શિક્ષણના ક્ષેત્રમાં પણ એ રીતે કંઈક કરવાનું વિચારી રહ્યા છે. —આ બધી પ્રવૃત્તિ ત્યાં ચાલે છે એ રાજ્ય બહાર જાણ પણ ન થાય . અભ્યાસક્રમમાં ભૂગોળ આવે ત્યારે રાજ્યની સમસ્યાઓ જ નહી પણ સમાજ વડે થતા સમાજોપયોગી કામ પણ આવે અને દરેક રાજ્યના આવા ઉપયોગી અને સફળ પ્રયોગો માટે આંતરરાજ્ય આદાન પ્રદાન પ્રયોજાય એવુ હોવુ જોઈએ. બાપુને સલામ .

 10. જય પટેલ says:

  પ્રત્યેક વક્તાઓના વિચારો…ચર્ચાના વલોણામાંથી કંઈક વિચારતત્વ પેદા થશે જે સમાજને ઉપયોગી નિવડશે.

  સમાજવાદી શ્રી સનત મહેતાનો સૂતરની આંટીનો પ્રસ્તાવ અર્વાચીન ભારત વર્ષમાં અપ્રસ્તુત છે.
  વિકરાળ બેરોજગારી મેગા પ્રોજેક્ટસથી જ દૂર થશે. આપણા ગુજરાતમાં ગ્રીન ટેકનોલોજીના ક્ષેત્રે
  અનન્ય વિકાસની તકો પડેલી છે. સરકાર પીપીપી હેઠળ રોકાણકારોને આકર્ષી શકે છે.

  ભારતમાં મેનેજ મિડીયા અને મેનેજ ડેમોક્રેસી આઝાદીનાં કાળથી ચાલ્યા આવે છે. વર્ષોથી સરકાર નિયંત્રીત
  દૂરદર્શન અને ગાંધી પરિવાર નિયંત્રીત ડેમોક્રેસી (ડાયનેસ્ટી રિજીમ ) નિરંતર બેરોકટોક ચાલ્યા જ કરે છે.
  ચૂંટણી હારવાની કગાર પર હોય ત્યારે ખેડૂતો અચાનક યાદ આવે અને પછી રૂ. ૭૦૦૦૦ કરોડની માફી થાય.
  ચાલુ ટર્મમાં મિડીયાને મેનેજ કરી ભોપાલ કાંડના પિડીતો માટે ઘટનાના ૨૬ વર્ષ બાદ રૂ. ૧૫૦૦ કરોડનું
  પેકેજ લાવ્યા છે. પ્રસ્તુત પેકેજ વોટ મશીનમાં પરિવર્તીત થશે તેમાં શંકા લેશમાત્ર નથી.

  દૂનિયામાં એકમાત્ર બ્રિટીશ ડેમોક્રેસી મેનેજ ડેમોક્રેસી નથી. બીબીસી પણ મેનેજ મિડીયામાં ના આવી શકે.
  આભાર.

 11. બાપુ ને ખબર છે કે સદભાવના રહી નથી કે રહેવા દીધી નથી માટે આવા પર્વો યોજવા પડે છે.બાપુ ને વિચારવા વિનતી કે આપણાં સમાજ પર ધર્મો ની ખુબ અસર હોય છે.ધર્મો એટલે ખાસ તો સંપ્રદાયો ની.એક જયસ્વામીનારાયણ બોલે તો સામે બીજા કોઈને માનવાવાળો હોય તો તેમ બોલવા રાજી નથી.એક જય શ્રી કૃષ્ણ બોલે તો બીજો બીજા ને માનતો હોય તો એવું બોલતા એની જીભ ઝલાઈ જાય છે.ભારત માં ૨૫૦૦૦ કરતા વધારે સંપ્રદાયો છે.આપણે આ વાડાઓના ઘેટા માત્ર છીએ.આ વાડા ઓના ભરવાડોએ એમના ઘેટા બીજો કોઈ ભરવાડ તાણી નાં જાય તેની પૂરી વ્યવસ્થા કરેલી હોય છે.ભારત ક્યારે એક થવાનું?ક્યાંથી સદભાવના પ્રગટ થવાની?બાપુએ કહ્યું કે આત્મશ્લાઘા લાગશે પણ ઓરિસા ના નેત્ર યજ્ઞ વખતે એક કપડા વગર ની સ્ત્રીને કામળી આપી દીધી,સાચે જ બાપુએ કબુલ્યું તેમ આત્મશ્લાઘા જ છે.ફક્ત આ કામ તો ડીયર ગાંધી જ કરી શકે આપ નહિ.ગાંધી ની આપે તો નકલ જ કરી.કારણ સમજાવું.ગાંધીજીએ પણ એક આવી સ્ત્રીને એમના કપડા આપ્યા પછી વિચારેલું કે ભારત ની સ્ત્રીઓ ને પુરતા કપડા નથી પહેરવા ને હું આટલા બધા કપડા પહેરું?બસ ત્યાર પછી ગાંધીએ એક ટૂંકી પોતડી જ પહેરી છે.ગોળમેજી પરિષદ માં ગયા ત્યારે અને બ્રિટન નો શહેનશાહ મળ્યો હોય ત્યારે પણ.અને માર્યા ત્યાં સુધી પણ.ગાંધી હૃદય થી જીવતા હતા.આપ કુંભ ના મેલા માં ૧૫ લાખ ના સિંહાશન માને વ્યાસપીઠ બિરાજો છો અને એક લાખ ના તંબુ માં વાસ કરો છો ત્યારે આ ગરીબ નગ્ન રહેતી સ્ત્રીઓ યાદ આવતી નથી.ગાંધી આવું ક્યારેય ના કરી શકે.ગાંધી હોય તો એમ કહે કે ભાઈ આ ટોટલ ૧૬ લાખ મને આપી દો હું ઉભો ઉભો તડકા માં કથા કરીશ.ઓટલા ઉપર સુઈ રહીશ મને આવા તંબુ નાં જોઈએ.અને તરત ૧૬ લાખ લઈને ઓરિસા પહોચી ગયા હોય.પેલી ગરીબ નગ્ન સ્ત્રીઓના તન ઢાંકવા.એટલે પાકિસ્તાન માં ચિંતા થતી હતી કે ગાંધી પર કોઈ હુમલાઓ કરશે તેની નહિ પણ લોકો એમની જ વાતો સંભાળવા બેસી જશે તેની…ગાંધી નું આચરણ પણ હૃદય થી હતું.જ્યાં ને ત્યાં ફક્ત ગાંધી ને વટાવી ખવાય છે.આપે વિમાન ,જહાજ અને કૈલાશ પર કથાઓ કરી ને જે પૈસા ની બગાડ કર્યો છે એટલા પૈસા માંથી તો ભારત ની હજારો લાખો સ્ત્રીઓ અને બાળકોને ઢાંકી શકયા હોત.

  • Mita says:

   ભૂપેન્દ્રસિંહજી આપનો પ્રતિભાવ ખુબ જ સરસ છે. આપની વાત સાચી છે આચરણ હ્રદયથી હોવું જોઇએ. વચનો પ્રમાણે વર્તન માટે વિવેક, સંયમ, દૃઢતા, ધર્મનિષ્ઠા વગેરે સદગુણોની જરૂર પડે છે. ગાંધીજીનું આચરણ હ્રદયથી હતું.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.