બૅટર-હાફ : ગુજરાતી ફિલ્મોનો નવો વળાંક – મૃગેશ શાહ

better halfદરેક સમયને પોતાની સમસ્યાઓ હોય છે. કોઈ યુગ એમાંથી બાકાત નથી. જે-તે સમયમાં જીવતો માનવી એ સમસ્યાઓથી ઘેરાતો હોય છે અને પીડાતો હોય છે. એ સંઘર્ષનો સામનો કરવા સતત મથામણ કરતો જ રહે છે. આ બાબત પુરુષ અને સ્ત્રી એમ બંનેને એક સરખી રીતે લાગુ પડે છે. કોઈ એક જમાનામાં સ્ત્રીઓ શોષણનો ભોગ બની રહી હતી ત્યારે પુરુષોને ગુલામીપ્રથા અને વિદેશી આક્રમણોનો ભોગ બનવું પડતું હતું. બંને પક્ષે સમાંતરે આ મુશ્કેલીઓ સામે ઝઝૂમવું પડયું છે. કાળના પ્રવાહમાં ડૂબકી મારીને આપણી પાછળની એક-બે પેઢીઓને જોઈશું તો આપણને અનેક લોકોના સંઘર્ષમય જીવનની ગાથાઓ જાણવા મળશે. સમય બદલાય તેમ સંજોગો બદલાય છે પરંતુ એથી કંઈ સમસ્યાઓનો અંત નથી આવી જતો. હા, ફક્ત એનું સ્વરૂપ બદલાઈ જતું હોય છે. તેથી આજના સમયમાં અદ્યતન સાધનો, બંગલો, ગાડી અને ઉચ્ચપદની નોકરી મેળવ્યા પછી એમ સાબિત નથી થઈ જતું કે આપણે જીવનની તમામ વિકટ પરિસ્થિતિઓને પાર કરી ગયા છે ! સંઘર્ષ અને સમસ્યાઓ જીવનનો એક ભાગ છે તેથી તે આપણી સાથે રહેવાના જ. ફરક એટલો છે કે તેનું સ્વરૂપ હવે કંઈક અલગ પ્રકારનું બન્યું છે.

સમસ્યા મોટી છે કે નાની તે મહત્વનું નથી. અગત્યની વાત એ છે કે તેનું મૂળ શું છે, તેનું નિવારણ શું છે અને તેમાંથી આપણને ઉગારે એવા સાધનો ક્યા ક્યા છે. જ્યારે આપણે સાધનો વિશે વાત કરીએ તો એમ કહેવાનું મન થાય કે દરેક સમયમાં જે-તે પ્રકારની સમસ્યાનું નિવારણ કરવા માટે જે-તે સમયને અનુરૂપ સાધનો ઉપલબ્ધ હોય જ છે. મહાભારત જેવી મોટી સમસ્યા હોય તો ખુદ કૃષ્ણ ઉપસ્થિત હોય છે. આઝાદીની સમસ્યા માટે ગાંધી પ્રગટ થાય છે. સામાન્ય માનવીની વ્યક્તિગત સમસ્યાઓ માટે કુદરતે સાહિત્ય, સંગીત, કથા-વાર્તા જેવી મબલખ કળાઓ આપણી સામે ખુલ્લી મૂકી આપી છે. આ સંદર્ભમાં આજના સમયમાં ફિલ્મોનો ફાળો પણ નાનો સૂનો નથી. ભલે તે એક મનોરંજનનું માધ્યમ હોય પણ ક્યારેક તો એ માનવીને એવી અનુભૂતિ કરાવી દે છે કે ‘અરે ! આ તો મારી જ વાત !’ જમાનો હવે ‘વિચારપ્રધાન’ ફિલ્મોનો છે. યુવાવર્ગ તેમાં પોતાનું પ્રતિબિંબ ઝંખે છે. કલ્પનાની રંગબેરંગી વાતો કરતાં વાસ્તવિક જીવનના સંઘર્ષની વાતો તેને વધારે સ્પર્શે છે. સમય અભાવે સાહિત્ય-કલાથી દૂર હોવાને લીધે ક્યારેક અજાણતાં જ તે ફિલ્મોને પોતાના જીવનની સમસ્યાના સાધન રૂપે જોતો થઈ જાય છે. તેની આ અભિલાષા પૂરી કરે તેવી તાજેતરમાં રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ છે : ‘બૅટર-હાફ’.

આ ‘માનવ’ની કથા છે એટલે કે આમ આદમીની વાર્તા છે. આજના આમ આદમીનો જીવનપ્રવાહ કેવો છે ? સૌથી પહેલા તો એ ભણે એટલે તરત તેણે નોકરીની શોધ કરવી પડે છે. (શિક્ષણ ફક્ત બીબાઢાળ નોકર જ પેદા કરી શકે છે, કંઈક જુદુ કરવાનું સાહસ આપી શકે તેવી ક્ષમતા શિક્ષણમાં ક્યાં રહી છે ?) લગભગ નોકરી માટે તેણે સ્થળાંતર કરવું પડે છે. એ રીતે મોટા શહેરોમાં વસ્તીની ગીચતા સતત વધતી જાય છે અને શરૂ થાય છે સમસ્યાઓની શરૂઆતનું પ્રથમ ચરણ. જે રીતે ઉનાળાનો બળબળતો બપોર હોવા છતાં જો આપણે લીમડા નીચે બેઠાં હોઈએ તો પ્રમાણમાં ગરમીથી બચી જઈએ છીએ એ રીતે સિમેન્ટ-કોંક્રિટના જંગલોમાં જીવતા શુષ્ક માનવીઓ વચ્ચે ક્યાંક કોઈ સાચા સાહિત્યકાર કે કલાકારની શીતળ છાંય મળી જાય તો જીવનની સમસ્યાઓ સામે લડવાનું માર્ગદર્શન આપોઆપ મળતું થાય છે. વિચારવાન વ્યક્તિની હૂંફમાં રહેતો માણસ ક્યારેક વિચારતો થાય છે. નોકરી અર્થે શહેરમાં આવેલા ફિલ્મના મુખ્ય પાત્ર માનવને ‘જી-ભાઈ’ નામના એક સાહિત્યકારને ત્યાં પેઈંગ-ગેસ્ટ તરીકે રહેવાની સરસ જગ્યા મળે છે. એ સંબંધ ઔપચારિકતાની સીમા પાર કરીને તેની માટે લાગણી ભર્યો ટેકો બની રહે છે.

મોટેભાગે શહેરમાં પગ સ્થિર થયા પછી બીજું પગથિયું હોય છે નોકરીની શરૂઆત. પરંતુ માનવ માટે બીજું અને ત્રીજું પગથિયું એકી સાથે ચઢવાનું થાય છે. એટલે કે નોકરીની સાથે પ્રિયજનનો જીવનમાં પ્રવેશ ! પ્રેમની સાચી વ્યાખ્યા શું ? – આ બાબતે ફિલ્મ નિર્દેશક ‘જી-ભાઈ’ના મોંમાં એક સરસ વાક્ય મૂકી આપે છે :
‘માનવ, તને એની સાથે વૃદ્ધ થવું ગમશે ?’
આ એક જ વાક્ય સાચા પ્રેમની ઊંડાઈ અને ઊંચાઈ બંને એક સાથે માપી લેવા માટે પર્યાપ્ત છે. વૃદ્ધ બનવું એટલે જીવનના તમામ સંઘર્ષમાંથી પસાર થવાની તૈયારી સાથેનું સહજીવન. ક્યારેક અબોલા થાય તો ક્યારેક કચકચ સાંભળવી પડે. ઘડપણમાં બગીચાના બાંકડે બેઠેલી પત્નીની ટકટક સાંભળતા રહીને પણ તે ઊભી થવા ઈચ્છે ત્યારે તેને ટેકો કરવાનું ભૂલાવવું ન જોઈએ. સાચો પ્રેમ એટલે એકમેકના સ્વભાવનો સ્વીકાર. જી-ભાઈ પૂછે છે કે, ‘માનવ, તું એવો પ્રેમ નિભાવી શકીશ ?’

એ પછી પરસ્પરની સંમતિથી આ પ્રેમ ‘માનવ’ અને ‘કામિની’ના લગ્નમાં પરિણમે છે અને થાય છે એક નવા જીવનની શરૂઆત. જ્યાં જીવન છે ત્યાં સમસ્યાઓ તો છે જ. તેથી પહેલી જ સમસ્યા ‘પોતાનું ઘર’ લેવાની આવીને ઊભી રહે છે. બંને જણ પગારદાર છે. રોકડ-લોન-દાગીનાને સહારે એ કલ્પના સાકાર તો થાય છે પરંતુ હવે એને માટે થઈને બંને જણે આજીવન દોડતાં રહેવાનું છે. લગ્નજીવનના પ્રારંભના દિવસો બહુ રોમેન્ટિક હોય છે એવું તો કશ્યપ ઋષિના કાળથી ચાલ્યું આવે છે. નવા ઘરની બાલ્કનીમાં પોતાની ‘બૅટર-હાફ’ સાથે સવારની ચા પીવાની મજા અને રાત્રિનું બહારનું ભોજન ! આહા ! એ સુખ સ્વર્ગથી કંઈ કમ નથી હોતું. પરંતુ ધરતી પર રહેનારની સમસ્યા એ છે કે વાસ્તવિકતા પીછો છોડતી નથી. ક્યારેક હોટલમાં પિઝા ખાતાં ઘરખર્ચની વાતો અનાયાસે નીકળી આવે છે. મકાનની લોન, ઈન્સ્યોરન્સના પ્રિમિયમ, પેટ્રોલ ખર્ચ, એપાર્ટમેન્ટનું મેઈન્ટેનન્સ, મોબાઈલના બીલ અને મોંઘવારી વચ્ચે પિઝા ખાવાનો મૂડ ક્યાંથી રહે ? ગણતરી કરતાં ખબર પડે છે કે હોટલનો ખર્ચ બહુ પરવડે તેમ નથી. આ પરિસ્થિતિમાં લગભગ દરેકને દબાણવશ જીવવું પડતું હોય છે. પોતે જ પાથરેલી જાળમાં માનવી ફસાઈ જાય છે.

એમાંય જો આ મોંઘવારીમાં નોકરી છૂટી જાય તો ? માનવનું એમ જ થયું. કપરા સંઘર્ષમાં માનવીના ગુણોની કસોટી થાય છે. એ સમયમાં આધુનિકતાના વંટોળ સામે સતત ઝઝૂમતી ભારતીય નારી પોતાના સંસ્કારોને કોરાણે મૂકી દે એમ નથી. એ માનવની પડખે ઊભી છે. એને સતત હૂંફ આપે છે. તેને ભાંગી પડતા રોકે છે. પોતાના સ્નેહથી તેનામાં રહેલા વિશ્વાસનું સિંચન કરે છે. અંતે, સાચા માણસની કિંમત બૉસને સમજાય છે અને માનવને નોકરીમાં વધારે સારા હોદ્દા પર પરત લેવામાં આવે છે. દરેક દંપતિની જેમ માનવ-કામિનીના દાંપત્યજીવનમાં ફરીથી સુખનું મોજું ફેલાય છે. હવે કામવાળી બાઈ રાખવાનું પરવડી શકે છે અને રવિવારે હોટલમાં જમવાનું ખિસ્સાને પોસાય તેમ છે.

એમ કહેવાય છે કે માણસ બહારની અનેક મુસીબતોનો સામનો મક્ક્મ મને કરી શકે છે પરંતુ ઘરમાં જો કોઈ સમસ્યા ઊભી થઈ જાય તો તે હારી જાય છે; થાકી જાય છે. પારકાં કરતાં પોતાનાને સમજાવવું કઠીન હોય છે કારણ કે એની સાથે લાગણી જોડાયેલી હોય છે. ક્યારેક કોઈ નાજૂક બાબત પર એ લાગણી ઘવાય છે અને સંબંધોમાં તિરાડ સર્જાય છે. ‘બૅટર-હાફ’ની વાર્તા અહીંથી વળાંક લે છે અને ધીમે ધીમે આજના સમયના મહાપ્રશ્ન પર કેન્દ્રિત થાય છે. આ મહાપ્રશ્ન છે સ્ત્રી અને પુરુષની દામ્પત્યજીવનમાં પોતાની ભૂમિકા અંગેનો. કદાચ એ મહાપ્રશ્ન છે એકમેકના અંતરમનને પારખવાનો. આ મુખ્ય બાબત જ્યારે ભૂલાઈ જાય છે ત્યારે સંબંધ-વિચ્છેદની ધીમી શરૂઆત થતી હોય છે. એ પછી એમાં પૂર્વગ્રહો, સ્વભાવ, સંજોગો બધું જ ભળે છે અને રોગ સાવ વકરી જાય છે.

વર્તમાન સમયમાં નોકરીની નવી પદ્ધતિઓને કારણે ખાસ કરીને સ્ત્રીઓ માટે અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. જેને આપણે ‘જૉબ’ કહીએ છીએ તેનો સમય ફક્ત 11 થી 6નો નથી રહ્યો. નોકરી કરનાર વ્યક્તિએ પોતાને ચોવીસ કલાક માટે કંપનીના વફાદાર કર્મચારી તરીકે જીવવું પડતું હોય છે. સ્ત્રીઓ માટે આ વાત એટલી જ લાગુ પડે છે. ‘નોકરી’ અને ‘નોકરીનો બોજ’ એ બંને વસ્તુ અહીં સમજવી જરૂરી છે. ઘરની આર્થિક સદ્ધરતા માટે રોજ સીધેસીધી નોકરી કરવાની હોય તો કોઈ તકલીફ જ નથી. પરંતુ નોકરી આજે એટલી સરળ નથી રહી. ખાનગી કંપનીઓમાં મોટા ટાર્ગેટ પૂરા કરવાના હોય છે. નક્કી કરેલી તારીખોએ કામ પરત કરવાનું હોય છે. આખો માહોલ એ રીતે ઊભો કરવામાં આવે છે કે તમે કંઈ કામ ન હોય તો આવનારા કામ માટે પણ સતત તનાવમાં જ રહો ! વળી, એ સાથે ઑફિસમાં રમાતા રાજકારણનો ભોગ બનવું પડે એ તો નફામાં ! સ્ત્રીઓ માટે આ બાબત ગંભીર સમસ્યાઓ ઊભી કરે છે જેની અસર ખૂબ દૂરોગામી હોય છે. તેઓમાં આર્થિક સ્વતંત્રતાની સાથે પોતાના હોદ્દાનો સુક્ષ્મ અહંકાર પણ ક્યાંક ધીમો પ્રવેશવા માંડે છે. ક્યારેક મોટા ટાર્ગેટ પૂરા કર્યાની સફળતાનો નશો પણ સ્ત્રીઓમાં દેખાય છે. ફિલ્મની નાયિકા સામાન્ય સ્ત્રીની જેમ જ પોતાના કામની બાબતમાં એકદમ ગંભીર છે. એ પોતાનું ટાર્ગેટ પૂરું કરવા ઑફિસનું કામ ઘરે લઈ આવે છે. પોતાને અપાયેલા પ્રોજેક્ટ માટે એની દિલ્હી જવાની તારીખો પણ નક્કી થઈ ગઈ છે.

બરાબર આ જ પરિસ્થિતિમાં પુરુષની ભૂમિકા અને વર્તણૂંક સાવ અલગ છે. એને માટે ‘ઑફિસની વાત ઑફિસમાં અને ઘરની વાત ઘરમાં’ એવું પહેલેથી નક્કી છે. એ કારણથી ઑફિસેથી થાકેલી આવેલી પત્નીને પાછાં ઘરનાં કામ તો ઊભાં જ રહે છે ! એને જીવનમાં પુરુષની હૂંફ છે પણ મદદ નથી ! કામિનીને ઘરકામમાં કોઈ મદદ કરનાર નથી કે એક કપ ચાનું પૂછનાર પણ નથી. સરવાળે તનાવ બેવડાય છે. કામિનીને દિવસે દિવસે ચારે બાજુથી બોજ વધતો જાય છે અને દાંપત્યજીવનમાંથી રસ ઓછો થતો જાય છે. આ સંઘર્ષને સમજવા છતાં માનવના વિચારોમાં કોઈ ફેરફાર થતો નથી. ક્યારેક માતા-પિતા રહેવા માટે આવે ત્યારે ગરમ-ગરમ ભજિયાં તો કામિનીએ જ બનાવવાના, પછી ભલે એ માટે ઑફિસેની લાવેલું કામ એણે રાત્રે કરવું પડે ! મોટાભાઈના દીકરાની બાબરીનો પ્રસંગ હોય તો કામિની દિલ્હી કેવી રીતે જઈ શકે ? ભલે ને એના જીવનનો એ સૌથી અગત્યનો પ્રોજેકટ કેમ ન હોય ! – સંઘર્ષની આ ચરમસીમા છે અને ત્યાં જ કામિની માટે ઑફિસેથી આવેલા ફોનને કારણે માનવનું મગજ ફાટે છે અને બંને વચ્ચે થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. કામિની બેગ લઈને પિયર તરફ ચાલતી પકડે છે પરંતુ જતાં જતાં માનવને કહે છે કે : ‘હવે તને મારા માટે પહેલા જેવો પ્રેમ નથી. મને લાગે છે કે આપણે આ સંબંધો વિશે નવેસરથી વિચાર કરવાની જરૂર છે.’ માનવ મનાવવાની કોશિશ કરે છે, માફી માંગે છે, દિલ્હી જવા બાબતે પણ એની વાત માની લે છે પરંતુ કામિનીને પોતાનું ગૌરવ હણાતું હોય એવું લાગે છે. તે નીકળી જાય છે.

એકતરફ કામિની દિલ્હી છે તો આ તરફ નિયત સમયે માનવ બાબરીના પ્રસંગમાં હાજરી આપવા પોતાના માતા-પિતાની ઘરે ભાવનગર આવી પહોંચે છે. ત્યાં પણ સંયુક્ત પરિવારમાં રહેતા મોટાભાઈ અને ભાભી વચ્ચે બોલાચાલી થતી રહે છે. પરંતુ એકમેક વચ્ચે તિરાડ પડે એ પહેલાં જ માતા-પિતા પોતાના વિવેક અને સમજથી બાજી સંભાળી લેતાં હોય છે. માનવ આ જુએ છે. સંયુક્ત પરિવારોની સફળતાનું રહસ્ય એને ખબર પડે છે. તે સમજે છે કે આપણે જે ગુમાવ્યું છે તે ખરેખર આ ગુમાવ્યું છે. વિકાસના નામે આપણે સ્થૂળ ઘણું મેળવ્યું છે; આપણાં ઘરો સાધનોથી ખડકાઈ ગયા છે પરંતુ એમાં આપણે માનવી-માનવી વચ્ચેની સુક્ષ્મ લાગણીઓને દફનાવી દીધી છે. એકનું એક સંતાન પણ માતાપિતાથી અલગ રહેવા ઈચ્છે – એવો આપણે સ્વતંત્રતાનો અર્થ કર્યો છે ! લગ્ન થયા બાદ ઊંચી જૉબના બહાને ઘરથી અલગ નીકળનારા હોંશિયાર દંપતિઓનો હવે તોટો નથી પરંતુ સમયે સૌને સૌની કિંમત સમજાતી હોય છે.

કથા આગળ વધે છે. એક બાજુ માનવને કામિની પ્રત્યે અપાર લાગણી છે પરંતુ સંજોગોથી તે લાચાર છે. બીજી તરફ, કામિનીને માનવ પ્રત્યે પ્રેમ છે પરંતુ એનો અહમ તેની આડે આવે છે. તેને એમ લાગે છે કે માનવ ફક્ત ઘરની જરૂરિયાતો પૂરી કરવા માટે જ પોતાને લાવ્યો છે. એનું ઘરમાં કોઈ સ્થાન જ નથી. બંને પક્ષને પરિવારજનો અને મિત્રો સમજાવવાની કોશિશ કરે છે કે ‘એવું તો ચાલ્યા કરે’ પરંતુ કંઈક મનમેળ થતો નથી. મતભેદોની આ શ્રુંખલા ચાલતી જ રહે છે. પરંતુ એક આશા છે કે બંને વચ્ચે હજી ‘મનભેદ’ નથી. જમતી વખતે કામિનીનું સ્ત્રીહૃદય તમામ બાબતોને ભૂલી જઈને એ વ્યથાથી દ્રવિત થઈ જાય છે કે માનવ જમ્યો હશે ? ફોન પર એને જાણવા મળે છે કે એ તો મજેથી ‘જી-ભાઈ’ને ત્યાં મસાલા ખિચડી ખાઈ રહ્યો છે ત્યારે એનો અહં થોડો ઘવાય છે. કામિનીની સખી એને વેધક પ્રશ્ન પૂછે છે કે ‘તું વારેઘડીયે ફોન કરીને શું તારું સ્થાન મજબૂત છે કે નહિ એ નક્કી કરવા માંગે છે ? તારા વગર એ કેટલા પરેશાન થાય છે એ તું જાણવા ઈચ્છે છે ?’ કામિનીનું પલ્લું ધીમે ધીમે નબળું સાબિત થતું જાય છે. આ તરફ એ જ રીતે જી-ભાઈ પણ માનવને એક વેધક પ્રશ્ન પૂછે છે : ‘તું એમ કહે છે કે કામિની કેટલું બધું ઘરનું કામ કરતી હતી ! રોજ જુદી જુદી વાનગીઓ બનાવતી હતી અને તને ભાવતા ભોજન પિરસતી હતી પરંતુ માનવ, આ બધી તો તારી જરૂરિયાતો છે. આ પ્રેમ નથી. તું કામિનીને આ જરૂરિયાતો માટે યાદ કરે છે ?’

હવે ફિલ્મ દર્શકોને એક નવા શિખર પર લઈ જાય છે. એક નવી વિચારધારા સમાજ સામે પ્રસ્તુત થાય છે. માનવના માતાપિતા એને સંકટ સમયે સાથ આપવા માટે આવી પહોંચે છે ત્યારે માનવ તેની માતાને પૂછે છે કે ‘તેં મને ભણાવ્યો-ગણાવ્યો અને મોટો કર્યો પરંતુ સ્વતંત્રતાનો અર્થ એટલો જ છે કે બસ હું આર્થિક રીતે પગભર થઉં ? તેં મને જીવનની પરિસ્થિતિઓ સામે લડતાં કેમ ન શીખવ્યું ? તેં મને રસોઈ બનાવતાં કેમ ન શીખવ્યું ?’ મા કબૂલ કરે છે કે એ બહુ મોટી ભૂલ થઈ ગઈ. આજે છોકરાઓને પણ ઘરનું કામ આવડવું જ જોઈએ. તે હસીને કહે છે : ‘હજી ક્યાં મોડું થઈ ગયું છે ? તારી મા આવી ગઈ છે ને ?’ – માનવ એ રીતે ઘરનું દરેક કામ શીખી લે છે. પોતાના હાથે રસોઈ બનાવીને જમતો થાય છે. પોતાની તમામ જરૂરિયાતો એ જાતે સંભાળી લે છે અને તે પછી પણ તેના હૃદયમાંથી કામિનીનું સ્થાન જરાય ઓછું થતું નથી. તે કામિનીને સતત ઝંખે છે. તે કામિનીને ઘરની જરૂરિયાતો માટે યાદ નથી કરતો પણ પોતાની અંદર રહેલો સાચો પ્રેમ કામિની સાથે ખરેખર વૃદ્ધ થવા ઈચ્છે છે – એનો તેને અહેસાસ થાય છે.

ફિલ્મના અંતિમ દ્રશ્યમાં માનવ કામિનીને ઘરે બોલાવે છે. કામિની જુએ છે કે ઘર તો એકદમ ચોખ્ખું ચટાક છે. દરેક વસ્તુઓ એની સ્થાને પડેલી છે. પહેલાં કરતાં પણ સરસ રીતે સજાવેલું છે. ત્યારે એના હૃદયને ફરીથી ધક્કો લાગે છે. ‘હવે મારું શું કામ છે ? મને કેમ બોલાવી છે ? તમે ઘર તો સંભાળો જ છો ને ?’ આ સાંભળીને માનવ ઊકળી ઊઠે છે અને તેનો હાથ પકડીને તેને ઘરની દરેક રૂમમાં ફેરવીને બતાવે છે કે ‘આ જો કપડાં ઈસ્ત્રી કરીને મૂક્યાં છે, આ ડાઈનિંગ ટેબલ પર જમવાનું રાંધીને તૈયાર રાખ્યું છે, આ વાસણ એની જગ્યાએ મૂકીને પ્લેટફોર્મ સાફ કરી દીધું છે. કામિનીની, આ હું કરી શકું છું. હું તને એની માટે યાદ નથી કરતો. મને તારા માટે સાચો પ્રેમ છે એટલે તને ઝંખું છું. એ વાત તું ક્યારે સમજીશ ? મેં તને આ તુચ્છ કામ માટે નથી બોલાવી. એ બધા કામ તો મશીનોથી પણ થઈ શકે છે.’ – અને કામિનીને માનવના સાચા પ્રેમની અનુભૂતિ થાય છે. તેનું હૃદયપરિવર્તન થાય છે. બંનેના પરસ્પર મતભેદો ઓગળી જાય છે અને એક સફળ દાંપત્યજીવનની નવી શરૂઆત થાય છે.

ફિલ્મ બંને પક્ષને એક સરસ બોધ આપી જાય છે કે સહજીવન બંનેના સદભાવ વગર શક્ય નથી બનતું. પત્નીની કારકિર્દીમાં અને તેના બોજમાં પુરુષે સહભાગી થઈને તેને મોકળાશ આપવાની જરૂર છે. એમાં થોડાક સામાજિક વ્યવહારો ન સચવાય તો કંઈ બગડી જતું નથી. એને વિવાદનો મુદ્દો ન બનાવવો જોઈએ. એ રીતે સામે પક્ષે સ્ત્રીઓએ પણ ‘પોતાના વગર પતિની સવાર નહીં પડે’ એવું ભૂત મગજમાંથી ઊતારી નાખવું જોઈએ. ‘અમારા એમને તો ચા નો પ્યાલોય મૂકતાં ન આવડે’ એ દિવસો હવે ગયા. સ્ત્રીઓ સ્વતંત્ર થઈ શકે છે તો પુરુષો પણ રાંધવાનું શીખી શકે છે. આજના જમાનામાં કોઈ પણ બાબત કોઈની નબળાઈ બની શકે તેમ નથી. બંને પક્ષે પોતાની મહત્તા (સ્ટેટસ) બતાવવા માટે એકબીજા સાથે જીવવાનું નથી પરંતુ પરસ્પરના પ્રેમને કારણે એકબીજા સાથે જોડાઈને રહેવાનું છે. જીવનની સમસ્યાઓનો સામનો સાથે મળીને કરવાનો છે. એકમેકના સ્વભાવને પામવાનો છે. એમાં જ માનવીની શોભા છે અને તેમાં જ સાચો પ્રેમ રહેલો છે.

ગુજરાતી ફિલ્મો પ્રત્યેના તમામ પૂર્વગ્રહો માળિયે ચઢાવી દઈને આ ફિલ્મ અચૂક જોવા જેવી છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખાનદાની ક્યાંથી પ્રગટે ? – ગિરીશ ગણાત્રા
મૃણ્મય – હિમાંશી શેલત Next »   

33 પ્રતિભાવો : બૅટર-હાફ : ગુજરાતી ફિલ્મોનો નવો વળાંક – મૃગેશ શાહ

 1. gopal says:

  બેટર હાફ સિનેમા હવે જોવી જ પડશે

 2. કેતન રૈયાણી says:

  મારા ખ્યાલ મુજબ, થોડા સમય પહેલા અમુક સિનેમાઘરોમાં “ટ્રાયલ રન” તરીકે આવી હતી. હવે સંપૂર્ણપણે બધા શહેરોમાં રીલિઝ થઈ છે. આશિષ કક્કડનો નવતર પ્રયાસ છે.

 3. હવે તો આ ફિલ્મ જોવી જ પડશે એવું લાગે છે.

  • ASHOK PABARI says:

   HI HIRAL,
   U RGIVING VERY GOOD AND INSTANT REACTIONS TO EVERY ARTICLE, POEMS, GAZALSD..ETC.
   U R READING THEM VERY KEENFULLY, UR GIVING VERY PROPER OPINIION.. GREAT.. I LIKE UR ATTITUDE. I THINK U R TOO INTELLIGENT.. WHAT R U OING YAAR!!!
   -ASHOK PABARI
   9825245783

 4. harikrishna patel says:

  is this film released in surat ?

 5. trupti says:

  મુંબઈ માં તો ગુજરાતી નાટક જોવા મળે પણ પિક્ચર જોયા ને અરસો થઈ ગયો. ઘણા વરસોથી ટી.વી. પર પણ જોવા મળતી નથી.
  ‘બેટર હાફ’ પિક્ચર જોવા જેવિ ખરી પણ ક્યાં અને ક્યારે રિલીઝ થસે ભગવાન જાણે?

 6. hemant says:

  ખરેખર પીક્ચર જોવુ પડ્શે. આભાર મ્રુગેશભાઈ.

 7. Editor says:

  મારી જાણ પ્રમાણે આ ફિલ્મ ફક્ત મલ્ટિપેક્સ (કે એ પ્રકારના થિયેટરોમાં) જ રિલિઝ કરવામાં આવી છે.

  આ માટેની વિગતો નીચે પ્રમાણે છે :

  ગાંધીનગર : સિનેમેક્સ 12:00, 5:00
  રાજકોટ : સિનેમેક્સ 7:30
  મુંબઈ : સાયન 1:00, 6:00. કાંદીવલી (ઈસ્ટ) 8:15 ઘાટકોપર : 1:15, 8:15
  વડોદરા : આઈનોક્સ 8:00
  પાલનપુર : મુવી હોલ 3:30, 6:30 9:30

  ફિલ્મની સાઈટ આ પ્રમાણે છે : http://www.betterhalfthemovie.com/

  તેના ગીતો અહીંથી સાંભળી શકાય છે : http://www.raaga.com/channels/gujarati/album/GJ000057.html

 8. great effort, appreciate movie with all love!!!!!

  But i feel this platform should not be use to promote movie, it is better you provide small indication and compel other to watch this movie, rather securing whole precious space.

  Regards.
  Bharat

 9. SHRIDEVI says:

  NAVI GENERATION NA NAVA PROBLEM NE DIRECTORE ADHBHUT RITE FILMANKAN KARU 6!!!DHWANIT NO AWAZ GUNJE 6!!!GUJARATI PICTURENNAVI YATRA NI SHUBH SHARUAT!!!SHUBHECHAO!!!

 10. nayan panchal says:

  આ ફિલ્મ વિશે અગાઊ પણ લેખ વાંચ્યો હતો (કદાચ જય વસાવડાએ લખ્યો હતો), પછી તેની વીસીડી ઘણી શોધી હતી. આ શનિ-રવિ જો ફિલ્મ મુંબઈમાં ટકી રહી તો જરૂર જોવા જઈશ.

  પહેલાની પેઢીને પ્રેમસમસ્યાઓ આટલા મોટા પ્રમાણમા નહોતી નડતી . તે સમયનુ સામાજિક માળખુ, સ્વીકારી લેવાની માનસિકતા વગેરે સંબંધો ટકાવવામાં મદદરૂપ થતુ હતુ. આજે સમય બદલાઈ ગયો છે. આજે પ્રેમનુ સ્વરૂપ બદલાઈ ગયુ છે, પ્રેમની રમતના નિયમો બદલાઈ ગયા છે. પરંતુ પ્રેમનો મૂળભૂત સ્વભાવ તો હંમેશા તેનો તે જ રહેશે.

  ‘માનવ, તને એની સાથે વૃદ્ધ થવું ગમશે ? બસ આ એક પ્રશ્નનો ઇમાનદારીથી જવાબ શોધીશું તો ઘણા ભ્રમ દૂર થઈ જશે.

  યુવાનીના ઉન્માદમાં, અસલામતીની લાગણીથી પ્રેરાઈને કે પછી પોતાની માનસિક નબળાઈને કારણે આપણે સંબંધમા કૂદી પડીએ છીએ. આ કંઈ એવુ નથી કે ડૂબકી લગાવી અને નીકળી ગયા. આમાં તો વહ્યા કરીને સમુદ્રને મળવાની વાત છે. અને તમારું વહેવુ માત્ર તમારા પર આધારિત નથી, એ તો સામેવાળી વ્યક્તિ પર પણ એટલુ જ આધારિત છે.

  લગ્ન થયા પછી પ્રેમનુ સમીકરણ બદલાઈ જાય છે. લગ્ન પહેલા તમે દિવસનો થોડોક સમય સાથે રહેતા હતા, હવે ચોવીસ કલાક એક છત નીચે રહેવાનુ છે. પહેલા બોયફ્રેન્ડની જે ન ગમતી બાબતો હસતા હસતા સ્વીકારી લેતા હતા તેને લઈને હવે ગુસ્સો આવે છે. ગર્લફ્રેન્ડના જે નખરા ઉઠાવવામાં આનંદ આવતો હતો તે નખરાથી હવે ચિડાઈ જવાય છે. અને એવામાં જો અન્ય મુસીબતો આવે તો પ્રેમ બીજી ત્રીજી હરોળમાં ધકેલાશે જ. સારા સમયમાં તો સહુ પ્રેમની મોટી મોટી વાતો કરતા હોય છે, પ્રેમના નામે મોટા મોટા વાયદા થતા હોય છે; પરંતુ મુસીબતના સમયે જ તે પ્રેમની કસોટી થતી હોય છે.

  પ્રેમની કસોટી પ્રિયપાત્રની ગેરહાજરીમાં પણ થાય છે. શું તમે તેને એટલા માટે મિસ કરો છો કે તમે એકલાં છો કે પછી બધા જ હોવા છતા તમે કંઈક ખાલીપો અનુભવો છો. સામેવાળી વ્યક્તિને ફોન કરી કરીને તમારે યાદ અપાવવાની ન હોય, પરંતુ પ્રેમ તો એવો હોવો જોઈએ કે સામેવાળી વ્યક્તિ ભૂલવા ચાહે તો પણ ન ભૂલી શકે.

  ગુજરાતીમાં હંસલ ભચેચનુ ‘પણ હું તો તને પ્રેમ કરું છું’ પુસ્તક કે ગુજરાત સમાચારમાં શતદલ પૂર્તિમાં આવતી તેમની લેખમાળા સરસ છે. અંગ્રેજીમાં રિચાર્ડ ટેમ્પલરનુ “Rules of Love” પુસ્તક પણ ઉપયોગી બની શકે.

  Better-Half Bitter-Half ન બની જાય તેવી શુભેચ્છાઓ સાથે આભાર,
  નયન

 11. Vraj Dave says:

  હા હવે આ ફિલ્મતો જોવી પડશે. અને તે પણ સજોડે. શ્રીનયનભાઇ નો પ્રતિભાવ પ્રેરક છે.
  આભાર્
  વ્રજ દવે

 12. Mitesh Desai says:

  ખરે ખર આ ચિત્રપટ તો જોવુ જ પડશે.

 13. nilam doshi says:

  સરસ ફિલ્મનો સરસ રીવ્યુ..
  આભાર મૃગેશભાઇ…..

 14. Sandhya Bhatt says:

  ફિલ્મ વિશે માહિતી આપવા માટે આભાર.

 15. RUPEN says:

  ગુજરાતી પ્રેક્ષકો માટે દરિયા છોરુ પછી ઘણાં લાંબા સમયે બેટર હાફ જેવી આધુનિક વિચારો વાળી ફિલ્મ આપી તે માટે આશિષભાઈ અને તેમની ટીમનો આભાર માનવો જોઈએ . ફિલ્મ ગુજરાતી પણ તેનો પ્રીમયર મુંબઈમાં તે ખોટું કહેવાય , આ અમદાવાદ , બરોડા , સુરત , રાજકોટમાં કે નાના સિટીના મલ્ટીપ્લેક્સમાં કરવા જેવું હતું . ગુજરાતના પ્રેક્ષકો વિક્રમ ઠાકોર કે હિતેન કુમાર , નરેશ કનોડિયા , રોમાં માણેક , મમતા સોનીની ફિલ્મોને મહિનાઓ સુધી થીયેટરમાં ચાલવા દે છે તો બેટર હાફ કેમ ના ચાલે. તે માટે નાના સિટીમાં ફિલ્મ બતાવી પડે . ગુજરાતી પ્રેક્ષકો ગુજરાતી ફિલ્લમ માટે આતુર હોય છે. જે ડી.ડી.એલ.જે , રાવણ જેવી ફિલ્લમ જોવા જાય તે બેટર હાફ ના જોવા જાય તે કેમ મનાય. જરૂર છે સારા પ્રચાર અને વિષય ની પ્રેક્ષકો તો શુક્રવાર માટે તૈયાર જ છે. ગુજરાતમાં બેટર હાફ નો પ્રચાર ન્યુઝ પેપર સિવાય જોવા મળ્યો નથી. આ જગ્યાએ વિક્રમ ઠાકોર – મમતા સોની ની ફિલ્મ આવાની હોય તો ચારે બાજુ રીક્ષા , બસ , સ્કુલ , કોલજ , પાનના ગલ્લે એના જ પોસ્ટર જોવા મળે અને એજ ફિલ્મ હાઉસ ફૂલ થાય અને વધુ પ્રેક્ષકો જોવા મળે.

  • Moxesh Shah says:

   શ્રી રૂપેનભાઈ,
   આ ફિલ્મ સિટીમાં રહેતા અને સામાન્ય ગુજરાતી ફિલ્મ ના જોવા જતા એવા ગુજરાતી પ્રેક્ષકો, ગુજરાતી ફિલ્મ જોવા આકર્શાય તે માટે તેમના રસ ને ધ્યાન મા રાખી ને બનાવી છે.

   તમે જ કિધુ તેમ “ગુજરાતી પ્રેક્ષકો માટે દરિયા છોરુ પછી ઘણાં લાંબા સમયે બેટર હાફ જેવી આધુનિક વિચારો વાળી ફિલ્મ આપી છે.” તો પ્રીમયર ક્યા કર્યો કે ક્યા ક્યા સિટીમાં ફિલ્મ બતાવવી પડે, તેમા પડયા કરતા, જો આ ફિલ્મ જોવા મળે તો જોઇ લેવા મા જ મઝા છે.

 16. Veena Dave. USA says:

  આભાર શ્રી મ્રુગેશભાઈ.
  ફિલ્મ જોવી પડશે અને મારા યુવાન સંતાનો પણ આ ફિલ્મ જોવે એવી આશા રાખીશ્ . યોગ્ય સમયની ફિલ્મ .
  ‘ઘડપણમા બગીચાના બાંકડે………….ભુલાવુ ન જોઈએ’. વાક્ય ખુબ સરસ.

 17. Jagdish Buch says:

  You are not Gujarati if you have not sen/seeing this movie. Entire team needs a very special kudos for changing the image ABRU of Gujarti Community. Excellent everything excellent not only three stars or five stars but all the stars up above the sky are yours oh dear better half team .

 18. જય પટેલ says:

  પ્રસ્તુત ગુજરાતી ફિલ્મના રિવ્યુમાં અભિમાન ફિલ્મની છાયા જોવા મળી.

  સ્ત્રી જ્યારે પુરૂષથી વધારે સફળ થાય ત્યારે લગ્નજીવનનું મૂલ્યાંકન અનાયાસે થાય છે.
  મલ્ટિ-નેશનલોના રાજમાં નોકરીના આયામો બદલાઈ ચૂક્યા છે. સફળતા મેળવવી કાફી નથી પણ
  સતત સ્પર્ધાત્મક વાતાવરણમાં તેને જાળવી રાખવી એટલું જ જરૂરી છે. આ કહેવાતી સફળતા માટે
  અપાતાં બલિદાનો ડૂસકાંના રૂપમાં પરિવર્તીત થતાં હોય છે.

  સ્ત્રી-પુરૂષ બન્ને કામ કરતા હોય ત્યારે પરસ્પરનો સહયોગ બહુ જ જરૂરી છે. ગૃહકાર્યમાં બે ને બદલે ચાર
  હાથ ચાલે તો કામનો બોજો અડધો થઈ જાય અને પ્રેમરસનો સમય બેવડાઈ જાય…નફો જ નફો..
  સ્ત્રી જ્યારે પુરૂષ કરતાં હોદ્દો અને કમ્પેનશેષનમાં આગળ હોય ત્યારે બન્ને પક્ષે જો નવા સમીકરણને
  પચાવવાની સમજદારીનો અભાવ હોય તો પ્રેમરસનું બાષ્પીભવન થવાની પૂરેપુરી સંભાવના છે.

  નવા જમાનાની નવી તાસીર…!!!

  • Moxesh Shah says:

   પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ એ અભિમાન ફિલ્મની છાયા નહિ પરન્તુ પ્રતિ-છાયા છે.

   શ્રી મ્રુગેશભાઈ એ જણાવ્યુ તેમ આ ફિલ્મ મા “એક બાજુ માનવને કામિની પ્રત્યે અપાર લાગણી છે પરંતુ સંજોગોથી તે લાચાર છે. બીજી તરફ, કામિનીને માનવ પ્રત્યે પ્રેમ છે પરંતુ એનો અહમ તેની આડે આવે છે. તેને એમ લાગે છે કે માનવ ફક્ત ઘરની જરૂરિયાતો પૂરી કરવા માટે જ પોતાને લાવ્યો છે. એનું ઘરમાં કોઈ સ્થાન જ નથી.”

   નવા જમાનાની નવી તાસીર…!!!

   પહેલા પણ એક વાર્તા ના પ્રતિભાવ મા જણાવ્યુ હતુ તેમ આ ફિલ્મ જોવી જ જોઇએ.

 19. Bhalchandra, USA says:

  I am glad someone made such a film. My non-Gujarati friends think that in Gujarati, only religious movies or famous folk lore movies are made. It feels good to know that there is someone who thinks and acts differently in Gujarati Movie World!!!

 20. Hemant Jani says:

  ગુજરાતીમાં આવી સરસ ફિલ્મ બને છે જાણી આનંદ થયો.
  અહીં લંડનમાં તો જોવી શક્ય નથી સિવાય કે DVD રિલિઝ થાય્.
  પરંતુ આપના વાંચકગણને આવી ચિલો ચાતરીને બનાવવામાં
  આવેલી ફિલ્મ જોવા કહેવા બદલ ખુબ ખુબ આભાર, મ્રુગેશ્ભાઈ..

 21. Jagruti Vaghela USA says:

  ગુજરાતી ફિલ્મ બૅટર-હાફની એક વાત સમજવા જેવી એ કે માનવ તેની માતાને પૂછે છે કે તે મને રસોઈ બનાવતા કેમ ના શીખવ્યું?
  પહેલાના જમાનામાં સ્ત્રીઓ નોકરી નહોતી કરતી ત્યારે દીકરા-દીકરીનો ઉછેર જ એવી રીતે થતો કે દીકરી સ્કૂલેથી આવીને પણ મમ્મીને બધાજ ઘરકામમાં મદદ કરે, રસોઈ બનાવવાનુ શીખે જ્યારે દિકરાઓને તો ફક્ત ભણવાનુ. ઘરકામમાં દીકરાઓ કંઇ જ કામ ન્હોતા કરતા. આજે જ્યારે સ્ત્રીઓ નોકરી કરતી થઈ છે તો દીકરાઓને પણ દીકરીની જેમજ ઘરકામ અને થોડી રસોઈ પણ બનાવતા શીખવવું જોઈએ.

 22. અમદાવાદ માં પોસ્ટર જોઇને લાગ્યું હતું આ કોઈ અલગ ગુજરાતી ફિલ્મ હોવી જોઈએ .

  આખી વાર્તા વાંચ્યા પછી જે પંક્તિ સાર રૂપ યાદ આવી તે આ પ્રમાણે છે
  ” પ્રેમ એટલે સામે વાળાની લાગણી નું ઝીણું ઝીણું જતન ” કરી શ્રી સુરેશ દલાલ

  જોબ કરતી સ્ત્રીઓ ને ઘર કામ માં મદદ મળવીજ જોઈએ

  અને એમ પણ જાતે રસોઈ બનાવી ને પોતાના મોઢે જ પોતાની બનાવેલી વાનગીના વખાણ કરવાની મજા સ્વર્ગ ના સુખ કરતા કામ નથી

 23. kiri Hemal says:

  ફિલ્મની વારતા કઈક જુદી હોય એવુ લાગે છે. વાત તો સાચી છે કે ગુજરાતી ફિલ્મો પ્રત્યેના તમામ પૂર્વગ્રહો માળિયે ચઢાવી દઈને આ ફિલ્મ અચૂક જોવા જેવી છે.
  આજકાલ ગુજરાતી ફિલ્મોનુ આપણા જીવનમા સ્થાન જ નથી રહ્યુ પણ આ ગેરસમજને દૂર કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર!!!!!

  આભાર,
  હેમલ

 24. અશોક જાની 'આનંદ' says:

  આ ફિલ્મ વિષે ચિત્રલેખામાં અને અન્ય સ્થળે દોઢેક મહિના પહેલા વાંચેલુ અને ત્યારે જ જોવાનુ નક્કી ક્રરેલું, ગયા રવિવારે વડોદરાના આઇનોક્સમાં રાતના આઠ વાગ્યાના એકમાત્ર શૉમાં મેં મારી ‘બેટર હાફ” સાથે જોયું, લગભગ અડધું થિયેટર ભરાયેલું હતું, ફિલ્મના રિવ્યુમાં મ્રુગેશભાઇએ જણાવ્યા મુજબ એક સબળ કથાવસ્તુ અને નવા જમાનાને અનુરૂપ્ સમસ્યાને ન્યાય આપવાનો નિર્દેશકે પ્/માણિક પ્રયત્ન કર્યો છે અને મહદંશે એમાં સફળ પણ થયા છે. ક્યાંક ક્યાંક નબળા સંકલનને કારણે ફિલ્મમાં ઝોલ પડતો અનુભવાય છે પણ એકંદરે ‘ગામ, ગરબો અને ગોકીરો’ માટે વગોવાયેલી ગુજરાતી ફિલ્મનું મ્હેણુ ભાંગે એવી ચોક્કસ કહી શકાય. આનાથી જ આગળ મરાઠી/ બંગાળી જેવી ગુણવત્તા વાળી ફિલ્મોની કેડી કંડારી શકાય.

  પણ્, ફિલ્મના અંતે ઑડિટોરીયમની બહાર નીકળતાં કેટલાંક પ્રેક્ષકોની ફિલ્મમાં તેના હીરોની એક દ્રશ્યમાં તેની માના ખોળામાં માથું નાખી રડવું વિ. પર મશ્કરી કરતી કોમેન્ટ અને બીજી વાતે ઠેકડી ઉડાડતાં જોઇ મન જરા ખાટું થઇ ગયું. આપણે સમજુ ગુજરાતીઓ આવા પ્રયાસને પ્રોત્સાહન નહીં આપીએ તો આવું સાહસ કરતાં બીજા નિર્માતા-નિર્દેશક બે વાર વિચાર કરશે, માત્ર એક શૉમાં ચાલતી આ ફિલ્મ બે સપ્તાહ માંડ ઢસડાઇને ગઇકાલે ઉતરી ગઇ છે તે વડૉદરાના મિત્રોની જાણ ખાતર્….

  • ઈન્દ્રેશ વદન says:

   અશોકભાઈ, ફિલ્મ સારી હશે તો આપમેળે જ ચાલશે.
   નબળી ફિલ્મ, હીન્દી કે ગુજરાતી, બે સપ્તાહ માં ફસડાઈ જ પડશે.
   નિષ્ઠાપુર્વકના પ્રયાસને લોકો પ્રોત્સાહન આપશે જ. પરંતુ જ્યાં વેઠ હોય, ત્યા લોકો મશ્કરી પણ કરશે.

 25. Vaishali Maheshwari says:

  This movie seems to be very interesting.
  I will try to watch it as soon as possible.
  Very nice depiction of the story and the essence of it Mrugeshbhai.

  Thank you for sharing this wonderful review with all of us.

 26. Tejal Patel says:

  very nice. i think it’s really important 4 young & new couple.

 27. Narendra Rathod says:

  મારા ગુરુજી આર D દેસાઇ ફિલ્મ જોઇ તુર્ત જ એ જ દિવ્સે જોવા મોકલ્યો અને અમો બન્ને અએ સાથે ફિલ્સ જોયા બાદ જિવન બદલિ નાખ્યુ વિચારો બાદલિ નાખ્યા thnaks better half

  Narendra Rathod
  Private Secretary to Director General
  SPIPA
  Sardar Patel Institute of Public Administration
  Govt of Gujarat, Ahmedabad
  njrathod@in.com

 28. mili says:

  મે આ મુવિ જોયુ, ખુબ ખુબ સુન્દર ચ્હેી. ચુકવિ ના જોઇએ. મ્રુગેશભાઇએ ખુબ સરસ લખ્યુ ચ્હે.
  તેમનો ખુબ જ આભાર.

 29. bhavna says:

  awesome!all young generation people should see it.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.