ખાનદાની ક્યાંથી પ્રગટે ? – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિકમાંથી સાભાર.]

નંદુને જો કોઈ પૂછે કે ‘અલી, અમારા ઘરનું કામ બાંધીશ ?’
તો એ ચોખ્ખીચણાક ના પાડી દેતી. એ કહેતી : ‘ના બોન, એ ઘરનાં કામ બસ છે. એમાંય વસંતભાઈ શેઠના ઘરનું કામ તો પોણો દી પહોંચે એટલું છે. સેંથકનાં કામ બાંધીને પછેં બધાયને નારાજ કરવા કરતાં આ બે કામ બસ છે, ને મારે આમેય ઘરમાં ખાવાવાળાંયે કેટલાં ? હું ને મારો ધણી. પછેં કમાઈ કમાઈને કમાવું કેટલું ? ના રે બા, આ બે કામ બસ છે…..’
‘પણ નંદુ, આ વસંતભાઈના ઘરનું કામ તને ફાવે છે ?’ કોઈ પૂછતું.
‘કેમ ના ફાવે ? જોકે કામ ઝાઝું છે, પણ પહોંચી વળું છું. પરમાણમાં પગારેય એવો દે છે ને !’
‘પગાર તો જાણે સમજ્યા. કામ પ્રમાણે પગાર તો મળે. પણ એ વસંતભાઈની ઘરવાળી, એટલે કે તારી રીટા શેઠાણીનો જીભડો કેવડો મોટો છે ! આખો દહાડો કચ ને કચ. તે એવી કાતર જેવી જીભથી શા માટે સોરાય છે ?’ બીજું કોઈ વળી વસંતભાઈની ઘરવાળીની ધારદાર જીભનું વિવરણ કરતું.
‘આપણે તો બેન, કામ જોડે મતલબ. બધાંય કામ ચોખ્ખાંચણાક કરીને દઉં છું, હાં ! પછેં બોલવાવાળાને કોઈ રોકી શકતું નથી ને ન બોલવાવાળાના મોમાં આંગળાં નાખીને કોઈ બોલાવી શકતું નથી.

જોકે કામનું પૂછવાવાળાને મોઢે આટલું નંદુ બોલી એય એક આશ્ચર્ય ગણાય, નહિતર નંદુ કોઈને મોઢું આપે નહિ ! એના જવાબો બનતા સુધી ટૂંકાક્ષરી. એમાંયે પરાણે પરાણે કોઈ જવાબ માગે તો એ બનતાં સુધી ‘હા’, ‘ના’, ‘બરાબર’, ‘ઠીક’ જેવા ટૂંકાક્ષરી જવાબો આપી સવાલને ટાળતી, નહિતર એ મોઢું જ સીવી લેતી. નંદુનું આ ઓછું બોલવાપણું જ એનું ક્વોલિફિકેશન ગણાતું. જે ઘરમાં એ કામ કરતી, એ ઘરની કોઈ વાત એના મોં દ્વારા બહાર પહોંચી શકતી જ નહીં.

નંદુનું બીજું ક્વોલિફિકેશન તે એનું ચોખ્ખું અને વ્યવસ્થિત કામ. એના કામમાં પૂછવાપણું રહેતું જ નહિ. ઘરનાં કામ એક પછી એક એવી રીતે આટોપતી જતી કે કોઈને બોલવાપણું રહેતું જ નહિ. ખૂણેખાંચરેથી એવી રીતે કચરો કાઢે કે ક્યાંય જરા જેટલી ધૂળ શોધી, એની ધૂળ કાઢવાનું કોઈ કહી શકતું નહિ. કપડાં એવાં ઘસી ઘસીને ધોતી કે કદાચ આટલી કાળજી તો ધોબીયે નહિ લેતો હોય. વાસણ માંજી, એને નિતારી, કપડાથી સાફ કરીને પાછાં મૂળ જગાએ એવી રીતે ગોઠવી દેતી કે કોઈને કહેવાપણું રહેતું નહિ. રાતનું રસોડું પતે પછી કેટલી શેઠાણી તો નંદુને ‘ઢાંકોઢુંબો કરી દેજે’ કહીને વર જોડે ફરવાયે ચાલી નીકળતી. નંદુનો ભરોસો લાખ રૂપિયાનો.

નંદુ વસંતભાઈને ત્યાં છેલ્લા દોઢેક વરસથી કામ કરતી. સવારના સાડા નવનો ટકોરો પડે કે વસંતભાઈની બંગલીનો ઝાંપો ખૂલ્યો જ હોય અને નંદુએ પ્રવેશ કર્યો જ હોય ! નંદુ ઘડિયાળના કાંટે કામ કરતી. ઘરમાં પ્રવેશતાં જ એ ઝાડુ હાથમાં લેતી. આખી બંગલીનો કચરો વાળી, પછી એ પોતાં કરવા લાગી જતી. ઘસીને પોતાં કરી એ કપડાં ધોવા બેસતી. ઘસી ઘસીને કપડાં ધોઈ, બંગલીની અગાસીમાં એને ચાંપ-ચીપિયામાં ભરાવી વ્યવસ્થિત રીતે સૂકવી દેતી. એ પછી રીટા શેઠાણી પાસેથી ચીજવસ્તુઓનું લિસ્ટ અને પૈસા લઈ બજારમાં ખરીદ કરવા જતી. એ પછી ઘરનું નાનું મોટું કામ પતાવી, વાસણ માંજતી. વસંતભાઈના ઘરનું બધું કામ પતાવી બપોરે એક વાગ્યે બીજા ઘેર કામે જતી અને પછી ત્યાંથી સીધી પોતને ઘેર. સાંજના સાડા છએ કામનો બીજો દૌર આરંભ થતો તે રાતના સાડા નવ સુધી ચાલતો. વરસના ત્રણસો પાંસઠ દિવસ નંદુની આ રફતાર રહેતી. ન ક્યારેય કામમાં ખાડો પાડતી કે ન ક્યારેય એ રજા લેતી. તહેવારોના દિવસેય નંદુ કામ પર હાજર હોય. નંદુનું આ ત્રીજું ક્વોલિફિકેશન. એ એટલું જોરદાર હતું કે સૌ કોઈ ઈચ્છતા, નંદુ અમારે ઘેર કામ કરતી હોય તો કેવું સારું.

નંદુએ જે બે ઘરોનું કામ બાંધેલું, એમાં એક વસંતભાઈના ઘરનું કામ હતું. જિંદગીના ત્રણસો પાંસઠેય દિવસ જે ઘર સાથે એના તાર વણાયેલા રહેતા એ ઘર પણ આપણે એક નજર કરી લઈએ – વસંતભાઈ આમ તો સાવ સામાન્ય કુટુંબના. લગભગ ગરીબ ગણાય એવા ઘરમાં એ જન્મ્યા અને ભણ્યા. ભણવામાં એ એટલા તેજસ્વી હતા કે એક ટ્રસ્ટની સ્કોલરશિપ લઈને એ પરદેશ ભણવા પણ ગયા. એમની પત્ની રીટા ગર્ભશ્રીમંત કુટુંબની. ત્રણ-ત્રણ પુત્રો પછી જન્મેલી રીટા સૌને માટે રમકડા સમાન હતી. માતાએ, પિતાએ, ત્રણેય ભાઈઓએ અને નોકરચાકરોએ એને એવી લાડકોડમાં ઉછેરી ફટવી મારી હતી કે એ કોઈ ઉચ્ચ ખાનદાન કુટુંબમાં તો સચવાય એવી હતી જ નહિ. ગુમાનનો અંચળો ઓઢીને ફરતી રીટા કોઈ ગરીબ-રાંકડા સ્વભાવનાં કુટુંબોમાં જળવાઈ જાય એ ગણતરીથી એના પિતાએ આવા રાંક સ્વભાવના છોકરાની શોધ ચલાવી અને એ પરિપૂર્ણ થઈ વસંતભાઈ પાસે. વસંતભાઈ જેવા પરદેશથી પાછા ફર્યા કે પ્રાણજીવનદાસ શેઠે, એટલે કે રીટાના પપ્પાએ, એમને ‘ઝડપી લીધા’, વસંતભાઈને એમણે એક ફેકટરી કરી આપી અને રહેવા માટે નાનકડો બંગલો પણ બાંધી આપ્યો. પુત્રીના સુખ, સંતોષ, શોખ, ગુમાન અને માનપાન ખાતર પિતાએ એને ઘણું ઘણું આપ્યું, પણ જો સૌથી કોઈ ખાસ ચીજવસ્તુ આપી હોય તો એ આ નંદુ હતી. નંદુ આમ તો પ્રાણજીવન શેઠને બંગલે કામ કરતી. પ્રાણજીવન શેઠનાં પત્ની સદાયે માંદાં રહેતાં એટલે એમની ચાકરી માટે ને ઘરનાં બીજા પરચૂરણ કામ માટે નંદુને રાખી હતી. ઘરમાં બીજા ઘણાયે નોકરો હતા, પણ નંદુનાં કામ, કામની ચીવટ, પ્રામાણિકતા અને નીતિ માટે શેઠને ઘણું માન હતું. એટલે રીટા, જ્યારે વસંતભાઈને પરણી ત્યારે રીટાને ઘરગૃહસ્થી શીખવવા અને એને ‘જાળવી લેવા’ માટે પ્રાણજીવનશેઠે એને દીકરીના બંગલે કામ કરવા રખાવી દીધી. જોકે હુતો-હુતીના ઘરમાં એટલું બધું કામ ન હોય એટલે એને એક બીજું નાનકડું કામ રાખી લેવા છૂટ આપી હતી. પોતાના જ પિયરની કામવાળી પોતાને ત્યાં કામે રહી એટલે રીટાના રોફ-રુવાબ તો એના એ રહ્યા. નંદુ પણ આ નાનાં ‘બેનબા’ના સ્વભાવથી પરિચિત હતી, એટલે કશું બોલ્યા વિના એ વસંતભાઈને બંગલે કામે આવતી રહી.

ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મેલી રીટાને ગળથૂથીથી જ એક પાઠ એ શીખવા મળ્યો હતો કે નોકરચાકરને બહુ ફટવવાં નહિ. નોકરો પર તો ફડાકો રાખવો જ સારો, નહિતર એ જાત ફાટીને ધુમાડે જ ચડી જાય. અને એટલે જ, નાનપણમાં ભણેલો આ પદાર્થ પાઠ, રીટા નંદુ પર પણ અજમાવતી. નંદુના કામથી એને ખૂબ ખૂબ સંતોષ હતો છતાંયે હાલતાંચાલતાં એ ફણીધર નાગના ફૂંફાડા જેવો ફૂંફાડો માર્યે જ રાખતી.

એક દિવસ બપોરે ઘરનાં તમામ કામકાજ પતાવી નંદુ રીટાશેઠાણીના બેડરૂમના ઉધાડા બારણા પાસે આવી ધીરેથી બોલી –
‘બેનબા….’
‘શું છે ?’ પથારીમાં આડાં પડીને કોઈ ફેશન મેગેઝીનનાં પાનાં ઉથલાવતી રીટાએ ઘાંટો પાડ્યો.
‘બે દિવસની રજા જોઈએ છે.’
‘નહીં મળે.’ મેગેઝીનના પાના પરથી નજર ઉઠાવ્યા વિના જ અરજનો અસ્વીકાર કરતાં રીટા બોલી.
નંદુ કશું બોલી નહિ, એ બારણા પાસે જ ઊભી રહી.
‘ના પાડીને કે રજા-બજા ન મળે….’ રીટા જાણતી હતી કે છેલ્લા દોઢ વરસમાં નંદુએ એકેય રજા નહોતી લીધી છતાંયે સંસ્કારો મુજબ રજા આપવાની ના પાડી દીધી અને બોલી –
‘શાની રજા જોઈએ છે ?’
‘કામ છે.’ નીચી નજર રાખીને નંદુએ કહ્યું.
‘શું કામ છે ?’
‘ખાસ કામ વિના રજા માગતી હોઈશ, બેન ? આજ આટલા દિવસોમાં ક્યારેય રજા માગી છે ? આજે ખાસ જરૂર છે એટલે બોલી.’
‘એ ન ચાલે. આજે તારું ખાસ કામ છે. પિન્ટુને પેઈન્ટિંગમાં પ્રાઈઝ મળ્યું છે એટલે એણે એના બધા મિત્રોને આમંત્ર્યા છે. આજે બધા મહેમાનો આવશે, નાસ્તા-ઉજાણી થશે. ચારેક વાગ્યે આવી જજે. રાત્રે મોડું થશે એટલે જેને ત્યાં કામ કરે છે એને ના પાડતી આવજે કે આજે રાતના નહિ અવાય…. જા હવે. ચાર-સવા ચારે આવી જજે.’ કહી એ પડખું ફેરવી ગઈ.

નંદુ ગઈ.
પણ સાંજે એ આવી નહિ.
ચારના પાંચ થયા, પણ નંદુનો પત્તો ખાધો નહિ. એણે ફેકટરી પર ફોન કરી બે માણસોને બોલાવી લીધા. નંદુ વિના પિન્ટુની પાર્ટીની રોનક ન જામી. અને નંદુને શોધવી પણ ક્યાં ? એના ઘરનું સરનામું લેવાની જરૂર પણ ક્યાં કોઈને લાગી હતી ? ઘડિયાળના ટકોરે નિયમિત ઘરમાં આવતી-જતી નંદુનું સરનામું લેવાની જરૂર પણ શી હતી ? બીજે-ત્રીજે-ચોથે કે પાંચમે દિવસે પણ નંદુ ન આવી એટલે રીટાબહેને બીજી કામવાળીની શોધ ચલાવી. પણ એમનો સ્વભાવ જાણ્યા પછી કોઈ કામવાળી તો શું, કામવાળો પણ આ ઘરમાં કામે આવવા તૈયાર નહોતો…. ભલે ને પછી મોટો પગાર હોય ! દસમે દિવસે એક કામવાળી બાઈ છેવટે આવી તો ખરી, પણ વાસણ માંજ્યા વિના જતી રહી, ‘તમારી આવી કચકચ મારાથી નો સહન થાય’ કહીને. વસંતભાઈએ આ પહેલાં પણ ઘણી વખત રીટાને ટપારી હતી કે કામવાળાં પર બહુ દબાણ સારું નહિ. એ જમાના ગયા હવે. પણ રીટાબહેને પોતાના સ્વભાવ મુજબ તુરત જ સંભળાવી દીધું કે ઘરની બાબતમાં તમારે માથું મારવું નહિ. વસંતભાઈને ખરાબ લાગ્યું, પણ સ્વભાવ મુજબ એમણે નમતું મૂક્યું. જ્યારે જ્યારે રીટા, પોતાની મા જેવડી નંદુ પર આકરા હુકમો ચલાવતી ત્યારે વસંતભાઈ હંમેશા નંદુનો પક્ષ તાણી રીટાને નરમ શબ્દોમાં કહેતા, પણ રીટા ક્યાં કોઈનું સાંભળતી હતી ?

પણ એ રાતે રીટાબહેન વસંતભાઈ પાસે રડી જ પડ્યાં ને બોલ્યાં :
‘ગમે તેમ કરો, પણ નંદુને જ્યાં હોય ત્યાંથી શોધી લાવો. આ ઘરનું કામ હવે મારાથી થતું નથી.’
‘તો બીજી રાખી લે.’
‘પણ કોઈ આવવા તૈયાર નથી થતું.’
‘તારી મમ્મીને કહે, પપ્પાને વાત કર.’
‘પપ્પાને કહ્યું તો પપ્પા છેડાઈ પડ્યા અને કહી દીધું કે નંદુ જેવી રતનને તું ન જાળવી શકી એમાં હું શું કરું…? ભલા થઈ, તમે નંદુને શોધી લાવો.’
‘બીજા કોઈને વાત કરી જો…’
‘કરી જોયું, બમણા પગારની વાત કરી પણ કોઈ આવવા જ તૈયાર નથી થતું, ત્યાં….’
ને વસંતભાઈએ ચોપડાવી :
‘હવે તને ખબર પડી ને કે નાનામાં નાના માણસને પણ પોતાનું સ્વમાન વહાલું હોય છે ! મારી ફેકટરીનો હું માલિક છું, છતાંયે કામદારો સાથે મારે સમજણથી જ કામ લેવું પડે છે.’
‘તમારી એ બધીયે વાત સાચી, પણ ભલા થઈને નંદુની ક્યાંકથી તપાસ કરો અને એને પાછી લઈ આવો.’
‘સારું, પ્રયત્ન કરું છું.’

પણ વસંતભાઈને નંદુને શોધવા જવું ન પડ્યું.
બરાબર ચૌદમા દિવસે નંદુ બરાબર નવના ટકોરે હાજર થઈ ગઈ. જાણે કશું જ બન્યું ન હોય એમ એણે ઝાડુ હાથમાં લીધું. નંદુને જોઈ રીટાબહેનનો પિત્તો ફરીથી ઊછળ્યો. એણે ધમકાવીને પૂછ્યું-
‘ક્યાં ગઈ હતી આટલા દિવસ ?’
પણ જવાબ આપે તો એ નંદુ શાની ? એ ઝાડુ મારતી રહી.
‘પૂછું છું તને કે આટલા દિવસ ક્યાં મરી ગઈ હતી ?’
ફરી નંદુનું મૌન.
હવે રીટાબહેન ખરેખર ચિડાયાં.
‘મોઢામાં મગ ભર્યા છે કે જવાબ નથી દેતી ? કહું છું, ક્યાં મરી’તી આટલા દિવસ ?’ રીટાબહેનનો ઘાંટો સાંભળી, ફેકટરીએ જવાની તૈયારી કરતા વસંતભાઈ બેડરૂમમાંથી બહાર આવ્યા. એમણે નંદુની સામે જોયું. નંદુ હાથમાં ઝાડુ પડતું મૂકી બાથરૂમ તરફ જતી રહી.
‘ક્યાં ચાલી ?’ કહી રીટાબહેન એની પાછળ જવા જતાં હતાં ત્યાં વસંતભાઈએ એને રોકી.
‘એક મિનિટ, રીટા.’
‘હું કહું છું કે તમારે ઘરની બાબતમાં માથું ન મારવું….’ કહી એમણે બાથરૂમ તરફ જવા જેવા પગલાં ઉપાડ્યાં કે વસંતભાઈએ જોરથી બૂમ પાડી.
‘શટ-અપ, રીટા.’
આટલાં વર્ષો પછી કદાચ પહેલી જ વખત વસંતભાઈના મુખે આવો આકરો શબ્દ નીકળ્યો હતો. પણ એ એવો અસરકારક હતો કે રીટાબહેનના પગ ધરતી જોડે જાણે જડાઈ ગયા. વસંતભાઈએ એને ધમકાવતાં કહ્યું : ‘તારામાં અક્કલ છે કે નહિ ? તેં નંદુબેનના મોં સામે જોયું ? એમના કપાળમાં ચાંદલો નથી. હાથ બંગડીઓ વિના અડવા અડવા છે. તારા ભેજામાં કશું ઊતરે છે કે નહિ ? નંદુબેન બાથરૂમ તરફ ગયાં તે એમની આંખમાં આવેલાં ઝળઝળિયાં સાફ કરવા. એક સ્ત્રી થઈને તું આટલું સમજી શકતી નથી….?’ નંદુ સાડલાથી મોઢું લૂછતી લૂછતી આવી અને હાથમાં ઝાડુ પકડવા વાંકી વળી કે વસંતભાઈએ એના બે ખભા પકડી પૂછ્યું :
‘મને કહેવરાવ્યું પણ નહિ, બેન ? આ બધું ક્યારે બન્યું ?’
ડૂસકાં ખાતી ખાતી નંદુ બોલી :
‘જે દિવસે પિન્ટુભાઈએ ઘેર પાર્ટી રાખી હતી તે દિવસે સાંજે….’ નંદુની આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસતા ચાલ્યા. વસંતભાઈએ એને હીંચકા પર બેસાડી, એની બાજુમાં બેસી એના વાંસામાં હાથ ફેરવવા લાગ્યા. સામે ચૂપચાપ ઊભેલી પત્ની તરફ જોઈ ઊંચા અવાજે બોલ્યા :
‘આમ ઊભી છે શું ? જા, નંદુબેન માટે પાણીનો ગ્લાસ લઈ આવ અને…. અને… એમને માટે ને મારે માટે ચા મૂક… અને જતાં જતાં એટલું સાંભળી લે… જ્યાં સુધી તારી અક્કલ ઠેકાણે નહિ આવે ત્યાં સુધી આ ઘરમાં હવેથી હું માથું મારતો રહીશ.’ અને પછી બબડ્યા, ‘નંદુબેનને થયેલા અન્યાય સામે, કદાચ હવે મારે માથું ઊંચકવું પડશે.’ એ દિવસ પછી નંદુબેન વસંતભાઈને બંગલે જ રહ્યાં, તે આજ દિવસ સુધી. વસંતભાઈ એ બીજી કામવાળી બાઈ રાખી પણ નંદુબેન પાસે કામ ન ખેંચાવ્યું. માત્ર પિન્ટુની માવજત એ જ નંદુબેનનું આ ઘરમાં કામ.

પિન્ટુ તો હવે મોટો થઈ ગયો છે, ભણીને પપ્પાની ફેકટરીએ જતો થઈ ગયો છે, પણ ફેકટરીએ જતી વેળા જ્યાં સુધી નંદુબેન એને માટે છાશનો ગ્લાસ ન ધરે ત્યાં સુધી એ જાય નહિ, નંદુબેન એને પોતાના સાડલાથી ચશ્માં ન લૂછી દે, એના બૂટનાં મોજાં કે પૈસાનું પાકીટ ન આપે, ત્યાં સુધી એ ઘરની બહાર પગ ન મૂકે. ક્યારેક એના મમ્મી એને માટે છાશનો ગ્લાસ લાવે તો પિન્ટુ પૂછે : ‘મોટી-બા નથી ?’
અને એ જ તો હતી વસંતભાઈની નંદુની બાબતમાં ઘરમાં માથું મારવાની વાત. ક્યારેક ક્યારેક ખાનદાની અને સંસ્કારની વાતો નીકળે છે ત્યારે વસંતભાઈ નંદુનું ઉદાહરણ અચૂક આપે અને બોલે:
‘જુઓ તો બાઈની ખાનદાની ! અઠવાડિયાથી પતિ માંદગીને ખાટલે હોવા છતાં બાઈએ ન રજા લીધી કે ન અમને એનો અણસાર આવવા દીધો અને જ્યારે સવારથી એની તબિયત બગડી અને એણે રજા માગી ત્યારે…. એક બાજુ અમારા ‘ઊંચા લોક’ની ખાનદાની અને બીજી બાજુ…. જવા દો એ બધું. ખાનદાની અંતરમાંથી પ્રગટે છે, ઊંચા આવાસોમાંથી નહિ…….’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સદભાવનાનું સહચિંતન (ભાગ-1) – મૃગેશ શાહ
બૅટર-હાફ : ગુજરાતી ફિલ્મોનો નવો વળાંક – મૃગેશ શાહ Next »   

29 પ્રતિભાવો : ખાનદાની ક્યાંથી પ્રગટે ? – ગિરીશ ગણાત્રા

 1. sima shah says:

  સાચી વાત છે, ખાનદાની અંતરમાંથી પ્રગટે છે, ઊંચા આવાસોમાંથી નહિ…….’
  ખૂબ સુંદર વાર્તા,
  આભાર,
  સીમા

 2. હ્રદય હચમચાવી દે તેવી વાર્તા.

 3. Janakbhai says:

  This story proves ‘ Literature is the reflection of Life.’

 4. harikrishna patel says:

  very good one

 5. trupti says:

  ગિરીશભાઈ ની વાર્તા હોય અને સંદેશો ન હોય તેવુ બને?

  સુંદર વાર્તા. માનવિ માનવ થઈ ને રહે ને માનવતાથી વર્તે તેનાથી રુડુ કંઈ નહીં. ખાનદાની ફક્ત સફેદ કપડા પહેરનાર ની જાગિર નથી. કેટલુ ગહન સત્ય “ખાનદાની અંતરમાંથી પ્રગટે છે, ઊંચા આવાસોમાંથી નહિ…….’

 6. nayan panchal says:

  ગિરીશભાઈની વાર્તા હોય એટલે શું કહેવાનું ?

  જ્યારથી ગિરીશભાઈ નથી એવુ જાણ્યુ છે ત્યારથી તેમનુ નામ જોઈને હંમેશા એવી લાગણી થાય છે કે તેમની ખોટ કેવી રીતે પૂરાશે…

  નયન

 7. Vraj Dave says:

  બીજું તો શું લખું બસ આંખો ભીંજવી દીધી.

 8. Mitesh Desai says:

  ખાનદાનેી તો ખરેખર……………….. ફક્ત એક જ શબ્દ ઘણુ કહેી જાય છે………………..

 9. yogesh says:

  આ વાર્તા વાન્ચી ને મને મારા અમ્દાવાદ ના ઘરે કામ કર્તા હતા તે બેન યાદ આવિ ગયા. તેમ્નુ નામ સજન બેન્ અમારા ઘેર લગ્ભગ ૧૦ વર્શ કામ કર્યુ પન અમારા ઘર ના સભ્ય બની ને રહ્યા હતા. મને ભઈ ભઈ કરિ ને તેમ્ની જીભ સુકાઈ જાય્. ઘણી વાર એવુ બન્યુ હતુ કે હુ તેમને મારા બાઈક પર બેસાડી ને ઘ્અરે કામ માતે લઈ આવ્તો હતો. મારી મ મ્મી ને કેન્સર ન નીદાન થયુ હતુ તે દિવસો મા પણ તેમ્ણે, અમ ને, બધા ને ખુબ સચ્વ્યા હત્તા.

  આજે અમે અમેરિકા મા ૧૨ વર્શ થી ચીયે, પરન્તુ, જેટ્લી વાર ઇન્ડી યા જયિયે, તેટ્લી વાર મળી યે, એટ લી વાર અમ્ને, અમારા સ્વજન ને મળીયે તેવી લાગ્ણી થાય ચે, એટ્લે, એ અમારા સજન બેન નથિ પ્ણ સ્વજન બેન ચે.

  ખુબ ખુબ આભાર ,

  યોગેશ્

 10. Veena Dave. USA says:

  શ્રી ગીરીશભાઈની કલમે લખાયેલી વાર્તા હ્ર્દયને, મનને સ્પર્શી જ જાય.
  ગુમાની માનુનીઓ ને લપડાક વહેલી મારવી જોઈએ જેથી કોઈને અનર્થ ના થાય્.

 11. Hetal says:

  its hard to find such ppl to work for you now a days- whoever have such “nandu” or “ramu” may have been working for them over decades- in recent years its rare that they stick to one place for long..really touchy story- but reading Rita’s character( abhimani and fatvi mareli chokari)- I kept wondering how did she get along with vasantbhai and had no issues with her married life??!! but overall very nice story

 12. Jigna Bhavsar says:

  ખરેખર……ખાનદાની અંતરમાંથી પ્રગટે છે, ઊંચા આવાસોમાંથી નહિ…….’

  માત્ર ઊંચા આવાસો વાળા જ નહી, પણ ઘણાં મધ્યમવર્ગી પણ જોયાં છે, જે રાત દીવસ તેમના વફાદર નોકરો ને રાડો પાડવા તથા કચ કચ કરતાં તથા લોકો ની સામે ઉતારી પાડતા થાકતા નથી. .

  ” લગે રહો મુનનાભાઈ” ની વાત યાદ આવી ગઈ કે માણસ ની ખરી ઓળખાણ , એ વ્યકિતી એના થી નીચે કામ કરનારા સાથે કેવી રીતે વર્તન કરે છે તેના પર થી થાય છે.

  સરસ. મ્રુગેશભાઈ તથા ગીરીશભાઈ.

 13. જય પટેલ says:

  સાલસ સ્વભાવના વસંતભાઈએ સમજદારીનું શસ્ત્ર ઉપાડ્યું પણ ઘણું મોડું થઈ ચુક્યું હતું.

  નાના માણસોની અપેક્ષા બહું મોટી ના હોય પણ તેમનું સ્વમાન બહું મોટું હોય.
  સમાજમાં કહેવાતા સભ્ય માણસો તેમના રત્નોને સંસ્કારનું ભાથું આપવાનું ચૂકી જાય છે
  અને પછી ઠેકાણે પાડવા શરૂ થાય છે વસંતરાજોની ખોજ.

  આપણે કેટલા ખાનદાન છીએ તે સમાજ નક્કી કરે છે.
  જ્યારે સંતાનો પરણવા યોગ્ય…ઉંમર લાયક થાય અને દિકરા કે દિકરી માટે
  ઘરના ઉંબરે કોઈ ફરકે નહિ તો સમજવું કે આપણે ભાઈની બારાતમાં છીએ…!!

 14. Milin says:

  સમાજમાં કહેવાતા સભ્ય માણસો તેમના રત્નોને સંસ્કારનું ભાથું આપવાનું ચૂકી જાય છે
  અને પછી ઠેકાણે પાડવા શરૂ થાય છે વસંતરાજોની ખોજ.

  Jaybhai,

  Very nice quotes… Sanskar and culture begins at home in childhood… a behavior of an adult largely reflects his/her upbringing and nurturing…

  Being humble and being honest to your work are the some of the biggest virtues in today’s world but sometimes neglected… Nandu, a character here depicts these two virtues at its best…

  Very nicely written story…

 15. Rachana says:

  પોતાનો સ્વાર્થ છોડી બીજાનો વિચાર કરવાની દ્ર્ષ્ટી આજે કેટલા પાસે છે???…

 16. Jagruti Vaghela USA says:

  વાર્તા સારી છે.

 17. Maithily says:

  khub j saras vaartaa kari girish bhai ….

 18. Vaishali Maheshwari says:

  Excellent story by Mr. Girish Ganatra.
  Simply awesome and heart-touching.

  Thanks you!

 19. pragati says:

  ખૂબ સુંદર વાર્તા, અને ઘણી સાચિ વાત ….ખાનદાની અંતરમાંથી પ્રગટે છે, ઊંચા આવાસોમાંથી નહિ…….’

 20. maitri vayeda says:

  આંખ માં આંસુ આવી ગયા… એકદમ સરસ વારતા…

 21. Bhalchandra, USA says:

  This is an excellent story. I t reminded me the other side of the coin:white tiger which won Booker Prize few years ago.

 22. Khushi says:

  it’s a really very good and heart touching article…

 23. Viral Patel says:

  ખુબ સરસ્….

 24. jayesh patel says:

  ખુબજ સરસ …

 25. rucha says:

  જવા દો એ બધું. ખાનદાની અંતરમાંથી પ્રગટે છે, વાહ ! આખ અને અંતર ને ભીંજવતી …..
  i think u r from jamnagar ..related with nobat ??

 26. Rajni Gohil says:

  ગિરીશભઇએ આપણને સરસ પ્રેરણાત્મક વાર્તા કહી છે. ખાનદાની અંતરમાંથી પ્રગટે છે, ઊંચા આવાસોમાંથી નહિ… ભગવાન સૌને આ વાર્તામાંથી બોધપાઠ લઇ બધા સાથે સારો વ્યવહાર કરવાની સદબુદ્ધિ આપે.

  ભગવાન તો બધાના દિલમાં વસે છે. આ વાત બધા સમજે તો પછી કોઇ problem ઉભા થાય?

  ગિરીશભઇની આ વાર્તા ઘણાને પ્રેરણા આપશે એમાં શંકાને સ્થાન નથી. ગિરીશભઇને અભિનંદન.

 27. Rajul says:

  આ જગત મા બધા ને સ્વામન વહાલુ હોય, લોકો કોઇ ની પાસે પૈસા ની અપેક્ષા નહિ રાખે પણ સ્વમાન ની તો રાખશે જ્ , સરસ વાત

  રાજુલ ઢાંકી

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.