મૃણ્મય – હિમાંશી શેલત

[‘જનકલ્યાણ’ જૂન-2010માંથી સાભાર.]

જેમ જેમ પરિચય વધતો ગયો તેમ તેમ અંબેલાલને ગોપાળજી પટેલનું ઘેલું લાગ્યું એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ ન લાગે. અંબેલાલે ગોપાળજી પટેલને પહેલી વાર જોયા ત્યારે પણ એમ તો લાગેલું જ કે આ માણસ કોઈ રીતે જુદો છે. એ બંને પહેલી વાર બાગમાં મળેલા. અનેક નિવૃત્ત માણસો જેમ સાંજે ફરવા જાય તેમ એ બે પણ ફરવા જતા અને એમ એક વાર એકઠા થઈ ગયા; ઓળખાણ થઈ અને બાગમાં જતી વખતે ગોપાળજીનું ઘર રસ્તામાં જ આવે તેથી એક નિયમ થઈ ગયો કે અંબેલાલે સાંજે પાંચને ટકોરે ગોપાળજીના ઘર પાસે બૂમ પાડવી અને પછી સાથે ફરવા જવું.

ગોપાળજી પટેલ પાસે જીવનની નાનીમોટી તમામ ઘટનાઓ અંગે સમાધાનની ચોક્કસ ફોર્મ્યુલા હતી. બહુ સ્વસ્થ માણસ કહેવાય આ ગોપાળજી પટેલ. બાકી એમની કસોટી કરવામાં ઉપરવાળાએ બિલકુલ કચાશ રાખેલી નહિ. એકનો એક દીકરો અકસ્માતમાં ગુમાવ્યો, પત્નીને કેન્સર જેવી ભયંકર બીમારી, આમ જુઓ તો એ પોતે પણ એવા તંદુરસ્ત કહેવાય નહિ પણ ગજબની સ્વસ્થતા. દુઃખની વાત પણ એટલી શાંતિથી કરે કે સામો માણસ, ખાસ તો અંબેલાલ, સ્તબ્ધ થઈ જાય……… ‘એમાં એવું છે ને કે તમે અમુક રીતે વિચારો તો ખૂબ શાંતિ લાગે. ટાગોરે કહ્યું છે કે ‘એઈ વ્યથા કે આમાર બલે ભુલબ જખનિ તખનિ એ પ્રકાશ પાબે વિશ્વરૂપે’ એટલે કે આ વ્યથા મારી છે એ જ્યારે ભૂલી જઈશ કે તરત જ તે વિશ્વરૂપે પ્રગટ થશે. એમ જ માનો ને કે આ દુઃખ કે આ ચિંતા મારાં નથી. એ તો કાળના પ્રવાહમાં…….’

અંબેલાલ અહોભાવથી ગોપાળજીને જોઈ રહેતા. અદ્દભુત માણસ, ગજબનો સંયમ, ગજબની સ્વસ્થતા. ઘેર આવ્યા પછી પણ એ ગોપાળજીની વાતો જ કર્યા કરતા. બીજું તો કોઈ ખાસ સાંભળતું નહિ પણ શાંતાબહેનનો તો છૂટકો જ નહિ.
‘તને ખબર છે એ માણસને કેટલું દુઃખ પડ્યું છે ? અરે ગમે તેવો ભડ હોય તોયે ભાંગી જાય. આ તો આ ઉંમરેય એવા અડીખમ છે કે…. ને કેટલું વાંચે છે હજી ! આપણે તો છાપાં ને ચોપાનિયાંમાં બધું આવી જાય. આ તો સંસ્કૃતનો પંડિત છે પંડિત, ને અંગ્રેજી કેવું સરસ !’
અંબેલાલના કુટુંબના માણસો ગોપાળજી પટેલની આ પ્રશસ્તિને ‘ગોપાળજીપુરાણ’ નામે ઓળખતા અને જેવો ગોપાળજીનો ગ બોલાય કે બધાં કોઈ ને કોઈ બહાને આઘાં-પાછાં થઈ જતાં. બેસવું પડે માત્ર શાંતાબહેનને, કારણ એમનાથી ખાસ કામ થતું નહીં અને કામ વગર એ ઘરમાં અટવાય તે વહુઓને ગમતું નહીં.
‘એવું છે શાંતા, કે હવે ઉત્તરાવસ્થામાં શાંતિથી જ જીવવું. કોઈ ફરિયાદ કરવી નહીં. તને થશે કે આવું વળી હું ક્યારથી કહેતો થયો; પણ એક વાત સાચી કે ગોપાળજીએ મને જીવવાની નવી રીત બતાવી, મને પોતાને જ આશ્ચર્ય થાય છે કે હું આટલો બધો બદલાયો શી રીતે !’

જોકે ખરેખર અંબેલાલમાં શું પરિવર્તન આવ્યું તેની શાંતાબહેનને કે ઘરમાં કોઈને કશી ખબર નહોતી. અંબેલાલે ક્યાં કોઈને એવી વાત જ કરી હતી ? કરાય પણ કેવી રીતે ? સિત્તેર વટાવી ચૂકેલો માણસ પોતાને મૃત્યુનો કેવો ભય લાગે છે એની વાત કોને અને કેવી રીતે કહી શકે ? એ અજ્ઞાત પ્રદેશમાં જવાના વિચારમાત્રથી એ ફફડતા. એમનો આ ભય પારખ્યો ગોપાળજીએ અને પછી તો રોજ મૃત્યુની, એમાં રહેલા આનંદતત્વની એટલી બધી વાતો ગોપાળજીએ કરી કે અંબેલાલ એટલી ક્ષણો પૂરતા જમીનથી ઊંચકાઈ ગયા, આંખ સામે અજવાળું થઈ ગયું.
‘જે નિશ્ચિત છે તેનો ડર ન હોય, ડર તો અનિશ્ચિતનો હોય અને નિશ્ચિત તો સ્વીકારેલું જ હોય પછી એનો શોક કરવાવાળા આપણે કોણ ? મરણ પાછળ રડતી વખતે આપણે એવું તો વિચારતાં જ નથી કે આ ગતિ તો મારી પણ છે જ, આ મર્યું તે કોઈ બીજું શું કરવા ? હું પોતે જ કાલે આમ જવાનો પછી એનો વિલાપ શેનો કરવાનો ?’ ગોપાળજીને આદત પડી ગયેલી કોઈ ને કોઈ રીતે મૃત્યુને એમની વાતોમાં ખેંચી લાવવાની. મરવાની વાતો હવે અંબેલાલ ગભરાટ વગર સાંભળી શકતા. ગોપાળજીની વાત સાચી હતી, છોડવાનો આનંદ હોય, ડર કે દુઃખ નહિ. એક મોટો બોજો હઠી ગયો. ગોપાળજી સાથે ઓળખાણ થઈ તે સરસ થયું, એમને લીધે ટકી જવાયું એટલે જ રોજ સવારે વરંડામાં આરામખુરશીમાં પડ્યા અંબેલાલને જ્યારે એવો વિચાર આવી જતો કે કોઈક દિવસ આ બધું હશે, માત્ર હું નહિ હોઉં ત્યારે બહુ ગભરામણ કે અસ્વસ્થતાનો અનુભવ નહોતો થતો. એ તો એમ જ હોય, બધાંનું એમ જ હોય, બધાંનું એમ જ થવાનું; આપણે કંઈ નવાઈના નથી.

સવારે તો અંબેલાલ સાજાનરવા હતા ને એકાએક બપોરે શું થયું કે એમનું હૃદય બંધ પડી ગયું. કોઈ પૂર્વચેતવણી આપ્યા વગર, સાવ અણધાર્યું. હૃદય બંધ પડવામાં વળી કારણ તો શું હોય ? જે ચાલે છે તે બંધ પણ પડે છતાં એકાએક બનેલી આ ઘટનાથી એમના કુટુંબમાં જરા ઊથલપાથલ તો થઈ ગઈ. સગાંસંબંધીઓને ખબર આપવાની, બીજી બધી તૈયારીઓ કરવાની એટલે ઘરનું એકેએક માણસ કામમાં પડી ગયું. ઉંમરે ગયા એટલે ઝાઝી રડારોળ તો હોય નહિ, કોઈ પીડા વગર ગયા એટલે એ રીતે પણ એમના ન હોવાની આખી હકીકત સહુને પટ દઈને ગળે ઊતરી ગઈ. બહુ ઘોંઘાટ નહિ, ધમાલ નહિ બધા બોલ્યા વગર સોંપેલું કામ કરવા લાગ્યા, ચહેરા થોડા ગંભીર હોય એટલું જ.

નજીકનાં ચાર-પાંચ ઘર સુધી ખબર પહોંચી કે અંબેલાલ ગયા; પણ બહુ દૂર સુધી સમાચાર પહોંચ્યા નહીં. આ બન્યું લગભગ ત્રણેક વાગ્યે. આ બાજુ ગોપાળજી તો પાંચને ટકોરે નિયમ પ્રમાણે તૈયાર થઈને જ બેઠેલા કે હમણાં અંબેલાલની બૂમ સંભળાશે ને હમણાં એ બહાર નીકળશે. સવારે જ એમણે મૃત્યુ વિશે એક મજાની વાત વાંચી હતી અને અંબેલાલને એ કહેવાની એમને ખૂબ તાલાવેલી હતી. પાંચ થયા, સાડા પાંચ થયા, છ થયા પણ અંબેલાલના કોઈ અણસાર નહીં. બે-ત્રણ વાર તો ભ્રાન્તિ થઈ કે અંબેલાલ બૂમ પાડી રહ્યા છે એટલે ‘એ આવ્યો…..’ કહીને બહાર પણ નીકળ્યા. માંદા પડ્યા કે શું અંબેલાલ એવું બબડતા ગોપાળજીએ સીધા અંબેલાલના ઘરની દિશામાં ચાલવા માંડ્યું. નજીક પહોંચ્યા કે ધોળાં લૂગડાંવાળી સ્ત્રીઓ અને ખભે ખેસવાળા પુરુષોને જોઈ ગોપાળજીને ધ્રાસકો પડ્યો. પગ પાણીમાં માટી ઓગળે એમ ઓગળવા લાગ્યા. શું થઈ ગયું અંબેલાલને ત્યાં ? કે પછી અંબેલાલ જ ? –

કોઈ સામે મળ્યું તેણે ખબર આપી દીધી. શું કરવું, શું કહેવું તે ગોપાળજીને સમજાયું નહિ, બેધ્યાનપણે એ અંબેલાલના ઘરમાં દાખલ થયા, શબ થઈ સૂતેલા અંબેલાલને હાથ જોડી બહાર આવ્યા ત્યારે આખું શરીર જૂઠું પડી ગયેલું. માની શકાતું નહોતું કે કાલે સાંજે જ જોયેલા સાવ સાજા અંબેલાલ આવી રીતે ગુપચુપ ચાલી જાય ! કેટલી બધી વાતો કરવાની બાકી હતી ! હવે તો અંબેલાલને ક્યારેય કશું કહેવાશે નહિ, એવા ભરપૂર રસથી, એકચિતે હવે કોઈ એમની વાતો નહિ સાંભળે.

બીજે દિવસે ગોપાળજી ફરવા માટે તૈયાર તો થયા, કોઈ બૂમ હવે સંભળાવાની નહોતી, એટલે રાહ તો જોવાની નહોતી. રોજના રસ્તા પર ધીમે પગલે ચાલતાં ચાલતાં બાગમાં આવી જવાયું, રોજ બેસતા એ જ બાંકડા પર આપોઆપ બેસી જવાયું. એક ક્ષણ તો એમ જ લાગ્યું કે પડખે અંબેલાલ છે જ ! બાંકડાની બંને બાજુનાં આસોપાલવ રોજની જેમ પ્રસન્ન હતાં, સામેના ક્યારાની બોગનવેલ ફૂલથી આખેઆખી ઢંકાઈ ગઈ હતી. ગઈ કાલે જે હતું તે આજે પણ હતું જ, ચણાવાળો ભેળવાળો, ખૂણા પરના બાંકડે બેસી રહેતો એક લઘરવઘર દાઢીવાળો, ઝાડને ઓથે સંતાઈને એકમેકને વળગતું પેલું જોડું, વજન ઉતારવા ઝડપથી ચક્કર મારતો પેલો મારવાડી વેપારી… પોતપોતાની જગ્યા પર બધાં હતાં, નહોતા માત્ર…. અચાનક એમને ગળે ખખરી બાઝી ગઈ. કંઈ બોલવાની ઈચ્છા હતી પણ સાંભળનાર કોઈ નહોતું. બધું ધૂંધળું દેખાવા માંડ્યું ત્યારે જ એમને ખબર પડી કે ડૂમો ભરાઈ આવ્યો હતો. હજી ચશ્માં કાઢી આંખે રૂમાલ ફેરવી સ્વસ્થ થવાનો પ્રયત્ન કરે ત્યાં તો અંબેલાલનો હાથ ખભે મુકાયો; અરે ગોપાળજી, તમે રડો છો ? ભલા માણસ, આ ઉંમરે મૃત્યુનો વળી આવો તે શોક હોય ? તમે જ તો કહેતા’તા કે રડનારને ક્યાં વળી અહીં કાયમ બેસી રહેવાનું છે કે…..

આંખે રૂમાલ દાબીને લાંબો સમય ગોપાળજીને ત્યાં જ બેસી રહેવું પડ્યું. અંબેલાલ હોત તો એમને સાચે જ નવાઈ લાગત કે ગોપાળજીનો રૂમાલ ભીનો થઈ ગયો હતો, સાવ ભીનો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બૅટર-હાફ : ગુજરાતી ફિલ્મોનો નવો વળાંક – મૃગેશ શાહ
શૈશવની સાંજ – જયંત પાઠક Next »   

14 પ્રતિભાવો : મૃણ્મય – હિમાંશી શેલત

 1. Jigna Bhavsar says:

  “મરણ પાછળ રડતી વખતે આપણે એવું તો વિચારતાં જ નથી કે આ ગતિ તો મારી પણ છે જ, ” આ જ એક એવું સત્ય છે કે જે મનુષ્ય કાયમ ભુલી જાય છે.

  સુંદર વાર્તા.

 2. સુંદર વાર્તા….!

  ક્યારેક અચાનક કોઇનું આપણી જીંદગીમાં આવી જવું અને આપણી જીવન દ્રષ્ટિ બદલી જવું …એક રોચક અનુભવ છે

 3. Milin says:

  Really nice

  This reminded me the last scene from the movie Anand…

 4. Veena Dave. USA says:

  ગયા એપ્રીલમાં આમ જ ફક્ત ૩ સેકન્ડમા મારી મમ્મી જતી રહી જે માનવુ પણ શક્ય લાગ્યુ ન હતુ .
  સરસ લેખ. મૃત્યુના ભયમાંથી બહાર નીકળવુ બહુ અઘરી વાત છે.

 5. Jagruti Vaghela USA says:

  ચમત્કાર. અંબેલાલનો મૃત્યુનો ભય દૂર કરવાજ ગોપાળજી તેમના જીવનમાં આવ્યા હશે.

 6. જય પટેલ says:

  શ્રી અંબેલાલજીએ મૃત્યુને સહજ હરાવી ગોપાળજી પટેલની વિચારધારાને સિધ્ધ કરી.

  ગોપાળજી માટે મિત્રનો સથવારો અચાનક છૂટવાનું અસહજ બન્યું. ઘડપણમાં કોઈ એવો મિત્ર
  હોવો જોઈએ કે જેના સાનિધ્યમાં આપણે છૂટથી હૈયું હળવું કરી શકીએ.
  ગોપાળજી માટે અંબેલાલના મૃત્યુના શોક કરતાં મિત્રનો સાથ અચાનક છૂટવાનું કારણ વધું સંવેદનશીલ
  બની રહ્યું….હવે કોની સાથે વિચારો વહેંચીશ….નવો મિત્ર કોણ જેવા કારણો યદાપ્રશ્ન બની ગયા..!!

  સુંદર વાર્તા.
  આભાર.

 7. Maithily says:

  ખૂબ સરસ કૃતિ છે .
  મનુષ્ય ભલે ને ગમે એટલા મક્કમ મન વાળો કેમ ન હોય , ક્યારે ને ક્યારેક તો જીવન માં એવુ બનતુ જ હોય છે જે ભલ બલા ને ઢીલા કરી દે છે .

 8. maitri vayeda says:

  ખુબ જ સરસ … વાંચી ને મને મારા દાદા યાદ આવી ગયા…

 9. બહુ સરસ વાર્તા !

 10. rahul says:

  excellent work by Himanshi Shelat Madam

 11. rahul says:

  madam please give me your email i-d and your contact number

 12. Vaishali Maheshwari says:

  Beautiful story.

  ટાગોરે કહ્યું છે કે ‘એઈ વ્યથા કે આમાર બલે ભુલબ જખનિ તખનિ એ પ્રકાશ પાબે વિશ્વરૂપે’ એટલે કે આ વ્યથા મારી છે એ જ્યારે ભૂલી જઈશ કે તરત જ તે વિશ્વરૂપે પ્રગટ થશે. એમ જ માનો ને કે આ દુઃખ કે આ ચિંતા મારાં નથી. એ તો કાળના પ્રવાહમાં…….’

  It is true, we all have the same destiny. life and death are immortal. The difference just lies in how we approach towards it. Thank you for sharing this story.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.