શૈશવની સાંજ – જયંત પાઠક

[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-4માંથી સાભાર.]

અમારે જમીન ખરી, પણ ખેતીનો ધંધો નહિ. દાદાએ જુવાનીમાં જાતે ખેતી કરેલી. પછી તો જમીન ભાગે કે સાંથે ખેડૂતોને ખેડવા આપીએ; પણ ઘેર ઢોર ખરાં. અમારાં બંને ઘરનો અર્ધો ભાગ ઢોર માટેની કૉઢ રોકે. ઢોરને બાંધવા માટે દોરડાં વણવાનું, માંદા પડે ત્યારે ઉપચાર કરવાનું, એમને માટે ઘાસચારો લાવવાનું કામ દાદાને માથે. અમારા ઘરની પાછળ દક્ષિણ દિશામાં નજીકમાં જ એક ખેતર; દાદાને નામે એટલે ‘દાદાનું ખેતર’ કહેવાય.

બપોર પછી દાદા હાથમાં દાતરડું લઈ ખેતરમાં ચાર લેવા જાય. સાંજના અમે ત્રણ ભાઈ-બહેનો ભારા લેવા માટે જઈએ. મગફળી, બાજરી, તુવર, મગ, મઠનું વાવેતર કર્યું હોય; એક બાજુ ઝાબમાં (પાણી ભરાઈ રહે એવા નીચાણવાળા ભાગમાં) ડાંગર કરી હોય. ખેતરની વચ્ચે એક આંબો, અમારો નહિ પણ ગામના નાથા ડોસાનો. અમે ખેતરના ખોડીબારામાં પેસીએ ને દાદાને બૂમ મારીએ. દાદા દૂરને શેઢેથી જવાબ વાળે. દાદા એમનું કામ પૂરું કરે ત્યાં સુધી અમે ખેતરમાં રમીએ. મગફળીમાં આળોટવાની મજા આવે; એની લીલી સુંવાળી વાસ બહુ ગમે. ક્યારેક ઘેરથી કહ્યું હોય તો તુવરની સીંગ કે પાપડી ચૂંટીએ; વાડે વાડે ફરી વળીએ ને કેસરી રંગનાં ખટમીઠાં પીલુડાં કે કાળાં ભમ્મર જેવાં કંથારાં વીણીએ; એકબીજાનાં કપડાંમાં ‘કૂતરી’ ચોંટાડીએ. ખેતરને એક ખૂણે જૂનો કૂવો, ચારે બાજુ જાળાં ને કોરે એક મોટું જાંબુડાનું ઝાડ. કૂવામાં સૂરજનું અજવાળું ન પડે. થાળામાં ઊંધા સૂઈ જઈને અમે કૂવામાં ડોકિયું કરીએ; પથ્થર મારીએ એટલે બખોલોમાં બેસી રહેલાં કબૂતર ફડફડ કરતાં ઊડે. એ અંધારો કૂવો અમારા મનના ઊંડાણને ભયથી ભરી દેતો. દાદાએ વાડામાંથી વેલા ખેંચી કાઢી ભારા બાંધીને તૈયાર કર્યા હોય તે અમારે માથે ચઢાવે. કોઈ વાર ભારામાં મગફળીના છોડ પણ બાંધ્યા હોય. અમે ઘરને આખે રસ્તે એમાંથી મગફળીઓ તોડીને ખાતા ચાલીએ.

અમારો વાડો ઠીક ઠીક મોટો. એમાં જામફળી, દાડમડી ને એક ખાટાં બોરની બોરડી; પાછળથી લીંબોઈ ને ગોરસ આંબલી પણ ઉમેરાયાં. નહાવાની શૉલ પાસે ફુદીનો ને તુળસી ચંદનીના છોડ. વાડમાં બે-ત્રણ અનૂરીનાં ઝાડ. વાડામાં બે માંડવા; એના પર ઘીલોડી, દૂધી ને વાલોળના વેલા ચઢાવેલા. છાપરા ઉપર ગલકી ને તૂરિયાંના તેમ જ કોળાંના અને કંટોળાના વેલા. જરૂર પડે ત્યારે અમને નિસરણી મૂકી કોળું કે કંટોળુ લેવા છાપરે ચઢાવે; મજા આવે. ચોમાસામાં જમીન ઉપર ચીભડાં ને કોઠમડાંના વેલા થાય. કંકોડા તો વાડમાં હાથ નાખી વીણી લેવાનાં. પહેલો વરસાદ પડે એટલે અમે થોડી જમીન કોદાળીથી ખોદી એમાં મકાઈના દાણા વાવીએ; રોજ રોજ અધીરાઈથી છોડને ઊગતા જોઈ રહીએ. આખરે એક દિવસ ડોડા વીણી લેવામાં આવે ને વાડામાં કરેલા ચૂલે દાદા શેકવા બેસે. વાડાના એક ખૂણે, આંબલીના ઝાડ નીચે પરાળ ને બાજરી-જુવારના પૂળાનાં કૂંધવાં કરવામાં આવે. લીસા પરાળના ઢગલા ઉપર પેલા ‘કરતાં જાળ કરોળિયો’ની રીતે ચઢવાની ને ટોચેથી નીચે લસરવાની મજા આવે. આ કૂંધવાંની બાજુમાં વાડને અડીને બળતણનાં લાકડાં ખડકાય. બાપુ સીમળિયેથી લાકડાંનાં ગાડાં મોકલાવે. લાકડાંના આ માંચામાં ચીતળ રહે. કોઈ કોઈ વાર દેખાય. પણ સાપની, એરુઝાંઝરની બીક શહેરીઓને તેટલી ગ્રામવાસીઓને નહિ. હાલતાં ચાલતાં સાપનો ભેટો થઈ જાય. એ એને રસ્તે ને આપણે આપણે રસ્તે, એવું સહ-અસ્તિત્વ પ્રવર્તે.

પાસેના જંગલમાં સીતાફળીઓ પાકે એટલે દાદા સાથે અમારી ટોળી ઊપડે, દાદાએ લાંબા વાંસને છેડે લાકડાનો એક નાનકડો ટુકડો બાંધી ઊંધા Vના આકારવાળી અંકોડી બનાવી હોય. આંખો ઊઘડી હોય (પાકવાને માટે તૈયાર હોય) એવાં અનૂરાંને દાદા આંકડીમાં ભેરવી નીચે ખેંચી પાડે. અમે બધાં એક પોતડીમાં ભેગા કરી ઘેર લાવીએ. વાડામાં પરાળમાં કે પછી ઘરમાં માટલામાં ને કોઠીમાં એને પકવવા નાખીએ. રોજ સવારે વહેલા ઊઠીને અનૂરાં જોવાનાં. પાકાં પાકાં કાઢી વહેંચી લેવાનાં. મહાદેવ પાસેના જંગલમાં એક કૉઠીનું ઝાડ; એનાં કોઠાં ગળ્યાં મધ જેવાં. ક્યારેક એ કૉઠીએ પહોંચીએ ને નીચે પડેલાં કોઠાં લઈ આવીએ. ઘણાં ખાઈ જઈએ, થોડાંની ચટણી બને.

ગોઠથી દોઢેક ગાઉ દૂર વાલોળિયે કૂવે ને પાંણકિયે કૂવે શેરડીના કોલુ ચાલતા હોય ત્યારે દાદા અમને રસ પીવા લઈ જાય. કોલુવાળા અમારા યજમાન; દાદાનું પગે લાગીને સ્વાગત કરે. ખાટલો ઢળાય ને જાતજાતની વાતો ચાલે. અમે છોકરાં કૂવે ચાલતો કોસ જોઈએ, મોટી કઢાઈમાં ઊકળતો શેરડીનો રસ જોઈએ, આજુબાજુ ખેતરમાં લટાર મારીએ. યજમાન એક કોરા ઘડામાં અમારે માટે રસ કાઢે ને માંજેલાં પવાલાં ભરી ભરીને પાય. કોલુ ચાલે છે એવી ભાળ જેમને હોય તેવાં માગણ પણ આવે. બધાંને શેરડીનો સાંઠો ને તાજો તાજો ગોળ ખાવા આપે. અમે બેઠાં હોઈએ તે દરમિયાન ખેડૂતની સ્ત્રી ખેતરમાં ફરી વળી હોય ને મૂળા, મોગરી, રીંગણાં, મરચાં ખોલો ભરી લાવી હોય. દાદા ખભે નાખેલી પોતડી આપે ને એમાં બધું બંધાય. શેરડીના સાંઠા, તાજા ગોળનો પડિયો ને રસનો ઘડો લઈ ખેડૂત અમારી સાથે ઘર સુધી મૂકવા આવે.

ઉનાળામાં આંબે શાખ પડી કે નહિ તેની તપાસ કરવા ને પછી આંબો વેડાય ત્યારે કોઈ વાર દાદા સાથે અમે જઈએ. સવારની શીળી ધૂળમાં પડેલાં પક્ષીઓનાં વેલ જેવાં પગલાં જોઈ દાદાને પૂછીએ. દાદા તેતરનાં, હોલાનાં ને લાબડીનાં પગલાં બરાબર ઓળખાવે. ક્યારેક નેળમાં બે વાડને જોડતો સુંવાળો પટો પડ્યો હોય. દાદા તરત કહે : ‘એ તો હમણાં જ અહીંથી સાપ ગયો હશે.’ પાંણકિયે કૂવે અમારો એક આંબો, ત્યાં જતાં રસ્તામાં મોરડિયો ડુંગર આવે. કોઈ વાર અમે એના ઉપર ચઢીએ. અમારી નાની આંખોને ટોચેથી દેખાતા નાનાં-નાનાં રૂપાળાં ખેતરો ને ચાલતાં માણસો જોવાની મજા આવે. ડુંગરની પાછળ ઉત્તર દિશામાં એક તલાવડી; એને કાંઠે ઊગેલાં જાળાંને લીધે પાણી કાળાં ભમ્મર દેખાય. એ તલાવડી ડુંગર ઉપરથી જ જોયેલી. કદી ત્યાં ગયાનું યાદ નથી, પણ મનમાં એક દશ્ય જડાઈ ગયું છે : કાળાં ભમ્મર પાણીને કાંઠે ઢોરનું પાંસળીઓવાળું મોટું હાડપિંજર ! ત્યારનું એ મારે માટે ગૂઢ ને ભયંકર સ્થાન બની ગયું છે. ઉનાળામાં કોઈ વાર બપોરે ગામડેથી ઘેર આવવાનું થાય કે બપોર પછી ઘેરથી નીકળવાનું થાય ત્યારે અમારી ઉઘાડપગાંની માઠી દશા થાય. દાદા તો નવાગામના ચામડિયા પાસે કરાવેલા ચંપલ પહેરીને આગળ આગળ ચાલતા હોય. અમે છોકરાં ધખેલી ધૂળમાં ચાલીએ. તરસ લાગી હોય, થાક ચઢ્યો હોય ને પગ દાઝતા હોય. ન રહેવાય ત્યારે કહીએ : ‘દાદા, બહુ દઝાય છે.’ દાદા છાંયડે ચાલવાનું કહે, ધૂળિયો ચીલો મૂકીને કાઠી જમીન પર ચાલવાનું કહે, પણ બધે એવું ક્યાંથી હોય ? આખરે તેઓ આજુબાજુ ઊગેલાં ખાખરાનાં પાન ચૂંટી લે, વાડમાંથી વેલો શોધી કાઢે ને બબ્બે પાન અમારા પગને તળિયે બાંધી આપે – અમારાં ચંપલ !

અમારા ઘરમાં ભક્તિનું વાતાવરણ ખરું. બાપુ રામભક્ત. સવારમાં પાંચ વાગ્યે ઊઠીને ન્હાઈધોઈ દેવપૂજામાં બેસે. સંધ્યા ઉપરાંત ‘રામરક્ષા’ ને ‘હનુમાન ચાલીસા’ બોલે, ‘જ્ઞાનેશ્વરી ગીતા’ વાંચે. ચોમાસામાં ઘેર રોજ ‘રામાયણ’ ને ક્યારેક ‘વચનામૃત’ વાંચે. બાપુ સાધારણ રીતે સવારના બહાર જાય તે બારેક વાગ્યે આવે. બા રાંધીને ‘જ્ઞાનેશ્વરી ગીતા’ વાંચવા બેસે. દાદા તો સવારે ને સાંજે ‘ભાગવત’માં જ લીન હોય. કોઈ શ્રોતા ન હોય તોપણ એમને રસ પડ્યો હોય તે ભાગ મોટેથી વાંચે ને કૃષ્ણનાં પરાક્રમોને ને તેની લીલા વિશે એકલા એકલા બોલ્યા કરે, સ્વગતોક્તિ કરે. અહોભાવથી, ભક્તિભાવથી એમનું હૃદય દ્રવી જાય છે ને આંખે ઝળઝળિયાં આવે. ઘરમાં સાંજે નિયમિત પ્રાર્થના થાય. બાપુ હતા ત્યારે તેઓ, ને પછી મોટાભાઈ, બા તથા ભાઈભાંડુઓ બધાં દેવસ્થાન આગળ ઊભાં રહી જાય. ઘીનો દીવો બળતો હોય, અગરબત્તી મઘમઘ થતી હોય ને અમારી પ્રાર્થના ચાલે. તુલસીદાસના ‘શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવભય દારુણં’થી આરંભ થાય. ‘રામરક્ષા’, ‘નર્મદાષ્ટક’ ને બીજા શ્લોકોનું સહગાન થાય. નાનાલાલનું ‘પ્રભો અંતર્યામી જીવન જીવના દીન શરણા’ પણ બોલાય.

સંધ્યાના ઊતરતા અંધકારમાં ભક્તિના મઘમઘાટથી પરશાળને ભરી દેતો આ પ્રાર્થનાકાર્યક્રમ તો જાણે આજે ય ચાલે છે. સાંજ પડે છે ને ઘરમાં દેવસ્થાન આગળ ઘીનો દીવો થાય છે, અગરબત્તી સળગે છે ને એ નાનકડા ઘરમાં વડીલો વચ્ચે હું મને હાથ જોડીને ઊભેલો જોઉં છું. મારી પ્રાર્થનાથી ભગવાનને પ્રસન્ન થતા ને મધુર સ્મિત કરતા જોઉં છું. ક્યારેક ઊંઘમાં વિમાનસ્ય રામની મૂર્તિ જોઉં છું ને સ્વર્ગમાં જવાની મધુર કલ્પનાનું સુખ અનુભવું છું; સવારે ઊઠીને ભાઈ-બહેનને ભગવાન મળ્યાની વાત કરું છું. ઝીણી ધૂપસળી બળે છે ને એની ઊંચે પથરાતી સેર મને એ નાનકડા ગામના નાનકડા ઘરના ખૂણામાં દેવના ગોખલા આગળ લઈ જાય છે, શૈશવની સાંજના એ ભક્તિઉમંગમાં તરબોળ કરી દે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મૃણ્મય – હિમાંશી શેલત
રાધાની પ્રાર્થના – શ્રી માતાજી Next »   

17 પ્રતિભાવો : શૈશવની સાંજ – જયંત પાઠક

 1. himalay says:

  આવા શૈશવ ના દિવસો આજ ના શહેરિ બાળપણ મા નથિ માણવા મળતા તેનો બહુજ અફ્સોસ છે. ગામડાઓ ને શહેરો મા બદલિ નાખવા મા નો આવે તો સારુ નહિ તો કુદરત ના ખોળે માંણેલા આવા સરસ દિવસો ફક્ત વાર્તા માં વાંચવા મળશે. આવિ સરસ પળો ને તાજિ કરવા માટે જયંતભઈ તમારો ખુબ ખુબ આભાર.

 2. SANDEEP PATEL says:

  ખુબ ગ્મ્યુ મને ગામ જ્વા મન થ્યુ
  સ્વર્ગ નો અનુભવ કર્વા આ ગામ જિવન અનુભવ જરુરિ

 3. ખુબ સુંદર……ગામડાનું ને ખેતરનું આખું દ્રશ્ય આંખ આમે ખડું થઇ ગયું….જાણે આપણે એ ખેતરમાં જ હોઇએ ને દાદાને બૂમ પાડતા હોઇ એટલું સામિપ્ય.

 4. harikrishna patel says:

  jayant pathak is my favourite writer.shaishav na sansmarano namno path amare bhanavama avto hato.tyarthi j hu amno chahak chho.farms and villages are deep in our minds.though we reach in any modern era,our roots we always remember.i always miss village lifestyle.

 5. આ લેખમા મારો ભુતકાલ તાજો થયો. ખુબ ગ્મ્યુ !

  આભાર…

  Kamlesh Pandya
  ADADRAWALA

 6. નિરવ says:

  ખુબ જ સરસ . . .

 7. nayan panchal says:

  શહેરમાં આવા થીમપાર્ક બનાવવા જોઇએ, ‘ભારતના ગામડાં’.

  નજર સામે આખુ દ્રશ્ય ઊભું કરી દીધુ. ખૂબ આભાર,
  નયન

 8. Paresh says:

  Hi,

  Please one more time write story with different angle!! I can see whole picture of Khater and Vadi which i visited in Valsad and in Nadiyad!!!

  Great compose of the writing. it’s like walking in the realilty as you read.

  Great job

 9. વાચવાનિ ખુબ મજા અવિ. મારુ નનપણ યાદ આવિ ગયુ. મારા નાનાજિ ને પણ વાડિ હતિ અને અમે પણ આમજ ધિન્ગા મસ્તિ કરતા.

 10. Veena Dave. USA says:

  સરસ લેખ. બાળપણ યાદ આવિ ગયુ.
  વટવા સ્ટેશન પાછળ જ્યારે રજકાના ખેતરો હતા (૧૯૫૯-૬૦ ની વાત છે) જેમા એક કોસ હતો અને આંબા હતા એ જગ્યાએ અમે અમારા બાળપણના અમુલ્ય દિવસો પસાર કર્યા હતા. એક વેકેશનમાં મારા માનેલા ફોઈ સુનંદા ભાવે આવેલા અને અમે કેરી તોડવા ગયેલા. મારી ફોઈ ઘોડો થયેલા અને એની પીઠ પર ચઢી કેરી તોડવાનો પ્રયત્ન કરતા હતા અને આંબાના માલિક જે દરબાર હતા તેને ઘોડા પર આવતા જોયા એટલે અમે ભાગ્યા પણ દરબારશ્રીએ તો કેરીઓ તોડીને અમને આપી ત્યારે સાનંદ આશ્ચર્ય થયેલુ.
  પાંદડાના પગરખાં. વાહ.

 11. Rachana says:

  જયંત પાઠકની બધી જ ટુંકી વાર્તાઓ ખુબજ સુંદર હોય છે…….

 12. Jagruti Vaghela USA says:

  લેખ ખૂબજ ગમ્યો. મને પણ નાનપણમાં આવુ ગામડું જોવાનો લ્હાવો મળ્યો છે. મારા બાળપણમા મારા પિતાજીને ટ્રાન્સ્ફરેબલ નોકરી હતી ત્યારે અમે ખેડા જિલ્લાના એક ગામમાં ખડકીવાળા મકાનમાં રહેતા .અમારી બાજુમાં પાંડવણીયા ગામના વતની એક માજી પોતાના દિયરના દીકરા-દીકરીઓ ભણાવવા રહેતા હતા. તેમની દીકરીઓ મારી જેવડી જ. અમે નિશાળે સાથે જઈએ, ચોકમા સાથે રમીએ અને એકબીજાને ઘરે સાથે જમી પણ લઈએ. શનિવારે સવારની નિશાળ હોય એટલે બપોરે એ લોકો પોતાને ગામડે પાંડવણીયા જતા રહે અને સોમવારે સવારે પાછા આવે. મને શનિ-રવિવારે ખૂબ એકલુ લાગે એટલે ક્યારેક મને પણ તેઓ સાથે લઈ જાય. અમે બળદગાડામાં બેસીને જઈએ. રસ્તામાં લીલાછમ ખેતરો અને વાડીઓ આવે. કોઠાના જાડ ઉપરથી કોઠા પાડીને ખાઈએ.રવિવારે ખેતરમાં જઈએ ગોરસ આમલી અને તાજી લીલી વરિયાળી ખાવાની પણ મજા આવે. તેમના ગામમાં પણ એક તળાવ હતુ ત્યાં કપડા ધોવા અને વાસણ માંજવા જવાનું. એમા પણ આન્ંદ આવે. કેટલુ સરસ મુક્ત જીવન અને તાજી આબોહવા.
  આજના ટેક્નોલોજીના યુગમાં આપણા બાળકો આ બધુ માણી શકવાના નથી તેનો અફ્સોસ થાય છે.

 13. જય પટેલ says:

  શ્રી જયંત પાઠક ગ્રામડાંની ધૂળમાં આળોટી…ગામડાંના ગોબર વચ્ચે યુવાનીના ઉંબરે ડગ માંડ્યાં આજે ખબર પડી.

  ભૂદેવ ખેતી કરતા કુટુંબમાંથી આવે છે તે કલ્પના થોડી અસહજ ખરી.
  મનમાં ભૂદેવ એટલે ક્રિયાકાંડ કરી જીવન ગૂજારો કરતા ગોર મા’રાજ.
  ખેતી કરતા બ્રાહ્મણ કદી જોયા નથી..!! ઘણી વાર વિરોધાભાસો આશ્ચર્ય જનક હોય છે.
  જેનું હ્દય ગ્રામ્ય જીવનના ધબકારથી ધબકતું હોય તેને માટે ગ્રામ્ય જીવનની ઝાંખી આલેખવી સહજ હોય.

  લેખમાંથી ધરતીની મહેંક આબાદ પ્રગટે છે.
  આભાર.

 14. ખુબજ સરસ લેખ

  મને પણ મારા શૈશવ ની યાદ આવી ગઈ.

  એ ગામડાની શાળા નાં દિવસો , ખેતર ની મજા કૈક અલગ જ હતી,

  શહેર માં આવ્યા પછી આ બધા દિવસો ની ક્યારેક ખુબ યાદ આવે છે .

  મને નથી લાગતું કે હવેની બાળકો ની પેઢી આવું અનુભવી શકસે.

 15. Dipti Trivedi says:

  એકબીજાનાં કપડાંમાં ‘કૂતરી’ ચોંટાડીએ—-આવું અમે વાઘોડિયા રહેતા ત્યારે જોવા મળતું. દર વખતે શૈશવના સ્મરણો વાંચવાની મજા પડી જાય છે. વાતનો પ્રવાહ ઝડપથી આગળ વધવાની સાથે વાચકને પાછળ (ભૂતકાળમાં ) લઈ જાય છે.

 16. Mahesh says:

  બહ સરસ લેખ. બાળપન યાદ આવિ ગયુ.

 17. hardik mehta says:

  બહુ જ સરસ્ સાચે જ ગામ યાદ આવિ ગયુ. આભાર આ સરસ ક્રુતિ બદલ્..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.