વણઝારા રે…. – યશવન્ત મહેતા

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘આપણો અમર વારસો : જાતકકથાઓ’ પુસ્તકમાંથી સાભાર. ‘જાતકકથાઓ’ એટલે જન્મકથાઓ. ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ. બુદ્ધના અનેક આગલા જન્મોમાં જે કોઈ નોંધપાત્ર પ્રસંગ, ઘટના વગેરે બન્યાં હોય તેને ગૂંથીને રચાયેલી કથા. ગૌતમ ‘બુદ્ધ’ થયા એટલે કે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એ પહેલાં તેઓ ‘બોધિસત્વ’ કહેવાયા. એટલે જાતકકથાઓને ‘બોધિસત્વકથાઓ’ પણ કહે છે. પ્રસ્તુત પુસ્તકના પાંચ ભાગોમાં કુલ 45 જેટલી વાર્તાઓ પ્રકાશિત કરવામાં આવી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

ઘણા સમય પહેલાં કાશી દેશમાં વારાણસી નગર હતું. ત્યાં રાજા બ્રહ્મદત્ત રાજ્ય કરતો હતો. બોધિસત્વે ત્યારે એક બડા વેપારી અથવા વણઝારાને ઘેર જન્મ લીધો. ઉંમરલાયક થતાં એમણે વેપાર કરવાનું શરૂ કર્યું. તેઓ આસપાસના પ્રાંતોમાં માલ લઈને જતા અને વેચીને આવતા. ક્યારેક આ પ્રાંતમાં તો ક્યારેક તે પ્રાંતમાં જતા. જ્યાં જેની ખપત વધારે હોય ત્યાં એ માલ વેચતા, સારી કમાણી કરતા.

એક વાર એમણે વિચાર કર્યો કે વધારે દૂરના પ્રદેશોમાં વેપાર કરવો જોઈએ. એ બહાને દેશ-પરદેશના ભ્રમણનોય લાભ મળશે. આમ વિચાર કરીને બોધિસત્વે ઓછીવત્તી કિંમતની ઘણીબધી ચીજવસ્તુઓ એકઠી કરવા માંડી. પાંચસો ગાડાં ભરાય એટલો માલ જમા કર્યો. પછી પાંચસો ગાડાં અને એમને માટે હજાર બળદ અને પાંચસો ગાડાખેડુ તૈયાર કરવા માંડ્યા. આવી મોટી વણઝારને એ જમાનામાં સાર્થ કહેતા. વણઝારાને સાર્થવાહ કહેતા. હવે બોધિસત્વ જ્યારે સાર્થની તૈયારી કરતા હતા ત્યારે વારાણસીના જ એક બીજા વણઝારાનો દીકરો આવી જ તૈયારી કરતો હતો. એણે પણ પાંચસો ગાડાં અને પાંચસો ગાડાંમાં સમાય એટલો માલ-સામાન તૈયાર કર્યાં હતાં. એણે પણ વણઝાર ચલાવવાની તૈયારી કરી.

એ વેળા બોધિસત્વે વિચાર કરવા માંડ્યો, ‘જો આ વણઝારો મારી સાથે જ નીકળશે તો એક જ રસ્તે હજાર બળદગાડાંનો કાફલો થશે. એ બધાંને માટે રસ્તો નાનો પડશે. માણસો માટે પૂરતાં લાકડાં-પાણી અને બળદો માટે પૂરતું ઘાસ નહિ હોય. એટલે કાં તો એણે આગળ જવું પડે અથવા મારે. બોધિસત્વે પેલા જુવાન વણઝારાને આ વિચાર જણાવ્યો. એમણે કહ્યું કે કાં તો તમે પહેલા જાવ, કાં તો મને આગળ જવા દો. બીજા વણઝારાનો બિનઅનુભવી દીકરો વિચારવા લાગ્યો કે હું આગળ જાઉં એમાં જ લાભ છે. હું ભાંગ્યોતૂટ્યો ન હોય એવે રસ્તે જવા પામીશ. મારા બળદોને વણબોટ્યું ઘાસ ખાવા મળશે. મારા માણસોને પથારી કરવા માટે ઘણાં ઝાડપાન મળશે. સ્વચ્છ અને ભરપૂર પાણી મળશે. તાજાં બજાર મળશે, જ્યાં મનફાવતે ભાવે માલ વેચીશ ! આમ વિચાર કરીને એ બોલ્યો, ‘મિત્ર ! હું જ આગળ જઈશ.’

એ જ વેળા બોધિસત્વ પાછળથી જવાના લાભ વિચારી રહ્યા હતા : આ વણઝારો આગળ જશે એથી એનાં ગાડાંનાં પૈડાંથી તથા બળદોની ખરીઓથી ખરબચડો રસ્તો સમતલ થઈ જશે. જ્યાં રસ્તો નહિ હોય ત્યાં રસ્તો બની જશે. એના બળદ પાકાં-પીળાં ઘાસ ચરી જશે, એટલે મારા બળદોને તાજી કૂંપળો ખાવા મળશે. મારા માણસોને તાજાં ફળ તથા શાક મળશે. જ્યાં પાણી નહિ હોય ત્યાં આ લોકો કૂવા-વીરડા ગાળશે. અમને એનો લાભ મળશે. ચીજવસ્તુઓના ભાવ નક્કી કરવા એ પણ ભારે માથાપચ્ચીસીનું કામ છે. પરંતુ આ લોકો ભાવ નક્કી કરી લેશે, એટલે મારે એ ભાવે ચીજવસ્તુઓ વેચવાની રહેશે. એમણે બીજા વણઝારાને આગળ જવાની રજા આપી દીધી. કહ્યું કે તમારા પછી એકાદ મહિને અમે નીકળીશું.

પેલા વણઝારાએ સાર્થ ચલાવી મૂક્યો. રસ્તામાં એણે નપાણિયો મુલક પાર કરવાનો હતો. આ મુલક નપાણિયો હતો અને વળી રાક્ષસોનો વાસ હતો. આ જુવાનને એવી કશી વાતોમાં વિશ્વાસ નહોતો. એણે તો પોતાનાં એકસો ગાડાંમાં પાણીનાં મોટાં મોટાં માટલાં ભરાવી લીધાં. કુલ સાઠ યોજનનો નપાણિયો મુલક પાર કરવાનો હતો. ધીમે ધીમે ચાલતો એનો કાફલો આ વેરાન મારગની અધવચ્ચે પહોંચ્યો. ત્યાં રહેનારા દૈત્યના સરદારે વિચાર્યું, ‘જો આ સોદાગરનું પાણી ઢોળાવી શકીએ તો આપણું કામ પાકે. બાકીનો નપાણિયો પ્રદેશ પાર કરતાં પહેલાં તો એ અને એના બળદ ખૂબ નબળા પડી જશે. એમને ટપોટપ ખાઈ જવાશે.’ આમ વિચારીને, દૈત્ય સરદારે પચીસ બળદગાડાં તૈયાર કર્યાં. એમને તગડા-તાજા સફેદ બળદ જોડ્યા. ધનુષ-બાણ, ઢાલ, તલવાર વગેરે શસ્ત્રો ધારણ કર્યાં. કપડાં પાણીથી લથપથ કર્યાં. ગાડાંનાં પૈડાંને ભીનો કાદવ છાંટ્યો. ગુલાબી અને સફેદ કમળોની માળાઓ પહેરી તથા કેટલાક દૈત્યોને કમળની કોમળ ડાંડલી ખાતાં રહેવા સૂચવ્યું. છેલ્લે, પોતાને માથે પણ પાણી રેડીને વાળને ટપકત કર્યા.

આવી તૈયારી કરીને એ લોકોએ કાશી દેશના સાર્થવાહની સામે ગાડાં ચલાવ્યાં. એમનો આ કાફલો કાશીના કાફલાની સામે આવ્યો એટલે એણે ખૂબ જ સલુકાઈથી પોતાનાં ગાડાં બાજુએ તારવી લીધાં. પછી નમસ્કાર વગેરે વડે માન આપીને એણે પૂછ્યું : ‘કેમ શેઠિયા, કઈ બાજુ ચાલ્યા ?’
વણઝારાના દીકરાએ જવાબ આપ્યો કે ‘આ વેરાનને પાર જે દેશ હોય એમાં જવું છે અને વેપાર કરવો છે.’
દૈત્ય કહે : ‘વાહ ! સરસ ! જરૂર આગળ જાવ. ઘણો વેપાર થશે.’
વણઝારાએ પૂછ્યું : ‘તમે બધા ભીના જણાવ છો. વળી, બધાએ કમળ-માળાઓ પહેરી છે અને કમળ-ડાંડલી ખાવ છો. એટલે આગળ શું વરસાદ છે ? કમળ ઊગ્યાં છે ?’
દૈત્ય સરદાર કહે : ‘અરે, આગળની શી વાત કરું ! આ અમને નીતરતા જુઓ છો ને ! પેલા ઝાડીના ઝુંડને પાર જ સખત વરસાદ વરસી રહ્યો છે. દૂર દૂર સુધી તળાવ-સરોવર છલોછલ ભર્યાં છે. એમાં કમળ, કૌમુદી, પોયણાં ખીલી નીકળ્યાં છે. બસ, પાણી જ પાણી છે ! પણ રે ! તમે પાછળનાં ગાડાંઓમાં આટલાં બધાં માટલાં શાનાં લીધાં છે ? ઘી કે ગોળ કે મધ છે ?’
વણઝારો કહે, ‘ના, એમાં તો પાણી ભર્યાં છે. અમને લોકોએ કહેલું કે આ નપાણિયો મુલક છે.’
દૈત્ય સરદાર હસી પડ્યો : ‘હો, હો, હો ! આગળ મુલક કેટલોક નપાણિયો છે એ તો અમારાં વાળ અને લૂગડાં પરથી જ સમજાશે. અલ્યાઓ, ડૂબી મરો એટલાં પાણી છે આગળ ! નકામાં આ માટલાં ભરીને બળદોને ભારે કાં મારો ?’

દૈત્ય સરદારની આવી વાતો સાંભળીને મૂર્ખ વણઝારો શરમાઈ ગયો. ભરમાઈ ગયો. એણે પોતાના માણસોને આજ્ઞા આપી : ઢોળી નાખો આ માટલાં ! બિચારા બળદોનો બોજ ઓછો કરો. આમ પાણી ઠાલવી નાખીને વણઝાર આગળ ચાલી. થોડેક આગળ ગયા. માણસોને તરસ લાગી. પણ એમને ક્યાંય પાણી ન દેખાયું. બપોર થયા. માથે સૂરજ આગ વરસાવતો હતો. અહીં ક્યાંય પાણીનું ટીપુંય દેખાતું નહોતું. સાંજ પડી. માણસો તરસથી અધમૂઆ થઈ ગયા. બળદ ઢીલાઢસ થઈ ગયા. એમ ને એમ તરસના માર્યા સૌ ઘેરો કરીને સૂતા. મધરાતે દૈત્યો આવ્યા. એમનો સામનો કરવાની કોઈની તાકાત નહોતી. દૈત્યો તમામ માણસોને અને બળદોને ખાઈ ગયા. ખાલી એમનાં હાડકાં રઝળતાં રહ્યાં અને બળદગાડાં નધણિયાતાં ઊભાં રહ્યાં.

આ વણઝારાના નીકળ્યા પછી એકાદ મહિને બોધિસત્વ નીકળ્યા. એમની વણઝાર પણ એ જ વેરાનમાં આવી પહોંચી. એમણે પણ સો ગાડાંમાં મોટાં માટલાં પાણીનાં ભર્યાં. બોધિસત્વે પોતાના તમામ માણસોને કડક સૂચના આપી : મને પૂછ્યા વગર કોઈએ પાણી વાપરવું નહિ કે ઢોળવું નહિ. વળી, મને પૂછ્યા વગર કોઈ અજાણ્યું ફળ ખાવું નહિ. નપાણિયા મુલકનાં ઘણાં ફળ પણ ઝેરી હોય છે. આમ, માણસોને સલામતીની તાકીદ કરીને બોધિસત્વે વણઝાર ચલાવી. એમને પણ પાણીથી લથબથ વાળ અને વસ્ત્રોવાળા તેમજ કમળના હાર ધારણ કરેલા તથા કમળની ડાંડલી ખાતા દૈત્યો મળ્યા. અગાઉની જેમ જ દૈત્ય સરદારે આગળ પડી રહેલા મૂસળધાર વરસાદની વાત કરી. આગળ લહેરાતાં ભરપૂર જળાશયોની વાત કરી. પછી બળદોને નકામા પાણીના બોજ હેઠળ ન કચડવા સલાહ આપી. બોધિસત્વ બધી વાતો સાંભળતા રહ્યા. પછી બોલ્યા, ‘ભાઈઓ, મારા બળદોની દયા ખાવ છો એ ઘણી સારી વાત છે. આગળના પાણીના સમાચાર આપો છો, એ પણ ઉત્તમ વાત છે. પરંતુ મેં વર્ષોથી સાંભળ્યું છે કે અહીં સાઠ યોજનનો નપાણિયો મુલક છે. એટલે પાણી ભરી લેવાની કાળજી રાખી છે. તમે કહો છો કે આગળ પાણી છે. ભલે, જો પાણી મળશે તો આ માટલાં ઢોળીને તાજું પાણી ભરી લઈશું. પરંતુ નવું પાણી મળે તે પહેલાં જૂનું પાણી ઢોળું એવો મૂર્ખ હું નથી.’ દૈત્ય સરદારે ખભા ઉલાળ્યા. ‘અરે, તારા જેવો મૂર્ખ મેં બીજો જોયો નથી. આ અમને જો, અમારા બળદો અને ગાડાંને જો ! બધાં લથપથ છીએ. છતાં તું શંકા કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે સંશય કરનારો નાશ પામે છે.’ આમ બબડતો દૈત્ય સાથીઓને લઈને આગળ નીકળી ગયો.

આ બાજુ, બોધિસત્વના ગાડાખેડુઓ કહેવા લાગ્યા, ‘આર્ય ! આ માણસ કહેતો હતો કે સામી ઝાડીને પેલે પાર વરસાદ વરસી રહ્યો છે. એ બધા લથપથ હતા. કમળ-ડાંડલી ખાતા હતા. એટલે જરૂર આગળ મોટાં સરોવર ભર્યાં હશે. આપણે સો ગાડાંનો ભાર હળવો કરી નાખીએ.’ બોધિસત્વે તરત જ પોતાના પાંચસો ગાડાખેડુઓને એકઠા કર્યા. એમણે સવાલ કરવા માંડ્યા :
‘શું તમારામાંથી કોઈએ આ મુલકમાં સરોવરોની વાત સાંભળી છે ?’
જવાબ મળ્યો : ‘ના આર્ય ! અમારા બાપદાદાથી અમે સાંભળતા આવ્યા છીએ કે અહીં સાઠ યોજનમાં પાણીનું ટીપુંય નથી.’
‘અચ્છા ! તમે જાણો છો કે ક્યાંક વરસાદ વરસતો હોય તો દૂર સુધી હવામાં ઠંડક ફેલાય છે. કેટલે દૂર સુધી ?’
‘આર્ય, એક યોજન સુધી.’
‘અને પેલી ઝાડી કેટલી દૂર છે ?’
‘એક યોજન.’
‘ત્યારે તમારામાંથી કોઈને ઠંડી હવાની લહેરખી અનુભવાય છે ?’
‘ના આર્ય.’
‘વરસાદનાં કાળાં વાદળાં કેટલે દૂરથી દેખાય ?’
‘આર્ય, બે યોજનથી.’
‘ત્યારે શું સામે વાદળાં દેખાય છે ?’
‘ના, આર્ય.’
‘અને વીજળી કેટલે દૂર સુધી ઝબકતી દેખાય ?’
‘આર્ય, ત્રણ યોજન સુધી.’
‘ત્યારે કોઈને વીજળી દેખાય છે ?’
‘ના આર્ય.’
‘વાદળોની ગર્જના કેટલે દૂર સુધી સાંભળી શકાય ?’
‘આર્ય, ચાર યોજન સુધી.’
‘ત્યારે કોઈને વાદળની ગર્જના સંભળાય છે ?’
‘ના આર્ય.’
‘તો સાંભળો. આપણને હમણાં સામે મળ્યા તે કોઈ ઠગ અથવા દૈત્ય હતા. કાં તો એ આપણો માલસામાન પડાવવા માગે છે અને કાં તો આપણો કોળિયો કરી જવા તાકે છે. માટે પાણી ઢોળશો નહિ. સાવધાની ઢીલી કરશો નહિ. હથિયાર તમારાથી અળગાં કરશો નહિ. બહુ જલદીથી અવનવો ખેલ થશે.’ બોધિસત્વની સલાહ મુજબ, કોઈએ પાણી ઢોળ્યાં નહિ. હથિયાર અળગાં કર્યાં નહિ. આગલા દિવસની સાંજે એમણે પાંચસો ગાડાં રેઢાં પડેલાં દીઠાં. આજુબાજુ માણસનાં અને બળદનાં હાડકાં વેરાયેલાં દીઠાં. શું બન્યું હશે એ સમજતાં વાર ન લાગી.

એ રાતે એમણે ગાડાંઓની બબ્બે હારની વાડ રચી. બળદોને વચ્ચે રાખ્યા. એમની ફરતે ગાડાખેડુ સૂતા. પરંતુ બબ્બે પહોર સુધી સવાસો ગાડાખેડુ જાગતા રહે એવી ચોકી ગોઠવી. રાત દરમિયાન કેટલીક વારે દૈત્યો આવ્યા. પરંતુ જાગતી ચોકી અને હથિયારોના ચળકાટ જોઈને પાછા ગયા. આ લોકો જરાક અસાવધ બને તો ત્રાટકી પડવાની એમની તૈયારી હતી. પણ અહીં કોઈ અસાવધ નહોતું. વળતે દિવસે એમણે પહેલા વણઝારાનો કીમતી માલ પોતાનાં ગાડાંઓમાં લાદ્યો. પોતાનાં કેટલાંક નબળાં ગાડાંઓની જગાએ મજબૂત ગાડાં લઈ લીધાં. સાવધાનીથી નપાણિયો મુલક પાર કરી ગયા. આગળના દેશમાં વેપાર કરીને ખૂબ સારી કમાણી કરી. વળતી સફરમાં પણ એમને ભરમાવવા દૈત્યો આવ્યા. પરંતુ બોધિસત્વની બુદ્ધિએ સૌને સલામત પાછા પહોંચાડ્યા.

[કુલ ભાગ : 5. કુલ કિંમત રૂ. 225. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દીદી – કુલદીપ કારિયા
વૈજ્ઞાનિકનું ઘડતર – અનુ. પ્રજ્ઞા અનુપમ ભટ્ટ Next »   

8 પ્રતિભાવો : વણઝારા રે…. – યશવન્ત મહેતા

 1. gopal says:

  બાળકોને મઝા પડે તેવી વાર્તા

 2. Hiral Shankar says:

  ખુબ સરસ વાર્તા…

 3. Ramesh Patel says:

  સરસ વાર્તા.
  રમેશ પટેલ(આકાશદીપ)

 4. સુંદર વાર્તા. કોઇ પણ કાર્ય કરતા પહેલાં કે કોઇની વાત પર અમલ કરતા પહેલાં પોતાની બુધ્દિ અને તર્ક શક્તિથી વિચારવું જોઇએ.

 5. nayan panchal says:

  સુંદર વાર્તા. અનુભવની એટલે જ બોલબાલા છે ને ભાઈ.

  આભાર.

 6. rahul says:

  બહુ જ સુન્દેર વાર્તા

 7. dhiraj says:

  બાલવાર્તા મુકવા બદલ આભાર
  ગમે તેટલા મોટા કેમ ના થઈએ અંદર થી તો બાળક જેવા થવા માજ માલ છે

 8. arpit says:

  ખુબ સારિ વાર્તા. છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.