ભીતર-બહાર – પ્રવીણ દરજી

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.]

એક ભારતીય જન માટે ઋગવેદના ઋષિની જેમ જ, આ વિશ્વ કુતૂહલભર્યું છે. જ્યારે જીવ-અજીવ કશું અહીં અસ્તિત્વ નહીં ધરાવતું હોય ત્યારે આ વિશ્વ કેવું હશે ! અને જીવ-અજીવ પછીનું આરંભકાળનું વિશ્વ પણ કેવું હશે ! વિશ્વ માટે આપણા મનમાં અનેક આશ્ચર્યો ભર્યા છે, અનેક પ્રકારનું વિસ્મય રહ્યું છે. કવિ રવીન્દ્રનાથે આપણા સમયમાં તો કાલિદાસે એના સમયના આ વિશ્વ માટે એવો રોમાંચ પ્રકટ કર્યો છે જ. કાલિદાસે તેથી જ કદાચ આ ધરતીને ઉદાર અને રમણીય કહી હશે. ટાગોર પણ આપણી સામે વિસ્મયની સાથે મર્મભર્યો પ્રશ્ન મૂકે છે : પ્રથમ દિવસના સૂર્યે પોતાની સામેના નવ અસ્તિત્વને પૂછ્યું : ‘તું કોણ છે ?’ પણ પછી કોઈ દિશાએથી આ પ્રશ્નનો ઉત્તર કોઈની પણ પાસેથી ન મળ્યો. પ્રશ્ન અવકાશમાં, પ્રકૃતિમાં અને નવ અસ્તિત્વમાં પછી ઘૂમતો જ રહ્યો. ‘આપણે કોણ છીએ ?……. આપણે કોણ છીએ ?’

કદાચ ભારતીયતાના અંતઃસ્તત્વમાં પણ આ જ પ્રશ્ન સંગોપાયેલો રહ્યો છે. ‘તું કોણ છે ?’ બસ, પછી સદીઓથી આપણે આ પ્રશ્નનો ઉત્તર ખોળવા ખાંખાખોળા કરીએ છીએ, નવા નવા આયામો કરીએ છીએ. કથાઓ ઊભી કરીએ છીએ, શાસ્ત્રો રચીએ છીએ, મંત્રો જન્માવીએ છીએ, કાવ્યો રચીએ છીએ કે કાવ્યગાન કરીએ છીએ, યજ્ઞયાગાદિ કરીએ છીએ અને એમ નાનાવિધરૂપે એ પ્રયત્ન જારી રહ્યો છે. ઉત્તરો નથી મળતા કે નથી મળ્યા એવું નથી. પણ દરેક ઉત્તર એની રીતે અપૂર્ણ રહ્યો છે. પરિણામે આપણે એ અપૂર્ણ ઉત્તરને અતિક્રમીને પૂર્ણ ઉત્તર માટે વળી ઑર મથામણ કરીએ છીએ. આવી મથામણ જ આપણી ભારતીય તરીકેની ઓળખ છે. આ મથામણ જ આપણાં રૂપ-અરૂપોની સમજ આપે છે, આ મથામણ જ આપણને આપણા સિવાયનાં અન્ય વિશ્વો સાથે જોડી આપવામાં ઉપકારક બને છે, આ મથામણ જ આપણને સતત સંકોર્યા કરે છે, ભીતરનાં દલેદલ ઉઘાડવા અનુકૂળતા ઊભી કરી આપે છે. પ્રશ્ન તો ત્રણ અક્ષરનો જ – ‘હું કોણ છું ?’ છે, પણ તે જેમ જેમ ઉકેલાતો જણાય છે તેમ તેમ વધુ ને વધુ નિગૂઢ થતો જાય છે. જાતને પામવા કે જાણવા સિવાય આપણે આપણા ‘અસ્તિત્વ’ને કેવી રીતે સંજ્ઞિત કરી શકીએ ? જન્મથી મૃત્યુ સુધીનો પટ જો પેલા પ્રશ્નના ઉત્તર માટે ન મથીએ તો સાવ અજાણ્યો જ રહી જાય…….

હું અહીં ‘ભારતીયતા’ના તત્વ વિશે કશી માંડીને વાત કરવા માગતો નથી. હું તો ‘તું કોણ છે ?’ એ પ્રશ્નને જ સમજવા પ્રયત્ન કરું છું. ઉત્તર તો ઘણો, ઘણો વેગળો છે. ‘તું કોણ છે ?’ એવો અનુત્તરિત પ્રશ્ન મને તેથી જ અનેક દિશાઓમાં, અનેક બિંદુઓ પ્રતિ ખેંચી જાય છે. શું હું બીજાં પ્રાણી જેવું એક પ્રાણી છું ? શું બીજા જીવોમાં અને મારામાં કશો ફેર ખરો ? શું હું મનુષ્ય કહેવડાવું છું તો અન્ય પ્રાણીઓ કરતાં મારું કશું જુદાપણું ખરું ? ખરું તો કેમ ? ક્યાં ? નથી તો કેમ નથી ? જો હું મનુષ્ય છું તો પછી પેલાં પ્રાણીઓ પરત્વે મારું કશું ઉત્તરદાયિત્વ રહ્યું છે ? તેમની સાથે મારો કશો આંતરસંબંધ ખરો ? કોઈ એક સ્તરે જીવ-જીવ વચ્ચેનો નાતો ખરો ? એ જ રીતે જે સૂર્યને હું રોજ નિહાળું છું, જે ચંદ્રથી રાત્રિ શોભાયમાન થાય છે, જે રાત્રિ અને તારાખચિત આકાશથી હું મુગ્ધ થતો આવ્યો છું એની સાથે મારું કશું સગપણ રહ્યું છે ? જે આકાશને અને જે પૃથ્વીને હું નિત્ય જોતો આવ્યો છું, તેની સાથે મારો અનાયાસે કેટલોક સંવાદ થઈ રહે છે તે પાછળ ક્યાં કારણો હશે ?

પુષ્પો, પુષ્પોની સુગંધ, તેમના લોભામણા રંગો – એ સર્વ મને કેમ સ્પર્શી રહે છે ? તેઓની સાથે મારો કોઈ અભિન્ન સંબંધ રહ્યો છે ? પેલાં સદીઓ જૂનાં ગિરિશૃંગો નિહાળી હું અંદરથી કેમ હલી ઊઠું છું. કેમ ઊંડી ખનિકાઓને જોતાંવેંત હું અવાક થઈ જાઉં છું, કેમ પેલી હિમશીલાઓ મને તરબતર કરી મૂકે છે ? આ બધાં મારા પેલા ‘કોણ’ સાથે સાચ્ચે જ જોડાયેલાં છે ? છે તો તેનાં ક્યાં કારણો ? જ્યાં હું રહું છું એ ઘરા ઉપર મદમસ્ત થઈ ડોલી રહેલાં આ વૃક્ષો સાથે મારો કયો સંબંધ છે ? કેમ મને વળી વળીને તેની છાંય નીચે બેસવું ગમે છે ? કેમ તેની ડાળે ડાળે મને કૂદકા લેવાનું મન થઈ જાય છે ? આખી ને આખી તરુશ્રેણીઓ જોઈને કેમ હું ભીતરથી નાચી ઊઠું છું ? શું છે એ બધું મારા માટે ? કેમ આકાશમાં ઊડી જતાં, વૃક્ષોની ડાળીઓને પોતાના સ્વરો-સૂરોથી ભરી દેતાં પંખીઓનું મને ઘેલું રહ્યું છે ? શું એવું એમના અવાજમાં છે જે મારા ‘કોણ’ને શાતા આપી રહે છે, મને ક્ષણભર મૂંગોમંતર કરી મૂકે છે ?

કેમ કસાર, સરિતાઓ અને સાગર બધાં તેમને જોતાંવેંત મારામાં છેક ઊંડે કંપ જગવી રહે છે ? કેમ મને હાથી, સિંહ, વાઘ, ગાય, સર્પ કે અન્ય પશુઓને – પ્રાણીઓને જોતાં તેમની સાથે શું મારો કોઈ અનુબંધ રહ્યો છે એવો વારંવાર પ્રશ્ન થયા કરે છે ? કેમ આ ઋતુઓ – છએ ઋતુઓ મને અનેકવાર મારી મનઃસ્થિતિઓ સાથે સંકળાયેલી લાગી છે ? શો છે એ સર્વનો મારી સાથે નાતો ? કેમ આ અગ્નિ અને જલને જોતાં હું છેક આદિમકાળમાં પહોંચી જાઉં છું ? કોઈ નિસબત એ સર્વ સાથે મારે છે ? કેમ, કેમ આ પર્જન્યધારા મને રોમાંચથી ભરી દેતી કાવ્યધારાનો અનુભવ કરાવી રહે છે ? કેમ અરે, આ પવન મારો ભેરુ હોય એમ મારી આસપાસ ઘૂમરીઓ લઈ મારા મિજાજને બદલી નાખે છે ? મારી અને એની મૈત્રી ક્યા કારણે ? કેમ મને અંધકાર સદા રહસ્યગર્ભ લાગ્યા કર્યો છે ? અરે, આ પ્રકાશ ક્યા કારણે મને વારંવાર સાદ દીધા કરે છે ? એની પગલીઓ ખોળતાં ખોળતાં એની પાસે પહોંચી જવાનું મન થાય છે ? કેમ, કહો કેમ – ક્યારેક આ ધુમ્મસ મને કશાક અસીમ તરફ દોરી જતું લાગે છે ? કેમ હું તેના દુકૂલમાં વીંટાતો જાઉં છું ? કઈ ઓળખાણથી હું એની સાથે બંધાયેલો છું ?

અને હા, મારા આ ‘કોણ’ પ્રશ્નમાં મને એમ પણ થયા કરે છે, મારે શું થવું છે ? અસદના વાહક ? બીજાને પીડા આપનાર ? વિધ્વંસક કે વિદ્વેષી ? એકલપેટો ? અતડો ? સ્વકેન્દ્રી ? શું મારાથી ઈતર તત્વો સાથે મારો કોઈ સંબંધ નથી ? અન્યો પરત્વે મારું કોઈ ઉત્તરદાયિત્વ નથી ? માનવીમાત્ર માટે મારે એક જંતુ જ બનીને પૃથ્વી ઉપરથી વિદાય લેવાની છે ? હું અને મારા પરિવારમાં મારું જગત પરિસમાપ્ત થઈ રહે છે ? મારે પેલા મુંડકોપનિષદના બે પક્ષી પૈકી એકની જેમ ડાળ ઉપર રહ્યે રહ્યે ભોગ કર્યા કરવાનો છે ? મારે ખાવું-પીવું-ઊંઘવું-ધન પ્રાપ્ત કરવું અને સંતાન પેદા કરી મારો રંગમંચ ઉપરનો અભિનય પૂરો કરી દેવાનો છે ? જો આ જ વાત હોય તો ‘હું કોણ છું ?’ એ પ્રશ્નનો ઉત્તર માત્ર પ્રાણી, પ્રાણી, ગંધાતું પ્રાણી જ હોઈ શકે ને ?

જો એમ નથી તો મારે સદના વાહક બનવાનું છે ? બીજાને મદદરૂપ થવાનું છે ? તેનાં સુખ-દુઃખનાં ભાગીદાર બનવાનું છે ? મારે અનેકકેન્દ્રી બનીને સર્વના બની રહેવાનું છે ? વિશ્વ શું મારા માટે એક નીડ છે ? પશુ-પંખી-પ્રાણી-પ્રકૃતિ એ સર્વની સાથે મારો નાભિગત સંબંધ છે ? શું હું કોઈ ક્ષુદ્ર જંતુ નથી – એક માનવ છું, માનવ ? તો માનવ તરીકે મારે શું કરવાનું છે ? માનવ પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે, પ્રાણી પ્રત્યે મારો કેવો નાતો હોવો ઘટે ? અપૃશ્યક ? ચૈતન્યથી ભર્યો ભર્યો ? મારો ‘કોણ’ અને આ વિશ્વ, વિશ્વનું સર્વ એમ એક ‘એકત્વ’થી બંધાયેલ છે ? જો એમ છે તો મારે નિત્ય મારાં નૂતન રૂપો વડે સૃષ્ટિના સૌ સાથે સાહચર્ય કેળવતાં કેળવતાં એક મયૂરની જેમ નૃત્ય કરી રહેવાનું છે ? જો એમ છે તો મારા માટે ભાષા-જાતિ-જ્ઞાતિ-રંગોથી દૂર ‘માણસ’ જ સર્વેસર્વા હોવો ઘટે ને ? જે માનવ સાથે રહેવાનું, પરિશ્રમ કરવાનો, સાથે ભોગવવાનું, તેજસ્વી બનવાનું, કોઈનો દ્વેષ કરવાનો નહીં – એમ પેલા ઋષિ કહે છે, એ જ સાચ ને ? તો શું મારે ઈશ્વરની આરાધના કરતાં કરતાં, સદથી ભર્યુંભર્યું જીવતાં, ઈશ્વરમાં પરિવર્તિત થઈ રહેવાનું છે ? કદાચ ‘હું કોણ છું ?’ તેના ઉત્તરો આવી ગડમથલોમાંથી મળે. ભારતીય તરીકે આ શોધ જ, એવી જીવનરીતિ માટેની તૃષા જ, કદાચ ભારતીયતાનો વિશેષ છે, કદાચ ઉદ્દેશ પણ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વૈજ્ઞાનિકનું ઘડતર – અનુ. પ્રજ્ઞા અનુપમ ભટ્ટ
વૃક્ષ (એકાંકી) – લાભશંકર ઠાકર Next »   

7 પ્રતિભાવો : ભીતર-બહાર – પ્રવીણ દરજી

 1. જગત દવે says:

  આ જ છે વેદ વિચારો અને ઋષિ-યુગ. એ ત્તત્વચિંતનની જ્ગ્યા હવે પદાર્થચિંતને લઈ લીધી છે.

  દરેક વાચક લેખક ને થયેલાં પ્રશ્નો પર વિચાર કરે તો???????

  અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે….આવી ભારતીયતા હવે ખરડાઈ રહી છે.

  મને ભય છે……કદાચ આ લેખને એટલાં અભિપ્રાયો નહી મળે.

 2. dhiraj says:

  પોતાના અસ્તિત્વ માટે ના આવા પ્રશ્નો કે હું કોણ છું ? એ ફક્ત આ ભારત ભૂમિ માં જ થયા છે તેથીજ ભલે ગરીબ રહ્યું પણ મને ભારતીય હોવાનો ગર્વ છે
  લેખ વાંચી ને તરત અભિપ્રાય અપાય તેમ છે જ નહિ તેથી થોડી વાર આંખો બંધ કરી અંતર્દ્રસ્તી કરી જે જવાબ મળ્યા તે નીછે મુજબ છે

  પ્રશ્ન : હું કોણ છું? અને મને પ્રત્યેક જીવ અજીવ પ્રત્યે કેમ કઈ સંબંધ હોય તેવું લાગે છે ?
  મારો જવાબ :- કૃષ્ણ મને અર્જુન ના માધ્યમ દ્રારા કહે છે ” મારા તો અનેક અવતાર થઇ ગયા છે ”
  તથાગત કહે છે “દરિયા માં પાણી કરતા વધારે તું રડ્યો છે ”
  શ્રીજી કહે છે “દરિયા ના પાણી કરતા વધારે તે માતાનું દૂધ પીધું છે ”
  તો હવે જો જગત નો દરેક જીવ મારો કોઈ ને કોઈ જનમ નો સગો હોય તો કેમ સંબંધ ના હોય ?

  પ્રશ્ન: મારે શું થવું છે ?
  જવાબ :- ટાગોર ની એક કવિતા યાદ આવે છે ” અસ્ત થતા સુરજે પૂછ્યું કે કોણ કરશે પૃથ્વી પર અજવાયું ? ખૂણા માં ટમટમતા દીવાળાએ કહ્યું હું મારા ભગવાન જેટલું થઇ શકે તેટલું “

 3. pradip says:

  સુંદર લેખ. સવાલ થાય છે હું શું કામ છું ? મારુ અસ્તીતવ શું કામ છે. કદાચ આ સવાલ નો જવાબ મુળ સવાલ નો જવાબ આપે. આપણા મુળ તરફ લઈ જાય.
  પ્રદીપ.

 4. અશોક જાની 'આનંદ' says:

  માનવ, જીવ્સ્રુષ્ટિમાં સૌથી વિચારશીલ્ પ્રાણી હોવાને નાતે મોટાભાઇની જ્વાબ્દારી નિભાવવાની છે, પણ એ થાય છે ક્યાં ??

 5. Jagruti Vaghela USA says:

  માનવ તરીકે મારે શું કરવાનું છે ? માનવ પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે, પ્રાણી પ્રત્યે મારો કેવો નાતો હોવો ઘટે ? અપૃશ્યક ? ચૈતન્યથી ભર્યો ભર્યો ? મારો ‘કોણ’ અને આ વિશ્વ, વિશ્વનું સર્વ એમ એક ‘એકત્વ’થી બંધાયેલ છે ? જો એમ છે તો મારે નિત્ય મારાં નૂતન રૂપો વડે સૃષ્ટિના સૌ સાથે સાહચર્ય કેળવતાં કેળવતાં એક મયૂરની જેમ નૃત્ય કરી રહેવાનું છે ? જો એમ છે તો મારા માટે ભાષા-જાતિ-જ્ઞાતિ-રંગોથી દૂર ‘માણસ’ જ સર્વેસર્વા હોવો ઘટે ને ? જે માનવ સાથે રહેવાનું, પરિશ્રમ કરવાનો, સાથે ભોગવવાનું, તેજસ્વી બનવાનું, કોઈનો દ્વેષ કરવાનો નહીં – એમ પેલા ઋષિ કહે છે, એ જ સાચ ને ? તો શું મારે ઈશ્વરની આરાધના કરતાં કરતાં, સદથી ભર્યુંભર્યું જીવતાં, ઈશ્વરમાં પરિવર્તિત થઈ રહેવાનું છે ? કદાચ ‘હું કોણ છું ?’ તેના ઉત્તરો આવી ગડમથલોમાંથી મળે.

 6. હર્ષદ ત્રિવેદી says:

  જીવ, ઈશ્વર અને જગત આ ત્રણે વચ્ચે શું સંબંધ છે તેનું ચિંતન આપણા વૈદિક સંસ્કૃતિ નાં કેન્દ્ર સ્થાને છે. ભાઈ પ્રવીણ દરજી જેટલા વિસ્તૃત રીતે આ પ્રશ્ન ને રજુ કરી શક્ય છે એટલું વિસ્તૃત અને સ્પષ્ટ કદાચ બધા ણ કરી શકે પણ પોતાની ઓળખ માટેની મથામણ અને લઘુમાંથી વિરાટની પ્રતીતિ કરવાની ઈચ્છા જ કદાચ મનુષ્યને બીજા પ્રાણીઓથી જુદો પડે છે.

  સુંદર ચિંતન અને એવી જ રજૂઆત.

  અભિનંદન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.