પત્રવિશ્વ (ભાગ-2) – સં. સુરેશ દલાલ, મહેશ દવે

[‘પત્રવિશ્વ’ એ ગુજરાતી સાહિત્યમાં દુર્લભ કહી શકાય તે પ્રકારનું પુસ્તક છે. વિશ્વની વિવિધ વ્યક્તિઓના ઉત્તમ પત્રોનો તેમાં સંચય છે. ધર્મ-અધ્યાત્મ, પ્રાચીન, સાહિત્ય, પ્રણય, પરિવાર, જાહેરજીવન, મિત્રપત્ર જેવા જુદા જુદા ખંડમાં 176 વ્યક્તિઓનાં વૈવિધ્યપૂર્ણ એવા 232 પત્રો આ પુસ્તકમાં સમાવાયા છે. તેમાંના કેટલાક પત્રો આપણે અગાઉ માણ્યાં હતાં. આજે વધુ કેટલાક પત્રોને પામીએ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] કાફકાનો પત્ર પિતાજીને (અનુ. અનિલ જોશી)

પ્રિય પિતાજી,

તમે મને એક વાર પૂછ્યું હતું કે મને તમારી બીક શા માટે લાગે છે ? મારી ટેવ મુજબ મને સમજાતું નહોતું કે હું શું જવાબ દઉં ? આની પાછળ પણ ડરનું કારણ હતું. હું તમારાથી સખત ડરતો રહ્યો છું. તમને આ પત્ર પણ ડરતાં ડરતાં લખી રહ્યો છું. તમે આખી જિંદગી ખૂબ મહેનત કરી છે. તમે બધું જ બાળકો ઉપર, ખાસ કરીને મારા ઉપર ન્યોછાવર કરી દીધું છે. એને કારણે જ મને એશોઆરામની જિંદગી મળી છે. મને બ્રેડબટરની ચિંતા જ નથી. મેં પાણી માગ્યું છે, તો તમે દૂધ હાજર કર્યું છે. મને બહુ નવાઈ લાગે છે કે તમે મારી પાસેથી કોઈ કૃતજ્ઞતાની અપેક્ષા જ નથી રાખી, પણ હું તમારાથી કાયમ દૂર ને દૂર જતો રહ્યો. તમારા માટે મને કોઈ દિવસ કૌટુંબિક ભાવ જાગ્યો જ નથી. હું ઊલટો નાની બહેન ચોટલાની હઠને પંપાળતો હતો. મેં તો તમારા માટે કોઈ દિવસ નાટકની ટિકિટ પણ ખરીદી નથી. હું બહુ સ્વાર્થી છું. તમે પોતે જ આપણી પરસ્પરની વિમુખતા માટે બેકસૂર હો એ શક્ય છે. મારી મૂંઝવણ એ છે કે હું તમને કાંઈક પણ કહેવા જાઉં છું એની તમને અગાઉથી જ ખબર પડી જાય છે. પિતાજી, મને તમારી ભલમનસાઈ ઉપર લેશમાત્ર શંકા નથી, પણ તમારી એક વાત નથી ગમતી. તમે મારા તરફ પ્રેમનો દેખાડો નથી કરતા એ મને કબૂલ છે, પણ બીજાના પિતાજીઓ દેખાડો કરે છે એમ માની લેવું બરાબર નથી. તમે અંદરખાને ખૂબ નરમદિલ અને ભલા છો. પણ દરેક બાળક તમારા જેવું નથી હોતું. તમે જેવા છો એવો જ વર્તાવ તમે અમારી સાથે કરો છો. તમારી શક્તિ, આંધળો ક્રોધ અને શોરબકોર મેં સાંભળ્યો છે, અનુભવ્યો છે. તમારા પ્રભાવ નીચે હું લગભગ દબાઈ જતો હતો. જિંદગી માત્ર ધીરજ ધરવાનો ખેલ નથી, પણ કાંઈક વિશેષ હોય છે.

લિ.
કાફકા.

[2] નિશાળથી વછોયેલા વિદ્યાર્થીનો શિક્ષકને પત્ર (અનુ. સંજય ભાવે)

પ્રિય બહેન,
હું કે મારું નામ તમને યાદ નહીં હોય. તમે જે કેટલાયને નાપાસ કર્યા છે તેમાંનો હું એક. પણ મને ઘણી વખત યાદ આવે છે – તમારી, બીજા શિક્ષકોની, તમે જેને ‘શાળા’ કહો છો તે જગ્યાની અને તમે નાપાસ કરેલ છોકરાઓની. અમને નાપાસ કરીને તમારી અણઆવડત અમને છેક ખેતરો અને કારખાનાંમાં હડસેલી દે છે અને પછી તમે અમને ભૂલી જાઓ છો. અમે પરીક્ષા આપતા હોઈએ ત્યારે તમે પાટલીઓની હરોળો વચ્ચે આંટા મારતાં. મારી ભૂલો અને મુસીબતો તમે જોતાં, પણ એક શબ્દેય બોલતાં નહીં. ઘરમાંય મારે આવું જ છે. મને મદદ કરી શકે તેવું કશું માઈલો સુધીના વિસ્તારમાં નથી. નહીં પુસ્તકો, નહીં ટેલિફોન.

હવે અહીં હું ‘નિશાળ’માં છું. ભણતર મેળવવા ખૂબ દૂરથી આવ્યો છું. અહીં મારે ઘરની જેમ મા સાથે પનારો પાડવાનો નથી. મારી મા મને ભણતી વખતે ખલેલ ન પડે એટલા માટે પોતે ચૂપ રહેવાનું કહેતી, ને પછી એ જ પાછી બોલબોલ કરતી. નિશાળમાં આવું નથી. અહીં એના લેસનમાં મને મદદ કરવાનું કહેનાર મારી બહેનનો નાનો છોકરો પણ નથી. અહીં મને શાંતિ, અજવાળું અને અલાયદી પાટલી મળે છે. પાટલીથી થોડાં ડગલાં દૂર તમે ઊભાં હો છો. તમને મારી બધી ખબર છે. તમને પગાર મળે છે તે મને મુશ્કેલીમાં મદદ કરવા માટેનો. પણ એને બદલે તમે તો મારી પર ચોકીપહેરો ભરવામાં સમય બગાડો છો, જાણે હું ચોરલફંગો ન હોઉં !

માણસ વિશે અમે જે થોડુંઘણું જાણીએ છીએ તેટલુંય તમે જાણતાં નથી. તમારે ત્યાં તો લિફટ નામનું મજાનું યંત્ર છે. તેનાથી તમે બિલ્ડિંગમાંના બીજા લોકોને ટાળી શકો છો. મોટરકારને કારણે, તમે બસમાં બેસીને ફરવું પડતું હોય તેવા લોકોથી દૂર રહી શકો છો. બીજાનાં મોં જોવાં ન પડે કે તેમને ઘરમાં આવવા દેવા ન પડે તે માટે તમારે ત્યાં ટેલિફોન છે. પ્રાચીન રોમન વક્તા સીસેરો વિશે જાણતા તમારા વિદ્યાર્થીઓને મારે પૂછવું છે કે તેઓ અત્યારે જીવતા હોય તેવા કેટલા માણસોના પરિવારોને તે નજીકથી ઓળખે છે ? તેમના રસોડામાં બે ટંકનું ખાવાનું કેવી રીતે બને છે તે એમણે જોયું છે ? બીમાર માણસોની પથારીએ તેમને ક્યારેય રાતભર બેસવાનું આવ્યું છે ? કેટલાની નનામી તેમને ઉપાડવાની આવી છે ? આફતમાં જેની પર ભરોસો રાખી શકાય એવા કેટલા માણસોને તમારા પેલા વિદ્યાર્થીઓ જાણે છે ?

તમારા ઘર પાસેથી દરરોજ સેંકડો મોટરકારો દોડે છે. એ કોની છે અને ક્યાં જાય છે એનો તમને જરાય ખ્યાલ નથી. પણ હું મારી આસપાસ માઈલો સુધી ફેલાયેલા ડુંગરોની ખોપોના પડઘા દૂરથીય સાંભળી શકું છું. નેવીઓ નામના નાનકડા ગામમાંથી સ્ટેશને જવાના ખટારાનો અવાજ હું ઓળખી જઉં છું, એટલું જ નહીં પણ એ મોડો પડ્યો હોય તેય હું કહી શકું છું. મારા વિસ્તારના હજારો લોકો, સેંકડો કુટુંબો, તેમનાં સગાં-વહાલાં અને રિશ્તાનાતાની વાતો હું તમારી આગળ માંડી શકું છું. મજૂરો-કામદારો સાથે વાત કરવામાં તમે લોચા મારો છો – તમારા શબ્દો, તમારી ઢબ, તમારી રમૂજ. બધું જ ગડબડિયું હોય છે. પણ ડુંગરમાં ભટકનારો કોઈ જ્યારે ચૂપ હોય ત્યારેય તેને શું કહેવું છે તે હું પામી જઉં છું. વળી, તે મોઢેથી કંઈક બોલતો હોય ત્યારે પણ એના મનમાં શું ચાલતું હશે એ હું ધારી શકું છું. તમારા કવિઓએ તમને આવી સંસ્કૃતિ બતાવવાની જરૂર હતી. દુનિયાના નેવું ટકા લોકોની આ સંસ્કૃતિ છે. પણ હજુ એને શબ્દોમાં, ચિત્રોમાં કે ફિલ્મોમાં કોઈ મૂકી શક્યું નથી. બીજું કંઈ નહીં તોય થોડાક તો નમ્ર બનો. પગ જરા ધરતી પર રાખો ને તમારી અને અમારી જિંદગી વચ્ચે મોટી ખાઈ છે. કદાચ તેનાથીય મોટો તફાવત આપણી સંસ્કૃતિઓ વચ્ચે છે. એ તફાવત પ્રાથમિક શાળાના શિક્ષકોના કામમાં નડતર બને છે.

વ્યાયામની પરીક્ષામાં સાહેબે અમારી તરફ દડો ફેંકીને કહ્યું, ‘લો ! રમો બાસ્કેટબૉલ.’ પણ અમને તો બાસ્કેટબૉલ રમતાં આવડતું નહોતું. એટલે શિક્ષકે અમારી સામે મોં ચડાવીને કહ્યું : ‘બિચ્ચારાં નકામાં બાળકો !’ એ સાહેબ પણ તમારામાંના જ એક છે. વર્ષોથી ચાલી આવતી શિક્ષણ નામની એક રસમ પૂરી કરવાની આવડત – એમનામાં હોય તે જરૂરી છે. એટલે એમણે મોટા સાહેબને કહ્યું કે આમને ‘શારીરિક શિક્ષણ’ મળ્યું નથી એટલે આવતી વખતે ફરીથી પરીક્ષા લેવી પડશે. જોકે અમારામાંનો કોઈ પણ છોકરો ઓકના તોતિંગ ઝાડ પર ચઢી શકતો. એટલું જ નહીં, ઉપર ચઢીને, એક હાથમાં કુહાડી લઈને તે પાંચ મણની ડાળી પણ કાપી શકતો. અમે તે ડાળી બરફમાંથી તાણીને અમારી માના આંગણે લાવીને મૂકતા. મેં સાંભળ્યું છે કે ફ્લૉરેન્સમાંના એક સદગૃહસ્થ તેના ઘરે અવરજવર કરવા માટે બિલ્ડિંગમાંની લિફટનો ઉપયોગ કરે છે. એ ભાઈ એક મોંઘું આધુનિક સાધન લાવ્યા છે, જેનાથી એ કસરત કરવાનો ડોળ પણ કરે છે. બહેન, તમે એ ભાઈને શારીરિક શિક્ષણની પરીક્ષામાં ‘એ’ ગ્રેડ આપશો.

[3] રવીન્દ્રનાથ ઠાકુરનો પત્ર સુરેન્દ્રનાથ દાસગુપ્તને

પ્રીતિ નમસ્કાપૂર્વક નિવેદન,

હું અત્યારે ઊડવાની તૈયારીમાં છું. કેટલાક દિવસ થયા મન ભાગું ભાગું કરતું હતું, પણ પિંજરનું બારણું ઊઘડવાનું કોઈ લક્ષણ દેખાતું નહોતું. આખરે મેં પોતે જ બંધ બારણું તોડી નાખ્યું છે. કામકાજ, લાભ-નુકશાન, ઉચિત-અનુચિત કશાની જ દુહાઈ નહીં માનું. આ વખતે બહાર જવું જ એવી પ્રતિજ્ઞા કરી છે. મારે માટે કર્મની જે જરૂર હતી તે પૂરી થઈ છે એમ લાગે છે. હવે મન પાછળ જોઈ શકતું નથી અથવા કામની વાતને કાન ધરી શકતું નથી. એવે વખતે આપ લોકો હવે મને પાછળ બોલાવશો નહીં. આમંત્રણ આપશો તો પત્ર કયે સરનામે મોકલશો ? હું તો મોટા રસ્તે હઈશ. નદી જેમ ચાલતાં ચાલતાં પોતાના વેગથી પોતાનો માર્ગ ખોદી લે છે – કોઈ નહેર ખોદનાર ઈજનેરને પાઈયે પગાર આપતી નથી, તેમ જ આપની પણ શક્તિ પોતાની ગતિનો માર્ગ પોતાની ગતિથી જ જીતી લેશે. આપની કહેવાની વાત જ પોતાના બોલવાના વાહનને દુરસ્ત કરી લેશે – એટલું જ નહીં શ્રોતાને પણ કાન પકડી ખેંચી લાવશે.

મારો હવે વિદાયનો સમય આવ્યો છે – આપનો અભ્યુદય ઈચ્છું છું. ‘स तपोडतप्यत’ એ વાક્યને સ્મરણમાં રાખીને તપસ્યાનો આશરો લેજો – રૂપ આપવાની સાધના અને વેદના દ્વારા આપની ભાવની સંપત્તિને સાર્થક બનાવજો. ઈશ્વરે આપણને જે આપ્યું છે તેને તપસ્યા વડે પોતાનું કરી લઈ ન શકો તો દાન કરવાનો અધિકાર નહીં પામો. પોતાનું ધન જ આપણે આપી શકીએ, ઈશ્વરનું ધન આપવા જઈએ તો કોઈ તે લઈ નહીં શકે, એ જ.

આપનો
શ્રી રવીન્દ્રનાથ ઠાકુર

[કુલ પાન : 466 (મોટી સાઈઝ). કિંમત રૂ. 500. પ્રાપ્તિસ્થાન : ઈમેજ પબ્લિકેશન પ્રા. લિ. 1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી. અમદાવાદ-380006. ફોન : +91 79 26560504. ઈ-મેઈલ : info@imagepublications.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વૃક્ષ (એકાંકી) – લાભશંકર ઠાકર
અંકુરણ – સંકલિત Next »   

7 પ્રતિભાવો : પત્રવિશ્વ (ભાગ-2) – સં. સુરેશ દલાલ, મહેશ દવે

 1. harikrishna patel says:

  second letter is an excellent one.really touchy and strong message.

 2. MUKUND PATEL says:

  ખુબ જ સરસ પત્રો. વાચી ને આન’દ થયો.

 3. Dipti Trivedi says:

  અમને નાપાસ કરીને તમારી અણઆવડત અમને છેક ખેતરો અને કારખાનાંમાં હડસેલી દે છે—–શાળાના વહીવટી ઢાંચા પ્રમાણે નાપાસ થયેલા વિદ્યાર્થીએ જેટલી સચોટ વાત કહી છે તે કદાચ શિક્ષણના ઉચ્ચ અધિકારીઓ પણ નહી વિચારતા હોય . વિદ્યાર્થીને સમજ ના પડે તે શિક્ષકની પણ આંશિક અણાવડત કહેવાય . —એમણે મોટા સાહેબને કહ્યું કે આમને ‘શારીરિક શિક્ષણ’ મળ્યું નથી એટલે આવતી વખતે ફરીથી પરીક્ષા લેવી પડશે. —- જો ખરેખર આવુ બન્યુ હોય તો શિક્ષણને માથે કલંક ગણાય કારણ કે જેને શિક્ષણ મળ્યુ નથી તેને શિખવાડવાને બદલે ફરી પરીક્ષા લેવાની વાત તદ્દન નિરર્થક છે.
  રૂપ આપવાની સાધના અને વેદના દ્વારા આપની ભાવની સંપત્તિને સાર્થક બનાવજો—-ફરી ફરી વાંચવા છતાં આનો સાચો મર્મ ના સમજાયો.

 4. Rachana says:

  સરસ અભિવ્યક્તી

 5. maitri vayeda says:

  બીજો પત્ર બહુ જ ગમ્યો…

 6. mjpurohit says:

  બીજી વાર્તા હ્રદયસ્પર્શી .

 7. dhiraj says:

  મોટર, ટેલીફોન અને લીફ્ટ થી આપણે લોક સંપર્ક ઘુમાવી દીધો છે તે પહેલી વાર ધ્યાન માં આવ્યું
  આભાર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.