હૈયું-મસ્તક-હાથ – ભદ્રાયુ વછરાજાની

[‘હૈયું-મસ્તક-હાથ’ પ્રયોગપોથી પ્રકારનું એક અનોખું પુસ્તક છે. આ પુસ્તકમાં 105 જેટલી ચરિત્રકથાઓનો સમાવેશ થાય છે. દરેક કથાને અંતે સ્વધ્યાય આપવામાં આવ્યો છે. બે કે તેથી વધુ સહકાર્યકરો સાથે બેસીને આત્મખોજ કરી શકે એ પ્રકારનું તેનું સ્વરૂપ છે. અહીં આપણે તેમાંથી કેટલીક કથાઓ માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘મીડિયા પબ્લિકેશનનો’ ખૂબ ખૂબ આભાર. આપ શ્રી ભદ્રાયુભાઈનો (રાજકોટ) આ નંબર પર +91 281 2588771 અથવા આ સરનામે bhadrayu@ymail.com સંપર્ક કરી શકો છો.]

[1] એ કામ મારું નથી

આ ચાર માણસોની કહાની છે. તેઓના નામ હતા : दरेक, अमुक, कोईक અને कोई नहीं. એક અતિ અગત્યનું કાર્ય કરવાનું હતું. दरेकને ખાતરી હતી કે अमुक આ કાર્ય જરૂર કરશે. પરંતુ अमुके એવું વિચાર્યું કે આ કાર્ય कोईक કરશે. कोईक આ વાતે ગુસ્સે થઈ ગયો. કારણ કે આ કાર્ય તો दरेकનું હતું. એટલે कोईके ‘ખો’ દીધી कोई नहीं ને ! અને कोई नहीं ને તો આપ જાણો જ છો ! અંતે આ કાર્ય થયું જ નહીં.

[2] ગુરુની બિલાડી

ગુરુ પોતાના શિષ્યો સાથે પ્રાર્થના માટે બેસતા ત્યારે આશ્રમની બિલાડી પ્રાર્થના સ્થળે આવતી અને ખલેલ પહોંચાડતી. આથી, જ્યારે પ્રાર્થના થતી હોય ત્યારે બિલાડીને બાંધી રાખવાનો ગુરુએ આદેશ આપ્યો. ગુરુના અવસાન બાદ પણ પ્રાર્થના સમયે બિલાડીને બાંધી રાખવાનો શિરસ્તો ચાલુ રહ્યો. તે બિલાડી મરી ગઈ તો ગુરુના આદેશને શ્રદ્ધાપૂર્વક પાળવાના ઉદ્દેશથી બીજી બિલાડી લાવવામાં આવતી અને તેને પ્રાર્થના સમયે બાંધી દેવામાં આવતી. સદીઓ વીત્યા બાદ ગુરુજીના નિપુણ શિષ્યોએ ગ્રંથો લખ્યા અને તેમાં પ્રાર્થના સમયે બિલાડીને બાંધી રાખવાની ધાર્મિક સાર્થકતા સાબિત કરતી માન્યતાઓ વર્ણવવામાં આવી !

[3] હીરો

જ્યારે એક સંન્યાસી એક ગામના પાદરે પહોંચી, રાતવાસો કરવા એક ઝાડ નીચે બેઠા, ત્યારે ગામડિયો દોડતો દોડતો ત્યાં આવ્યો અને કહ્યું : ‘પથ્થર ! પથ્થર ! મને કિંમતી પથ્થર આપો.’
‘ક્યો પથ્થર ?’ સંન્યાસીએ પૂછ્યું.
‘ગઈ રાત્રિએ ભગવાન શંકરે મને સ્વપ્નમાં આવી કહ્યું, કે જો હું મળસ્કે ગામડાના પાદરે જઈશ, તો એક સંન્યાસી મને પથ્થર આપશે કે જે પથ્થર મને કાયમ માટે માલદાર બનાવશે.’ સંન્યાસીએ તેનો થેલો ફંફોળ્યો, અને એક પથ્થર કાઢી કહ્યું : ‘કદાચ તે આ પથ્થર હશે. મને આ પથ્થર ગઈકાલે જંગલમાંથી મળેલ છે, જો તારે જોઈતો હોય તો એ તારો જ છે.’ માણસે પથ્થરને તાકી તાકીને આશ્ચર્યથી જોયો. તે માણસના મસ્તકના કદનો દુનિયાનો સૌથી મોટો હીરો હતો. પેલો ગામડિયો આખી રાત પથારીમાં આળોટ્યો, પડખાં ફેરવ્યાં, પરંતુ ઊંઘી ન શક્યો. મળસ્કે તેણે સંન્યાસીને જગાડીને કહ્યું : ‘આટલો મૂલ્યવાન હીરો મને આપી દઈ શકે એવું તમારું હૃદય મને મળે તેવું કરો.’

[4] ઉંદરનું હૃદય

પ્રાચીન ભારતની પરિકથા મુજબ, એક ઉંદર બિલાડીના ભયથી દુઃખી થયા કરતો હતો. એક જાદુગરને તેના ઉપર દયા આવી, અને તેણે તેને બિલાડી બનાવી દીધો. પરંતુ તેથી તે કૂતરાથી ડરવા લાગ્યો. આ જોઈને જાદુગરે તેને ચિત્તો બનાવી દીધો. પરંતુ ચિત્તો બનેલો ઉંદર શિકારીથી ડરવા લાગ્યો. આ ક્ષણે જાદુગર થાક્યો, અને તેણે પ્રયાસો પડતા મૂક્યા. તેણે ફરીથી ઉંદર બનાવી દેતાં કહ્યું, ‘હું તારા માટે જે કંઈ કરું તે તને મદદરૂપ થઈ શકશે નહીં, કારણ, તારામાં ઉંદરનું હૃદય છે.’

[5] માનુષી ભૂલ

એક વિજ્ઞાની હતો. તેણે પોતાના નવસર્જનની એવી કલા વિકસાવી કે જે એકદમ સંપૂર્ણ હોય. અસલી અને નકલી વચ્ચેનો જરા પણ ભેદ ન રહે તેવી રીતે તેણે પોતાની જાતને ઘડી કાઢી. એક દિવસ તેણે જાણ્યું કે મૃત્યુના દૂત તેને શોધે છે. આથી તેણે પોતાની એક ડઝન નકલો તૈયાર કરી. દૂત માટે એ નક્કી કરવું અતિ કપરું બની ગયું કે કુલ બાર નકલો વત્તા એક મૂળ વિજ્ઞાની એમ તેર નમૂનામાંથી સાચો વિજ્ઞાની કોણ ? તેણે તેર નમૂનાને એકલા છોડી સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું. પરંતુ બહુ થોડા સમયમાં મનુષ્ય સ્વભાવથી પરિચિત એવો મૃત્યુદૂત નવી તરકીબ સાથે પાછો ફર્યો. તેણે વિજ્ઞાનીને કહ્યું, ‘સાહેબ, તમે તમારી જાતની નકલો બનાવવામાં એકદમ કાબેલ રહ્યા છો. આ તેરમાંથી સાચું કોણ તે હું શોધી શકતો નથી. આમ છતાં, તમારા આ કામમાં મને એક ખૂબ નાની માનુષી ભૂલ મળી આવી છે.’ મૂળ વિજ્ઞાની કૂદી પડ્યો અને તેણે બૂમ પાડી : ‘અશક્ય ! ક્યાં છે ખામી ?’ મૃત્યુદૂતે કહ્યું : ‘બસ અહીં જ !’ અને તે જ ક્ષણે તેણે કૂદી પડીને બરાડી ઊઠેલા વિજ્ઞાનીને પકડ્યો અને તેને ઊંચકીને ચાલવા લાગ્યો.

[6] માણસની પોલ

નોએલ કાવર્ડ વિશે એવી વાત કહેવાય છે કે, એક વાર તેને કહેવાતા મોટા માણસોની પોલ જાણવાનું મન થયું; એટલે એકસરખા વીસ પત્રો તેણે લંડનની વીસ નામાંકિત વ્યક્તિઓને લખ્યા. તેમાં માત્ર એટલું જ લખ્યું હતું : ‘બધું જ ખુલ્લું પડી ગયું છે. વહેલી તકે નાસી છૂટો.’ – અને વીસેય વ્યક્તિઓ તાત્કાલિક લંડન છોડીને ચાલી ગઈ.

[7] ધાન્યનો ભાગ

એક ખેડૂત હતો. તેના દ્વારા ઉગાડાતાં ધાન્યને હંમેશા રાજ્યસ્પર્ધામાં પ્રથમ સ્થાન મળતું હતું. આ ખેડૂતને, પોતાનાં ઉત્તમ ધાન્યનાં બીજ પાડોશીઓને વહેંચી દેવાની ટેવ હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે આવું શા માટે કરે છે, ત્યારે તેણે કહ્યું : ‘હકીકતમાં આ અંગત સ્વાર્થની વાત છે. પવન પરાગરજને એક ખેતરથી બીજે ખેતર લઈ જાય છે. તેથી, જો મારા પાડોશના ખેતરમાં ઊતરતી કક્ષાનું ધાન્ય હોય, તો પરાગનયનને કારણે મારાં ધાન્યની ગુણવત્તા પણ ઘટે; તેથી તેઓ ઉત્તમ ધાન્ય વાવે, તે માટે હું ચિંતિત રહું છું.’

[8] લોલક

એક ઘડિયાળી ઘડિયાળને ઠીકઠાક કરતો હતો ત્યારે તે ઘડિયાળનું લોલક બોલ્યું : ‘સાહેબ, મહેરબાની કરી મને એકલું છોડી દો. લટકાવો નહીં. મારે રાત અને દિવસ કેટલી વખત ટકટક કરવાનું ? એક મિનિટમાં 60 સેકન્ડ, એક કલાકમાં 60 મિનિટ, એક દિવસમાં 24 કલાક. એક વર્ષમાં 365 દિવસ અને વર્ષો પછી વર્ષો….. હું તે કદી ન કરી શકું.’ પણ ઘડિયાળીએ ચતુરાઈથી જવાબ આપ્યો : ‘ભવિષ્યનો વિચાર ન કર. માત્ર એક વખતે એક ટકટક. અને પછી તું જિંદગીની બાકીની દરેક ટકટકને માણીશ. આજની ઘડીનો વિચાર કર.’ લોલકે ઘડિયાળીની સૂચનાને અનુસરવાનું નક્કી કર્યું, અને તે આજ સુધી આનંદથી ટકટક કરે છે.

[9] કાલ્વિન કુલીજનું મૌન

જ્યારે કાલ્વિન કુલીજ યુનાઈટેડ સ્ટેટસના પ્રમુખ હતા ત્યારે દરરોજ ડઝનબંધ માણસોને મળતા. ઘણા લોકોને એક યા બીજા પ્રકારની ફરિયાદ હતી. એક દિવસ ત્યાંની મુલાકાતે આવેલા ગવર્નરે પ્રમુખને પૂછ્યું, કે તેઓ થોડા જ કલાકોમાં આટલા બધા લોકોને કેવી રીતે મળે છે, તે પોતાને સમજાતું નથી. પ્રમુખ તો ભોજન સમય સુધીમાં જ બધા મુલાકાતીઓને મળી લે છે, જ્યારે હું ઘણીવાર અર્ધી રાત સુધી મારી ઓફિસમાં બધાંને મળ્યા કરું છું. કુલીજે કહ્યું : ‘હા, તેમ બનવાનું કારણ એ છે કે, તમે બધાં સાથે વાત કરો છો, હું બધાને શાંતિથી સાંભળું છું.’

[10] મહાન

વિયેટનામમાં ગયેલ અમેરિકન સૈનિક બી. કીથ કોસીએ એક હૃદયસ્પર્શી વાત લખી છે. કોસી અને એનો એક મિત્ર સૈનિક વિયેટનામનાં એક ખખડી ગયેલ દવાખાનાના મકાન પાસે બેસીને લંચ લઈ રહ્યા હતા. ખાણું પૂરું થવા આવ્યું ત્યારે તેમની નજર થોડે દૂર બેઠેલ એક ખખૂડી મખૂડી છોકરા ઉપર પડી. તેમની સામે જ તે જોઈ રહ્યો હતો. તેની ઉંમર અગિયાર-બાર વર્ષની હતી, અને અપોષણથી તે પીડાઈ રહ્યો હતો. કોસીને ખ્યાલ આવી ગયો કે તે ભૂખ્યો હતો, પરંતુ તે કશું માંગતો નહોતો – માત્ર મૈત્રીભરી નજરે તાકી રહ્યો હતો.

કોસીના મિત્રે, તેને નજીક બોલાવ્યો. ખાવાનું તો ખતમ થઈ ગયું હતું. પાછળ માત્ર એક ગોળ ચોકલેટ વધી હતી. છોકરાના હાથમાં એ ચોકલેટ તેમણે મૂકી. કશું જ બોલ્યા વિના છોકરાએ એનો સ્વીકાર કર્યો. ખૂબ જ જાળવીને ચોકલેટના ત્રણ સરખા ટુકડા તેણે કર્યા. તેમાંથી, એક કોસીના હાથમાં અને બીજો તેના મિત્રના હાથમાં મૂકીને તેણે સ્મિત કર્યું અને ત્રીજો ટુકડો લઈને, માથું નમાવીને તે ચાલ્યો ગયો.

[કુલ પાન : 213. કિંમત રૂ. 140. પ્રાપ્તિસ્થાન : મીડિયા પબ્લિકેશન. 103-4, મંગળમૂર્તિ, કાળવા ચોક, જૂનાગઢ-362001. ફોન : +91 285 2650505. ઈ-મેઈલ : media.publications@gmail.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચાલ સખી… – અરવિંદ ટાંક
શાંતિનો સીધો મારગ – ડૉ. શરદ ઠાકર Next »   

19 પ્રતિભાવો : હૈયું-મસ્તક-હાથ – ભદ્રાયુ વછરાજાની

 1. સુંદર સંકલન્

  નં ૧૦ સૌથી સરસ

 2. dhiraj says:

  “હૈયું-મસ્તક-હાથ”
  જાણે કોમ્પ્યુટર ની સ્ક્રીન પર ફૂલો વેરાયેલા પડ્યા છે

  આવાજ એક એક ફૂલો ચૂંટી ને હું મારા ઘર ને બગીચો કરી શકું તે પ્રાર્થના

 3. Jigar Bhatt says:

  ખુબજ સરસ સંકલન!!!!

  ‘આટલો મૂલ્યવાન હીરો મને આપી દઈ શકે એવું તમારું હૃદય મને મળે તેવું કરો.’ – સતપુરુષનાં સંગ વિના આવુ હૃદયભાવના આવવી શક્ય જ નથી.

  મહાનતા કોઈ તાકાત વાળા કે અમીરોની જાગીર નથી એ વાત નાના ગરીબ છોકરાએ સાબીત કરી દીધુ.

 4. જગત દવે says:

  [2] ગુરુની બિલાડીઃ

  આપણે સહું આજે પ્રાર્થનાં (ઈશ્વર) કરતાં ‘બિલાડીઓ’ પર વધારે ધ્યાન આપીએ છીએ તેવું નથી લાગતું?

  સચોટ ઊદાહરણ.

 5. Chintan says:

  ખુબ સરસ સંકલન..નાની નાની પણ એક્દમ જીવનપ્રેરક વાતો રજૂ કરવામા આવી છે.

 6. અશોક જાની 'આનંદ' says:

  ખુબ સરસ, દરેક દ્ષ્ટાંત પ્રેરક…!!!!, જગતભાઇ, સાચી વાત છે, આપણે ‘ બિલાડી’ તરફ જ વધુ ધ્યાન આપ્યું છે.

 7. Pinky says:

  Wonderful. Thank you .

 8. Navin N Modi says:

  (5) માનુષી ભૂલ
  આ વાતમાંની માનુષી ભૂલ હતી ‘અહંકાર’

 9. nayan panchal says:

  શાંતિથી મમળાવવા જેવા પ્રસંગો.

  ખૂબ આભાર,
  નયન

 10. Harish S. Joshi says:

  ” ૈયુ-મસ્તક-હાથ્”……વાન્ચ્વા અને વસાવ્વા જેવુ પુસ્તક તેના ” ટ્રેલર ” પર થિ જનાય છે.ભાઈ ભદ્રાયુ વછ્રાજાનિ એ બહુજ્
  માર્મિક અને પ્રભાવિ શૈલિ મા જે દ્રુશ્તાન્તો આપ્યા તે તો ….” ગાગર મા સાગર ” જેવુ અનુભવાય છે.હર્દિક અભિનન્દન્.

 11. Veena Dave. USA says:

  વાહ, ખુબ સરસ.

 12. Very good but the last one “MAHAN KAUN” is the best..
  It is a true none fiction and top of that little poor boy share with others.
  What more one can say? SUPERB !!

 13. gopal says:

  સરસ શબ્દ પણ વામણો લાગે એટલુઁ સુઁદર

 14. શ્રી ભદ્રાયુ ભાઈ,
  ખુબ જ સરસ સન્કલન કરેલુ છે. મારી સન્સ્થા માટે ૫ કોપી મગાવવી છે .તો મોકલવા વિનન્તિ .
  I will pay through cheque to your bank account, pl send me a / c no.and name of the bank.
  આભાર્.

 15. TUSHAR VYAS says:

  સરસ

 16. Rachana says:

  +તમે બધાં સાથે વાત કરો છો, હું બધાને શાંતિથી સાંભળું છું…..ખુબજ સરસ…બધાજ સંકલનો અમુલ્ય,વીચારવા જેવા…

 17. ketan shah says:

  મહાન્
  share each n everyting in life

 18. Rajni Gohil says:

  નાની નાની વાતો ગાગરમાં સાગરની માફક ઘણૂં શિખવી જાય છે. આવી જીવનપ્રેરક વાતો ખૂબ જ આવકારવા દાયક છે. અને એનો બોધપાઠ જીવનમાં ઉતારવા જેવો છે. સુંદર સંકલન બદલ ભદ્રાયુભઇ વછરાજાની ને અભિનંદન.

 19. aniket telang says:

  ખુબ સરસ, દરેક દ્ષ્ટાંત પ્રેરક…!! – અનિકેત તેલન્ગ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.