શાંતિનો સીધો મારગ – ડૉ. શરદ ઠાકર

[ ‘ડૉક્ટરની ડાયરી : ભાગ-3’માંથી સાભાર. આપ ડૉ. શરદભાઈનો આ નંબર પર +91 9426344618 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

જાવું બહુ કઠિન છે, કાગળ સુધી તો જા,
તળની મમત ન રાખ, પ્રથમ જળ સુધી તો જા.

આબુના ભયંકર ખતરનાક અને છતાં પણ રમ્ય ઢોળાવો પર રમકડાંની જેમ સરકતી જતી કાર આખરે એક આશ્રમ પાસે આવીને ઊભી રહી. ફટાફટ દરવાજા ઊઘડ્યાં અને અંદરથી ‘અમે બે, અમારાં બે’ની જાહેરાતના ચિત્રમાં હોય છે એવું નાનું, ચાર જણાંનું બનેલું, સુખી કુટુંબ નીચે ઊતરી પડ્યું. પુરુષ, સ્ત્રી અને બે બાળકો. પુરુષે આશ્રમના બગીચાને પાણી પાઈ રહેલાં માળીને પૂછ્યું : ‘સચ્ચિદાનંદજીનો આશ્રમ આ જ છે ને ?’
‘હા.જી.’ માળીએ વિવેકપૂર્વક જવાબ આપ્યો : ‘પધારોને ! માતાજી અંદર જ છે.’

હા, સચ્ચિદાનંદજી એ કોઈ સંતપુરુષ નહોતાં, પણ સ્ત્રી હતાં, સાધ્વીજી હતાં. સત ચિત અને આનંદના સરવાળાને સ્ત્રીલિંગ કે પુંલિંગ નથી હોતું, હોઈ પણ ન શકે. એ તો મનની અંદર વ્યાપ્ત પવિત્ર આનંદની સમાધિ અવસ્થા છે. માળીએ પ્રેમપૂર્વક મહેમાનોને આવકાર આપ્યો અને અંદરના મોટા ખંડમાં દોરી ગયો. પરસેવાથી રેબઝેબ ચારેય જણાં ઠંડુ પાણી પીને જરા સ્વસ્થ થયા.
‘કહાં સે આતે હો ?’ માતાજીએ શિષ્ટ અવાજે શરૂઆત કરી.
‘ગુજરાતસે.’
‘તો આપણે ગુજરાતીમાં વાત કરીએ.’ માતાજી હસ્યાં : ‘હું પણ જન્મે ગુજરાતી છું. તમારું નામ ?’
‘પ્રશાંત.’
‘શું કરો છો ?’
‘ડૉક્ટર છું. એમ.એસ. થયો છું. જનરલ સર્જરીમાં માસ્ટર ડીગ્રી મેળવેલી છે. પ્રાઈવેટ સર્જીકલ હોમ ધરાવું છું. આ મારી પત્ની છે. આ બાબો છે, નાની છે એ બેબી છે.’
‘કમાઈને બેઠા છો ?’
‘ધરાઈ જવાય એટલું. સમૃદ્ધ છું.’
‘તો પછી અહીં સુધી લાંબા થવાનું કારણ ?’
‘સમૃદ્ધ ખરો, પણ સુખી નથી. મનની શાંતિ માટે ભટકું છું. ક્યાંકથી તમારો રેફરન્સ મળ્યો, એટલે અહીં આવ્યો છું.’

સાધ્વીજી હસ્યાં. ડૉક્ટર સામે નજર નોંધીને જોયું. પાંચ ફીટ દસ ઈંચની હાઈટ, મજબૂત દેહકાઠી, મોંઘાદાટ પેન્ટ-શર્ટ, પ્રેમિકા જેવી પત્ની, રમકડાં જેવાં બાળકો અને આશ્રમના ઝાંપા પાસે પડેલી રૂપકડી કાર ! સુખ તો આટલામાં જ પરખાઈ આવતું હતું. સમૃદ્ધિ ઘરે હશે. પણ શાંતિ ? મનનું ચેન ? ચિત્તનો આનંદ ? એ તો આદમીની અંદર વસતો હોય, એને પારખવો શી રીતે ? સાધ્વીજીએ નજરને ધારદાર બનાવી. ડૉક્ટરના મગજના પોલાણમાં ઉતારીને પાછી ખેંચી લીધી. માણસ સાચો લાગ્યો, સાત્વિક પણ…..! ખરેખર એને શાંતિની ઝંખના હતી અને જબરજસ્ત હતી.
‘ખરેખર શાંતિ મેળવવી છે ? હું મેળવી આપું એવી !’
‘હા. પણ મારા દિલને એનાથી સમાધાન મળવું જોઈએ.’
‘હું કહું એમ કરવું પડશે. છે તૈયારી ?’
‘કસોટી કરી જુઓ. માથું માગો તો એ પણ ઉતારી દઉં.’ ડૉક્ટરે કમળપૂજા કરવાના અભિનય સાથે કહ્યું.
‘તો ચાલો, ઊભા થાવ. તમારી ગાડી ભલે અહીં જ રહી. આપણે બીજી ગાડીમાં જઈએ છીએ.’
‘પણ ક્યાં ?’
‘નીચે. આબુ રોડ.’ આટલું કહીને માતાજી ઊભાં થયાં. બીજા એક ભક્ત ગાડી લઈને થોડી વાર પહેલાં જ એમને મળવા માટે આવ્યા હતા. એમની ગાડી ઉછીની લીધી. એમનો ડ્રાઈવર પણ માંગી લીધો. ‘હમણાં જ આવું છું.’ કહીને નીકળી પડ્યા. સીધા જઈ પહોંચ્યા આબુરોડની એક રેડીમેઈડ કપડાની દુકાનમાં. દુકાનદારને હુકમ કર્યો : ‘એક જોડી ઝભ્ભો-લેંઘો આપ.’ પેલો માતાજીને ઓળખતો હતો. એમની કાર્યપદ્ધતિને પણ ઓળખતો હતો. એટલે સૌથી સસ્તો, ઘરાકોના હાથમાં ફરીને ચોળાઈ ગયેલો, મેલોદાટ ઝભ્ભો-લેંધો કાઢી આપ્યો.

‘ડૉક્ટર, અંદરની ઓરડીમાં જઈને કપડાં બદલી આવો. તમારા કિંમતી શર્ટ-પેન્ટ અહીં જ મૂકી દો અને આ પહેરી લો.’
‘કેમ, એનાથી શું વળશે ?’
‘એ ધીમે ધીમે સમજાશે.’ માતાજી મર્માળુ સ્મિત કરી રહ્યાં હતાં. ડૉ. પ્રશાંતે આદેશનું પાલન કર્યું. ઓરડીના અરીસામાં જોયું તો હસવાનું પણ ભૂલી ગયા. આ કપડામાં એમનું તેજ, ડૉક્ટર તરીકેનું ગૌરવ, એમની આભા બધું જ ઓસરી જતું હતું.
‘હવે ?’
‘હવે અમે જઈએ છીએ આશ્રમ તરફ ગાડીમાં બેસીને, તમારે અહીં જ રહેવાનું છે. સાંજ સુધીમાં આશ્રમ ઉપર આવી જજો. મને ખબર છે કે તમારું પાકીટ તમારી પત્ની પાસે પડ્યું છે. તમારે ઘડીયાળ, વીંટી કે ચેઈન વેચવાના નથી. કોઈની પાસેથી ઉછીના પૈસા માંગવાના નથી. તમે ડૉક્ટર છો એવી ઓળખાણ કોઈને આપવાની નથી. તમારી પાસે બે કલાકનો સમય છે. જો તમે એટલા સમયમાં આવી નહીં પહોંચો તો ખોટી માથાકૂટ પડતી મૂકજો. હું તમારી ગાડી અને પરિવારને અહીં મોકલી આપીશ. સીધા અમદાવાદ જવાનો રસ્તો પકડી લેજો. શાંતિ નામનું સ્ટેશન તમારા જેવા પ્રવાસી માટે નથી એમ સમજી લેજો.’ માતાજી કોઈ ગુરુ જેમ શિષ્યની આકરી કસોટી કરે એમ ડૉક્ટરની સામે બીજી વાર જોયા પણ વગર ગાડીમાં બેસીને સડસડાટ ઊપડી ગયાં.

ડૉક્ટર હતપ્રભ બનીને જોતા રહ્યાં. દુકાનદારે લાકડી ઉપર બાંધેલું કપડું ઝાટકીને માંખો ઉડાડવાનો અભિનય કર્યો. ઈશારો ખુલ્લો હતો : ‘દુકાન આગળથી ટળો. હવા આવવા દો. અહીં શું ભિખારીની જેમ ઊભા રહ્યા છો ?’ હા….! ભિખારી જ ! ડૉ. પ્રશાંતના પેટમાં આંતરડાનું બુમરાણ ઊઠ્યું. કકડીને ભૂખ લાગી હતી. સવારનું કશું ખાધું ન હતું. મનમાં હતું કે માતાજીનાં આશ્રમે જઈને પેટપૂજા કરીશું. પણ માતાજીએ તો ભારે કરી. કપડાં ઉતારી લીધાં. પાછું કોઈની પાસેથી ઉધાર માંગવાની પણ મનાઈ કરતાં ગયાં.

અચાનક એમના મગજમાં વિચાર ઝબક્યો. ઉધાર માગવાની મનાઈ છે, પણ માગવાની ક્યાં ના છે ? તરત જ મનમાંથી બ્રેક લાગી, માગવું એ તો ભીખ કહેવાય. તો શું કરવું ? પદયાત્રા શરૂ કરી દેવી ? ભૂખ્યા પેટે બળવો કર્યો. પગ કરતાં હાથને તકલીફ દેવી બહેતર રહેશે. ભીખ તો ભીખ, અહીં કોણ પોતાને ઓળખવા નવરું બેઠું છે ? ડૉક્ટરે આજુબાજુ નજર દોડાવી. સામે મંદિરના પગથિયાં પાસે પાંચ-સાત ભિખારીઓ બેઠા હતા. ગંદા, ફાટેલા કપડાં પહેરેલાં, વધેલી દાઢીવાળા, નિસ્તેજ ચહેરાવાળા, અપંગ, જુગુપ્સા ઉત્પન્ન થાય એવા…! ડૉક્ટરે વધુ વિચાર કરવાનું માંડી વાળ્યું. ભિખારીઓની વચ્ચે જઈને ગોઠવાઈ ગયા. આવતા-જતા શ્રદ્ધાળુઓ સામે હાથ લાંબો કરીને ભીખ માટે યાચના કરી.
‘શું છે ?’ એમનો કલીનશેવ્ડ ચહેરો અને આંખ પરના સોનેરી ફ્રેમના ચશ્માં જોઈને એક પુરુષે પૂછપરછ કરી.
‘પૈસાની જરૂર છે.’
‘શરમાતો નથી ? ગળામાં સોનાની ચેઈન છે, હાથમાં વીંટી અને ઘડિયાળ છે. મારા બેટા ભીખ માગીને દાગીના પહેરે છે અને અહીં સોનું જોવાના સાંસા છે ! શું જમાનો આવ્યો છે ?’ બબડતો બબડતો પેલો પગથિયા ચડી ગયો. કદાચ આજે એ ભગવાન પાસે હાથ જોડીને માગણી પણ આવા નસીબદાર ભિખારી થવાની જ કરવાનો હશે.

ડૉક્ટરે બીજી જ મિનિટે શરીર ઉપરનો તમામ શણગાર ઉતારીને ઝભ્ભાના ખિસ્સાને હવાલે કરી દીધો. પણ ચહેરા ઉપર ઝલકતી સુંવાળપને ક્યાં સંતાડવી ? ભિખારીનો અભિનય અસલી ભિખારીઓની પંગતમાં તો નહીં જ જામે એમ સમજીને એ ઊભા થઈ ગયા. બાજુમાં થોડે દૂર પાનનો ગલ્લો હતો, ત્યાં જઈને ગલ્લાવાળાને આજીજી કરી, ‘બોસ, વખાનો માર્યો હું વધુ કંઈ કહી શકું એમ નથી. ઉપર સુધી જવા માટેનું ભાડું આપ. તારો ઉપકાર કદી નહિ ભૂલું.’
પણ પાનવાળો પીગળ્યો નહીં. ભિખારીઓ એણે કરેલા ઉપકારને યાદ રાખે એ બાબતમાં એને ખાસ રસ જેવું લાગ્યું નહીં હોય. બહુ બહુ તો એણે મફત પાન બનાવી આપવાની ઓફર કરી. પણ એ વાત ડૉક્ટરને મંજૂર નહોતી. પાન ખાતાં ભિખારીને તો કોઈ પૈસોયે ના આપે ! સમય સરકી રહ્યો હતો. ડૉક્ટર એક અવળવાણી જેવો પડકાર હારી જવાની અણી પર હતા. ભીખ માગવી અને મેળવવી પણ કેટલી મુશ્કેલ વાત છે એ આજે સમજાયું. એમણે હવે શરમ સાથે છુટાછેડા લઈ લીધા. રસ્તા ઉપર ચાલતા એક એક માણસને રોકીને રૂપિયા માગવાનું શરૂ કર્યું. છેવટે એક જણ હરિનો લાલ નીકળ્યો. એમને સાવ ભિખારી માનીને નહીં, પણ સંજોગોનો શિકાર બનેલા ગૃહસ્થ સમજીને વીસ રૂપિયા આપી દીધા.

ડૉક્ટરની આંખમાં આંસુ આવી ગયા. રૂપિયાનું આ મૂલ્ય છે ? પેશન્ટની પલ્સ પર અડધી મિનિટ હાથ મૂકીને એ સો-દોઢસો રૂપિયા કમાઈ લેતા હતા. એકાદ કલાકનું ઓપરેશન દસ-પંદર હજાર રૂપિયા તાણી લાવતું હતું. પૈસો એમની પાસે બહુ સરળતાથી આવતો હતો. પણ એ તો એમની પાસે ! એ જેમની પાસેથી આવતો હતો એમનું શું ? એમના અસંખ્ય દર્દીઓ ગામડાંના હતા. ગરીબ હતા. એમણે આપેલી નોટોમાં પરસેવાની ભીનાશ હતી. એ ભીખ નહોતી, મજૂરી હતી અને ભીખ કરતાં મજૂરીની ટંકશાળમાં બહાર પડતી કરન્સી વધુ મોંઘી હોય છે. આ વાત આજે સમજાણી. એક ટેક્સીવાળો જોરજોરથી ઘરાકોને ખેંચી રહ્યો હતો : ‘એક સવારી કે બારહ રૂપયે…. એક સવારી કે બારહ રૂપયે !….’ ડૉ. પ્રશાંતે ગણતરી કરી જોઈ. ભાડું કાઢતાં આઠ રૂપિયા વધતા હતા. એટલામાં પેટ ભરીને નાસ્તો પણ થઈ જાય. પણ કોણ જાણે કેમ. હવે ‘ભૂખ’ મરી ગઈ હતી. વધારાના આઠ રૂપિયા મંદિરની બહાર બેઠેલાં ‘જાતભાઈઓ’માં વહેંચીને એ ટેક્સીમાં ગોઠવાઈ ગયા. સવારી ‘પેક’ થઈ ગઈ એટલે ડ્રાઈવરે ગાડી ઉપાડી. થોડી જ વાર પછી ડૉક્ટર મા સચ્ચિદાનંદની સન્મુખ બેઠા હતા.

માતાજીએ વહાલપૂર્વક એમની સામે જોયું. પ્રસાદની થાળી મંગાવીને આગ્રહપૂર્વક ભોજન કરાવ્યું. પાણી પાયું. પછી શાંતિથી પૂછ્યું : ‘બેટા, કંઈ ફરક જેવું લાગે છે ?’
‘હા, મા ! મનમાંથી અહંકાર ઓગળી ગયો. મારો પૈસો તો મારી ડીગ્રીને આભારી છે, મારી ચમક-દમકને આભારી છે. મારા કપડાંને આભારી છે. મારી ઓળખમાંથી આ બધું કાઢી નાખું તો બાકી શું રહે છે ? ઊભી બજારે એક કલાક સુધી અથડાયા કરું તો યે કોઈ આ દેહને એક રૂપિયો પણ આપતું નથી.’
‘બેટા, દુનિયાની કડવી વાસ્તવિકતા જોઈ લીધી ને ?’
‘જોઈ લીધી, મા…..!’
‘તારા માટે ભીખ માગી એવી બીજા માટે માગી શકાશે, બેટા ?’ માતાજી ધીમે ધીમે વાતનાં મર્મ તરફ આવી રહ્યાં હતાં.
‘એટલે ?’
‘છોડી દે આ માયા તમામ ! તારી જે દશા આ એક કલાક દરમ્યાન હતી, એવી જ દશા, એના કરતાં પણ વધુ દયાજનક, વધુ ક્ષોભજનક સ્થિતિ આ દેશના એંશી ટકા લોકોની છે. ઈશ્વરે તારા હાથમાં જાદુ મૂક્યો છે. એ કુદરતની કૃપાને કમાણીનું સાધન બનાવવાનું બંધ કરી દે. તારા ઈલમને છુટ્ટો મેલી દે. ચેરીટેબલ હોસ્પિટલ શરૂ કર. સાવ પડતર ભાવે સારવાર, ઓપરેશન કરવાનું ચાલુ કર. પૈસા ખૂટે તો તવંગરોની પાસે જઈને હાથ લાંબો કરજે. આ જગત માત્ર ભિખારીઓથી જ ભરેલું નથી. એમાં જગડુશા જેવા દાતાઓ પણ વસે છે. તું મારી પાસે શાંતિની ખોજમાં આવ્યો હતો ને ? જા, તને મારાં આશીર્વાદ છે. તું ગરીબ દર્દીઓને તનની શાંતિ આપ. તારા મનની શાંતિનું મૂળ એમાં જ પડેલું છે.’ માતાજીએ હથેળી ઊંચી કરી. ડૉ. પ્રશાંત પ્રણિપાતની મુદ્રામાં ઢળી પડ્યા.

આ લેખ એ મારી કવિકલ્પના નથી. આ માની ન શકાય એવી વાત જ્યારે તમે વાંચી રહ્યા હશો, બરાબર એ જ સમયે ડૉ. પ્રશાંતનું અદ્યતન ચેરીટેબલ દવાખાનું અમદાવાદના ધરણીધર દેરાસર વિસ્તારમાં શુભારંભ પામી રહ્યું હશે. તાલુકાના શહેરમાં આવેલી એમની ખાનગી, ધીકતી પ્રેક્ટીસ એમણે બંધ કરી દીધી છે. આખા પરિવારે જિંદગીની જાહોજલાલી જોઈ લીધી છે, હવે ફકીરીનો માર્ગ સ્વીકાર્યો છે. એમની પત્ની રાજીખુશીથી એમની પાછળ જ છે, અદ્દલ એ જ રીતે જે રીતે આજથી બાર વર્ષ પહેલાં લગ્નની ચૉરી ફરતે ચાર ફેરા ફરવામાં પતિની સાથે હતાં.

આજે એક વાત મારા ડૉક્ટર મિત્રોને પણ કહેવી છે. ગુજરાતભરના જુનિયર-સિનિયર તબીબોએ ‘ડૉ.ની ડાયરી’ને ખૂબ ખૂબ પ્રેમ આપ્યો છે. એટલે જ મારા મનમાં પડેલી વાત એમની આગળ રમતી મૂકું છું. જિંદગીના દસ, વીસ કે ત્રીસ વર્ષ ભલે નોટો છાપવામાં ગાળી દો, દુકાનો ખોલો કે પોલીકલીનિકના અડ્ડાઓ ચલાવો, પણ ઓડકાર આવી ગયા પછી તો કંઈક વિચારો ! પ્રત્યેક શહેરમાં કમ સે કમ એક તો એવો મર્દ પાકે જે આપણી જમાતને ઊજળી દેખાડી બતાવે. એમ ન માનશો કે નિશાન ફક્ત તમારી જ દિશામાં નોંધાયેલું છે, હું પણ તમારી વચ્ચે જ ઊભો છું. બાપદાદાની બાંધેલ ડહેલી, એક મેડીબંધ હોલ હવેલી, ગામની ચિંતા ગોંદરે મેલી, સૌ સૂતાં હોય એમ કાં લાગે ? આપણામાંથી કો’ક તો જાગે ! (જેને જાગવું હોય એ મારો સંપર્ક કરી શકે છે, બાકી ઊંઘવું જ હોય તો બિછાનાં ક્યાં કમ છે ? હા, પૈસો પથારી આપી શકે છે, ઊંઘ નહીં.)

[કુલ પાન : 323. કિંમત રૂ. 170. પ્રાપ્તિસ્થાન : પાર્શ્વ પબ્લિકેશન. નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-380001.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હૈયું-મસ્તક-હાથ – ભદ્રાયુ વછરાજાની
મારું ઘડતર – એ. પી. જે. અબ્દુલ કલામ Next »   

54 પ્રતિભાવો : શાંતિનો સીધો મારગ – ડૉ. શરદ ઠાકર

 1. gopal says:

  અહમ નો અઁચળો ઉતારવો એ સહેલી વાત નથી, ડોકટરને સલામ

 2. ખુબ સરસ પૈસો પથારિ આપિ શકે ઉઘ નહિ

 3. rutvi says:

  દુનિયા ની કડવી વાસ્તવિક્તા…..એ જ કે માણસ ના સ્વભાવ કરતા વધારે તેની ડીગ્રી જોવાય છે…અને એમા સંસ્કારઘડતર બાજુપર રહી ને ખાલી શાળા મા ઉચ્ચ ક્રમાંકે કેમ પાસ થવાય તે જ શીખવાડાય છે….આમાથી પાછા આવવુજ રહ્યુ….

 4. SANDEEP PATEL says:

  ખુબ સરસ…………..લોક્સેવા મા મન નેી શાન્તિ

 5. DHIREN says:

  The article itself shows the class and selection of READ GUJARATI.

  Very very nice story and how we can thank doctor sharad thakar saheb for writing such article and teaching

  the way of living life.
  BEST INDIAN REGARDS
  DHIREN

 6. લગભગ આપણા બધાનું માનવું છે કે સુખ આવે એટલે શાંતિ આપોઆપ આવી જાય…પણ એવું ક્યારેય નથી હોતું……!

  ડોકટર એમના સેવાયજ્ઞમાં સફળ થાય તેવી શુભેચ્છાઓ.

 7. ketan shah says:

  its really nice story.i lik meet this doctor.

 8. gujarati says:

  સરસ લેખ,
  આ વાત એકલા ડો. ને જ લાગુ નથી પડતી, પણ જો સમાજ ના બધા જ વર્ગ ના લોકો આ રીતે વર્તે તો ભારત માથી જ નહિ દુનીયા માથી ગરીબી શબ્દ જ નિકળી જાય.

 9. dhiraj says:

  શરદભાઈ ઠાકર ના લેખ ઉત્તમ વિચારો થી ભરપુર હોય છે
  આભાર

  આ લેખ ફક્ત ડોક્ટર માટે જ છે?
  ના
  શિક્ષકો, ઇજનેરો , વેપારીઓ દરેક વિચારો

  આપણે ક્યારે ઓડકાર કહીશું ?

 10. Jigar Bhatt says:

  “Lord Buddha left his palace in search of peace and we all are in search of a palace at the cost of peace”.

  આજ ના જમાના માં કોઈ ને પણ સુખી જીવન અને શાંતિ મેળવવી હોય તો સાચા શાંતિના અનુભવી પાસેજ જવુ પડે છે.

 11. Sonia says:

  આવું તો બહુ ઓછા લોકો કરી શકે છે. આપણી આજુ-બાજુ આપણે જ બધી મોહ-માયા ના જાળા ગુંથીએ છીએ પછી એમાં થી બહાર નીકળવા માટે ફાંફા મારીય છીએ….
  ડો. શરદ ઠાકર ની વાર્તાઓ પહેલે થી વાંચીએ છીએ….સાદી પણ સુંદર ઘટના અહીં આપવા બદલ આભાર! 🙂

 12. જગત દવે says:

  મધ્યમ અને ગરીબ વર્ગનાં પરિવારો માટે એક સામાન્ય બિમારી પણ આજે તેમનાં આખા વર્ષનું બજેટ ખળભળાવી મુકે છે. ત્યારે આવા સેવાભાવી અભિગમની દરેક ક્ષેત્રમાં જરુર છે. શિક્ષણ, તબીબી, વકીલાત નાં ક્ષેત્રોમાં ખાસ. કા. કે. આજે આ ત્રણેય વ્યવસાયો તેમની ‘ઊપરની આવક’ માટે જાણીતા છે અને આજે ત્રણેય ક્ષેત્રો તેમનો સામાજીક આદર ગુમાવી રહ્યા છે ત્યારે ‘ઊપરની આવક’ મેળવ્યા પછી જીવનમાં ‘ઊપર ઊઠવું’ પણ એટલું જ જરૂરી છે.

 13. hardik says:

  ડૉ. શરદભાઈ ને સલામ અને ડૉ પ્રશાંત ને સલામ.

  હમણાં બહુ કિસ્સા સાંભળ્યા જેમાં થી ડૉક્ટર પ્રત્યે નૉ વિશ્વાસ ઉઠી જાય.

  ડૉ પ્રશાંત જેવાં જ એક ડૉક્ટર છે નયન ધારૈયા, ધરણીધર આગળ જ. ફરક એટલૉ કે એ પહેલે થી સ્કુટર પર ફરે છે.

 14. Chintan says:

  ખુબજ વિચારપ્રેરક વાત કહી છે આ લેખમાં..એક વિકસિત અને આદર્શ સમાજ ઘડતર માટે આજનો યુવાવર્ગ આ વાત જેટલી ઝડપથી સમજે અટલુ સરસ છે.
  આભાર.

 15. harikrishna patel says:

  dr sharad bhai you are amazing. thanks for mind boggling article.i myself a dentist also looking for this kind of road.

 16. અશોક જાની 'આનંદ' says:

  વ્યક્તિનું બાહ્ય રૂપ કેટલું ગેરમાર્ગે દોરી શકે ?? ધીરજભાઇની સાથે સહમત છું, આપણે કોઇ પણ ક્ષેત્રમાં હોઇએ એક દિવસે તો બધાંએ ઓડકાર ખાવો જ રહ્યો નહીં તો અતિઆહારની જેમ અતિ સમ્રુદ્ધિથી આપણુ આત્મિક મ્રુત્યુ થવાની પુરી શક્યતા છે.

 17. maitri vyas says:

  ખુબ સુન્દર્.સત્વિક્.

 18. Janakbhai says:

  Salute to Prasantbhai.

 19. Pinky says:

  Congratulations doctor P. May god give you strength to continue on this path.

 20. nayan panchal says:

  ક્યાંક તો લાઈન દોરવી જ રહી. યુવાનીના ઉન્માદમાં માણસ પૈસા પાછળ દોટ મૂકે તે સમજી શકાય એમ છે, પરંતુ અમુક અવસ્થા પછી કે અમુક લક્ષ્ય પ્રાપ્તિ પછી ધ્યેય બદલવો જ રહ્યો, બીજાના માટે નહિ પરંતુ આપણા પોતાના માટે.

  ખૂબ જ સરસ લેખ. આભાર,

  નયન

 21. જીતેન્દ્ર તન્ના says:

  ખૂબ જ સરસ લેખ.

 22. Harish S. Joshi says:

  આવી સુન્દેર સત્ય ઘટના થી પ્રેરિત થઇ દરેક ગામ કે શહેર ના બે-પાન્ચ ટકા ડોક્તર પણ પ્પ્રેરણા લે તો આપ્ણો દેશ જરુર્
  મહાન બનિ જાયે.અને ખાલિ ડોક્તર જ નહિ પણ અન્ય ક્શેત્રો ના લોકો પણ પ્રેરિત થ્ઇ સુખ્-શાન્તિ પામ્શે.

 23. Speechless !!! Just Shardbhai. Now no.Dr.
  PREACHING AND PRACTICE are two diffrent thing. Rare soul can apply to their life.
  Dr.Prashant is one of them and for that hats off to him, for all the good deeds for menkind.

 24. Veena Dave. USA says:

  WOW.

  મા. શ્રી ઠાકર સાહેબની સત્ય વાતો હંમેશા સારી અને હકારાત્મક જ હોય.
  આભાર.

 25. Amzing, really inspiring “Doctor ni diary”. Just reat at the right stage of my life . cheers!

 26. ડોકટર ની ડાયરી અને શરદ ઠાકર હોય એટલે કહેવું જ શું?

  બુધવારે તો દિવ્ય ભાસ્કર માં ડોકટર ની ડાયરી વાંચ્યા વગર ચેન નથી પડતું.

 27. Parul says:

  ખુબજ સરસ લેખ.

 28. ઈન્દ્રેશ વદન says:

  I wonder why readgujarati publishes Dr. Thaker’s articles only every six months and not six weeks?
  Last one was published on Jan 10, 2010 and before that it was on July 26, 09.

  Dr Thaker has written innumerable amazing articles, and it would just help readgujarati to increase the size of their quality collection.

 29. જય પટેલ says:

  સત્ય ઘટના પર આધારિત ટૂંકી વાર્તા પ્રેરણાત્મક.

  જિંદગીના દસ..વીસ..કે ત્રીસ વર્ષ ભલે નોટો છાપવામાં ગાળી દો….પણ ઓડકાર આવી ગયા પછી
  કંઈક વિચારો…!!!

  પ્રસ્તુત વિચારાધારા દાક્તરને પ્રજાનું શોષણ કરવાનો છૂટો દોર આપે છે…ઓડકાર આવતાં સુધી.
  જિંદગીના ત્રીસ વર્ષ પ્રજાનું લોહી ચૂસવામાં દાકતર ( યમરાજ ) મહાશયે કોઈ કસર છોડી ના હોય અને ઓડકાર
  આવશે તેવી કોઈ શક્યતા વાસ્તવિક દૂનિયામાં હોતી નથી….ભાગ્યે જ કોઈ વિરલો ભેખ ધરે છે.
  આજના ગુજરાતમાં હાઈ-ફાઈ રૂગ્ણાલયો શરૂ થયા છે જ્યાં ગરીબો માટે પ્રવેશ નિષેધ છે..(પહોંચ બહારની ફી )
  સાચો ઈશ્વરનો પ્રતિનીધી ચિકીત્સા માટે યોગ્ય કિંમત માગે તે સીધી સાદી વાત છે પણ આજે ડોકટર થતાં સુધીનો
  ખર્ચ પ્રજા પાસે વસુલ કરવામાં કોઈ લજ્જા નથી બલ્કે તેને પ્રોફેસનાલિઝમના વાઘાં ચડાવવામાં આવે છે…!!

  ડો. પ્રશાંતે સંત સમાગમ બાદ થયેલા હદય પરિવર્તનથી ભેખ ધર્યો અને લોકસેવાનું બીડું ઝડપ્યું ને બદલ
  ખૂબ ખૂબ અભિનંદન……આશા રાખીએ કે ડો. પ્રશાંત તેમની બિરાદરીના લોકોને ઓડકારની કક્ષાએ જતાં અટકાવશે
  તો જ પ્રજા અર્વાચીન શોષણમાંથી મુક્તિ મેળવશે.

  ડો. પ્રશાંત સ્વ પરિવર્તંનથી શરૂ થયેલી યાત્રાનો લાભ સાથી બિરાદરોને આપે તે જ અભિલાષા.
  આભાર.

  • જગત દવે says:

   જય હો !!! જયભાઈ,

   એકદમ અલગ અને વિચાર કરવા મજબુર કરે તેવો મુદ્દો વાંચકો સમક્ષ મુકવા બદલ…. જે આ વાહ…વાહીનાં પ્રવાહમાં કદાચ કોઈનાં ધ્યાનમાં ન આવત.

   ખરેખર આ રીતે તો ભ્રષ્ટ-આચરણ ને આપણે જ છૂટ આપી કહેવાય. આ ઊદાહરણ છે કે ભ્રષ્ટાચાર કેવી પ્રચ્છન્ન રીતે આપણાં સમાજમાં અનિવાર્ય અને હવે સ્વીકાર્ય પણ થતો જાય છે.

   મારા જ અભિપ્રાયને સુધારવા મજબુર થયો છું……….”આજે ત્રણેય ક્ષેત્રો તેમનો સામાજીક આદર ગુમાવી રહ્યા છે ત્યારે ‘ઊપરની આવક’ ની લાલચ છોડીને …..જીવનને ‘ઊપર ઊઠાવવું’ પણ એટલું જ જરૂરી છે.”

   શૈલેન્દ્રજી ની પંકતિઓ યાદ આવી ગઈ…….
   सहज है सीधी राह पे चलना, देख के उलझन बच के निकलना
   कोई चाहे माने न माने, बहोत हे मुश्कील गिर के संभलना

 30. Ankur Barvaliya says:

  ઉચ્ચ વિચાર..ખુબ જ પ્રેરણાદાયક….!

 31. Jatan says:

  મસ્ત લેખ હતો…..
  આવા દાક્તરો પણ હોય જ છે.
  આપણા જુનાગધ મા પણ છે…..ડો.ઝાલા સાહેબ્.

 32. tilumati says:

  વિચારક અને ઉમદા લેખ છે. આ વાત તમામને લાગુ પાડી શકાય છે કે ધરાઇ ગયા પછી બીજા માટે વિચારો.

 33. Deval Nakshiwala says:

  અદભુત વાર્તા

 34. Ghanshyam says:

  I really thank Murgeshbhi to bring such a fine and inspiring stroy.
  Thanks,
  Ghansyam

 35. Khushi says:

  really heart touching story….
  sharadbhai keep going….
  khushi….

 36. આ કથાનક માટે કોઈ શબ્દો પુરા પદડેી સકે તેમ નથેી. simply superb…

 37. hiren parmar says:

  જિંદગીના દસ..વીસ..કે ત્રીસ વર્ષ ભલે નોટો છાપવામાં ગાળી દો….પણ ઓડકાર આવી ગયા પછી
  કંઈક વિચારો…!!!

  પુરે પુરો લેખ મસ્ત ૬ પન તેમા ઉપર નુ વાક્ય સૌથિ સારુ, જો ગુજરાત ના તમામ લોકો આ સમજિ જાય તો ગુજરાત મા જરાય ગરિબિ ના રહે…………..

  • Akram says:

   First i would like to thanks to Dr. Sharad Thakkar for creating this Blog
   Hello Hiren Parmar
   I am AKRAM, I think we were working together in Sun Pharma (Tandalja) Barosda,
   I found here Hardik and also Hiren Parmar.
   If you are not that, Sorry for disturbing you.

 38. This of type thinking has spread every where ? if yes, Our country change.

 39. dr. biren joshi says:

  it’s realli fact of life money is everithing but everithing is not money
  money buy food not digestive power
  money buy bed not sleep
  thanks doctoe for encorese me

 40. rthree says:

  લેખ પતી ગયા પછી પુસ્તકની જાહેરાત લેખના મર્મ થી વિરુદ્ધ લાગે છે.

  • Gujarati says:

   એક ભાઈ મને કહેતા હતા કે એ ૩૫૦ પાનાં ની ચોપડી ૫૫ રુપિયા માં છપાવવાના છે. ખરો પ્રોબ્લેમ distribution માં થાય છે. જોકે, એ ભાઈ દરેક શહેરમાં એક વ્યક્તિને પકડીને એમને ચોપડીઓ પકડાવી દે. એ વ્યક્તિ પછી ૭૫ રુપિયામાં વેચે.

 41. MEGHA says:

  really nice……our society needs such persons.well i would like to share here my experience about Helping others. Still it works easily in gujarat….now i am far 4m gujarat and so i can see rest world….. they r very money oriented. This people should know this experience…….. u should come out of gujarat and should spread yr idea and experience……………………..

 42. payal says:

  DR. PRASHANT NI જે દશા ઍ એક કલાક દરમ્યાન હતી, એવી જ દશા, એના કરતાં પણ વધુ દયાજનક, વધુ ક્ષોભજનક સ્થિતિ આ દેશના એંશી ટકા લોકોની છે….. JO AA VAT DAREK DOCTER SAMJI JAE TO DAREK NA મનમાંથી અહંકાર ઓગળૅ……….ANE BADHANE SHANTI NO SIDHO MARG DEKHAY JAE…..

 43. Vaishali Maheshwari says:

  Good thought and an inspiring act by Prashant. I wish him all success in his future endeavors. Thank you Author.

 44. Hetal says:

  Dr. Sharadbhai Thakar no Divya Bhaskar ma vachelo aa lekh comments sathe fari vachvao khub gamyo.

 45. આવા જ એક ડોક્ટર ભુજ કચ્છ મા પણ છે , ડો. વિ કે પટેલ સાહેબ ,વરસોથી અને આજે પણ માત્ર પાઁચ રુપિયા જ ફી લે છે.

 46. Ami says:

  Thanks dr. sharad ,,
  ur each and every story says something, which is good to know,,,

 47. hitesh says:

  nice story..

  ભીખ માગવી અને મેળવવી પણ કેટલી મુશ્કેલ વાત છે એ આજે સમજાયું.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.