અનોખું દહેજ – વર્ષા બારોટ

[‘અખંડ આનંદ’ જુલાઈ-2010માંથી સાભાર. લેખિકા વર્ષાબેનનો (ડીસા, બનાસકાંઠા) આપ આ નંબર પર +91 9979747210 સંપર્ક કરી શકો છો.]

હૃદયકુંજ સોસાયટીના ખુલ્લા મેદાનમાં બે-ત્રણ સ્ત્રીઓ ભેગી મળીને ગુસપુસ કરતી હતી.
હેમલ બોલી : ‘જુઓ ને, છે કાંઈ કામધંધો એને….?’
લતાએ કહ્યું : ‘હા, જુઓને ! સવાર-સવારમાં કેવી નિરાંતે બેઠી છે તે.’ હાથના હિલ્લોળ અને હોઠના મચકોડમાં તેઓના શબ્દો ફંગોળાતા હતા હવામાં. પણ તેને એની ક્યાં તમા હતી. તાજા ખીલેલા પુષ્પની માફક એનો ચહેરો ખીલી રહ્યો હતો અને આંખો હસી રહી હતી ! ચીકુ એની મસ્તીમાં જ મસ્ત હતી. ચીકુને જોઈને જ તો એ ખીલી રહી હતી. ઉપર ગૅલરીમાં ઊભો રહીને શર્ટના બટન બંધ કરતો માનવ પણ સરયૂને જોઈને ખીલી રહ્યો હતો.

એ મનોમન બોલ્યો : ‘છે ને સાવ નિરાળી ! દુનિયાથી અલગ મારી સરયૂ ! સવાર-સવારમાં બધી સ્ત્રીઓ ફટાફટ કામ આટોપવા આખા ઘરમાં ફેરફુદરડી ફરી વળતી હોય છે ને આ સરયૂ નિરાંતે ચીકુની સાથે રમી રહી છે.’ ચીકુની સાથે માટીમાં રમતાં તેનાં કપડાં ગંદાં થાય કે પછી તેના ચહેરા પર ધૂળની રજકણો જામી જાય તો પણ એને એની પરવા નહીં. એ ખુદ જ કહેતી : ‘મારા માટે તો ચીકુની ખુશી જ સર્વસ્વ છે.’ અને એટલે જ કદાચ એ ત્રણ વરસની નાનકડી ચીકુને કે.જી.માં બેસાડવા નહોતી માંગતી.

પેલી સ્ત્રીઓ હજુ પણ ત્યાં ઊભી ઊભી અણગમાના ભાવથી સરયૂ તરફ જોઈને વાતો કરી રહી હતી. નાકનું ટેરવું ચડાવીને વાસંતી બોલી : ‘એની દીકરીને તો ભણાવતી નથી ને, ઉપરથી આપણાં બાળકોનેય બગાડે છે.’
‘હા, એનો કંઈક તો ઉપાય કરવો જ પડશે.’ લતા બોલી.
માનવ હજુ ગૅલરીમાં જ ઊભો હતો. એની નજર પેલી ત્રણ સ્ત્રીઓ તરફ ગઈ ને એ મનોમન હસ્યો, એ જાણતો હતો કે એ સ્ત્રીઓ સરયૂ વિશે શું વાતો કરી રહી હશે. ક્યારેક-ક્યારેક ઑફિસે આવતાં-જતાં એ સ્ત્રીઓ માનવને કહેતી : ‘માનવભાઈ, આ સરયૂબહેન તો સાવ ગાંડાં જ છે હોં !’
સાવ સહજતાથી માનવ હસીને પૂછતો : ‘કેમ ?’
‘સવાર-સવારમાં રોજ એ ચીકુ સાથે રમતાં હોય ને વળી સાંજે સોસાયટીનાં બાળકોને ભેગાં કરીને લખોટી, ગિલ્લી-દંડો કે પછી પકડદાવ રમતાં હોય બોલો !’
માનવ ખડખડાટ હસી પડતો ને પછી કહેતો : ‘એ છે જ બાળક જેવી સાવ પગલી !’ પેલી સ્ત્રીઓ વળતો પ્રશ્ન કરતી : ‘એમને ભણતરનું મહત્વ હોય કે કંઈ જ્ઞાન હોય એવું તો જરાયે લાગતું નથી.’
‘આજનો જમાનો તો ભણતરનો છે. અને અત્યારથી જ જો ચીકુને યોગ્ય શિક્ષણ નહીં આપો તો એ રહી જશે પાછળ.’ સરયૂના જ્ઞાનથી અજાણ એવી એ સ્ત્રીઓને શું જવાબ આપવો એની પરવા કર્યા વગર માનવ વિચારે ચડી જતો.

એ મનોમન કહેતો : પહેલી વાર જ્યારે હું સરયૂને જોવા માટે ગયો હતો ત્યારે દંગ જ રહી ગયો હતો ને એના જ્ઞાનથી ! પ્રથમ મુલાકાતમાં જ સરયૂ મને એના સ્પેશ્યલ રૂમમાં લઈ ગઈ હતી, રૂમમાં પ્રવેશતાં જ જાણે હું કોઈ પુસ્તકોના મેળામાં ન આવી ચડ્યો હોઉં એવું મને લાગ્યું હતું. પાણીનો ગ્લાસ હાથમાં ધરતાં એણે પૂછ્યું હતું, મારા શોખ વિશે. ચિત્રકલા અને ફોટોગ્રાફીના મારા શોખ વિશે જાણીને એ તરત જ બોલી હતી; ‘ઓહ… તો….તો… તમે પાબ્લો પિકાસો, વિન્સેટવાન ગોગ, રાજા રવિ વર્મા, અમૃતા શેરગીલ અને રસિકલાલ પરીખ વિશે તો ઘણું જાણતા હશો.’
હું તો એમના વિશે જાણતો જ હતો પરંતુ સરયૂ પણ જાણતી હતી એ વાત જ મારા માટે નવાઈ ઉપજાવનારી હતી. ત્રણ-ચાર કલાકની અમારી મુલાકાતમાં તો કંઈ કેટલાયે વિષયોની બારીઓ ખૂલી હતી ! ‘ભારતીય સર્જકોમાં તમે કોને કોને વાંચ્યા છે ?’ એવા મારા સવાલનો જવાબ આપતાં એ બોલી હતી : ‘ટાગોર, શ્રી અરવિંદ, વિવેકાનંદ, રજનીશજી, કાલેલકર, મૈત્રેયીદેવી ને બીજા ઘણા પણ મને વધુ સ્પર્શતા વિષય હોય તો એ ‘બૉટની’ અને ‘મનોવિજ્ઞાન’. અને એમાંય વળી રોબર્ટ બ્રાઉન્સ, રોબર્ટ હુક, મેન્ડલીફ, સિગ્મંડ ફ્રોઈડ અને અબ્રાહમ મૅસ્લોની થિયરીમાં વધુ રસ.’

હું આશ્ચર્યથી એને સાંભળી રહ્યો હતો ત્યાં જ વચ્ચે રીન્કુ દોડતો આવ્યો અને સરયૂનો હાથ ઝાલીને કહેવા લાગ્યો; ‘ફોઈ, ચાલોને બહાર રમવા ! તમે તો ક્યારનાં અહીં આવીને બેઠાં છો તે.’
‘તું જા દિકુ, હું તરત જ આવું છું અને હા એટલી વાર તું બીજાં બાળકોને પણ બોલાવી લાવ જા.’ રીન્કુ બહાર દોડી ગયો હતો. સરયૂની સાદાઈ અને સરળતા મને સ્પર્શી ગઈ હતી એટલે તરત જ મેં લગ્ન માટે હા પાડી હતી. સગાઈ પછી અમારી વચ્ચે કોઈ ખાસ પ્રસંગે કે જન્મદિવસે પુસ્તકોની ભેટ આપવી શરૂ થઈ હતી અને એટલે જ કદાચ મારા ઘરમાં ગીફટ આર્ટિકલ્સની જગ્યાએ પુસ્તકો વધુ જગ્યા રોકવા લાગ્યાં હતાં. મા અને બાપુજી પણ એ જોઈને ખુશ થતાં, કદાચ એટલે જ એમણે સરયૂના પેલા અનોખા પ્રસ્તાવને વધાવી લીધો હતો.

‘ક્યાં ખોવાઈ ગયા, માનવભાઈ ?’
પેલી સ્ત્રીઓના આવા પ્રશ્નથી વિચારોની તંદ્રામાંથી માનવ બહાર નીકળતો ને કાંઈ પણ જવાબ આપ્યા વગર એ ત્યાંથી ચાલતી પકડતો. માનવ હજુ બાલ્કનીમાં જ ઊભો હતો; મોબાઈલની રીંગે એને વિચારોમાંથી બહાર લાવ્યો. એણે સરયૂને બૂમ પાડી : ‘સરયૂ, હું જાઉં છું.’ બાલ્કની તરફ જોયા વગર જ સરયૂ બોલી :
‘હા માનવ, ટિફિન તૈયાર જ છે. લઈ જજે.’
‘ભલે સરયૂ.’
બીજી સ્ત્રીઓને સરયૂ કામ વિનાની લાગતી પણ ચીકુની સાથે સાથે એ માનવની પણ પૂરી કાળજી રાખતી એટલે એ પ્રથમથી જ માનવ માટે ટિફિન તૈયાર કરી દેતી. ટિફિન અને ઑફિસબૅગ હાથમાં લઈને માનવ નીચે આવ્યો. રેતમાં પાણી રેડીને એ રગડાને મસળતી ચીકુના ખુલ્લા વાળમાં હાથ ફેરવતાં માનવ બોલ્યો :
‘ચીકુ ! રોજની જેમ આજે પણ તારે ફરીથી નહાવું પડશે.’
‘કેમ પપ્પા ?’
‘જો માટીનો આ રગડો તારા ચહેરા પર અને ફ્રૉક પર પણ ચોંટ્યો છે.’
ચીકુ પાસે બેઠેલી સરયૂ ઊભી થતાં બોલી : ‘કેટલી બધી મજા આવતી હશે એને રમવાની નઈ ?’
‘હા સરયૂ. એ ખુદ નથી જાણતી કે એ શું કરી રહી છે પણ એના ચહેરા પર છવાઈ જતી આનંદની આ લિપિ વાંચીને ખુદ ભગવાન પણ ખુશ થતો હશે.’
‘હા, માનવ, ભગવાન ખુશ કેમ ન થાય ? આ તો અજાણતાં જ ચીકુએ ભગવાનને કરેલી પ્રાર્થના છે !’
‘હા. સાચ્ચે જ સરયૂ. ચાલ હવે હું જાઉં.’
‘ભલે માનવ.’
‘બાય ચીકુ !’
‘બાય બાય, પપ્પા.’
‘ચીકુ, ચાલો બેટા હવે ઘરે જઈએ.’ સરયૂ બોલી. ચીકુ તરત ઊભી થઈ અને પોતાના ખરડાયેલા હાથ વડે જ પોતાનું ફ્રૉક ખંખેરતાં એ ઘર તરફ જવા લાગી. ઘરે જઈને ચીકુને નવડાવી, તૈયાર કરી એને જમવાનું આપી સરયૂ લાગી ગઈ ઘરનું કામ કરવા.

બપોરનો સમય થવા આવ્યો હતો. ઘરનું બધું જ કામ આટોપીને હેમલ, લતા અને વાસંતી સોસાયટીના ચોકમાં આવેલા ઘટાદાર લીમડાના ઝાડની ફરતે બનાવેલ ઓટલા પર બેઠી હતી. એમની વાતનો મુખ્ય વિષય એટલે સરયૂ. સરયૂ ઉપર એમને ગુસ્સો આવતો, સરયૂ એમને ખૂંચતી કારણ કે રોજ સાંજે સોસાયટીનાં બાળકો ભણવાનું પડતું મૂકીને સરયૂ અને ચીકુ જોડે રમવા દોડી જતાં એટલે બધી સ્ત્રીઓને લાગતું કે સરયૂ આપણાં બાળકોને પણ બગાડે છે અને એથી જ આજે સરયૂને ઠપકો આપવાના ઈરાદે હેમલ, લતા અને વાસંતીએ સરયૂના ઘરે જવાનો નિર્ણય કર્યો હતો. વાસંતી બોલી : ‘ચાલો હેમલબહેન, આજે તો એનો ઉધડો જ લઈ લઈએ….’
‘હા… ચાલો….’
ત્રણેય ઓટલા પરથી ઊભી થઈ અને સરયૂના ઘર તરફ જવા લાગી. ચાલતાં ચાલતાં હેમલ બોલી : ‘આખો દિવસ બાળકો સાથે રમતી રહે છે તે એના ઘરમાંય શું ઠેકાણાં હશે ?’
લતા બોલી : ‘ચાલોને, આજે જોઈ લઈએ એને અને એના ઘરને.’ ત્રણેય સરયૂના ઘર આગળ આવીને ઊભી રહી. દુપટ્ટાથી પસીનો લૂછતાં લૂછતાં હેમલે ડૉરબેલ વગાડી. ડૉરબેલનો અવાજ સાંભળી ચીકુ પાસે બેઠેલી સરયૂ ઊભી થઈ અને દરવાજો ખોલ્યો. મનમાં ઠપકાનો ભાવ ભરીને આવેલી હેમલ, લતા અને વાસંતી સરયૂના મીઠા આવકાર સામે ઝંખવાણી. એ હજુ બહાર જ ઊભી હતી, શું કહેવું ને શું ન કહેવુંની વિમાસણમાં પડેલી એ ત્રણેયમાંથી વાસંતી બોલી : ‘આજે જરા નવરાં બેઠાં’તાં તો થયું કે લાવ તમારા ઘરે….’
‘હા….હા…. ભલે આવ્યાં. તમને જોઈને ખુશી થઈ…. આવો અંદર આવો.’ ધીમે રહીને લતા બોલી : ‘હેમલબહેન, શું કહેશું ?’
હેમલ પણ ધીમે રહીને પ્રત્યુત્તર આપતાં બોલી : ‘પહેલાં અંદર જઈને બેસીએ, એના ઘરને જોઈએ, વાતો કરીએ ને પછી વાતમાંથી વાત કાઢશું.’
‘હા. ભલે.’

એ ત્રણેયને સોફા પર બેસાડી સરયૂ પાણી લેવા ગઈ. સોફા પર બેઠેલી એ ત્રણેયની નજર ઘરના ખૂણેખૂણાને ફરી વળી. સ્વચ્છ-સુંદર અને સુઘડ ઘરને નિહાળીને એ ત્રણેય આભી જ રહી ગઈ. સોફાની આગળ ગોઠવેલ, ટેબલની પાસે જ ચીકુ બેઠી હતી અને તેની આજુબાજુ પેન્સિલ, કલર, વૉટર કલર, કોરા કાગળો અને કંઈ કેટલીએ પીંછીઓ પડી હતી. કોરા કાગળ પર પેન્સિલ કલરથી આડાઅવળા લીટા દોરી રહેલી ચીકુ વારેવારે એ સ્ત્રીઓ તરફ જોતી અને મુસ્કુરાતી; પરંતુ એ ત્રણેયનું ધ્યાન ચીકુ તરફ નહોતું. એ તો નિહાળી રહી હતી સરયૂના ઘરને. આસમાની રંગના ઓઈલપેઈન્ટથી સજાવેલી સુંદર દીવાલો, બારી પર ઝૂલતા લેમનયલો રંગના સુંદર પ્રિન્ટેડ પરદા. સોફા પર બિછાવેલ સ્વચ્છ કવર, સોફાની આગળ નીચે ફર્શ પર બિછાવેલ સુંદર કાશ્મીરી ગાલીચો, સાગના લાકડામાંથી બનાવેલ સુંદર કોતરણીવાળું ફર્નિચર, બેઠકખંડની બરાબર વચ્ચે ઉપર છતની નીચેની તરફ ઝૂલતું ગ્લાસઝુમ્મર અને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર બરાબર વચ્ચે ટીંગાડેલ સ્વામી વિવેકાનંદનો ફોટો ને એમાં લખેલું એક સુંદર વાક્ય : ‘સારાં પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું હોય છે.’ સરયૂના ઘરનો ખૂણેખૂણો સુંદર હતો ! હળવોફૂલ હતો ! ઘરને નિહાળવામાં મશગૂલ એ ત્રણેય પાસે જઈને હાથમાં રહેલા કાગળને બતાવતાં ચીકુ બોલી : ‘જુઓ આન્ટી, મેં ચિત્ર બનાવ્યું છે.’
સરયૂ પાણી લઈને આવી. કાગળ જોઈને લતા બોલી :
‘ચીકુ, આને ચિત્ર ન કહેવાય. આ તો માત્ર આડાઅવળા લીટા જ છે.’
અણગમાના ભાવથી ચીકુએ લતા તરફ જોયું ને પછી તરત જ એ કાગળ સરયૂને બતાવતાં એ બોલી, ‘મમ્મી, આને ચિત્ર ન કહેવાય ?’
‘કહેવાયને બેટા.’
‘તો પછી આન્ટી કેમ એમ કહે છે ?’
‘એ તો આન્ટીને એમાં ચિત્ર નહીં દેખાતું હોય ને એટલે !’ ચીકુને સંતોષ થયો હોય એમ ફરી પાછી એ ગોઠવાઈ ગઈ કલર અને કાગળમાં. વાતનો દોર ચાલુ રાખવા સરયૂ બોલી : ‘શું લેશો ? ચા, કૉફી કે ઠંડુ ?’
‘કાંઈ નહીં.’ વાસંતી બોલી.
‘એમ થોડું ચાલે કાંઈ ?’
‘પછી નિરાંતે.’
‘ભલે.’

આજના જમાનાને અનુરૂપ બનીને સરયૂ ચાલતી નથી, એ સાવ ગાંડી જ છે એ વાતને સાબિત કરવા માંગતી હોય તેમ વાતના મૂળ તંતુને પકડતાં હેમલ બોલી : ‘સરયૂબહેન, તમે ચીકુને ભણવા કેમ નથી મોકલતાં ? જમાનો કેટલો ફાસ્ટ બની ચૂક્યો છે અને તમે આમ…..’ સરયૂ કાંઈ જવાબ આપે એ પહેલાં તો વાસંતી બોલી ઊઠી : ‘મારો શ્રેયષ આટલો નાનો છે તો પણ તમે કોઈ દિવસ એને રમતાં જોયો ? અને જુઓ પણ ક્યાંથી ? વહેલી સવારે એ સ્કૂલે જાય, બપોરે ઘરે આવી જમીને ટ્યૂશને જાય ને વળી પાછો સાંજે હોમવર્ક કરે, બોલો.’ વાસંતીના ચહેરા પર ઊપસી આવેલી ગર્વની લકીરો પર ઠંડું પાણી રેડતાં સરયૂ બોલી :
‘હા, એટલે જ કદાચ નાનકડો શ્રેયષ રોજ તેના રૂમની બારીમાંથી બહાર રમતાં બાળકોને ટગરટગર જોયા કરે છે. એને પણ રમવાનું કેટલું મન થતું હશે, નહીં ?’
સરયૂના કટાક્ષને વાસંતી સમજે એ પહેલાં તો લતા બોલી ઊઠી : ‘મારી હિમાંશીનું ઈંગ્લિશ તો અત્યારથી જ કેટલું પાવરફુલ !!! એના જેટલા ઈંગ્લિશ વર્ડસ તો મને પણ નથી આવડતા, બોલો.’

ખોખલા ગર્વથી ફાટફાટ થતી હેમલ, લતા અને વાસંતીને શું જવાબ આપવો તે સરયૂને સમજાતું ન હતું, એ શાંતિથી સાંભળી રહી હતી એ ત્રણેયને. ફરી હેમલ બોલી : ‘તમે ચીકુને ભણાવતાં કેમ નથી ?’
‘હેમલબહેન, અત્યારે મને એ જરૂરી નથી લાગતું.’
‘હાય…..હાય…. કેવી અભણ માણસ જેવી વાત કરો છો, તમે ભણેલા નથી કે શું ?’
‘છું ને.’
‘કેટલું ?’ લતા બોલી.
‘Msc. B.Ed. વિથ બાયોલૉજી.’
આશ્ચર્યથી આંખો પહોળી કરીને ત્રણેય એકસાથે બોલી : ‘એમ ? M.Sc. B.Ed ? છતાંયે ચીકુને…..?’
‘અમારે એને ભણાવવાની જ છે પરંતુ હું ને માનવ એવું ઈચ્છીએ છીએ કે અત્યારે એ એની જિંદગીનાં અમૂલ્ય પાંચ-છ વરસ એની મસ્તીમાં જીવે, ભરપૂર રીતે એ એના બાળપણને માણે અને કુદરતના ખોળે ઊછરે.’
સરયૂની વાત સાંભળી લતા બોલી : ‘આ પથ્થરોના નગરમાં એને ક્યાં વળી કુદરતનો ખોળો મળવાનો હતો ? અહીં તો બચપણથી જ કુદરતને ભૂલીને જીવીએ તો જીવી શકીએ નહીં તો રહી જઈએ બધાની પાછળ.’
‘ના, એવું નથી લતાબહેન, પણ જો આપણે ઈચ્છીએ તો પથ્થરના નગરમાં પણ કુદરતના સૌંદર્યનો અહેસાસ કરી શકીએ.’
‘એ કેવી રીતે ?’
‘ઘરમાં જ નાનકડો બગીચો બનાવીને.’
‘પણ સરયૂબહેન, ઘરમાં રહેવાની જગ્યા જ જ્યાં માંડ માંડ મળતી હોય ત્યાં બગીચો કેમ બનાવવો ?’
‘આવો મારી સાથે.’
‘પણ ક્યાં ?’
‘અરે આવો તો ખરાં.’

સરયૂ બધાંને અગાશી પર લઈ ગઈ. અગાશી પર જવાના દરવાજા પર પણ ક્રિશ્ચિયન બોવેનું એક સુંદર વાક્ય લખેલું હતું : ‘બગીચો રચવો એ ઈશ્વર સાથે ચાલવા બરાબર છે.’ વાસંતીએ એ વાક્ય વાંચ્યું અને હેમલ અને લતાને પણ વંચાવ્યું. બધાંની સાથે ચીકુ પણ એનું ચિત્રકામ પડતું મૂકીને અગાશી પર આવી હતી. વિશાળ અગાશી પર બનાવેલ સુંદર મજાનો બગીચો જોઈને વાસંતી, લતા અને હેમલ ખુશ થઈ ગઈ. અગાશી પર પાથરેલી નદીની ચળકતી રેતમાં વિવિધ કૂંડાંઓ ગોઠવેલાં હતાં અને એ કૂંડાંઓમાં કંઈ કેટલીએ જાતનાં ફૂલછોડ ઉગાડેલાં હતાં. દરેક રંગીન કૂંડાંઓની ફરતે નદીના પટમાંથી વીણીને લાવેલ સફેદ, કાળા, દુધિયા, રાખોડી અને ઘેરા બદામી રંગના નાના ગોળ પથ્થરો ગોઠવેલા હતા. બગીચાની એક તરફ હીંચકો ગોઠવેલ હતો. હીંચકાની એક તરફ સુગરીનો માળો અને બીજી તરફ ફાનસ લટકાવેલું હતું. સુગરીના માળા તરફ આંગળી ચીંધતાં ચીકુ બોલી : ‘આન્ટી, આને સુગરીનો માળો કહેવાય.’
આશ્ચર્યથી લતા બોલી : ‘એમ ? તને કોણે કીધું કે આને સુગરીનો માળો કહેવાય ?’
‘એ તો અમે જંગલમાં ગયાં હતાં ને તે પપ્પાએ કહ્યું.’
‘જંગલમાં ?’ સરયૂ તરફ જોતાં વાસંતી બોલી.
‘હા…. હું, માનવ અને ચીકુ અમે બે-ત્રણ મહિને એકા’દવાર જંગલમાં તથા વિવિધ અભયારણ્યની મુલાકાતે જઈએ છીએ કારણ કે માનવને ફોટોગ્રાફીનો શોખ છે એટલે એની સાથે સાથે અમે ચીકુને પણ આપણી અમૂલ્ય વન્યસૃષ્ટિથી વાકેફ કરીએ છીએ. અને એ પણ, ખૂબ સહજતાથી, ચીકુને મજા પડે તો જ, નહીં કે કોઈ પ્રયત્નપૂર્વક.’ હેમલ, લતા અને વાસંતીને સરયૂની વાતોમાં મજા પડવા લાગી હતી એટલે એ ત્રણેય હીંચકા પર બેઠી. ચીકુ અને સરયૂ અગાશીનો દીવાલનો ટેકો લઈને ઊભી હતી. ચીકુ બોલી : ‘છે ને આન્ટી, રોજ સવારે અહીં ચકલી, કાબર, પોપટ અને કબૂતર પણ આવે છે.’
ચીકુના માથે હાથ ફેરવતાં સરયૂ બોલી : ‘રોજ સવારે અગાશી પર ચણ નાખું છું એટલે કંઈ કેટલાંયે પંખીઓ આવી જાય છે અને પછી ચીકુબહેનને મજા પડી જાય છે.’ સરયૂની સોડમાં ભરાઈને ઊભેલી ચીકુ ધીમે ધીમે ગીત ગણગણવા લાગી : ‘ચક્કીબેન…. ચક્કીબેન… મારી સાથે રમવા આવશો કે નઈ ? આવશો કે નઈ ?’ ચીકુનું ગીત સાંભળી બધાં હસવા લાગ્યાં. શરમાઈ ગયેલી ચીકુએ સરયૂની સાડીમાં પોતાનું મોઢું સંતાડી દીધું.

‘ચાલો હવે નીચે જઈએ.’ સરયૂ બોલી.
‘હા. ચાલો.’
નીચે આવીને સરયૂ તરફ જોતાં વાસંતી બોલી : ‘ચીકુનો પણ પોતાનો એક અલાયદો રૂમ હશે’ને ?’
‘હા છે ને. આવો એનો રૂમ પણ બતાવી દઉં.’ સરયૂ બોલી. ચીકુના રૂમમાં પ્રવેશતાં પહેલાં હેમલની નજર દરવાજા પર પડી. ત્યાં પણ કંઈક લખેલું હતું. એ વાંચી રહી રવીન્દ્રનાથ ટાગોરનાં સુંદર વાક્યને : ‘મંદિરની ભવ્યતા છોડીને રેતમાં રમવા દોડી જતાં બાળકોને નિહાળવામાં ઈશ્વર પૂજારીને પણ ભૂલી જાય છે.’ આ સુંદર વાક્ય વાંચતાં જ હેમલના મનચક્ષુઓ પર રેતમાં રમતાં બાળકો ઊપસી આવ્યાં ને એ મનોમન બોલી : ‘ખરેખર રમવાની ઉંમરે બાળકોને રમવા દેવાં જ જોઈએ.’ વિચારોમાં ખોવાયેલી હેમલ તરફ જોતાં સરયૂ બોલી : ‘આવોને અંદર, જુઓ, આ મારી ચીકુનો રૂમ !’

ચીકુનો રૂમ અસ્તવ્યસ્ત હતો. એમાં વૉટર કલરથી ચિતરામણ કરેલા કાગળો દીવાલ પર જ્યાં ને ત્યાં આડાઅવળા ચોંટાડેલા હતા. ચીકુએ જાતે જ બનાવેલા માટીનાં રમકડાં નીચે ફર્શ પર પડ્યાં હતાં, દાદા-દાદી સાથે પડાવેલા ચીકુના કેટલાક ફોટાઓ ટેબલ પર પડ્યા હતા તો કેટલાક વળી દીવાલ પર પણ ચોંટાડેલા હતા અને વળી કેટલાંયે ટેડીબેર, નાનાં-નાનાં ખુરશી ટેબલ, ઢીંગલીઓ, બૅટ-દડો અને લખોટીઓથી ચીકુનો રૂમ ભરેલો હતો. ચીકુનો અસ્તવ્યસ્ત રૂમ જોઈને નાકનું ટેરવું ચડાવતા વાસંતી બોલી : ‘મને તો આવું બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય તો બિલકુલ ન ગમે.’ એકદમ શાંતિથી વાસંતીને જવાબ આપતાં સરયૂ બોલી :
‘આપણા ગમા-અણગમા કરતાં તો વધુ મહત્વની બાબત એ છે કે બાળકોને શું ગમે છે.’
‘હા. બરાબર છે પણ…..’
‘પણબણ કાંઈ નહીં, બસ નિરપેક્ષભાવે જોયા કરવી જોઈએ આપણે આપણાં બાળકોની આ અસ્તવ્યસ્ત દુનિયાને.’ પેલી ત્રણેય ચુપ રહી. સરયૂ બોલી :
‘લ્યો વાતોમાં ને વાતોમાં હું તો ચા-નાસ્તાનુંયે ભૂલી ગઈ ! ચાલો બેસીએ મારા રૂમમાં.’
‘હા ચાલો.’
હેમલ, લતા અને વાસંતીને સોફા પર બેસાડી સરયૂ કબાટ તરફ ગઈ અને આલબમ બહાર કાઢવા લાગી. લતા બોલી : ‘હેં સરયૂબહેન, તમારા ઘરના દરેક દરવાજા પર કંઈક ને કંઈક લખેલું…..’ લતા એનું વાક્ય પૂરું કરે એ પહેલાં જ વાસંતી બોલી ઊઠી : ‘હા જુઓને, સરયૂબહેનના રૂમના દરવાજા પર પણ વેદવ્યાસનું કેટલું સુંદર વાક્ય લખેલું છે કે : ‘માતા બાળકની શિક્ષા, દીક્ષા અને સંસ્કારોની ગુરુ છે.’
લતા બોલી : ‘પણ હેં સરયૂબહેન, તમને આવાં વાક્યો ક્યાંથી મળી આવે છે ?’
પુસ્તકોનાં કબાટ તરફ આંગળી ચીંધતાં સરયૂ બોલી : ‘આ મારા પુસ્તક મિત્રો પાસેથી.’ કબાટમાંથી બે-ત્રણ આલબમ બહાર કાઢીને એ ત્રણેય તરફ ધરતાં સરયૂ બોલી : ‘લ્યો તમે આ આલબમ જુઓ ત્યાં સુધી હું ચા-નાસ્તો લઈ આવું.’

આલબમ જોવામાં મશગૂલ હેમલ, લતા અને વાસંતી એ વાતને તો બિલકુલ ભૂલી જ ગઈ હતી કે તેઓ ક્યા ઈરાદાથી અહીં આવી હતી. સરયૂનો પ્રેમાળ સ્વભાવ, એનું સુંદર અને સુઘડ ઘર જોઈને એ ત્રણેય ખુશ થઈ ગઈ હતી. કદાચ એટલે જ તો એ ઘડીભર માટે ભૂલી ગઈ હતી પોતાના મૂળ સ્વભાવને. માનવે પાડેલા વિવિધ ફોટાઓ નિહાળીને ત્રણેય ખુશ થઈ રહી હતી અને થાય પણ કેમ નહીં ? ફોટાઓ હતા જ સુંદર ! દરેક ફોટામાં કુદરતની સાથે સાથે ચીકુનું નિર્દોષ હાસ્ય પણ ખીલી ઊઠ્યું હતું. ફોટાઓ જોતાં જોતાં વારંવાર એ ત્રણેયની નજર કબાટમાં ગોઠવેલ પુસ્તકો તરફ પણ જતી હતી. વાસંતી તરફ જોતાં લતા બોલી : ‘આટલાં બધાં પુસ્તકો વાંચવાનો એમને સમય ક્યારે મળતો હશે ?’
ચા-નાસ્તો લઈને અંદર આવેલી સરયૂ બોલી : ‘વાંચવા માટે સમય મળી જ જાય છે.’ બિસ્કિટ, ડ્રાયફૂટ્સ અને સફરજનની કતરણીવાળી ડીસ એ ત્રણેય તરફ ધરતાં સરયૂ બોલી : ‘લ્યો હેમલબહેન, આ નાસ્તો ને ચા.’
ફોટામાંથી નજર ઊંચી કરીને નાસ્તા તરફ જોતાં એ ત્રણેય બોલી : ‘અરે….. સરયૂબહેન આ શું ? માત્ર ‘ચા’ જ લઈશું.’ સરયૂના પ્રેમાળ સ્વભાવ અને એની સરભરા આગળ એ ત્રણેયનો ગુસ્સો ઓગળી ગયો હતો. અને એટલે જ ક્ષમાના ભાવથી સરયૂનો હાથ ઝાલતાં વાસંતી બોલી : ‘સરયૂબહેન, અમને માફ કરશો કારણ કે હકીકતમાં તો અમે તમને ઠપકો આપવાના ઈરાદાથી આવ્યાં હતાં કે તમે તમારી દીકરીને ભણાવતાં નથી ને અમારાં બાળકોને પણ બગાડો છો; પરંતુ તમારા ઘરે આવીને તમારો પ્રેમાળ સ્વભાવ, તમારા વિચારો જાણીને અમને અમારા ઉપર જ ઘૃણા….’
વાસંતીનો હાથ ઝાલતાં સરયૂ બોલી : ‘આ શું બોલો છો વાસંતીબહેન ? હું તો તમારી બહેન જેવી છું, મારી ક્યાંક ભૂલ થતી હોય તો તમે મને ચોક્કસ કહી શકો એમાં માફી માગવા જેવું…..’
લતા બોલી : ‘ના….ના… સરયૂબહેન ભૂલ તો અમારી જ છે કે અમે તમને, તમારા જીવનને સમજ્યા વગર જ ઠપકો આપવા દોડી આવ્યાં.’

ગંભીર થઈ ગયેલા વાતાવરણને હળવું કરવા સરયૂ બોલી : ‘લ્યો હવે એક બાજુએ મૂકો આ ઠપકાની અને માફીની વાતોને અને એમ કહો કે તમને મજા આવી કે નહીં ?’
‘હા…હા… કેમ નહીં !’ હસતાં હસતાં ત્રણેય બોલી અને સોફા પરથી ઊભી થઈ.
‘તો હવે તમે રોજ મારા ઘરે આવજો….. ઠપકો આપવા નહીં પણ સરસ મજાની વાતો કરવા, આ પુસ્તકો વાંચવા.’
‘હા ચોક્કસ, સરયૂબહેન પણ એક વાત તો કહો ? આ આટલાં બધાં પુસ્તકો તમે લાવો છો ક્યાંથી ?’
પ્રત્યુત્તર આપતાં સરયૂ બોલી : ‘આ પુસ્તકોની પાછળ એક સરસ મજાની વાત સંકળાયેલી છે.’
‘કઈ વાત ?’
‘તમને જાણીને કદાચ નવાઈ લાગશે પણ હકીકત એ છે કે મારા વિચારો, મારી આ જીવનશૈલી, આ પુસ્તકોને અને મારાં સાસુ-સસરાને આભારી છે.’
‘સાસુ-સસરાને ? એ કઈ રીતે ?’
‘મારાં સાસુ-સસરાના લીધે જ તો આ પુસ્તકો હું દહેજમાં લઈ આવી હતી.’
‘દહેજમાં ?’ વાસંતી બોલી.
‘હા. દહેજમાં.’
‘તે હેં સરયૂબહેન, દહેજમાં પુસ્તકો જોઈને સાસરીમાં તમારી કોઈએ ટીકા ન કરી ?’
‘ના, કારણ કે લગ્ન વખતે દહેજમાં પુસ્તકો લઈ આવવાના મારા પ્રસ્તાવને મારા સાસુ-સસરા અને માનવે હોંશે હોંશે વધાવી લીધો હતો.’
‘ખરેખર સરયૂબહેન, તમારી આ નવી વાત જાણીને વધુ આનંદ થયો.’ સરયૂના ચહેરા પર સ્મિત ફરી વળ્યું. હેમલે ઘડિયાળ તરફ જોયું, સાંજના ચાર વાગી રહ્યા હતા. વાસંતી અને લતા તરફ જોતાં એ બોલી :
‘ચાલો હવે જઈશું ?’
‘હા. ચાલો.’

હેમલ, લતા અને વાસંતીને દરવાજા સુધી મૂકવા ગયેલી સરયૂ બોલી : ‘કોઈ પણ જાતના સંકોચ વિના જ્યારે પણ મન થાય ત્યારે આવી જવું મારા ઘરે, હોં.’
‘હા, ચોક્કસ આવશું ને અમારાં બાળકોને પણ લાવશું. અને ઘરે જઈને બધાંને તમારા અનોખા દહેજ વિશેની વાત કરશું. જેથી કરીને અમે પણ અમારી દીકરીઓને આવું અનોખું દહેજ આપી શકીએ.’ ચારેયના ચહેરા પર સ્મિત ફરી વળ્યું ! ને હૃદયમાં અદકેરા આનંદને ભરીને પગથિયાં ઊતરી રહેલ હેમલ, લતા અને વાસંતીને હસતી આંખોથી સરયૂ જોઈ રહી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારું ઘડતર – એ. પી. જે. અબ્દુલ કલામ
બૃહદ સુવાક્યસંચય – સં. શાંતિલાલ શાહ Next »   

42 પ્રતિભાવો : અનોખું દહેજ – વર્ષા બારોટ

 1. DHIREN says:

  ONE MORE DELIVERY OF EXCELLENT GUJARATI ARTICLE AND GIVING TRUE INTRODUCTION OF WHAT IS LIFE.
  TODAY ENGLISH HAS BECOME MANDATORY WITH NO REASON IN INDIA, ONLY REASON THAT WE RULED BY ENGLISH PEOPLE.

 2. ખુબ સુંદર……..જ્યારે આવા દહેજને સૌ વધાવવા લાગશે ત્યારે દરેક ઘર સ્વર્ગ બની જશે.

 3. Yatrik says:

  ખુબ જ સુન્દર

 4. Janki says:

  AWESOME story !!! lots to learn and lots to understand. Thank you so much 🙂

 5. kumar says:

  ખુબ સરસ્……ખરેખર ખુબ સરસ
  A good book on your shelf is a friend that turns its back on you and remains a friend.

 6. અપર્ણા says:

  ખુબ સરસ.. આવું દહેજ દરેક વહુ લાવે તો દરેક ઘર પાવન થઇ જાય અને દરેક બાળકને સુંદર સંસ્કાર મળે…

 7. Alkesh Pandya says:

  સરસ વાર્તા

 8. GIRISH H. BAROT says:

  બહુ જ સરસ લેખ્,દરેક ઘર્ મા વાચવા નો મહિમા સમજાસે ત્યારે જ સમાજ ને સુધારકોનિ જરુર નથિ એમ લાગસે.લેખક ને ખુબ અભિનદન,

 9. Chintan says:

  બાળકનાં નૈસર્ગિક વિકાસ માટે તેનાં શરૂઆતનાં ચાર થી પાંચ વર્ષ ખુબજ અગત્યના હોય છે. આ સમય દરમિયાન બાળક જે કંઈ શીખે છે તે તેના આગળના વર્ષોમા ખુબજ ઉપયોગી નીવડે છે. બાળકનાં મુક્ત મનને સમજીને તેને આ વિકાસની તક દરેક માતાપિતાએ આપવી જોઇએ. બે-સવા બે કે અઢિ વર્ષ એ કઈ રીતે શાળાએ જવાની ઉમ્મર હોઈ શકે..!!
  ખુબજ સરસ લેખ બદલ લેખિકાબહેન તેમજ મૃગેશભાઈનો ખુબખુબ આભાર.

 10. dhiraj says:

  ધન્ય છે સરયુબેન ના સાસુ સસરા ને

 11. naina says:

  ખુબ જ સુન્દર, મને તો બહુ જ ગમ્યુ.

 12. Sakhi says:

  very nice true story

 13. yogesh says:

  સ્ત્રી ને કેન્દ્ર મા રાખી ને બહુજ માવ્જત થી એક સુન્દર વાર્તા અમ્ને આપવા બદલ આભાર્ સાથે હુ કહિ શકુ કે, હુ પુરુશ છુ પરન્તુ સરયુ બેન જેવા વીચારો ધરાવુ છુ અને માનુ છુ કે આપ્ણિ બધા ની અન્દર એક નાનુ ચિકુ જેવુ બાળ્ક હોય છે અને હુ મારા બે બાળ્કો ની સાથે બાળ પણ નો ભર્પુર લાભ ઉઠાવુ છુ. ઘર તો પન્ખી નો એક માળો છે, પન્ખી ને પાન્ખ આવે એત્લે ઉડી જાશે, માટે, એ પહેલા, આવા પ્રસન્ગો માણવાજ રહ્યા.
  આભાર્

  યોગેશ્

 14. Veena Dave. USA says:

  સરસ.

 15. Parul says:

  ખુબજ સરસ લેખ.

 16. ketan shah says:

  Very few people understand the value of books in life.
  Very nice article.

 17. હેમીશા પટેલ says:

  સુંદર વાર્તા

 18. વર્ષા બેનનો ફોન આવ્યો…અને એમની વારતા વિશે વાત થઈ. આજે જ અખંડ આનંદ આવ્યું. સૌ પ્રથમ વારતા આખી શાઁત ચિત્તે
  વાંચી ગયો.
  ગુજરાતી ભાષા પાસે બહુ જૂજ પ્રમાણમાં કવયિત્રિઓ છે પણ વર્ષાબેન જેવા લેખીકાઓ ગુજરાતી ભાષાને ગૌરવ અપાવે એવા છે. એમની સર્જનયાત્રાને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું.

 19. જય પટેલ says:

  રીડ ગુજરાતીના સંસ્કાર સંવર્ધનના ઉદ્દેશને અનુરૂપ સુંદર પ્રેરણાત્મક વાર્તા.

  ટીકા-ટિપ્પણી…કૂથલીબાજોથી ભરેલા જગતમાં આપણા લક્ષ પર ધ્યાન કેન્દ્રિત કરી શાંતિથી કાર્ય
  કરતા રહેવું. સમય આવ્યે કૂથલીબાજો ઘણું પસ્તાય છે. આજના માહોલમાં જો સ્થિતપ્રજ્ઞત્તા ના કેળવીએ
  તો ઈર્ષાળુ ટોળું ઉંઘ પણ હરામ કરી દે…!!

  પુસ્તકની દૂનિયામાં એકવાર ડૂબકી મારીયે તો પછી ક્ષિતીજો ભાસે અનંત.
  દરેક ઘરમાં એક નાનું પુસ્તકાલય હોવું જ જોઈએ…હવે તો આઈપેડના જમાનામાં પુસ્તકાલય હાથમાં
  આવી ગયું છે.

  બહુ ખેદ છે કે આપણા મુખ્યમંત્રીએ શરૂ કરેલ વાંચે ગુજરાતને બહુ જ નબળો પ્રતિસાદ મળ્યો.

  • durgesh oza says:

   POOR RESPOND IS DUE TO HEAVY LOAD OF EDUCATION AND FAST MECOLEY BESED LIFE.IN 10 11 12 UNNECESSARY LENGTHY COURSES..WE SHOULD remove some chapter or a subject from these standard and then student may get time and interest to read the books.this is bitter truth.by the way this story is very good..extra activities cultural hobbies should be included and more edu.load should be removed .congrts for such a inspiring crerative story

 20. nayan panchal says:

  આ લેખ ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં હોવો જ જોઇએ.

  પુસ્તકો (ઈન જનરલ, સાહિત્ય)થી સારા મિત્રો હોઈ શકે જ નહિ.

  સરયુબેનની સમજ જીવનમાં ઉતારવા લાયક. આને કહેવાય સાચુ દહેજ. જો વહુ આવુ દહેજ ન લાવે તો તેને નો એન્ટ્રી.

  ખૂબ આભાર.
  નયન

 21. Mital Parmar says:

  ખુબ જ સરસ લેખ….

 22. સરસ માવજત અને બહું નવીન વિષયવાળી વાર્તા ! વાંચે ગુજરાત ને સાર્થક કરતો વિચાર !

 23. chirag says:

  સરસ બહુ મઝા આવી.

  દહેજ નુ એક નવુ રુપ પન ઘનુ સુન્દર છે.

 24. Rachana says:

  ખરેખર ખુબજ સરસ વાર્તા….વાર્તામાં વ્યક્ત થતા વિચારો, ભાવ જીવન જીવવાની સાચી રીત સમજાવી જાય છે….

 25. દરેક વાંચકમિત્રો અને રીડ ગુજરાતી પરિવાર નો ખુબ ખુબ આભાર
  તમારું પ્રોત્સાહન મને હંમેશા બળ પુરું પાડશે
  મારી વધું રચનાઓ વાંચવા માટે અમારા બ્લોગ
  http://www.sspbk.wordpress.com પર ક્લીક કરો

 26. Rajni Gohil says:

  પણ જો આપણે ઈચ્છીએ તો પથ્થરના નગરમાં પણ કુદરતના સૌંદર્યનો અહેસાસ કરી શકીએ. હકારાત્મક વિચારોની જ ટેવ પાડીએ તો ….Nothing is Impossible.

  child psychology, Psychology, Time management, How to make friends,
  સારાં પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું હોય છે. એ સ્વામી વિવેકાનંદના વિધાનને હકારાત્મક રીતે જોઇએ તો…..સારાં પુસ્તકો વાળું ઘર સ્વર્ગ સમાન હોય છે. એવું અહીં લાગ્યા વગર રહેતું નથી.

  પુસ્તકો ફક્ત પુસ્તકો બનીને Book Shelfની શોભા વધારવા માટે નથી હોતા પણ તેનો સદઉપયોગ એક સાચા મિત્રની ગરજ સારે છે.

  ખૂબજ સુંદરને પ્રેરણાત્મક વાર્તા બદલ વર્ષાબેનને અભિનંદન.

 27. maitri vayeda says:

  ખરેખર, પુસ્તકો થી સારા મિત્રો તો હોઈ શકે જ નહી…. ઘણી સરસ વાર્તા…

 28. Devang says:

  બહુ જ સરસ…, પુસ્તકો જ માનવ ના સાચા મિત્રો છે. આ લેખ વિશે લખવાના વધારે શબ્દો નથિ.

 29. VIRAL says:

  ખુબજ સરસ ધન્યવાદ વર્ષાબેન જિવન ના સત્ય બદલ અભાર

 30. Dhara Bodiwala says:

  અતિ સુન્દર્…!!…બહુ જ સરસ લેખ…..!!…નિરમલ આન્નદ …!! …ઃ)

 31. ketan shah says:

  ખરેખર, પુસ્તકો થી સારા મિત્રો તો હોઈ શકે જ નહી

  અતિ સુન્દર્ બહુ જ સરસ લેખ…

 32. sejal says:

  વાહ્…..આ વાર્તા વાચી ને સરયુબહેન નુ અનુકરન કરવાનુ મન થૈ ગયુ….ખુબ સરસ વાર્તા ..

 33. Anil Limbachiya says:

  ખરેખર, પુસ્તકો થી સારા મિત્રો તો હોઈ શકે જ નહી

  અતિ સુન્દર્ બહુ જ સરસ લેખ…

 34. જિજ્ઞેશ શનિશ્વરા says:

  પુસ્તકો તો બહુ દૂરની વાત છે. અત્યારના માબાપ સંતાનને માટીમાં રમવા દે તો પણ આપણા સમાજ પર ઉપકાર છે. હું શિક્ષણ ક્ષેત્ર (અનૌપચારિક) સાથે સંકળાયેલો છું, અને મારે ઘણા માબાપની ગર્વથી ભરેલી વાતો દુઃખ સાથે સાંભળવી પડે છે, અને કમનસીબે હું કશું સમજાવી શકતો નથી. જો બાળકના હાથમાં સ્કુલની ટેક્ષ્ટબુક (એ પણ હવે નહિ, હવે તો ગાઈડ જ) સિવાયની અન્ય કોઈ ચોપડી પણ જોવામાં આવી તો આવી બન્યું. સ્કુલ અને ટ્યુશન સિવાયની બીજી કોઇ પ્રવૃત્તિ ન જોઈએ.
  ધુળમાં રમે તો તેના કપડા ખરાબ થાય.
  હાથેથી ખાય કે જમતી વખતે દાળનો વાટકો લઈને દાળ પીએ (દેશી સ્ટાઈલથી) તો ડર્ટી બોય કહેવાય.
  બાળકો બહાર રમવા ના જાય તેના માટે વિડિયો ગેમ્સ અને કોમ્પ્યુટર ગેમ્સ લાવી આપવી.
  બાળકને કોમ્પ્યુટર ચાલુ કરીને ગેમ રમતા અને પછી શટ ડાઊન કરતાં જ આવડતું હોય, તો પણ મમ્મી પપ્પા ગર્વથી કહેતા ફરે કે મારા પુત્રને કોમ્પ્યુટર આવડે છે.

  મારો આક્રોશ અહીં ઠાલવી દેવા માટે હું માફી માગું છું.

 35. વિમલ પ્રજાપતી says:

  ઘણા વર્ષો પછી આવી સરસ વાર્તા વાંચી ને આનંદ થયો. આજે માણસ ક્રૂત્રિમ જીવન જીવે છે. પોતાના નિજાનંદ માટે કંઈ વિચારતો નથી

 36. Vaishali Maheshwari says:

  Wonderful story. In this competitive world, almost all parents want their children to be smarter than the other kids. In turn, the kids do not get complete freedom to enjoy their childhood and they start facing the burden of life at a very small age. Saryu and Manav – two characters depicted in this story, are very good examples of educated parents who have very good understanding and who know the right way to raise the kids. The essence of the story is awesome.

  Thank you Ms. Varsha Barot for this wonderful story.

 37. Vishal Vyas says:

  Too Good….I got boosted with my ideas of parenting. Today is ‘Janmashtami’. I made good use of time.

 38. bharat vinzuda says:

  Akhandaanand ne anurup sundsr varta…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.