- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

મારું ઘડતર – એ. પી. જે. અબ્દુલ કલામ

[‘અગનપંખ’માંથી કેટલાક અંશો સાભાર.]

મારો જન્મ તત્કાલીન મદ્રાસ રાજ્યમાં આવેલ ટાપુ – ગામ રામેશ્વરમમાં એક મધ્યમવર્ગીય તામિલ કુટુંબમાં થયો હતો. મારા પિતા જૈનુલબ્દીને ન તો વ્યવસ્થિત શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું કે ન તો તેમના પાસે ધન હતું; આવી પ્રતિકૂળતાઓ વચ્ચે પણ તે જન્મજાત, સહજ અને ભરપૂર ડહાપણ તથા ઉદાર ચિત્ત ધરાવતા હતા. આ બાબતોમાં તેમને મારી માતા, આશિયામ્મા, એક આદર્શ સહધર્મચારિણી તરીકે મળી ગયાં હતાં. તે દરરોજ કેટલાક લોકોને ભોજન કરાવતાં તે હું કંઈ ચોક્કસ કહી શકું તેમ નથી, પણ મને ખાતરી છે કે અમારા કુટુંબના બધા સભ્યોનો સરવાળો કરીએ તે કરતાં વધારે સંખ્યામાં બહારના લોકો અમારી સાથે જમતાં હતા.

મારાં માતાપિતાની સમાજમાં એક આદર્શ દંપતી તરીકે ગણતરી થતી હતી. મારાં માતાના પૂર્વજો ગૌરવપ્રદ રીતે જીવ્યા હતા. એક પૂર્વજને બ્રિટિશરોએ ‘બહાદુર’નો ઈલ્કાબ પણ આપ્યો હતો. હું અનેક સંતાનોમાંનો એક હતો. મારાં માતાપિતા ઊંચાં અને દેખાવડાં હતાં, પણ હું ઓછી ઊંચાઈ ધરાવતો અને ઓછો ધ્યાનાકર્ષક દેખાવ ધરાવતો છોકરો હતો. અમે ઓગણીસમી સદીના મધ્યમાં બંધાયેલ અમારા પૂર્વજોના ઘરમાં રહેતાં હતાં. તે રામેશ્વરમની મસ્જિદ શેરીમાં આવેલ, ચૂના તથા ઈંટોનું બનેલ, વિશાળ અને પાકું મકાન હતું. ચુસ્ત સાદાઈમાં માનતા મારા પિતા બિનજરૂરી સગવડો અને મોજમજાને ટાળતા. અલબત્ત, તેઓ ખોરાક, દવાઓ કે વસ્ત્રો જેવી જરૂરિયાતો સરસ રીતે પૂરી પાડતા. હું ખાતરીપૂર્વક કહી શકું છું કે ભૌતિક રીતે અને સાંવેગિક રીતે મારું બાળપણ પૂરું સલામત રહ્યું હતું. સામાન્ય રીતે હું ભોજન મારાં માતા સાથે, રસોડાની જમીન પર બેસીને લેતો. તેઓ મારી પાસે કેળનું પાંદડું મૂકતાં, જેના પર ભાત, ખુશ્બોદાર સંભાર, ઘેર બનાવેલ તીખાં વિવિધ અથાણાં અને નાળિયેરીની તાજી ચટણીનો લોંદો કડછીથી પીરસતાં.

ભગવાન શંકરનું પ્રખ્યાત મંદિર, જેના કારણે રામેશ્વરમ યાત્રાળુઓ માટે પવિત્ર ધામ બન્યું હતું, અમારા ઘરથી દસ મિનિટના અંતરે હતું. અમારો વિસ્તાર મહદ અંશે મુસ્લિમ કુટુંબોનો હતો, પરંતુ ત્યાં થોડાં હિન્દુ કુટુંબો પણ વસતાં હતાં અને બધાં ખૂબ હળીમળીને રહેતાં હતાં. અમારા વિસ્તારમાં એક ખૂબ જૂની મસ્જિદ હતી. મારા પિતા મને દરરોજ સાંજે નમાજ માટે લઈ જતા. અરબી ભાષામાં ગવાતી આ પ્રાર્થનાઓનો અર્થ શો થાય છે તેની મને કશી ખબર ન હતી; મને તો પૂરી શ્રદ્ધા હતી કે તે ખુદાને પહોંચે જ છે. જ્યારે મારા પિતા નમાજ પૂરી કરી મસ્જિદ બહાર આવતા, ત્યારે વિવિધ પંથો અને સંપ્રદાયોના લોકો તેમની રાહ જોતા રહેતા. ઘણા તેમને પાણીનું વાસણ ધરતા. તેઓ પોતાની આંગળી બોળી તેને સ્પર્શતા અને પ્રાર્થના કરતા. આ પાણી પછી વિવિધ ઘરોમાં અપંગો માટે જતું. મને એ પણ યાદ છે કે ઘણા લોકો પોતે સાજા થઈ ગયા બાદ મારા પિતા પાસે કૃતજ્ઞતા વ્યક્ત કરવા આવતા. મારા પિતા માત્ર સ્મિત કરતા અને તેમને દયાળુ એવા પરવરદિગાર અલ્લાહનો આભાર માનવાનું કહેતા.

રામેશ્વરમ મંદિરના મુખ્ય પૂજારી પાક્ષી લક્ષ્મણ શાસ્ત્રી મારા પિતાના ગાઢ દોસ્ત હતા. મારા બાળપણની જે મધુર અને સ્પષ્ટ સ્મૃતિઓ છે તેમાંની એકમાં હું આ બે વડીલોને, તેમનાં પરંપરાગત વસ્ત્રોમાં, ધાર્મિક અને આધ્યાત્મિક ચર્ચામાં મશગૂલ જોઈ શકું છું. જ્યારે મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ, ત્યારે હું મારા પિતાને નમાજ કે પ્રાર્થનાની ઉપયોગિતા વિશે પૂછતો. મારા પિતા મને જવાબ આપતા તેમ નમાજમાં કશું રહસ્યમય ન હતું. પ્રાર્થના તો, ઊલટી, લોકો વચ્ચે આત્મિક સંવાદને શક્ય બનાવે છે. ‘જ્યારે તમે પ્રાર્થના કરો છો’ તે કહેતા, ‘ત્યારે તમે તમારા દેહભાવને અતિક્રમો છો અને અસ્તિત્વનો જ એક હિસ્સો બની જાવ છો, જ્યાં ધન, વય, જ્ઞાતિ, કર્મ વગેરે વિશે કોઈ ભેદભાવ નથી હોતો.’ મારા પિતાની એક વિશિષ્ટતા એ હતી કે તેઓ ગમે તેવા કઠિન ધાર્મિક વિચારોને ખૂબ સરળ અને વ્યવહારુ તામિલમાં સમજાવી શકતા. તેમણે એક વાર મને કહેલું, ‘પોતાના કાળમાં, પોતાના સ્થળમાં, પોતે જે વાસ્તવિક છે, અને શુભ-અશુભ જે સ્તરે પહોંચેલ છે, દરેક મનુષ્ય પૂર્ણ વ્યક્ત પરમાત્માનો એક વિશિષ્ટ અંશ છે. એટલે તકલીફો, પીડાઓ અને સમસ્યાઓથી શા માટે ગભરાવું જોઈએ ? જ્યારે મુશ્કેલીઓ આવે, ત્યારે આ પીડાઓનો સંદર્ભ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. પ્રતિકૂળતા હંમેશાં આત્મચિંતન માટે વિશાળ તકો પૂરી પાડે છે.’
‘જે લોકો તમારી પાસે સહાય અને સલાહ લેવા આવે છે તેમને તમે શા માટે આ નથી કહેતા ?’ મેં મારા પિતાને પ્રશ્ન કર્યો, ત્યારે તેમણે મારા ખભા પર સ્નેહથી હાથ મૂકી અને મારી આંખોમાં આંખ પરોવી થોડી પળો સુધી કશો જવાબ ન આપ્યો, જાણે કે હું તેમને જવાબ સમજી શકીશ કે નહીં તેમ માનીને મારી શક્તિને તેઓ ચકાસતા હતા. પછી ધીમા, ઘેરા અવાજે બોલ્યા, જે ઉત્તરથી હું એક અદશ્ય શક્તિ અને ઉત્સાહથી ઊભરાઈ ગયો હતો : ‘જ્યારે જ્યારે મનુષ્યો પોતાને એકલા કે વિખૂટા અનુભવે છે, ત્યારે – સહજ પ્રત્યાઘાતરૂપે – તેઓ કોઈ સાથને શોધવાનો પ્રયત્ન કરે છે; જ્યારે તેઓ મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે કોઈ પોતાને સહાય કરે તેવી વ્યક્તિની શોધ કરે છે; જ્યારે કોઈ મડાગાંઠની પરિસ્થિતિમાં મુકાય છે, ત્યારે તેઓ કોઈ માર્ગદર્શકની શોધમાં રહે છે. ફરી ફરીને સર્જાતાં પીડા, ઈચ્છાઓ અને અપેક્ષાઓ પોતપોતાના ખાસ મદદગારોને શોધી લેતાં હોય છે. દુઃખમાં ફસાયેલ જે લોકો મારી પાસે આવે છે, તેમના માટે હું, પ્રાર્થના અને અર્ચના વડે, તેમને સતાવતાં પાશવી તત્વોને શાંત કરવાના પ્રયાસોમાં માધ્યમ જ હોઉં છું. આ અભિગમ જરા પણ સાચો નથી અને તેને અનુસરવા જેવું પણ નથી. વ્યક્તિએ નિયતિનાં ભયગ્રસ્ત દર્શન તથા એ દર્શન, જે આપણામાં રહેલ પૂર્ણતાને આડખીલીરૂપ શત્રુઓને શક્તિમાન બનાવે છે – તે બે વચ્ચેનો તફાવત સમજી લેવો જોઈએ.’

મને બરાબર યાદ છે કે મારા પિતાનો દિવસ બરાબર સવારે ચારને ટકોરે શરૂ થઈ જતો. ભળભાંખળું થાય તે પહેલાં તે નમાજ કરતા. નમાજ પછી અમારા ઘરથી ચાર માઈલ દૂર આવેલ અમારી માલિકીના નાળિયેરીના વનમાં ચાલ્યા જતા. પાછા વળતાં તેઓ પોતાના ખભા પર એકાદ ડઝન નાળિયેર બાંધીને લઈ આવતા. ત્યાર પછી જ તેઓ નાસ્તો કરતા. આ નિયમ તેમણે પોતે છ દાયકા પસાર કરી ગયા ત્યાં સુધી ચાલુ રાખ્યો હતો. મારા સમગ્ર જીવન દરમિયાન મેં મારા વિજ્ઞાન અને ટેકનોલૉજીના જગતમાં પણ મારા પિતાને અનુસરવાનો પ્રયાસ કર્યો છે. મારા પિતાએ મારી સામે પ્રગટ કરેલ પાયાનાં સત્યોને સમજવા પ્રયત્ન કર્યો છે અને નિશ્ચયાત્મક રીતે અનુભૂતિ કરી છે કે વિશ્વમાં એક એવી દિવ્ય શક્તિ અસ્તિત્વ ધરાવે છે, જે વ્યક્તિને તેની મૂંઝવણ, દુઃખો, ઉદાસીનતા અને નિષ્ફળતાની પળોમાં તેનાથી ઉપર ઉઠાવે છે અને તેના સાચા – આદિમ સ્થળ તરફ દોરે છે અને એક વખત વ્યક્તિ પોતાનાં શારીરિક અને સાંવેગિક બંધનોથી મુક્ત થાય છે, તરત તે મુક્તિ, આનંદ અને મનની શાંતિના માર્ગ પર ગતિ કરવા લાગે છે.

હું લગભગ છ વર્ષનો હોઈશ ત્યારે મારા પિતાએ યાત્રાળુઓને રામેશ્વરમથી ધનુષકોડી (તેને ‘સેતુ કરાઈ’ પણ કહેતા) લઈ જવા લાકડાનું વહાણ બાંધવાનું શરૂ કર્યું. તેમણે આ કામ પોતાના એક સંબંધી અહમદ જલાલુદ્દીન – જે પાછળથી મારાં બહેનને પરણ્યા –ની મદદથી દરિયાકાંઠે શરૂ કર્યું. હું આ વહાણને આકાર લેતું જોતો. વહાણનું કાઠું તથા તળિયું વનની આગની ગરમીથી મજબૂત બન્યાં હતાં. મારા પિતા આ વહાણની મદદથી પોતાનો વ્યવસાય ખૂબ જ સારી રીતે કરી રહ્યા હતા, જ્યારે એક દિવસ સો માઈલની ઝડપે આવેલ પવનનું વાવાઝોડુ સેતુ કરાઈની થોડી જમીન સાથે વહાણને પણ તાણી ગયું. ત્યાં આવેલ પંબન-પુલ પણ તેના પરથી જતી, મુસાફરોથી લદાયેલી ટ્રેન સાથે તૂટી પડ્યો. અત્યાર સુધી મેં દરિયાનું માત્ર સૌંદર્ય જ જોયું હતું. હવે તેની અનિયંત્રિત ઊર્જા મને તેનું નવું જ દર્શન આપી ગઈ. જ્યારે વહાણનો અકાળે અંત આવ્યો ત્યારે જલાલુદ્દીન, અમારી ઉંમર વચ્ચે તફાવત છતાં, મારા ગાઢ મિત્ર બની ચૂક્યા હતા. તેઓ મારાથી લગભગ પંદર વર્ષ મોટા હતા અને મને ‘આઝાદ’ કહીને બોલાવતા. અમે દરરોજ સાંજે લાંબે સુધી ફરવા જતા. મસ્જિદ શેરીથી શરૂઆત કરી ટાપુના રેતાળ દરિયાકિનારા સુધી પહોંચતા ત્યાં સુધી જલાલુદ્દીન અને હું મુખ્યત્વે આધ્યાત્મિક વિષયો પર જ વાત કરતા. યાત્રાળુઓથી સતત છલકાતા રામેશ્વરમનું વાતાવરણ જ આવી ચર્ચાને ઉત્તેજન પૂરું પાડતું. અમારું પ્રથમ રોકાણ ભગવાન શંકરના વિશાળ મંદિર પાસે જ હોય. દેશના દૂરસુદૂરના ભાગોમાંથી આવતા યાત્રાળુઓ જે પૂજ્યભાવથી મંદિરની પ્રદક્ષિણા કરે, તેવા જ ભાવથી અમે પણ પ્રદક્ષિણા કરતા અને અમારાં મન અને શરીરમાં અદશ્ય શક્તિનો આવિર્ભાવ થતો અનુભવતા.

જલાલુદ્દીન ખુદા વિશે એવી રીતે વાત કરતા, જાણે કે તેઓ એના કોઈ ભાગીદાર હોય, તેમજ તેમની શંકાઓ ખુદા સામે એવી રીતે રજૂ કરતા, જાણે કે ખુદા તેમની સામે તેનો નિકાલ કરવા જ ઊભા હોય. હું જલાલુદ્દીન સામે એકીટશે જોયા કરતો. પછી સમુદ્રમાં પવિત્ર સ્નાન કરતા, મંત્રો બોલતા, વિધિઓ કરતા અને નિર્ગુણ, સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે ઊંડો પૂજ્યભાવ પ્રગટ કરતા તથા મંદિરની પ્રદક્ષિણા કરતા. હું વિશાળ યાત્રાળુઓના સમૂહને જોતો. મને એ બાબતે કદી પણ શંકા ન થતી કે મંદિરમાં થતી પ્રાર્થના પણ અમારી મસ્જિદમાં થતી નમાજની જેમ એક જ સ્થાને પહોંચે છે, પણ જલાલુદ્દીનની વાતો સાંભળ્યા પછી મને એ વિચાર આવતો કે શું જલાલુદ્દીનને ખુદા સાથે કોઈ વિશિષ્ટ સંપર્ક તો નથી ને ! જલાલુદ્દીનનું શાળાકીય શિક્ષણ તેમના કુટુંબની તાણભરી પરિસ્થિતિને કારણે ખૂબ જ ઓછું હતું. કદાચ આ જ પરિબળ હશે કે તેઓ મને હમેશાં મારા અભ્યાસમાં શ્રેષ્ઠત્વ મેળવવા પ્રોત્સાહિત કરતા અને મારી સફળતાને જાણે પોતાની સિદ્ધિ હોય તે રીતે ભરપેટ માણતા. પોતાની ઓછપ માટેનો આંશિક ગુસ્સો પણ મેં તેમનામાં ક્યારેય નથી જોયો. ઉલ્ટાનું, જિંદગીએ તેમને જે કંઈ આપ્યું હતું તે માટે તેઓ હંમેશાં કૃતજ્ઞતા પ્રગટ કરતા.

દરેક બાળક એક વિશિષ્ટ સામાજિક-આર્થિક અને ભાવનાત્મક પર્યાવરણમાં કેટલાંક વારસાગત લક્ષણો લઈને જન્મે છે અને વડીલો દ્વારા એક ચોક્કસ પ્રકારની તાલીમ મેળવે છે. મને વારસામાં મારા પિતા પાસેથી પ્રામાણિકતા અને આત્મશિસ્ત મળ્યાં; મારી માતા પાસેથી ભલાઈમાં વિશ્વાસ અને ઊંડી કરુણા મળ્યાં. મારાં ત્રણ ભાઈ-બહેનોને પણ તે મળ્યાં. મને લાગે છે કે મેં જે સમય જલાલુદ્દીન અને સમશુદ્દીન સાથે ગાળ્યો, તેણે મારા બાળપણને વિશિષ્ટ ઘાટ આપ્યો અને તેને પરિણામે જ મારી પછીની જિંદગીમાં મોટું પરિવર્તન આવી શક્યું. જલાલુદ્દીન તથા સમશુદ્દીનને જીવનની શાળામાંથી મળેલ ડહાપણ નિઃશબ્દ સંદેશાઓ દ્વારા એવું આંતરપ્રેરિત અને સંવેદનશીલ હતું કે નિઃશંકપણે કહી શકું છું કે મારામાં આગળ જતાં જે સર્જનાત્મકતા પ્રગટી તે બાળપણમાં મળેલી તેમની સંગતનું જ પરિણામ હતું. બાળપણમાં મારા ત્રણ ગાઢ મિત્રો હતા – રામાનંદ શાસ્ત્રી, અરવિંદન અને શિવપ્રકાશન. આ ત્રણે છોકરાઓ રૂઢિચુસ્ત હિન્દુ બ્રાહ્મણ કુટુંબોમાંથી આવતા હતા, પરંતુ બાળકો તરીકે, અમારામાંથી કોઈ પણ, ધાર્મિક તફાવત કે ઉછેર છતાં, પરસ્પર જુદાપણું અનુભવતા ન હતા. અગત્યની બાબત તો એ હતી કે રામાનંદ શાસ્ત્રી તો રામેશ્વરમ મંદિરના મુખ્ય પૂજારી પાક્ષી લક્ષ્મણન શાસ્ત્રીનો પુત્ર હતો. મોટો થયો ત્યારે તેણે જ પિતા પાસેથી મંદિરનું પૂજારીપદ સંભાળ્યું હતું. અરવિંદન ત્યાં આવતાં યાત્રાળુઓને વાહનવ્યવહારની વ્યવસ્થા ગોઠવી આપવાના વ્યવસાયમાં પડ્યો અને શિવપ્રકાશન રેલવેમાં ભોજન પૂરું પાડવાના કોન્ટ્રેક્ટમાં પડ્યો હતો. દર વર્ષે યોજાતા શ્રી સીતારામ કલ્યાણમ ઉત્સવમાં અમારું કુટુંબ ખાસ પ્લેટફૉર્મવાળા વહાણની ગોઠવણ કરી આપતું. જેમાં અમારા ઘર નજીક આવેલ રામતીર્થ નામના તળાવની વચ્ચે આવેલ લગ્નની જગ્યાએ (મંદિરથી) ભગવાનની મૂર્તિને લઈ જવામાં આવતી. મારાં મા તથા દાદી અમને બાળકોને દરરોજ રાત્રે સૂવા વખતે રામાયણના પ્રસંગો તથા પયગંબરના જીવનપ્રસંગોની વાર્તાઓ કરતાં.

રામેશ્વરમ એલિમેન્ટરી સ્કૂલમાં હું પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે, એક દિવસ, એક નવા શિક્ષક અમારા વર્ગમાં આવ્યા. હું ત્યારે ટોપી પહેરતો, જેને કારણે મુસ્લિમ તરીકે ઓળખાતો હતો. હું હંમેશાં પ્રથમ બાંકડે અને રામાનંદ શાસ્ત્રીની બાજુમાં જ બેસતો. તે ત્યારે યજ્ઞોપવીત પહેરતો. આ નવા શિક્ષક હિન્દુ પૂજારીનો છોકરો મુસલમાન છોકરા સાથે બેસે તે સહન કરી ન શક્યા. ત્યારે સમાજમાં જે ઊંચ-નીચની વ્યવસ્થા હતી તે ન્યાયે મને છેલ્લે બાંકડે જઈ બેસવાની તેમણે આજ્ઞા કરી, હું તો ખૂબ ઉદાસીન થઈ ગયો. રામાનંદ શાસ્ત્રી પણ. મેં જ્યારે છેલ્લે બાંકડે મારી બેઠક બદલાવી, ત્યારે તેની આંખમાં હતાશા પથરાઈ ગઈ. ત્યારની તેની રડતી છબી મારા પર અમીટ છાપ મૂકી ગઈ છે. શાળા પૂરી થયા બાદ અમે બંને ઘેર ગયા અને અમારા વડીલોને આ ઘટનાની વાત કરી. લક્ષ્મણન શાસ્ત્રીએ તરત જ શિક્ષકને બોલાવ્યા અને અમારી હાજરીમાં જ શિક્ષકને કડક સૂચના આપી કે આ નિર્દોષ બાળકોના મનમાં સામાજિક અસમાનતા અને ધાર્મિક અસહિષ્ણુતાનું ઝેર ન પ્રસરાવવું. તેમણે શિક્ષકને સ્પષ્ટ કહ્યું કે કાં તો તે માફી માગે અથવા ગામ છોડી દે. શિક્ષકે માફી માગી, એટલું જ નહીં, પણ લક્ષ્મણન શાસ્ત્રીની નિશ્ચયાત્મક દષ્ટિને પરિણામે તેઓ સુધરી પણ ગયા.

પણ, એકંદરે જોઈએ તો, રામેશ્વરમનો નાનકડો સમાજ જુદાં જુદાં ચોક્કસ સ્તરોમાં વહેંચાયેલો હતો અને વિવિધ સમાજિક જૂથોના ભેદભાવની બાબતોમાં આત્યંતિક રીતે રૂઢિચુસ્ત હતો. આ બધા વચ્ચે પણ, જોકે, અમારા વિજ્ઞાનશિક્ષક શિવસુબ્રમણ્યા ઐયર, ભલે પોતે જુનવાણી બ્રાહ્મણ તથા ખૂબ જ રૂઢિચુસ્ત પત્નીવાળા હોવા છતાં, કંઈક બળવાખોર જેવા હતા. તેઓ સામાજિક બંધનો તોડવાનો ખૂબ પ્રયાસ કરતા, જેથી વિવિધ સમાજોમાંથી આવતા લોકો સરળતાથી હળીમળી શકે. તે મારી સાથે કલાકો ગાળતા અને કહેતા, ‘કલામ, હું તને એટલો વિકસિત જોવા માગું છું, જેથી તું મોટાં શહેરોમાં ખૂબ શિક્ષિત લોકોની સમકક્ષ ઊભો રહી શકે.’

એક દિવસ તેમણે મને ભોજન માટે આમંત્રણ આપ્યું. એક મુસ્લિમ છોકરો પોતાના વૈદિક પવિત્ર રસોડામાં આવીને જમે તે ખ્યાલે જ તેમનાં પત્ની તો છળી જ મર્યાં ! તેમણે મને રસોડામાં પીરસવાની ચોખ્ખી ના પાડી દીધી. શિવસુબ્રમણ્યા ઐયરને ન તો ખલેલ પહોંચી કે ન તો તે પત્ની પર ગુસ્સે થયા. તેને બદલે તેમણે મને પોતાના હાથે ભોજન પીરસ્યું અને મારી બાજુમાં જ જમવા બેઠા. તેમનાં પત્ની રસોડાનાં બારણાં પાછળ ઊભાં અમને નીરખતાં હતાં. મને વિચાર આવતો હતો કે હું જે રીતે ભાત ખાતો હતો, પાણી પીતો હતો કે ભોજન પછી જે રીતે જમીન સાફ કરતો હતો, તેમાં કોઈ તફાવત જોઈ શક્યાં હશે ? હું જ્યારે વિદાય લેતો હતો, ત્યારે શિવસુબ્રમણ્યા ઐયરે પછીના અઠવાડિયે ફરી જમવા આવવાનું મને આમંત્રણ આપ્યું. મારો ખચકાટ જોઈ, મને મૂંઝવણ ન અનુભવવાનું કહી તેઓ બોલ્યા, ‘એક વાર એક પ્રથા બદલાવવાનો તમે નિર્ણય લો છો, તો આવી સમસ્યાઓનો સામનો તો તમારે કરવો જ પડે.’ જ્યારે હું બીજા અઠવાડિયે તેમના ઘેર ગયો, ત્યારે શિવસુબ્રમણ્યા ઐયરનાં પત્ની મને પોતાના રસોડામાં લઈ ગયાં અને પોતાના હાથે ભોજન પીરસ્યું.