બૃહદ સુવાક્યસંચય – સં. શાંતિલાલ શાહ

[ જેમને સુવાક્ય સંગ્રહિત કરવાનો શોખ હોય તેમને માટે ‘બૃહદ સુવાક્યસંચય’ ખરેખર એક ઉત્તમ પુસ્તક છે. આ પુસ્તકમાં 10,000 જેટલા સુવાક્યો, સુવિચારો, ચિંતનકણિકાઓ, વિચારરત્નો, અવતરણો, ઉક્તિઓ, કહેવતોનો ભરપૂર ભંડાર છે. દુનિયાભરના ફિલોસોફરો, વિચારકો, ચિંતકો, વિદ્વાનો, પંડિતો અને સંતોની મધુર વાણીનું પાન કરાવતું આ એક અદ્દભુત પુસ્તક છે. આજે આપણે તેમાંથી કેટલાંક અવતરણો માણીશું. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સ્નેહનો સંબંધ – ભૂપત વડોદરિયા

એક ગરીબમાં ગરીબ માણસ પાસે સ્નેહના સંબંધોની એક નાનકડી મૂડી હોય છે. તેથી તો જિંદગીની લીલીસૂકી વચ્ચે પણ તેનું મન ભર્યું રહે છે. તેને નિરર્થકતાની લાગણી થતી નથી. પોતે તદ્દન નકામો છે, પોતે નિષ્ફળ ગયો છે એવી લાગણી તેને થતી નથી. દુનિયામાં ક્યાંક કોઈક એક માણસને હું ખપનો છું, અગર દુનિયામાં ક્યાંક કોઈક એવી વ્યક્તિ છે જે મને ચાહે છે, મારું કલ્યાણ ઈચ્છે છે, મને કશું આપી શકે કે આપી ના શકે પણ તેને મારું દાઝે છે એટલી ખાતરી હોય તો માણસને રોટલો અને છાશ મળવા છતાં એક મીઠાશનો અનુભવ થાય છે.

[2] માનવસ્વભાવની ખાસિયત – ઉમેશ મહેતા

આપણે કોઈ તકલીફ સહન કરી રહ્યા હોઈએ અથવા અચાનક કોઈ આફત આવી પડે ત્યારે આપણને એમ લાગે છે કે મને કેટલી બધી તકલીફો છે અને બીજા કેટલા સુખી છે. નિષ્ફળ જઈએ ત્યારે પણ આપણું વલણ સામાન્ય રીતે પોતાને વિશ્વના સૌથી દુઃખી વ્યક્તિ માનવાનું રહેતું હોય છે. એટલે માણસ બમણો દુઃખી થાય છે. એક તો પોતાના દુઃખનું દુઃખ અને બીજું બીજાને આ દુઃખ નથી માત્ર પોતાને જ આ દુઃખ છે તેનું દુઃખ. આપણે પોતાની તકલીફો પોતે જ સમજતા, અનુભવતા હોઈએ છીએ, વિશ્વભરના દરેકને જણાવતા નથી અને જણાવી શકતા પણ નથી. આથી આપણને માત્ર આપણા દુઃખનો જ અંદાજ હોય છે, બીજાના દુઃખનો નહીં. માનવસ્વભાવની બીજી ખાસિયત એ છે કે તે પોતાની તકલીફોને વિશ્વના સૌથી મોટા સૂક્ષ્મદર્શક યંત્ર નીચે મૂકીને જુએ છે અને અમીબાને ડાયનોસોર બનાવે છે. જ્યારે બીજાની તકલીફો ડાયનોસોર જેવી મહાકાય હોય તોપણ તેને અમીબા જેવી અતિસૂક્ષ્મ સમજે છે.

[3] સુવર્ણ નિયમ – એન. અનંત નારાયણન

કોઈની ટીકા કરશો નહિ. બીજાના કાર્યનો ન્યાય તોળવાનો ઈશ્વરે તમને અધિકાર આપ્યો નથી. બધા જ મનુષ્યો તેમના હૃદયસિંહાસન પર બિરાજેલા ભગવાનની પ્રેરણા અને દોરવણી મુજબ જ કાર્ય કરતાં હોય છે. તેથી સુવર્ણ નિયમ તો એ છે કે કોઈ પણ વ્યક્તિની કે કોઈ પણ કાર્યની કદી ટીકા કરવી નહીં. બીજાના કામમાં માથું મારવું નહિ. માનસિક શાંતિ માટે આ નિયમનું ચૂસ્તપણે પાલન કરવું ખૂબ જરૂરી છે. જે વ્યક્તિને મન, દુનિયાની તમામ વસ્તુ કરતાં માનસિક શાંતિની કિંમત વધારે છે, તેને માટે આ ઉત્તમોત્તમ નિયમ છે.

[4] આસક્તિ – દિનકર જોશી

ખરી વાત એ છે કે પ્રેમ અને આસક્તિને આપણે સેળભેળ કરી નાખીએ છીએ. આસક્તિ એ પ્રેમ નથી. આસક્તિ એ પ્રેમનું વિકૃત રૂપ છે. પ્રેમ એ આસક્તિનું ઊર્ધ્વીકરણ ! ઊર્ધ્વીકરણને આપણે પામી શકતા નથી અને આપણી આસક્તિને આપણે વિકૃતિ તરીકે ઓળખાઈ ન જાય એ માટે સતર્ક રહીએ છીએ. આ સતર્કતાને પરિણામે આસક્તિનેય પ્રેમ તરીકે ઓળખાવવા માંડીએ છીએ.

[5] ઠેસ – શશીકલંક

કટારલેખકે પોતાના અંગત જીવનની ખરીખોટી વાતો લખી વાચકોને પ્રભાવિત કરવાથી દૂર રહેવું જોઈએ. પોતે શું ખાય છે, પીએ છે, પહેરે છે, વાંચે છે, પોતાને શાનો શોખ છે, પોતાના કોણ મિત્રો છે, અને પોતાને કયાં પુસ્તકો ગમે છે એવી એવી વાતો હજારો કે લાખો વાચકોને જાણવાની શી જરૂર છે ? દરેક વાચકની પોતાની અલગ અલગ રુચિ અને રહેણીકરણી હોય છે. દરેકનાં સંસ્કાર, ધર્મ, માન્યતા, શ્રદ્ધા જુદાં જુદાં હોય છે. કટારલેખક ઈશ્વર, આત્મા, પુનર્જન્મ, ધર્મ, કર્મ, પાપપુન્ય જેવી બાબતોમાં ન માનતો હોય તો ભલે, પણ તેથી જે લાખો માણસો પોતાના ધર્મને જ અનુસરીને જીવવા માંગતા હોય તેમની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાની શી જરૂર છે ? આવું કૃત્ય પણ એક પ્રકારની ‘હિંસા’ નથી ?

[6] જીવન જીવવાની કળા – ભારતી બી. શાહ

હાસ્ય ઘરમાં આવતાં કૂણા તડકા જેવો પ્રસન્ન અવસર છે. પોતાની સરખામણી કોઈની પણ સાથે કર્યા વગર આનંદથી જીવતાં શીખવું. મિત્રોને દિલથી, પ્રેમથી જીતવા. લોકોમાં ચાહના મેળવવી. બધી જ જાતની ચિંતાથી મુક્ત રહેવું અને વ્યક્તિત્વનો વિકાસ સાધતાં રહેવું. આ પણ એક કળા છે. શરીરને માત્ર જરૂરિયાત છે. ઈચ્છાઓ તો મનને છે. થોડી વસ્તુઓથી સંતુષ્ટ રહેવું. વૈભવને બદલે સુંદરતા, ફૅશનને બદલે સુઘડતા પસંદ કરવી. સન્માનને ઝંખવા કરતાં સન્માન યોગ્ય પાત્રતા કેળવવી. સંપત્તિમાન નહિ, પણ સમૃદ્ધિવાન થવું.

[7] સિદ્ધાંત – પૉલ બ્રન્ટન

કોઈ પણ ધર્મ તેના સિદ્ધાંતોને કારણે ફેલાવો પામતો નથી. લોકો સિદ્ધાંત પ્રત્યે ખાસ ધ્યાન આપતા નથી. જીવનમાં કોઈ અસાધારણ સૌજન્યશીલ, સદાચારી, કરુણામય શાન્ત પુરુષ જોવા મળે તો એને જોતાંવેંત જ તેઓ એનામાં વિશ્વાસ મૂકી દે છે, એનો ઉપદેશ સ્વીકારી લે છે, કારણ કે એવા પુરુષના સિદ્ધાંતો વિશ્વાસમાં મૂકવા જેવા જ હોય એવી એમને ખાતરી હોય છે. બીજી તરફ કોઈ પણ સિદ્ધાંત, પછી તે ગમે તેટલો વિશ્વાસ મૂકવા જેવો કે સાચો લાગતો હોય, પણ તેનો ઉપદેશ કરનાર વ્યક્તિનું વર્તન જો બરાબર ન હોય તો સામાન્ય માણસોને તેનું આકર્ષણ થતું નથી.

[8] લગ્ન – સોનલ શુકલ

આકાશમાં ઊડવાને બદલે ધરતી પર રહીને પ્રેમ કર્યો હોય તો પ્રેમ ટકે અને સમાનતાના પાયા પર લગ્ન થયું હોય ત્યારે લગ્ન ટકે. પતિ અને પત્નીના માણસ તરીકેના અધિકારનું ગૌરવ એકબીજાએ કરવું જોઈએ. અંતઃસ્ફુરણા પ્રમાણે જેને જે ગમે તે કરી શકે એવી ખેલદિલી બંને પક્ષે હોવી જરૂરી છે. સફળ લગ્નની કોઈ ગુરુચાવી નથી. સ્પર્ધાને બદલે સમજદારી કેળવવી જોઈએ. સમાનતાને આધારે પ્રેમ થાય, ટકે અને શોભે.

[9] યુવાનો – ચીમનલાલ બેંકર

આજનાં મોટા ભાગનાં સંતાનો-યુવકયુવતીઓ પોતાનાં માતાપિતાની ઉપેક્ષા કરે છે. તેમને અપમાનિત કરે છે. તેમણે અનેક મુશ્કેલીઓ સહન કરી પોતાને પોષ્યાં, ઉછેર્યાં, મોટા કર્યાં, એ બધું જ આજના યુવાનો ભૂલી જાય છે અને ભણીગણીને સહેજ સ્વાશ્રયી-સ્વાવલંબી બન્યા પછી તેઓ માબાપની અવગણના કરે છે. માબાપના અનેક ઉપકારો છે તેમના પર, તેનો તેઓ વિચાર જ કરતા નથી. શિક્ષણ, સંપત્તિ અને યુવાનીના નશામાં તેઓ માબાપ પ્રત્યેની ફરજ ભૂલી જાય છે. પત્ની અને પોતાના સુખ ખાતર તેઓ તેમનાથી દૂર થઈ જાય છે અથવા તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે.

[10] સ્વર્ગનું સરનામું – ડૉ. પ્રવીણ દરજી

કેટલાકને ‘જે છે’ એના કરતાં ‘શું નથી’ અને ‘શું હોવું જોઈએ’ એમાં વધુ રસ હોય છે. પરિણામે ‘જે છે’ એને તે ભોગવી શકતો નથી. અને એક ફરિયાદીની જેમ પછી જીવવું શરૂ કરે છે ! ફરિયાદીની સામે પછી જીવન એનાં રહસ્યો ખોલે ખરું કે ? મઝા તો ‘જે છે’ તેને પામવાની અને પામીને મેળવવાની છે. ‘શું નથી’માં અસંતોષ છે, ‘શું હોવું જોઈએ’માં આદર્શની સાથે મહત્વાકાંક્ષા છે. આ બંને બાબત માણસનું નૂર હણી લેનારી છે. આપણે તો નક્કી જ કરી લઈએ – મને આદર્શમાં નહિ, કશાના અસંતોષમાં નહિ, ‘જે છે’ – એ વાસ્તવમાં જ ભરપૂર રસ છે. મારે એ વાસ્તવને જ સ્મરણીય બનાવી જવું છે. ‘ગઈકાલ’ અને ‘આવતીકાલ’ કરતાં મારો આનંદઝરો ‘આજ’માંથી ફૂટવો જોઈએ – આ અને આવો તાળો મેળવ્યો તો જીવન-કૉમ્પ્યુટરમાંથી આવા લખાણની એક ચબરખી નીકળશે : લો, આ રહ્યું તમારા સ્વર્ગનું સરનામું ! આપણું સ્વર્ગ કેટલું હાથવગું છે !

[11] શ્રદ્ધા – ફાધર વાલેસ

મહેનત સાથે લેખકને શ્રદ્ધા પણ જોઈએ. મેં મારું પહેલું પુસ્તક લખતાં તો લખ્યું, પણ છાપે કોણ ? પહેલી આવૃત્તિ ઘરેથી પૈસા મંગાવીને પોતે છપાવી. બીજી આવૃત્તિ માટે પ્રકાશકોને ત્યાં ફેરા ખાવા લાગ્યો. એકના હાથમાં મારું ગભરું પુસ્તક મૂકીને આતુર હૃદયે હું એના મુખભાવ નિહાળતો હતો. એમણે પુસ્તક હાથમાં લીધું. ખોલ્યું પણ નહિ. પુસ્તકનું નામ ‘સદાચાર’ હતું. એમણે વાંચ્યું. એવું અપશુકનિયાળ નામ જોઈને મને પુસ્તક પાછું આપીને કટાક્ષથી બોલ્યા : ‘આ પુસ્તક કોણ વાંચે ?’ લેખકની શ્રદ્ધા છે કે પુસ્તક છપાશે. લેખકની શ્રદ્ધાની ઠીક ઠીક કસોટી થતી હોય છે.

[12] વર્તણૂંક – ચંદુલાલ સેલારકા

કેટલીક વ્યક્તિઓને આપણે અન્ય મનુષ્યો સાથે એવી ખરાબ રીતે વર્તન કરતી જોઈએ છીએ કે આપણને આશ્ચર્ય સાથે ઊંડું દુઃખ થાય છે કે એ વ્યક્તિ એટલું પણ નહિ સમજતી હોય કે સામી વ્યક્તિ એ આખરે તેના જેવો જ એક મનુષ્ય છે. એક મનુષ્ય પછી ભલે તે ગમે તેટલો મોટો વિદ્વાન હોય, ખૂબ ભણેલો હોય, ખૂબ શ્રીમંત હોય, મોટા મોટા હોદ્દા પર હોય, દેખાવે અતિ પ્રભાવશાળી હોય, સમાજમાં અત્યંત પ્રતિષ્ઠિત હોય, પણ જ્યારે તે બીજા મનુષ્ય સાથે વ્યવહારમાં આવે છે ત્યારે તેણે આ બધા ભેદો, આ ભિન્નતા, આ વિશેષતાઓ ભૂલી જઈને બીજા મનુષ્ય સાથે સમાન ભાવે સન્માન સહિત વર્તન કરવું જોઈએ.

[13] ઘટના – ડૉ. બી. એ. પરીખ

આ દુનિયામાં કોઈ ઘટના ચમત્કાર હોતો નથી. દરેક ઘટના પ્રકૃતિના કોઈ ને કોઈ પરિબળથી પ્રગટે છે. કશુંક ન સમજાય ત્યારે તે રહસ્ય અને ચમત્કાર લાગે છે, પણ જેમ રમકડામાંથી નીકળતો અવાજ સાંભળી બાળકને આશ્ચર્ય થાય છે, પણ રમકડું તોડતાં તેને સમજાય છે કે અંદર કોઈ જીવ નથી માત્ર સીસોટી ગોઠવી છે, જે હવાની મદદથી અવાજ ઉત્પન્ન કરે છે. આ રીતે જોતાં સમજાશે કે કોઈ પણ ઘટના અલૌકિક, ચમત્કારિક, દૈવી કે પુનર્જન્મની હોતી નથી. આજે કદાચ મર્યાદિત સાધનો અને અલ્પ જાણકારીને કારણે એ ઘટના પૂરેપૂરી સમજી શકાય નહીં, પણ આવતીકાલે વિશેષ સંશોધન થશે, શરીરતંત્ર કે મનોતંત્રની વધારે સમજ મળશે ત્યારે આજે રહસ્યમય લાગતી આવી ચૈતસિક ઘટનાઓને પણ સમજાવી શકાશે.

[14] શિક્ષક – કાકાસાહેબ કાલેલકર

શિક્ષકના મનમાં એવી ભાવના હોવી જોઈએ કે, ‘મારો આ વિદ્યાર્થી આજે ભલે ચારિત્ર્યનો નબળો હોય, દુર્જનની પેઠે ચાલતો હોય, તો પણ એનામાં ભલાઈનાં તત્વો સુપ્તપણે છે જ એ વિશે મને શંકા નથી. એ સારાં તત્વો અત્યારે સૂતેલાં છે. એને જગાડવાં એ મારું કામ છે. સજા કરવી એ સહેલું કામ છે, મારું જીવનકાર્ય એથી ઊંચું છે. દરેકમાં રહેલી ભલાઈ અને સજ્જનતા ઉપર વિશ્વાસ રાખવા જેટલી આસ્તિકતા મારામાં હોવી જોઈએ, અને એ ભલાઈ જગાડવા માટે હું મારા પ્રયત્નની પરાકાષ્ઠા કરું. શિક્ષક તરીકેની એ જ મારી જીવનસાધના છે.’

[15] અન્ન – ગુણવંત શાહ

આપણા ઉપનિષદોમાં અન્નને બ્રહ્મનો દરજ્જો મળ્યો છે. ઋષિએ તો અન્નને ઔષધ તરીકે ઓળખાવ્યું છે. ખાવું એ તો પરમ આનંદજનક ઘટના છે. ઉત્સવ જેવી ઘટના છે. એમાં તો સાક્ષાત જીવન સાથેનો સંપર્ક શક્ય બને છે. ડાઈનિંગ ટેબલ પર ડિનરમાં જે કંઈ આરોગીએ તેમાં ક્યારેક ‘ચીસ’ નામની વાનગી સાથે તરફડાટ હોય કે ભયની ધ્રુજારી હોય છે. એવો આહાર કદી સ્વસ્થતા કે આરોગ્ય ન આપી શકે. આપણને ચીસ સંભળાતી નથી, કારણ કે મારવાની ક્રિયા બીજા કોઈકે કરી છે. હું તો ત્યાં સુધી કહું છું કે માંસાહાર કરવો જ હોય તો કરો, પરંતુ પશુ કે મરઘીને જાતે મારવાનો આગ્રહ રાખો. તમે આપોઆપ માંસાહાર ટાળી શકશો, સિવાય કે…….

[કુલ પાન : 800. (પાકું પૂઠું). કિંમત રૂ. 400. પ્રાપ્તિસ્થાન : સાહિત્ય સંકુલ. ચૌટાબજાર, સુરત-395003. ફોન : +91 261 2591449. ઈ-મેઈલ : sahitya_sankool@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અનોખું દહેજ – વર્ષા બારોટ
સાતમા આસમાનની ભોંય – હિમાંશી શેલત Next »   

9 પ્રતિભાવો : બૃહદ સુવાક્યસંચય – સં. શાંતિલાલ શાહ

 1. સુંદર સંકલન.

  નં ૮ …. આગળની વાર્તા “સાતમા આસમાનની ભોંય” સાથે તાલ મીલાવે છે….

  “એક તો પોતાના દુઃખનું દુઃખ અને બીજું બીજાને આ દુઃખ નથી માત્ર પોતાને જ આ દુઃખ છે તેનું દુઃખ. ” ખુબ સાચુ……આપણે દુઃખી છીએ એના કરતા બીજા દુઃખી નથી એનું દુઃખ આપણને વધુ હોય છે….. પૃથ્વી પર બે પ્રકારના માણસો હોય છે…..૧/ જેના રસ્તામાં કાંટો આવે તે એમ વિચારે કે મને કાંટો વાગ્યો પણ હવે પછી આ રસ્તે જે આવે તેને ન વાગે….અને એ માણસ ને કાંટાને બાજુ પર ખસેડી દે….૨/ પોતાના માર્ગ માં કાંટો આવે અને વાગે….તો વિચારે …મને વાગ્યો છે તો હવે મારા પછી જે આવે એને પણ વાગે તો સમજાય કે કાંટો વાગે તો શું થાય

 2. જગત દવે says:

  અમુક સુંદર વિચાર કણિકાઓ ને બાદ કરતાં મોટા ભાગની વિચાર-કણિકાઓ નકારાત્મક-આદર્શવાદ નું વર્ણન કરે છે અને ‘રીડ-ગુજરાતી’ ની ગુણવત્તા પર ઊણી ઉતરે છે.
  (દા. ત. [5] ઠેસ – શશીકલંક, [3] સુવર્ણ નિયમ – એન. અનંત નારાયણન, [9] યુવાનો – ચીમનલાલ બેંકર)

 3. Piyush Shah says:

  સુંદર સંકલન..રીડ-ગુજરાતી’ ને ખુબ ખુબ અભિનન્દન્..

 4. Rachana says:

  મહેનત સાથે લેખકને શ્રદ્ધા પણ જોઈએ……..ખુબજ સરસ અને સાચી વાત.

 5. Veena Dave. USA says:

  સરસ સંકલન.
  આવુ સરસ સરસ લખાણ ઇમેઈલ દ્વારા મિત્રો-સગાવહાલાને ફોરવડૅ કરવાની ઘણાને ટેવ હોય છે. એક બહેને આવુ જ કંઈક મને ઇમેઈલમા મોકલ્યુ એટ્લે મને એમનો આભાર માની આવી વાતો પર વધુ વાત કરવાનુ મન થયુ એટલે મે તેમને ફોન કર્યો અને જે જવાબ મળ્યો ….’. હુ આવા ઇંમેઈલ વાચતી જ નથી આ તો કોઇ મોકલે એ બધાને ઇમેઇલ કરી દઊ છુ.’ પોતે નથી વાંચતા પણ બીજાને વાંચવા મોકલે એ પણ સારી વાત છે.

 6. dhiraj says:

  ખુબ સુંદર સંગ્રહ
  ૧૫. ગુણવંત શાહ ની શાકાહાર પર ની વિચાર કણીકા ખુબ ગમી

 7. Dipti Trivedi says:

  અન્ન – ગુણવંત શાહ ના અનુસંધને કહેવાનુ કે માંસાહાર માટે હું આમ કહુ છું—જેમ કોઇ ખૂન કરે તે ગુનેગાર અને લાશ વગે કરે તે પણ ગુનો જ ગણાય તેમ અબોલને મારીને રાંધે તે ગુનો અને ખાય તે લાશ વગે કર્યા બરાબર ગણાય.

  • Ashish Dave, Sunnyvale, California says:

   દીપ્તિબહેન,

   એકદમ સાચી વાત…આપણુ પેટ કાઈ કબ્રસ્તાન થોડુ છે?

   Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.