લખવાનું મન થયું, કારણ કે….. – વિઠ્ઠલ વ્યંકટેશ કામત

[પર્યાવરણપ્રેમી હૉટેલ વ્યાવસાયિક, શિક્ષણ પ્રસારક અને પ્રેરણાદાયી વક્તા શ્રી વિઠ્ઠલ કામતના જીવનની ખાટી-મીઠી પરંતુ રોચક કહાની પર આધારિત પુસ્તક ‘ઈડલી, ઑર્કિડ અને મનોબળ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે મીડિયા પબ્લિકેશનનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

‘પર્યાવરણનું સંતુલન જાળવનારી શ્રેષ્ઠ હૉટેલ’ માટેનો એક ઑર ગૌરવપ્રદ પુરસ્કાર મને મળ્યો. જે લઈને ‘ઓર્કિડ’માંના મારા રિઝર્વ્ડ સ્વીટમાં હું પાછો ફર્યો. સાંજનો એ સમારંભ, હાથમાંનો આ ચંદ્રક, ઉપસ્થિત મહાનુભાવોએ ‘ઓર્કિડ’ માટે ઉદગારેલા એ ગૌરવભર્યા બોલ ! આ બધું જ મને સ્વપ્ન સમું લાગતું હતું. ‘ઓર્કિડ’ને મળેલાં બીજાં અનેક માન-અકરામ સાથે આ નવો ચંદ્રક મૂક્યો. હવે મારી જાતને ચૂંટી ભરી જોવાની જરૂર રહી નહોતી.

એક સાવ સામાન્ય ઉપાહારગૃહવાળાથી માંડીને ‘ઓર્કિડ’ જેવી અસામાન્ય ફાઈવ સ્ટાર હૉટેલના માલિક સુધીનો મારો આ પ્રવાસ સાચે જ પૂરો થયો હતો. આ સ્વપ્ન નહોતું. આ તો હતી સ્વપ્નપૂર્તિ ! આ સપનું આવ્યે ત્રીસેક વર્ષ થઈ ગયાં. 1972ની સાલમાં હું અમારી કામત ગ્રુપની ‘સમ્રાટ’ હૉટેલનો વહીવટ ચલાવતો હતો ત્યારે ‘સમ્રાટ’માં આવેલા અમારા એક વડીલ મુરબ્બી શ્રી રાવસાહેબ ગોગટેએ કહ્યું, ‘અલ્યા વિઠ્ઠલ, આજકાલ ઓબેરૉય શેરેટનનું બાંધકામ ચાલુ છે ને, ત્યાં રાયબહાદુર ઓબેરૉય આવ્યા છે.’

આગલોપાછલો વિચાર કર્યા વિના મેં તો ચઢાવ્યા ચંપલ ને જઈ ચઢ્યો ‘ઓબેરૉય’ની સાઈટ પર. રાયબહાદુર સાથે મારે કોઈ ઓળખાણ નહોતી. જોકે ઓળખાણ સાથે મારે કોઈ લેવા-દેવા નહોતી. હા, લેવા-દેવા એટલી જ કે જે ક્ષેત્રમાં હું નવા નિશાળિયા તરીકે મથામણ કરતો હતો એ ક્ષેત્રના એ બેતાજ બાદશાહ હતા. મારે તો એમને જ મળવું હતું. પગમાં કોલ્હાપુરી ચંપલ, સીધોસાદો ને કાંઈક અણઘડ એવો મારો વેશ. એથી ચોકીદારે મને રોક્યો.
‘એય…. ઉધર નહીં જાનેકા. ઉધર બડા સાબ બૈઠા હૈ.’
‘હું ‘બડા સાબ’ને જ મળવા આવ્યો છું.’ મેં કહ્યું.
રાયબહાદુર ઓબેરૉયની સામે જઈને ઊભો રહ્યો. એમને પ્રણામ કર્યા. એમણે પૂછ્યું :
‘તુમ કંત્રાટદાર હૈ ?’
મેં કહ્યું : ‘નો સર, મેં હૉટેલવાલા હૂં.’
‘હૉટેલનો માલિક ?’ એમની આંખોમાં અચરજ હતું, થોડો અવિશ્વાસ પણ : ‘વીસ-એકવીસ વરસનો આ છોકરડો ને તે વળી હૉટેલનો માલિક ?’
‘કિધર હૈ તુમ્હારા હૉટેલ ?’
‘અહીંયા જ ! ચર્ચગેટ સ્ટેશનની નજીકમાં.’
‘અચ્છા ! ક્યા નામ હૈ તુમ્હારી હૉટલ કા ?’
‘સમ્રાટ સર ! ફુલ્લી ઍરકન્ડીશન્ડ હૉટેલ હૈ. બંબઈમેં પહેલી બાર !’

મારા અવાજમાં અભિમાન છલકાતું હતું. રાયબહાદુર મૂંઝવણમાં પડ્યા.
‘વૉટ ડુ યુ મીન બાય, ફુલ્લી ઍરકન્ડીશન્ડ ?’
હૉટેલમાંનો એકાદો નાનકડો ભાગ બંધ કરીને ઍરકન્ડીશન્ડ કઈ રીતે ગોઠવવામાં આવે છે એ બધું મેં એમને વિગતે સમજાવ્યું. એટલે બધું સમજાયું હોય તેમ હકારમાં માથું હલાવ્યું ને એમણે કહ્યું :
‘ઓહ…. યુ મીન ટુ હેવ અ રેસ્તરાં !’
ત્યાં સુધી હૉટેલ અને રેસ્ટૉરન્ટ વચ્ચેનો તફાવત હું જાણતો નહોતો. અને મોટા લોકો રેસ્ટૉરન્ટને રેસ્તરાં કહે છે એનીય ખબર નહોતી. મેંય માથું હલાવીને કહ્યું :
‘યસ, યસ સર !’
‘ક્યા બનના ચાહતે હો ?’
એમની આંખમાં આંખ નાંખીને મેં કહ્યું : ‘આપસે ભી બડા હૉટેલિઅર બનના ચાહતા હૂં.’
‘હાં, હાં ક્યોં નહીં ? જરૂર બન સકતે હો.’
એ વખતે હું જે કાંઈ બોલી ગયો એમાં કોઈને કદાચ ઉદ્ધતાઈ કે દોઢડહાપણ જોવા મળે પણ સાચું પૂછો તો એ મારું સપનું હતું અને મેં કોઈ પણ જાતની શરમ રાખ્યા વિના મારી આદર્શમૂર્તિને એ કહી સંભળાવ્યું. એટલું જ !

આજે વિશ્વની ‘બેસ્ટ ઈકોટેલ’ – પર્યાવરણના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપવા બદલ વિશ્વમાં સૌથી વધુ પુરસ્કારો પ્રાપ્ત કરનારી હૉટેલ તરીકે ‘ઓર્કિડ’ની વાહવાહ બોલાય છે. ખાસ તો એ કહેવાનું કે ‘ઓર્કિડ’ પૂરેપૂરી બંધાઈ ચૂક્યા બાદ સૌથી પહેલો પત્ર મેં રાયબહાદુર ઓબેરૉયને લખ્યો. પોતે તો આવી શક્યા નહીં પણ મારા આમંત્રણને માન આપીને એમના દીકરા વિકી ઓબેરૉય ‘ઓર્કિડ’માં આવ્યા. મારી પ્રશંસા કરતાં એમણે કહ્યું :
‘યુ આર એ થ્રેટ ટુ અસ.’
મેં એમનો હાથ મારા હાથમાં લેતાં કહ્યું : ‘નો સર ! આઈ ઍમ યોર ફોલોઅર !’
ત્યારબાદ રાયબહાદુર ઓબેરૉયે પત્ર લખીને મને શાબાશી આપી, ‘મારી જિંદગીમાં હું કેટલાંય લોકોને ભૂલી ગયો પણ તને ક્યારેય ભૂલ્યો નથી. મારી જ પ્રોપર્ટી પર આવીને, મારી સામે જ ઊભા રહીને મારાથીય મોટા થવાની તારી ઝંખના તેં વ્યક્ત કરી. જિંદગીમાં તારા જેવો ક્યારેય કોઈને જોયો નથી.’ રાયબહાદુરના એ શબ્દો મને યાદ આવ્યા. ‘ઓર્કિડ’ને મળેલા પુરસ્કારો ફરી ફરીને જોતો રહ્યો. ત્રીસ વર્ષ પહેલાં જે વાત મને અશક્યવત લાગતી હતી તે આજે સાચી થઈ હતી, જે હું હજીય માની શકતો નથી.

હું ઊભો થયો ને ‘ઓર્કિડ’ની અગાશી પર આવેલી રેસ્તરાંમાં ગયો. અહીંથી ઍરપોર્ટનું વિહંગમ દશ્ય દેખાય છે. મિનિટે મિનિટે આકાશમાં ઉડાન ભરતું વિમાન, મને થઈ આવ્યું માણસે પણ આવું જ હોવું જોઈએ. પાંખ ફેલાવીને આકાશને બાથમાં લેવાની વૃત્તિ અને ધગશ જો હોય તો તમે કાંઈ પણ કરી શકો છો. હા હા, કાંઈ પણ ! ખાસ તો આપણે બધાંએ જ ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે આપણી પાસે બુદ્ધિ છે, શિક્ષણ છે, મહેનત કરવાની તૈયારી પણ છે. તો પછી આપણે બિઝનેસના ક્ષેત્રમાં વધુ ને વધુ યશ મેળવવો જોઈએ. મારા જેવો એક સામાન્ય અદનો છોકરડો જો એ કરી શકતો હોય તો બીજા કોઈને સફળ થવામાં શો વાંધો આવે ? હા, આટલાં વર્ષોના અનુભવો પરથી હું તમને સફળ થવાની એક ગુરુચાવી ચોક્કસ આપી શકું. યશસ્વી થવા માટે આપણી પાસે ત્રણ બાબત હોવી જરૂરી છે. ડિટરમીનેશન, ડેડિકેશન અને ડિસિપ્લીન. આ ત્રણ ‘ડી’ને જો ડેસ્ટિનીનો સાથ મળી જાય તો તો પછી કોઈ જ વાત અશક્ય નથી. આપણા સહુમાં એક હીરો છુપાયેલો જ છે. પણ એને પાસા પાડવાની જવાબદારી તો આપણી રહે છે.

હું બેચેન થઈ ઊઠ્યો, અતિશય બેચેન. પોતાનાં સપનાં પૂરાં થાય એટલે કોઈ દાનધરમ કરે, કોઈ મંદિર બાંધે, કોઈ કોઈ શાળા-કોલેજ-દવાખાનાં બાંધે પણ આજે મને એમ થાય છે કે મારા અનુભવોમાંથી ફાયદો ઉઠાવીને આવા બે-ચાર નહીં પણ ચારસો વિઠ્ઠલ કામત તૈયાર થઈ શકે. આમેય કોઈ ડાહ્યા માણસે કહ્યું છે ને કે, ‘આગલો ખાય ઠેસ ને પાછલો પામે ડહાપણ.’ તો પછી પાછળવાળા માટે આપણે જ શા માટે રસ્તો તૈયાર ન કરવો ? હું સ્વીટમાં પાછો આવ્યો. લખવા માટે ટેબલ સામે ગોઠવાયો ને વિચારોને ગોઠવવા લાગ્યો. મારી નજર સામે પહેલા જ શબ્દો સ્પષ્ટપણે તરવરી આવ્યા :
પ્રિય ગુજરાતી વાચકો,
લખવાનું મન થયું, કારણ કે………

[કુલ પાન : 160. (મોટી સાઈઝ). કિંમત રૂ. 160. પ્રાપ્તિસ્થાન : મીડિયા પબ્લિકેશન. 103-4, મંગળમૂર્તિ, કાળવા ચોક, જૂનાગઢ-362001. ફોન : +91 285 2650505. ઈ-મેઈલ : media.publications@gmail.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તમે શું કહો છો ? – ભગીરથ મ. દરૂ
પરમાણુ અને બ્રહ્માંડ – ડૉ. પંકજ શાં. જોષી Next »   

26 પ્રતિભાવો : લખવાનું મન થયું, કારણ કે….. – વિઠ્ઠલ વ્યંકટેશ કામત

 1. સુંદર વાત…..મહેનત કરવા વાળા માટે ૨૪ કલાક પણ ઓછા હોય છે

 2. Krunal Choksi, WV says:

  અહીં એક વાત કહેવાનું મન થાય કે Destiny follows those who have Determination, Discipline, and Dedication. એક વધુ D ઉમેરવાનું મન થાય છે – Decisiveness- સાચા સમયે સાચો નિર્ણય લેવાની ક્ષમતા. અત્યંત સુંદર લેખ.

 3. સરસ લેખ. દિશા તરફ નજર હોય તો કોઇ રોકનાર નથી.
  પોતે ધાર્યુ હોય તે બની શકે કે ન પણ બને પરંતુ દ્રઢ નિસ્ચય હોય તો સફળતા મળે .
  ખુમારી વાળા લોકો દ્વારા આ પ્રકારના લેખ પણ્ વાંચવા મળે તો વ્યક્તિનો જુસ્સો અવસ્ય વધે.
  લેખકનો આભાર અને ધન્યવાદ્
  મ્રૂગેશભાઈ નો આભાર.
  કીર્તિદા

 4. જગત દવે says:

  ભારતીય પ્રજા મૂળભુત રીતે પ્રારબ્ઘવાદી છે માટે જ લગભગ ૬૦-૮૦ લાખ જેટલાં વિવિધ પ્રકારનાં ધાર્મિક બાબાઓ ની કૃપા મેળવવા માટે તે મહેનત/ પુરુષાર્થ સિવાયનું બધું જ કરી છુટવા માટે સતત તત્પર રહે છે. માટે જ દર ત્રીજુ ધર, રીક્ષા, સ્કુટર, ઓફીસ, સાયકલ પર હંમેશા ફલાણાંનાં આશિર્વાદ અને ફલાણાં-કૃપા એમ લખેલું જોવા મળે છે.

  આપણને ઈતિહાસથી માંડી નેઆ અર્વાચીન સમય સુધી આપણાં પુરુષાર્થ પર ક્યારેય ભરોસો બેઠો જ નથી. કોઈને પણ સફળતા મળે તો ક્યારેય તેનો યશ આપણે તે માણસની મહેનતને આપતાં જ નથી તરત જ તેને કોઈની કૃપા અને કોઈનાં આશિર્વાદ સાથે જોડી દઈએ છીએ અને પછી તરત જ તપાસ શરુ થાય છે કે તે ક્યાં મંદિરમાં જાય છે? ક્યાં આશ્રમ માં આળોટે છે? કે સંપ્રદાય ની સાથે જોડાયેલો છે? તેની કુંડળીમાં ક્યો યોગ ચાલે છે? તે ક્યાં વાર કરે છે? તેનાં હાથમાં કેટલાં અને ક્યાં નંગ છે? અને પછી તેનો બધો જ પુરુષાર્થ આ બધા ની નીચે દબાવી દેવાય છે અને પ્રારબ્ધ જ બધો યશ ખાટી જાય છે. ઋણ સ્વીકાર એ સારા સંસ્કાર છે પણ એ ન્યાયે તો પુરુષાર્થ નો પણ ઋણ સ્વીકાર કરવો જોઈએ ને?

  આ પ્રારબ્ધ-વાદ ને કારણે જ ભારતમાં દરેક ક્ષેત્રમાં સાહસિકોની ખોટ વર્તાય છે. જો કે તેમાં હવે ધીરે ધીરે બદલાવ આવી રહ્યો છે. ખાસ કરીને નવી યુવા પેઢીમાં…….અભિનવ બિન્દ્રા, સાઈના નેહવાલ, હરભજન જેવાં ખેલાડીઓની આંખમાં થી તેમનાં પુરુષાર્થ નો ગર્વ ટપકતો જોઈ શકાય છે.

  વિઠ્ઠલ વ્યંકટેશ કામતનાં સમગ્ર લેખમાં પણ આ જ પુરુષાર્થ નો ગર્વ ટપકતો જોઈ શકાય છે.

  તા. ક.: અંધ-શ્રધ્ધાનો એક નવો વેપાર વિશ્વ-કપ પછી મીડીયાકર્મીઓ દ્રારા શરુ કરાયો છે અને સ્પેનની જીતનો સમગ્ર યશ એક ઓક્ટોપસ ને અપાઈ રહ્યો છે. ભારતમાં વિશ્વ-મીડીયા ને એક નવું માર્કેટ દેખાઈ રહ્યું છે. અંધ-શ્રધ્ધાનું…….વિશ્વાસ ન આવતો હોય તો રાત્રે ૧૧-૦૦ પછી મોટા ભાગની ટી.વી. ચેનલો જોઈ લેવી.

  • harikrishna patel says:

   very harsh but very true .you are saying absolutely right jagat bhai.

  • hiral says:

   લેખમાં રહેલા પુરુષાર્થનાં ગર્વનું સરસ અવલોકન. મહેનત કરવાવાળા માણસોને જ્યારે આ પ્રારબ્ધવાદીઓ સાથે પાલો પાડવાનો આવે ત્યારે ખરેખર આકરી કસોટી જેવું લાગે.

   તમારી કોમેન્ટ સાથે સહમત છું. મેં મારી સગી આંખે આવું અંધશ્રદ્ધાનું વાતાવરણ જોયું છે. રીતિ-રિવાજોનાં નામે જ્યારે અમુક વસ્તુ ચલાવી લેવાની ફરજ પાડવામાં આવે ત્યારે સમજાય જ નહિં કે શું રિએક્ટ કરવું. પુરુષ જો પુરુષાર્થમાં જ માનનારો હોય તો કદાચ એને દરેકનો સાથ મળી રહે (આપણી સંસ્કૃતિ છે.). પણ નવવધુ વિકાસશીલ વિચારધારાની વધુ આગ્રહી હોય તો?

   મહેનતુ સ્ત્રીઓ માટે એક ખાસ શબ્દપ્રયોગ હોય છે. “કેરિયર ઓરિયેંટેડ”. મને લગ્નની વાત વખતે એક આઇ.આઇ.ટી યુવકે પૂછેલું કે શું હું કેરિયર ઓરિયેંટેડ છું? મેં કહ્યું હું સપના બહુ જોઉ છું અને મહેનતુ છું. એટ્લે ઠીક ઠીક અચિવ કરી લઉં છું એટલું જ. ફરીને એ જ વાત પર એ અટકેલો શું હું કેરિયર ઓરિએંટેડ છું? મેં ફરીથી આ જ જવાબ આપેલો. તો એનું કહેવું હતું કે એનાં ઘરનું વાતાવરણ એકદમ રુઢિચુસ્ત છે. અને એ પણ એ જ નિતિરીતી વાળો ધાર્મિક વ્યક્તિ હતો. અને એના મતે જે ધાર્મિક ના હોય એને મોડર્ન છોકરી કહેવાય.

   એક બીજો એવો અનુભવ હતો જેમાં નિયમિત સેવાપૂજા માટે હું હા પાડું તો જ લગ્નની હા પાડે. ચક્કર આવી જાય કે આટલું ભણ્યા-ગણ્યા પછી આવી શરતો પર લગ્ન થાય?

   (નિયમિત સેવાપૂજા અને માણસનાં નૈતિક મૂલ્યો વચ્ચે સીધો સંબંધ હોત તો આપણો દેશ નૈતિકમુલ્યો માટે જાણીતો હોત, ભ્રષ્ટાચાર માટે નહિં)

  • nayan panchal says:

   માનનીય જગતભાઈ,

   પ્રારબ્ધવાદ વાળી તમારી વાત સાથે સહમત.

   પરંતુ એક વાત જણાવવાનુ મન થાય છે કે મિડીયા સ્પેનની જીતનો યશ કંઈ ઓક્ટોપસને નથી આપી રહ્યુ. તેઓ માત્ર ઓક્ટોપસની સચોટ આગાહી પર ઓવારી ગયા છે.

   તમે ૭ વાર સિક્કો ઉછાળો અને બધી જ વખત તમારુ કાટ કે છાપનુ અનુમાન સાચુ પડે એવી ગાણિતક રીતે શક્યતા કેટલી?

   નયન

 5. trupti says:

  બહુજ પ્રેરણાત્મ્ક લેખ.

  નવી પેઢી એ આમાથી ઘણુ શિખવાનુ છે. મા-બાપ ની તૈયાર ગાદી પર બેસવા કરતા પોતાની જાત મહેનતથી પોતાના પુરુષાર્થ થી જે પણ મળે તેનો આનંદ અનેરો હોય છે. આને માટે મહદ અશેં મા-બાપ પણ જવાબદાર છે. આપણે જ આપણી પેઢી ને પાંગળી બનાવી રહ્યા છીએ. જોઈતી-નહીં જોઈતી વસ્તુ ઓ નો ખડકલો આપણૅ કરી દઈએ છીએ. જનમથી ફુલ્લી એરકંડિસન ઘર, જરાક મોટા થાય ઍટલે એ.સી. પ્લે સ્કુલ ને પછી સ્કુલ કોચીંગ ક્લાસિસ પણ એ.સી. કોલેજો પણ એ.સી. પસિનો શું હોય મહેનત કોને કહેવાય તેની ખબર નહીં. ફુરસદ નો સમય કમ્પ્યુટર પર કે ટી.વી ની સામે વિતે રિઝ્લ્ટ ઓબેસીટી. પછી તેને દુર કરવા જિમ વાળાને પૈસા આપો ને તમની કમાણી વધારો!!!!!!!!!!!!!!!

  • nirlep - Qatar says:

   your observation is true. The one which is got without labour or own skill seldom has real value. We all are a part of “rat-race”. Biind competition & comparison ruins life.

 6. આ લેખમાં ખરી મજા આવી છે ગુજરાતીમાં થયેલો અનુવાદ વાંચીને ! લેખકનું નામ મરાઠી લાગે છે તો તેઓના પિતાનું નામ દક્ષિણ તરફનું જણાય છે. પણ અનુવાદક ગુજરાતી છે. આ સાઈટ પર આ લેખના પુસ્તકના ચિત્રને બિલોરી કાચ વડે જોતા માંડ-માંડ અનુવાદકનું નામ અરુણ પંડ્યા જેવું જણાય છે. લેખકની શૈલી અંગે તો આપણે જાણતા જ નથી. છતાં આપણો રાજીપો અનુવાદકની ઉપેક્ષા કરીને લેખક તરફ ઢળવાનો. જો કે આ લેખનો પ્રાણ કહી શકાય એવી બાબત લેખકની ખુમારી છે એમાં બેમત નથી. પણ અનુવાદકને પણ ધન્યવાદ ઘટે છે.

 7. Asha Shah says:

  The name of the translater is Aruna Jadeja.I have read this book twice.Very well written,translated &inspiring book. Worth read.

 8. અશોક જાની 'આનંદ' says:

  માત્ર આત્માવિશ્વાસ ભર્યો પુરુષાર્થ આપણું લક્ષ સાધવામાં સહાયક બને છે જેનો આજકાલ બહુમતિ લોકોમાં ખાસ્સો અભાવ વર્તાય છે. ખૂબ જ પ્રેરણાદાયક લેખ, વસાવવા જેવું પુસ્તક……..

 9. nayan panchal says:

  પ્રેરણાદાયક લેખ.

  સમ્રાટ હોટલની ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો છે.

  સપના જુઓ અને તેને ખરા કરવા મંડી પડો. ત્રણ Dનુ ધ્યાન રાખીશું તો ચોથો D પણ પોતાનુ ધ્યાન રાખી જ લેશે.

  ખૂબ આભાર,
  નયન

 10. Janakbhai says:

  If every youth has this spirit, nothing is impossible in this world for him. This article is good and inspirig one for every one.

 11. Janakbhai says:

  If every youth has this spirit, nothing is impossible in this world for him.

 12. Madhu Pandya says:

  If we can overcome fear of failure we can go very long way. If we study lives of those who have succeeded we will find that all did’t find success at first try. Hope our new generation strongly believes in this.

 13. જય પટેલ says:

  પુરૂષાર્થ વગર પ્રારબ્ધ વાંછણું છે.

  ૧૯૮૧ની એશિયન ગેમ્સ બાદ ભારતવર્ષમાં સાહસિકોએ અપ્રિતમ સફળતા હાંસલ કરી છે.
  સ્વ. વડાપ્રધાન શ્રીમતિ ઈન્દિરા ગાંધીએ સમાજવાદને પાછલા બારણે તિલાંજલી આ ગાળા દરમ્યાન
  આપી અને શ્રી રાજીવ ગાંધીએ તે નીતિ આગળ ધપાવી. ૧૯૯૧માં શ્રી નરસિંહરાવે બાકીના બંધનોમાંથી
  ભારતવર્ષેને મુકત કર્યુ….આમ સાહસિકોને પાંગવા માટે ભુમિ તૈયાર થઈ.

  જૂની પેઢીનું સરકારી સૂત્ર હતું…ગરીબી હટાવો અને હવે નવી પેઢીએ આયામો બદલી અમીરી લાવોનું
  સૂત્ર અપનાવ્યું છે.

  શ્રી વિઠ્ઠલ કામતે આંખમાં આંખ નાખીને કહ્યું….આપસે ભી બડા હોટિલીયર બનના ચાહતા હું.
  કામત સાહેબના રણટંકારની બુનિયાદ હતી વિશ્વાસ…પોતાની જાત પરનો વિશ્વાસ.

  An Umbrella can’t stop the rain
  But it allows us to stand in rain.

  Confidence may not bring success
  But it gives the power to face any challenge.

 14. Pravin V. Patel [USA] says:

  લગભગ અઠવાડિયા અગાઉ ”જનકલ્યાણ” માસિકનો સપ્ટેમ્બર-૨૦૦૬નો અંક વાંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
  એમાં પાન ૨૦ પર ”મારું ચકડોળ ચાલે……….(૬)
  મૂળ લેખક વિઠ્ઠલ વ્યંકટેશ કામત રુપાંતરઃ અરુણા જાડેજા વાંચવા મળ્યું.
  બીજા અંકો વાંચવા નથી મળ્યા. કથા ક્રમશઃ છપાયેલ છે.
  વાંચીને વિચાર આવ્યો કે મૃગેશભાઈને જણાવું કે આ પ્રસ્તુત કરવા જેવું છે.
  જાણે ટેલિપથી થઈ.
  આભાર મૃગેશભાઈ.
  ખૂબજ સુંદર રુપાંતર છે.
  હાર્દિક અભિનંદન અરુણાબેનને.
  હારેલાને હામ આપતી સાચી કથા છે.

 15. ખુબજ સુન્દર લેખ

 16. Bhalchandra, USA says:

  I hope one of these days, we will read about Gujarati achievers and their messages too! Thanks for inspiring article.

 17. સરસ બુક …
  મળવા જેવા માણસ…

 18. maitri vayeda says:

  ખૂબ સુંદર…

 19. Dipti Trivedi says:

  આ માણસની ખુમારી અને આત્મવિશ્વાસ જ એને આગળ લઈ ગયા. આગલી મિનિટે હોટેલ અને રેસ્ટોરાં વચ્ચેનો તફાવત ખબર નથી એવો બફટ ઊભો થયા પછી બીજી મિનિટે કહે છે–આપસે ભી બડા હૉટેલિઅર બનના ચાહતા હૂં.’—-હિન્દી ફિલ્મના પેલા પ્રસિધ્ધ સંવાદ—અપની ગલીમેં કુત્તા ભી શેર હોતા હૈ—થી વિરુધ્ધ્નુ વર્તન વિઠ્ઠલ કામતને રાયબહાદુરની સ્મૃતિમાં હંમેશ માટે જડી દે છે.— મારી જ પ્રોપર્ટી પર આવીને, મારી સામે જ ઊભા રહીને મારાથીય મોટા થવાની તારી ઝંખના તેં વ્યક્ત કરી. જિંદગીમાં તારા જેવો ક્યારેય કોઈને જોયો નથી—-એ પત્ર એમને મળેલો સૌથી પહેલો એવોર્ડ.

 20. BHAIRAV says:

  ખુબ જ સુન્દર મારે આખુ પુસ્તક વાંચવું જ પડશે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.