- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

લખવાનું મન થયું, કારણ કે….. – વિઠ્ઠલ વ્યંકટેશ કામત

[પર્યાવરણપ્રેમી હૉટેલ વ્યાવસાયિક, શિક્ષણ પ્રસારક અને પ્રેરણાદાયી વક્તા શ્રી વિઠ્ઠલ કામતના જીવનની ખાટી-મીઠી પરંતુ રોચક કહાની પર આધારિત પુસ્તક ‘ઈડલી, ઑર્કિડ અને મનોબળ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે મીડિયા પબ્લિકેશનનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

‘પર્યાવરણનું સંતુલન જાળવનારી શ્રેષ્ઠ હૉટેલ’ માટેનો એક ઑર ગૌરવપ્રદ પુરસ્કાર મને મળ્યો. જે લઈને ‘ઓર્કિડ’માંના મારા રિઝર્વ્ડ સ્વીટમાં હું પાછો ફર્યો. સાંજનો એ સમારંભ, હાથમાંનો આ ચંદ્રક, ઉપસ્થિત મહાનુભાવોએ ‘ઓર્કિડ’ માટે ઉદગારેલા એ ગૌરવભર્યા બોલ ! આ બધું જ મને સ્વપ્ન સમું લાગતું હતું. ‘ઓર્કિડ’ને મળેલાં બીજાં અનેક માન-અકરામ સાથે આ નવો ચંદ્રક મૂક્યો. હવે મારી જાતને ચૂંટી ભરી જોવાની જરૂર રહી નહોતી.

એક સાવ સામાન્ય ઉપાહારગૃહવાળાથી માંડીને ‘ઓર્કિડ’ જેવી અસામાન્ય ફાઈવ સ્ટાર હૉટેલના માલિક સુધીનો મારો આ પ્રવાસ સાચે જ પૂરો થયો હતો. આ સ્વપ્ન નહોતું. આ તો હતી સ્વપ્નપૂર્તિ ! આ સપનું આવ્યે ત્રીસેક વર્ષ થઈ ગયાં. 1972ની સાલમાં હું અમારી કામત ગ્રુપની ‘સમ્રાટ’ હૉટેલનો વહીવટ ચલાવતો હતો ત્યારે ‘સમ્રાટ’માં આવેલા અમારા એક વડીલ મુરબ્બી શ્રી રાવસાહેબ ગોગટેએ કહ્યું, ‘અલ્યા વિઠ્ઠલ, આજકાલ ઓબેરૉય શેરેટનનું બાંધકામ ચાલુ છે ને, ત્યાં રાયબહાદુર ઓબેરૉય આવ્યા છે.’

આગલોપાછલો વિચાર કર્યા વિના મેં તો ચઢાવ્યા ચંપલ ને જઈ ચઢ્યો ‘ઓબેરૉય’ની સાઈટ પર. રાયબહાદુર સાથે મારે કોઈ ઓળખાણ નહોતી. જોકે ઓળખાણ સાથે મારે કોઈ લેવા-દેવા નહોતી. હા, લેવા-દેવા એટલી જ કે જે ક્ષેત્રમાં હું નવા નિશાળિયા તરીકે મથામણ કરતો હતો એ ક્ષેત્રના એ બેતાજ બાદશાહ હતા. મારે તો એમને જ મળવું હતું. પગમાં કોલ્હાપુરી ચંપલ, સીધોસાદો ને કાંઈક અણઘડ એવો મારો વેશ. એથી ચોકીદારે મને રોક્યો.
‘એય…. ઉધર નહીં જાનેકા. ઉધર બડા સાબ બૈઠા હૈ.’
‘હું ‘બડા સાબ’ને જ મળવા આવ્યો છું.’ મેં કહ્યું.
રાયબહાદુર ઓબેરૉયની સામે જઈને ઊભો રહ્યો. એમને પ્રણામ કર્યા. એમણે પૂછ્યું :
‘તુમ કંત્રાટદાર હૈ ?’
મેં કહ્યું : ‘નો સર, મેં હૉટેલવાલા હૂં.’
‘હૉટેલનો માલિક ?’ એમની આંખોમાં અચરજ હતું, થોડો અવિશ્વાસ પણ : ‘વીસ-એકવીસ વરસનો આ છોકરડો ને તે વળી હૉટેલનો માલિક ?’
‘કિધર હૈ તુમ્હારા હૉટેલ ?’
‘અહીંયા જ ! ચર્ચગેટ સ્ટેશનની નજીકમાં.’
‘અચ્છા ! ક્યા નામ હૈ તુમ્હારી હૉટલ કા ?’
‘સમ્રાટ સર ! ફુલ્લી ઍરકન્ડીશન્ડ હૉટેલ હૈ. બંબઈમેં પહેલી બાર !’

મારા અવાજમાં અભિમાન છલકાતું હતું. રાયબહાદુર મૂંઝવણમાં પડ્યા.
‘વૉટ ડુ યુ મીન બાય, ફુલ્લી ઍરકન્ડીશન્ડ ?’
હૉટેલમાંનો એકાદો નાનકડો ભાગ બંધ કરીને ઍરકન્ડીશન્ડ કઈ રીતે ગોઠવવામાં આવે છે એ બધું મેં એમને વિગતે સમજાવ્યું. એટલે બધું સમજાયું હોય તેમ હકારમાં માથું હલાવ્યું ને એમણે કહ્યું :
‘ઓહ…. યુ મીન ટુ હેવ અ રેસ્તરાં !’
ત્યાં સુધી હૉટેલ અને રેસ્ટૉરન્ટ વચ્ચેનો તફાવત હું જાણતો નહોતો. અને મોટા લોકો રેસ્ટૉરન્ટને રેસ્તરાં કહે છે એનીય ખબર નહોતી. મેંય માથું હલાવીને કહ્યું :
‘યસ, યસ સર !’
‘ક્યા બનના ચાહતે હો ?’
એમની આંખમાં આંખ નાંખીને મેં કહ્યું : ‘આપસે ભી બડા હૉટેલિઅર બનના ચાહતા હૂં.’
‘હાં, હાં ક્યોં નહીં ? જરૂર બન સકતે હો.’
એ વખતે હું જે કાંઈ બોલી ગયો એમાં કોઈને કદાચ ઉદ્ધતાઈ કે દોઢડહાપણ જોવા મળે પણ સાચું પૂછો તો એ મારું સપનું હતું અને મેં કોઈ પણ જાતની શરમ રાખ્યા વિના મારી આદર્શમૂર્તિને એ કહી સંભળાવ્યું. એટલું જ !

આજે વિશ્વની ‘બેસ્ટ ઈકોટેલ’ – પર્યાવરણના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપવા બદલ વિશ્વમાં સૌથી વધુ પુરસ્કારો પ્રાપ્ત કરનારી હૉટેલ તરીકે ‘ઓર્કિડ’ની વાહવાહ બોલાય છે. ખાસ તો એ કહેવાનું કે ‘ઓર્કિડ’ પૂરેપૂરી બંધાઈ ચૂક્યા બાદ સૌથી પહેલો પત્ર મેં રાયબહાદુર ઓબેરૉયને લખ્યો. પોતે તો આવી શક્યા નહીં પણ મારા આમંત્રણને માન આપીને એમના દીકરા વિકી ઓબેરૉય ‘ઓર્કિડ’માં આવ્યા. મારી પ્રશંસા કરતાં એમણે કહ્યું :
‘યુ આર એ થ્રેટ ટુ અસ.’
મેં એમનો હાથ મારા હાથમાં લેતાં કહ્યું : ‘નો સર ! આઈ ઍમ યોર ફોલોઅર !’
ત્યારબાદ રાયબહાદુર ઓબેરૉયે પત્ર લખીને મને શાબાશી આપી, ‘મારી જિંદગીમાં હું કેટલાંય લોકોને ભૂલી ગયો પણ તને ક્યારેય ભૂલ્યો નથી. મારી જ પ્રોપર્ટી પર આવીને, મારી સામે જ ઊભા રહીને મારાથીય મોટા થવાની તારી ઝંખના તેં વ્યક્ત કરી. જિંદગીમાં તારા જેવો ક્યારેય કોઈને જોયો નથી.’ રાયબહાદુરના એ શબ્દો મને યાદ આવ્યા. ‘ઓર્કિડ’ને મળેલા પુરસ્કારો ફરી ફરીને જોતો રહ્યો. ત્રીસ વર્ષ પહેલાં જે વાત મને અશક્યવત લાગતી હતી તે આજે સાચી થઈ હતી, જે હું હજીય માની શકતો નથી.

હું ઊભો થયો ને ‘ઓર્કિડ’ની અગાશી પર આવેલી રેસ્તરાંમાં ગયો. અહીંથી ઍરપોર્ટનું વિહંગમ દશ્ય દેખાય છે. મિનિટે મિનિટે આકાશમાં ઉડાન ભરતું વિમાન, મને થઈ આવ્યું માણસે પણ આવું જ હોવું જોઈએ. પાંખ ફેલાવીને આકાશને બાથમાં લેવાની વૃત્તિ અને ધગશ જો હોય તો તમે કાંઈ પણ કરી શકો છો. હા હા, કાંઈ પણ ! ખાસ તો આપણે બધાંએ જ ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે આપણી પાસે બુદ્ધિ છે, શિક્ષણ છે, મહેનત કરવાની તૈયારી પણ છે. તો પછી આપણે બિઝનેસના ક્ષેત્રમાં વધુ ને વધુ યશ મેળવવો જોઈએ. મારા જેવો એક સામાન્ય અદનો છોકરડો જો એ કરી શકતો હોય તો બીજા કોઈને સફળ થવામાં શો વાંધો આવે ? હા, આટલાં વર્ષોના અનુભવો પરથી હું તમને સફળ થવાની એક ગુરુચાવી ચોક્કસ આપી શકું. યશસ્વી થવા માટે આપણી પાસે ત્રણ બાબત હોવી જરૂરી છે. ડિટરમીનેશન, ડેડિકેશન અને ડિસિપ્લીન. આ ત્રણ ‘ડી’ને જો ડેસ્ટિનીનો સાથ મળી જાય તો તો પછી કોઈ જ વાત અશક્ય નથી. આપણા સહુમાં એક હીરો છુપાયેલો જ છે. પણ એને પાસા પાડવાની જવાબદારી તો આપણી રહે છે.

હું બેચેન થઈ ઊઠ્યો, અતિશય બેચેન. પોતાનાં સપનાં પૂરાં થાય એટલે કોઈ દાનધરમ કરે, કોઈ મંદિર બાંધે, કોઈ કોઈ શાળા-કોલેજ-દવાખાનાં બાંધે પણ આજે મને એમ થાય છે કે મારા અનુભવોમાંથી ફાયદો ઉઠાવીને આવા બે-ચાર નહીં પણ ચારસો વિઠ્ઠલ કામત તૈયાર થઈ શકે. આમેય કોઈ ડાહ્યા માણસે કહ્યું છે ને કે, ‘આગલો ખાય ઠેસ ને પાછલો પામે ડહાપણ.’ તો પછી પાછળવાળા માટે આપણે જ શા માટે રસ્તો તૈયાર ન કરવો ? હું સ્વીટમાં પાછો આવ્યો. લખવા માટે ટેબલ સામે ગોઠવાયો ને વિચારોને ગોઠવવા લાગ્યો. મારી નજર સામે પહેલા જ શબ્દો સ્પષ્ટપણે તરવરી આવ્યા :
પ્રિય ગુજરાતી વાચકો,
લખવાનું મન થયું, કારણ કે………

[કુલ પાન : 160. (મોટી સાઈઝ). કિંમત રૂ. 160. પ્રાપ્તિસ્થાન : મીડિયા પબ્લિકેશન. 103-4, મંગળમૂર્તિ, કાળવા ચોક, જૂનાગઢ-362001. ફોન : +91 285 2650505. ઈ-મેઈલ : media.publications@gmail.com ]