તમે શું કહો છો ? – ભગીરથ મ. દરૂ

[‘પહેલું સુખ તે હસતાં રહીએ’ પુસ્તકમાંથી સાભાર.]

મારો એક મિત્ર લગ્ન કરવાની તૈયારીમાં હતો અને લગ્ન કરનારને કાંઈ ને કાંઈ મૂંઝવણ તો હોય જ છે. જોકે આમ તો પરણવાની ઉંમરે પહોંચેલી વ્યક્તિની ઉંમર જાહેરમાં પાંચ વર્ષ જેટલી વધી જાય છે અને ખાનગીમાં એટલે કે એકાંતમાં પાંચ વર્ષ જેટલી ઓછી થઈ જાય છે.

એવા એ મિત્રે મને પૂછ્યું : ‘તમે ભાભીને શું કહો છો ?’
‘ભાભી.’ જરાય વિચાર કર્યા વિના મેં જવાબ આપ્યો.
‘એમ નહીં. ભાભીને એટલે કે મારાં ભાભીને શું કહો છો ?’
‘તું શું પૂછે છે ? ભાભીને તો ભાભી જ કહેવાય ! એના કોઈ પર્યાય મારા ખ્યાલમાં નથી.’
‘હજુ તમે સમજ્યા નહીં. હું એમ પૂછું છું કે તમે તમારાં મિસિસને શું કહો છો ?’
‘મિસિસને ? મિસિસને હું કાંઈ કહેતો જ નથી. એ જ મને કહે છે. મને તક જ ક્યાં મળે છે ?’
‘અરે ! હવે મને તો તક આપો ? મારું પૂછવાનું છે કે મિસિસને બોલાવવાનું થાય ત્યારે કેવી રીતે બોલાવો છો ?’
‘હં, તો એમ પૂછને ! એ તો જેવો જેવો સમય !’
‘જેવો જેવો સમય, એટલે દિવસે….રાત્રે…. બપોરે….’

‘જો રામાયણના રામ અને મહાભારતના સમયના કૃષ્ણ બંને એક જ છે, પણ જમાના પ્રમાણે જુદી જુદી રીતે બોલાવાય છે. તેમ અમે બંને એકલાં હોઈએ ત્યારે હું નામ-પેટ નેઈમ-દઈને બોલાવું છું. કયું નામ તે મને ન પૂછતો. છોકરાં હાજર હોય તો હું બોલાવતો નથી, પણ છોકરાંને કહું છું, ‘તારી મમ્મીને બોલાવ.’ કોઈ વડીલની હાજરીમાં કહેવું પડે છે, ‘જરા આમ જોજે, હં કે !’ અને મિત્ર-મંડળમાં એનું નામ દઈને બોલાવું છું. પરંતુ એનું મિત્ર-મંડળ હોય તો હું એને બોલાવતો નથી, કેમ કે હું જાણું છું કે એ સમયે ગમે તે બોલાવે તો પણ એ ત્યાંથી જરાય ચસશે જ નહીં.’
‘એ બધું તો સમજ્યા, પણ કોઈ મિત્ર આગળ ઓળખાણ કરાવતી વખતે શું કહો છો ?’
‘શું કહે ? આ મારાં ‘વાઈફ’ છે !’
‘આપણાથી વાઈફ બોલી શકાય તો ‘પત્ની’ કેમ ન બોલી શકાય ?’

આ પ્રશ્ને મને વિચાર કરતો કરી મૂક્યો. આપણે પત્નીને ‘વાઈફ’ કહીશું, પિતાને ‘ફાધર’, માતાને ‘મધર’ વગેરે પણ આ મારાં માતા કે પિતા છે એમ કહેવામાં આપણને શરમ લાગે છે. અર્થ તો બંનેનો એક જ થાય છે અને આપણે અંગ્રેજીને દૂર કરી રહ્યા છીએ, છતાંય આપણને અંગ્રેજી બોલવાનું જ ફાવે છે. જોકે આવો શોખ ધરાવતા લોકોને પણ ‘થેંક્યું’ કે ‘થેંક્સ’ પછી ‘હં કે’ એમ કહેતાં જોઈને આપણને એ લોકો સામે ટીકી ટીકીને જોઈ રહેવાનું મન થાય છે ! ‘આ મારી પત્ની છે’ એમ કહીએ તો એ જાણે આપણી માલિકીની વસ્તુ છે એમ લાગતું હશે એટલે કદાચ આપણે એમ બોલતાં અચકાઈએ છીએ. મેં સહેજ વિચાર કરીને જવાબ આપ્યો :
‘બોલી શકાય. પત્ની જ નહીં, એ મારી અર્ધાંગના છે, મારી મિસિસ છે, મારી વહુ છે એમ પણ કહી શકાય… પણ ત્યાં એક પ્રશ્ન નડે છે અને તે છે વિભક્તિનો પ્રત્યય !’
‘વિભક્તિનો પ્રત્યય ? એટલે શું કહેવા માગો છો ? આ વાતને અને વ્યાકરણને શું સંબંધ ?’
‘વિભક્તિનો પ્રત્યય એટલે એમ કે ‘મારી’ પત્ની કહેવું કે ‘મારાં’ પત્ની એ મૂંઝવણ થાય. ‘મારી’ કહીએ તો લોકોમાં આપણું ઠીક નથી લાગતું અને ‘મારાં’ કહીએ તો આપણું અહમ ઘવાતું લાગે છે, અથવા તો આપણે ‘વેદિયા’માં ખપીએ છીએ.’
‘તો પછી ‘વાઈફ’ કહેવું ખોટું તો નહીં.’
‘જરા ય નહીં, પરંતુ અંગ્રેજી શબ્દ વાપરતાં કાળજી રાખવી જોઈએ. એક વાર એવું થયું હતું કે એક ભાઈ એમની સાળી સાથે બહાર નીકળ્યા હતા. ત્યાં એમના કોઈ મિત્ર મળ્યા. મિત્રને, કાંઈ જુદું ન ધારી લે એટલે એમણે પોતાની સાળીની ઓળખાણ કરાવતાં કહ્યું, ‘આ મારી વાઈફ-ઈન-લૉ છે !’ પછી, પેલા મિત્રયે સમજી ગયા, સાળી પણ સમજી ગયાં અને પેલા ભાઈ પણ. પરંતુ આવું ન થાય તેની કાળજી રાખવી પડે.’
‘તો, આપણાથી સ્ત્રીઓની માફક કેમ ન કહી શકાય કે, “આ તમારાં ભાભી કે આ તમારાં બહેન ?”
‘ના, ના. એવું તો જરાય વિચારાય નહીં. નહીં તો લોકો કહેશે કે પરણતાં શરમ ન આવી અને વહુનું નામ લેતાં શરમાય છે ?’

આ બધી પ્રશ્નોત્તરીથી હું વિચાર કરતો થઈ ગયો. સ્ત્રી કરતાં પુરુષને કેટલી બધી મુશ્કેલી વધારે છે ! સ્ત્રી તો પોતાના પતિનો ઉલ્લેખ તરત જ ‘એ’ કહીને કરી દે અને આપણે પણ જ્યારે ‘એ’ સાંભળીએ ત્યારે જાણે કે બહુમાન મળ્યું હોય એમ કેવા આનંદવિભોર થઈ જઈએ છીએ ! ‘એ’ ન કહેવું હોય તો ‘તમારા ભાઈ’ એમ કહી દે. આપણાથી ‘તમારાં બહેન’માં શું ગોટાળો થાય છે, તેની ખબર છે ?

એક રવિવારનો બપોરનો સમય હતો. અમે બંને જ ઘરમાં હતાં. આરામ કરતાં હતાં. ત્યાં કોઈએ એકદમ જોરમાં બારણું ખખડાવ્યું. મેં જઈને બારણું ખોલ્યું. એક બહેન ઊભેલાં હતાં :
‘કોનું કામ છે ?’ મેં પૂછ્યું.
‘મારા બહેન ઘરમાં છે કે ?’
‘મારા ઘરમાં ? તમારાં બહેન ?’ મેં ગભરાઈને પૂછ્યું.
‘હા, મારાં બહેન એટલે મારાં બહેન !’ એમણે પુનરોચ્ચાર કર્યો.
‘ના, ના. હું તમને પણ ઓળખતો નથી તો પછી તમારાં બહેનને ક્યાંથી ઓળખું ? અહીં કોઈ નથી.’ એમ કહીને હું બારણું બંધ કરવા જતો હતો ત્યાં તો એ બહેને ઘરમાં આમતેમ ડોકિયું કર્યું અને ‘મારાં બહેન તો આ રહ્યાં’ એમ કહીને ઘરમાં દોડી ગયાં અને પછી એ બહેન અને એ બહેનનાં બહેન, તો એટલું હસ્યાં કે મારી આંખમાંથી પાણી નીકળી ગયું ! આ તો આડવાત થઈ. પરંતુ સ્ત્રી તો ‘બાબા કે બેબીના પપ્પા’ એમ પણ કહી શકે જ્યારે આપણે ‘બબલીની બા’ કહીએ તો કોઈ ગામડિયા જેવા લાગીએ.

સ્ત્રીઓની સરળતામાં તો વધારો થતો આવ્યો છે. હમણાં સ્ત્રીઓમાં નવી ‘અલ્ટ્રા-મોડર્ન’ પદ્ધતિ ચાલુ થઈ છે. પતિનું નામ ન લઈ શકાય-શરમ આવે ! પણ પતિની અટક બોલી શકાય ! એટલે જ પતિનો ઉલ્લેખ કરતાં એ કહે, ‘શાહને તો આમ જ ગમે’ કે ‘મહેતા તો બહાર ગયા છે’ અથવા તો ઓળખાણ કરાવતાં કહે, ‘આ મહેતા’ ત્યારે પળભર આપણને એમ થાય કે આ કયા શાહ કે મહેતાની વાત કરતાં હશે ? પણ પછી ખ્યાલ આવે કે આ તો પતિદેવની વાત છે ! જોકે આ પદ્ધતિ જેની અટક ‘સ્વામી’ હોય તેને માટે મૂંઝવણ ઊભી કરે છે. પરંતુ પુરુષને માટે તો આવું કાંઈ શક્ય નથી. પત્નીની અટકથી પત્નીને બોલાવી જ કેમ શકાય ? તેમાં તો પતિનું જ ખરાબ લાગે ને ? અને કોઈ મહેતા એમ કેવી રીતે કહી શકે કે, ‘આ, સુશીલા દેસાઈ !’ એ પત્ની છે કે મિત્ર છે, એ પણ સ્પષ્ટ થઈ ન શકે. છતાં પણ, અત્યારે પુરુષ, સ્ત્રીની ઓળખાણ કરાવતી વખતે એક નવી રીત અજમાવી રહ્યો છે, તે મને હમણાં જ જાણવા મળ્યું.

રસ્તામાં મારા એક મિત્ર ઘણે સમયે મળી ગયા. સજોડે હતા. સાથે હોય એટલે પત્ની જ હોય એમ આપણે માની પણ લીધું. મળ્યા એટલે એમની સાથેના બહેનની ઓળખાણ કરાવતાં, એમણે કહ્યું :
‘આ મિસિસ દેસાઈ.’
મેં નમસ્તે તો કર્યા પણ આ કયાં મિસિસ દેસાઈ છે તેના ચક્કરમાં હું પડી ગયો અને મારા આ મિત્ર, આ ઠંડા પહોરે મિસિસ દેસાઈની સાથે કેમ ફરવા નીકળી પડ્યા તે મારાથી સમજી શકાયું નહીં. મારાથી પૂછી જવાયું :
‘ક્યાં રહો છો ?’
પેલાં બહેન તો સડક જ થઈ ગયાં. મિત્રે કહ્યું : ‘અલ્યા સમજ્યો નહીં ? શી ઈઝ માય વાઈફ.’ હવે શરમથી શિર ઝુકાવ્યા વિના ચાલે એમ ન હતું. મારે માટે આ પદ્ધતિ નવી હતી. છતાં પણ, ‘મારી મિસિસ…’ એમ કહીએ તો ચાલે તો ખરું, પણ એનો અર્થ બહુ ઠીક લાગતો નથી. મિસિસનું આખું રૂપ તો મિસ્ટ્રેસ થાય અને મિસ્ટ્રેસ એટલે શેઠાણીનો ભાવ પહેલાં આવે. પત્નીને શેઠાણી-માલિકણ તરીકે ઓળખાવી જ કેમ શકાય ? તો પછી શું કહેવું ? શ્રીમતી ? આર્યપુત્રી ? ના…ના. એ તો બહુ સાહિત્યિક ભાષા થઈ જાય અને આર્યપુત્રી કહીએ તો એમાં પત્ની કરતાં પુત્રીની જ ભાવના વધારે લાગે !

એમ તો બીજા ઘણા રસ્તા છે, ઉલ્લેખ કરવા માટે. જેમ કે ‘સાળીની સિસ્ટર’ કે ‘સસરાની સુપુત્રી’. પરંતુ, આ રસ્તા સીધા નથી એના કરતાં ‘સ્પષ્ટવક્તા સુખી ભવેત’ની માફક જ સહેજ હિંમત રાખીને, જરૂર પડે તો એકાદ ખોંખારો ખાઈને કહી દેવું જોઈએ કે ‘આ મારી વહુ છે !’ ટેવ પાડવાનો જ પ્રશ્ન છે. એક વાર ટેવ પડી ગયા પછી, એમાં ફાયદો જ છે. ‘આ મારી વહુ છે’ એમ તમે ત્રીસની ઉંમરે કહો કે સાઠની, પણ તમારું મન તો તમારા લગ્નમંડપમાં જ પહોંચી જાય છે અને ત્યારે જે ભૂતકાળનાં સ્મરણોને લીધે સ્પંદનો થાય છે, આનંદ અને રોમાંચ થાય છે, અને માણેલાનું સ્મરણ કરવાનો લહાવો મળે છે તે ખરે જ અવર્ણનીય છે. એટલું જ નહીં, આ પ્રમાણે કહેવાથી સામી વ્યક્તિને પણ, જેવી રીતે વરઘોડો જોતાં પોતાનાં વર્ષો પહેલાંના લગ્નની યાદ આવે છે, તેવી રીતે પોતાનાં જૂનાં મીઠાં સ્મરણો જાગૃત થાય છે.

જોકે આમાં સહેજ હિંમતની જરૂર તો પડવાની જ. દરેક જણ એ પ્રમાણે વર્તી ન શકે. તેમને માટે ઉત્તમ માર્ગ તો એ જ છે કે આવો કાંઈ વિચાર કરવો નહીં – એટલે કે પત્નીની ઓળખાણ કરાવવાની જરૂર નથી, એમ નહીં. પણ ઓળખાણ કરાવતી વખતે ધીરે રહીને કહેવું ‘અરે ! આમ જો તો… આ મિસ્ટર…. અને આ….’ બસ આટલે અટકી જવાનું, પછી બોલવાનું નહીં, પરંતુ તમારા ઓષ્ટદ્વયને જરા ખીલવી, મોઢા પર સાયલન્સર ગોઠવ્યું હોય એ રીતે, અવાજ કર્યા વિના સારા ય મુખ પર હાસ્ય ફેલાવી દેવાનું અને જેમ ફાવી શકે તેમ, તમારા મુખને એક-બે હળવા ઝોક આપી દેવાના એટલે સામી વ્યક્તિ સમજી જશે અને ‘અચ્છા ! આનંદ થયો’ એમ કહીને તમારી પત્નીને ‘નમસ્તે’ કરશે. એટલે ઓળખાણ પૂરી અને તમારી બધી દ્વિધા પણ પૂરી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાતમા આસમાનની ભોંય – હિમાંશી શેલત
લખવાનું મન થયું, કારણ કે….. – વિઠ્ઠલ વ્યંકટેશ કામત Next »   

16 પ્રતિભાવો : તમે શું કહો છો ? – ભગીરથ મ. દરૂ

 1. 😀

  મારા ‘એ’ મને કોઇ અજાણ્યા માણસ સાથે ઓળખાણ કરાવે ત્યારે ‘બેટસ હાફ’ શબ્દ વાપરે…….પણ એ ‘હાફ બેટર’ છે કે નહિ તે સંશોધન ચાલી રહ્યું છે… 🙂

 2. dhiraj says:

  આપણે જયારે શરમ અનુભવીએ છીએ ત્યારે માતૃભાષા ને મૂકી અંગ્રેજી શબ્દ ની પાછળ સંતાઈ જઈએ છીએ
  ” આ મારા વાઈફ છે કે આ મારા ફાધર છે કે આ મારા મધર છે વગેરે ”

  શબ્દો અને સ્વભાવ વચ્ચે નો સંબંધ સમજવા ફાધર વાલેસ નું “શબ્દલોક” વાંચવું રહ્યું

 3. bhavin kotecha says:

  there is new word :- ” HOME MINISTER ” !!!

 4. shaswat says:

  very good artice.

 5. અશોક જાની 'આનંદ' says:

  ખુબ રમુજી અને હળવાશથી ભરેલો લેખ..મજા આવી.

 6. ‘આ મારી વહુ છે’ એમ કહેવામાં પણ ગેરસમજ થઈ શકે છે. આપણે ત્યાં ‘વહુ’ શબ્દ દીકરાની પત્ની માટે વપરાય છે. અને પત્નીની ઓળખાણ કરાવવા શબ્દોને બદલે ઓષ્ઠદ્વય ખીલવીએ કે માથાને ઝોક આપીએ તો સામી વ્યક્તિ વધુ પડતુ સમજી જશે. સમજી ગયા ને? અમે તો ગામઠી ભાષામાં કહીએ છીએ, ‘આ મારી ઘરવાળી છે.’ પછી એને મજાકમાં જે પૂછવું હોય એ છુટ.

 7. nayan panchal says:

  સરસ મજાનો લેખ.

  કોલેજ સમયમાં જે રીતે કોઈ છોકરીને બતાવીને સંબોધન કરતા તેમ પણ કરી શકાય “આ તારી ભાભી”.
  (એ આડવાત છે કે આખા વરસમા એ છોકરી સાથે એક વાર પણ વાત ન થઈ હોય.)

  આભાર,
  નયન

 8. Tanmay says:

  મારા મિત્ર ના હજુ થોડા સમય પેહલા જ લગન થયા છે. ઍક વાર મારી સાથે ઓળખાણ કરાવતી વખતે મારા મિત્ર ઍ “આ મારૂ બૈરુ” કહી ને ઓળખાણ કરાવી!

 9. Sakhi says:

  Very funny artical

 10. Vraj Dave says:

  હાં…ભઇ …વાતતો સાવ સાચી, હવે હું શું કહીને બોલાવું? કારણ કે “એ” પણ મારી બાજુમાં બેઠી બેઠી વાંચે છે, અને હું શું લખુછું તે જુવે છે. તો હું એની ઓળખ “જીવનભર મિત્ર” (Life time friend) આપતો આવ્યો છું.અને તે પણ છેલ્લા ૪૧ વર્ષથી….!
  ખુબજ સરસ હાસ્ય કથા આપી.
  આભાર.
  વ્રજ દવે

 11. Pravin V. Patel [USA] says:

  આ અમારાં ” ગ્રહ” લક્ષ્મી!!!!!!! ના ભાઈ ના, ગૃહલક્ષ્મી.
  સરસ મર્માળુ હાસ્ય પીરસતું હાસ્ય ઝરણું.
  અભિનંદન.
  આભાર.

 12. Pinky says:

  બહુ જ સરસ. મજા આવિ ગઈ. સ્વામિ વારિ વાત ગમિ, મારિ અતક પન સસ્વામિ ચે.

 13. Rachana says:

  very very funny….

 14. Ketul says:

  ઘનો જ સરસ લેખ બનવ્ય ચ્હે…

 15. parita says:

  very funny article yet knowledgeable. :))

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.