વાચકોની કૃતિઓ – સંકલિત

[1] ગદ્યકાવ્ય: હું એટલે – જિગર જોષી ‘પ્રેમ’

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે જિગરભાઈનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jigarmsw@gmail.com સંપર્ક કરી શકો છો.]

હું
એટલે
અધુરાં પત્રો
ટેબલ પર ઢોળાઈ ગયેલી ન ગમતી કોઇ ક્ષણની શ્યાહી
અગણિત રાતોના મીઠા – કડવા ઉજાગરાઓ
અધુરી સિગારેટોથી લથબથ એસ્ટ્રે
અડધો અડધ સળગાવી દીધેલી ડાયરી
ટેરવાની વચ્ચે થીજી ગયેલી રાત જેવી કલમ
ટેબલ પર જ્યાં ત્યાં વિખરાઇ પડેલા શબ્દો
પીળાશથી ઘેરાયેલો પહાડ
ખૂબ જ ગમતી ફોટો-ફ્રેમ પર પડેલી તિરાડ…
અરધી રાતે આંખ વચાળે ફફડી ઉઠેલા સપનાઓની ચીંસ
બે કાગળ મધ્યે રેશમ જેવા સંબંધનું મુરઝાઇ ગયેલું લોહી રંગનું ફૂલ
અને
તું
એટલે
આ બધાયનું મૂળ !
‘શ્રધ્ધા…’

[2] તમને થયું બસ ! – જિગિશા ચૌહાણ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે જિગિશાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9974589215 સંપર્ક કરી શકો છો.]

હજી તો બસ વીત્યું છે અષ્ટક અને….
તમને થયું બસ !

હજી તો દિવસોય ક્યાં આથમ્યાં અને….
તમને થયું બસ !

હજી તો અવસર ઊભો છે ઊંબરે જ અને….
તમને થયું બસ !

આભાસી તારમૈત્રક અને આંખે જળ જળ અને….
તમને થયું બસ !

તમારા સાનિધ્યમાં અનુભવું વિરહ અને…..
તમને થયું બસ !

[3] જૂની ડાયરી ફાડતાં ફાડતાં – યશવંત ઠક્કર

[રીડગુજરાતીને આ કવિતા મોકલવા માટે યશવંતભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : asaryc@gmail.com ]

જૂની ડાયરી ફાડતાં ફાડતાં ફાડી નાંખ્યાં સગપણ
લખતાં જેને વર્ષો લાગ્યાં ફાડતાં લાગી ક્ષણ

કેવા આજે આવરા જાવરા જાવું કોની ઘેર
સરનામાં તો ધ્રૂજતાં ધ્રૂજતાં જાણે ઊભાં ખંડેર
ક્યાં સુધી આ સાચવી રાખવાં ટૂટ્યાં ફૂટ્યાં દર્પણ
જૂની ડાયરી ફાડતાં ફાડતાં ફાડી નાંખ્યાં સગપણ …

સગાં વહાલાં દૂરનાં દૂરનાં આજે લાગે કેવાં
સહુ સહુની આગવી દુનિયા કોને લેવા દેવા
છોડી નાંખ્યાં ખુદના હાથથી સાચાંખોટાં વળગણ
જૂની ડાયરી ફાડતાં ફાડતાં ફાડી નાંખ્યાં સગપણ …

[4] સંસારચક્રનો બંદી – હિરલ શાહ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે હિરલબેનનો (યુ.કે.) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે hiral.shah.91@gmail.com સંપર્ક કરી શકો છો.]

હું આમ વિચારું ને તેમ વિચારું,
એકાગ્ર ચિત્ત થોડી ક્ષણો પણ ટકી શકે ના,
તોયે હું સ્વતંત્ર!

સુખ, દુઃખ એની મેળે જ આવે ને જાય,
હું મારું મમત્વ છોડી શકુ ના,
તોયે હું સ્વતંત્ર!

જીવન-મૃત્યુ ચક્રની ધરી એની મેળે જ ફરે,
હું ફેરવી શકુ ના,
તોયે હું સ્વતંત્ર!

આ સંસારચક્રનો હું બંદી,
મારી જમાતન કોઇ કરી શકે ના,
તોયે હું સ્વતંત્ર!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કરુણામય ક્રીડા – મકરન્દ દવે
બા – દિલીપ જોશી Next »   

3 પ્રતિભાવો : વાચકોની કૃતિઓ – સંકલિત

 1. સુંદર સંકલન…..

  ૧/ હું એટલે ………….

  “આ બધાયનું મૂળ !
  ‘શ્રધ્ધા…’……….સાથે સાથે આપણા બની ગયેલા શબ્દો…..જેના સહારે આવતી કાલ સારી હશે એમ વિચારી શકીએ છીએ.

  “ટેબલ પર ઢોળાઈ ગયેલી ન ગમતી કોઇ ક્ષણની શ્યાહી”….સૌથી સુંદર પંક્તિ.

  ૨/ તમને થયું બસ

  “તમારા સાનિધ્યમાં અનુભવું વિરહ અને…..
  તમને થયું બસ !”………………….હં ક્યારેક કોઇ પાસે હોય છતાં સાથે નથી એમ લાગ્યા કરે…….અને ત્યારે એ ક્ષણો જીરવવી અઘરી થઇ જાય.

  ૩/ જૂની ડાયરી ફાડતાં ફાડતાં….

  સંબંધોનું પણ આવુ જ છે ….જે બાંધતા તો વાર નથી લાગતી…..તિરાડ પડતા તો સહેજમાં જ પડી જાય છે……પણ અઘરું તો એ સંબંધને સાચવવો છે……ડાયરી ના પાને પાન ફાડી નાખીએ…પણ જે આપણા જીવનમાં છે તેને, તેની યાદો ની દરેક ક્ષણોને ક્યાં ફાડી કે બાળી શકીએ.

  ૪/ સંસારચક્રનો બંદી

  “આ સંસારચક્રનો હું બંદી,
  મારી જમાતન કોઇ કરી શકે ના,” સુંદર પંક્તિ.

 2. nayan panchal says:

  ખુબ જ સુંદર રચનાઓ.

  મને જે કહેવુ હતુ તે તો હિરલબેને લખી જ નાખ્યુ છે.

  ખૂબ આભાર મૃગેશભાઈ.

  નયન

 3. Ashish Dave, Sunnyvale, California says:

  Too good…

  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.