સૉરી ! – હરિશ્ચંદ્ર

[‘ભૂમિપુત્ર’ જુલાઈ-1987માંથી સાભાર.]

આજે હતી હોળી. જયાને શિક્ષિકાની નોકરી. એટલે એને રજા. મારે ઑફિસે જવાનું. પણ અમે નક્કી એમ કર્યું કે હોળી ઊજવવી. મારે બપોરે ઘરે આવી રહેવું. ચાર-પાંચ વાગે નાસ્તો-પાણી લઈને બાગમાં જતાં રહીશું. પિકનિક જેવું થઈ જશે. પરંતુ ઑફિસમાં સાહેબે ફરમાન કાઢ્યું : ‘આજે બધાએ સાંજે મોડે સુધી બેસવાનું છે. સોમવારે હેડ ઑફિસમાંથી જનરલ મેનેજર આવે છે.’

હું ઠરી જ ગયો. અમારો બધો કાર્યક્રમ રોળાઈ ગયો. પણ કરું શું ? સમસમીને બેસી રહ્યો. પછી તો આખો દિવસ કામમાં ગયો. ઑફિસમાંથી નીકળતાં રાત્રે આઠ થયા. તેમાં વળી નીકળતી વખતે સાહેબ કહે, ‘તમે કાલે સવારની ટ્રેનમાં મુંબઈ જઈ આવો ! અગત્યનું કામ છે. મારાથી હમણાં નહીં નીકળાય.’ ઘરે જવા જાણે મારા પગ જ ભાંગી ગયા. શું મોઢું લઈને ઘરે જાઉં ? જયા બારીએ ડોકાઈ-ડોકાઈને થાકી હશે. ‘હમણાં આવશે….હમણાં આવશે….’ કરતાં રાત રાત પડી ગઈ. કેટલી મહેનત લઈને બધી તૈયારી કરી હશે ! છોકરાંવ પૂછી પૂછીને માથું ખાઈ ગયાં હશે કે, ‘પપ્પા ક્યારે આવશે ?…… ક્યારે આપણે બાગમાં જઈશું ?’

ઘરે પહોંચ્યો ત્યારે બારણું ઠાલું અટકાવેલું હતું. મોટો સ્ફોટ થશે એવી બીકે ધ્રૂજતો, થથરતો હું અંદર ગયો. તો છોકરાંવ જયાને ખોળે માથું મૂકી ઊંઘી ગયેલાં. જયા પણ ભીંતે માથું ટેકવી સૂતી હતી. આજુબાજુ ભરેલા ડબ્બા પડ્યા હતા. મેં ધીમેથી જયાના માથે હાથ મૂક્યો. એ ઝબકીને જાગી. એની આંખોમાં આંખ પરોવી દયામણે સ્વરે મેં ‘સૉરી’ કહ્યું. અંગ્રેજી ભાષા આવા સંકટ વખતે ઘણી ઉપયોગી થઈ પડે છે. એ કાંઈ બોલી નહીં. પણ એની આંખમાં મેં જાણે મદનને ભસ્મ કરતું શંકરનું ત્રીજું લોચન ઊઘડતું જોયું. અવાજમાં શક્ય તેટલું માર્દવ આણી હું કહેવા ગયો, ‘આજે મારા સાહેબે….’ અને એકદમ એ ભભૂકી ઊઠી : ‘તમારા સાહેબને બૈરી છોકરાં નથી શું ?…. નોકરી તો અમેય કરીએ છીએ, પણ ઘર સામે જોવાનું કે નહીં ?….. આ છોકરાંવ વાટ જોઈ જોઈને ભૂખ્યાં સૂઈ ગયાં….. કેટલી હોંશે હોંશે બધું તૈયાર કરેલું !……

આખા દિવસના કામથી ને તાણથી હું પણ બહુ થાકેલો હતો. એક બાજુ ઑફિસની ગુલામી, બીજી બાજુ આ આરોપીનું પિંજરું ! મને મારી જાત પર નફરત આવી. અત્યંત ખિન્ન મને હું પથારીમાં પડ્યો. ક્યારે આંખ મળી ગઈ, ખબર નહીં. પરોઢિયે ચાર વાગે ઘડિયાળના એલાર્મે જાગ્યો. જયા પણ જાગી ગઈ. પાસે આવી જરા લાડમાં બોલી :
‘આજે સવારના પહોરમાં ઑફિસ ખોલી લાગે છે, તમારા સાહેબે !’
‘હા.’
‘સાચે જ ?’ અગાઉની ભીનાશ સુકાતી જતી હતી.
‘છ વાગ્યાની ટ્રેનમાં મારે મુંબઈ જવાનું છે.’
‘મને રાતે કેમ ન કહ્યું ?’ અવાજમાં ખાસ્સી કઠોરતા આવી ચૂકી હતી.
‘તેં મને બોલવા જ ક્યાં દીધો ?’

એ મોઢું ચઢાવીને ચાલી ગઈ. આમ તો હું ક્યાંય જતો હોઉં તો જયા જ મારી બેગ તૈયાર કરી દે. પણ આજે મારે જાતે જ તૈયાર કરવી પડી. નીકળતી વખતેય રીસમાં બાથરૂમમાં નહાવા ચાલી ગઈ. મારે નીકળ્યા વિના છૂટકો નહોતો. પરંતુ સ્ટેશને પહોંચ્યો, તો ટ્રેનનું કાંઈ ઠેકાણું નહિ. વચ્ચે અકસ્માત થયેલો, તેથી ટ્રેનો બધી અટકી પડેલી. કલાક-દોઢ કલાક જાતજાતની માહિતી મળતી રહી. નોર્મલ વ્યવહાર ફરી ક્યારે શરૂ થશે, તે ચોક્કસ કોઈ કહી શકતું નહોતું. છેવટે મેં જવાનું માંડી વાળ્યું.

ઘરે પાછા ફરતાં મારા પગમાં બમણો ઉત્સાહ હતો. ઘરે પહોંચી જરીક બારણે ઊભો. અંદર વાતચીત ચાલતી હતી. જ્યા છોકરાંવને કહી રહી હતી : ‘તમારા પપ્પાને હમણાં બહુ કામ રહે છે. કાલે ઑફિસથી કેટલા બધા મોડા આવેલા ! તમને બાગમાં ન લઈ જઈ શક્યા તેનું એમને બહુ દુઃખ થયું. સવારમાં મુંબઈ જવું પડ્યું. પપ્પા આવે ને, ત્યારે એમને જરીકે પજવતા નહીં, હોં !…..’ બારણું ઠેલી પ્રસન્ન મને હું અંદર પ્રવેશ્યો. ઘડી ભર તો બધાં અવાક થઈ ગયાં. બીજી પળે આંખોમાં પ્રસન્નતા ઊભરાઈ આવી. જયા એકદમ ઊભી થઈને મારી પાસે આવી. મારા હાથ પકડી લઈ કાનમાં બોલી : ‘સૉરી !’ છોકરાંવ તાળી પાડતાં નાચવા લાગ્યાં.

(શ્રી ભાવના ભાર્ગવની મરાઠી વાર્તાને આધારે.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સચ કા સામના – રિષભ મહેતા
આફત આવ્યા પહેલાં – મોહમ્મદ માંકડ Next »   

8 પ્રતિભાવો : સૉરી ! – હરિશ્ચંદ્ર

 1. જગત દવે says:

  આ વાર્તા વાંચ્યા વગર જ “આફત આવ્યા પહેલાં – મોહમ્મદ માંકડ” નાં લેખ પર અભિપ્રાય લખેલો…….જે આ વાર્તામાં વાસ્તવિકતા બની ને ઊભરી રહ્યો છે.

  અહીં વિદેશમાં ભારતીયો જ કોઈ ભારતીય ‘બોસ’ નાં નીચે કામ કરવાનું ટાળે છે. શું આપણે સુખ દ્રોહી છીએ????

 2. Hetal says:

  poor dad!! couldnt help the situation. I really feel sorry for woking moms and dads when their plans gets ruined because of the job and kids have to get depressed. atleast they enjoyed the day when dad returned..nice story

 3. Pravin V. Patel [USA] says:

  મધ્યમ વર્ગનાં મા-બાપને બે છેડા ભેગા કરવાની મથામણ.
  સાથે સાથે ”બોસ” ની બેધારી લટકતી તલવાર.
  બાળકોની સ્થિતિ?
  કલ્પના ડરામણી છે.

 4. nayan panchal says:

  જ્યારે વાતાવરણ ગરમ હોય ત્યારે થોડો સમય વહી જવા દેવો.

  મધ્યમ વર્ગના પુરુષની હાલત તો સૂડી વચ્ચે સોપારી જેવી જ છે. સારું છે આ વાર્તામાં માતાનુ પાત્ર નથી.

  સરસ વાર્તા.
  નયન

 5. Rachana says:

  મીડલક્લાસની વાસ્તવિક્તા સુંદર રીતે રજુ થઈ છે…..

 6. Vaishali Maheshwari says:

  Short, simple and a beautiful story. Thank you Mr. Harishchandra.

 7. Himen Patel says:

  આહા,કેટલુ સરસ દામ્પત્ય જિવન……કોન કહે છે કે લગ્ન કરિને લોકો પસ્તાય છે??

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.