મોબાઈલની મોંકાણ – પરાગ ત્રિવેદી

[ રમૂજી લેખ : ‘અખંડ આનંદ’ જુલાઈ-2010માંથી સાભાર. આપ લેખકશ્રી પરાગભાઈનો (જૂનાગઢ) આ નંબર પર +91 9898357357 સંપર્ક કરી શકો છો.]

‘એ….ભાઈ, કોઈ પૈસા માગે છે ? ફોન ઉપાડો ને ! કોઈ ઉઘરાણી કરે છે ? ફોન કેમ નથી ઉપાડતા ? ફોન ઉપાડો ફોન…. એ ભાઈ… ફોન ઉપાડોને…’
‘મૈં ચાહે યે કરું મૈં ચાહે વો કરું – મે…રી… મ….ર….જી !’
‘દુનિયા જાય તેલ લેને, જલસા કર ! જલસા કર બાબા જલસા કર….’

આ કોઈ સંવાદ નથી. આ તો મોબાઈલ ફોનની વિવિધ રીંગ ટોન્સ છે. થોડાં વર્ષ અગાઉ આપણે એકલા બસમાં, ટ્રેનમાં જતા હોઈએ કે ક્યાંક રાહ જોઈને લાંબો સમય બેઠા/ઊભા હોઈએ તો કંટાળો આવતો. પણ હવે એ જમાનો ગયો. હવે તો તમે ગમે ત્યાં બેઠા હો, ઊભા હો, (ન કરે નારાયણ ને હૉસ્પિટલમાં સૂતા હો) રોડ ઉપર ચાલતા હો, બગીચામાં દોડતા હો – તમને ક્યાંય કંટાળો નહિ આવે, એકલું નહિ લાગે, સૂનું-સૂનું નહિ લાગે. દર પાંચ મિનિટે બેના હિસાબે તમને કલ્પના પણ ન આવે તેવી વિવિધતાસભર રીંગ ટોન્સ સાંભળવા મળશે. અમુક તમને ડોલાવશે, અમુક તમને હલાવી દેશે, અમુક ભડકાવી દેશે, અમુક ચોંકાવી દેશે, અમુક ઊંઘમાંથી ઉઠાડી દેશે, અમુક ચોંકાવી દેશે, અમુક ઊંઘમાંથી ઉઠાડી દેશે, અમુક સીટ ઉપરથી અડધા ઉઠાડી દેશે…. પણ તમને તો ફાયદો જ છે. તમારો તો ટાઈમ પાસ થઈ જવાનો – ડોલતા, ભડકતા, ચોંકતા… અને આ રીંગ ટોન્સ પૂરી થયા પછી ચાલુ થતી વાતો તો સમય પસાર કરવાની સાથે સાથે તમારું મનોરંજન પણ કરશે.

મોબાઈલ ફોન આવ્યા પછી આપણા સમાજને કેટલી બધી નવી પ્રવૃત્તિઓ મળી છે ! મોબાઈલમાં ગેઈમ રમવાની પ્રવૃત્તિ, મોબાઈલ લે-વેચ કરવાની પ્રવૃત્તિ, મોબાઈલમાં ગીતો સાંભળવાની પ્રવૃત્તિ, SMS વાંચવાની/કરવાની પ્રવૃત્તિ, નવી રીંગટોન/નવાં ગીતો ડાઉનલોડ કરાવવાની પ્રવૃત્તિ…. ખરેખર મોબાઈલ ફોને આપણા સમાજને પ્રવૃતિમય કર્યો છે. મોબાઈલ ફોન ‘સેલફોન’ તરીકે ઓળખાય છે, તે તો આપણે જાણીએ જ છીએ. કેટલું યોગ્ય નામ છે…. સેલફોન ! વેચવા (સેલ-Sale) માટેનો ફોન. ફરતાં-ફરતાં (સહેલ) કરવાનો ફોન, ખૂબ ભાવ ઘટી જવાથી ખરીદવા માટે સહેલો (સ્હેલ) ફોન. ઉપરના અર્થો સાર્થક કરતા મનુષ્યો આપણને ડગલે ને પગલે જોવા મળે છે.

મારો એક મિત્ર જ્યારે મળે ત્યારે નવા મોબાઈલ સાથે મળે. પૂછું, ‘પેલો ફોન ક્યાં ?’
‘વેચી દીધો ચાર હજારમાં !’ બીજી વખત મળે ત્યારે વળી બીજો જ મોબાઈલ હોય, પૂછ્યા પહેલાં જ કહી દે – ‘ગયો છ હજાર પાંચસોમાં….’ કૅલેન્ડરમાં પાના બદલાય એમ એ મોબાઈલ બદલે. પરંતુ એક વખત ત્રણેક મહિના પછી મળ્યો તોય છેલ્લે મળ્યો હતો તે વખતનો જ મોબાઈલ તેના હાથમાં…. મેં આંખો ચોળી હાથે ચીમટો ભર્યો ને સ્વપ્ન નથી એની ખાતરી કરી. પછી તેની નજીક જઈ તેના ચહેરા સામે ધ્યાનથી જોયું, ‘તારી તબિયત તો સારી છે ને ?’
‘કેમ, મને શું થયું છે ?’
‘ત્રણ મહિનાથી આ જ મોબાઈલ તારી પાસે છે…તે….’
‘અરે, એ તો એમ વાત છે કે એક મોબાઈલથી કંઈ ન થાય.’ એમ કહી ખીસામાંથી લેટેસ્ટ મોડલ કાઢ્યું…. ‘આ જો ! હમણાં લીધો – ફક્ત પાંચ-પાંચસોમાં…..’ બીજા બે ખીસામાંથી બે મોબાઈલ કાઢી કહે, ‘આ લીધા ગયા મહિને…. એક-એક હજારમાં…. ત્રણ-ચાર મોબાઈલ હોય તો મજા આવે. એકનું કવરેજ ન હોય તો બીજાનું મળી જાય…..’

અમારા એક પાડોશીને એવી ટેવ છે કે પોતે ઘરમાં બેઠા હોય. ને ફોન આવે એટલે મોબાઈલ પર વાત કરતા-કરતા આમથી તેમ આંટા મારવા માંડે – દસ મિનિટ વાત ચાલે કે અડધો કલાક, તેઓની સહેલ ચાલુ જ હોય ! એક સંબંધીને ઘરે અમે જઈએ અને દસ-પંદર મિનિટની વાત કરવાની ગણતરી હોય, તો અમારે દોઢ કલાક બેસવું પડે ! એનું કારણ એ કે દર અડધી કલાકે તેઓ ફોન ઉપર પચીસ મિનિટ વાત કરે અને અમારી સાથે પાંચ મિનિટ ! ‘કેમ છો પરાગભાઈ…!’ ટ્રીન ટ્રીન…. ફોન ઉપર બોલે ‘હલ્લો..હા…એ…તો….’ પચીસ મિનિટ પછી, મારી સામે જોઈ, ‘કેમ હમણાં અમારા ઘરે ઘણા વખતથી આવ્યા નથી ?’ ટ્રીન ટ્રીન…. ફરી ફોન ઉપર…. ‘હં..અં…અં… ના, ના, મારે તો…..’ વળી વીસ મિનિટ… આમ ચાલ્યા કરે. અમે તેમની ઘરે તેમની ‘ફોન-કોન્ફરન્સ’ સાંભળવા ગયા હોઈએ તેવું લાગે.

મારો એક મિત્ર જ્યારે પણ અમારે ઘરે આવે ત્યારે મોબાઈલનાં બટન દબાવ્યા જ કરે. કંઈક પૂછીએ તો પણ ફોનમાં જ નજર રાખી જવાબ આપે. જ્યારે જુઓ ત્યારે તેની નજર મોબાઈલના સ્ક્રીન ભણી અને આંગળીઓ તેના બટન ઉપર જ હોય. ચોવીસમાંથી સોળ કલાક તે આ સ્થિતિમાં હોય છે… આઠ કલાક તે સૂએ છે, એટલેસ્તો ! આટલી તન્મયતાથી જો એણે સેલફોનનાં બટનને બદલે રુદ્રાક્ષની માળાના મણકા ફેરવ્યા હોત, તો ચોક્કસ શંકર ભગવાન પ્રસન્ન થઈ ગયા હોત. પણ આ તો મોબાઈલ પ્રભુનો પરમ ભક્ત. તેની ભક્તિ માત્ર એક જ ભગવાનને ઓળખે. જોકે ધર્મગ્રંથોમાં પણ કહ્યું છે કે કોઈ એકની અવિરત ઉપાસના કરો તો તમને પરમતત્વની પ્રાપ્તિ થશે. આથી આપણે નિશ્ચિતપણે કહી શકીએ કે આવા પરમભક્તોને પરમાત્માદર્શન થતાં જ હશે. બીજે ક્યાંય થતાં હોય કે નહિ મોબાઈલમાં તો ખરાં જ !

અતિવ્યસ્ત રહેતા લોકો તેમને જમવાનો સમય મળે કે ન મળે તેની પરવા કરતા નથી, પણ મોબાઈલ ચાર્જ કરવાનો સમય તો ગમે ત્યાંથી શોધી જ લે છે. મોબાઈલની બૅટરી ડાઉન થતા તેમને પણ નબળાઈ જણાવા લાગે છે. બેચેની થવા માંડે છે. એવામાં એમને ક્યાંક સ્વિચબોર્ડ નજરે ચડે તો ભેંસ પાણી જોઈ જેટલી રાજી થાય એટલા રાજી થાય છે અને સ્વિચબોર્ડ ભણી દોટ મૂકે છે. મોબાઈલ ચાર્જ થતાં તેમને પણ ઓડકાર આવી જાય છે. હાયર-સેકન્ડરીના વિદ્યાર્થીઓ અને કૉલેજિયનોને અને તેમનાં મા-બાપને એની બિલકુલ ચિંતા નથી હોતી કે તેઓની પાસે જરૂરી પુસ્તકો છે કે નહિ, કે પછી તેઓ પૂરાં કે પૂરતાં કપડાં પહેરે છે કે નહિ, પણ હા, એક ચિંતા તેમને અવશ્ય હોય છે – તેની પાસે મોબાઈલ છે કે નહિ… નહિતર શું મોઢું બતાવવાનું કલાસમેટ્સને, સ્કૂલ/કૉલેજના બીજા વિદ્યાર્થીઓને, સગાં-સંબંધીને, મિત્રોને ? ‘તારી પાસે તારો પોતાનો સેલ નથી ?’ ‘અરે, યાર ! મને તો મોબ્ઝ વિના ફાવે જ નહિ….’ – આવું, આવું સાંભળવાનું ? વિદ્યાર્થી/સેલફોનાર્થીઓને જો પરીક્ષામાં પૂછવામાં આવે કે, ‘જીવવા માટે કઈ-કઈ વસ્તુ અનિવાર્ય છે ?’ તો તેમનો જવાબ હોય – ‘હવા, પાણી, સેલફોન અને….(સહેજ વિચારીને)…..ખોરાક.’

હમણાં એક અંગ્રેજી અખબારમાં મેં વાંચ્યું કે બે વર્ગના લોકો એવા છે, જેમનો એક કાન તેમના આખા શરીરના રંગ કરતાં વધુ ગોરો રહી જાય છે. એટલે કે બાકીનું શરીર પેલા એક કાન કરતાં ઘેરું થઈ જાય છે. આખું શરીર ઘાટા રંગનું, એક કાન આછા રંગનો…. જાણે પિત્તળની મૂર્તિને આરસનો કાન લગાડ્યો હોય, એવું લાગે ! આમાંનો એક વર્ગ તે ‘સેલ’ કાને વળગાડી રસ્તા ઉપર, ગલીએ-ગલીએ, ગામે-ગામે ફરતા એમ.આર ! બીજો વર્ગ તે ગૅલરીઓમાં, અગાશીઓમાં, ફળિયાઓમાં કાન સાથે ‘મોબ્ઝ’ ચોંટાડી ઘૂમ્યા કરતા તાજા સગાઈ/લગ્ન થયેલાઓ…. આવા લોકો મળે ત્યારે તેમના કાન બરાબર ધ્યાનથી જોવા. અથવા જુદા રંગના કાનવાળી વ્યક્તિ તમને મળે તો સમજી જવું કે તે આ બેમાંથી એક વર્ગની જ હશે.

ઉઘરાણીવાળાથી બચવા ઘણા આવી હેલો-ટ્યૂન રાખે છે : ‘આપ જિસ નંબર કો ડાયલ કર રહે હૈં, વો અભી કવરેજ ક્ષેત્રકે બહાર હૈ…. કૃપયા થોડી દેર બાદ ડાયલ કરે….’ આમ ઘણી વખત એક જ હોટલમાં અવળો ફરીને ચા પીતો દેણદાર લેણદારના કવરેજમાં આવતો નથી. અને પછી ધીમેધીમે ગણગણતો હોય છે, ‘મો કો કહાં ઢૂંઢે રે બંદે, મૈં તો તેરે પાસ મેં….’ ઘણા એમના વ્યક્તિત્વથી વિરુદ્ધ એવી હેલો-ટ્યૂન રાખે છે. આપણે તેમને રીંગ કર્યા પછી મોબાઈલ કાનને એકદમ અડાડી ટ્યૂન સાંભળવા લાગીએ. તેઓ થોડો સમય ફોન ઉપાડતા નથી. આપણે મીઠી સુરાવલિમાં ખોવાઈ જઈએ છીએ. આંખ બંધ થઈ જાય છે. કૃષ્ણ ભગવાનની બંસરી ગાયો આંખ બંધ કરીને સાંભળે એમ આપણે સાંભળવા લાગીએ છીએ. અચાનક જોરથી પાડો ગાંગરે છે. આપણે ઝબકી જઈએ છીએ ને મોબાઈલ હાથમાંથી પડું-પડું થઈ જાય છે. આપણે વિચારીએ છીએ કે આ મીઠી સુરાવલિમાં વચ્ચે પાડાનો અવાજ કેમ રાખ્યો હશે ? પણ પછી સમજાય છે કે આ તો તેમણે ‘હેલો’ કહ્યું છે !

એક વખત હું રાજકોટના રેલવે સ્ટેશને ઊભો હતો. એટલામાં એક ભાઈએ ફોન પર વાત ચાલુ કરી – ‘હા, પણ હું તો અત્યારે બગસરાના બસ સ્ટેશને છું, અત્યારે નહિ આવી શકું…..’ હું તો બે ઘડી ચિંતામાં પડી ગયો, વિચાર્યું, ‘મારે તો રાજકોટથી ટ્રેન પકડવાની છે, ને આ બગસરા….. બસ સ્ટેશન…’ પણ પછી તરત ખ્યાલ આવ્યો કે તેઓ સેલ દ્વારા ભેળસેળ કરી રહ્યા છે. એક વખત આવી જ રીતે બે જણ જામનગરની બજારમાં વાત કરતા હતા – ‘કોરાટભાઈ, હું….હું…. અત્યારે મુંબઈ છું, બે દિવસ પછી આવીશ. તમે જરાક બે’દિ પૂરતા દસ હજાર રૂપિયાની વ્યવસ્થા કરી ભવાનીશંકરને આપી આવજો…. બુધવારે તમને પૈસા આપી દઈશ…. એમાં ફેર ન પડે….’
‘પણ છગનભાઈ, હું ક્યાં અત્યારે જામનગરમાં છું ? હું તો નવસારી આવ્યો છું… છેક ગુરુવારે આવીશ…’ અને એટલામાં જામનગરની બજારની જુદી-જુદી ગલીઓમાંથી નીકળી તેઓ બંને એકબીજાની સન્મુખ આવી ગયા… બંનેનાં મોં ખુલ્લાં રહી ગયાં….

એક વખત અમે સજોડે બાઈક ઉપર જતા હતા. આગળ એક ભાઈ બાઈક ચલાવતા હતા. તેમને જોઈને દુઃખ થયું. મારી પત્ની કહે, ‘બિચારાને ડોકની કેવી તકલીફ છે…. આખી વાંકી છે… કેટલી મુશ્કેલી પડતી હશે…’ પણ એટલામાં તો પેલાએ કાન અને ડોક વચ્ચેથી મોબાઈલ કાઢી ખીસામાં સેરવ્યો ને ડોક સીધી કરી દીધી ! અમને તેના આ કૌશલ્ય ઉપર માન થઈ ગયું. થોડા દિવસ પછી અમે બંનેએ અમારા જૂના પાડોશીને સજોડે બાઈક ઉપર જતા જોયા. ભાઈએ ડોક વાંકી રાખી હતી. ‘કેવા વાંકી ડોકે મોબાઈલ પર વાત કરે છે !’ – આમ વિચારી અમે બંને એકબીજા સામે જોઈ હસ્યાં. એટલામાં પેલાં બહેનનું અમારી તરફ ધ્યાન જતાં તેમણે તેમના પતિદેવને થોભવા કહ્યું, તેઓએ બાઈક ઊભી રાખી. બંને હાથ હૅન્ડલ પર જ રાખીને ડોક હળવેથી સીધી કરી ! મને થયું, ‘એ ભૂલી ગયા મોબાઈલ લેવાનું…એ…નીચે પડ્યો…’ પણ આશ્ચર્ય ! ત્યાં તો મોબાઈલ હતો જ નહિ…. તે તો તેમના બેલ્ટમાં ભરાવેલો હતો….. અમારા પૂછ્યા પછી બહેને ખુલાસો કર્યો, ‘તમારા ભાઈને બાઈક પર અપડાઉન વખતે આવી રીતે લાંબા સમય સુધી મોબાઈલ પર વાત કરવાની આદત છે… પણ હું પાછળ બેઠી હોઉં ત્યારે તેમની મજાલ નથી કે ચાલુ વાહને વાત કરે…. પણ આદત સે મજબૂર તેમની ડોક તો વાંકી ને વાંકી જ રહે છે…..’

એક દંપતી બાઈક ઉપર પૂરપાટ જતું હતું. એટલામાં અચાનક મોટો ખાડો આવતા મહાશયે બેલેન્સ ગુમાવ્યું. તેમનાં શ્રીમતીજીને તરત ખ્યાલ આવી જતાં તેઓ સિફતથી ઠેકડો મારી ગયાં. પેલા મહાશય પડ્યા ઉત્તર દિશા બાજુ ને તેમનો મોબાઈલ ઊડીને પડ્યો દક્ષિણ બાજુ. તેમનાં શ્રીમતી જી ‘અર…ર…ર’ કરીને પહેલાં દક્ષિણમાં દોડ્યાં, સેલ ઉપાડી, તેને કંઈ થયું નથી તેની ખાતરી કર્યા પછી જ છોલાયેલા, કણસતા તેમના પતિદેવ ભણી ડોળા કાઢતાં, બબડતાં-બબડતાં ગયાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આફત આવ્યા પહેલાં – મોહમ્મદ માંકડ
શીંગડા માંડતાં શીખવશું ! – મનુભાઈ પંચોળી ‘દર્શક’ Next »   

22 પ્રતિભાવો : મોબાઈલની મોંકાણ – પરાગ ત્રિવેદી

 1. 🙂

  કેટલાક લોકો મોબાઇલ પર વાત કરે તો જાણે ખોબે-ખોબે પાણી પીતા હોય તેમ મોં આગળ હાથ રાખે….ને કેટલાક તો એટલે મોટેથી વાત કરે કે આમદ્દાવાદથી છેક મુંબઇ બેઠેલા માણસને મોબાઇલ વગર પણ સંભળાય.

  કોના ઘરે શું જમવાનુ બનાવ્યું છે એ પણ જાણકારી મળી જાય….(ફાયદો એ કે આપણે ઘેર ન ભાવતું બનાવ્યું હોય તો જઇ અવાય).

 2. shruti says:

  good one… savar savar ma maja avi gai…

 3. trupti says:

  મોબાઈલ ના ફાયદા કરતા ગેરફાયદા ઘણા છે. લોકો જાણે મોબાઈલ વગર તો પાંગળા થઈ ગયા છે. ગાડિ ચલવતા ચલાવતા પણ મોબાઈલ પર વાતકરવાનુ નહીં મુકે, પરિણામ અકસ્માત! હોસ્પિટલ મા પણ મોબાઈલ પર મોટે મોટે થિ વાતો કરી દરદી અને આજુ-બાજુ વાળાની શાંતિ માં ભંગ પાડસે. મોબાઈલ શોધાયો લોકોની સુવિધા માટે પણ માનવ જાતે તેનો દુર ઉપયોગ કરી સગવડને અગવડતા મા બદલી નાખી.

 4. Amit says:

  મોબઈલ ના કારને આજના લોકો બહેરા થવા લગ્યા, અમુક લોકો ને તો ગએમ વગર ન ચાલે.

 5. Jigar Bhatt says:

  બીજા લોકોનો સારો મોબાઈલ જોઈ ને નવો મોબાઈલ લેવા માબાપ ને હેરાન કરતા વિદ્યાર્થીઓને જોઈને વિચાર આવી જાય કે વિદ્યાર્થીઓ બીજાનાં સારા ગુણો લેવાનુ ક્યારે શીખશે.

  લાસ્ટ ફકરામાં બતાવ્યા મુજબ આજકાલ માણસ કરતાં મોબાઈલને લોકો વધારે પ્રેમ કરે છે.

 6. harikrishna patel says:

  perfect article.

 7. અશોક જાની 'આનંદ' says:

  હળવાશથી ઘણી ઉપયોગી વાત આ લેખમાં કહેવાઇ છે, મોબાઇલ આજનું અનિવાર્ય દુષણ છે આજની પેઢી તેને આભુષણ માને છે એ બીજી વાત છે.

 8. જગત દવે says:

  નવી શોધો સાથે આવા વિવાદો પણ રહેવાનાં જ…….ઉદાહરણ…….ઓટોમોબાઈલ અથવા મોટરકારની શોધ પછી તેનાં અકસ્માતો થી મરનારા માણસોની સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો તે બંને વિશ્વ-યુધ્ધમાં મરેલાં લોકોનાં સરવાળા કરતાં વધી જાય પણ તેનાંથી મોટર-કારનું ઊત્પાદન બંધ ન કરી શકાય.

  ટેકનોલોજીનાં વિકાસ સાથે માનવ-જાતે વિવેકનો પણ વિકાસ કરવો પડે જો એ ન થાય તો તે ફાયદા કરતાં નુકશાન વધારે કરે.

  ભારતમાં આમ જ થઈ રહ્યું છે….વિદેશી કારો થી બજારો ઊભરાઈ રહ્યા છે…..પણ ડ્રાઈવીંગની આવડત, ટ્રાફીક નિયમો, રસ્તાઓની હાલત વિ. માં અરાજકતા પ્રવર્તે છે. આવું જ મોબાઈલનાં ઊપયોગમાં પણ થઈ રહ્યું છે.

 9. dhiraj says:

  મોબાઈલ નો સૌથી મોટો દુર ઉપયોગ
  સાહેબ મિટિંગ માં હોય તો મળી ના શકાય પણ જે કઈ પૂછવું હોય તે મોબાઈલ પર પૂછી લો એમાં કોણ ના પડે છે ?

 10. નિરવ says:

  હું પોતે એક મોબાઈલ enginear છું, અને આ વાત ને આગળ વધારતા કહી શકું કે બને એટલો મોબાઈલ ઓછો વાપરજો . . .
  મોબાઈલ સાથે આખો દિવસ રેહવાથી ધીમે ધીમે તમારો સ્વભાવ ચીડિયો થઇ જાય છે અને રાત્રે નીંદર માં પણ તકલીફ પડે છે . . .

  બની શકે તો નાના ભૂલકાઓ થી મોબાઈલ ને દુર રાખજો . . .
  નાનું બાળક mobail માં ફોટો પડે એ ગર્વ ની વાત ભલે લગતી હોય પણ એ તેમના માટે જરા પણ સલાહભર્યું નથી . . .

  • hiral says:

   સાચી વાત છે. આખો દિવસ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની વચ્ચે રહેવું બિલકુલ હિતાવહ નથી જ.

 11. nayan panchal says:

  સરસ મજાનો લેખ.

  આજે ઘણા લોકો નોમોફોબિયાથી (જેવી રીતે ગુજરાતી કોંગ્રેસ નમોફોબિયાથી પીડાય છે) પીડાવા માંડ્યા છે. અઠવાડિયે-પંદર દિવસે એક દિવસ ‘નો મોબાઈલ’ દિવસ તરીકે જીવવાની ટેવ પાડવી જોઇએ. આવુ જ ઇન્ટરનેટનુ પણ છે.

  ખૂબ આભાર,
  નયન

 12. જય પટેલ says:

  મોબાઈલ ફોન….ટર્ન આઉટ ધ મોસ્ટ સીવિલાઈઝડ ન્યુસન્સ.

  વિજ્ઞાનની આ નવતર શોધ આશિર્વાદ કરતાં હવે અડચણરૂપ વધારે સાબિત થઈ રહી છે.
  બસ…ટ્રેનમાં પ્રવાસ દરમ્યાન સાથી મુસાફરોનો લ્યુનેટિક બકવાસ…સાંભળવાની સજા માટે તૈયાર રહેવું પડે.
  સામાન્ય પ્રજા માટે કોઈપણ સુવિધાનો વિવેક પૂર્ણ ઉપયોગ આસમાની ખ્વાબ છે.
  મોબાઈલ કંપનીઓ પ્રજા હૂક-અપ થઈ જાય તેમ ઈચ્છે તે સ્વાભાવિક છે.

  આપણે ભારતીયો રૂગ્ણાલય….સ્મશાન…મંદિર જેવા સ્થળે તેની ઓળખ જાળવી રાખવા ગંભીર નથી.
  મોબાઈલ ફોનનો વિવેક પૂર્ણ ઉપયોગ માટે પ્રિ-પેઈડ…રિચાર્જેબલ વાઉચર જેવા ઉપાયો અજમાવી શકાય.
  પ્રિ-પેઈડ કાર્ડ સ્વંય શિસ્ત લાદવાનું કામ કરશે..!!

 13. There are advantages as well as disadvantages -one should look at advantages – in case of emergency-mobile helps lot. During earthquake, natural disasters like floods, fire, accidents or cardiac arrest or for any matter -mobile number always helps a lot.

  Similarly, some may misuse it -for terrorism or spreading rumors – believe in GOD and pray to almighty to give
  them good sense – what you do – it becomes your karma and THEN GOOD KARMA BEGETS GOOD LIFE,
  yBAD KARMA BEGETS BAD LIFE WITH PUNISHMEWNT IN DIFFERENTY.

  yOURS -nARENDRA sHAH -jAI sRI KRISHNA AND JAI JINENDRA

 14. babu bhai darbar says:

  This story is good young man must read it and think on it.

 15. જગત દવે says:

  મોબાઈલ ક્રાંતિ દેશના ખેડૂતોને પણ ફળી.
  નાના ખેડૂતોને મોબાઈલ દ્વારા ખેતીને લગતી જાણકારી મળતી થઈ હોવાને કારણે તેમની સ્થિતિમાં સુધારો જોવાયો છે અને ખેતીને પણ સારો એવો લાભ થયો છે. જોકે , હજુ તેમાં વધુ સુધારા લાવવા તેમજ તેને વ્યાપક સ્તરે લઈ જવા માટે મહત્વપૂર્ણ પહેલની જરૂર છે. -ગુજરાતી ઈકોનોમિક ટાઈમ્સ -26 Jul 2010, 1610 hrs IST, ET Bureau

  વાંચકોની જાણકારી માટે.

 16. Vinod Mistry says:

  સરસ લેખ – ગમ્મત સાથે ગ્યાન્

 17. Hemali says:

  very good!
  I liked it so much.
  I think ” To be happy in this world, first u need a cell phone then u need an airplane. Then u are truly WIRELESS.

 18. aakash says:

  I THINK THAT THIS IS NOTHING OVER THAN A TIME PASS.

  THIS IS 100% TRUE.

 19. Ritu says:

  મોબાઈલ વિના કોઈને ચાલતુ નથી એક રીતે જોઈએ તો સારૂ છે પણ કયારેક મીટીંગમાં બેઠા હોઈએ અને કેટલાક કર્મચારીઓ તેને સાઈલ્ન્ટ મોડ પર રાખતા જ નથી અને જોર શોરથી એમની રીંગટોન વાગે છે ત્યારે પુરી મિટીંગમાં ડિસ્ટર્બ થવાય છે.

 20. yash says:

  fooltu mast che yaa……………

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.